ભારતમાં મહિલા અધિકારોની વાત કરવી બેધારી તલવાર પર ચાલવા જેવું કામ છે. હાલમાં
જ સર્વોચ્ચ અદાલતે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓ મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કરી
શકશે એવો ચુકાદો આપીને સિને કોસ્ચ્યુમ્સ, મેકઅપ આર્ટિસ્ટ એન્ડ હેરડ્રેસર્સ એસોસિયેશનના ૫૭ વર્ષ જૂના તુઘલકી
નિયમનો છેદ ઉડાવી દીધો. મહિલા મેકઅપ આર્ટિસ્ટનો માર્ગ મોકળો કરવાનો ચુકાદો આપતી વખતે
અદાલતે દેશની સૌથી પ્રોગ્રેસિવ ગણાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ મહિલાઓ સાથે રખાતા જાતીય
ભેદભાવ પર ટિપ્પણી કરી અને એટલે તે દેશભરના અખબારોમાં મોટા સમાચાર બન્યા. આ એસોસિયેશનના નિયમો પર
નજર કરતા જણાય છે કે, તેના નિયમોમાં જાતીય ભેદભાવ કરતા તુઘલકી નિર્ણયોનું તત્ત્વ
વધારે છે. જેમ કે, એક જૂના નિયમ પ્રમાણે મહિલાઓ મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કરી શકતી
ન હતી, તો પુરુષો
પણ હેરડ્રેસર તરીકે કામ કરી શકતા ન હતા. આજથી પાંચ દાયકાથી પણ વધુ સમય પહેલાં આ નિયમો
બનાવવા પાછળનો હેતુ ઈન્ડસ્ટ્રીમાં એક વ્યક્તિને એકસાથે બે વ્યવસાયની મંજૂરી નહીં આપવાનો
હતો. એટલે પુરુષોએ ફક્ત મેકઅપ અને મહિલાઓએ ફક્ત હેરડ્રેસિંગનું કામ કરવાની છૂટ હતી.
મેકઅપ આર્ટિસ્ટ ચારુ ખુરાનાની અરજી પર સર્વોચ્ચ અદાલતે મહિલાઓને મેકઅપ આર્ટિસ્ટ
તરીકે કામ કરવાની મંજૂરી તો આપી દીધી પણ આજેય પુરુષોને હેરડ્રેસર તરીકે કામ કરવાની
છૂટ નથી. સર્વોચ્ચ અદાલતનું કામ મહિલા આર્ટિસ્ટને કામ કરવાની મંજૂરી માગતી અરજી પર
ચુકાદો આપવાનું હતું પણ બીજા જરીપુરાણા નીતિનિયમો ફગાવી દેવાનું કામ એસોસિયેશનનું છે.
આ ચુકાદા પછી પણ પુરુષોને હેરડ્રેસર તરીકે કામ કરવાની મંજૂરી નહીં હોવાથી અનેક સવાલો ત્યાંના ત્યાં રહી ગયા છે. જેમ કે, પુરુષોને હેરડ્રેસર તરીકે કામ કરવાની મંજૂરી નહીં આપી હોવાથી
તેઓ અન્યાયની ભાવનાથી પીડાઈને મહિલા મેકઅપ આર્ટિસ્ટ સાથે વધુ ભેદભાવ
નહીં રાખે? આ ચુકાદા પછી મહિલાઓ મેકઅપ આર્ટિસ્ટ અને હેરડ્રેસર એમ બંને વ્યવસાય એકસાથે અપનાવશે
તો પુરુષો સાથે મોકળાશથી કામ કરી શકશે? કામના સ્થળે મહિલાઓએ પુરુષોની સીધી કે આડકતરી હેરાનગતિ સહન નહીં
કરવી પડે? પ્રોગ્રેસિવ ગણાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 'ક્રાઉડ પુલર' અભિનેત્રીને પણ અભિનેતા કરતા ઓછી ફી મળતી હોય ત્યારે આવા સવાલો
થવા સ્વાભાવિક છે. જોકે, આ ચુકાદા પછી આવા જટિલ મુદ્દાની ચર્ચા કરવાના બદલે તેને ફક્ત
મોટી જીત તરીકે વધાવીને ભૂલી જવાયો.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વી.સી. ઝમીરુદ્દીન શાહ |
