કહેવાય છે કે, માગ એ
જરૂરિયાતોની માતા છે. ફ્રન્ટ કેમેરા સાથેના સ્માર્ટફોનના યુઝર્સ વધ્યા પછી 'સેલ્ફી' નામનું
વાવાઝોડું એવું ફૂંકાયું કે, હાથમાં સ્માર્ટફોન પકડીને સેલ્ફી લેવામાં તકલીફ
પડતી હોય તો હવે સેલ્ફી સ્ટિક પણ હાજર છે. ટાઈમ મેગેઝિને વર્ષ 2014ના ટોપ 25 ઈન્વેન્શનની યાદીમાં ભારતના મંગળયાન, હાઈ બીટા ફ્યૂઝન રિએક્ટર, થ્રીડી
પ્રિન્ટિંગ ટેક્નોલોજી, રતાંધળાપણું દૂર કરે એવા કેળા, માઈક્રોસોફ્ટ
સર્ફેસ પ્રો-૩, ઈબોલા સામે લડી શકે એવું ફિલ્ટર, બ્લેકફોન, ઈલેક્ટ્રિક
કાર, એપલ વોચ, ઓછું
બિલ આવે એવું એરકન્ડિશનર અને ખાઈ શકાય એવા રેપર વગેરેની સાથે સેલ્ફી સ્ટિકને પણ
સ્થાન આપ્યું છે. આજે સેલ્ફીની એટલી બોલબાલા છે કે, યંગસ્ટર્સ
ફ્રન્ટ કેમેરા વિનાના સ્માર્ટફોનને સ્માર્ટ નહીં પણ 'ડબલું' ગણે છે.
વર્ષ 2012માં 'સેલ્ફી' શબ્દ
એટલો બધો ફેશનેબલ બન્યો કે, એ વર્ષે ટાઈમ મેગેઝિને તેને ટોપ 10 પ્રચલિત
શબ્દોની યાદીમાં સ્થાન આપ્યું હતું. એ પછી વર્ષ 2013માં ઓક્સફર્ડ ડિક્શનરીમાં પણ 'સેલ્ફી' શબ્દ
ઉમેરાયો હતો. આજે સેલ્ફી એક શબ્દથી આગળ વધીને 'કલ્ચરલ
ફિનોમેનન' એટલે કે એક અસાધારણ સાંસ્કૃતિક ઘટના બની ગઈ છે.
સેલ્ફીનો વ્યાપ વધવાના કારણે રોજિંદા
જીવનમાં નવા નવા શબ્દો ઉમેરાતા જાય છે. સેલ્ફીમાં તો ફક્ત એક જ વ્યક્તિ હોય છે પણ
જો તમે ગ્રૂપમાં સેલ્ફી ક્લિક કરો તો તેને ‘ગ્રૂપી’ અથવા અંગ્રેજીના ‘WE’
પરથી ‘વેલ્ફી’ કહેવાય છે. છોકરીઓ પોતાના નિતંબ (બટ-BUTT) બતાવવા માટે જે
સેલ્ફી ક્લિક કરે છે તેને ‘બેલ્ફી’ કહે છે. એવી જ રીતે, ડોગ
સાથે ક્લિક કરાતા સેલ્ફીને ‘ડેલ્ફી’ કહે છે. ડોગ સિવાયના પેટ (પાલતુ પ્રાણી) સાથે
ક્લિક કરેલા સેલ્ફીને ‘પેલ્ફી’ કહે છે. જો તમે સેલ્ફીમાં હેર સ્ટાઈલ બતાવી છે તો
તેને ‘હેલ્ફી’ કહેવાય છે. સેલ્ફી લઈને સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ
પર અપલોડ કરનારા યુરોપિયન ખેડૂતોના ક્રેઝે પણ નવો શબ્દ આપ્યો છે, ‘ફેલ્ફી’. ‘ફેલ્ફી’ એટલે કે ફાર્મમાં લીધેલો સેલ્ફી. સૂતા સૂતા કે સાયકલ ચલાવતી વખતે ક્લિક
કરેલા પગના સેલ્ફીને ‘લેલ્ફી’ કહેવાય છે. બીચ પર સૂતા સૂતા પોતાના પગની તસવીરના
બેકગ્રાઉન્ડમાં દરિયા કિનારાની તસવીર લેવાના ક્રેઝ પછી અમેરિકા-યુરોપમાં ‘લેલ્ફી’ શબ્દ પ્રચલિત થયો છે. નવી ટેક્નોલોજીના કારણે ડિક્શનરીમાં નવા નવા શબ્દો
ઉમેરાતા જાય એ નવી વાત નથી, પરંતુ સેલ્ફી વિશ્વભરના સામાજિક અને રાજકીય સ્તરે
પણ છવાઈ ગયેલી ઘટના છે.
