એક તરફ ભારતીય સેનામાં હુંસાતુંસી, આત્મહત્યા જેવા દુષણો અને હત્યા જેવી ગંભીર
ગુનાખોરીએ જોર પકડ્યું છે અને બીજી તરફ, જૂનીપુરાણી ટેક્નોલોજીના કારણે અકસ્માતોનું
પ્રમાણ પણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. એવું કહેવાય છે કે, ભારતીય સેના અત્યારે
સૌથી ખરાબ કાળમાંથી પસાર થઈ રહી છે. નવી દિલ્હીમાં 14મી ઓગસ્ટ, 2013ના રોજ 67માં
સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારી ચાલી રહી હતી ત્યારે જ આઈએનએસ સિંધુરક્ષક નામની
સબમરિને જળસમાધિ લઈ લીધી હતી અને હવે 26મી ફેબ્રુઆરીએ સિંધુ ફેમિલીની આઈએનએસ
સિંધુરત્ન સબમરિન સાથે પણ આવો અકસ્માત થતા રહી ગયો. નવાઈની વાત એ છે કે, આ બંને
સબમરિનના બેટરી કમ્પાર્ટમેન્ટમાં ખામી સર્જાઈ હતી, પરંતુ સદનસીબે સિંધુરત્ન ડૂબી જતા
બચી ગઈ અને મોટી જાનહાનિ ના થઈ.
સિંધુરક્ષક સબમરિન દરિયામાં ડૂબી ગઈ ત્યારે ઓન બોર્ડ હાજર નૌકા દળના 18 અધિકારીઓના
મૃત્યુ થયા હતા. જ્યારે સિંધુરત્ન સબમરિનના બેટરી કમ્પાર્ટમેન્ટમાં ગેસ લિકેજની
દુર્ઘટના થઈ ત્યારે બે અધિકારીના ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયા પણ ત્યાં હાજર અન્ય સાત
અધિકારીને હેલિકોપ્ટરની મદદથી બચાવી લેવાયા હતા. સિંધુરક્ષકે જળસમાધિ લીધી ત્યારે
સંરક્ષણ મંત્રી એ.કે. એન્ટની હતા અને અત્યારે પણ એ.કે. એન્ટની જ સંરક્ષણ મંત્રી
તરીકે ફરજ બજાવી રહ્યા છે. ભારતીય સેનાના વડાઓ આધુનિકીકરણની વાત કરે છે ત્યારે
રાજકારણીઓ તેમની વાતને સિફતપૂર્વક ભૂલાવી દે છે. સેનાના વિમાન, સબમરિન કે વહાણ
સાથે થયેલો અકસ્માત મોટો છે કે નાનો તેને માપવાની ફૂટપટ્ટી તેમાં કેટલા સૈનિકોનું
મૃત્યુ થયું એ નથી હોતો એ વાત કદાચ રાજકારણીઓ ભૂલી જાય છે.
એ.કે. એન્ટની અને ડી.કે. જોશી |
સિંધુરત્નમાં ભલે બે સૈનિકોનું મૃત્યુ થયું એ પણ અત્યંત ગંભીર વાત છે. કારણ કે, છેલ્લાં અનેક વર્ષોથી ભારતીય સેનામાં જૂનાપુરાણી ટેક્નોલોજીના કારણે જવાનો કમોતે મરી રહ્યા છે. સિંધુરત્ન અને સિંધુરક્ષક પહેલાં ભારતીય સેના આઈએનએસ એરાવત, ગાઈડેડ મિસાઈલ ફ્રિગેટ આઈએનએસ બેટવા, આઈએનએસ સિંધુઘોષ, આઈએનએસ તલવાર અને આઈએનએસ કોંકણ જેવા અનેક વાહનોમાં નાના-મોટા અકસ્માતોનો સામનો કરી ચૂકી છે. આ મુદ્દાની મીડિયામાં ચર્ચા થાય અને જાડી ચામડીના રાજકારણીઓના પેટનું પાણી હલે એટલા માટે જ નૌકા દળના વડા એડમિરલ ડી.કે. જોશીએ ‘નૈતિક જવાબદારી’ સ્વીકારીને તાત્કાલિક રાજીનામું આપી દીધું છે. ડી. કે. જોશીની છાપ નૌકા દળના બાહોશ અને ગંભીર અધિકારી તરીકેની છે અને એક સૈનિક તરીકે પણ તેઓ ઉજ્જવળ રેકોર્ડ ધરાવે છે. નવાઈની વાત તો એ છે કે, એ.કે. એન્ટનીએ ભારતીય સેનાના અધિકારીઓ અને જવાનોનું મનોબળ વધારતા બે શબ્દો કહેવાના બદલે ડી.કે. જોશીનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે અને ગોખેલું નિવેદન આપીને ઘરભેગા થઈ ગયા છે.
