યુક્રેનમાં સર્જાયેલા રાજકીય
સંકટ વિશે ભારતે પહેલીવાર પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું છે કે, “રશિયાને ક્રિમીઆમાં રસ લેવાનો કાયદેસરનો હક્ક છે.” આ દરમિયાન ભારતે યુક્રેનમાં રહેતા પાંચેક
હજાર ભારતીયો વિશે પણ ચિંતા વ્યક્ત કરી છે, પણ રશિયા મુદ્દે
મગનું નામ મરી નથી પાડ્યું. યુક્રેનમાં વસતા પાંચ હજાર ભારતીયોમાં ચારેક હજાર
વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. રશિયન લશ્કરે યુક્રેનના ઓટોનોમસ રિપબ્લિક ઓફ ક્રિમીઆ નામના વિસ્તાર પર કબજો કર્યો ન હતો ત્યાં સુધી સરેરાશ ભારતીય યુક્રેન વિશે ખાસ કંઈ જાણતો ન હતો. રશિયાના આ લશ્કરી પગલાંથી અમેરિકા અને યુરોપના દેશોને
આંચકો લાગ્યો છે અને ધારણા પ્રમાણે જ તેઓ લશ્કરી કાર્યવાહી અટકાવવા રશિયા પર દબાણ
કરી રહ્યા છે. પશ્ચિમી દેશો રશિયા પર આકરા આર્થિક પ્રતિબંધો મૂકવાની ધમકી આપી રહ્યા
છે પણ રશિયાનું વલણ જોતા એવું લાગે છે કે આ બધી વાતો રશિયાએ એક કાનેથી સાંભળીને
બીજા કાનેથી બહાર કાઢી નાંખી છે. આ સ્થિતિમાં વિશ્વમાં ફરી એકવાર શીતયુદ્ધના મંડાણ
થશે એવી ગર્ભિત ચેતવણી ઉચ્ચારાઈ રહી છે.
જોકે, હાલના રશિયાની
આર્થિક સ્થિતિ તેને અમેરિકા સામે શીતયુદ્ધમાં ઉતરવા દે એ અશક્ય છે. આ મુદ્દે વાત
કરતા પહેલાં રશિયા અને યુક્રેન વચ્ચેની મુશ્કેલીની શરૂઆત કેવી રીતે થઈ એ જાણવું
જરૂરી છે. યુક્રેનની પૂર્વ અને ઉત્તરપૂર્વીય સરહદો રશિયા સાથે વહેંચાયેલી છે,
જ્યારે પશ્ચિમે બેલારુસ, પોલેન્ડ, સ્લોવેકિયા અને હંગેરી જેવા નાનકડા યુરોપિયન
દેશો છે. યુક્રેનની દક્ષિણ-પૂર્વે ઓટોનોમસ રિપબ્લિક ઓફ ક્રિમીઆ નામનો વિસ્તાર છે.
આ વિસ્તારમાં રશિયન લોકોની સુરક્ષાને લઈને રશિયા યુક્રેનની આંતરિક બાબતોમાં દખલગીરી
કરે છે. ક્રિમીઆના કારણે રશિયા અને યુક્રેનના સંબંધો તણાવગ્રસ્ત રહે છે. ક્રિમીઆ પેનિન્સુલા (દ્વીપકલ્પ) તરીકે ઓળખાતો આ વિસ્તાર દરિયાઈ સરહદો પર મજબૂત વર્ચસ્વ રાખવા ભૌગોલિક રીતે ખૂબ જ મહત્ત્વનો છે. આ વિસ્તારમાંથી રશિયા ભૂમધ્ય સમુદ્ર, એટલાન્ટિક
સમુદ્ર અને કાળો સમુદ્ર એમ ત્રણેય તરફ નજર રાખી શકે છે.
રશિયા, યુક્રેન અને ક્રિમીઆની સરહદો દર્શાવતો નકશો |
વર્ષ 1954માં સોવિયેત
સંઘના પ્રમુખ નિકિતા ખુશ્ચોવે કેટલાક કરારો હેઠળ ક્રિમીઆનો હવાલો યુક્રેનને સોંપી દીધો હતો. સોવિયેત સંઘના વિઘટન વખતે ક્રિમીઆમાં રશિયનોની બહુમતી હોવા છતાં એ વિસ્તાર યુક્રેનનો જ હિસ્સો રહ્યો. અત્યારે ક્રિમીઆમાં 58 ટકાથી વધુ વસતી રશિયનોની અને 25
ટકા વસતી યુક્રેનિયનોની છે, જ્યારે ક્રિમીઆના મૂળ ટાટાર લોકોની વસતી માંડ 12 ટકા
છે. આ લઘુમતી પ્રજાને મોટે ભાગે રશિયનોની દાદાગીરી સહન કરવી પડે છે. આજે પણ ક્રિમીઆમાં રશિયનોનો બહુ મોટો વર્ગ ક્રિમીઆને રશિયાનો હિસ્સો ગણાવવા આતુર છે.
