22 December, 2014

સાયબર ટેરરિઝમઃ ફિલ ધ પાવર ઓફ પાકિસ્તાન...


૨૧મી સદીના યુદ્ધો મેદાનો કે સરહદો પર ઓછા અને કૂટનીતિથી વધુ લડાશે એ વાતના સંકેત ઘણાં સમય પહેલાં જ મળવાની શરૂઆત થઈ ગઈ હતી. જમ્મુ-કાશ્મીર સરહદે પાકિસ્તાન દ્વારા વારંવાર થઈ રહેલો યુદ્ધવિરામનો ભંગ હોય કે પછી પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ- એ પ્રકારના છમકલાં પાકિસ્તાનની ભારત સાથેની વિદેશ નીતિનો મહત્ત્વનો હિસ્સો છે. દેશની સુરક્ષા માટે પરમાણુ હથિયારો વિકસાવીને કે ખરીદીને શોભાના ગાંઠિયાની જેમ મૂકી રાખવા એ પણ કૂટનીતિનો એક મહત્ત્વનો હિસ્સો હોય છે. પરમાણુ હથિયારો ધરાવતા દુશ્મન દેશો વચ્ચે એકબીજાના ભયના ઓથાર તળે ઉપરછલ્લી શાંતિ જળવાઈ રહે છે. સરહદો પર થતાં વાસ્તવિક યુદ્ધમાં દેશના અર્થતંત્ર પર પારાવાર બોજ પડે છે. આજના સમયમાં લાંબા સમય સુધી સરહદ પર યુદ્ધ કરવું કોઈ દેશને પોસાય એમ નથી. વળી, તેમાં દુશ્મન દેશ કરતા પોતાને જ વધારે નુકસાન થાય એવું પણ થઈ શકે છે. આ પ્રકારના યુદ્ધો ચાલતા હોય ત્યારે દર વખતે નફ્ફટ થઈને આંતરરાષ્ટ્રીય કાયદાકાનૂનો નેવે મૂકવા અશક્ય હોય છે. પરંતુ દુનિયાની સામે આવ્યા વિના દુશ્મન દેશને આર્થિક નુકસાન પહોંચાડવું હોય તો શું કરી શકાય? જવાબ છે, સાયબર આતંકવાદ. સાયબર હુમલામાં ધડાકા કર્યા સિવાય સામેના દેશને ભયાનક નુકસાન પહોંચાડી શકાય છે. છેલ્લાં ઘણાં પાકિસ્તાને ભારત સામે આ હથિયાર પણ ઉગામ્યું છે.

વર્ષ ૧૯૬૫, ૧૯૭૧ અને ૧૯૯૯માં ભારત સામેના યુદ્ધમાં હારનો સામનો કર્યા પછી પાકિસ્તાને સરહદી યુદ્ધ છેડીને કાશ્મીર કબજે કરવાના મનસૂબા પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. એ પછી પાકિસ્તાને ભારત સામેનું યુદ્ધ ચાલુ રાખવા આતંકવાદનો મહાવિનાશક માર્ગ અપનાવ્યો, પરંતુ આજે એ જ આતંકવાદી જૂથો પાકિસ્તાન માટે માથાનો દુખાવો બની ગયા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમજ આતંકવાદને ડામવામાં ભારત સરકારને મળેલી વ્યૂહાત્મક જીત પછી પાકિસ્તાને ભારત સામે પદ્ધતિસરનું સાયબર વોર છેડી દીધું છે. છઠ્ઠી નવેમ્બર, ૨૦૧૪ના રોજ પાકિસ્તાનના હેકરોએ ભારત સરકારના જુદા જુદા વિભાગોની ૨૨ વેબસાઈટની સકલ-સુરત બગાડી નાંખી હતી. આ વેબસાઈટ પર હેકરોએ '1337 & r00x! Team MaDLeeTs' એમ હેકિંગની લાક્ષણિક ટેકનિકલ સ્ટાઈલમાં પોતાની ઓળખ આપી હતી. પાકિસ્તાની હેકર તરીકેની ઓળખ આપનારા આ શખસોએ મોટા ભાગની વેબસાઈટ પર જમ્મુ-કાશ્મીરમાં ભારતીય લશ્કરને લઈને ભારત સરકાર સામે કેટલાક આરોપો મૂક્યા હતા.

