16 January, 2013

ભારતીય લશ્કરના મનોબળ પર પ્રહાર


તેઓ અંધારાનો લાભ લઈને આપણી ચોકીઓ પર ફાયરિંગ કરતા હતા. અમને શંકા છે કે, આ દરમિયાન જ કેટલાક આતંકવાદીઓએ અંદર ઘૂસીને સુરંગો બિછાવી દીધી હતી. જોકે, અમે સુરંગો શોધી નાંખી છે અને તે પાકિસ્તાનની સુરંગો જ છે. ફ્લેગ મીટિંગમાં આવેલા બ્રિગેડિયરને પણ અમે તે સુરંગો બતાવી હતી...ભારતીય લશ્કરના બે જાંબાજ જવાનોના ધડ માથાથી અલગ કરી દીધા પછી ભારતે પાકિસ્તાન સાથે યોજેલી બ્રિગેડિયર સ્તરની ફ્લેગ મીટિંગ પૂર્ણ થઈ ત્યારે નોર્ધન કમાન્ડર ચીફ કે.ટી. પટનાયકે આ નિવેદન કર્યું હતું. લેફ્ટનન્ટ જનરલ પટનાયકે એમ પણ કહ્યું હતું કે, “આ બેઠકના અંતે પાકિસ્તાનના અધિકારીઓ અત્યંત ઉદ્ધત અને આકરા બની ગયા હતા. તેઓ કશું જ સાંભળવા તૈયાર ન હતા. તેમની બોડી લેન્ગવેજમાં આવી અનિચ્છા સ્પષ્ટ વર્તાતી હતી.

આપણે સમજી શકીએ છીએ કે, જે દેશના લશ્કરી અધિકારીઓ ફ્લેગ મીટિંગ વખતે જ યુદ્ધવિરામના ધજિયા ઉડાવતા હોય તે વાટાઘાટોની ભાષા કેવી રીતે સમજી શકે? વર્ષ 2012 પત્યું ત્યાં સુધીમાં પાકિસ્તાન 75 વાર યુદ્ધવિરામનો ભંગ કરી ચૂક્યું છે. આ બેઠકમાં પાકિસ્તાને અક્કડ વલણ રાખીને ભારતના લશ્કરી અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે, આઠમી જાન્યુઆરીએ લાઈન ઓફ કંટ્રોલ (એલઓસી) પર જે કંઈ થયું છે તે માટે પાકિસ્તાન જવાબદાર નથી. પાકિસ્તાન દસ વર્ષ જૂના યુદ્ધવિરામના અનેકવાર ધજિયા ઉડાવતું હોવા છતાં ભારતે બેઠક યોજીને મુશ્કેલી હલ કરવાનો પ્રયાસ કર્યો તે આંતરરાષ્ટ્રીય સ્તરે સારી વાત હશે. પરંતુ ભારત સરકારની આવી ઢીલી નીતિના કારણે ભારતીય લશ્કરી અધિકારીઓ અને સરહદ પર ખડેપગે ફરજ બજાવતા જવાનોના મનોબળ પર કેવા પ્રહાર થતા હશે?

