06 January, 2013

ભારત નિષ્ઠુર દેશ નથીઃ સુધીર મિશ્રા


ફિલ્મના રસિયાઓ માટે આ વર્ષની શરૂઆત ધમાકેદાર રહી છે. કારણ કે, વર્ષના પહેલાં જ મહિને દર્શકોને જુદા જુદા વિષય પર આધારિત આશરે 13 ફિલ્મો જોવા મળવાની છે. જેમાંથી ‘દહેરાદૂન ડાયરી’, ‘દેખા જો પહેલી બાર’, ‘ટેબલ નં.21’ અને ‘રાજધાની એક્સપ્રેસ’ ચોથી જાન્યુઆરીએ જ પ્રદર્શિત થઈ ગઈ છે. 11મી જાન્યુઆરીએ દર્શકોને ‘વિશ્વરૂપ’, ‘મટરુ કી બિજલી કા મંડોલા’, અને ‘ફોર ટુ કા વન’ એમ ત્રણ વિકલ્પ મળશે. જ્યારે 18મી જાન્યુઆરીએ એક-બે નહીં પણ પાંચ ફિલ્મો આવી રહી છે. જેમાં ‘મુંબઈ મિરર’, ‘ધ અનસાઉન્ડ’, ‘આકાશવાણી’, ‘બંદૂક’ અને ‘ઈનકાર’નો સમાવેશ થાય છે. પરંતુ અબ્બાસ-મસ્તાને કોઈ પણ જોખમ નહીં ખેડીને પોતાની આગામી ફિલ્મ ‘રેસ-2’ 25મી જાન્યુઆરીએ સિનેમાઘરોમાં લાવવાનો નિર્ણય કર્યો છે. આમ જાન્યુઆરી મહિનામાં જ દર્શકોને બે-ચાર નહીં પણ 13 ફિલ્મો જોવા મળશે.

જોકે, ફિલ્મ વિવેચકો જાન્યુઆરીમાં આવેલી કે આવનારી ફિલ્મોમાં ફક્ત બે ફિલ્મો જ બિગ બજેટ ગણાવી રહ્યા છે. જેમાં વિશાલ ભારદ્વાજની ‘મટરુ કી બિજલી કા મંડોલા’ અને અબ્બાસ મસ્તાનની ‘રેસ-2’નો સમાવેશ થાય છે. પરંતુ આ બંને ફિલ્મોના બજેટમાં 50 ટકા જેટલો તફાવત છે. ‘મટરુ કી બિજલી કા મંડોલા’ રૂ. 40 કરોડમાં બની છે, જ્યારે ‘રેસ-2’નુ બજેટ રૂ. 87 કરોડ છે. અહીં કહેવાની જરૂર નથી કે, અબ્બાસ-મસ્તાનની બિગ બજેટ ફિલ્મ ‘રેસ-2’ એક ‘ભેળપુરી’ ફિલ્મ હશે. 18મી જાન્યુઆરીએ પ્રદર્શિત થઈ રહેલી તમામ ફિલ્મોમાં કોમન વાત એ છે કે, તે તમામ ફિલ્મો લૉ બજેટ છે. આ પાંચેય ફિલ્મોમાં સુધીર મિશ્રાની ‘ઈનકાર’ તેમની ટ્રીટમેન્ટના કારણે સૌનું ધ્યાન ખેંચશે એવું તેના પ્રિવ્યૂઝ પરથી લાગી રહ્યું છે.

