09 January, 2014

તૃતીય વિશ્વયુદ્ધ અકસ્માતે શરૂ થઈ શકે છે


શું દુનિયામાંથી યુદ્ધનો ભય ક્યારેય સંપૂર્ણપણે નાબૂદ થશે ખરો? આ સવાલનો જવાબ પણ ભગવાનનું અસ્તિત્વ છે કે નહીં?- એ સવાલ જેટલો જ અઘરો થઈ ગયો છે. એક સમયે એવું મનાતું હતું કે, હવેના યુદ્ધ મેદાનો કે આકાશમાં નહીં પણ વેપારની દુનિયામાં લડાશે. 21મી સદીના યુદ્ધોમાં તોપગોળાના અવાજો ઓછા સંભળાશે અને છતાં હારેલા દેશને વધુ નુકસાન જશે. આંતરરાષ્ટ્રીય સંબંધોના નિષ્ણાતોનું માનવું છે કે, છેલ્લાં એક દાયકામાં વૈશ્વિક સ્તરે થયેલી ઉથલપાથલો દર્શાવે છે કે, વિશ્વમાં ગમે ત્યારે તૃતીય વિશ્વયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે અને આ વખતનું વિશ્વયુદ્ધ પણ દ્વિતિય વિશ્વયુદ્ધની જેમ એશિયામાંથી શરૂ થશે અને એ માટે ઈતિહાસ ચીન કે જાપાનને જવાબદાર ઠેરવશે.

ભારત જેવા ‘સોફ્ટ કન્ટ્રી’ સાથે પણ ચીને છેલ્લાં એક દાયકામાં ઘણું અક્કડ વલણ દાખવ્યું છે. ચીને ભારત સાથેની દક્ષિણ પશ્ચિમી સરહદો પર વારંવાર હક્ક જમાવવાનો પ્રયાસ કર્યો છે. આ વખતે ચીને જાપાન સાથેની પૂર્વીય દરિયા કિનારાના આકાશમાં હજારો ચોરસ કિલોમીટરના એરસ્પેસને પોતાનો એર ડિફેન્સ ઝોન જાહેર કરી દીધો છે. આ વિસ્તારમાં આઠ ટાપુઓથી બનેલા સેનકાકુ નામના વિસ્તાર પર પણ ચીને દાવો કર્યો છે. આ ટાપુઓ પર તાઈવાન પણ દાવો કરી રહ્યું છે, પરંતુ વર્ષ 1971માં અમેરિકાએ અહીંના વહીવટી હક્ક જાપાનને આપ્યા હતા અને ચીન ભારે ગુસ્સે થયું હતું. કારણ કે, વર્ષ 1968માં માલુમ પડ્યું હતું કે, આ વિસ્તારના પેટાળમાં ખનીજતેલનો જથ્થો હોવાની સંભાવના છે.

વિવાદાસ્પદ સેનકાકુ વિસ્તારના કેટલાક ટાપુઓ 

ચીનનો દાવો છે કે, આ વિસ્તાર 14મી સદીથી ચીનનો હિસ્સો છે. આ આઠ ટાપુઓનો વિસ્તાર ચીનની સંસ્કૃતિમાં દિઆયુ નામે જાણીતો છે. અમેરિકાએ યુનાઈટેડ સ્ટેટ્સ સિવિલ એડમિનિસ્ટ્રેશન ઓફ ધ રયુક્યુ આઈલેન્ડ્સ હેઠળ વર્ષ 1945થી 1972 સુધી આ વિસ્તારનો વહીવટ કર્યો હતો. બાદમાં અમેરિકા અને જાપાને ઓકિનાવા રિવર્સન એગ્રિમેન્ટ હેઠળ તેનો વહીવટ જાપાનને સોંપી દીધો હતો. સ્વાભાવિક રીતે જ ચીન જેવું રાષ્ટ્ર અમેરિકાની આવી ગુસ્તાખી સહન ના કરે. ચીને સેનકાકુ પર દાવો કરતા જાપાન તો ઠીક અમેરિકા સહિતના જાપાનના મિત્ર રાષ્ટ્રોના પેટમાં તેલ રેડાયું છે અને ફરી એકવાર વર્ચસ્વની ‘શાંત લડાઈ’ ચાલુ થઈ ગઈ છે, જે સમગ્ર વિશ્વને અકસ્માતે વિશ્વયુદ્ધ તરફ લઈ જાય એટલી ગંભીર બની શકે છે. આ ટાપુઓ ફ્રી એર ઝોન છે એવું દર્શાવવા અમેરિકાએ અહીંના આકાશમાં બે બોમ્બર વિમાનો ઉડાડીને પણ ચીનને આડકતરી ધમકી આપી છે.

