22 June, 2013

એડવર્ડ સ્નોડેનઃ અમેરિકાનો હીરો કે ગદ્દાર?


કોઈ પણ દેશની સુરક્ષા વ્યવસ્થાની મજબૂતાઈનો આધાર તેનું જાસૂસી તંત્ર કેટલું મજબૂત છે તેના પર હોય છે. એવું કહેવાય છે કે, હાલ વિશ્વમાં સૌથી મજબૂત જાસૂસી તંત્ર અમેરિકાએ ઊભું કર્યું છે અને ત્યાર પછી ચીનનો નંબર આવે છે. અમેરિકામાં 9/11ની ઘટના પછી અમેરિકન સુરક્ષા એજન્સીઓએ સજ્જડ જાસૂસી તંત્ર ઊભું કરીને આશરે 45 જેટલા જેહાદી હુમલાને નાકામ બનાવ્યા હતા. પરંતુ આ માટે અમેરિકન સુરક્ષા એજન્સીઓએ અમેરિકન નાગરિકોની પ્રાઈવેસી પર પણ તરાપ મારી હતી. અમેરિકાની નેશનલ સિક્યોરિટી એજન્સીએ લાખો અમેરિકનોની કૉલ ડિટેઈલ્સ, ઈ-મેઈલ, પાસવર્ડ અને ક્રેડિટ કાર્ડ ડેટા પર ચાંપતી નજર રાખવા ‘પ્રિઝમ’ પ્રોગ્રામ હેઠળ ઈલેક્ટ્રોનિક જાસૂસી નેટવર્ક ગોઠવીને આ કામ પાર પાડ્યું હતું. પરંતુ એડવર્ડ જોસેફ સ્નોડેન નામના સીઆઈએના જ એક કર્મચારીએ પ્રિઝમ પ્રોગ્રામ સહિતની અનેક ગુપ્ત બાબતોના વટાણા વેરી દેતા અમેરિકા ભારે મુશ્કેલીમાં મૂકાયું છે. જોકે, અમેરિકાની મુશ્કેલીઓ વિશે વાત કરતા પહેલાં એડવર્ડ સ્નોડેન અને પ્રિઝમ પ્રોગ્રામ વિશે જાણવું જરૂરી છે.

એડવર્ડ જોસેફ સ્નોડેન અમેરિકન જાસૂસી સંસ્થા સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ)નો જ પૂર્વ કર્મચારી છે. સ્નોડેને મીડિયા સામે આ ધડાકો કર્યો ત્યારે તે અમેરિકાની નેશનલ સિક્યોરિટી એજન્સીની કોન્ટ્રાક્ટર કંપની બૂઝ એલન હેમિલ્ટન વતી આ એજન્સીમાં કામ કરતો હતો. વર્ષ 2007માં નેશનલ સિક્યોરિટી એજન્સીએ સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા ‘પ્રિઝમ’ નામનો એક સર્વેઈલન્સ પ્રોગ્રામ ડિઝાઈન કર્યો હતો. ફોરેન ઈન્ટેલિજન્સ સર્વેઈલન્સ એક્ટ અનુસાર સિક્યોરિટી એજન્સી દ્વારા ચાલતા આ પ્રોગ્રામ પર યુનાઈટેડ સ્ટેટ્સ ફોરેન ઈન્ટેલિજન્સ સર્વેઈલન્સ કોર્ટની પણ દેખરેખ હતી. સ્નોડેનનો દાવો છે કે, અમેરિકાએ પ્રિઝમ પ્રોગ્રામ હેઠળ એવું માળખું વિકસાવ્યું છે કે જેની મદદથી અમેરિકાની ધરતી પર આવનારી દરેક વ્યક્તિનો ઈલેક્ટ્રોનિક ડેટા આંતરી શકાય. આજના યુગમાં જાસૂસીનું મોટા ભાગનું કામ ઈલેક્ટ્રોનિક ડેટાના આધારે કરવામાં આવે છે. પરંતુ અમેરિકનોને સુરક્ષા આપવા માટે નેશનલ સિક્યોરિટી એજન્સી દ્વારા કરાતી આ જાસૂસી સ્નોડેનને પસંદ ન હતી.

