05 November, 2013

સ્પેસ ટુરિઝમઃ ધીમો પણ મક્કમ વિકાસ


છેલ્લાં કેટલાક વર્ષોથી આપણે સ્પેસ ટુરિઝમ એટલે કે અવકાશીય પ્રવાસનની વાતો સાંભળી રહ્યા છીએ. વર્ષ 1990માં મિરકોર્પ નામની પ્રાઈવેટ અમેરિકન કંપનીએ રશિયન સ્પેસ સ્ટેશન ‘મિર’ના સહારે સ્પેસ ટુરિઝમનો ખ્યાલ વહેતો કર્યો. આ કંપનીના પહેલા ગ્રાહક અમેરિકન બિઝનેસમેન ડેનિસ ટીટો હતા, જેમણે 28મી એપ્રિલ, 2001ના રોજ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાત લીધી અને સતત સાત દિવસ અવકાશમાં રોકાયા. પોતાની અવકાશીય મુલાકાત પછી ડેનિસ ટીટો પહેલાં ‘સ્પેસ ટુરિસ્ટ’ તરીકે વિશ્વભરમાં જાણીતા થઈ ગયા. નાસાના ઉચ્ચ અધિકારીઓએ સ્પેસ ટુરિઝમના વિચારને જ વખોડી કાઢ્યો હતો. જોકે, મિરકોર્પ કે અમેરિકાની અન્ય સ્પેસ એડવેન્ચર કંપનીઓએ નાસાની ધરાર અવગણના કરીને આ મિશન પાર પાડ્યું હતું. આ માટે ડેનિસ ટીટોએ વીસ મિલિયન ડૉલર જેવી તગડી રકમ ચૂકવવી પડી હતી. હવે, ફક્ત બાર જ વર્ષમાં અમેરિકાની ‘વર્લ્ડ વ્યૂ’ નામની કંપનીએ દાવો કર્યો છે કે, વર્ષ 2015 સુધીમાં તેઓ ફક્ત 75 હજાર ડૉલરના ખર્ચે અવકાશમાં લઈ જશે અને આ ‘સ્પેસ રાઈડ’માં ડ્રિંકનો પણ સમાવેશ થાય છે.

ખેર, વર્ષ 2001 પછીના બાર વર્ષમાં અમેરિકા અને રશિયામાં સ્પેસ ટુરિઝમની સેવા આપતી અનેક કંપનીઓ ફૂટી નીકળી છે. આ પ્રકારની સેવા અત્યાર સુધી મિલિયોનેર લોકો જ લઈ શકતા હતા, પણ વર્લ્ડ વ્યૂએમિલિયન ડૉલરની સરખામણીમાં બહુ ઓછા ભાવે પ્રવાસીઓને અવકાશની સેર કરાવવાની વાત કરીને લોકોને ચોંકાવી દીધા છે. આ કંપનીએ લોભામણી જાહેરાત કરતા કહ્યું છે કે, “...તમે શેમ્પેનના ઘૂંટડા ભરતા ભરતા અવકાશમાંથી ભૂરા રંગની પૃથ્વી જોઈ શકો છો.” આટલા ઓછા ભાવમાં અવકાશની સેર શક્ય થવાનું કારણ એ છે કે, વર્લ્ડ વ્યૂ રોકેટની મદદથી નહીં પણ ખાસ પ્રકારના બલૂનની મદદથી લોકોને સ્પેસ રાઈડ કરાવશે. આ જાહેરાત કરતી વખતે વર્લ્ડ વ્યૂના ચિફ એક્ઝિક્યુટિવ જેન પોયન્ટરે કહ્યું હતું કે, “આ એક થોડા કલાકોની હળવી ફ્લાઈટ હશે. આ બલૂનમાં પ્રાઈવેટ જેટમાં હોય છે એટલી અત્યંત આરામદાયક અને વૈભવી રાચરચીલું ધરાવતી કેબિન હશે. આ કેબિનમાં તમે ઊભા રહી શકશો અને આસપાસ ફરી શકશો અને બારમાં જઈને ડ્રિંક પણ લઈ શકશો.”