બાંગલાદેશમાં નોકિયા લુમિયા 730થી 1151 લોકોનો ક્લિક કરાઈ રહેલો સેલ્ફી |
આજકાલ અવકાશયાત્રાએ જતા વિજ્ઞાનીઓથી
માંડીને પૃથ્વી પર અમેરિકન પ્રમુખ બરાક ઓબામા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધીના
રાજકારણીઓ સેલ્ફીના પ્રેમમાં પડી ગયા છે. ફિલ્મ સહિતના ક્ષેત્રોની હસ્તીઓ પણ
સોશિયલ મીડિયામાં સેલ્ફી અપલોડ કરીને 'લાઈક' ઉઘરાવતી
રહે છે. માર્ચ 2014ના ઓસ્કારમાં 12 યર્સ ઓફ સ્લેવ અને ગ્રેવિટી જેવી ફિલ્મો કરતા
પણ વધારે ચર્ચા બ્રેડલી કૂપરે ક્લિક કરેલા સેલ્ફીની થઈ હતી. આ સેલ્ફીમાં મેરીલ
સ્ટ્રીપ, જુલિયા રોબર્ટ્સ, કેવિન
સ્પેસી, બ્રેડ પીટ, જેનિફર
લોરેન્સ અને ચેનિંગ ટાટૂમ જેવી હોલિવૂડ હસ્તીઓ સામેલ હતી. આ સેલ્ફી પછી જ સામાન્ય
લોકોમાં સેલ્ફી લેવાનો ક્રેઝ ફાટી નીકળ્યો હતો. સામાન્ય વ્યક્તિ માટે સેલ્ફી પોતાની
ઓળખ રજૂ કરવાનું શક્તિશાળી માધ્યમ છે. સેલ્ફી અપલોડ કરવામાં કોઈ જ પ્રકારના
ભેદભાવો આડે આવતા નથી. ઓબામા હોય કે મોદી, બ્રેડ
પીટ હોય કે શાહરૂખખાન- આ તમામ સેલ્ફી ક્લિક કરે છે. વળી, સેલિબ્રિટી સેલ્ફી અપલોડ
કરવા ફેસબુક, ટ્વિટર કે ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે, તો
સામાન્ય માણસ પણ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.
સેલ્ફીના કારણે વિકસિત દેશોએ કાયદાકાનૂનો
બનાવવાની શરૂઆત કરવી પડી છે. બ્રિટનના બે રાજ્યોએ ચૂંટણીની મોસમ નજીક છે ત્યારે
સોશિયલ મીડિયા પર બેલટ કાર્ડ સાથેના સેલ્ફી પોસ્ટ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
અમેરિકાના માસાચ્યુસેટ્સ રાજ્યમાં પણ આવો કાયદો છે. અમેરિકાના બીજા કેટલાક રાજ્યો
પણ સેલ્ફીને લગતા કાયદા ઘડવાનું વિચારી રહ્યા છે. જોકે, આવા
કાયદા ઘડવાની હિલચાલ થતા જ અમેરિકન સિવિલ લિબર્ટીઝે સેલ્ફી પર પ્રતિબંધ મૂકતા કોઈ
પણ કાયદાને ફ્રિડમ ઓફ સ્પિચ અને ફ્રિડમ ઓફ ધ પ્રેસ જેવા પાયાના હક્ક પર તરાપ
ગણાવીને તેનો વિરોધ શરૂ કરી દીધો છે. આ સંગઠને બ્રિટનમાં પણ વિરોધ શરૂ કર્યો છે.
દક્ષિણ કોરિયા જેવા મોસ્ટ એડવાન્સ્ડ ટેક્નોલોજિકલ દેશે સેલ્ફી લેનારાઓને કાબૂમાં
રાખવા અપ્રમાણિત સેલ્ફી સ્ટિક વેચતા રિટેઈલરોને 27 હજાર ડોલરનો દંડ અને ત્રણ વર્ષ
સુધીની કેદની સજા કરવાની ધમકી આપી છે.