છેવટે છઠ્ઠી જૂન, 2013ના રોજ એડવર્ડ સ્નોડેને ‘ધ ગાર્ડિયન’ અને ‘ધ વૉશિંગ્ટન પોસ્ટ’ જેવા માતબર અખબારો સમક્ષ પ્રિઝમ પ્રોગ્રામ સહિતની અનેક ‘ટોપ સિક્રેટ’ વાતો જાહેર કરી દીધી. આ માહિતી જાહેર કરવા બદલ અમેરિકન મીડિયાએ એડવર્ડ સ્નોડેનને વ્હિસલ બ્લોઅર તરીકે વધાવી લીધો છે. પરંતુ એક વાત યાદ રાખો કે, અમેરિકન નેશનલ સિક્યોરિટી એજન્સી આ જાસૂસી તંત્રની મદદથી જ 9/11 પછીના 45 જેટલા આતંકવાદી હુમલા રોકી શકી છે. કદાચ એટલે જ અમેરિકાના બે મુખ્ય પક્ષ ડેમોક્રેટ અને રિપબ્લિકનો પ્રિઝમ પ્રોગ્રામની કાયદેસરતા કે તેની શું અસરો અંગે બિલકુલ ચિંતિત નથી. અમેરિકન સરકારનું કહેવું છે કે, આ પ્રોગ્રામને સંસદે માન્યતા આપી છે અને તેના પર કેવી રીતે કામ થઈ રહ્યું છે તેના પર સતત નજર રખાઈ રહી છે. ઓબામાએ તો ત્યાં સુધી કહ્યું છે કે, “100 ટકા પ્રાઈવેસી અને થોડી પણ મુશ્કેલી સહન કર્યા વિના તમે 100 ટકા સુરક્ષા મેળવી શકો નહીં...” ઓબામા વહીવટી તંત્ર અને અન્ય રાજકારણીઓ કોઈ પણ સંજોગોમાં સ્નોડેનના ‘દેશદ્રોહી’ કૃત્ય બદલ તેને સજા કરવા તત્પર છે.

એડવર્ડ સ્નોડેન

‘ટાઈમ’ મેગેઝીને કરેલા એક સર્વેક્ષણ મુજબ, 53 ટકા અમેરિકનો પણ સ્નોડેનને સજા કરવાની તરફેણ કરી રહ્યા છે, અને ફક્ત 27 ટકા લોકો જ એવું વિચારે છે કે તેને છોડી દેવો જોઈએ. ‘ટાઈમ’ મેગેઝીનના સર્વેક્ષણના આધારે એવું કહી શકાય કે, સ્નોડેન અમેરિકન જાસૂસી તંત્રને ગુપ્તતા પરની તરાપ ગણાવી રહ્યો છે, પરંતુ અડધાથી વધારે અમેરિકનોને તો તેમની પ્રાઈવેસીના ભંગની કોઈ ચિંતા જ નથી. કારણ કે, તેઓને ફક્ત સુરક્ષા જોઈએ છે. જાસૂસીના કામ માટે એપલ, ગૂગલ, યાહૂ, માઈક્રોસોફ્ટ, એઓએલ અને ફેસબુક સહિતની કંપનીઓ પણ સુરક્ષા એજન્સીઓને તેમના યુઝર્સની માહિતી આપતી હતી. આ વાતથી ભડકીને જ કેટલાક લોકો સ્નોડેનને ‘વ્હિસલ બ્લોઅર’, ‘હેકિંગ એક્ટિવિસ્ટ’ કે ‘હેક્ટિવિસ્ટ’ (હેકિંગ+એક્ટિવિસ્ટ) જેવા શબ્દોથી નવાજી રહ્યું છે. આ ઉપરાંત અમેરિકાના બૌદ્ધિકો અને કેટલાક રાજકારણીઓ પણ તેના પગલાંને સંપૂર્ણ યોગ્ય ગણાવી રહ્યા છે. રાજકારણીઓનું વલણ તો સમજી શકાય એમ છે, પરંતુ અમેરિકાના જાસૂસી તંત્રનો વિરોધ કરનારા લોકો ફક્ત વ્યક્તિગત ગુપ્તતાનો મુદ્દો ઉઠાવીને સ્નોડેનના કૃત્યને ન્યાયી ગણાવી રહ્યા છે. વિકિલિક્સના કર્તાહર્તા જુલિયન અસાન્જેએ પણ સ્નોડેનને ‘હીરો’ ગણાવ્યો છે. પરંતુ નેશનલ સિક્યોરિટી એજન્સીની જાસૂસી કરવાની રીત ખોટી હોય તો સાચી રીત કઈ? અમેરિકાએ 9/11 જેવા હુમલાને જાસૂસી કર્યા વિના અટકાવવા હોય તો શું કરી શકાય? – આવા કોઈ પ્રશ્નોના જવાબ આ લોકો પાસે નથી.

‘ધ ગાર્ડિયન’ને આપેલા ઈન્ટરવ્યૂમાં એડવર્ડ સ્નોડેન આ વાતનો જવાબ આપતા કહે છે કે, “આપણે એ નક્કી કરી લેવું જોઈએ કે, આતંકવાદ કેમ નવો ભય છે. આતંકવાદ તો પહેલાં પણ હતો. બોસ્ટનનો હુમલો એક ગુનાઇત કૃત્ય હતું. એ સર્વેઈલન્સનું નહીં, પણ જૂની પદ્ધતિથી થઈ શકે એવું પોલીસનું કામ હતું. આ દિશામાં પોલીસ સારું કામ કરી જ રહી છે.” આમ સ્નોડેન પણ આ સવાલનો અસ્પષ્ટ જવાબ આપે છે. આ સવાલનો જવાબ આપતી વખતે તે સિફતપૂર્વક ભૂલી જાય છે કે, નેશનલ સિક્યોરિટી એજન્સીએ આતંકવાદીઓના ઈરાદા નાકામ કરવા માટે જ આ તંત્ર ઊભું કર્યું છે, નહીં કે સામાન્ય માણસોની જાસૂસી કરવા માટે.  સામાન્ય નાગરિકો કરવેરા ભરે છે અને આ ભંડોળની મદદથી જ દેશમાં પ્રિઝમ જેવા પ્રોગ્રામ તૈયાર થાય છે. આવા અતિ ગુપ્ત પ્રોગ્રામ માટે કરોડોનો ખર્ચ કરાયો હોય છે. આ સ્થિતિમાં જાસૂસી તંત્ર સાથે સંકળાયેલો જ કોઈ વ્યક્તિ તમામ ગુપ્ત માહિતીને ‘લોકોના ભલા’ માટે જાહેર કરીને દે તો તેને ‘હીરો’ કહેવો કે ‘ગદ્દાર’ તે અમેરિકાની પ્રજાને જ નક્કી કરવા દેવું જોઈએ.

વળી, આ કામ પાર પાડીને સ્નોડેન ચીનના સ્પેશિયલ એડમિનિસ્ટ્રેટિવ રીજન હોંગકોંગમાં ભાગી ગયો છે. અમેરિકાની ખરી મુશ્કેલી જ આ છે. અમેરિકાના સુરક્ષા નિષ્ણાતોનું સ્પષ્ટપણે માનવું છે કે, પ્રિઝમ પ્રોગ્રામની માહિતી જાહેર થઈ ગયા પછી સ્નોડેને સમજી વિચારીને જ હોંગકોંગ પસંદ કર્યું છે અને યુ.એસ.-ચાઈના સમિટ વખતે જ તેણે ધડાકો કર્યો છે, જે ખૂબ શંકાસ્પદ છે. કારણ કે, આ સમિટમાં બરાક ઓબામાએ ચીનની સાયબર જાસૂસીને એક મોટા મુદ્દા તરીકે ઉઠાવ્યો હતો. પરંતુ એ જ વખતે અમેરિકાની ‘અયોગ્ય જાસૂસી’ મીડિયામાં ચમકતા આખી વાત પર પાણી ફરી ગયું. અમેરિકાના જાસૂસી તંત્રનો પર્દાફાશ કર્યા પછી હોંગકોંગ કેમ પસંદ કર્યું એ વાતનો જવાબ આપતા સ્નોડેને ‘ધ ગાર્ડિયન’ને જણાવ્યું હતું કે, “મને લાગે છે કે, આ બહુ દુઃખદ ઘટના છે કે, એક અમેરિકને ઓછી સ્વતંત્રતા ધરાવતી જગ્યાએ જવું પડે છે. આમ છતાં, હોંગકોંગમાં સ્વતંત્રતા છે અને તે પણ ચીનનો એક ભાગ હોવા છતાં. અહીં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની મજબૂત પરંપરા રહી છે...” આ સવાલનો જવાબ પણ તેણે અસ્પષ્ટ આપ્યો છે.

આમ, સ્નોડેને પોતાની સુરક્ષા માટે અમેરિકાની સામે ચીનના સ્પેશિયલ એડમિનિસ્ટ્રેટિવ રીજન હોંગકોંગમાં આશ્રય લીધો છે એ વાત જ અમેરિકાને સૌથી વધારે પરેશાન કરી રહી છે. અમેરિકાના સુરક્ષા સલાહકારોનું સ્પષ્ટપણે માનવું છે કે, જો સ્નોડેન કોઈ યુરોપિયન દેશ પણ પસંદ કરી શક્યો હોત, પરંતુ તેણે હોંગકોંગ પસંદ કર્યું એ ખૂબ શંકાસ્પદ છે! આ મુદ્દે અમેરિકાની ચિંતા વાજબી છે. કારણ કે સીઆઈએ ત્યાં જઈને સ્નોડેનની અટકાયત કરી શકે એમ નથી અને જો ચીન સ્નોડેનને ‘સુરક્ષા’ આપી રહ્યું હશે તો તે તેની કિંમત પણ વસૂલશે. એટલે કે, અમેરિકનોએ હજારો નિષ્ણાતોની મદદથી કરોડોનો ખર્ચ કરીને જે જાસૂસી તંત્ર ઊભું કર્યું છે તે વિશે સ્નોડેને ચીનને માહિતી આપવી પડશે. સ્નોડેન જે કંઈ જાણે છે તે ચીન માટે સોનાની ખાણ સાબિત થઈ શકે છે. કેટલાક સુરક્ષા નિષ્ણાતોએ તો એવી પણ શંકા વ્યક્ત કરી છે કે, તે અગાઉથી ચીનના પે-રોલ પર હોઈ શકે છે. કારણ કે, સ્નોડેન ચાર કમ્પ્યુટરમાં માહિતી ભરીને હોંગકોંગ લઈ ગયો છે.
 
આ માહિતીની મદદથી ચીન દુનિયાભરમાં ફેલાયેલા સીઆઈએ અને એનએસએ અન્ડરકવર અધિકારીઓને ઓળખી શકે છે. આ ઉપરાંત તેઓ અમેરિકાએ કરોડો રૂપિયા ખર્ચીને ઊભી કરેલી સાયબર જાસૂસી ટેક્નોલોજીમાં પણ ડોકિયું કરશે. ચીન અગાઉ અનેકવાર અમેરિકાની સાયબર જાસૂસી સામે આંગળી ચીંધી ચૂક્યું છે, અને એ વાત પણ જગજાહેર છે કે, ચીન ભારત સહિતના તમામ દેશોમાં ખૂબ આક્રમક રીતે સાયબર જાસૂસી કરી રહ્યું છે. એડવર્ડ સ્નોડેન આ વાત જાણતો ના હોય એ શક્ય નથી. સીઆઈએમાં કામ કરતો હતો એ દરમિયાન સ્નોડેને થોડી ઘણી મેન્ડેરિન (ચીનની ભાષા) શીખી લીધી હતી અને તેણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યાનો પણ દાવો કર્યો હતો. સ્નોડેન પોતાની ગર્લફ્રેન્ડ સાથે હોંગકોંગની પણ મુલાકાત લઈ ચૂક્યો છે. એકવાર તેણે કહ્યું હતું કે, “કારકિર્દી માટે ચીન સારો વિકલ્પ છે.” આ બધું યોગાનુયોગ હોય એવી શક્યતા બહુ ઓછી છે અને અમેરિકન જાસૂસીતંત્રને તેમાંથી કંઈક ગંધ આવવી સ્વાભાવિક છે.

4 comments:

  1. ફ્રેકલી કોમેન્ટ કરૂ તો...આમ જોવા જઈએ તો અમેરિકન લોકોને પ્રાઈવેટ લાઈફ જેવું કાંઈ હોતુ નથી.. એટલે એ લોકોએ બહું હો હા નહીં કરવી જોઈએ..
    :)

    ReplyDelete
  2. વ્ય઼કતિગત હિત કરતા દેશની સુરક્ષા વધુ જરુરિ છે.

    ReplyDelete