આજકાલ સ્વિત્ઝર્લેન્ડનું નામ લઈએ એટલે સ્વિસ બેંકો કે કાળું નાણું જેવા શબ્દો
કાને પડઘાય છે. જોકે, એકાદ મહિનાથી આ સિવાયના કારણોસર પણ સ્વિત્ઝર્લેન્ડની
દુનિયાભરના મીડિયામાં નોંધ લેવાઈ રહી છે. સ્વિસ બેંકમાં ખાતું ધરાવનારને ગુપ્તતાનો
લાભ મળે છે, એવી જ રીતે અહીં 'ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડ' કે 'ડેથ વિથ ડિગ્નિટી'નો પણ વિશિષ્ટ લાભ મળે છે. ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડ એટલે
સામાન્ય ભાષામાં ડોક્ટરની દેખરેખ હેઠળ પ્રતિષ્ઠાપૂર્વકની આત્મહત્યા. આ પદ્ધતિમાં
વ્યક્તિ રીબાઈ રીબાઈને મૃત્યુ પામવાના દુખમાંથી છુટકારો મેળવવા ડોક્ટરની મદદથી
મૃત્યુ પામતી હોવાથી તેને પ્રતિષ્ઠા સાથેની આત્મહત્યા કહેવાય છે. ઈન્સ્ટિટયુટ ઓફ
લિગલ મેડિસિન ઈન ઝ્યુરિકના નિષ્ણાતોએ 'લો, એથિક્સ એન્ડ મેડિસિન' નામની જર્નલમાં ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડને લગતું સંશોધન
પેપર પ્રકાશિત કર્યું એ પછી આ મુદ્દો ફરી એકવાર ચર્ચામાં છે. આ પેપરના આંકડા મુજબ,
વર્ષ ૨૦૦૮થી ૨૦૧૨ વચ્ચે
૬૧૧ વિદેશીઓએ સ્વિત્ઝર્લેન્ડ જઈને ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડની સુવિધાનો લાભ લીધો
હતો.
ભારતમાં પણ મુંબઈની અરુણા શાનબાગના કિસ્સા પછી ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડ અને
યુથેનેશિયા (મર્સી કિલિંગ)ની ચર્ચાએ જોર પકડ્યું હતું. ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડ
અને યુથેનેશિયા વચ્ચે પાતળી ભેદરેખા છે. યુથેનેશિયામાં ક્યારેક ડોક્ટર જ સ્વજનોની
સંમતિથી દર્દીને જીવલેણ દવા આપે છે. એ વખતે દર્દી કોમામાં હોય કે માનસિક રીતે
બિમાર હોય તો તેની સંમતિ ના લેવાઈ હોય એવું બની શકે છે,
એટલે આ પદ્ધતિ મર્સી
કિલિંગ કે એક્ટિવ આસિસ્ટેડ સુસાઈડ તરીકે ઓળખાય છે. જ્યારે ફિઝિશિયન આસિસ્ટેડ
સુસાઈડમાં દર્દીની વિનંતી, ચોક્કસ કાયદાકીય પ્રક્રિયા અને મેડિકલ સ્ક્રીનિંગ પછી જ
ડોક્ટર દર્દીને મૃત્યુ પામવામાં મદદ કરે છે. અરુણા શાનબાગના કેસ પછી ભારતમાં ફક્ત
પેસિવ આસિસ્ટેડ સુસાઈડને જ મંજૂરી મળી છે, જેમાં દર્દીની લાઈફ સપોર્ટ સિસ્ટમ ખસેડવાની તેમજ દવાઓ અને
નળી વાટે ખોરાક બંધ કરવાની જ મંજૂરી હોય છે.
