વિશ્વના મોટા ભાગના દેશોમાં
એકદમ સામાન્ય હોય એવું ઘણું બધું ઉત્તર કોરિયામાં પ્રતિબંધિત છે. ઉત્તર કોરિયાના લોકો
ટેલિવિઝનમાં માંડ એકાદ સરકારી ચેનલ કે સરકારી સમાચારનું પ્રસારણ જોઈ શકે છે. અહીં દેશ
બહાર જવા માટે સરકાર પાસે મંજૂરી લેવી પડે છે. કારણ કે,
દેશના કોઈ પણ નાગરિક પર ઝડપથી
વિકસી રહેલા વૈશ્વિક સમાજ, રાજકીય-આર્થિક સ્થિતિ કે સંસ્કૃતિનો
પ્રભાવ પડે એ સરમુખત્યાર કિમ જોંગ ઉન માટે જોખમી છે. અહીં બાઈબલ પર પણ પ્રતિબંધ છે.
અમેરિકા અને યુરોપના મોટા ભાગના દેશોને અહીં સત્તાવાર દુશ્મન જાહેર કરાયા છે. કદાચ
અમેરિકા ઉત્તર કોરિયા પર હુમલો કરે તો પણ 'સરકાર'ને લોકોનો સહકાર મળી રહે એ માટે અહીંના મીડિયામાં અમેરિકા સહિતના પશ્ચિમી દેશો
વિરુદ્ધ સતત પ્રચાર થાય છે. લોકોના મગજમાં એવું ઠસાવાય છે કે, અમેરિકા તમને ગુલામ બનાવી દેવા માગે છે. અહીં ટેલિવિઝન, રેડિયો, અખબારો અને ઈન્ટરનેટ જેવા માહિતીના તમામ સાધનો
પર સરમુખત્યાર કિમ જોંગ ઉનનો સંપૂર્ણ કાબૂ છે. હવે આ યાદીમાં કિમ જોંગ ઉન નામ પરનો પ્રતિબંધ પણ ઉમેરાયો છે.
હા,
સરમુખત્યાર કિમ જોંગ ઉને આદેશ કર્યો છે કે હવે દેશમાં એક પણ વ્યક્તિ
પોતાનું નામ જોંગ ઉન નહીં રાખી શકે અને કિમ અટકનો પણ ઉપયોગ નહીં કરી શકે. આ નામ પર
ફક્ત તેમનો અને અટક પર ફક્ત તેમના પરિવારનો હક છે. કિમ જોંગ ઉને તમામ સરકારી વિભાગો
અને સુરક્ષા એજન્સીઓને આવું નામ કે અટક ધરાવતા લોકોને ઓળખીને તેમના નામ બદલવાના આદેશ
કર્યા છે. ઉત્તર કોરિયાની લોખંડી દીવાલો કૂદીને આ વાત બહાર આવે એ શક્ય જ ન હતું,
પરંતુ વર્ષ ૨૦૦૮માં ઉત્તર કોરિયાથી દક્ષિણ કોરિયા ભાગી જવામાં સફળ થયેલી
એક વ્યક્તિએ મીડિયાને આ માહિતી આપી છે. આ વ્યક્તિના જણાવ્યાનુસાર, વર્ષ ૨૦૦૮માં કિમ જોંગ ઈલના મૃત્યુ પછી તેમનો પુત્ર કિમ જોંગ ઉન સત્તામાં આવ્યો ત્યારે નવા જન્મેલા બાળકને દેશના ફર્સ્ટ ફેમિલીનું નામ કે અટક ધરાવતું જન્મનું પ્રમાણપત્ર
આપવા પર પ્રતિબંધ મૂકાયો હતો. આ દરમિયાન કોઈ પણ સત્તાવાર દસ્તાવેજ પર આ નામ હોય તો
તે દૂર કરવાની પ્રક્રિયા પણ ચાલુ થઈ ગઈ હતી.
