મેડિકલ ટુરિઝમના સપનાં જોઈ રહેલા ભારત દેશમાં દર વર્ષે હજારો દર્દીઓ તબીબી
બેદરકારીનો ભોગ બને છે અને જીવનભર રીબાય છે, જ્યારે અનેક કિસ્સામાં દર્દીઓ અકાળે
મોતને ભેટે છે. તાજેતરમાં જ સર્વોચ્ચ અદાલતે કુણાલ સહાના કિસ્સામાં આપેલો ઐતિહાસિક
ચુકાદો તબીબી બેદરકારીનો ભોગ બનેલા દર્દીઓ માટે આશાના કિરણ સમાન છે. આશરે 15 વર્ષ
પહેલાં અમેરિકા સ્થિત ડૉ. કુણાલ સહાના પત્ની અનુરાધા સહાનું તબીબી બેદરકારીના
કારણે મૃત્યુ થયું હતું. સર્વોચ્ચ અદાલતે પશ્ચિમ બંગાળના કોલકાતાની એએમઆરઆઈ
હોસ્પિટલ અને તેના ત્રણ સિનિયર તબીબો સુકુમાર મુખરજી, બૈદ્યનાથ હલ્દર અને બલરામ
પ્રસાદને રૂ. 11.5 કરોડ (રૂ. 6.08 કરોડ અને 15 વર્ષ સુધી દર વર્ષે 6 ટકા વ્યાજ)
ચૂકવવાનો આદેશ કર્યો છે. તબીબી બેદરકારીના કારણે થયેલા મૃત્યુના કેસમાં આટલું જંગી
વળતર ચૂકવવાનો આદેશ ભારતમાં આ પહેલાં ક્યારેય નથી કરાયો.
કુણાલ સહાનો કિસ્સાને સ્વાભાવિક રીતે જ મીડિયામાં ચમકવાના કારણે તબીબી
બેદરકારીની ચર્ચાએ ફરી એકવાર જોર પકડ્યું છે. જોકે, ન્યાય મેળવવા કુણાલ સહાએ સતત
15 વર્ષ સુધી કાયદાકીય લડત આપવી પડી છે. એપ્રિલ 1998માં કુણાલ અને અનુરાધા અમેરિકાથી
કોલકાતામાં વેકેશન ગાળવા આવે છે. અહીં આવતા જ અનુરાધાને ચામડીની કોઈ બીમારી થાય છે
અને તાવ આવે છે. અનુરાધા ડૉ. મુખરજીનો સંપર્ક કરે છે અને તેઓ દિવસમાં બે વાર, ત્રણ
દિવસ સુધી ડેપોમેડ્રોલ નામની દવા પ્રિસ્ક્રાઈબ કરી આપે છે. ડૉ. મુખરજીએ
પ્રિસ્ક્રાઈબ કરેલી સ્ટિરોઈડ આધારિત દવા જરૂરિયાત કરતા વીસ ગણી વધુ હોય છે. આ
સ્થિતિમાં તેની તબિયત વધુ બગડતા ડૉ. મુખરજીના સૂચનથી અનુરાધાને એએમઆરઆઈ
હોસ્પિટલમાં ભરતી કરાય છે અને તબીબો કોઈ ઈન્જેક્શનો આપીને તેની સારવાર શરૂ કરે છે.
પરંતુ અનુરાધાની હાલત વધુ લથડે છે અને તેની ખોપડી સિવાયની શરીરની બધી જ ચામડી ઉતરી
જાય છે. આમ છતાં, તબીબો તેને ઈન્જેક્શન આપવાનું બંધ નથી કરતા. બાદમાં અનુરાધાને
મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં લઈ જવાય છે. અહીં માલુમ પડે છે કે તબીબો
અનુરાધાને જેની જરૂર જ ન હતી તે દવાનો ડોઝ આપી રહ્યા હતા. છેવટે 28મી મે, 1998ના
રોજ અનુરાધાનું હોસ્પિટલમાં જ મૃત્યુ થાય છે. હજુ ગયા વર્ષે જ પશ્ચિમ બંગાળ સરકારે
ડૉ. મુખરજીની મેડિકલ એડવાઈઝર તરીકે નિમણૂક કરી છે. રાજ્ય સરકારના આવા વલણ પરથી જ તબીબી
જગતમાં વ્યાપ્ત અંધકારની કલ્પના કરી શકાય છે.