વર્લ્ડ વ્યૂ કંપનીએ અવકાશયાત્રા માટે  વિકસાવેલો બલૂન 

પ્રવાસીઓ બલૂન સાથે જોડાયેલી આ કેપ્સ્યુલમાં બેસીને પ્રવાસ કરશે

વર્લ્ડ વ્યૂ કંઈ પહેલી કંપની નથી જેણે સ્પેસ ટુરિઝમના નામે ટિકિટો વહેંચી હોય. પરંતુ આમાંનીમોટા ભાગની કંપનીઓ રોકેટની મદદથી પ્રવાસીઓને અવકાશમાં લઈ જાય છે. આ પ્રવાસ રોમાંચક હોવાની સાથે આર્થિક દૃષ્ટિએ પણ અત્યંત મોંઘો પુરવાર થાય છે. જ્યારે વર્લ્ડ વ્યૂએ જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતોની મદદથી એક ખાસ પ્રકારની કેપ્સ્યુલ ધરાવતો બલૂન તૈયાર કર્યો છે. આ બલૂન સાથે જોડાયેલી કેપ્સ્યુલમાં બે ક્રૂ મેમ્બર અને છ લોકો પ્રવાસ કરી શકે છે. આ બલૂન કેપ્સ્યુલને લઈને પૃથ્વીની સપાટીથી આશરે વીસેકમાઈલ ઉપર જશે. એક મિનિટમાં એક હજાર ફૂટની ઊંચાઈએ જતો આ બલૂન સતત 90 મિનિટ મુસાફરી કરશે અને ચાળીસ મિનિટ પછી પૃથ્વી પર પરત આવશે. જોકે, આ સ્થિતિમાં કોઈ પણ પ્રવાસી વજનવિહોણી એટલે કે, ગુરુત્વાકર્ષણવિહિન સ્થિતિનો અનુભવ નહીં કરી શકે. વર્લ્ડ વ્યૂનો દાવો પ્રવાસીઓને અવકાશી સફર કરાવવાનો છે, પણ તેને અવકાશી સફર કહેવાય કે નહીં તે એક સવાલ છે. આ બલૂન પૃથ્વીની સપાટીએથી મહત્તમ 19 માઈલ ઉપર જશે, જ્યારે અવકાશની સરહદ પૃથ્વીની સપાટીએથી આશરે 62 માઈલે શરૂ થાય છે. આ વિસ્તાર જ ખરા અર્થમાં ‘આઉટર સ્પેસ’ કહેવાય છે. કદાચ એટલે જ આ અવકાશી સફર સસ્તી છે.

આ પ્રકારની રોકેટ રાઈડ માટે રિચર્ડ બ્રેન્સનની લંડનસ્થિત કંપની વર્જિન ગેલેક્ટિક અઢી લાખ ડૉલર જેટલી રકમ વસૂલે છે. જોકે, પ્રવાસીઓને આ પ્રકારની સફર કરાવવા માટે વર્લ્ડ વ્યૂ કંપનીએ પણ ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશનની મંજૂરી લેવી પડી છે. કારણ કે, બલૂન સાથે જોડાયેલી કેપ્સ્યુલ અવકાશમાં ચાલી શકે એ રીતે ડિઝાઈન કરવામાં આવે છે. પૃથ્વીની સપાટીથી વીસેક માઈલ ઊંચે તાપમાન ખૂબ જ નીચું હોય છે અને માનવ શરીર પર તેની ઘાતક અસર થઈ શકે છે. આ કેપ્સ્યુલમાં બેસીને પ્રવાસીઓ અવકાશમાં સફર કર્યાની અનુભૂતિ લઈ શકે છે. વર્લ્ડ વ્યૂએતેના નિવેદનમાં કહ્યું છે કે, “અમારી સફરનો ‘સેલિંગ પોઈન્ટ’ ફક્ત ને ફક્ત પૃથ્વી ઉપરથી કેવી લાગે છે તેની અનુભૂતિ કરાવવાનો છે.આ પૃથ્વી અવકાશમાં લટકેલી છે અને આટલી ઊંચાઈએ પહોંચીને પ્રવાસીઓ આપણે જે ગ્રહ પર રહીએ છીએ તેનો અનુભવ કરી શકશે. આ ઉપરાંત આપણું બ્રહ્માંડ કેવું છે તે પણ જોઈ શકશે. કંપનીનો દાવો છે કે, આ સફર કોઈ પણ પ્રવાસી માટે એક અનન્ય અનુભવ સાબિત થશે...”જોકે, આ બલૂન ક્યાંથી ઉડાન ભરશે એ હજુ નક્કી નથી કરાયું. પ્રવાસી રોકેટ કે બલૂન જ્યાંથી લૉન્ચ કરવાના હોય ત્યાં વિજ્ઞાનીઓની એક ટીમ બલૂન, નાના રોકેટ અને ગ્લાઈડરની મદદથી ઉડાન વખતે આવનારી સંભવિત મુશ્કેલીઓનો અભ્યાસ કરી લે છે.