‘ઈનકાર’ ફિલ્મનું પોસ્ટર

સુધીર મિશ્રાની મોટા ભાગની ફિલ્મો ગંભીર હોય છે અને તેમાં સમાજનું પ્રતિબિંબ પડતું હોય છે. ‘ઈનકાર’માં પણ નોકરીમાં થતી સ્ત્રીઓની જાતીય સતામણી જેવા સંવેદનશીલ મુદ્દો કેન્દ્રસ્થાને છે. દેશના યુવાનો દિલ્હી બળાત્કારની ઘટનાને લઈને ગુસ્સામાં છે ત્યારે જ આ ફિલ્મ આવવી એ યોગાનુયોગ છે. આવા જટિલ અને સંવેદનશીલ મુદ્દા પર ફિલ્મ કેમ બનાવી એ અંગે તેઓ કહે છે કે, “લોકો સેક્સ્યુઅલ હેરેસમેન્ટની વાત નથી કરતા, છુપાવી રાખે છે. આ મુશ્કેલી બધે જ છે. લેખક મનોજ ત્યાગી આ વાર્તા લઈને મારી પાસે આવ્યા ત્યારે મેં તેમને વાર્તામાં ઓફિસમાં સત્તા મેળવવા માટે થતા કાવાદાવા, મહત્ત્વકાંક્ષા, લાલચ અને લોકો પોતાની ઈચ્છાઓ પૂરી કરવા શું શું કરે છે તે બધું જ ઉમેરવાનું કહ્યું હતું. આ ફિલ્મમાં અર્જુન રામપાલ અને ચિત્રાંગદા સિંઘના પાત્રને બેલેન્સ કરવું ખૂબ અઘરું હતું.”

આજની ભણેલી-ગણેલી યુવતીઓ પોતાના હકો માટે જાગૃત થઈ છે અને પોતાના પસંદગીના ક્ષેત્રોમાં આગળ વધી રહી છે. આજે લગભગ તમામ ક્ષેત્રમાં પુરુષો અને સ્ત્રીઓ સાથે કામ કરે છે. ભારત જેવા લોખંડી પુરુષપ્રધાન સમાજમાં ઉછરેલા પુરુષોને સ્ત્રીના હાથ નીચે કામ કરવું કદાચ વધુ આકરું લાગતું હોઈ શકે છે. કારણ કે, ભારતીય પુરુષને મહિલાઓ સવાલો પૂછે એ પસંદ નથી. આજે પણ એવા પતિદેવો છે, જેમને પત્નીના સવાલોના જવાબ આપવા નથી ગમતા. વળી, સ્ત્રીઓ સાથેના સંબંધની વાત આવે ત્યારે પુરુષો એવું માને છે કે, તેઓ ગમે ત્યારે સ્ત્રી સાથે સંબંધ શરૂ કરી શકે છે અને તોડી પણ શકે છે. જોકે, આ અન્યાયમાંથી જ ‘અન્યાયી સ્ત્રીઓ’નો જન્મ થાય છે.

આ ફિલ્મમાં સુધીર મિશ્રાએ ‘ઈનકાર’ના સ્વીકારની વાત સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તેઓ કહેવા માંગે છે કે, સ્ત્રીઓને ‘ના’ પાડતા શીખવું જોઈએ. કારણ કે, આ એક ‘ના’ જ તેમને પુરુષની ચુંગાલમાંથી બચાવી શકે છે. કારણ કે, સરેરાશ ભારતીય પુરુષ ચૂપકિદીને મૂક સંમતિ માનીને આગળ વધે છે અને છેવટે સ્ત્રી-પુરુષમાં તમામ સ્તરે ‘પાવર ગેમ’ શરૂ થઈ જાય છે. જોકે, આ સ્થિતિ ફક્ત ફિલ્મો કે ટીવીમાં કામ કરતા સ્ત્રી-પુરુષોમાં જ નહીં, પણ સરકારી કચેરીઓ અને અન્ય પ્રાઈવેટ ઓફિસો જ્યાં પણ સ્ત્રી-પુરુષો સાથે કામ કરે છે ત્યાં પણ વત્તે-ઓછે અંશે જોવા મળે છે. સુધીર મિશ્રાનું કહેવું છે કે, “સેક્સ્યુઅલ હેરેસમેન્ટ બધે જ છે. પરંતુ એડવર્ટાઈઝિંગની દુનિયામાં આવું થવાની શક્યતા વધુ છે. કારણ કે, અહીં સ્ત્રી-પુરુષ એકબીજા સાથે ખૂબ નજીકથી કામ કરે છે, તેમના સાથે કામ કરવાનો સમય અસામાન્ય હોય છે અને તેઓ સાથે ટ્રાવેલિંગ પણ કરે છે. તેથી કંઈક અજુગતુ થવાની શક્યતા ઘણી વધી જાય છે.” 