ચીને યુદ્ધ જેવી સ્થિતિ માટે જાપાનને જવાબદાર ઠેરવતા કહ્યું હતું કે, “જાપાન વૈશ્વિક શાંતિ માટે ગંભીર મુશ્કેલી છે અને તે પોતાની યુદ્ધખોર માનસિકતા બતાવીને વિશ્વયુદ્ધને ઝડપથી નજીક લાવી રહ્યું છે...” જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે આ ઘટનાને ચીનની નવી ‘ગેમ’ ગણાવતા ધમકી આપી છે કે, ચીનનું એક પણ ડ્રોન આ વિસ્તારમાં દેખાશે તો જાપાન તેને ફૂંકી મારશે. આ નિવેદનને ગંભીરતાથી લઈને ચીને અમેરિકા સહિતના દેશોને જણાવ્યું છે કે, જો યુદ્ધ થશે તો તે માટે સંપૂર્ણપણે જાપાન જ જવાબદાર હશે! જોકે, ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ સ્ટ્રેટેજિક સ્ટડીઝ સહિતની અનેક સંસ્થાઓનું માનવું છે કે, ખરેખર ચીન સહિતનો કોઈ પણ દેશ યુદ્ધ નથી ઈચ્છતો. અત્યારે ચીન ફક્ત દબાણ ઊભું કરવા માટે આવું વર્તન કરતું હોઈ શકે છે. આમ છતાં જાપાન, અમેરિકા, ચીન તેમજ યુરોપ-એશિયાના દેશો આ મુદ્દે ચિંતિત છે.

જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબ

હાલ સમગ્ર વિશ્વ એકબીજા સાથે વેપારી સંબંધો ધરાવે છે, જેનાથી તમામ દેશોને પરસ્પર ફાયદો થઈ રહ્યો છે. કદાચ એટલે જ જાપાન, ચીન અને અમેરિકા એકબીજા સાથે હજુ પણ સૌજન્યપૂર્વકનો વ્યવહાર કરી રહ્યા છે. ખાસ વાત તો એ છે કે, ચીન અમેરિકામાં અબજો ડૉલરનું દેવું ધરાવે છે. અહીં એ પણ યાદ રાખવું જોઈએ કે, બે દેશો એકબીજાની તાકાતનો અંદાજ કાઢવામાં થાપ ખાઈ જાય છે અને એ ખોટી ગણતરીના કારણે જ યુદ્ધની સ્થિતિનું નિર્માણ થાય છે. વર્ષ 1914માં વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે બ્રિટન અને જર્મની એકબીજાના સૌથી મોટા વેપારી ભાગીદારો હતા. કદાચ એટલે જ અમેરિકાની નેવલ વૉર કોલેજના પ્રોફેસર પીટર ડટને જાપાન-ચીન મુદ્દે અમેરિકન સરકારને ચેતવણી આપતા કહ્યું છે કે, “હાલના દરિયાઈ નીતિનિયમોને ચીનનો પડકાર વૈશ્વિક શાંતિમાં નાનું ગાબડું પાડી શકે છે.” ટૂંકમાં વિશ્વયુદ્ધ ફાટી નીકળે એવી સ્થિતિ ના સર્જાય તો પણ નાની-મોટી ખુવારી થાય તો નવાઈ નહીં. પરંતુ આવી સ્થિતિ વૈશ્વિક સ્તરે અશાંતિ પેદા કરી શકતી હોવાથી અમેરિકન સરકારે હંમેશાની જેમ આ મુદ્દો અત્યંત ગંભીરતાથી લીધો છે.

પ્રો. પીટર ડટને તો ત્યાં સુધી કહ્યું છે કે, “અમેરિકાની સૌથી મોટી ચિંતા અલ-કાયદા જેવા આતંકવાદી સંગઠનો નહીં પણ ‘લાંબી રેસના ઘોડા’ જેવું ચીન છે. ચીન બીજા દેશના જોખમે એશિયામાં તેનો મિલિટરી પાવર વધારી રહ્યું છે.” હાલ ચીન સતત તેની મિસાઈલ શક્તિ વધારી રહ્યું છે. ચીન પાસે એંશી યુદ્ધ જહાજો તેમજ જળ-જમીન પરથી હુમલા કરી શકે એવા 300 જેટલા જહાજો છે. આ ઉપરાંત ચીને અમેરિકન નેવીનો સામનો કરવા અનેક જહાજોને ‘કેરિયર કિલર’ તરીકે ડિઝાઈન કર્યા છે. ચીનની શક્તિ જોઈને જ પેસિફિક સમુદ્રમાં અમેરિકાએ પોતાના એરફોર્સ બેઝને દસ બિલિયન ડૉલરના ખર્ચે અપગ્રેડ કરવાની ફરજ પડી હતી. આ બેઝ પર અમેરિકા એર-ટુ-સર્ફેસ, ક્રૂઝ મિસાઈલ, હૉક ડ્રોન અને ફાઈટર પ્લેનોથી સજ્જ હોય છે, જ્યાંથી ખૂબ ઓછા સમયમાં ચીન પર હુમલો કરવો શક્ય છે.