પ્રવાસીઓને સાચુકલી અવકાશી સફર કરાવવાનો દાવો કરનારી વર્જિન ગેલેક્ટિકપાસે બે પાઈલોટ વ્હિકલ છે જેમાં છ પ્રવાસીઓ આરામથી સફર કરી શકે છે. આ યાનમાં બેસીને પ્રવાસીઓ પૃથ્વીની સપાટી પરથી 68 માઈલ ઊંચે જઈને અવકાશનો નજારો માણી શકે છે. વર્લ્ડ વ્યૂના બલૂન પ્રવાસમાં પ્રવાસીઓને ગુરુત્વાકર્ષણવિહિન સ્થિતિનો અનુભવ માણવા નથી મળતો, પરંતુ વર્જિનના પ્રવાસનો આ જ સૌથી મોટો ફાયદો છે. આ અવકાશી સેર કરતી વખતે પ્રવાસીઓ અવકાશનુંકાળું ડિબાંગ અફાટ આકાશ અને તરતી પૃથ્વીનો અદ્ભુત નજારો જોઈ શકે છે. આજે અનેક કંપનીઓ આ પ્રકારની સેવા આપે છે અને વર્જિન ગેલેક્ટિક જેવી બીજી પણ કેટલીક કંપનીઓએ ભવિષ્યની સ્પેસ રાઈડ માટે ઘણી ટિકિટો વેચી દીધી છે. નિષ્ણાતોનું માનવું છે કે આ બજારમાં થઈ રહેલા નવા પ્રયોગો છે અને આ પ્રકારની સેવા આપતી કંપનીઓ જાણવા માગે છે કે, સ્પેસ ટુરિઝમમાંથી ‘એકના ડબલ કરી શકાય છે નહીં?

આજે સ્પેસ રાઈડ કરાવતી અનેક કંપનીઓ ફૂટી નીકળી હોવા છતાં આ ક્ષેત્ર હજુ ભાખોડિયા ભરી રહ્યું છે એ વાતમાં કોઈ શંકા નથી. બીજી તરફ, સાચુકલો અવકાશી અનુભવ લેવાનું વિશ્વભરમાંથી કેટલા લોકોને પોસાશે એ પણ મહત્ત્વનો સવાલ છે. આમ છતાં, વર્જિન ગેલેક્ટિકની અઢી લાખ ડૉલરની સફર માટે 650 લોકોએ અત્યારથી પૈસા જમા કરાવી દીધા છે એ વાતને પણ નજરઅંદાજ ના કરી શકાય. વર્જિને કેલિફોર્નિયાના મેજોવ પ્રદેશમાં વિવિધ સાધનોના પ્રયોગો પણ શરૂ કરી દીધા છે અને કંપનીનું લક્ષ્ય છે કે, એક જ વર્ષની અંદર પ્રવાસીઓને અવકાશમાં લઈ જવાની સેવા ચાલુ થઈ જશે. વર્જિને સ્પેસ ટુરિઝમને ધ્યાનમાં રાખીને ખાસ સ્પેસશિપ ટુ (એસએસ-ટુ) નામનું સ્પેસ પ્લેન વિકસાવ્યું છે. અત્યાર સુધી લોકો મોંઘી ચીજવસ્તુઓ પર પૈસા ખર્ચતા હતા, પરંતુ હવે લોકો ‘મોંઘા અનુભવ’ પર પૈસા ખર્ચશે એ વાતમાં કોઈ શંકા નથી.

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જવા માટે જૂજ લોકો જ લાખો ડૉલર ચૂકવી શકે છે અને એટલે જ વર્લ્ડ વ્યૂએ બલૂનની મદદથી અવકાશી સફર અંગે કરેલો દાવો સ્પેસ ટુરિઝમ ક્ષેત્રમાં ક્રાંતિકારી સાબિત થઈ શકે છે.