કોઈ પણ મુશ્કેલીને આક્રમકતાથી રજૂ કરીને તેનો કામચલાઉ ઉપાય શોધવો અથવા તેને ભૂલી
જવી એ આપણી રાષ્ટ્રીય બીમારી છે. સાચી દિશામાં ચર્ચા કરીને અને મુશ્કેલીઓના મૂળ સુધી પહોંચીને તેનો કાયમી ઉકેલ લાવવામાં
આપણે માનતા નથી. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની મૌલાના આઝાદ સેન્ટ્રલ લાઈબ્રેરીમાં વિદ્યાર્થિનીઓ
પર પ્રતિબંધના વિવાદમાં પણ કંઈક આવું જ થયું. આ લાઈબ્રેરીનો ઉપયોગ અલીગઢ મુસ્લિમ
યુનિવર્સિટીની અબ્દુલ્લા મહિલા કોલેજમાં અભ્યાસ કરતી અન્ડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થિનીઓ
નથી કરી શકતી, પરંતુ યુનિવર્સિટીની મેડિકલ, એન્જિનિયરિંગ, બી.કોમ. અને એલએલ.બી. કોલેજમાં અભ્યાસ કરતી પોસ્ટ ગ્રેજ્યુએટ
વિદ્યાર્થિનીઓ તેનો ઉપયોગ કરી શકે છે. જો એક જ કોલેજની વિદ્યાર્થિનીઓ આ લાઈબ્રેરીનો
ઉપયોગ કરી શકતી ના હોય તો ફક્ત જાતીય ભેદભાવની ફરિયાદો કરીને આ મુદ્દાને ભૂલાવી દેવો
ના જોઈએ, પરંતુ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ઝમીરુદ્દીન શાહના વિવાદાસ્પદ નિવેદનના
કારણે કમનસીબે એવું જ થયું. મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓ મૌલાના આઝાદ લાઈબ્રેરીમાં
કેમ નથી આવી શકતી એ મતલબના સવાલનો જવાબ આપતા વાઈસ ચાન્સેલર લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત)
ઝમીરુદ્દીન શાહે કહ્યું હતું કે, “અહીં છોકરીઓને આવવાની મંજૂરી આપીશું તો છોકરાઓની સંખ્યા ચાર
ગણી વધી જશે.”
ઝમીરુદ્દીન શાહનું નિવેદન વખોડવાલાયક જ હતું પણ યુનિવર્સિટીના નિયમની વાત છે ત્યાં
સુધી તેમાં જાતીય ભેદભાવનું તત્ત્વ ન હતું. ૧૯૬૦માં મૌલાના આઝાદ લાઈબ્રેરીની
સ્થાપના થઈ ત્યારથી અહીં મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓ આવી શકતી નથી. કારણ કે,
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની
મહિલા કોલેજને પોતાની લાઈબ્રેરી, સાયબર કાફે અને બ્યુટી પાર્લર પણ છે. જો યુનિવર્સિટીના હોદ્દેદારો
ખરેખર તાલિબાની માનસિકતા ધરાવતા હોય તો ત્યાં મહિલાઓ માટે સાયબર કાફે કે બ્યુટી પાર્લર
કેવી રીતે હોઈ શકે? આ વિદ્યાર્થિનીઓ માટે મહિલા કોલેજની લાઈબ્રેરીની સાથે મૌલાના
આઝાદ સેન્ટ્રલ લાઈબ્રેરીના ઓનલાઈન એક્સેસની સુવિધા પણ છે. પરંતુ ઝમીરુદ્દીન શાહને 'સબસે તેઝ' આડે હાથ લેવાની લ્હાયમાં ફક્ત જાતીય ભેદભાવ અને તાલિબાની માનસિકતાના
મુદ્દા ઉછળ્યા. બીજી તરફ, ટેલિવિઝન ચેનલોની ચર્ચામાં ગમે તે ભોગે સમાનતાની માગણી કરતા
બૌદ્ધિકોએ પણ સમગ્ર વિવાદને મોટા ભાગે જાતીય ભેદભાવની ઉપરછલ્લી દૃષ્ટિએ જોયો અને જટિલ
કહી શકાય એવા મુદ્દા ભૂલાઈ ગયા.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના અધ્યાપિકા ફૈઝા અબ્બાસીએ એક ટેલિવિઝન ન્યૂઝ ચેનલની