હજુ નવેમ્બર 2013માં સંરક્ષણ મંત્રી એ.કે. એન્ટનીએ ભારતીય સેનામાં અકસ્માતોને
પગલે કમોતે મરતા સૈનિકો અંગે કહ્યું હતું કે, દેશની આ મૂલ્યવાન સંપત્તિ (સૈનિકો)ને
આવી રીતે વેડફવા નહીં દેવાય... જોકે, બધા જ સંરક્ષણ મંત્રીઓ આવા નિવેદન તો આપે છે
પણ પછી કેન્દ્ર સરકાર કે સંરક્ષણ મંત્રાલય દ્વારા ભારતીય સેનાને આધુનિક વાહનો અને
અન્ય શસ્ત્રસરંજામ આપવા માટે કોઈ ગંભીર પ્રયાસ કરાતા નથી. એટલું જ નહીં, છેલ્લાં
કેટલાક વર્ષોમાં તો કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયાના અહેવાલોમાં પણ
કહેવાયું છે કે, સૈન્યના આધુનિકીકરણમાં મોડું થઈ રહ્યું હોવાથી ભારતીય નૌકા દળની
તાકાત સતત ઘટી રહી છે. ભારતમાં સેના માટે વિવિધ પ્રકારના શસ્ત્રસરંજામની ખરીદીની
મંજૂરી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ આપે છે અને આ કાઉન્સિલના અધ્યક્ષ હોદ્દાની રૂએ
સંરક્ષણ મંત્રી જ હોય છે. આ કાઉન્સિલની મંજૂરી પછી જ ભારતીય સેનાની ત્રણેય પાંખ
માટેના શસ્ત્રસરંજામની ખરીદી કરવામાં આવે છે.
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના વર્ષ 2008-09ના અહેવાલમાં પણ સબમરિનની
બેટરીમાં સર્જાતી ખામીને ગંભીરતાથી લેવામાં આવી હતી. આ અહેવાલમાં કહેવાયું હતું
કે, “સબમરિન માટેની બેટરી મોનિટરિંગ સિસ્ટમની ખરીદ પ્રક્રિયા ઝડપથી થવી જોઈએ અને આ
કામમાં અયોગ્ય રીતે મોડું થઈ રહ્યું છે...” આ અહેવાલને સંરક્ષણ મંત્રાલયે
ગંભીરતાથી કેમ ના લીધો? સિંધુરત્ન
સબમરિનમાં પણ બેટરી કમ્પાર્ટમેન્ટમાં જ આગ લાગી હતી અને તેના કારણે થયેલા
ધુમાડામાં ગુંગળાઈ જવાના કારણે નૌકા દળે બે બાહોશ જવાનો ગુમાવવાનો વારો આવ્યો છે. ગયા
વર્ષે સિંધુરક્ષકની જળસમાધિ પછી ભારતીય નૌકા દળે સુરક્ષાના કારણોસર સિંધુરત્નને
ફરજમાંથી મુક્ત કરવાનું આયોજન કર્યું હતું, પરંતુ એ પહેલાં જ આ અકસ્માતમાં વધુ બે અધિકારીનો
ભોગ લેવાઈ ગયો છે.