સ્પેસ ટુરિઝમની પર્યાવરણ પર અસર

વર્ષ 2010માં જિયોગ્રાફિકલ રિસર્ચ લેટર્સ નામની જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ લેખ અનુસાર, સ્પેસ ટુરિઝમ ઈન્ડસ્ટ્રીનો વિકાસ થશે તો ગ્લોબલ વૉર્મિંગમાં ચોક્કસ વધારો થશે. વિશ્વભરની અવકાશ સંસ્થાઓ અને વરિષ્ઠ વિજ્ઞાનીઓએ આ સંશોધનને ગંભીરતાથી લીધું હતું. આ દિશામાં સંશોધન કરવા માટે નાસા અને ધ એરોસ્પેસ કોર્પોરેશ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં માલુમ પડ્યું હતું કે, અવકાશી સેર માટે એક હજાર હાઈબ્રિડ રોકેટ લૉન્ચ થાય ત્યારે સ્ટ્રેટોસ્ફિયર (પૃથ્વીની સપાટીથી આશરે પચાસ કિલોમીટર ઉપર)માં 600 ટન કાર્બન ઠલવાય છે. આ કાર્બન પૃથ્વીના વિવિધ ભાગમાં જુદા જુદા પ્રમાણમાં ફરતું થાય છે અને તેનાથી પૃથ્વીના વાતાવરણમાં પણ અસંતુલન સર્જાય છે. જેમ કે, તેના કારણે વિષુવવૃત્તીય પ્રદેશોના તાપમાનમાં 0.4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થાય છે અને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના તાપમાનમાં એક ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થાય છે. આ ઉપરાંત ઓઝોન વાયુમંડળને પણ નુકસાન થાય છે અને વિષુવવૃત્તીય પ્રદેશો ઓઝોનનું 1.7 ટકા આવરણ ગુમાવી દે છે. આ સંશોધનમાં ચોક્કસ પ્રકારના રોકેટ લૉન્ચિંગની પૃથ્વીના વાતાવરણ પર કેવી અસર થશે તેનું સ્પષ્ટ સંશોધન કરાયું છે. કમનસીબે, સ્પેસ ઈન્ડસ્ટ્રી ધીમી પણ મક્કમ ગતિએ વિકસી રહી છે અને સ્પેસ ટુરિઝમ સોસાયટી, સ્પેસ ફ્યૂચર, હોબી-સ્પેસ, સ્પેસ-એક્સ, ઓર્બિટલ સાયન્સ અને વર્જિન ગેલેક્ટિક સહિતની સંસ્થાઓ સ્પેસ ટુરિઝમના વિકાસ માટે પ્રયત્નશીલ છે. નવાઈની વાત તો એ છે કે, હવે તો નાસા પણ સ્પેસ ટુરિઝમનો યોગ્ય રીતે વિકાસ થાય એ માટે પ્રયત્નશીલ છે.

અવકાશી સેર કરી આવેલા પ્રવાસીઓ

વિશ્વના પહેલાં સ્પેસ ટુરિસ્ટ ડેનિશ ટીટો
અમેરિકન નાગરિક ડેનિશ ટીટો 28મી એપ્રિલ, 2001થી છઠ્ઠી મે, 2001 સુધી સતત આઠ દિવસ અવકાશમાં રોકાઈને વિશ્વના પહેલાં સ્પેસ ટુરિસ્ટ તરીકેનું બહુમાન ખાટી ગયા હતા. ત્યાર પછી વર્ષ 2002માં યુ.કે.ના સોફ્ટવેર ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ માર્ક શટલવર્થ, વર્ષ 2005માં વિજ્ઞાની ગ્રેગરી ઓલ્સન, વર્ષ 2006માં અમેરિકા અને ઈરાનનું બેવડું નાગરિકત્વ ધરાવતા મહિલા બિઝનેસમેન (ટેલિકોમ ઈન્ડસ્ટ્રી) અનોશેષ અન્સારીએ અવકાશમાં ઓછામાં ઓછા 11 દિવસનું રોકાણ કર્યું હતું. જ્યારે માઈક્રોસોફ્ટના એક્ઝિક્યુટિવ ચાર્લ્સ સિમોન્યી વર્ષ 2007માં 25 મિલિયન ડૉલર ખર્ચીને અવકાશમાં 14 દિવસ રોકાયા હતા. આ મુલાકાતથી સંતોષ ના થયો હોય એમ સિમોન્યીએ 2009માં 35 મિલિયન ડૉલર ખર્ચીને અવકાશમાં ફરી એકવાર 15 દિવસનું રોકાણ કર્યું હતું. આ ઉપરાંત વર્ષ 2008માં અમેરિકાના સોફ્ટવેર ગેમિંગ ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ રિચર્ડ ગેરિયોટ 12 દિવસ માટે અવકાશમાં ગયા હતા. આ યાદીમાં છેલ્લે કેનેડાના પર્ફોર્મન્સ આર્ટિસ્ટ ગાય લેલિબર્ટનો સમાવેશ થાય છે, જે 2009માં 11 દિવસ અવકાશમાં રોકાયા હતા. આમ સ્પેસ ટુરિસ્ટ તરીકે અત્યાર સુધી ફક્ત સાત વ્યક્તિ અવકાશની મુલાકાત લઈ ચૂકી છે. 

No comments:

Post a Comment