દક્ષિણ કોરિયા સરકારનું કહેવું છે કે,
''બ્લૂ ટૂથની સુવિધા ધરાવતી અપ્રમાણિત સેલ્ફી સ્ટિકમાંથી સતત
ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન નીકળતું હોવાથી તે લોક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
વાયરલેસ ટેલિગ્રાફી એક્ટ પ્રમાણે આ પ્રકારની ચીજવસ્તુનું કોમર્શિયલ વેચાણ કરતા
પહેલાં તેનું ટેસ્ટિંગ થયું હોવું જરૂરી છે.'' દક્ષિણ
કોરિયામાં છેક વર્ષ 1990થી સેલ્કા (સેલ્ફ કેમેરા) નામે સેલ્ફી સ્ટિક જાણીતી છે પણ
તેનું વેચાણ વધ્યા પછી સરકાર આ દિશામાં સફાળી જાગી છે. અમેરિકાની બ્રિઘમ યંગ
યુનિવસટીના કેમ્પસમાં સેલ્ફી લેનારાઓને કાબૂમાં રાખવા માટે વિદ્યાર્થીઓએ એક ડોલરના
દંડની શરૂઆત કરી છે. આ દંડની રકમનો ઉપયોગ તેઓ વિકાસશીલ દેશોના વિદ્યાર્થીઓને લોન
આપવામાં કરે છે. આ વિદ્યાર્થીઓ માટે મીડિયામાં 'સેલ્ફી
પોલીસ' શબ્દ જાણીતો થયો છે. જોકે, તેમનું
કામ સંસ્કૃતિ રક્ષકો કે 'મોરલ પોલીસ'થી ઘણું
જુદું છે.
ચાર હજારથી વધુ યહૂદી ધર્મગુરુઓ દ્વારા ક્લિક કરાઈ રહેલો સેલ્ફી |
આજે પ્રવાસે જતા પહેલાં જે તે સ્થળે
પહોંચીને પરફેક્ટ હોલિડે સેલ્ફી કેવી રીતે લેવો એ વિશે પણ લોકો
ગૂગલ પર ખાંખાખોળા કરી લે છે. વિશ્વભ્રમણે નીકળતા પ્રવાસીઓ જુદા જુદા દેશોમાં
સેલ્ફી લેવાના જાતભાતના વિશ્વ વિક્રમ કરી રહ્યા છે. કોઈ પેરા જમ્પિંગ કરીને સેલ્ફી
લે છે તો કોઈ શાર્ક સાથે અન્ડર વોટર સેલ્ફી લે છે. માઈક્રોસોફ્ટ લુમિયાએ ૨૬મી
નવેમ્બરે બાંગલાદેશમાં નોકિયા લુમિયા 730 સ્માર્ટફોનથી 1151 લોકોનો સેલ્ફી લઈને
સૌથી મોટો સેલ્ફી લીધાનો દાવો કર્યો છે. જોકે, સેલ્ફી
લેવાનું સરળ બન્યા પછી આ પ્રકારના વિક્રમો રોજ બને છે અને રોજ તૂટે છે. હાલમાં જ ન્યૂયોર્કના
બ્રૂકલિનમાં યહૂદી ધર્મગુરુઓની એક બેઠક બાદ 15 ફૂટ લાંબી સેલ્ફી સ્ટિકની મદદથી ચાર
હજારથી પણ વધુ ધર્મગુરુઓનો સેલ્ફી ક્લિક કરાયો હતો. અમદાવાદ સહિતના શહેરોમાં તો
સેલ્ફી ફોટોગ્રાફી એક્ઝિબિશનની પણ શરૂઆત થઈ ચૂકી છે. અમેરિકાના સધમ્પટન આર્ટ્સ
સેન્ટરમાં તો આખો પરિવાર સેલ્ફી લઈ શકે એ માટે એક બુથ ઊભું કરવાનું પણ વિચારાઈ
રહ્યું છે. પેપર મેગેઝિને વર્ષ 2015માં અમેરિકન અભિનેતા, ફિલ્મમેકર
અને લેખક જેમ્સ ફ્રાન્કોના સેલ્ફીનું કેલેન્ડર બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ
કેલેન્ડરની ડિઝાઈન તૈયાર કરવા ફ્રાન્કોના સેલ્ફીની સાથે તેના ક્વોટ અને તેની
બિન-જાણીતી વાતો પણ મૂકાઈ છે.
અમેરિકામાં વોર્નર બ્રધર્સે સેલ્ફી નામની
ટેલિવિઝન શ્રેણી પણ બનાવી છે. આ શ્રેણીની વાર્તા ઈન્સ્ટાગ્રામ જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર સેલ્ફી અપલોડ કરીને પ્રસિદ્ધ થવા ઈચ્છતી એલિઝા ડૂલી નામની એક અમેરિકન
યુવતીની આસપાસ ફરે છે. બાદમાં એલિઝાને ભાન થાય છે કે, સોશિયલ
મીડિયા પર તેના સાચા મિત્રો નથી અને તે ચિંતામાં સરી પડે છે. આ સ્થિતિમાં બહાર
આવવા તે માર્કેટિંગ ગુરુ હેનરી હિગ્સની મદદ લે છે. હેનરીની મદદથી એલિઝાનું સોશિયલ
સ્ટેટસ સુધરે છે અને બંને પ્રેમમાં પડે છે. યુરોપના નાનકડા દેશ રોમાનિયામાં તો મે, 2014માં 'સેલ્ફી' નામની
ફિલ્મ પણ રિલીઝ થઈ ગઈ છે. પશ્ચિમી સાહિત્યકારો, સમાજશાસ્ત્રીઓ, મનોવિજ્ઞાનીઓ
અને કલાકારોએ પણ સેલ્ફીની નોંધ લેવી પડી છે. વારંવાર સેલ્ફી ક્લિક કરીને સોશિયલ
નેટવર્કિંગ સાઈટ્સ પર અપલોડ કરવાની આદતને કેટલાક લોકો એક પ્રકારનું વ્યસન, નાર્સિસિઝમ
(પોતાના જ પ્રેમમાં ગુલતાન રહેવાની મનોસ્થિતિ) કે મેન્ટલ ડિસઓર્ડર ગણાવી રહ્યા છે.
સેલ્ફી ક્લિક કરવાની લ્હાયમાં અકસ્માતો પણ વધ્યા છે અને તેના કારણે મૃત્યુ પામતા
લોકોના સમાચારો પણ ચમકતા રહે છે. આમ છતાં, વિશ્વભરમાં
રોજના કરોડો સેલ્ફી ક્લિક કરાય છે અને લાખો અપલોડ કરાય છે.
સેલ્ફી સમાજના વિવિધ સ્તરે અસર કરી રહ્યું
હોવાથી તેને એક સાંસ્કૃતિક ઘટના કહેવાના આપણી પાસે અનેક કારણો છે અને
સ્માર્ટફોનનું વેચાણ વધી રહ્યું છે ત્યાં સુધી આવા કારણો મળતા રહેશે.
સૌથી પહેલા સેલ્ફીથી શરૂ થયેલી રસપ્રદ સફર
હાલના મોટા ભાગના ઈતિહાસકારો સૌથી પહેલો
સેલ્ફી લેવાનું શ્રેય મૂળ નેધરલેન્ડના અમેરિકન રસાયણશાસ્ત્રી રોબર્ટ કોર્નેલિયસને
આપે છે. કોર્નેલિયસે વર્ષ 1839માં ડેગરોટાઈપ પદ્ધતિથી પોતાનો સેલ્ફ-પોટ્રેટ લીધો
હતો. આધુનિક ફોટોગ્રાફીની સૌથી પહેલી સફળ પ્રક્રિયા પણ ડેગરોટાઈપ જ ગણાય છે. લુઈસ
જેક્સ મેન્ડે ડેગર અને જોસેફ નાઈસફોર નીપ્સે સિલ્વર આયોડાઈડના આવરણથી તૈયાર
તાંબાની પ્લેટ પર પહેલાં પ્રકાશ અને બાદમાં મર્કયુરી અને મીઠાના સોલ્યુશનનો ધુમાડો
ફેંકીને કાયમી ફોટોગ્રાફ લેવાની પદ્ધતિ વિકસાવી હતી. આ પદ્ધતિથી સેલ્ફી લેવા માટે
કોર્નેલિયસ ઘણી મિનિટો સુધી કેમેરા સામે બેસી રહ્યા હશે. આ દરમિયાન વર્ષ 1880 સુધીમાં કોડાક જેવી કંપનીઓએ આધુનિક કેમેરા વિકસાવી લીધો હતો અને ૩૫ એમ.એમ.ની ફિલ્મ
પર સંખ્યાબંધ ફોટોગ્રાફ્સ લેવા શક્ય બન્યા હતા. વર્ષ 1898માં બેલ્જિયન પેઈન્ટર
હેનરી ઈવનપોલે આવા જ કેમેરાની મદદથી અરીસામાં જોઈને સેલ્ફી ક્લિક કર્યો હતો.
