06 May, 2015

લ કોર્બુઝિયર : કોંક્રિટની કવિતાઓ સર્જનારો 'નાઝી'


કોઈ પણ સર્જકના સર્જનની મૂલવણી તેના અંગત જીવન અને વિચારોની દૃષ્ટિએ કરી શકાય? હાલ યુરોપમાં ફરી એકવાર આ મુદ્દે ચર્ચા થઈ રહી છે. યુરોપ અને ખાસ કરીને ફ્રાંસના કેટલાક જૂથો ૨૦મી સદીના મહાન આર્કિટેક્ટ લ કોર્બુઝિયર (લા કોર્બુઝિયર કે લ કોર્બુઝિયે ઉચ્ચાર પણ કરાય છે)નું બધું જ સર્જન નકામું હોવાથી તેને ફગાવી દેવાનું કહી રહ્યા છે. આ લોકોનું કહેવું છે કે, પાઠયપુસ્તકોમાંથી લ કોર્બુઝિયરની મહાનતાની વાતોનો છેદ ઉડાવી દેવો જોઈએ તેમજ જાહેર સ્થળોએ અપાયેલું તેનું નામ પણ રદબાતલ કરવું જોઈએ. આ પાછળનું કારણ છે, લ કોર્બુઝિયરના અંગત જીવન પર પ્રકાશિત થયેલા બે પુસ્તકો. પહેલું પુસ્તક છે ઝેવિયર દ જર્સી નામના પત્રકાર-લેખકનું 'લ કોર્બુઝિયર, અ ફ્રેંચ ફાસિઝમ' અને બીજું પુસ્તક છે ફ્રેન્કોઇઝ ચેઝલિનનું 'અ કોર્બુઝિયર'.

આ બંને લેખકોએ તેમના પુસ્તકોમાં લ કોર્બુઝિયર હિટલરની નીતિઓના સમર્થક અને યહૂદીઓના વિરોધી હતા એવી વાત કરી છે. લ કોર્બુઝિયરનો નાઝીવાદ તરફનો ઝોક નવી વાત નથી પણ આ બંને પુસ્તકોમાં પુરાવા સાથે કહેવાયું છે કે, વિશ્વ જાણે છે એના કરતા તેઓ ઘણાં વધારે કટ્ટરવાદી હતા. આ લેખકોના મતે, લ કોર્બુઝિયર વર્ષ ૧૯૨૦માં પેરિસમાં કાર્યરત હિટલર સમર્થક જૂથોમાં પ્રવેશ્યા હતા. તેઓે ફ્રાંસની રિવોલ્યુશનરી ફાસિસ્ટ પાર્ટીના વડા ડો. પિયર વિન્ટરની પણ ખૂબ જ નજીક હતા. લ કોર્બુઝિયર અને વિન્ટરે વર્ષ ૧૯૪૦માં અર્બન પ્લાનિંગ વિષય પર આધારિત 'પ્લાન' અને 'પ્રિલ્યુડ' નામની બે જર્નલ પ્રકાશિત કરીને તેમાં નાઝીઓને પ્રોત્સાહન આપતા તંત્રી લેખો લખ્યા હતા. વર્ષ ૧૯૪૦માં લ કોર્બુઝિયરે તેમની માતાને લખેલા એક પત્રમાં હિટલરને યુરોપનો પુનરોદ્ધાર કરનારો 'મહાન નેતા' ગણાવ્યો હતો.


લ કોર્બુઝિયર

આ તમામ મુદ્દા સ્વીકારીએ તો પણ લ કોર્બુઝિયરના વિચારો, લખાણો, આર્કિટેકચરલ સ્ટાઈલ અને ટાઉન પ્લાનિંગ થિયરીનો વિશ્વભરમાં પડેલો પ્રભાવ નજરઅંદાજ કરી શકાય એમ નથી. યુરોપ અને અમેરિકાના ઔદ્યોગિકીકરણ વખતે આ એક જ વ્યક્તિએ વિશ્વને આર્કિટેકચરની મદદથી પણ માનવ જીવનની સુખાકારી વધારી શકાય છે એ દિશામાં વિચારવા મજબૂર કરી દીધું હતું. આપણા માટે ગૌરવની વાત છે કે, લ કોર્બુઝિયરે પચાસ વર્ષ લાંબી ઝળહળતી કારકિર્દીમાં યુરોપ, અમેરિકા તો ઠીક ભારતના અમદાવાદ સહિતના શહેરોમાં 'કોંક્રિટની કવિતા'ઓનું સર્જન કર્યું હતું.