રેજિમેન્ટલ ટ્રૂપ્સ હંમેશાં માથાની સાથે માથુંમાંગતા હોય છે અને તેમની સાથે સરહદ પર ફરજ બજાવતા મધ્યમ સ્તરના લશ્કરી અધિકારીઓ માટે જવાનોનું મનોબળ સાબૂત રાખવું ખૂબ જ કઠિન હોય છે. આ વખતે તો મિલિટરી-ટુ-મિલિટરી વાટાઘાટોના તરફદારો પણ આવો વ્યવહાર કરવા બદલ પાકિસ્તાનને જોરદાર જવાબ આપવા માટે ભારત સરકારને કહી રહ્યા છે. નિવૃત્ત બ્રિગેડિયર ગુરમિત કંવલ શબ્દો ચોર્યા વિના કહે છે કે, “સૈનિકોને મારવા કવર-ફાયરમાં મદદ કરનારી બંને પાકિસ્તાની પોસ્ટને આપણે ફૂંકી મારવી જોઈએ.આ વખતે પાકિસ્તાન ફક્ત એકાદ-બે ફાયરિંગ કરીને અટકી નહોતું ગયું. તેઓ ભારતના જાંબાજ સૈનિક હેમરાજસિંઘનો શિરચ્છેદ કરીને પોતાની સાથે લઈ ગયા છે. આવા જઘન્ય કૃત્યના કારણે ભારતના લશ્કરી વડા જનરલ બિક્રમ સિંઘ પણ ગુસ્સે ભરાયા છે. તેઓ કહે છે કે, “હવે અમે પાકિસ્તાનને આકરો જવાબ આપીશું, અમે અમારી પસંદગીના સ્થળે અને સમયે તેમને જવાબ આપીશું.કારણ કે, તેઓ જાણે છે કે, પાકિસ્તાનના આવા કૃત્યોથી સરહદે દેશની રક્ષા કરી રહેલા જવાનોના મનોબળ પર ઘાતક અસર થઈ શકે છે. તેથી જ લશ્કરી વડા પણ હેમરાજસિંઘના કુટુંબીજનોને મળવા જવાના છે.

જમ્મુ આઉટપોસ્ટ પર એલઓસી સામે ચોકીપહેરો કરી રહેલો જવાન

લશ્કરી જવાનની લાશનો મલાજો નહી જાળવીને પાકિસ્તાને જિનિવા સંધિનો પણ ખુલ્લેઆમ ભંગ કર્યો છે. વળી, ફ્લેગ મીટિંગમાં પણ પાકિસ્તાને સતત એ જ વાતનું રટણ કર્યું હતું કે, અમે નહીં પરંતુ ભારતે યુદ્ધવિરામનો ભંગ કર્યો છે અને ભારતના જવાનો વારંવાર સરહદ ઓળંગે છે. વાત સ્પષ્ટ છે. આમ કહીને પાકિસ્તાન પોતાના જંગલી કૃત્યને વાજબી ઠેરવવા માંગે છે. હજુ થોડા સમય પહેલાં સુધી સરહદ પર સૈનિકો એકબીજાના ક્ષેત્રમાં ઘૂસી જાય તે સામાન્ય ગણાતું હતું. ભારત પાકિસ્તાન સરહદ પર કુલ 778 કિલોમીટર લાંબી એલઓસી પર 770 કિલોમીટર લાંબી તારની વાડ બાંધવામાં આવી છે. જોકે, ભારત સરકારે તારની વાડ બાંધવાનું કામ ચાલુ કર્યું ત્યારે પણ પાકિસ્તાને નિવેદનબાજી અને ફાયરિંગથી તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. કારણ કે, આ વાડથી પાકિસ્તાનને આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવામાં મુશ્કેલી પડવાની હતી! પરિણામે ભારતીય લશ્કરે આ વાડ ભારતના ક્ષેત્રમાં એકથી દોઢ કિલોમીટર અંદર બાંધવી પડી છે. 