ઉત્તર કોરિયાનો યુવા સરમુખત્યાર કિમ જોંગ ઉન |
કિમ જોંગ ઉનના પિતા કિમ
જોંગ ઈલ અને તેના દાદા કિમ ઈલ સંગ પણ આવા ફતવા જારી કરી ચૂક્યા છે. જોકે,
ઉત્તર કોરિયામાં માહિતીના સાધનો પર સજ્જડ પ્રતિબંધના કારણે દેશભરમાં
આવા ફતવાનો ચુસ્ત અમલ કરવો અઘરો છે. આજે પણ સમગ્ર કોરિયા ઉપખંડમાં 'કિમ', 'લિ' અને 'પાર્ક' અટક ધરાવતા લોકો બહુમતીમાં છે. કોરિયામાં પાંચમાંથી
એક વ્યક્તિની અટક કિમ અથવા લિ હોય છે, જ્યારે દસમાંથી એક વ્યક્તિની
અટક પાર્ક હોય છે. દક્ષિણ કોરિયાના પ્રમુખનું નામ પાર્ક જ્યુન હાઈ છે. (કોરિયામાં અટક
હંમેશાં પહેલાં લખાય છે). આ મહિલા પ્રમુખ પહેલાંના પ્રમુખ લિ મ્યુન્ગ બાક (૨૦૦૮-૧૩)
હતા. લિ મ્યુન્ગ બાક પહેલાંના પ્રમુખનું નામ કિમ દાઈ જુંગ (૧૯૯૮-૦૩) હતું અને એ પહેલાં
પ્રમુખનું નામ કિમ સામ યંગ (૧૯૯૩-૯૮) હતું. કોઈ પણ વિશ્વ વિખ્યાત કોરિયન પણ મોટા ભાગે
કિમ, લિ અને ક્યારેક પાર્ક હોય છે. સાય નામે ઓળખાતા ગંગનમ સ્ટાઈલ
સિંગરનું પણ સાચું નામ પાર્ક જે સાંગ છે. કોરિયાનો રાજકારણી હોય કે ફિલ્મી હસ્તી,
મલ્ટીનેશનલ કંપનીનો અધિકારી હોય કે સ્પોર્ટ્સમેન- બધે જ કિમ અને લિની
બોલબાલા છે.
કોરિયા ઉપખંડની આશરે ૭૫
લાખની વસતીમાંથી અડધાથી પણ વધારે લોકોની અટક કિમ, લિ અને
પાર્ક હોવાનો અંદાજ છે. આ સિવાય કોરિયાની સૌથી જાણીતી અટકો ચોઈ, જેઓંગ,
કાંગ, યૂન, જાંગ અને શિન
છે. ઉત્તર કોરિયા વિશે તો વિશ્વને ખાસ કોઈ જાણકારી મળી શકતી નથી, પરંતુ દક્ષિણ કોરિયામાં જ આશરે દસ લાખ
'કિમ' છે. સમગ્ર કોરિયા ઉપખંડ (ઉત્તર-દક્ષિણ
કોરિયા)માં ૨૫૦ જેટલી અટકનો ઉપયોગ થાય છે, જેમાંની દસેક અટકોને
બાદ કરતા બાકીની મોટા ભાગની અટકોનો ઉપયોગ કરતા કુટુંબોની સંખ્યા નહીંવત છે. કોરિયામાં
કિમ અને લિ અટકોની બોલબાલાનું રહસ્ય કોરિયાના સામંતવાદી ઈતિહાસ તેમજ તેના ચીન સાથેના
સંબંધમાં પડેલું છે. ચીનમાં પણ ફક્ત ૧૦૦ અટકો ચલણમાં છે. કોરિયાના જાગીરદારોએ છેક પાંચમી
સદીથી ચીનના શાસકોનું પ્રભુત્વ સ્વીકારી લીધું હતું. ચીનના શાસકો કોરિયન જાગીરદારોને
આગવી ઓળખ આપવા માટે પોતાની અટકોનો ઉપયોગ કરવાની છૂટ આપતા હતા. હાલ કોરિયામાં ૧૩૦ જેટલી
અટકો મૂળ ચીની સમાજની છે.
કોરિયામાં છેક નવમી દસમી
સદીની આસપાસના ગાળામાં કિમ અને પાર્ક જેવી સામંતવાદી ઈતિહાસ સાથે સંકળાયેલી અટકો લોકપ્રિય
હતી. અહીં ઈસ. પૂર્વે નવમી સદીથી ઈસ. ૯૩૫ સુધી શિલ્લા વંશનું વર્ચસ્વ હતું. આ સામ્રાજ્યના
સ્થાપકો કિમ વંશના લોકો હતા. કિમ વંશના લોકોએ કોરિયામાં આશરે એક હજાર વર્ષ શાસન કર્યું.