ભારતના ભાગલા બન્યા નિમિત્ત

લ કોર્બુઝિયરે ભારતમાં જુદા જુદા પ્રકારના ૧૩ સ્થાપત્યોનું સર્જન કર્યું છે, જેમાં અમદાવાદના બે જાહેર મકાનો અને બે અંગત રહેઠાણોનો પણ સમાવેશ થાય છે. લ કોર્બુઝિયરની રસપ્રદ ભારત-યાત્રામાં ભારતના ભાગલા નિમિત્ત બન્યા હતા. લ કોર્બુઝિયરનો જન્મ છઠ્ઠી ઓક્ટોબર, ૧૮૮૭માં સ્વિત્ઝર્લેન્ડના ન્યૂ કેસલ નામના ફેડરલ સ્ટેટમાં થયો હતો, પરંતુ વર્ષ ૧૯૩૦માં તેમણે ફ્રેન્ચ નાગરિકત્વ અપનાવી લીધું હતું. તેઓ ફ્રેન્ચ નાગરિક બન્યા એ પહેલાં જ વર્ષ ૧૯૨૨માં પિતરાઈ ભાઈ પિયર જિનરેટ સાથે ભાગીદારીમાં આર્કિટેકચર સ્ટુડિયો શરૂ કરીને નામ અને દામ કમાવવા લાગ્યા હતા. વર્ષ ૧૯૨૮માં ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ મોડર્ન આર્કિટેકચર નામની સંસ્થા સ્થાપીને તેઓ જાહેર જીવનમાં પ્રવેશ્યા હતા અને આર્કિટેકચરની મદદથી લોકોનું જીવનધોરણ ઊંચુ કેવી રીતે લાવી શકાય એ મુદ્દે ક્રાંતિકારી વિચારો રજૂ કરીને વિશ્વભરમાં જાણીતા થઈ ગયા હતા. પચાસના દાયકામાં જાહેર અને વ્યવસાયિક જીવનમાં લ કોર્બુઝિયરનો સૂરજ સોળે કળાએ તપતો હતો.

આ દરમિયાન વર્ષ ૧૯૪૭માં ભારતના ભાગલા થતા પશ્ચિમ પંજાબ સહિત તેની રાજધાની લાહોર પાકિસ્તાનને ફાળે ગઈ અને ભારતસ્થિત પંજાબ રાજધાની વિનાનું થઈ ગયું. પંજાબની રાજધાની માટે તત્કાલીન વડાપ્રધાન જવાહલાલ નહેરુ 'રાષ્ટ્રની શ્રદ્ધા અને પ્રતીક'નું પ્રતિનિધિત્વ કરે એવું શહેર ઊભું કરવાનું સપનું જોતા હતા. નવું શહેર ઊભું કરવામાં નહેરુ કોઈ કચાશ રાખવા નહોતા માગતા. આ માટે દિલ્હીની ઉત્તરે ૨૪૦ કિલોમીટર દૂર બાંધકામ માટે વિવિધ વિસ્તારો પસંદ કર્યા પછી વર્ષ ૧૯૫૦માં નવું શહેર ડિઝાઈન કરવાનું કામ ભારત સરકાર દ્વારા લ કોર્બુઝિયરની ફર્મને સોંપાયું હતું. ચંદીગઢનો માસ્ટર પ્લાન લ કોર્બુઝિયરે તૈયાર કર્યો હતો. એ પછી ચંદીગઢની વિધાનસભા, રાજ્યપાલ નિવાસ, મ્યુઝિયમ એન્ડ આર્ટ ગેલેરી, આર્કિટેકચર કોલેજ, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ, ઓપન હેન્ડ મોન્યુમેન્ટ તેમજ સુખના તળાવની ડિઝાઈન કરવાનું કામ પણ લ કોર્બુઝિયરની દેખરેખમાં થયું હતું, જેમાં તેમને પિયર જિનરેટ (પિતરાઈ) સહિત મેક્સવેલ ફ્રાય અને જેન ડ્રૂ નામના આર્કિટેક્ટે આસિસ્ટ કર્યા હતા. પિયર જિનરેટે વર્ષ ૧૯૬૫ સુધી પંજાબ સરકારના ચિફ આર્કિટેક્ટ એન્ડ ટાઉન પ્લાનિંગ એડવાઈઝર તરીકે સેવા આપીને ચંદીગઢના વિકાસમાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.