ભારતીય નૌકા દળના આધુનિકીકરણ માટે તૈયાર કરાયેલો સ્કોર્પેન પ્રોજેક્ટ પણ
ભારતની ઢીલી અને ભ્રષ્ટ અમલદારશાહીનું ઉત્તમ ઉદાહરણ છે. સ્કોર્પેન પ્રોજેક્ટ
અંતર્ગત વર્ષ 2005માં મુંબઈના મઝગાંવ ડોક્સ લિમિટેડમાં છ ફ્રેન્ચ-સ્પેનિશ
ડીઝલ-ઈલેક્ટ્રિક સબમરિન વિકસાવવાના કાર્યક્રમને મંજૂરી આપી દેવાઈ હતી. આ કાર્યક્રમ
પછી આવી વધારાની છ સબમરિન વિકસાવવાનું પણ આયોજન છે, પરંતુ અત્યાર સુધી એક પણ
સબમરિનને ભારતીય નૌકા દળમાં સમાવી શકાઈ નથી. આ સબમરિનની ડિલિવરી વર્ષ 2012થી ચાલુ
કરી દેવાની હતી પણ હવે તે વર્ષ 2016 સુધી પાછી ઠેલવવામાં આવી છે. સિંધુ ફેમિલીની
સિંધુરક્ષક અને સિંધુરત્ન સોવિયેત યુગની સબમરિનો હતી અને 25-30 વર્ષનું તેનું આયુષ્ય
પણ લગભગ પૂરું થઈ ગયું છે. આ પ્રોજેક્ટમાં મોડું થવા પાછળનું કારણ ગોકળગાય ગતિએ
ચાલતી અમલદાર પ્રક્રિયા જ જવાબદાર છે.
જોકે, વાત ફક્ત સબમરિનોની
નથી. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે 24મી ફેબ્રુઆરીએ જ ચાર એમ્ફિબિયસ વહાણો અને
એન્ટિ-સબમરિન વૉરફેરની સુવિધા ધરાવતા 16 મલ્ટી-રોલ હેલિકોપ્ટરો ખરીદવાના નૌકા દળના
સૂચનને ફગાવી દીધું છે. આ દરમિયાન ભારતીય સેના અને ભારતીય વાયુ સેનાએ પણ કેટલોક
શસ્ત્રસરંજામ ખરીદવાની કાઉન્સિલને ભલામણ કરી હતી. એવું કહેવાય છે કે, આ સૂચન ફગાવી
દેવાયું ત્યારે પણ એડમિરલ ડી.કે. જોશીએ સવાલ ઉઠાવ્યા હતા. સંરક્ષણ મંત્રાલયે વર્ષ 2005માં 126 મીડિયમ મલ્ટી રોલ
કોમ્બેટ એરક્રાફ્ટની ખરીદી માટે એક ટેન્ડર બહાર પાડ્યું હતું. આ ટેન્ડર બહાર
પડ્યાના બે વર્ષ પછી એટલે કે વર્ષ 2007માં અમલદારો છ ઉત્પાદકોની ફક્ત એક યાદી
બનાવી શક્યા હતા. ત્યાર પછી વર્ષ 2012માં થોડી ચહલપહલ થઈ અને ફરી એકવાર કિંમત અને
મેઈન્ટેન્સ મુદ્દે ખરીદીમાં ગૂંચવણો ઊભી થઈ. અમલદારશાહી-બાબુશાહીના કારણે સીધી કે
આડકતરી રીતે સૈનિકોની જિંદગી સાથે કેવો ખિલવાડ થઈ રહ્યો છે તેનું આ ઉત્તમ ઉદાહરણ
છે.