અત્યારે નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ જેવા દેશોમાં યુથેનેશિયા કાયદેસર છે,
જ્યારે સ્વિત્ઝર્લેન્ડ,
અલ્બેનિયા,
કોલમ્બિયા,
જાપાનમાં ફિઝિશિયન આસિસ્ટેડ
સુસાઈડ કાયદેસર છે. અમેરિકાના વોશિંગ્ટન, વર્મોન્ટ, ઓરેગોન, ન્યૂ મેક્સિકો અને મોન્ટાના તેમજ કેનેડાના ક્યુબેકમાં પણ
ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડ કાયદેસર છે. જોકે, આ તમામ જગ્યાએ ચોક્કસ કાયદાકીય અને મેડિકલ પ્રક્રિયા પછી જ
દર્દીને આવી મંજૂરી અપાય છે. દર્દીને રોગમાંથી મુક્ત કરવાની અને તેનું દર્દ ઓછું
કરવાની શક્યતા તેમજ દર્દીને મરવાની ઇચ્છા જેવા અનેક માપદંડો ચકાસ્યા પછી જ આ લાભ
મળે છે. આજે પણ વિશ્વના મોટા ભાગના દેશોમાં ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડ ગેરકાયદે છે,
જ્યારે અનેક દેશોમાં
તેને લગતા કાયદા જ નથી અથવા તો અસ્પષ્ટ છે.
જર્મની જેવા દેશોમાં તો આસિસ્ટેડ સુસાઈડને લગતા કાયદા અને ફોજદારી કાયદા
વિરોધાભાસી છે. જેમ કે, જર્મન ડોક્ટર દર્દીને આસિસ્ટેડ સુસાઈડ માટે જીવલેણ દવા
પ્રિસ્ક્રાઈબ કરી શકતા નથી, પરંતુ જર્મનીનો નાગરિક કોઈની મદદ વિના જીવલેણ દવા લઈ શકે
છે. કારણ કે, જર્મનીના ફોજદારી કાયદા મુજબ, જીવલેણ દવા લઈને આત્મહત્યાનો પ્રયાસ ગુનો નથી. કોઈને
આત્મહત્યા કરવા માર્ગદર્શન કે પ્રોત્સાહન આપવું એ પણ સજાપાત્ર નથી. આવા કિસ્સાને
સચ્ચાઈની એરણ પર ચકાસવા જર્મનીએ બીજા પણ કેટલાક કાયદા ઘડાયા છે. જર્મનીમાં
આસિસ્ટેડ સ્યુસાઈડ અને એક્ટિવ આસિસ્ટેડ સ્યુસાઈડ એમ બે શબ્દોનો ઉપયોગ કરીને કાયદો
ઘડાયો છે. કારણ કે, અહીં હિટલર યુગની કડવી યાદો તાજી નહીં કરવાનો વણલિખિત નિયમ
હોવાથી 'યુથેનેશિયા' શબ્દનો ઉપયોગ નથી કરાતો. (વર્ષ ૧૯૩૯થી ૧૯૪૧ દરમિયાન નાઝીઓએ જર્મનીમાં ૭૦
હજારથી પણ વધુ લોકોને જીવલેણ ઝેર આપીને મારી નાંખ્યા હતા એ કલંકિત પ્રકરણ વિશ્વના
ઈતિહાસમાં 'યુથેનેશિયા પ્રોગ્રામ' તરીકે નોંધાયેલું છે.)
વિશ્વના મોટા ભાગના દેશોના આવા જટિલ કાયદાઓની સામે સ્વિત્ઝર્લેન્ડમાં ફિઝિશિયન
આસિસ્ટેડ સુસાઈડને લગતા કાયદા હાસ્યાસ્પદ કહી શકાય એટલા હળવા છે. અહીં પણ ડોક્ટર
જીવલેણ ડ્રગ આપીને દર્દીને મરવામાં મદદ કરી શકતા નથી,
પરંતુ કોઈને મરવામાં
મદદરૂપ થતી વખતે 'કંઈક મેળવવા'નો હેતુ ના હોય તો સ્વિત્ઝર્લેન્ડ સરકારને વાંધો નથી. સ્વિત્ઝર્લેન્ડમાં
આસિસ્ટેડ સુસાઈડને લગતા કાયદા એટલા બધા હળવા છે કે, અહીં વિદેશી નાગરિકો પણ 'સુસાઈડ' કરવા આવી શકે છે. નવાઈની વાત તો એ છે કે,
સ્વિસ કાયદા પ્રમાણે
કંઈક મેળવવાનો હેતુ ગેરકાયદે હોવા છતાં ત્યાંની સરકાર ફી લઈને ફિઝિશિયન આસિસ્ટેડ
સુસાઈડમાં મદદરૂપ થતી સંસ્થાઓને 'ધંધો' કરવા દે છે. ડિગ્નિટાઝ
આ પ્રકારની સેવા આપતી સ્વિત્ઝર્લેન્ડની સૌથી મોટી અને વિશ્વભરમાં જાણીતી
સંસ્થા છે. આવી સંસ્થાના સભ્ય બનવા માટે પાંચ હજાર ડોલર જેવી તગડી રકમ ચૂકવવી પડે
છે. આ સંસ્થાઓનું કામ પણ સ્વિસ બેંકો જેવું જ છે. તેઓ તેમના ગ્રાહકોના આર્થિક કે
શારીરિક બિમારીને લગતા ડેટા ગુપ્ત રાખે છે. સુસાઈડ ટુરિઝમમાંથી સ્વિત્ઝર્લેન્ડ
સરકાર કેટલી આવક કરે છે તેના ચોક્કસ આંકડા ઉપલબ્ધ નથી,
પરંતુ છેલ્લાં ચાર
વર્ષમાં આત્મહત્યા માટે આવતા પ્રવાસીઓ બે-ગણા વધ્યા છે.
જર્મનીના મેડિકલ કોડ મુજબ, આત્મહત્યા માટે મદદ કરવી એ અનૈતિક છે,
પણ સ્વિસ ડોક્ટર ચોક્કસ
સંજોગોમાં દર્દીને મૃત્યુ પામવામાં મદદરૂપ થઈ શકે છે. સ્વિત્ઝર્લેન્ડમાં ફિઝિશિયન
આસિસ્ટેડ સુસાઈડનો લાભ લેવા માટે બ્રિટિશરો પછી જર્મન પ્રવાસીઓ સૌથી વધુ આવે છે.
યુ.કે.ના ચારેય દેશોમાં ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડ ગેરકાયદે હોવાથી તેઓ મરવા માટે
સ્વિત્ઝર્લેન્ડ આવે છે, જ્યારે જર્મનો મરતા મરતા કાયદાની આંટીઘૂંટીથી બચવા માટે
સ્વિત્ઝર્લેન્ડ આવે છે. છેલ્લાં પાંચ વર્ષમાં ૩૧ દેશોના પ્રવાસીઓએ ફિઝિશિયન
આસિસ્ટેડ સ્યુસાઈડના હેતુથી સ્વિત્ઝર્લેન્ડની મુલાકાત લીધી છે. આ નાગરિકોમાં ૨૩
વર્ષના યુવાનોથી લઈને ૯૦ વર્ષના વૃદ્ધોનો સમાવેશ થાય છે. સ્વિત્ઝર્લેન્ડના સુસાઈડ
ટુરિઝમના તરફદારોની દલીલ છે કે, આ તમામ નાગરિકો જીવલેણ રોગોથી પીડાતા હોવાના કારણે
સ્વિત્ઝર્લેન્ડમાં આસિસ્ટેડ સુસાઈડનો લાભ લેવા આવ્યા હતા. જોકે,
એક અહેવાલ પ્રમાણે વર્ષ
૧૯૯૮થી આસિસ્ટેડ સુસાઈડના હેતુથી સ્વિત્ઝર્લેન્ડ આવેલા એક હજારમાંથી ૨૧ ટકા જેટલા
પ્રવાસીઓ જીવલેણ બીમારીથી પીડાતા ન હતા.
છેલ્લાં બે દાયકામાં વિશ્વના અનેક દેશોમાં વિવિધ મેડિકલ કેસ સામે આવ્યા પછી
ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડ અને મર્સી કિલિંગની ચર્ચાએ જોર પકડ્યું છે. વર્ષ ૧૯૮૦થી
૧૯૯૦ દરમિયાન આર્ટિફિશિયલ રેસ્પિરેટર, ફિડિંગ ટયૂબ્સ અને ડાયાલિસિસ મશીનો જેવી મેડિકલ
ટેક્નોલોજીના કારણે જીવલેણ રોગથી પીડાતા દર્દીઓને જીવિત રાખવા સરળ બન્યા છે. આવી
રીતે ફક્ત ટેક્નોલોજીના સહારે પથારીમાં જીવન ગુજારી રહેલા દર્દીઓનું જીવન ક્યારેક
અત્યંત દુષ્કર બની જતું હોય છે. અમુક પ્રકારના કેન્સરમાં દર્દીને અત્યંત પીડાદાયી
સારવાર આપીને વર્ષો સુધી જીવિત રખાય છે. જોકે, આવી રીતે જીવતો દર્દી ખરેખર 'જીવિત' જ ના હોય એવું બની શકે છે. અમેરિકા,
કેનેડા તેમજ યુરોપિયન
દેશોમાં આવા કિસ્સા સામે આવ્યા પછી આસિસ્ટેડ સુસાઈડ અને મર્સી કિલિંગની તરફેણમાં
સૂર ઉઠ્યો છે. અમેરિકા, કેનેડા અને યુરોપના મોટા ભાગના નાગરિકો સ્વેચ્છાએ મૃત્યુ
પામવાના કાયદા ઘડવાના હિમાયતી છે.
જોકે, આ પ્રકારના કાયદા બનાવવામાં મેડિકલ એથિક્સથી લઈને ધર્મ સુધીની અનેક અડચણો છે.
આવા કાયદાની વિરુદ્ધ મેડિકલ જગતમાંથી પણ એવો સૂર ઉઠયો છે કે,
લોકોને મરવાની છૂટ આપતા
કાયદા બનાવવા કરતા દર્દીની વધુ સારી રીતે કાળજી રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવું
જોઈએ. લોકોને મરવાની છૂટ આપતો કાયદા બનાવીએ એના કરતા કેવા કેસમાં ફિઝિશિયન
આસિસ્ટેડ સુસાઈડ કે મર્સી કિલિંગની મંજૂરી મળી શકે એની રૂપરેખા ધરાવતી માર્ગદર્શિકા પણ ઘડી શકાય. જે દેશોમાં આવા કાયદા છે ત્યાં પણ દર વખતે તેનું આંધળુ અનુસરણ કરીને
દર્દીને મરવાની કે મારવાની મંજૂરી અપાતી નથી. આવા કાયદા ઘડતા પહેલાં પથારીવશ
દર્દીઓ પર મૃત્યુ પામવાનું આડકતરું દબાણ, મૃત્યુની મંજૂરી આપવામાં ડોક્ટરની જટિલ ભૂમિકા,
હત્યાને પણ ફિઝિશિયન
આસિસ્ટેડ સુસાઈડમાં ખપાવી દેવાનો ભય તેમજ ડિફરન્ટલી એબલ્ડ લોકો પ્રત્યે સામાજિક
ભેદભાવ જેવા અનેક ભયસ્થાનો છે.
હિંદુ સહિત વિશ્વના મોટા ભાગના ધર્મો પણ અકુદરતી મૃત્યુનો અને આવા કાયદાનો
વિરોધ કરે છે. અરુણા શાનબાગના કિસ્સા પછી ભારતમાં પણ હિંદુ,
મુસ્લિમ,
ખ્રિસ્તી,
જૈન અને બૌદ્ધ
ધર્મગુરુઓનો મત જાણવાનો પ્રયાસ કરાયો હતો. આ તમામ ધર્મો એકસૂરે એક્ટિવ આસિસ્ટેડ
સુસાઈડનો વિરોધ કરે છે. જોકે, જૈન ધર્મ સંથારા અને હિંદુ ધર્મ પ્રયોપવેશ નામની ધાર્મિક
વિધિ હેઠળ વ્યક્તિને અન્ન-જળ છોડીને મૃત્યુ પામવાની મંજૂરી આપે છે. અરુણા શાનબાગના
કિસ્સા પછી ભારતમાં પણ ફક્ત પેસિવ આસિસ્ટેડ સુસાઈડ જ કાયદેસર છે.
અરુણા શાનબાગનો કિસ્સો શું છે?
અરુણા શાનબાગના બહુચર્ચિત કિસ્સા પછી ભારતમાં મર્સી કિલિંગ અને ફિઝિશિયન આસિસ્ટેડ
સુસાઈડની ચર્ચા થઈ હતી. ઉત્તરપ્રદેશના હલ્દીપુર ગામમાં જન્મેલી અરુણા શાનબાગ
મુંબઈની કિંગ એડવર્ડ હોસ્પિટલમાં જુનિયર નર્સ તરીકે નોકરી કરતી હતી. આ દરમિયાન
૨૭મી નવેમ્બર, ૧૯૭૩ની રાત્રે અરુણા હોસ્પિટલના ભોંયરામાં કપડાં બદલતી હતી ત્યારે સોહનલાલ
વાલ્મિકી નામના સફાઈ કામદારે તેના પર જાતીય હુમલો કર્યો હતો. સોહનલાલે અરુણાને ડોગ
ચેઈનથી ગૂંગળાવીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આ હુમલાના શારીરિક અને
માનસિક આઘાતને લીધે અરુણાના મગજને ઓક્સિજન પ્રવાહ આપતી સિસ્ટમ ખોરવાઈ જતા તે
કોમામાં ચાલી ગઈ હતી. અરુણાની ગરદનના ઉપરના મણકાને ગંભીર નુકસાન થતાં તેણે દૃષ્ટિ
અને શ્રવણશક્તિ પણ ગુમાવી દીધી હતી. આ ઘટના બાદ તેને લાઈફ સપોર્ટ સિસ્ટમની મદદથી
મુંબઈની કેઈએમ હોસ્પિટલમાં જીવિત રખાઈ છે.
અરુણા શાનબાગ યુવાનીમાં અને હોસ્પિટલના બિછાને |
આ દરમિયાન 'અરુણા'ઝ સ્ટોરીઃ અ ટ્રુ એકાઉન્ટ ઓફ અ રેપ એન્ડ ઈટ્સ આફ્ટલમેથ'ના લેખિકા પિંકી વિરાણીએ અરુણાના મર્સી કિલિંગ માટે
સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી. આ અરજીમાં દલીલ કરાઈ હતી કે,
અરુણાને પરાણે જીવિત
રાખવી એ તેના માન-સન્માન સાથે જીવવાના અધિકારનો ભંગ કરે છે. જોકે,
વિવિધ સુનવણીઓ પછી સાતમી
માર્ચ, ૨૦૧૧
રોજ સર્વોચ્ચ અદાલતે અરુણાના મર્સી કિલિંગને લગતી અરજી ફગાવી દીધી હતી. એક્ટિવ
આસિસ્ટેડ સુસાઈડ કે મર્સી કિલિંગ માટે દેશમાં ચોક્કસ કાયદાના અભાવે અરુણા શાનબાગના
મર્સી કિલિંગને મંજૂરી મળી ન હતી. જોકે, આ ચુકાદામાં અદાલતે એક માર્ગદર્શિકા નક્કી કરીને પેસિવ
આસિસ્ટેડ સુસાઈડ એટલે કે દર્દીની લાઈફ સપોર્ટ સિસ્ટમ અને નળી વાટે અપાતો ખોરાક કે
પાણી ચોક્કસ સંજોગોમાં બંધ કરવાનો નિર્ણય લેવાની મંજૂરી આપી હતી.
ખેર, ચોક્કસ કાયદાના અભાવે અરુણા શાનબાગ આજે ૪૧ વર્ષ પછીયે હોસ્પિટલમાં પથારીવશ
અવસ્થામાં જીવિત છે.
નોંધઃ બંને તસવીરો ગૂગલ પરથી લીધી છે.
too good stuff
ReplyDeleteમૃત્યુની મંજૂરી ખરેખર જટિલ વિષય છે.. ભલે નર્કાગાર પીડામાં સબડતા કોઇ જીવની મુક્તિ માટે કાયદેસર મંજૂરીઓ ભલે ના હોય, પરંતુ તેની મુક્તિ માટે જૂના સમયમાં અને આજે પણ લોકોને પ્રાર્થના કરતા જોયા છે. ફિઝિશયન આસિસ્ટેડ સ્યુસાઇડ અને મર્સી કિંલિંગ.. એ ઊંડો વિચાર માગી લેતો વિષય છે... ગુડ આર્ટિકલ
ReplyDeleteલક્ષ્મી અને સંદીપ... ખૂબ ખૂબ આભાર... ;)
ReplyDeletenice one.
ReplyDelete