770 કિલોમીટર લાંબા પટ્ટામાં છથી દસ જવાનોની એક-એક ટુકડી સતત પેટ્રોલિંગ કરતી રહે છે. જોકે, બે લાઈનમાં બાંધેલી આવી 12 ફૂટ ઊંચી અને ચારથી નવ ફૂટ પહોળી તારની વાડ ભારતીય સૈનિકો માટે ઓળંગવી ખૂબ જ સહેલી છે. કારણ કે, તે ભારતીય લશ્કરે જ બાંધેલી હોવાથી તેમની પાસે થર્મલ ઈમેજિંગ ડિવાઈસ અને એલાર્મ સિસ્ટમ હોય છે. જેના કારણે જવાનો જાણતા હોય છે કે, વીજકરંટ ધરાવતી આવી તારની વાડ ક્યાંથી ઓળંગી શકાય છે. અહીંથી સામેની તરફ પાકિસ્તાની ક્ષેત્રમાં લશ્કરની બેરેક સ્પષ્ટ જોઈ શકાય છે. બસ, મુશ્કેલી અહીં જ છે. ભારત અને પાકિસ્તાનની સરહદોની વચ્ચેના પટ્ટામાં બંને દેશોના લશ્કર એકબીજાને શંકાસ્પદ લાગે એવી પ્રવૃત્તિ કરતા રહે છે. વળી, કોઈ પણ જાણતું નથી કે, એલઓસી ચોક્કસ ક્યાં છે? કારણ કે, જમીન પર પણ બંને દેશોને જુદા પાડતી કોઈ ચોક્કસ રેખા મોજુદ નથી.

કમનસીબે, અહીં પણ બંને દેશના લશ્કરો ગુપ્ત રીતે સુરંગ બિછાવતા રહે છે. સરહદ પરના તમામ ક્ષેત્રને ગ્રીડમાં વહેંચી દેવાયા છે અને તે દરેકનો કમાન્ડિંગ ઓફિસર હોય છે. એલઓસી પર દર કિલોમીટરે ચારથી સાત ફોરવર્ડ પોસ્ટ હોય છે, જે દરેકમાં પાંચથી આઠ સૈનિકો સતત ચોકીપહેરો કરતા હોય છે. આ દરેક પોસ્ટ પેટ્રોલિંગ કરતા જવાનોને સૂચન કરતા રહે છે. પરંતુ તેઓ ક્યારેય એકબીજા સાથે વાતચીત કરતા નથી, ધુમ્રપાન કરતા નથી. તેઓ ફક્ત ઈશારા, ફ્લેશલાઈટ અને સેલફોનની મદદથી જ વાત કરે છે. નવાઈની વાત તો એ છે કે, તેમણે આફ્ટરશેવનો ઉપયોગ પણ કરવાનો હોતો નથી. કારણ કે, આતંકવાદીઓ કે ઘૂસણખોરો સાથે રહેલા કૂતરા તેની ગંધ સહેલાઈથી પકડી પાડે છે.


શ્રીનગરની ઉત્તર-પશ્ચિમે 175 કિ.મી. દૂર એલઓસી પર
પેટ્રોલિંગ  કરી રહેલા બીએસએફના જવાનો

હવે, આટલા આકરા વાતાવરણ અને હાડમારી ભોગવીને સરહદની રક્ષા કરતા જવાનોને શેરડીના સાંઠાંની જેમ મારવામાં આવે ત્યારે લશ્કરી વડાનો ગુસ્સો વાજબી છે. પાકિસ્તાને જે બે જવાનને રહેંસી નાંખ્યા છે તે હેમરાજ અને સુધાકર પણ આ જ એલઓસી પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે પાકિસ્તાને ગુપ્ત રીતે ફાયરિંગ કરીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. તે બંને તારની વાડથી ખૂબ દૂર હતા. સાત જવાનોની એક પાર્ટી પેટ્રોલિંગ કરતી હોય ત્યારે એકબીજા પર નજર રહે એવી રીતે ત્રણ-ત્રણના જૂથમાં આગળ-પાછળ થઈ જાય છે. પરંતુ ક્યારેક ગાઢ જંગલમાં ધુમ્મસના કારણે તેઓ એકબીજાને જોઈ ન શકે એવું પણ બને છે. જાન્યુઆરીની ઠંડીમાં ધુમ્મસ છવાયેલું હોવાથી હેમરાજ અને સુધાકર પણ આવા દુશ્મન દેશના રાક્ષસોને જોઈ શક્યા ન હતા.