સુધીર મિશ્રા

‘ઈનકાર’ને રિયાલિસ્ટિક ટચ આપવા સુધીર મિશ્રાએ જાતભાતના અખતરા કર્યા છે. આ ફિલ્મનું શુટિંગ તેમણે મુંબઈની બે પ્રખ્યાત એડવર્ટાઈઝિંગ એજન્સીના કેમ્પસમાં કર્યું છે. તેઓ કહે છે કે, “એડવર્ટાઈઝિંગની દુનિયામાં કોઈ યુવતી જુનિયર તરીકે આવે અને અચાનક તમારી બોસ બની જાય, એ શક્ય છે. આ ફિલ્મમાં પણ મેં સાત વર્ષનો સમયગાળો બતાવ્યો છે. જેમાં ચિત્રાંગદા એક એડવર્ટાઈઝિંગ એજન્સીમાં જુનિયર તરીકે જોડાય છે અને એક દિવસ કંપનીની ન્યૂયોર્ક ઓફિસે જાય છે. પરંતુ ત્યાંથી પાછી આવે છે ત્યારે તેની પાસે સત્તા હોય છે અને લગભગ અર્જુન રામપાલ જેટલા જ ઊંચા હોદ્દે પહોંચી ગઈ હોય છે. છેવટે તેમની વચ્ચે સત્તાનું સંતુલન ખોરવાઈ જાય છે.”

આ બંને એડવર્ટાઈઝિંગ એજન્સીના માલિકોએ પોતાના સ્ટાફ માટે સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવા માટે સુધીર મિશ્રાને વિનંતી કરી છે. કારણ કે, તેમને ચિંતા છે કે, એડવર્ટાઈઝિંગ એજન્સીના સ્ટાફનું ફિલ્મમાં ખરાબ રીતે ચિત્રણ તો નહીં કરાયું હોય ને! કદાચ એટલે જ આ બંને એજન્સીએ ફિલ્મમાં ક્રેડિટ લેવાની ના પાડી છે. સુધીર મિશ્રા કહે છે કે, “અમારો ઈરાદો કોઈને ખરાબ રીતે ચીતરવાનો ન હતો. અમે કોઈ એડવર્ટાઈઝિંગ એજન્સીનું નામ નથી લીધું. એ ફક્ત એક લોકેશન હતું.” કેટલાક ફિલ્મ વિવેચકો એવી પણ શંકા સેવી રહ્યા છે કે, ‘ઈનકાર’માં એડવર્ટાઈઝિંગ એજન્સીના માલિકોના અહેસાનની અસર તો નહીં હોય ને? પરંતુ સમાજની ખામીઓનું ઊંડુ વિશ્લેષણ કરીને કંઈક સંદેશ આપવા ફિલ્મનો ઉપયોગ કરતા સુધીર મિશ્રા ફિલ્મના માધ્યમને ભગવાનની જેમ પૂજે છે.

બીજી તરફ, દરેક માધ્યમની જેમ ફિલ્મના માધ્યમની પણ કેટલીક મર્યાદા છે. ફિલ્મ જોઈને રાતોરાત કોઈ બદલાઈ જતું નથી. ઊલટાનું બળાત્કાર કે વ્યસન જેવી ગંભીર સામાજિક મુશ્કેલીઓ માટે ફિલ્મોને જવાબદાર ઠેરવવામાં આવે છે. ખરેખર, તો ફિલ્મો જોઈને વ્યક્તિગત કે સામાજિક સ્તરે અત્યાર સુધી કેવા-કેવા હકારાત્મક પરિવર્તન આવ્યા છે તે દિશામાં પણ સંશોધન થવા જોઈએ. એક મજબૂત ફિલ્મ ગમે તેવા પત્થર દિલની લાગણીઓ પણ હચમચાવી શકવા સક્ષમ છે. એ વાત પણ નજરઅંદાજ ન કરવી જોઈએ કે, ફિલ્મોમાં જ સ્ત્રીઓને સૌથી કઢંગી રીતે રજૂ કરાય છે અને સ્ત્રીઓ પણ સ્વતંત્રતાની વ્યાખ્યા અંગ પ્રદર્શન પૂરતી સીમિત કરીને લોકોનું દિલ બહેલાવવા તૈયાર થઈ જાય છે. કેટલીક સ્ત્રીઓ તો આઈટમ ગર્લના ડાન્સ પર થિયેટરમાં સિટીઓ મારવાને પણ એક પ્રકારનું સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ગણે છે. પરંતુ આ માટે પુરુષ દર્શકને જવાબદાર ગણવો કે આઈટમ ગર્લને તે જટિલ મુશ્કેલી છે. એક એકથી ચડિયાતી ફિલ્મો આપનારી ચિત્રાંગદા સિંઘે પણ શિરિશ કુંદુરની ‘જોકર’માં આઈટમ સોંગ કર્યું હતું. 

છેલ્લાં કેટલાક વર્ષોથી ફિલ્મ દિગ્દર્શકો પર પણ ઓડિશનના બહાને કાસ્ટિંગ કાઉચના આરોપો લાગી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ઓડિશન માટે સુધીર મિશ્રા હંમેશાં લેડી કાસ્ટિંગ ડિરેક્ટરનો જ ઉપયોગ કરે છે. તેઓ કહે છે કે, “હું વર્ષ 1987થી ઓડિશન લઉં છું. કારણ કે, ઓડિશન લેવાથી સારી પસંદગી મળી રહે છે. પરંતુ કાસ્ટિંગની જવાબદારી હું મહિલા દિગ્દર્શકને જ સોંપુ છું. હું કોઈ નવા લોકોને પણ મળતો નથી.” ખરેખર સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કેવી રીતે અટકાવી શકાય? આ અંગે સુધીર મિશ્રા કહે છે કે, “આ મુશ્કેલીને નાથવા સ્ત્રીઓને વિચારવાનો અધિકાર આપવાની જરૂર છે. ઈન્ફોસીસે આવી ફરિયાદો માટે ખાસ વિભાગ ઊભો કર્યો છે. કોઈ પણ કોર્પોરેટમાં સ્ત્રીઓ દ્વારા થતી આવી ફરિયાદની તપાસ થવી જોઈએ. આવા મુદ્દે ઉચ્ચ હોદ્દા પર બેઠેલાઓએ કોઈ સમિતિનો સામનો કરવાનો આવે, તેના બદલે નોકરી જવી જોઈએ...”

સ્ત્રીએ ફક્ત નોકરીના સ્થળે જ નહીં પણ નજીકના સગા-સંબંધીઓની વિકૃતિઓનો પણ ભોગ બનવું પડે છે. કમસેકમ તેને મહાન સંસ્કૃતિ ધરાવતા ભારતીય સમાજની કમનસીબી ગણી શકાય. આમ છતાં દિલ્હી બળાત્કારની ઘટના બાદ ભારતીય યુવાનોએ લીધેલું સ્ટેન્ડ વખાણવાલાયક છે. સુધીર મિશ્રા કહે છે કે, “લોકો એમ માનવા લાગ્યા છે કે, તેઓ બળાત્કારો અટકાવી શકશે. પરંતુ આવા લોકોને સજા નિશ્ચિત કરવી એ જ સૌથી મોટી અડચણ છે. પુરુષે વધુ સંવેદનશીલ બનવું પડશે. જ્યાં દમન કરવું એ નિયમ છે એવા મધ્યમ અને ઉચ્ચ વર્ગમાં પણ સતામણી થાય છે. આપણામાં પિતૃપ્રધાન મૂલ્યો ઊંડા ઉતરી ગયા છે. પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે, મને નથી લાગતું કે, ભારત નિષ્ઠુર દેશ છે.”

અત્યંત ગંભીર ફિલ્મો બનાવવા માટે જાણીતા સુધીર મિશ્રાને કોઈએ પૂછ્યું હતું કે, તમે ક્યારેય કોમેડી ફિલ્મ બનાવશો? આ અંગે તેમણે કહ્યું હતું કે, “મારી ફિલ્મમાં રમૂજનું તત્ત્વ હોય છે. ‘યહ સાલી જિંદગી’માં રમૂજ હતી. ‘જાને ભી દો યારો’નો હું સ્ક્રીનપ્લે રાઈટર હતો, પરંતુ આટલા વર્ષો પછી એવી ફિલ્મ લખવાની મારી ક્ષમતા નથી. રમૂજ લખવા માટે હાલનો સમય ઉત્તમ છે, તે લખવું ઘણું અઘરું છે.”

1 comment:

  1. ઇન્ફોસિસના એક વડા હેરેસમેન્ટમાં ઝડપાયા પછી એ લોકો એ આ વિભાગ શરુ કર્યો લાગે છે! જોકે ઇન્ફોસિસ આ કેસ જીતી ગઇ હતી.

    ReplyDelete