ચર્ચામાં આવો જ એક મુદ્દો છેડતા કહ્યું હતું કે, ''...આ નિયમથી મહિલાઓને અન્યાય થતો નથી. કારણ કે,
મહિલા કોલેજમાં છોકરાઓ પણ
જઈ શકતા નથી. સેન્ટ્રલ લાઈબ્રેરીમાં અન્ડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થિનીઓ નથી જઈ શકતી પણ
તેમની સિનિયર જઈ જ શકે છે. આ વાતને જાતીય ભેદભાવની રીતે નહીં પણ સાંસ્કૃતિક મર્યાઓની
રીતે મૂલવવી જોઈએ. કાલે યુવકો પણ મહિલા કોલેજની લાઈબ્રેરીમાં જવાની મંજૂરી માગશે તો
શું અમે એવું કરી શકીએ?''
આ જ ચર્ચામાં અબ્બાસીની સાંસ્કૃતિક
મર્યાદાની દલીલને ટેકો આપતા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સ્થાપક સભ્ય કમાલ ફારૃકીએ કહ્યું
હતું કે, “'અબ્દુલ્લા
મહિલા કોલેજ મુસ્લિમ યુવતીઓને કોલેજ સુધી લઈ આવવાનો એક માર્ગ છે...”
આ દલીલ ખૂબ જ મહત્ત્વની છે.
જે દેશ-સમાજમાં છોકરીઓ છોકરા સાથે ભળે નહીં ફક્ત એટલા જ કારણથી શિક્ષણથી વંચિત રખાતી
હોય ત્યારે આ મુદ્દાને જાતીય ભેદભાવથી ઉપર ઉઠીને જોવો જોઈએ.
જેમ કે, યુનિવર્સિટીના કહેવા પ્રમાણે, સેન્ટ્રલ લાઈબ્રેરીમાં ફક્ત જગ્યાના અભાવે મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓને
પ્રવેશ નથી અપાતો. ચાલો આ વાત માની લઈએ, પરંતુ દબાણને વશ થઈને સંચાલકો મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓને
સેન્ટ્રલ લાઈબ્રેરીમાં જવાની મંજૂરી આપે એમાં પણ અનેક ભયસ્થાનો છે. આવા નિયમો હળવા
કર્યા પછી અહીં ફક્ત મહિલા કોલેજના બહાને અભ્યાસ કરવા આવી શકતી યુવતીઓની સંખ્યામાં
ઘટાડો થશે તો જવાબદાર કોણ? કારણ કે, અબ્દુલ્લા મહિલા કોલેજમાં ભણતી મોટા ભાગની વિદ્યાર્થિનીઓના માતાપિતા
ખૂબ જ રૃઢિચુસ્ત છે. તેઓ નથી ઈચ્છતા કે તેમની પુત્રીઓ યુવકો સાથે ભળે. અહીં અભ્યાસ
કરતી મોટા ભાગની વિદ્યાર્થિનીઓને તેમના માતાપિતાએ ફક્ત મહિલા કોલેજના બહાને સ્નાતક
થવાની મંજૂરી આપી હોય છે. આજે પણ મહિલા કોલેજો યુવતીઓને કોલેજ સુધી લાવીને શિક્ષિત
કરવાનો એક સરળ રસ્તો છે. મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓની સુરક્ષા મુદ્દે પણ એવી દલીલ
થઈ કે, યુવતીઓ
પોતાની સુરક્ષાની ચિંતા કર્યા વિના ગમે ત્યાં જઈ શકવી જોઈએ કારણ કે,
તેમની સુરક્ષાની જવાબદારી
સંચાલકોની છે. ફક્ત સાંભળવામાં સારી અને તાળી-ઉઘરાઉ દલીલો કરનારાએ એ પણ વિચારવું જોઈએ
કે, દેશભરમાં
મહિલાઓ સામેની ગુનાખોરી સતત વધી રહી હોય ત્યારે શૈક્ષણિક સંસ્થાઓએ અગમચેતી રાખવી જરૃરી
નથી? ગુજરાત
સહિત દેશના અનેક રાજ્યોમાં મહિલા સ્કૂલ-કોલેજો છે અને તેમાં યુવતીઓ માટે ચોક્કસ નીતિનિયમો
હોય જ છે, રાખવા પડે છે.