વર્ષ 1944માં જોસેફ સ્ટાલિનના હુકમને પગલે લાખો ટાટારોએ ક્રિમીઆ છોડીને સામૂહિક
રીતે મધ્ય એશિયા તરફ સ્થળાંતર કરવું પડ્યું હતું. આ દરમિયાન સોવિયેત સંઘના
સમર્થકોએ ટાટારોની સામૂહિક હત્યા કરી હોવાનું કહેવાય છે. ક્રિમીઆમાં રશિયાના સમર્થકો
અને યુક્રેન સાથે જોડાઈ રહેવા માગતા ક્રિમીઆના લોકો વચ્ચે નાનો-મોટો સંઘર્ષ ચાલતો
રહે છે. આ વખતે પણ રશિયન સરકારે રશિયનોની સુરક્ષાનું બહાનું આગળ ધરીને ક્રિમીઆની
આંતરિક બાબતોમાં દખલગીરી કરીને યુક્રેન સરકારને બાનમાં લેવાની કોશિષ કરી હતી.
રશિયાનું કહેવું છે કે,
“યુક્રેનમાં શાંતિ અને કાયદાની વ્યવસ્થા જાળવી રાખવા માટે યુક્રેનના પ્રમુખ વિક્ટર
યાનુકોવિચે જ અમને વિનંતી કરી હતી.” જે દેશનો વડાપ્રધાન પોતાના દેશના લશ્કર કે
અનામત દળોની મદદ લેવાના બદલે પાડોશી દેશ જોડે લશ્કરી મદદ લે તેના પર શંકા થવી સ્વાભાવિક
છે. આ કારણોસર જ વિક્ટર યાનુકોવિચ રશિયાની કઠપૂતળી છે એવું જાહેર થઈ ગયું અને તેમણે
દેશ છોડીને ભાગી જવું પડ્યું છે. વિક્ટર યાનુકોવિચ હજુ પણ પોતાને યુક્રેનના
કાયદેસરના પ્રમુખ ગણાવી રહ્યા છે અને તેમને રશિયાનું પણ સમર્થન છે. રશિયા હજુ પણ
એક જ વાતનું રટણ કરી રહ્યું છે કે, યુક્રેનમાં જ્યાં સુધી રાજકીય સ્થિરતા નહીં
સ્થપાય ત્યાં સુધી રશિયન દળો ત્યાં જ રહેશે.
એક સમયે રશિયાની જાસૂસી
સંસ્થા કેજીબીના વડાનો હોદ્દો શોભાવી ચૂકેલા રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન સામ્રાજ્યવાદી
નીતિઓના કારણે કુખ્યાત છે. રશિયા તો ઠીક પાડોશી દેશોમાં પણ પોતાને કટ્ટર રાષ્ટ્રવાદી
અને સોવિયેત સંઘ વખતની ‘રશિયન ગ્લોરી’ના પુરસ્કર્તા તરીકે ઓળખાવામાં વ્લાદિમિર
પુતિન બિલકુલ નાનમ નથી અનુભવતા. એકવાર તેમણે જાહેર મંચ પરથી જ કહ્યું હતું કે, સોવિયેત
સંઘ વખતના જે દેશો રશિયા સાથે જોડાવવા ઈચ્છતા હોય તેને પ્રોત્સાહિત કરવા એ રશિયાની
ફરજ છે. નવાઈની વાત તો એ છે કે 16મી માર્ચ, 2014ના રોજ ક્રિમીઆએ એક રેફરન્ડમ
(લોકમત)નું પણ આયોજન કરી દીધું છે, જે અંતર્ગત ક્રિમીઆએ રશિયન ફેડરેશનમાં જોડાવવું
છે કે યુક્રેનનો જ હિસ્સો બન્યા રહેવું છે એ નિર્ણય કરવો પડશે.