હેકરોએ લખ્યું હતું કે, 'અમે કાશ્મીર નથી માગતા. અમને શાંતિની માગણી કરીએ છીએ. અમે અહીંથી કશું જ ડીલિટ કે ચોરી નથી કર્યું. અમે અહીં ફક્ત સરકાર અને ભારતના લોકોને સંદેશ આપવા આવ્યા છીએ.' આ સંદેશના અંતમાં હેકરોએ 'પાકિસ્તાન જિંદાબાદ' લખ્યું હતું. પહેલી નવેમ્બર, ૨૦૧૪ના રોજ પોતાને 'પાકિસ્તાન સાયબર માફિયા હેકર્સ' તરીકે ઓળખાવતા પાકિસ્તાનના હેકરોએ ગુજરાત સરકારની કમિશનરેટ ઓફ હાયર એજ્યુકેશનની વેબસાઈટ www.egyan.org.in તેમજ અમદાવાદની એગ્રિકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટી, અમદાવાદની વેબસાઈટ www.apmcahmedabad.comને પણ નિશાન બનાવી હતી. આ બંને વેબસાઈટના હોમ પેજ પર હેકરોએ તેમનો લોગો મૂકીને લખ્યું હતું કે, હેક્ડ બાય પાકિસ્તાન સાયબર માફિયા હેકર્સ, ફિલ ધ પાવર ઓફ પાકિસ્તાન, પીકે રોબોટ વોઝ હિયર અને પાકિસ્તાન જિંદાબાદ. ભારત પર થતાં મોટા ભાગના સાયબર હુમલા પાકિસ્તાન અને ચીન પ્રેરિત હોય છે.કોમ્યુનિકેશન એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે ૧૪મી જુલાઈ, ૨૦૧૪ના રોજ દેશમાં વધી રહેલા સાયબર હુમલા વિશે લેખિતમાં માહિતી આપી હતી. વર્ષ ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૩ અને ૨૦૧૪ (મે સુધી)માં અનુક્રમે દેશની ૨૧,૬૯૯, ૨૭,૬૦૫, ૨૮,૪૮૧ અને ૯,૧૭૪ વેબસાઈટો હેક થઈ હતી. વેબસાઈટ હેકિંગનો હેતુ ભાંગફોડ કરીને આથક નુકસાન કરવાથી વિશેષ હોતો નથી. કારણ કે, વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી પહેલેથી જ જાહેર હોય છે એટલે જાસૂસીનો પણ સવાલ નથી. વેબસાઈટો પર દેશની સુરક્ષા માટે સંવેદનશીલ કહી શકાય એવી કોઈ માહિતી પણ હોતી નથી. પરંતુ જો આ વેબસાઈટોને હંમેશાં માટે ખોરવી નાંખવામાં આવે કે ડેટા ડિલિટ કરી નાંખવામાં આવે તો કેવું નુકસાન થાય એ સમજી શકાય એમ છે. કોમ્યુનિકેશન એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય હેઠળ જ કામ કરતી કમ્પ્યુટર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમ ઈન્ડિયાના આંકડા પ્રમાણે ભારત સરકારને આથક નુકસાન પહોંચાડવા તેમજ સિસ્ટમ ખોરવી નાંખવા માટે વર્ષ ૨૦૧૧, ૨૦૧૨ અને ૨૦૧૩માં અનુક્રમે ૧૩,૩૦૧, ૨૨,૦૬૦ અને ૭૧,૭૮૦ સાયબર હુમલા થયા હતા. આમ, વર્ષ ૨૦૧૩માં આગલા વર્ષ કરતા સાયબર હુમલા ત્રણ ગણાથી પણ વધુ થઈ ગયા હતા, જ્યારે મે ૨૦૧૪ સુધીમાં ગંભીર કહી શકાય એવા સાયબર હુમલાની સંખ્યા ૬૨,૧૮૯એ પહોંચી ગઈ છે.