મૌલાના આઝાદ સેન્ટ્રલ લાઈબ્રેરીમાં વિદ્યાર્થિનીઓના પ્રવેશનો મુદ્દો ખોટી રીતે
રજૂ થયો એનો અર્થ એ નથી કે, યુનિવર્સિટીમાં જાતીય ભેદભાવ રખાતો નથી. મુદ્દો એ છે કે,
ખોટી દિશામાં ચર્ચા કરવામાં
આવતા યોગ્ય મુદ્દાની ચર્ચા જ ના થઈ અને અનેક સવાલો ત્યાંના ત્યાં જ રહ્યા.જેમ કે,
પોસ્ટ ગ્રેજ્યુએટ યુવતીઓ
સેન્ટ્રલ લાઈબ્રેરીમાં ભલે જઈ શકતી હોય પરંતુ ૧૩૦૦ લોકોને બેસવાની ક્ષમતા ધરાવતી લાઈબ્રેરીમાં
યુવતીઓ માટે ફક્ત ૧૨ જ બેઠકો અનામત છે. ચર્ચા કરવા માટે આ મુદ્દો મહત્ત્વનો નથી?
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની
વાત છે ત્યાં સુધી મહિલાઓને સમાન હક્કનો મુદ્દો અન્ડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થિનીઓને સેન્ટ્રલ
લાઈબ્રેરીમાં પ્રવેશથી ઘણો આગળ ચર્ચાવો જોઈતો હતો. અહીંના મુખ્ય કેમ્પસમાં યુવતીઓ આઈ-ટીઝિંગ
જેવા કારણોસર યુવકોની જેમ છૂટથી ફરી શકતી નથી. યુનિવર્સિટી કેમ્પસમાં પણ યુવતીઓની સુરક્ષાના
પ્રશ્નો માટે આટલું સજાગ રહેવું પડે એ યુવકો માટે શરમજનક વાત નથી?
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં
આજે પણ વહીવટથી લઈને શિક્ષણ સુધીના તમામ સ્તરે પુરુષપ્રધાન માનસિકતા અને ઈસ્લામિક મૂલ્યોના
નામે દંભ છવાયેલો છે.
અહીંના વિદ્યાર્થી યુનિયનોમાં યુવતીઓની
હિસ્સેદારી નહીંવત છે. વિદ્યાર્થી યુનિયનના ત્રણ મહત્ત્વના હોદ્દામાંથી અત્યાર સુધી
ફક્ત એક હોદ્દા માટે એક જ યુવતી ચૂંટણી લડી હતી અને તે હારી ગઈ હતી. આ તો વિદ્યાર્થીઓની
વાત થઈ. અત્યાર સુધી એકેય મહિલા શિક્ષક સ્ટાફ એસોસિયેશનની ચૂંટણી લડી નથી. અહીં નાટક,
સાહિત્ય અને સંગીતની ઈતર
પ્રવૃત્તિ કરતી ત્રણ મોટી ક્લબ છે પણ અત્યાર સુધી એકેય ક્લબનો ચાર્જ મહિલાએ સંભાળ્યો
નથી. સામાન્ય અપવાદોને બાદ કરતા મુખ્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી મોટા ભાગની યુવતીઓ દૂર
જ રહે છે. અહીં શિક્ષકો ફક્ત લેક્ચર લઈને જતા રહે છે. તેઓ યુવકો-યુવતીઓને સાથે રાખીને
કોઈ મુદ્દે ચર્ચા કરી શકતા નથી. વિદ્યાર્થી ચળવળમાં મદદ કરતા શિક્ષકોને દંડ કરાય છે
અને તેમની નોકરી જોખમમાં મૂકાય છે. વહીવટી તંત્રથી વિરુદ્ધની કોઈ પણ વાતનું સમર્થન