આ સ્થિતિને અનેક નિષ્ણાતો જાપાન અને ચીનની નહીં પણ અમેરિકા-ચીનના કૉલ્ડ વૉર તરીકે જોઈ રહ્યા છે. અમેરિકા જગત જમાદાર બનવા માટે યુરોપ, એશિયા અને આફ્રિકાના નાનામાં નાના દેશના રાજકાજમાં ચંચુપાત કરે છે. બીજી તરફ, ચીન પણ પોતાને સુપરપાવર સાબિત કરવા સતત એવું દર્શાવે છે કે, તે વિશ્વમાં અમેરિકા સહિતના કોઈ પણ રાષ્ટ્રને તાબે નથી થતું. અમેરિકાની સુપરપાવર તરીકે ટકી રહેવાની અને ચીનની સુપરપાવર બનવાની આ ઈચ્છા કદાચ વૈશ્વિક શાંતિ માટે જોખમી સાબિત થઈ શકે છે. આ સ્થિતિ ભારત માટે પણ વિશિષ્ટ છે. એનડીએ સરકારના કાર્યકાળથી ભારત-અમેરિકાના સંબંધોમાં ઘણો સુધારો થયો છે અને પાકિસ્તાન સાથેનો ‘મોહભંગ’ થયા પછી એશિયામાં ‘સંતુલન’ ઊભું કરવા અમેરિકા ભારતને વ્યૂહાત્મક મદદ કરી રહ્યું છે. બીજી તરફ, 9/11ની ઘટના, ઈસ્લામિક આતંકવાદનો ફેલાવો અને ચીનના અક્કડ વલણને કારણે પણ અમેરિકાનો ભારત તરફનો ઝોક વધ્યો છે. વર્ષ 2010માં પણ ઓબામા સરકારે પેસિફિક સમુદ્રમાં ‘વ્યૂહાત્મક સંતુલન’ ઊભું કરવા મહત્ત્વના નિર્ણયો લીધા હતા.

આંતરરાષ્ટ્રીય સંબંધોના વિશ્લેષકોના મતે, અમેરિકાએ ચીન સામે વ્યૂહાત્મક લડાઈ તો ક્યારનીય ચાલુ કરી દીધી છે. અમેરિકા વિશ્વ સમક્ષ સતત એમ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કે, અમેરિકા અને તેના મિત્રરાષ્ટ્રોમાં લોકશાહી છે, અહીં માનવાધિકારોની વાત થાય છે અને આંતરરાષ્ટ્રીય કાયદા-કાનૂની છે, પરંતુ ચીનમાં આપખુદશાહી પ્રવર્તે છે, જ્યાં માનવાધિકારો કે આંતરરાષ્ટ્રીય કાયદા-કાનૂનની સ્થિતિ પણ ખાડે ગઈ છે. વૈશ્વિક મીડિયામાં ચીન વિરુદ્ધના આ સૂરમાં અમેરિકાના વ્યૂહાત્મક યુદ્ધનો ધ્વનિ સાંભળી શકાય છે. અમેરિકાને પેસિફિક સમુદ્રમાં પણ વર્ચસ્વ જોઈતુ હોવાથી તે જાપાનને મદદ કરી રહ્યું છે. જ્યારે ચીનની દલીલ છે કે, પેસિફિક સમુદ્રમાં ચીનની દરિયાઈ સરહદો નજીક અમેરિકાના યુદ્ધજહાજો અને વિમાનો દ્વારા થતી દેખરેખને અમે કેવી રીતે સહન કરી શકીએ? આ કામ સેટેલાઈટ ટેક્નોલોજીની મદદથી પણ થઈ શકતું હોવા છતાં અમેરિકા અહીં એરબેઝ ઊભો કરીને શું સાબિત કરવા માગે છે? આ ઉપરાંત અમેરિકન સૈનિકો અહીં પરેડ કરીને પણ ચીનના સન્માન પર તરાપ મારે છે.

આંતરરાષ્ટ્રીય કૂટનીતિના કેટલાક પશ્ચિમી નિષ્ણાતોએ પણ ચીનની દલીલો સ્વીકારતા કહ્યું છે કે, અનેક પશ્ચિમી દેશોએ ચીનનું સદીઓ સુધી શોષણ કર્યું છે. કદાચ એટલે જ પશ્ચિમી દેશો તરફના ચીનના વલણમાં ફેરફાર થવાનો અવકાશ નથી. જ્યાં સુધી શક્તિશાળી દેશો વર્ચસ્વ જમાવવાની લાલચ છોડીને નિસશસ્ત્રીકરણની પ્રક્રિયામાં આગળ નહીં વધે ત્યાં સુધી દુનિયામાંથી યુદ્ધનો ખતરો ટળવાનો નથી. કમનસીબે, બે વિશ્વયુદ્ધો પછી પણ વિશ્વભરના દેશોમાં મિલિટરી બજેટ વધી રહ્યું છે, જે દર્શાવે છે કે તમામ દેશો વચ્ચે અવિશ્વાસની ખાઈ વધુને વધુ પહોળી થઈ રહી છે.

નોંધઃ પહેલી તસવીર ગૂગલ પરથી લીધી છે.

1 comment: