24 February, 2015

ટ્વિટરે 'મિસ કોલ' મારતી ભારતીય કંપની કેમ ખરીદી?


ક્યારેક મજાકમાં એવું કહેવાય છે કે, સ્માર્ટફોનની શોધ ભલે ગમે તેણે કરી હોય પણ મિસ કોલની શોધ ભારતમાં થઈ છે. જોકે, આ વાત ભલે મજાકમાં કહેવાઈ હોય પણ ભારતમાં આજે પણ મિસ કોલ એ મેસેજ  કરવાની એક સ્ટાઈલ છે. મેસેજ આપવાની આ સ્ટાઈલ બધાને પોસાય એવી પણ છે કારણ કે, આવી રીતે મેસેજ આપવા માટે કોઈ જ ખર્ચ થતો નથી. બસ આ જ આઈડિયાના આધારે વર્ષ ૨૦૧૦માં ત્રણ તરવરિયા ટેક્નોક્રેટે બેંગલુરુમાં ઝિપ ડાયલ નામની કંપની સ્થાપી હતી. ઝિપ ડાયલે મિસ કોલ કરીને માર્કેટિંગનો ઈનોવેટિવ આઈડિયા શોધ્યો હતો, જે ભારત જેવા અનેક વિકાસશીલ દેશોમાં સફળ રહ્યો છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પણ ઓછા ખર્ચે કેવી રીતે માર્કેટિંગ કરી શકાય એવા એક આઈડિયા પર ઊભી કરાયેલી આ કંપનીને ગયા અઠવાડિયે જ ટ્વિટરે ૪૦ મિલિયન ડોલરમાં ખરીદી લીધી છે. સામાન્ય રીતે, મિસ કોલ મારવો એ કડકાઈની નિશાની છે પણ ટ્વિટર જેવી જાયન્ટ સોશિયલ મીડિયા કંપનીએ ઝિપ ડાયલ જેવી ભારતના બેંગલુરુ શહેરની નાનકડી કંપની કેમ ખરીદી લીધી એના કારણો ઘણાં રસપ્રદ છે.

એક અંદાજ પ્રમાણે હાલ ભારતમાં ટ્વિટર યુઝર્સની સંખ્યા ૩.૩૦ કરોડની આસપાસ છે, જ્યારે ફેસબુક પર સક્રિય ભારતીયોની સંખ્યા દસ કરોડથી પણ વધારે છે. જોકે, ટ્વિટર તેની આગવી ખાસિયતોના કારણે સેલિબ્રિટી સર્કલમાં વધારે લોકપ્રિય છે, પરંતુ ફેસબુક સેલિબ્રિટીથી લઈને સામાન્ય માણસ સુધી દરેક સ્તરે ટ્વિટરથી સતત આગળ વધી રહ્યું છે. ટ્વિટરે કરોડો ડોલર ખર્ચીને ઝિપ ડાયલ ખરીદી લીધી એ પાછળનો હેતુ ભારતમાં સક્રિય યુઝર્સ (ક્વોલિટી બેઝ) વધારવાનો અને ફેસબુકથી આગળ નીકળવાનો છે. ટ્વિટરે ભારતમાં કરેલું આ પહેલું એક્વિઝિશન (હસ્તાંતરણ) છે. ટેક્નોલોજિકલ માળખાની દૃષ્ટિએ ભારત ઘણું પછાત હોવા છતાં ભારતની ૩૫ ટકા વસતી યુવાનોની હોવાથી આઈટી આધારિત સેવા આપતી કંપનીઓ ભારતીય બજાર પર કબજો જમાવવા ઉત્સુક છે. ભારત અને અમેરિકા વચ્ચે વિકાસની રીતે બહુ મોટી ખાઈ હોવા છતાં, એક અંદાજ પ્રમાણે વર્ષ ૨૦૧૭ સુધીમાં અમેરિકા કરતા ભારતમાં ફેસબુક યુઝર્સ વધી જશે. વળી, વર્ષ ૨૦૧૭ સુધીમાં ભારતમાં સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા ૫૦ કરોડને પાર થઈ જશે એવો પણ એક અંદાજ છે.


આમિયા પાઠક
સંજય સ્વામી
વાલેરી વેગનર

આ અંદાજો ઉતાવળે કરાયા હોય તો પણ સોશિયલ મીડિયા કે ઓનલાઈન બિઝનેસ કરતી વિશ્વની કોઈ પણ કંપની ભારતીય યુવાનોની સતત વધી રહેલી ઓનલાઈન પ્રેઝન્સની અવગણના કરી શકે એમ નથી. કોઈ પણ દેશમાં સફળતાપૂર્વક વેપાર કરવા માટે ત્યાંની સંસ્કૃતિ, રાજકારણ, સામાજિક સ્થિતિ અને લોકોના ગમા-અણગમા સમજવા જરૂરી હોય છે અને આ કામ વિદેશી કરતા સ્થાનિક કંપનીઓ વધુ સારી રીતે કરી શકે છે. પશ્ચિમી દેશોના નિષ્ણાતો અમુકતમુક વર્ષો પછી ભારતમાં આટલા કરોડ સ્માર્ટફોન યુઝર્સ થઈ જશે એવા અંદાજો કરી રહ્યા હતા, ત્યારે વર્ષ ૨૦૧૦માં ઝિપ ડાયલના સ્થાપકો આમિયા પાઠક, સંજય સ્વામી અને વેલેરી વેગનરે વિચાર કર્યો હતો કે, ભારતમાં ભલે લોકો સ્માર્ટફોન વાપરતા થઈ ગયા હોય પણ મોંઘા ઈન્ટનેટ ડેટા પ્લાનનો બહુ ઓછા લોકો ઉપયોગ કરે છે. જે લોકો મોંઘા સ્માર્ટફોન વસાવી શકવા સક્ષમ છે, તેઓ પણ કોલિંગ કે ડેટા પ્લાન ખરીદતા જ નથી અને ખરીદે છે તો તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરે છે. એક અમેરિકનના માસિક સરેરાશ ૧.૩૮ જીબી ઈન્ટરનેટ ડેટાના ઉપયોગ સામે એક ભારતીય માસિક સરેરાશ ફક્ત ૬૦ એમબી ઈન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરે છે.

આમ, આ ત્રણેય આઈટી એન્જિનિયરોએ ભારતીયોની નાડ પારખીને ઝિપ ડાયલ નામે મોબાઈલ માર્કેટિંગ કંપનીની સ્થાપના કરી હતી, જે તેના ગ્રાહકોને મિસ કોલ કરીને માર્કેટિંગ કરી આપે છે. જેમ કે, દેશમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરતા દરેક લોકો ઈન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરતા નથી, દરેક લોકો હંમેશાં વાઈફાઈ નેટવર્કમાં હોતા નથી તેમજ ભારત જેવા દેશમાં અંતરિયાળ વિસ્તારોના સ્માર્ટફોન ધારકો ૨૪ કલાક ઈન્ટરનેટ સાથે જોડાયેલા હોય એવું પણ હોતું નથી. આ વર્ગમાં પહોંચવા માગતી કંપનીઓને ઝિપ ડાયલ ઈનોવેટિવ સર્વિસ આપે છે. આ કંપનીના બ્રાન્ડિંગ માટે ઝિપ ડાયલ તેના યુઝર્સને ટોલ ફ્રી નંબર આપે છે અને કંપની પ્રિન્ટ  કે ટેલિવિઝન જાહેરખબરોમાં તે નંબરનો ઉપયોગ કરી શકે છે. આ નંબર પર યુઝર્સ ફક્ત મિસ કોલ કરીને તે બ્રાન્ડની માહિતી કોલ, એસએમએસ કે એપ નોટિફિકેશન દ્વારા મેળવી શકે છે. યુનિલિવર જેવી મહાકાય કંપનીએ પણ નેવિયા બ્રાન્ડની માહિતી વધુને વધુ લોકો સુધી પહોંચાડવા ઝિપ ડાયલના જ પ્લેટફોર્મની સેવા લીધી હતી.

બેંકો પોતાના ગ્રાહકો પાસે મિસ કોલ કરાવીને બેંક બેલેન્સની જાણ કરતો એસએમએસ આપવા ઝિપ ડાયલની સેવા ખરીદે છે. એમેઝોનથી લઈને ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ કંપનીઓએ વધુને વધુ લોકો તેમની મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરે એ માટે ઝિપ ડાયલના જ 'મિસ કોલ'ની મદદ લે છે. ફેસબુક અને ટ્વિટર જેવી અત્યંત લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઈટો પણ વધુને વધુ લોકો સુધી પહોંચવા માટે ઝિપ ડાયલના મિસ કોલનો ઉપયોગ કરી ચૂકી છે. ટ્વિટર પર લોગ-ઈન થયા વિના મનપસંદ સેલિબ્રિટીના ટ્વિટની માહિતી મેળવવી છે, તો ઝિપ ડાયલ એસએમએસ કરી દે છે. રાજકારણ, ફિલ્મ અને રમતજગતની અનેક હસ્તીઓ સોશિયલ મીડિયા પર હાજરી ના ધરાવતા હોય એવા એવા ચાહકો સુધી પહોંચવા ઝિપ ડાયલની મદદ લે છે. વર્ષ ૨૦૧૩માં અમિતાભ બચ્ચનના જન્મ દિવસ પર ટ્વિટર પર ના હોય એવા ચાહકોને અમિતાભની ટ્વિટ પહોંચાડવા ટ્વિટરે ઝિપ ડાયલની સેવા લીધી હતી. જે મોબાઈલ યુઝર્સ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોવા છતાં કોઈને કોઈ કારણોસર ઓફલાઈન હોય છે તેમના સુધી ઝિપ ડાયલ બ્રાન્ડને પહોંચાડી આપે છે. આ માટે ઝિપ ડાયલ એસએમએસ અને વોઈસ મેસેજ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.

આ તો થઈ કોઈ બ્રાન્ડિંગની વાત, પરંતુ ઝિપ ડાયલે તો યુઝર્સને મનગમતા સમાચારો પણ મિસ કોલથી આપવાનો આઈડિયા કર્યો છે. દાખલા તરીકે, કોઈને ફક્ત ચૂંટણીના સમાચારોમાં જ રસ છે, કોઈને નવી આવી રહેલી ફિલ્મોના સમાચારો જ જાણવા છે તો કોઈને ક્રિકેટના સ્કોરથી વધારે કશું જાણવું નથી. આ લોકો ઝિપ ડાયલે ફાળવેલા નંબર પર મિસ કોલ કરીને મનપસંદ સમાચારનો એસએમએસ મેળવી શકે છે. આ માટે મોંઘા ઈન્ટરનેટ પ્લાન ખરીદવાની જરૂર જ નથી. વળી, મિસ કોલ કરીને મનપસંદ સમાચારો મેળવવાથી તમામ કેટેગરીના સમાચારોના નોટિફિકેશનમાંથી પણ છુટકારો મળે છે. આવા આઈડિયા પર ઊભી કરાયેલી ઝિપ ડાયલના પ્લેટફોર્મ પર આશરે છ કરોડ લોકો એકબીજા સાથે સંકળાયેલા છે, જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પેપ્સી, જિલેટ, કોલગેટ, આઈબીએમ, કેએફસી, આઈસીઆઈસીઆઈ, કિંગફિશર, મેક માય ટ્રીપ, એરટેલ, કેડબરી, બોર્નવિટા અને વીડિયોકોન જેવી વિશ્વની અનેક અગ્રણી બ્રાન્ડ અને મીડિયા કંપનીઓ સામેલ છે. જે બહુરાષ્ટ્રીય કંપનીઓ બ્રાન્ડ પ્રમોશન માટે હજારો કરોડનું બજેટ ફાળવીને એડવર્ટાઈઝ કેમ્પેઈન કરે છે, તેઓ પણ પોતાના ટાર્ગેટ ઓડિયન્સને સમજીને વફાદાર ગ્રાહક વર્ગ ઊભો કરવા ઝિપ ડાયલની સેવા લઈ રહી છે.

ઈનોવેશનમાં આ તાકાત છે. વર્ષ ૨૦૧૪માં યાહૂએ  બેંગલુરુની 'બુક પેડ' કંપની રૂ. ૫૦ કરોડમાં ખરીદી લીધી હતી. આ એપ્લિકેશનની મદદથી એકવાર ક્લાઉડ પ્લેટફોર્મ પર શેર થઈ ગયેલા ડોક્યુમેન્ટ પણ રિયલ ટાઈમમાં (સામેની વ્યક્તિ ડોક્યુમેન્ટ જોતી હોય ત્યારે પણ એડિટિંગ શક્ય) એડિટ કરી શકાય છે. આ કંપની આઈઆઈટી, ગુવાહાટીના ૨૫ વર્ષીય ડિઝાઈન એન્જિનિયર આદિત્ય બાન્દી, ૨૪ વર્ષીય કમ્પ્યુટર એન્જિનિયર નિકેથ સબ્બિનેની અને ૨૩ વર્ષીય કેમિકલ એન્જિનયર અશ્વિન બટ્ટુએ સંયુક્ત રીતે સ્થાપી હતી. ગયા વર્ષે ફેસબુકે પણ 'લિટલ આઈ લેબ્સ' નામની બેંગલુરુ સ્થિત કંપની ખરીદી લીધી હતી. આ કંપની મોબાઈલ એપ્સ માટે પર્ફોર્મન્સ એનાલિસિસ અને મોનિટરિંગ ટૂલ્સની સેવા આપે છે. એવું કહેવાય છે કે, આ વર્ષે ભારતની આવી અનેક ઈનોવેટિવ બિઝનેસ કરી રહેલી કંપનીઓને સિલિકોન વેલીની જાયન્ટ કંપનીઓ ખરીદી લેશે.

આમ, ભારતીય યુવાનો વધુને વધુ ઈનોવેટિવ થઈ રહ્યા છે અને પશ્ચિમી દેશોએ પણ તેમની નોંધ લેવી પડી રહી છે. ભારત જેવા દેશની અનેક મુશ્કેલીઓ સામે ઈનોવેશન તેમજ સોશિયલ આંત્રપ્રિન્યોરશિપની મદદથી લડી શકાય છે. ઝિપ ડાયલ એશિયા અને આફ્રિકાના વિકાસશીલ દેશોમાં સફળ થઈ રહી છે એનું કારણ પણ ઈનોવેશન જ છે. ફક્ત આઈટી ક્ષેત્રે જ નહીં પણ ખેતીથી લઈને શિક્ષણ સુધીના તમામ ક્ષેત્રમાં ટેક્નોલોજિકલ ઈનોવેશન ક્રાંતિકારી સાબિત થઈ શકે એમ છે.

મિસ કોલના તુક્કામાંથી તગડું બિઝનેસ એમ્પાયર

ઝિપ ડાયલનું સૌથી પહેલું વર્ઝન ચિફ ઓપરેટિંગ ઓફિસર આમિયા પાઠકે એકલા હાથે ઊભું કર્યું હતું. આ વર્ઝન પર કામ કરતી વખતે આમિયાનો એક હાથ ફ્રેક્ચર્ડ હતો તેથી તેના મિત્રો ઘણીવાર મજાકમાં કહેતા કે, આમિયાએ ઝિપ ડાયલનું વર્ઝન ખરેખર 'એકલા હાથે' બનાવ્યું છે. આઈઆઈટી કાનપુર અને આઈઆઈએમ કોલકાતામાંથી અભ્યાસ કર્યા પછી આમિયાએ કેટેરા અને ઝપાક (રિલાયન્સે ખરીદી) જેવી કંપનીઓ માટે ટેક્નોલોજી પ્લેટફોર્મ બનાવ્યું હતું. બાદમાં આમિયાએ ઝિપ ડાયલના પ્લેટફોર્મ પર કામ કરવાની શરૂઆત કરી હતી. આ દરમિયાન આમિયાના સંજય સ્વામી નામના એક મિત્રે ઝિપ ડાયલનું મહત્ત્વ સમજીને તેને વિકસાવ્યું હતું, જે હાલ ઝિપ ડાયલના ચેરમેન છે. એ પહેલાં સંજય સ્વામી એમ-ચેક મોબાઈલ પેમેન્ટના ચેરમેન તરીકે ફરજ બજાવતા હતા. સંજયે ભારતમાં ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ થઈને યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાંથી માસ્ટર્સ કર્યું છે. આ બંને મિત્રો સાથે મૂળ કેલિફોર્નિયાની વાલેરી વેગનરે પણ ઝિપ ડાયલને વિકસાવવાનું શરૂ કર્યું હતું. વર્ષ ૨૦૧૧માં વાલેરીને વુમન ઈન લીડરશિપ ફોરમમાં ટેક્નોલોજીમાં મોખરાનું સ્થાન ધરાવતી ભારતીય સ્ત્રીઓની યાદીમાં સ્થાન મળ્યું હતું. વર્ષ ૨૦૧૩માં એમઆઈટી ટેક્નોલોજીએ વાલેરીને 'ટોપ ઈનોવેટર અન્ડર ૩૫' એવોર્ડ આપ્યો હતો. વાલેરીએ બેચલર (પબ્લિક પોલિસી) અને માસ્ટર્સ (ઈકોનોમિક સોશિયોલોજી) એમ બંને ડિગ્રી અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી મેળવી છે.

3 comments:

  1. ઘણા તકનીકી સંશોધનોએ આપણી જિંદગી અને વ્યવહારો સરળ બનાવ્યા છે અને જાણીને આનંદ થાય છે કે, તેમાંની અનેક શોધ ‘ટેલેન્ટેડ યંગ ઇન્ડિયન્સ’ના ભેજાની નિપજ છે. ઝિપ ડાયલ ઇઝ ઓલ્સો નવ ઓફ ધેમ...

    ReplyDelete
  2. એક રમુજી વાત -
    મને જ્યારે સૌથી પહેલાં મીસ કોલ શબ્દ સાંભળવા મળ્યો , ત્યારે હું એમ સમજેલો કે, આ કોઈ પંજાબી છોકરી કુ. કૌલ વિશે વાત હશે !

    ReplyDelete