વળી, હેમરાજ અને સુધાકરને ચારેય બાજુથી ઘેરીને મોતને ઘાટ ઉતારાયા હતા. ભારતીય લશ્કરના અનેક અધિકારીઓ જાહેરમાં કબૂલે છે કે, આવું ઓપરેશન એક દિવસમાં શક્ય જ નથી. પાકિસ્તાની લશ્કરને આ ઓપરેશન કરવા ઓછામાં ઓછા એકાદ મહિનાથી ભારતીય લશ્કરની ગતિવિધિ પર નજર રાખી હશે. આ ફાયરિંગ પણ ફક્ત અન્ય પેટ્રોલિંગ ટ્રૂપ્સને દૂર રાખવા માટે જ કરાયું હોવાની ભારતીય લશ્કરને શંકા છે કે, પાકિસ્તાને કેટલાક આતંકવાદીઓને સીમાપાર ઘૂસાડી દીધા હોઈ શકે છે! આ દરમિયાન પાકિસ્તાનના ફાયરિંગનો જવાબ આપનારા પોસ્ટ પર તૈનાત ભારતીય જવાનોએ સગી આંખે જોયું હતું કે, ફાયરિંગ કરનારા લોકો કાળા રંગના યુનિફોર્મમાં સજ્જ હતા અને પાકિસ્તાનના સ્પેશિયલ સર્વિસ ગ્રુપના જવાનો જ આવો યુનિફોર્મ પહેરે છે. તેઓ બ્લેક સ્ટોર્ક્સ તરીકે ઓળખાય છે.

ટૂંકમાં, આ કોઈ આતંકવાદી કૃત્ય નથી પરંતુ પાકિસ્તાની લશ્કરનો જંગલી અપરાધ છે. સ્પેશિયલ સર્વિસ ગ્રુપની કુંડળી પણ જાણવા જેવી છે. આ ગ્રુપનું વડુ મથક અફઘાન ફ્રન્ટિયર પર પેશાવરના ચેરાટમાં આવેલું છે, જેનો વડો મેજર જનરલ ફારુક બશીર છે. તેણે પોતાની શક્તિ કેટલી છે તે ક્યારેય જાહેર થવા દીધું નથી. ફારુક બશીરના મોટા ભાગના સૈનિકો ઘણાં વર્ષોથી અફઘાનિસ્તાન-પાકિસ્તાનના ક્રૂર આતંકવાદીઓ સાથે સંકળાયેલા છે. આ સૈનિકો જ મોટે ભાગે લશ્કરના વણલિખિત નીતિનિયમોનો ભંગ કરવા માટે પંકાયેલા છે. જેમાં દુશ્મનને ભયાનક ટોર્ચરથી માંડીને શિરચ્છેદ સુધીના તમામ જંગાલિયતભર્યા કૃત્યનો સમાવેશ થાય છે. પાકિસ્તાનના મોટા ભાગના સૈનિકો પણ લાશનું સન્માન જાળવે છે અને લશ્કરી નિયમોને પાળે છે.

જો, આ વખતે પાકિસ્તાની લશ્કરને તેની ભાષામાં જવાબ આપવામાં નહીં આવે તો ભારતીય લશ્કરના જવાનોના મનોબળ પર ગંભીર અસર થઈ શકે છે. કારણ કે, આ ઘટના પછી અનેક ઉચ્ચ લશ્કરી અધિકારીઓએ કબૂલ્યું છે કે, આવી ઘટના પછી સૈનિકોને સમજાવવા ખૂબ જ અઘરા છે. 

તસવીર સૌજન્યઃ એએફપી

1 comment:

  1. અત્યંત કરુણ ઘટના . . ભારતના ડોબાઓ રાહુલ ગાંધીના ઉપાધ્યક્ષ બનવાની ઉજવણી કરી રહ્યા છે અને તેઓ ( પાકિસ્તાન ) પહેલા આપણું નાક વાઢતા હતા અને હવે આપણું માથું વાઢે છે :(

    ReplyDelete