16 January, 2013

આપણા રાજકારણીઓ ક્યાં સુધી મૂર્ખ બનતા રહેશે?


આ વખતે પણ આખરે થયું. ભારતીય સરહદે રક્ષા કરી રહેલા બે જવાનોની પાકિસ્તાને ક્રૂરતાપૂર્વક હત્યા કરી અને બંને સૈનિકના માથા ધડથી જુદા કરી નાંખ્યા. ત્યાર પછી પાકિસ્તાનના સૈનિકો સુધાકરસિંઘ નામના સૈનિકનું માથું ધડથી અલગ કરીને પોતાની સાથેટ્રોફીતરીકે લઈ ગયા છે. હા, ટ્રોફી તરીકે. વાત ભારતીય લશ્કરના ઉચ્ચ અધિકારીઓ પણ કબૂલી ચૂક્યા છે. જ્યારે હેમરાજ નામના સૈનિકના ગળા પર પણ ઊંડા ઘા છે. એટલે કે, તેનું પણ માથું ધડથી અલગ કરવાની કોશિષ થઈ હતી, પરંતુ કોઈ કારણોસર સૈનિકોએ લાશને બક્ષી દીધી. મહત્ત્વની વાત છે કે, આવું જંગલી કૃત્ય પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ નહીં, પણ પાકિસ્તાન લશ્કરે કર્યું છે. સામાન્ય રીતે ભારત અને પાકિસ્તાનના લશ્કરોમાં કોઈ પણ સૈનિકના શબનું સન્માન જાળવવાનો રિવાજ છે. આમ છતાં, વારંવાર મૂર્ખા ઠરતા આપણા રાજકારણીઓએ હંમેશાંની જેમ પોકળ નિવેદનો કરવાનું ચાલુ રાખ્યું છે.

વખતની ઘટનામાં તો શાંતિના કબૂતરો ઉડાડવાના શોખીનો એવું કહી નહીં શકે કે, “પાકિસ્તાને ઉછરેલા આતંકવાદીઓ હવે તેના કહ્યામાં નથી. પાકિસ્તાનમાં પણ છાશવારે આતંકવાદી હુમલા થતાં રહે છે. તેથી બંને દેશોએ સાથે મળીને આતંકવાદને નાથવો જોઈએ.” આવી ડાહી ડાહી વાતો કહેનારા અત્યારે ચૂપ છે. કારણ કે, વખતે પાકિસ્તાનના લશ્કરે આવું હિચકારું કૃત્ય કર્યું છે. ભારતીય લશ્કરના જણાવ્યા મુજબ, ઘટના પૂર્વાયોજિત હતી અને એકાદ મહિનાથી પાકિસ્તાનના સૈનિકો સરહદી પેટ્રોલિંગ, સૈનિકોની સંખ્યા અને શસ્ત્રો પર સતત નજર રાખતા હતા. એટલે સામસામા ફાયરિંગ પછી ઉશ્કેરાટમાં આવીને આવું કૃત્ય કરાયાની વાતમાં પણ વજૂદ નથી. પાકિસ્તાની લશ્કર બરાબર જાણે છે કે, ભારતના સૈનિકનું માથું કાપીને લઈ જવાનો અર્થ શું છે. સૈનિકોની લાશ સાથે આવો ઘાતકી વ્યવહાર કરીને પાકિસ્તાન ભારતને સ્પષ્ટ સંદેશ આપવા માંગે છે કે આજે પણ તેઓ ભારતનેદુશ્મનગણે છે અને યુદ્ધવિરામને ગંભીરતાથી લેતા નથી. કોઈ પણ સૈનિક પોતાના ઉપરી કે રાજકારણીઓની મદદ વિના આવું કૃત્ય કરી શકે.

સુધાકર સિંઘ અને હેમરાજ

આંતરરાષ્ટ્રીય સંબંધોના નિષ્ણાતો ઘટનાને લઈને માને છે કે, પાકિસ્તાન ભારતને સંદેશ આપવા માગે છે કે, શાંતિમંત્રણાઓ ભલે ચાલતી રહે, પાકિસ્તાન જ્યાં સુધી તેના રાજકીય અને લશ્કરી હેતુ પૂરા નહીં કરે ત્યાં સુધી જંપીને બેસવાનું નથી. ઈરાદામાં કાશ્મીર, ખાલિસ્તાન વગેરે કબજે કરવાના નાપાક ઈરાદા પણ સામેલ હોઈ શકે છે. પાકિસ્તાન શાંતિમંત્રણાઓના સમયમાં યુદ્ધની તૈયારી કરી લે છે અને ભારતને આબાદ રીતે મૂર્ખ બનાવે છે. આવા સમયમાં પાકિસ્તાન લશ્કર કે આતંકવાદી ઘૂસણખોરી કરે છે, નકલી નોટો ઘૂસાડે છે અને શક્ય તમામ ઉપાયો અજમાવીને ભારતને સતત નબળું પાડવાની કોશિષ કરતું રહે છે. કારગીલનું યુદ્ધ પણ આવી ગદ્દારી પછી થયું હતું. પરંતુ ભૂતકાળના અનુભવોમાંથી પાઠ લે તે આપણા રાજકારણીઓ નહીં!