વ્લાદિમિર પુતિન |
રશિયા જેવો સામ્રાજ્યવાદી
દેશ પાડોશી દેશ સાથે લશ્કરી કાર્યવાહી કરે અને અમેરિકા કે યુરોપિયન દેશોના પેટમાં
તેલ ના રેડાય તો જ નવાઈ. અમેરિકાની સાથે બ્રિટન, ફ્રાંસ, જર્મની, ઈટાલી, પોલેન્ડ,
કેનેડા અને યુરોપિયન દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદાકાનૂન તોડવા બદલ રશિયન સરકારની
ઝાટકણી કરી છે. પરંતુ ભારત અને ચીને સ્વાભાવિક રીતે જ રશિયાને ભાંડવાના બદલે
યુક્રેનની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને રશિયાની લશ્કરી કાર્યવાહી મુદ્દે અસ્પષ્ટ
નિવેદનો આપ્યા છે. અમેરિકાએ રશિયનોને વિઝા આપવા અંગે કેટલાક પ્રતિબંધો જાહેર કર્યા
છે, પરંતુ આર્થિક પ્રતિબંધો મૂકવાની ફક્ત ધમકીઓ અપાઈ રહી છે. અમેરિકા અને રશિયા
વચ્ચે શીતયુદ્ધ થવાના એંધાણ હોય એમ અમેરિકા અને યુરોપના દેશો ભારતને રશિયા પ્રત્યે
તેનું વલણ સ્પષ્ટ કરવાનું કહી રહ્યા છે, પરંતુ ભારતે લાંબા ગાળાનો વિચાર કરીને
પોતાનું ‘અસ્પષ્ટ વલણ’ જાહેર કરી દીધું છે.
હાલના વૈશ્વિક સંજોગોમાં
અમેરિકા અને રશિયા વચ્ચે શીતયુદ્ધનો ડર જ અસ્થાને છે, પણ ભારતે અમેરિકા કે રશિયા
સાથેના વેપારી અને વ્યૂહાત્મક સંબંધો જાળવી રાખવા જરૂરી છે. આજના રશિયાનું
અર્થતંત્ર શેરબજાર પર નિર્ભર છે. રશિયાનો વિકાસ દર આમ પણ ઘણો જ મંદ છે અને
વ્લાદિમિર પુતિન સહિતના તમામ રશિયન નેતાઓ પર રશિયાને ફરી એકવાર બેઠું કરવાનું દબાણ
છે. રશિયાએ યુક્રેનમાં કરેલી મિલિટરી કાર્યવાહીના કારણે આરટીએસ નામે ઓળખાતો રશિયન
શેરબજારનો ઈન્ડેક્સ 12 ટકા જેટલો ગબડી ગયો હતો. આ આંક ગબડવાના કારણે રશિયાને 60
બિલિયન ડૉલર જેટલું નુકસાન થયું હતું, જેનું મૂલ્ય સોચી ઓલિમ્પિકમાં કરેલા ખર્ચ
કરતા પણ વધારે ગણાય. અમેરિકાના વૉશિંગ્ટનસ્થિત આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે, આરટીએસમાં
12 ટકાનું જંગી ગાબડું પડ્યા પછી રશિયાએ યુક્રેનમાં મિલિટરી કાર્યવાહી પર કાબૂ
રાખવા માટે મન મનાવી લીધું હોવાનું પણ કહેવાય છે.
સોવિયેત સંઘના યુગમાં
શેરબજારની કોઈ પરવા કરાઈ ન હતી. સોવિયેત યુગની નિષ્ફળતા પાછળ તેના આર્થિક વિચારોની
સંકુચિતતા પણ એક મોટું પરિબળ હતું. એ વખતની લડાઈ મૂડીવાદ વિરુદ્ધ સામ્યવાદની હતી,
જ્યારે અત્યારે એવું નથી. રશિયાનો ઈતિહાસ કહે છે કે, સોવિયેત સંઘના તત્કાલીન
પ્રમુખ મિખાઈલ ગોર્બાચોવ સોવિયેત અર્થશાસ્ત્રીઓથી પ્રભાવિત હતા અને તેમણે પણ ગોર્બાચોવને
ચેતવણી આપી હતી કે, જો સોવિયેત સંઘમાં ખૂબ ઝડપથી આર્થિક સુધારાને વેગ આપવામાં નહીં
આવે અને વૈશ્વિક અર્થતંત્ર સાથે કદમ મિલાવવામાં નહીં આવે તો સોવિયેત અર્થતંત્રનું
કદ દક્ષિણ કોરિયા કરતા પણ નાનું થઈ જશે. વર્ષ 1917માં રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ
થઈ ત્યારથી શેરબજારોની હાલત કફોડી હતી, પણ વર્ષ 1990માં મિખાઈવ ગોર્બાચોવે મોસ્કોમાં
પદ્ધતિસરના સ્ટોક એક્સચેન્જની સ્થાપના કરીને વિદેશી મૂડીરોકાણ આકર્ષવાના પ્રયાસ
શરૂ કર્યા હતા. સોવિયેત સંઘમાં વિશ્વ વેપારને લઈને પણ ખાસ કોઈ મુશ્કેલી ન હોવાથી
અમેરિકા સાથેનું શીતયુદ્ધ પ્રમાણમાં સરળ હતું.