લ કોર્બુઝિયર જવાહરલાલ નહેરુ સાથેચંદીગઢ વિધાનસભાચંદીગઢ હાઈકોર્ટ
  
ચંદીગઢના ડિઝાઈનિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે વર્ષ ૧૯૫૧માં અમદાવાદના પહેલા મેયર ચિમનભાઈ ચીનુભાઈએ લ કોર્બુઝિયરને 'મ્યુઝિયમ ઓફ નોલેજ'નું પ્લાનિંગ કરવા આમંત્ર્યા હતા. આ મ્યુઝિયમ એટલે પાલડીમાં આવેલું સંસ્કાર કેન્દ્ર. એ જ વર્ષે મિલ ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ સુરોત્તમ હઠીસિંગે પણ લ કોર્બુઝિયરને એસોસિયેશનનું વડું મથક બાંધવાની જવાબદારી સોંપી હતી. આ વડું મથક એટલે અમદાવાદના આશ્રમરોડ પર આવેલું આત્મા હાઉસ. આત્મા હાઉસના બાંધકામ વખતે સુરોત્તમ હઠીસિંગે પોતાનું ઘર ડિઝાઈન કરવાનું કામ પણ લ કોર્બુઝિયરને સોંપ્યું હતું. ગાંધીગ્રામ રેલવે સ્ટેશન નજીક આવેલું આ ઘર અત્યારે શોધન વિલા તરીકે જાણીતું છે. એ જ વર્ષે અંબાલાલ સારાભાઈ અને સરલાબહેન સારાભાઈના પુત્રી મનોરમા સારાભાઈએ પણ તેમના ઘરનો પ્લાન તૈયાર કરવાની જવાબદારી લ કોર્બુઝિયરને સોંપી હતી. સારાભાઈ વિલા તરીકે જાણીતું આ ઘર શાહીબાગમાં આવેલું છે. લ કોર્બુઝિયરે વિશ્વમાં ગણ્યાંગાંઠયા પર્સનલ બંગલો ડિઝાઈન કર્યા છે, જેમાંથી બે અમદાવાદમાં છે. લ કોર્બુઝિયરે અમદાવાદના આ ચારેય પ્રોજેક્ટ પર કામ કરતી વખતે શહેરની સંસ્કૃતિ, સ્થાપત્યો અને વાતાવરણથી વાકેફ થવા ઠેર ઠેર રઝળપાટ કરી હતી.

અમદાવાદમાં રખડપટ્ટી કરતી વખતે તેઓ એકવાર માણેક ચોક પણ ગયા હતા. અહીં નાનકડા ખોખા જેવી સોનીની દુકાનો જોઈને તેમને ખૂબ નવાઈ લાગી હતી. આવી એક દુકાનનું કદ માપવા તેઓ આડા સૂઈ ગયા હતા, જ્યાં તેઓ સરખી રીતે પગ પણ લંબાવી શક્યા ન હતા. સરખેજ રોઝાનું સ્થાપત્ય જોઈને લ કોર્બુઝિયર આશ્ચર્યચક્તિ થઈ ગયા હતા. સ્વિત્ઝર્લેન્ડની દસ ફ્રાંકની ચલણી નોટ પર જે વ્યક્તિની તસવીર છે એને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નેતાએ અમદાવાદમાં સરકારી યોજના અંતર્ગત કામ સોંપ્યું એ તત્કાલીન નેતાઓની કોઠાસૂઝ દર્શાવે છે. લ કોર્બુઝિયરે ચંદીગઢ અને અમદાવાદમાં કરેલા તમામ બાંધકામોમાં સ્થાનિક વાતાવરણ અને હવામાનનું ખાસ ધ્યાન રાખ્યું હતું. તેઓ બાંધકામની બાહ્ય સુંદરતાની સાથે તેની ઉપયોગિતા પર પણ એટલો જ ભાર મૂકતા હતા. લ કોર્બુઝિયરે અમદાવાદમાં ડિઝાઈન કરેલા ચારેય મકાનોમાં સૂર્યપ્રકાશ, હવા, જમીન અને ચોમાસાની ઋતુને ખાસ ધ્યાનમાં રાખ્યું હતું. તેમણે મૂકેલી એક એક ઈંટ પાછળ કોઈ કારણ રહેતું, જેના પર આજેય સંશોધનો થઈ રહ્યા છે.