ડૉ. કુણાલ સહા અને અનુરાધા સહા |
પત્નીના મૃત્યુના આઘાતમાંથી બહાર આવ્યા પછી જૂન, 1998માં સ્ટેટ મેડિકલ
કાઉન્સિલમાં અપીલથી કુણાલ સહાની કાયદાકીય લડત શરૂ થાય છે. જોકે, સ્ટેટ મેડિકલ
કાઉન્સિલ એક જ ઝાટકે હોસ્પિટલ અને તબીબોને ક્લિન ચીટ આપી દે છે. વર્ષ 2003માં ટ્રાયલ
કોર્ટ ત્રણેય તબીબો દોષી ગણીને ત્રણ મહિનાની જેલની સજા ફટકારે છે. પરંતુ તબીબો
કોલકાતા હાઈકોર્ટમાં અપીલ કરીને જામીન પર છુટી જાય છે. છેવટે ત્રણેય તબીબો સામે
તબીબી બેદરકારી અને જરૂરી લાયસન્સ વિના સારવાર કરવાના બે અલગ કેસ ફાઈલ કરાય છે. પરંતુ
તબીબો વર્ષ 2006માં કુણાલ સહા સામે રૂ. પાંચ કરોડનો માનહાનિનો દાવો કરે છે. જોકે,
વર્ષ 2007માં હાઈકોર્ટ આ દાવાને ફગાવી દે છે. હવે કુણાલ સહા સર્વોચ્ચ અદાલતમાં અપીલ
કરે છે અને વર્ષ 2009માં ત્રણેય તબીબો ફરીવાર દોષી પુરવાર થાય છે. આ દરમિયાન કુણાલ
ફરી એકવાર સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરીને વળતર પેટે રૂ. 97 કરોડની માગણી કરે છે. આ
કેસ લડવા માટે કુણાલ સહાને 15 વર્ષમાં 15 લાખ ડૉલર (આશરે રૂ. નવ કરોડ)નો ખર્ચ કર્યો
છે. કુણાલ સહા જંગી વળતર માટે એટલા માટે કેસ લડે છે કે, તેઓ તબીબી બેદરકારીના
કિસ્સામાં એક દાખલો બેસાડવા માગે છે. કારણ કે, તેમનું માનવું છે કે, ભારતમાં
દર્દીઓ સાથે ભૂંડ જેવો વ્યવહાર થાય છે. કુણાલ સહા પણ અમેરિકામાં તબીબ (એચઆઈવી
એઈડ્સ) છે અને આ રકમ તેઓ બાળકોની સારવાર માટે દાનમાં જ આપવાના છે.
કુણાલ સહા કેસમાં સર્વોચ્ચ અદાલતે આપેલો 210 પાનાંનો ચુકાદો તબીબી જગત માટે
દાખલો બેસાડવા, પીડિત દર્દીઓનું વળતર નક્કી કરવા અને લોકજાગૃતિની દૃષ્ટિએ ‘ઐતિહાસિક’
છે. આ કેસમાં વળતર ઘટાડવા માટે દલીલ કરાઈ હતી કે, અનુરાધાની કોઈ સ્થાયી કમાણી ન
હતી. પરંતુ સર્વોચ્ચ અદાલતે આ દલીલ જ ફગાવી દેતા કહ્યું હતું કે, પરિવારના
સંચાલનમાં પત્ની કે માતાના યોગદાનને પૈસાથી જોખી જ ના શકાય. એટલે વળતર નક્કી
કરવામાં આ દલીલનું કોઈ મહત્ત્વ જ નથી. વળી, અનુરાધા ભારતમાં મેડિકલની ડિગ્રી લઈને
વધુ અભ્યાસ માટે અમેરિકા ગઈ હતી અને ત્યાં ચાઈલ્ડ સાઈકોલોજીમાં સ્પેશિયલાઈઝેશન કરી
રહી હતી. આ સાથે તે વાર્ષિક 40 હજાર ડૉલર કમાતી હતી અને ફક્ત 36 વર્ષે મૃત્યુ
પામેલી અનુરાધા વધુ ત્રીસ વર્ષ સુધી કામ કરી શકે એમ હતી. આ તમામ ગણતરી કરીને સર્વોચ્ચ
અદાલતે કુણાલ સહાનું વળતર નક્કી કર્યું છે. આ વળતર નક્કી કરવામાં કુણાલ સહાએ
અદાલતને વિદેશી તબીબોની સલાહ લેવાનું પણ સૂચન કર્યું હતું, જે માન્ય રખાયું હતું.