રોબર્ટ કોર્નેલિયસ, રશિયન પ્રિન્સેસ એનાસ્ટેસિયા રોમાનોવા અને બઝ ઓલ્ડરિને અવકાશમાં લીધેલો સેલ્ફી |
વર્ષ 1910માં ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર
હેરોલ્ડ ઝેનોક્સે અરીસામાં જોઈને સેલ્ફી ક્લિક કર્યો હતો. વર્ષ 1914માં રશિયાની
પ્રિન્સેસ એનાસ્ટેસિયા નિકોલાએવના રોમાનોવાએ કોડાક બ્રાઉની બોક્સ નામના કેમેરાથી
અરીસાની સામે ઊભા રહીને સેલ્ફી ક્લિક કર્યો હતો. ઓસ્ટ્રેલિયન ફ્લાઈટ કમાન્ડર થોમસ
બેકરે પહેલા વિશ્વયુદ્ધમાં ફ્રાંસ માટે લડવા જતા પહેલાં વર્ષ 1918માં અરીસાની સામે
ઊભા રહીને સેલ્ફી કર્યો હતો. આ સેલ્ફી લઈને બેકરે ઉડાન ભરી હતી અને ફક્ત ૨૧ વર્ષની
વયે ચોથી નવેમ્બર, 1918ના રોજ તેમનું મૃત્યુ થયું હતું. નીલ
આર્મસ્ટ્રોંગ પછી ચંદ્ર પર પગ મૂકનારા અમેરિકન ખગોળશાસ્ત્રી બઝ ઓલ્ડરિને વર્ષ
1966માં સૌથી પહેલો સ્પેસ સેલ્ફી લીધો હતો. જોકે, આ તમામ
સેલ્ફી આજના જેવા ફ્રન્ટ કેમેરાથી નહીં પણ કેમેરા પોતાની સામે રાખીને ક્લિક કરાયા
હતા. ટાઈમરની સુવિધા ધરાવતા ડિજિટલ કેમેરાથી લાખો લોકોએ લીધેલા ફોટોગ્રાફને પણ
સેલ્ફી જ કહી શકાય. ડેગરોટાઈપ ફોટોગ્રાફી યુગથી છેક 20મી સદી સુધી અનેક લોકોએ
સેલ્ફી ક્લિક કર્યાના પુરાવા મોજુદ છે. આ કોઈ વ્યક્તિને પોતે લીધેલા ફોટોગ્રાફને
સેલ્ફી નામ આપવાનું સૂઝયું ન હતું. 13મી સપ્ટેમ્બર, 2002ના
રોજ એબીસી ઓનલાઈન પર એક યુવકે 21મા જન્મદિવસે દારૂ પીને પોતાના ફાટેલા હોઠનો
ફોટોગ્રાફ અપલોડ કર્યો હતો. આ ફોટોગ્રાફ સાથે લખેલા લાંબા મેસેજમાં છેલ્લે તેણે
લખ્યું હતું કે, ''...સોરી અબાઉટ ધ ફોકસ, ઈટ વોઝ
અ સેલ્ફી.'' જોકે, આ
યુવકની ઓળખ હજુ સુધી જાહેર થઈ શકી નથી.
આમ, સૌથી
પહેલો સેલ્ફી લેવાનું શ્રેય રોબર્ટ કોર્નેલિયસને અપાય છે, તો
સેલ્ફી શબ્દનો ઉપયોગ કરવાનો શ્રેય આ અજાણ્યા યુવકને અપાય છે.
સિમ્પલી સુપર્બ...
ReplyDeleteસેલ્ફી જેવા વિષયમાં પણ અનોખો ઇતિહાસ શોધી, દેશ-વિદેશમાં બનતી ઘટનાઓ સાથે રજૂ કરવાની કળા(લેખન) માટે કહેવું પડે...
વેરી ગુડ આર્ટિકલ