રસપ્રદ વાત એ છે કે, મીડિયમ મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફ્ટ તરીકે ઓળખાતા આ મિલિટરી
પ્લેન ભારતીય વાયુસેનાના મિગ વિમાનોનું સ્થાન લેવાના હતા. વર્ષ 1960થી ભારતીય વાયુ
સેના મિગ કોમ્બેટ જેટ વિમાનોનો ઉપયોગ કરી રહી છે પણ આટલા વર્ષો પછી આ વિમાનોમાં
ઉડવું અત્યંત જોખમી થઈ ગયું છે. મિગ વિમાનોના અકસ્માતોમાં અત્યાર સુધી ભારતીય
સેનાના અનેક જવાનો કમોતે માર્યા ગયા છે અને એટલે જ તે ‘ફ્લાઈંગ કોફિન’ નામે
કુખ્યાત છે. છેલ્લાં વીસેક વર્ષમાં અનેક મિગ વિમાનો અકસ્માતોનો ભોગ બન્યા હોવા
છતાં ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે વાયુ સેનાને અત્યાધુનિક વિમાનો આપવા કોઈ ગંભીરતા
દર્શાવી નથી. નવાઈની વાત તો એ છે કે, ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે બી-737 બોઈંગ
બિઝનેસ જેટની ખરીદીને મંજૂરી આપી દીધી છે, જેનો ઉપયોગ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ,
વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રીની લાવવા-લઈ જવા માટે કરાય છે. વળી, આ જેટ વિમાનોની
ખરીદી સિંગલ વેન્ડર સિસ્ટમ આધારિત હોય છે. આ સિસ્ટમ પ્રમાણે એક જ ઉત્પાદકને પસંદ
કરીને ખરીદી કરી લેવાય છે. એક જ ઉત્પાદક પાસેથી કરાતી ખરીદીમાં અન્ય ઉત્પાદકો પસંદ
કરીને તેની યાદી બનાવવાની ‘લાંબી પ્રક્રિયા’માંથી પસાર જ નથી થવું પડતું.
ભારતીય સેના માટે થતી ખરીદી હંમેશાં શંકાસ્પદ હોય છે અને એટલે જ તેની સામે
સવાલો ઉઠતા રહે છે. ભારત સરકારે આઈએલ-78 નામના હેવી-લિફ્ટ એરક્રાફ્ટ માટે ત્રણ
ફાલ્કન એરબોર્ન વૉર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમની પણ ખરીદી છે. આ સામે ભારતીય સેનાના
જ કેટલાક અધિકારીઓ અને સુરક્ષા નિષ્ણાતોએ સવાલ ઉઠાવ્યા છે કે, આ સિસ્ટમની ભારત
સરકારને ખરેખર જરૂર હતી? તાજેતરમાં
જ ઓગસ્ટા વેસ્ટલેન્ડ નામની ઈટાલિયન કંપની પાસેથી 12 હેલિકોપ્ટર ખરીદવાનું લાંચ
કૌભાંડ ચગ્યું હતું. આ કૌભાંડના કારણે જ ઓગસ્ટા વેસ્ટલેન્ડ સાથેનો કરાર ભારત
સરકારે રદ કરી દીધો હતો. આ હેલિકોપ્ટરની ખરીદીનો કરાર પણ સિંગલ વેન્ડર સિસ્ટમ
આધારિત હતો.
ભારતીય સેનાનું આધુનિકીકરણ કરવાનો સંરક્ષણ મંત્રી એ.કે. એન્ટનીનો રેકોર્ડ
અત્યંત નબળો સાબિત થયો છે. ભારતીય સેનાની ત્રણેય પાંખનું આધુનિકીકરણ કરવા માટે હજુ
કેટલાક સૈનિકોની શહીદીની રાહ જોવાઈ રહી છે? ભારતીય સેના માટે કરાતી ખરીદીમાં પારદર્શકતા આવે એ પણ એટલો જ
ગંભીર મુદ્દો છે. નહીં તો શસ્ત્રોની ખરીદીમાંથી રાજકારણીઓ રોકડી કરતા રહેશે અને
દેશ માટે ખડે પગે રહેતા નિર્દોષ સૈનિકો કમોતે મરતા રહેશે. આપણે યાદ રાખવુ જોઈએ કે,
ગમે તેવા શૂરવીર યોદ્ધાને પણ સારા શસ્ત્રોની જરૂર હોય જ છે.
નોંધઃ પ્રતીકાત્મક તસવીર ગુગલ પરથી લીધી છે.
નોંધઃ પ્રતીકાત્મક તસવીર ગુગલ પરથી લીધી છે.
Javabdaroni fekafek ane potanu bankballence vadharvama maher netaone deshana sanrakshnani chintaj kya chhe?
ReplyDelete