વસતીથી ફાટફાટ થતા તેમજ જ્યાં હજારો તબીબો ગેરકાયદે પ્રેક્ટિસ કરી રહ્યા છે
એવા ભારત દેશમાં આ ચુકાદો અત્યંત મહત્ત્વનો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ
મુજબ, વિશ્વભરમાં અકાળે મૃત્યુ થનારા ટોપ ટેન કારણોમાં તબીબી બેદરકારીનો પણ સમાવેશ
થાય છે. યોગાનુયોગ તો એ છે કે, હાવર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થે બ્રિટિશ મેડિકલ
જર્નલના સપ્ટેમ્બર અંકમાં પહેલીવાર તબીબી બેદરકારી અંગે એક સંશોધનાત્મક અહેવાલ પ્રસિદ્ધ
કર્યો છે. આ અહેવાલ મુજબ ભારતમાં દર વર્ષે 52 લાખ લોકો ખોટી દવા, અયોગ્ય ઓપરેશન, એક
દર્દીનું ઓપરેશન કે દવા બીજા દર્દીને આપી દેવી- વગેરે પ્રકારની તબીબી બેદરકારીનો
ભોગ બને છે. ભારતની અદાલતો અને મેડિકલ કાઉન્સિલોમાં તબીબી બેદરકારીને લગતા હજારો
કેસો ચાલે છે. આ વાતને ગંભીરતાથી લઈને વર્ષ 1995માં સર્વોચ્ચ અદાલતે દર્દી અને
તબીબના સંબંધને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ સમાવ્યો હતો. છેલ્લાં એક દાયકામાં
તબીબી બેદરકારીને લગતા કિસ્સાઓનું પ્રમાણ બમણાંથી પણ વધુ થઈ ગયું છે.
એક અંદાજ પ્રમાણે ફક્ત દિલ્હીમાં જ તબીબી બેદરકારીના દર મહિને 30 કિસ્સા
નોંધાય છે, જેમાં તબીબો કે હોસ્પિટલ દ્વારા વધુ ચાર્જ વસૂલવો, જરૂર જ ના હોય એવી
સારવાર કરી દેવી, ગેરવર્તન અને શૈક્ષણિક લાયકાત વિના ઓપરેશન કે સારવાર કરવા જેવા
કિસ્સાનો સમાવેશ થાય છે. આ પ્રકારની ફરિયાદો સાંભળવા નાના રાજ્યોમાં તો પૂરતી સુવિધા પણ નથી હોતી અને લોકોમાં
જાગૃતિનો પણ સદંતર અભાવ છે. કોલકાતાની પીપલ ફોર બેટર ટ્રીટમેન્ટ નામની સ્વૈચ્છિક
સંસ્થા તબીબી બેદરકારીના કિસ્સાની પતાવટમાં મદદરૂપ થવાનું કામ કરે છે. વર્ષ 2001માં ડૉ. કુણાલ સહા અને તેમના સાળા મલય
ગાંગુલીએ આ સંસ્થાની રચના કરી હતી. આ સંસ્થામાં દેશભરમાંથી તબીબી બેદરકારીના રોજના
પાંચ કિસ્સા નોંધાય છે. પીબીટી જેવી સંસ્થા માટે સૌથી મોટી અડચણ મેડિકલ કાઉન્સિલ
ઓફ ઈન્ડિયા જ છે, જે દર્દીઓના ભોગે પણ તબીબોને બચાવવાનું જ કામ કરે છે. એમસીઆઈના કોડ
ઓફ ઈથિક્સ એન્ડ રેગ્યુલેશનના સેક્શન 8.2માં સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ છે કે, સસ્પેન્ડેડ
તબીબોના નામની વ્યાપક જાહેરાત કરવી જોઈએ... પરંતુ એમસીઆઈ કે મેડિકલ કાઉન્સિલો
પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને આવું કરતી નથી.
તબીબી બેદરકારીના કિસ્સાઓની બીજી એક મુશ્કેલી ‘મેડિકલ નેગ્લિજન્સ’ની
વ્યાખ્યાને લઈને છે. આપણા દેશમાં કાયદાકીય વ્યાખ્યાઓના અર્થને તોડી-મરોડીને કાયદાની
ચુંગાલથી દૂર રહેવાનો પણ ‘સુવર્ણ ઈતિહાસ’ છે. જોકે, છેલ્લાં કેટલાક વર્ષોમાં
સર્વોચ્ચ અદાલતે ‘મેડિકલ નેગ્લિજન્સ’ની વ્યાખ્યાનો અર્થ દર્દીઓની તરફેણમાં કરીને તબીબી
જગત પર દાખલા બેસાડવાના પ્રયાસ કર્યા છે. સર્વોચ્ચ અદાલતે અનેક કિસ્સામાં તબીબી
બેદરકારીને ‘ફોજદારી ગુનો’ ગણ્યો છે. એટલું જ નહીં, વર્ષ 2004માં સર્વોચ્ચ અદાલતે
તબીબી બેદરકારીના કારણે થયેલા સુરેશ ગુપ્તા નામના એક દર્દીના મૃત્યુના કેસમાં
‘ગ્રોસ નેગ્લિજન્સ’ એટલે કે, ગંભીર બેદરકારી/બહુ
મોટી ગફલત જેવા શબ્દો ટાંકીને ચુકાદો આપ્યો હતો. જ્યારે તબીબી બેદરકારીના કારણે
દર્દીને કાયમી ખોડખાંપણના કિસ્સામાં પણ સર્વોચ્ચ અદાલતે ડાયરેક્ટ લોસ (સેલેરી) જ
નહીં, પણ પેક્યુનિઅરી ડેમેજ (દુઃખ-દર્દ સહન કરવાથી થતું આર્થિક નુકસાન)ને ધ્યાનમાં
રાખીને વળતર આપવાના આદેશ કર્યા છે. સર્વોચ્ચ અદાલતે વર્ષ 2009માં દવાનો ઓવરડોઝ,
દવાની આડઅસરો અંગે દર્દીને બેખબર રાખવા, મૃત્યુદર વધારે હોય એવા રોગમાં વધારાની
કાળજી ના રાખવી અને ચોક્કસ કિસ્સામાં હોસ્પિટલો દ્વારા દર્દીને પ્રાથમિક સુવિધાઓ
ના આપવા જેવા મુદ્દાને પણ તબીબી બેદરકારીની વ્યાખ્યામાં સમાવી લીધા છે.