પાકિસ્તાનના પીઠ્ઠુ હાફિઝ સઈદ જેવા આતંકવાદીઓ છાપરા પર ચડીને ભારત સામે ઝેર ઓકે છે, પરંતુ પાકિસ્તાન સરકાર બંને દેશો વચ્ચે વિશ્વાસની લાગણી ઊભી કરવા માટે કોઈ પ્રયાસ કરતી નથી. પાકિસ્તાનનું વલણ શું દર્શાવે છે? એવા પણ અહેવાલ હતા કે, લશ્કરે તૈયબાના વડા અને મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદે પાકિસ્તાનના લશ્કરી અધિકારીઓને ભારતીય સૈનિકો પર હુમલો કરવા ઉશ્કેર્યા હતા. બે સૈનિકોના મોત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલકુમાર શિંદે પત્રકારોને કહે છે કે, “ ઘટનાના એકાદ અઠવાડિયા પહેલાં હાફિઝ સઈદ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં હતો. જોકે, સરહદ પર તંગદિલી હોવા છતાં ભારત વિઝા કરારનો અમલ ચાલુ રાખશે.” હજુ ગયા મહિને પાકિસ્તાનના ગૃહ મંત્રી રહેમાન મલિકે ભારત આવીને કરારને અંતિમ રૂપ આપ્યું હતું.

રહેમાન મલિક પણ આપણા રાજકારણીઓને મૂર્ખ બનાવીને પાકિસ્તાન ભેગા થઈ ગયા હતા. કોન્ફિડન્સ બિલ્ડિંગ મેઝરના ભાગરૂપે આવેલા રહેમાન મલિકે મુંબઈ હુમલા અને બાબરી મસ્જિદ ધ્વંસની સરખામણી કરી. આવો બફાટ કરીને પણ તેઓ અટક્યા હતા. તેમણે મુંબઈ હુમલાના આરોપી અબુ જુંદાલને ભારતનો જાસૂસ ગણાવ્યો. કારગીલમાં શહીદ થયેલા ભારતીય કમાન્ડર સૌરભ કાલિયા વિષે તેમણે કહ્યું હતું કે, તેઓ કદાચ ખરાબ વાતાવરણનો ભોગ બન્યા હતા. નોંધનીય છે કે, પાકિસ્તાને કારગીલ યુદ્ધ પછી સૌરભ કાલિયાની ચીંથરેહાલ લાશ ભારતને સોંપી હતી. રહેમાન મલિક પાકિસ્તાનના ગૃહ મંત્રી છે અને વગર વિચાર્યે કોઈ દેશમાં જઈને નિવેદનો ના ફટકારે એટલી સીધી સાદી વાત પણ આપણાં રાજકારણીઓ સમજી શકતા નથી. પાકિસ્તાની રાજકારણીઓના નિવેદનમાંથી હંમેશાં ભારત-વિરોધી અભિગમની બૂ આવે છે. જો પાકિસ્તાન આવી રીતે યુદ્ધવિરામ અને શાંતિમંત્રણાઓ કરવા માગતુ હોય તો તેનો કોઈ અર્થ નથી.

નવી દિલ્હીમાં આયોજિત બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી
સુશીલકુમાર શિંદે સાથે પાકિસ્તાનના ગૃહમંત્રી રહેમાન મલિક

રહેમાન મલિકના લાગણીહીન નિવેદનોમાંથી ફલિત થાય છે કે, આપણે મૂર્ખ છીએ. પાકિસ્તાન ભારતનેમોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપે તો પણ આપણા રાજકારણીઓ હરખાઈ જાય છે. ભારતે દુઃખી થઈને પણ સ્વીકારી લેવું જોઈએ કે, પાકિસ્તાન જેવો કટ્ટરપંથી દેશ ભારતને મિત્ર તરીકે ક્યારેય સાંખી નહીં શકે. કારણ કે, પાકિસ્તાનના અસ્તિત્વનું કારણ ભારત-વિરોધી છે. એટલે તો જ્યારે પણ યુદ્ધવિરામ કે શાંતિમંત્રણાઓ ચાલતી હોય તેનો અર્થ છે કે, આપણે તેમને રાહતનો શ્વાસ લેવાનો, યોજના બનાવવાનો તેમજ તેમના લશ્કરી શસ્ત્રસરંજામને ઠીકઠાક કરવાનો સમય આપીએ છીએ. આપણે પણ સમજી લેવું જોઈએ કે, કોઈ પણ દેશના લોકો અને સરકાર અલગ વસ્તુ છે. આપણેઅમન કી આશાજેવા રોમેન્ટિક શાંતિ-કાર્યક્રમોથી બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવાના સપનાં જોવાનું બંધ કરી દેવું જોઈએ.