અત્યંત કુશળ ટાઉન પ્લાનર

વીસમી સદીમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ ચરમસીમાએ હતી. ઔદ્યોગિક ક્રાંતિને પગલે પેરિસ જેવા શહેરોમાં રહેઠાણોની અછત સર્જાઈ હતી અને ઝૂંપડપટ્ટીઓનો પ્રશ્ન ગંભીર બની ગયો હતો. લ કોર્બુઝિયરનું કહેવું હતું કે, આર્કિટેકચરની મદદથી નીચલા મધ્યમ વર્ગનું જીવન-ધોરણ ઊંચુ લાવી શકાય છે. આ મુશ્કેલીના ઉપાયરૂપે તેમણે વર્ષ ૧૯૨૨થી જ કેટલાક હાઉસિંગ પ્રોજેક્ટ શરૂ કર્યા હતા, જેમાં એક ઊંચી બિલ્ડિંગની અંદર દરેક પરિવારને સ્વતંત્ર એપાર્ટમેન્ટમાં મોકળાશ ધરાવતો લિવિંગ રૂમ, બેડ રૂમ, કિચન અને ગાર્ડન ટેરેસ મળે એવી ડિઝાઈન તૈયાર કરી હતી. ૧૯૨૦ના દાયકામાં લ કોર્બુઝિયરે વિવિધ શહેરોનો ઊંડો અભ્યાસ કરીને ૩૦ લાખ ઘરવિહોણા લોકો માટે 'કન્ટેમ્પરરી સિટી' યોજના રજૂ કરી હતી, જેમાં તેમણે ૬૦ માળના બિલ્ડિંગોની આસપાસ તમામ સુવિધા ધરાવતું નાનકડું સિટી ઊભું કરવાની વાત કરી હતી. આજથી નવેક દાયકા પહેલાં લ કોર્બુઝિયરે માનવ જરૂરિયાતના તમામ સુવિધાની સાથે મહાકાય બિલ્ડિંગોની છત પર એરપોર્ટની કલ્પના કરી હતી. બીજા વિશ્વયુદ્ધ વખતે લ કોર્બુઝિયરે પેરિસની આસપાસ નાના પાયે કોમર્શિયલ હાઉસિંગ પ્રોજેક્ટ શરૂ કર્યા હતા, જેમાં ફ્રાંસના માર્સેઇ શહેરમાં 'યુનાઇટ દ હેબિટેશન' પ્રોજેક્ટ સૌથી વધુ જાણીતો છે. ૧૨ માળના આ બિલ્ડિંગમાં લ કોર્બુઝિયરે કુલ ૩૩૭ એપાર્ટમેન્ટ ડિઝાઈન કર્યા છે, જેમાં તમામ સાધન-સુવિધાની સાથે સુંદર ટેરેસ પર સ્વિમિંગ પુલ અને ઓપન એર થિયેટર પણ છે.


‘યુનાઈડ દ હેબિટેશન’ના એક એપાર્ટમેન્ટમાં આર્ટિસ્ટ સ્ટુડિયો, સ્વિમિંગ પુલ અને પાછળ કલાત્મક ચિમની.

