02 November, 2013

દેશમાં ખરેખર સાયકલ માર્ગની જરૂર છે?


આજકાલ વિકસિત દેશોના પગલે ભારતના પણ કેટલાક શહેરોમાં સાયકલ માર્ગ બનાવવાની માગણી થઈ રહી છે. એ વાત અલગ છે કે, સાયકલની માગણી કરનારા સાચુકલા સાયકલ સવારો નથી પણ મર્સીડિઝ કે બીએમડબલ્યુ જેવી લક્ઝુરિયસ કારમાં ફરી શકતા ‘બાઈસિકલ રાઈડરો’ છે. કદાચ એટલે જ મીડિયામાં સાયકલ સવારોની માગણીઓને પણ મહત્ત્વ મળી રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે સાયકલ સવારોના હક્કોની માગણી આપણા દેશ માટે વાજબી નથી. હાલના સંજોગોમાં ભારત જેવા દેશમાં સાયકલ સવારો માટે અલગ માર્ગની નહીં પણ જાહેર વાહનવ્યવહારના મજબૂત માળખાની જરૂર છે. દિલ્હી સહિતના મેટ્રો સિટીમાં બાઈસિકલ રાઈડિંગ લોકપ્રિય થઈ રહ્યું છે. દિલ્હી સરકારે તો સાયકલ સવારોની માગ, પ્રદૂષણ અને ટ્રાફિકમાં ઘટાડો કરવા મુખ્ય માર્ગો પર સાયકલ માર્ગ (બાઈસિકલ લેન) બનાવવાનો નિર્ણય પણ લઈ લીધો છે.  

વર્ષ 2008માં કોમનવેલ્થ યૂથ ગેમ્સને ધ્યાનમાં રાખીને પૂનામાં સાયકલ માટે અલગ માર્ગ વિકસાવાયો હતો. આમ પૂના દેશનું પહેલું એવું શહેર છે જ્યાં સાયકલ સવારો માટે અલગ માર્ગ હોય અને નજીકના ભવિષ્યમાં દિલ્હીનો પણ તેમાં સમાવેશ થશે. આજે પણ ભારતમાં વાહનવ્યવહારનું સૌથી પ્રચલિત સાધન સાયકલ છે એમાં શંકાને કોઈ સ્થાન નથી. વર્ષ 2005ના આંકડા પ્રમાણે ભારતના 40 ટકાથી પણ વધારે ઘરોમાં વાહનવ્યવહારનું એકમાત્ર સાધન સાયકલ હતી. ફક્ત સાયકલની માલિકી ધરાવતા લોકોની વસતી મોટે ભાગે ગ્રામ્ય અને નાના શહેરોમાં છે. આમ છતાં, મેટ્રોમાં રહેતા સાયકલ સવારો આ બધા આંકડા ટાંકીને પોતાની માગણીઓ વાજબી છે એવું ઠસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિકસિત દેશોમાં બાઈસિકલ પાથ અને ઝોન હોય છે પણ વધુને વધુ લોકો જાહેર વાહનવ્યવહાર સેવાનો ઉપયોગ કરે તે વાતને પણ સાથે સાથે મહત્ત્વ આપવામાં આવે છે.


સાયકલ માર્ગની તરફેણમાં એવી દલીલ કરવામાં આવે છે કે, જો સરકાર સાયકલ સવારો માટે સુરક્ષિત અને સરળ માર્ગો વિકસાવવા પાછળ ખર્ચ કરશે તો વધુને વધુ લોકો કારનો ઉપયોગ કરતા બંધ થશે અને પ્રદૂષણ પણ ઘટશે. જોકે, મેટ્રો સિટીના માર્ગો પર સ્ટાઈલિશ હેલમેટ અને શૂઝ પહેરીને ફરતા ‘બાઈક રાઈડરો’ માટે સાયકલ લાઈફ સ્ટાઈલ છે અને તેનો તેમણે પોતે સ્વીકાર કર્યો છે. બીજી તરફ, ભારતમાં નિયમિત સાયકલ ચલાવતા લોકો આર્થિક મજબૂરીના કારણે સાયકલ સવારી પસંદ કરે છે, નહીં કે તેમને પર્યાવરણની ચિંતા છે. વળી, સાયકલને મજબૂરના કારણે પસંદ કરતા અનેક લોકો શારીરિક મુશ્કેલીઓનો પણ ભોગ બને છે. ભારતના માર્ગો અને ટ્રાફિકનું માળખું જોતા સાયકલ માટે માર્ગો બનાવવા અત્યંત જટિલ કામ છે. સાયકલ સવારો કે ચાલવાનું પસંદ કરનારા લોકો માટે અલગ માર્ગ હોવા જોઈએ એ આદર્શ સ્થિતિ છે, પરંતુ આ પ્રકારના સંજોગોમાં દેશના તમામ રાજ્યોમાં જાહેર વાહનવ્યવહાર વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવે તો ટ્રાફિકની મહામુશ્કેલી થોડી હળવી તો થઈ જ શકે છે.