કરતા શિક્ષકોને ઈસ્લામના વિરોધીઓ ગણીને ચૂપ કરી દેવાય છે. યુનિવર્સિટીના વહીવટમાં અપારદર્શકતા
કે ભ્રષ્ટાચારની વાત કરાય ત્યારે સંસ્થાને બદનામ કરવાનું કાવતરું કહીને આખી વાત ઉડાવી
દેવાય છે.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ કામના કલાકો દરમિયાન ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પર
પણ પ્રતિબંધ છે. કારણ કે, જુલાઈ 2014માં ઈતિહાસ વિભાગના એસોસિયેટ પ્રોફેસર નદીમ રેઝાવીએ વાઈસ ચાન્સેલર
ઝમીરુદ્દીન શાહને ફેસબુક પર ‘બે અકલ’ કહ્યા હતા. એ પહેલાંના વાઈસ ચાન્સેલરને પણ તેમણે ફેસબુક પર ‘લૂટિયા ચોર’ કહ્યા હતા. આ ઘટના પછી યુનિવર્સિટીએ પ્રો. રેઝાવીને સસ્પેન્ડ
કર્યા અને ફેસબુક પર કામના કલાકો દરમિયાન પ્રતિબંધ મૂકી દીધો. આ ઘટના બાદ પણ ફક્ત એ
જ ચર્ચા થઈ કે, આજકાલ ફેસબુક ખૂબ ઉપયોગી માધ્યમ હોવાથી યુનિવર્સિટીએ તેના પર પ્રતિબંધ ના મૂકવો
જોઈએ અને પ્રો. રેઝાવી સાથે સંચાલકોએ અન્યાય કર્યો છે. આ ધમપછાડામાં ફક્ત એવો મેસેજ
આપવાનો પ્રયાસ કરાયો કે,
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી
તાલીબાની માનસિકતા ધરાવતા સંચાલકોથી ખદબદે છે. શું આ ઘટના બાદ એ ચર્ચા ના થવી જોઈએ
કે, પ્રો. રેઝાવીએ
કરેલો ફેસબુકનો ઉપયોગ યોગ્ય છે? કામના કલાકો દરમિયાન ફેસબુક પર પ્રતિબંધથી વિદ્યાર્થીઓને શું
નુકસાન થશે?
વિચારવાનું આપણે પણ છે, ખાલી યુનિવર્સિટીએ નહીં. શું કહો છો?
‘કોઈ પણ મુશ્કેલીને ઉગ્રતાથી રજૂ કરીને તેનો કામચલાઉ ઉપા શોધવો અથવા તેને ભૂલી જવી એ આપણી રાષ્ટ્રીય બીમારી છે..’ સાચી વાત ભાઈ. ચર્ચા આખી આડે પાટે જ ચઢી જાય છે અને મહત્વના મુદ્દાઓ કોરાણે મુકાઈ જાય છે.. બધાને ચીસાચીસ કરીને હીરો બનવું છે, પોતાનો અવાજ સંભળાવવો છે, સાંભળવું કોઈનું નથી.. અને વિચારવાનું તો ભાગ્યે જ.. મૂળ મુદ્દાની તર્કબદ્ધ ચર્ચા નહીં થાય ત્યાં સુધી વિકાસ અને બૌદ્ધિક વિકાસ આડેના ‘અલીગઢિયા’ એમના એમ જ રહેશે.. નક્કામી ચર્ચા, કાગારોળમાં મુદ્દા દબાઈ જાય અને પરિસ્થિત સુધરવાને બદલે વધારે બગડે.. જરૂર છે તર્કબદ્ધ ચર્ચાની, એક પ્લેટફોર્મની, સાચી દિશામાં મુદ્દાસર વિચારવાની.... આ લેખમાં દલીલો સોલિડ છે... બાત મેં દમ હૈ..
ReplyDelete:))))) Thx
ReplyDelete