સાયબર હુમલાની સૌથી મોટી વિશેષતા એ છે કે, એ ક્યાંથી થઈ રહ્યા છે એ જાણ્યા પછી પણ એની પાછળ કોનો હાથ છે એ ચોક્કસ કહી શકાતું નથી. ભારતમાં થયેલા સાયબર હુમલા પાકિસ્તાન, બાંગ્લાદેશ, યુએઈ, ચીન, તુર્કી, અલ્જિરિયા, અમેરિકા, બ્રાઝિલ અને યુરોપના કેટલાક દેશોમાંથી થયા હતા. હવે પાકિસ્તાનના હેકરો પોતાની ઓળખ જાહેર ના કરે ત્યાં સુધી કોઈ જાણી શકતું નથી કે, આ હુમલો કોણે કર્યો? પાકિસ્તાનનો હેકર પોતાના દેશમાં બેઠા બેઠા અમેરિકા કે બ્રાઝિલનું સર્વર હેક કરીને હુમલો કરતો હોય એવું પણ બની શકે છે. બાંગ્લાદેશનો કોઈ હેકર પાકિસ્તાનના નામે ભારત પર સાયબર હુમલા કરતો હોય એવું પણ શક્ય છે. સાયબર હુમલા બહુ ઓછા ખર્ચે, બહુ નાની ટીમની મદદથી અને ખાસ કોઈ  જોખમ ખેડયા સિવાય દુશ્મન દેશને હેરાન-પરેશાન કરી શકાય છે. આ ઉપરાંત હજારો હુમલા કરીને પણ 'આતંકવાદી દેશ' જેવા લેબલથી બચી શકાય છે. વળી, સાયબર હુમલાખોરોની ઓળખ કરીને તેમને જે તે દેશના વહીવટી તંત્રની મદદથી સજા ફટકારવામાં પણ અનેક અડચણો છે. છેલ્લાં ચાર વર્ષમાં આટલા બધા હુમલાની સામે વર્ષ ૨૦૧૧, ૨૦૧૨ અને ૨૦૧૩માં ઈન્ડિયન પીનલ કોડ હેઠળ ફક્ત ૪૨૨, ૬૦૧ અને ૧,૩૩૭ ફરિયાદો નોંધાઈ છે.

સાયબર આતંકવાદીઓ બેંકો અને રેલવે જેવી વેબસાઈટને હેક કરીને આતંક સર્જી શકે છે. ચૂંટણી પંચ જેવી વેબસાઈટ હેક કરીને તમામ માહિતી ડિલિટ કરી શકે છે, ખોટી માહિતી આપીને લોકોને ગેરમાર્ગે દોરી શકે છે અને સંસદના બંને ગૃહોની વેબસાઈટ પર ખોટી માહિતી અપલોડ કરીને કે બધી માહિતી ડિલિટ કરીને અરાજકતા સર્જી શકે છે. સાયબર આતંકવાદને મૂળભૂત બે ભાગમાં વહેંચી શકાય. કમ્પ્યુટર નેટવર્ક અને વિવિધ સરકારી વિભાગોને સપોર્ટ કરતું ઓનલાઈન માળખું ખોરવી નાંખવું એ સીધેસીધો સાયબર આતંકવાદ છે, જ્યારે આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે કરાતો સાયબર સ્પેસનો ઉપયોગ એ આડકતરો સાયબર આતંકવાદ છે. સાયબર સ્પેસના ઉપયોગથી ધર્મના નામે યુવાનોને આકર્ષીને ભરતી કરવા, ખોટો પ્રચાર કરવાના હેતુથી તૈયાર કરેલું સાહિત્ય વેબસાઈટ કે સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર અપલોડ કરવું તેમજ ફેક એકાઉન્ટો ખોલીને ગુપ્ત સંદેશાની આપ-લે કરવા માટે સાયબર સ્પેસનો ઉપયોગ કરવાની પ્રવૃત્તિ પણ ખૂબ ફૂલીફાલી છે. દેશમાં મોટા ભાગના કોમી રમખાણોમાં ઘી હોમવાનું કામ પણ સાયબર સ્પેસની મદદથી જ થાય છે.