આ ઉપરાંત દેશના લગભગ તમામ રાજ્યોમાં દ્વિચક્રી વાહનો અને કારનું વેચાણ સતત વધી રહ્યું છે. દશેરા,  બેસતું વર્ષ કે અખાત્રીજ જેવા દિવસોએ ભારતના તમામ શહેરોમાં ઓટોમોબાઈલ કંપનીઓને તડાકો પડી જાય છે. આ દિવસોમાં થયેલો બિઝનેસ એટલો મહત્ત્વનો હોય છે કે તેને અખબારો સહિતના માધ્યમોમાં મહત્ત્વ મળે છે. અમદાવાદ, સુરત, મુંબઈ, પૂના, ચેન્નાઈ, બેંગલુરુ, કોલકાતા જેવા શહેરોમાં તો ઠીક ભારતના નાના શહેરોમાં પણ લક્ઝુરિયસ કાર અને બાઈકના વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે. આમ ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીનો અવિરત અને નિરંકુશ વિકાસ થઈ રહ્યો એવા સંજોગોમાં સૌથી પહેલાં જાહેર વાહનવ્યવહારનું માળખું જ વધુ મજબૂત કરવાની જરૂર છે. એક અંદાજ પ્રમાણે, ભારતમાં વર્ષે 46 લાખ વાહનોનું ઉત્પાદન થાય છે અને આ આંકડો પણ સતત વધી રહ્યો છે. આ ઉપરાંત ભારતના કોઈ પણ રાજ્યની બસ સેવાથી લઈને રેલવે, લોકલ ટ્રેન સહિતની તમામ સેવા હજુ પણ અપૂરતી છે અને તેથી જ દેશભરમાં રેલવેથી લઈને બસ સેવા પર પુષ્કળ ભારણ છે. આજે પણ કરોડો લોકો જાહેર વાહનવ્યવહાર સેવાના આ માધ્યમોનો ભરપૂર ઉપયોગ કરે છે.

જોકે, સ્થાનિક સ્તરની નિયત રેલવે સેવા તો મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા, હૈદરાબાદ અને પૂણે જેવા દેશના ફક્ત સાત જ શહેરોમાં ઉપલબ્ધ છે. એવી જ રીતે, સારી કહી શકાય એવી બસ સેવાનો લાભ દેશના ફક્ત 25 શહેરોને જ મળ્યો છે. આ 25 શહેરોમાં દ્વિચક્રી વાહનોના ટ્રાફિક પર કાબૂ રાખવા માટે બસ સેવાની ધરાર અવગણના કરવામાં આવી છે. રેલવે કે ટ્યૂબ જેવા વાહનવ્યવહારના માધ્યમો કરતા મજબૂત બસ સેવા વિકસાવવી વધુ સરળ છે. અન્ય વાહનોના ભયાનક ટ્રાફિકના કારણે બસ સેવાને પણ વધુ કાર્યક્ષમ બનાવી શકાતી નથી. અમદાવાદ જેવા શહેરોના ઉદાહરણ આપણી સામે છે. જો જાહેર વાહનવ્યવહારને વધુ કાર્યક્ષમ કરવાનો પ્રયાસ કરવામાં આવે તો માર્ગ અકસ્માતોમાં પણ ઘટાડો કરી શકાય એમ છે. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝના આંકડા મુજબ ભારતમાં દર વર્ષે સરેરાશ 90 હજાર લોકોનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થાય છે. ટ્રાફિક અને માર્ગ અકસ્માતની રીતે એશિયાના સૌથી ખરાબ શહેરોમાં ભારતના લગભગ બધા શહેરોનો ટોપ ટેનમાં સમાવેશ થાય છે.

સાયકલ માર્ગ વિકસાવવામાં આવે તો પણ કેટલા લોકો તેનો ઉપયોગ કરશે તે પણ મહત્ત્વનો સવાલ છે. કારણ કે, દ્વિચક્રી વાહનો, કાર અને અન્ય મોટા વાહનોના કારણે ટ્રાફિક જામ વધારે હોય છે. શું કારનો ઉપયોગ કરતો બહુ મોટો વર્ગ સાયકલ ચલાવતો થઈ જશે? ટૂંકમાં હાલના સંજોગોમાં ભારતને ‘બાઈસિકલ ફ્રેન્ડ્લી’ સિટીની નહીં પણ સારા માર્ગો અને વધુ સારી જાહેર વાહનવ્યવહાર સેવાની જરૂર છે.

નોંધઃ તસવીર પ્રતીકાત્મક છે.

No comments:

Post a Comment