એવી જ રીતે, કોરિયાના મોટા ભાગના વિસ્તારમાં
ઈસ. ૧૩૯૨થી છેક ૧૯૧૦ સુધી ચોસુન સામ્રાજ્યનું શાસન હતું, જે વિશ્વમાં
સૌથી લાંબો રાજ કરનારા રાજવી વંશ તરીકે પણ ઓળખાય છે. આ સામ્રાજ્યના સ્થાપક લિ અટક ધરાવતા
હોવાથી તે લિ સામ્રાજ્ય તરીકે પણ ઓળખાય છે. લિ સામ્રાજ્યના આશરે પાંચ સદીના શાસનકાળમાં
પણ હજારો કુટુંબો લિ અટક અપનાવતા ગયા. આમ, કિમ અને લિ સામ્રાજ્યમાં
આ બંને અટક વડની વડવાઈઓ ફેલાય એવી રીતે સમગ્ર કોરિયા ઉપખંડમાં ફેલાઈ ચૂકી છે. વળી,
કોરિયામાં રાજવી પરિવારો તેમજ ગણ્યાગાંઠયા ઉમરાવ કુટુંબોને જ અટકોનો
ઉપયોગ કરવાની છૂટ હતી. કારણ કે, કોરિયન સમાજમાં અટક સામાજિક મોભો
બતાવવાનું એક માધ્યમ હતું. કોરિયામાં વર્ષ ૧૯૧૦ સુધીમાં સમાજના ઉપલા અને નીચલા વર્ગ
વચ્ચેની ખાઈ બહુ ઊંડી થઈ ચૂકી હતી. કોરિયામાં અટક ધરાવનારા લોકોનો સામાજિક મોભો ઊંચો
ગણાતો હતો.
પરંતુ વર્ષ ૧૯૧૦માં જાપાને
કોરિયા પર કબજો કરતા ચોસુન સામ્રાજ્યનો અંત આવ્યો અને સામંતશાહી પરંપરાઓ ભૂલાવાની શરૂઆત થઈ. બાદમાં કોરિયા ઉપખંડમાં
સામ્યવાદના પ્રભાવ વધ્યો અને સામાજિક ભેદભાવો પણ ભૂંસાવા લાગ્યા. ચોસુન સામ્રાજ્યના
અંત સુધી સમાજના જે નીચલા વર્ગને અટકનો ઉપયોગ કરવાની છૂટ નહોતી તેમને પણ સામ્યવાદના
પ્રભાવ તળે આ લાભ મળ્યો. આ શોષિત વર્ગ નહોતો ઈચ્છતો કે,
તેઓ સામંતવાદીઓ અને ઉમરાવોથી નીચેની કક્ષાના કે તેમના ગુલામો તરીકે ઓળખાય.
આ વર્ગે ખૂબ મોટા પાયે કિમ અને લિ અટકો સ્વીકારવાનું શરૂકર્યું. વિશ્વના મોટા ભાગના દેશોમાં
અટક સામાન્ય રીતે વંશીય મૂળ (જિનેટિકલ ઓરિજિન)નું પ્રતિનિધિત્વ કરે છે,
પરંતુ કોરિયામાં આવું નથી. કોરિયામાં અટકો વંશીય મૂળ સાથે સંકળાયેલી
હોય એ જરૂરી
નહીં હોવા પાછળનું સૌથી મોટું કારણ સમાજના નીચલા વર્ગને પણ કિમ અને લિ અટકો સ્વીકારવાની
છૂટ મળી એ છે. એટલે કોરિયામાં કિમ અને લિના જુદા જુદા વંશોને છૂટા પાડવા માટે પ્રાંતનું
નામ અપાય છે. જેમ કે, 'ગ્યોંગ્જુ કિમ'.
ગ્યોંગ્જુ દક્ષિણ કોરિયામાં દક્ષિણ-પૂર્વીય દરિયા કિનારે આવેલું શહેર
છે. કોરિયામાં આવા ૩૦૦ જેટલા વિસ્તારોના લોકોએ કિમ અટક સ્વીકારી છે.