છેક વર્ષ 1985 સુધી રશિયાનો
વિદેશી વેપાર કુલ ઘરેલુ ઉત્પાદનના માંડ ચાર ટકા જેટલો હતો અને એ વેપાર પણ પૂર્વીય
યુરોપના નાના નાના સામ્યવાદી દેશો પૂરતો મર્યાદિત હતો. જ્યારે આજે રશિયાનું
અર્થતંત્ર એવી અનેક મહાકાય કંપનીઓ પર નિર્ભર છે, જેના મોટા ભાગના શેર રશિયન
ફેડરેશન પાસે છે અને આ કંપનીઓના શેરોનું ટ્રેડિંગ બ્રિટન, અમેરિકા અને જર્મની અને ફ્રાંસના
શેરબજારોમાં થાય છે. રશિયાની ઊર્જા ક્ષેત્રની ગેઝપ્રોમ પણ આવી જ એક કંપની છે, જેના
અડધાથી પણ વધારે શેરહોલ્ડર અમેરિકન છે. રશિયાની આવી અનેક કંપનીઓ અને બેંકો વૈશ્વિક
અર્થતંત્ર સાથે જોડાયેલી છે. ફોર્બ્સની યાદી પ્રમાણે, આજે રશિયામાં 111 બિલિયોનેર
છે, પણ સોવિયેત સંઘમાં આર્થિક રીતે આટલા મજબૂત લોકોની સંખ્યા જૂજ હતી. બિલિયોનેરોની
સંખ્યાની દૃષ્ટિએ રશિયાનો ક્રમ અમેરિકા અને ચીન પછી ત્રીજો છે. અનેક રશિયન
બિલિયોનેર વ્લાદિમિર પુતિન સાથે અંગત સંબંધ ધરાવે છે. અમેરિકાના વિઝા પ્રતિબંધોનું
સૌથી વધુ નુકસાન આ લોકોને જ થઈ રહ્યું છે અને તેઓ તરફથી પણ પુતિન પર દબાણ ના આવે
એવું શક્ય જ નથી.
આવી સ્થિતિમાં શીતયુદ્ધની
કોઈ શક્યતા જ નથી. સોવિયેત સંઘ વખતે કદાચ વૈશ્વિક અર્થતંત્રનો મુદ્દો એટલું
મહત્ત્વ ધરાવતો ન હતો, પરંતુ આજનું વિશ્વ ઘણું આગળ નીકળી ગયું છે. આજના યુદ્ધોમાં
અર્થતંત્રનું તત્ત્વ સર્વોપરી છે અને વેપારી સંબંધો જાળવી રાખવા એ મોટા ભાગના
દેશોની મજબૂરી છે. વળી, રશિયાની અડધાથી પણ વધારે નિકાસ યુરોપમાં થાય છે. આ નિકાસનો
ત્રીજો ભાગ ઓઈલ અને ગેસનો છે, જેમાંથી રશિયા તગડી કમાણી કરે છે. જો યુરોપ રશિયા
પાસેથી ઓઈલ કે ગેસ ખરીદવાનું બંધ કરી દે તો પણ રશિયાને 100 બિલિયન ડૉલરનું નુકસાન
થઈ શકે છે અને આ નિર્ણય રશિયાના અર્થતંત્ર માટે જીવલેણ નીવડી શકે છે. યુક્રેન
મુદ્દે જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કલે કહ્યું હતું એમ વ્લાદિમિર પુતિન કદાચ
‘બીજી દુનિયામાં જીવે’ છે, પણ એ વાતમાં કોઈ શંકા નથી કે, પુતિન યુક્રેન તરફના
પોતાના વલણમાં કોઈ ફેરફાર ના કરે તો પણ અમેરિકા અને રશિયાનું શીતયુદ્ધ શરૂ થવાની
કોઈ શક્યતા નથી.
મજબુત પુરાવા અને એક્દમ બારીકાઇભરી છણાવટ સાથે લખાયેલો લેખ..
ReplyDeleteથેંક્સ શ્વેત. કીપ રીડિંગ, કીપ શેરિંગ :)
Delete