તબીબી બેદરકારીના કિસ્સામાં ત્રીજી સૌથી મોટી મુશ્કેલી તબીબો સામે ફોજદારી
કાર્યવાહી કરવા માટે જરૂરી એવા ‘ક્રેડિબલ
ઓપિનિયન’ની છે. વર્ષ 2005માં સર્વોચ્ચ અદાલતે તબીબી બેદરકારી સાબિત કરવા અન્ય
‘સક્ષમ તબીબ’નો ‘વિશ્વસનિય અભિપ્રાય’ માગતો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદાના કારણે
અનેક દર્દીઓને ન્યાય નથી મળતો. જો કોઈ તબીબે અત્યંત સ્પષ્ટ તબીબી બેદરકારી દાખવી
હોય તો પણ અન્ય તબીબો તેમની વિરુદ્ધ જાહેર અભિપ્રાય આપતા નથી. પીબીટીની જેમ
એસોસિયેશન ફોર કન્ઝ્યુમર એક્શન ઓન સેફ્ટી એન્ડ હેલ્થ અને સ્વાસ્થ્ય અધિકાર મંત
જેવી સંસ્થાઓ આ પ્રકારના કિસ્સામાં પીડિત દર્દીઓને મદદરૂપ થઈ રહી છે. જોકે, આ બધી
જ મુશ્કેલીઓના ઉપાયરૂપે લેબર ટ્રિબ્યુનલ કે ઈન્કમ ટેક્સની જેમ મેડિકલ ટ્રિબ્યુનલ
રચવાની પણ માગ થઈ રહી છે, જેનું વડપણ ન્યાયાધીશ અને તબીબોના હાથમાં હોય. આ ઉપરાંત
તમામ રાજ્યોમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની વધુને વધુ સક્રિય શાખાઓ શરૂ કરવાનો વિચાર
પણ રજૂ કરાયો છે. આ સાથે છેલ્લાં પંદરેક વર્ષથી કેટલાક તબીબો એમસીઆઈ અને ઈન્ડિયન
મેડિકલ એસોસિયેશન સંયુક્ત રીતે તબીબી બેદરકારી અને તબીબી જગતમાં વ્યાપ્ત
ભ્રષ્ટાચાર અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી તબીબી જગત પ્રત્યે
લોકોનો સંપૂર્ણ વિશ્વાસ જીતી શકાય.
જો લોકોને તબીબો પર વિશ્વાસ જ નહીં રહે તો અનુરાધા જેવા ‘જોખમી’ દર્દીઓની
સારવાર કરતા પણ તેઓ ખચકાશે. આ પ્રકારનું વલણ તબીબો અને દર્દીઓના નાજુક સંબંધ માટે
અત્યંત જોખમી છે, જેનાથી બંનેને નુકસાન છે. આ ચુકાદો લોકજાગૃતિ માટે મહત્ત્વનો છે, તો તબીબો માટે એનાથી પણ વધુ મહત્ત્વનો છે. સમાજ તબીબો પાસે નૈતિકતાની થોડી વધુ અપેક્ષા રાખે છે. કારણ કે, તબીબની કામગીરી વ્યક્તિના આરોગ્ય તેમજ જીવન-મૃત્યુ સાથે સંકળાયેલી છે. તબીબોમાં લોકોનો વિશ્વાસ જળવાઈ રહે એ માટેની જવાબદારી તબીબોની વધારે છે.
No comments:
Post a Comment