ઈરાક અને સીરિયામાં આતંક મચાવનારા ઈસ્લામિક સ્ટેટ જૂથે ઈન્ટરનેટની મદદથી એક સોફિસ્ટિકેટેડ કેમ્પેઇન શરૂ કરીને જ વિશ્વભરમાં લોકપ્રિયતા હાંસલ કરી છે. અલ કાયદા, અલ કાયદા ઈન ધ ઈન્ડિયન સબ-કોન્ટિનેન્ટ ઈન્ડિયન મુજાહિદ્દીન, તહેરિકે તાલિબાન-પાકિસ્તાન, જમાત-ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ વગેરે આતંકી જૂથો સાયબર સ્પેસનો ઉપયોગ કરીને મજબૂત થઈ રહ્યા હોવાથી ભારત-અમેરિકાએ ઈન્ડો-યુ.એસ. જોઈન્ટ વકગ ગૂ્રપની રચના કરીને સાયબર ટેરર નેટવર્ક ખતમ કરવાનો નિર્ણય લીધો છે. પહેલી જુલાઈ, ૨૦૧૪ના રોજ ઈસ્લામિક સ્ટેટના વડા અબુ બકર અલ બગદાદીએ 'એ મેસેજ ટુ ધ મુજાહિદ્દીન એન્ડ ધ મુસ્લિમ ઉમ્માહ ઇન ધ મન્થ ઓફ રમઝાન' નામે વીસ સેકન્ડનો એક ઓડિયો સોશિયલ મીડિયાની મદદથી જ વહેતો કર્યો હતો. ત્યાર બાદ ઓગસ્ટ ૨૦૧૪માં પણ ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા એક કેનેડિયન યુવકે ભારતીય યુવાનોને તેમની સાથે જોડાવાની હાકલ કરતો ૧૧ મિનિટનો વીડિયો ફરતો કર્યો હતો. આ વીડિયોમાં હિન્દી, તમિલ અને ઉર્દૂમાં સબ-ટાઈટલ હતા. આ ઘટનાના એક જ મહિના બાદ ત્રીજી સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ અલ કાયદાના વડા અયામાન અલ ઝવાહિરીએ ભારતીય ઉપખંડમાં આતંક ફેલાવવા નવી શાખાની જાહેરાત વીડિયો અપલોડ કરીને જ કરી હતી. સોશિયલ મીડિયા પર કોઈ સમાજની ધામક લાગણી દુભવતા ઓડિયો-વીડિયો મેસેજ કે તસવીરોથી પણ કોમી તોફાનો ફાટી નીકળતા હોય ત્યાં સાયબર સ્પેસની મદદથી ઝવાહિરી જેવા આતંકવાદીઓના હાથ મજબૂત થતા ના હોય એવું માનવું અઘરું છે.  

સપ્ટેમ્બર ૨૦૧૨માં નવી દિલ્હીમાં સુરક્ષા નિષ્ણાતો દ્વારા આયોજિત ઉચ્ચ સ્તરીય બેઠકમાં નોંધ કરાઈ હતી કે, 'આઈએસઆઈ આતંકવાદીઓને સાયબર હુમલા કરવા માટે તાલીમ આપી રહી છે કારણ કે, તેઓ જાણે છે કે આ પ્રકારના હુમલા ખાળવા ભારત પૂરતું સજ્જ નથી.' પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈએ ભારત સામે સાયબર યુદ્ધ છેડયું હોવાથી જ તેઓ શિક્ષિત યુવાનોની ભરતી પર ખાસ ભાર આપી રહ્યા છે. સાયબર હુમલાને કોઈ પણ મોટા આતંવાદી હુમલાથી જરા પણ ઉતરતી કક્ષાના ગણીને તેની અવગણના કરી શકાય એમ નથી. આ સંજોગોને વેળાસર પારખીને ભારતે પણ સાયબર ગુનાખોરી અને સાયબર આતંકવાદ સામેની લડાઈને રાષ્ટ્રીય સુરક્ષા માટેની પ્રાથમિકતા ગણીને આ દિશામાં મક્કમ ગતિએ આગળ વધવાનો સમય થઈ ગયો છે.

No comments:

Post a Comment