પાકિસ્તાનના રાજકારણીઓ જાણે છે કે, ભારતના રાજકારણીઓ અને તેમની પ્રજાની યાદશક્તિ ખૂબ ઓછી છે. કદાચ એટલે આપણે વર્ષ 1948, 1965, 1971, 1999 અને 2008 (મુંબઈ હુમલો)ની એક પણ ઘટનામાંથી કશું પણ શીખ્યા નથી. પરંતુ સામે પક્ષે પાકિસ્તાન કશું પણ ભૂલતું નથી. પાકિસ્તાનનું વલણ ભારત માટે સૌથી મોટો ખતરો છે. કમનસીબે પાકિસ્તાન ફક્ત લશ્કરની ભાષા સમજે છે. નજીકના ઈતિહાસની વાત કરીએ તો, વર્ષ 2001માં પાકિસ્તાનમાં આશરો લેનારા આતંકવાદીઓએ ભારતીય સંસદ પર હુમલો કરીને ધજિયા ઉડાવ્યા હતા. ત્યારે તત્કાલીન ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે, “અમે આતંકવાદીઓ અને તેમના જે કોઈ સ્પોન્સર હોય તેમને આકરો જવાબ આપીશું...” પરંતુ ત્યાર પછી વર્ષ 2003માં ભારત એલઓસી પર યુદ્ધવિરામ માટે તૈયાર થઈ ગયું.

એવી રીતે, જુલાઈ, 2006માં પાકિસ્તાને મોકલેલા આતંકવાદીઓએ મુંબઈ ટ્રેનમાં બોમ્બ બ્લાસ્ટ કર્યા. ત્યારે વડાપ્રધાન મનમોહન સિંઘે કહ્યું હતું કે, “આતંકવાદ સામેની લડાઈ જીતી લેવાશે, ભારતને કોઈ ઘૂંટણિયે પાડી નહીં શકે.” પરંતુ વર્ષે જૂન મહિનામાં સોનિયા ગાંધીએ પૂંચ-રાવલકોટ બસ સર્વિસ ચાલુ કરી. વર્ષ 2008માં તો પાકિસ્તાનમાં ઉછરેલા આતંકવાદીઓ દરિયાઈ માર્ગે ભારતમાં ઘૂસી ગયા અને મુંબઈ શહેર પર હુમલો કર્યો. ત્યારે પણ મનમોહન સિંઘે કહ્યું હતું કે, “અમે પાકિસ્તાન પાસેથી ટેરર-મશીન બંધ થઈ જાય એમ ઈચ્છીએ છીએ...” પરંતુ ભારતના રાજકારણીઓ તેમાંથી પણ કશું શીખ્યા. બીજી તરફ, પાકિસ્તાન વર્ષ 1971માં પાકિસ્તાન ભારતની લશ્કરી તાકાતને નજરઅંદાજ કરીને ઘણું બધું શીખી ગયું. પરંતુ હવે તે ભારતની લોકશાહી, બિનસાંપ્રદાયિકતા અને આર્થિક તાકાતને પણ ઓછી આંકી રહ્યું છે.

જો પાકિસ્તાન ખરેખર શાંતિ ઈચ્છતું હોય તો તેણે બંધારણમાં ફેરફાર કરીને બિનસાંપ્રદાયિકતા અપનાવી લેવી જોઈએ. ઉપરાંત પાકિસ્તાને લશ્કરને પણ કાબૂમાં રાખતા શીખી લેવું જોઈએ. વિઝાના નીતિનિયમો હળવા કરવાથી કે ભારતને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપી દેવાથી પણ શાંતિ નહીં સ્થપાય. કારણ કે, પાકિસ્તાનના રાજકારણીઓએ સત્તામાં ટકી રહેવા માટે વર્ષો સુધી ભારત વિરોધી ઝેર ઓક્યું છે. હવે ઝેર પાકિસ્તાનની પ્રજાના લોહીમાં પણ દોડી રહ્યું છે અને એટલે કટ્ટરપંથીઓએ કસાબ જેવા યુવાનો દીવો લઈને શોધવા નથી જવું પડતું

No comments:

Post a Comment