શિલ્લા અને ચોઝુન સિવાય
દક્ષિણ કોરિયાના ગોરિયો નામના રજવાડાએ (ઈસ. ૯૧૮થી ૧૩૯૨) પણ કિમ અને લિ અટકનું ચલણ વધારવામાં
આડકતરી ભૂમિકા ભજવી છે. કોરિયામાં ચોઝુન કાળમાં સરકારી અધિકારીઓની ભરતી કરવા માટે સિવિલ
સર્વિસ જેવી પરીક્ષા લેવાતી, જે ત્યાં ગ્વાજિયો
નામે જાણીતી હતી. ગોરિયો રાજવંશના સ્થાપક રાજા વાંગ જિયોને કેટલાક સુધારાત્મક પરિવર્તનો
કરવા ગ્વાજિયોમાં અરજી કરનારા ઉમેદવારો માટે અટકની નોંધણી ફરજિયાત બનાવી. આ દરમિયાન
અનેક ઉમરાવ પરિવારો સિવિલ સર્વિસનો લાભ લેવા માટે ખૂબ ઝડપથી કિમ અને લિ અટક સ્વીકારતા
ગયા. થોડા સમય પછી આ બંને અટકો ઉચ્ચ સરકારી અધિકારીઓની સાથે સાથે સફળ વેપારીઓમાં પણ
લોકપ્રિય થઈ ગઈ. કોરિયામાં ૧૮મી સદીમાં ઉચ્ચ વર્ગના લોકોમાં પોતાને રાજવંશ કે ઉચ્ચ
ઉમરાવ વર્ગના સાબિત કરવા માટે કૌટુંબિક ઈતિહાસના સંદર્ભો ધરાવતા 'જોકબો' નામે જાણીતા પુસ્તકો વસાવવાનું મોટા પાયે શરુ
થઈ ગયું હતું. (ગુજરાતમાં બારોટ જાતિના લોકો
પણ આવા કૌટુંબિક ઈતિહાસના સંદર્ભો ધરાવતા ચોપડા બનાવવા માટે જાણીતા છે.) જોકે,
જોકબોની બોલબાલા વધતા તેમાં ભ્રષ્ટાચાર પણ વ્યાપક રીતે વધ્યો. જોકબો
નિષ્ણાતો લાંચ લઈને પોતાના પૂર્વજોના નામો તેમાં નોંધાવવા માંડયા. પરિણામે આજના કોરિયામાં
કિમ, લિ કે પાર્ક અટક ધરાવતા કુટુંબોના વંશજો જનીનિક સામ્યતા
ધરાવતા હોય એ જરુરી નથી.
આ ઉપરાંત કોરિયામાં સદીઓ
સુધી સરખી અટક ધરાવતા લોકોના લગ્નો પણ પરંપરા વિરુદ્ધના ગણાયા. પરંતુ ૧૯મી સદીમાં સામ્યવાદના
પ્રભાવમાં લગભગ તમામ સામંતવાદી પરંપરાઓને યુવાનોએ ફગાવી દીધી. આજે કોરિયામાં સરખી અટક
ધરાવતા લગ્નો સામાન્ય છે પણ અહીંના પુરુષપ્રધાન સમાજમાં દરેક સ્ત્રી લગ્ન
પછી પતિની અટક સ્વીકારે છે. આ કારણોસર પણ કિમ અને લિ અટક ધરાવતા કુટુંબોની સંખ્યા સતત
વધી રહી છે. દક્ષિણ કોરિયાનું નાગરિકત્વ મેળવવામાં સફળ થનારા ચીન,
વિયેતનામ, મોંગોલિયા અને ફિલિપાઈન્સના લોકો પણ
મોટા ભાગે કિમ અને લિ અટક સ્વીકારે છે. આ બંને પછી સૌથી વધુ લોકપ્રિય અટકો પાર્ક અને
ચોઈ છે. અટકોના આ ચક્રવ્યૂહમાં કોરિયામાં વર્ગ ભેદ નાબૂદ થઈ જવો જોઈએ, પરંતુ એવું થયું નથી. ઉત્તર કોરિયાની તો વિશ્વ પાસે ખાસ કોઈ માહિતી નથી,
પરંતુ દક્ષિણ કોરિયામાં અટકની પાછળ લગાવેલું પ્રાંતનું પૂંછડું આજે પણ
સામાજિક, આર્થિક અને રાજકીય સ્તરે મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
જેમ કે, અટક ભલે કિમ હોય પણ જો અટક પાછળનો પ્રાંત સમાન હોય તો
લોકો પ્રાંતીય એકતાની ભાવના દર્શાવવા પરસ્પર સહકાર દાખવતા હોય છે.
આમ,
વિશ્વના મોસ્ટ એડવાન્સ્ડ ટેક્નોલોજિકલ દેશના વેપારીઓ માટે આજેય આખું
નામ એ ફક્ત ઓળખ નહીં પણ ગૌરવનું પ્રતીક છે.
No comments:
Post a Comment