જોકે, ટાઉન પ્લાનિંગની દૃષ્ટિએ લ કોર્બુઝિયરનું કામ ખૂબ નાના પાયે થઈ રહ્યું હતું, પરંતુ આ થિયરીનો સંપૂર્ણ અમલ કરવાની તક તેમને ચંદીગઢમાં મળી હતી. ચંદીગઢને તેમણે જુદા જુદા સેક્ટરમાં વિભાજિત કરીને ડિઝાઈન કર્યું હોવાથી શહેરીકરણની મોટા ભાગના મુશ્કેલીઓ આજેય તેને સ્પર્શી શકી નથી. ગુજરાતની રાજધાની ગાંધીનગરનું ડિઝાઈનિંગ પ્રકાશ આપ્ટે અને એચ.કે. મેવાડાએ આ જ થીમ પર કર્યું છે. આ બંને આર્કિટેક્ટે ચંદીગઢના પ્લાનિંગ વખતે લ કોર્બુઝિયરની ટીમમાં એપ્રેન્ટિસ તરીકે સેવા આપી હતી. ભવિષ્યમાં ટ્રાન્સપોર્ટેશનનું મહત્ત્વ ખૂબ વધી જશે એ વાત દાયકાઓ પહેલાં લ કોર્બુઝિયર સમજી ગયા હતા. આ કારણોસર તેમની દરેક યોજનામાં ટ્રાન્સપોર્ટેશનને ખાસ મહત્ત્વ અપાતું. મહાકાય બિલ્ડિંગો ડિઝાઈન કરવા બદલ કોર્બુઝિયરની ટીકા પણ થઈ હતી કારણ કે, આ પ્રકારના મકાનો રાહદારીઓ માટે અત્યંત કંટાળાજનક હોય છે. જોકે, એ જમાનામાં લ કોર્બુઝિયરનો હેતુ શહેરીકરણને લીધે સર્જાતા ઘરવિહોણા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાનો હતો. તેઓ ૨૭મી ઓગસ્ટ, ૧૯૬૫માં ૭૭ વર્ષની વયે અવસાન પામ્યા ત્યાં સુધી ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણની મુશ્કેલીઓને આર્કિટેકચરની મદદથી હળવી કરવાની થિયરી રજૂ કરતા રહ્યા હતા.

એવું કહેવાય છે કે, મૂડીવાદના કારણે ઊભી થયેલા પ્રશ્નો વિશે વિચારીને જ લ કોર્બુઝિયર અતિ-જમણેરી જૂથો તરફ ઢળ્યા હતા. સામાન્ય વ્યક્તિનો વિચાર કરીને ઈનોવેટિવ થિયરી આપનારા આ આર્કિટેક્ટ હિટલરની તરફદારી કરતા હતા એ તેમના વ્યક્તિત્વનું વિરોધાભાસી પાસું છે. આમ છતાં, વીસમી સદીના મહાન આર્કિટેક્ટ તરીકે લ કોર્બુઝિયરને ભૂંસવા અશક્ય છે. 

1 comment:

  1. દરેક માણસના વ્યક્તિત્વના વિવિધ પાંસા હોય છે, બે પાંસા વચ્ચે વિરોધાભાસ પણ હોય છે. સર્જકનું મૂલ્યાંકન તેના સર્જનથી જ થવું જોઇએ. સર્જન-કૃતિ સાથે સંમત થનારો માણસ સર્જકના અંગતજીવન સાથે સંમત હોય કે તેના અંગત જીવનનો ચાહક કે વિચારોનો અનુયાયી હોય તે જરૂરી નથી. અંગત જીવન વચ્ચે વિરોધાભાસ તો બધે જ જોવા મળે છે. રામાયણનો વિલન રાવણ શિવનો પરમ ભક્ત હતો અને તેણે રચેલું શિવતાંડવ સ્રોત્ર તેની ભક્તિની પરાકાષ્ઠા દર્શાવે છે. આજે પણ ‌શિવભક્તો શિવતાંડવનું ભાવભેર ગાયન કરે છે, પણ તેઓ રાવણના અંગતજીવનના સમર્થક નથી કે અંગત જીવનને ધ્યાનમાં લઈને તેની કૃતિને વખોડતા નથી. આ બંને અલગ બાબતો છે. કોર્બુઝિયર કટ્ટર નાઝી હતો, યહૂદીઓનો વિરોધી કે હિટલરનો અનુયાયી હતો તે વાત તેના સર્જનની મૂલવણી વખતે અસ્થાને છે અને તેના સર્જન કે તેની સર્જક તરીકેની ખ્યાતિને રદબાતલ કરવાની વાત મુર્ખાઈ ભરેલી છે. કર્બુઝિયરનો વિરોધ કરનારા કદાચ સામેના છેડાના કટ્ટરવાદીઓ ન ગણી શકાય? ખૂબ ખૂબ સરસ આર્ટિકલ...

    ReplyDelete