12 January, 2013

હવે આવશે ‘ઈન્ટરનેટ ઓફ કાર’નો જમાનો


‘ઈન્ટરનેટ ઓફ કાર’ વિશે વાત કરતા પહેલાં ‘ઈન્ટરનેટ ઓફ થિંગ્સ’ વિશે જાણવું જરૂરી છે. આજથી પંદર-વીસ વર્ષ પહેલાં ભારતમાં ઈન્ટરનેટનો ઉપયોગ શરૂ થયો ત્યારે તેનો મહત્તમ ઉપયોગ સાયબર કાફેમાં જઈને ઈ-મેઈલ અને વિદેશ રહેતા સગાને ફોન કરવા માટે થતો હતો. પરંતુ ત્યાર પછી ધીમે ધીમે મોંઘાદાટ કમ્પ્યુટર સસ્તા થવા લાગ્યા અને તેની પાછળ પાછળ ઈન્ટરનેટ પણ પોસાય એવા ભાવમાં ઉપલબ્ધ બન્યું. વળી, અનેક ટેલિકોમ્યુનિકેશન કંપનીઓએ ઈન્ટરનેટ સર્વિસ આપવાનું ચાલુ કર્યું તેથી સ્માર્ટફોનમાં પણ ઈન્ટરનેટ સર્ફિંગ શક્ય બન્યું. આમ છતાં ઈન્ટરનેટનો ઉપયોગ છેવટે માણસો જ કરતા હતા, જેને ઈન્ફર્મેશન ટેક્નોલોજીની પરિભાષામાં ‘હ્યુમન ટુ મશીન’ કહેવાય. આ દરમિયાન ઈન્ટરનેટની દુનિયામાં ક્રાંતિ સર્જનારી એપ્લિકેશન એટલે કે ‘એપ’નો જન્મ થઈ ચૂક્યો હતો. ઈન્ટરનેટની મદદથી વિવિધ પ્રકારની સેવા આપતા આવા એપ્સે ‘મશીન ટુ મશીન’ના ખ્યાલને ખૂબ ઝડપથી સફળ બનાવી દીધો. 

ટેક્નોલોજીની દુનિયામાં ‘મશીન ટુ મશીન’નો ખ્યાલ ‘ઈન્ટરનેટ ઓફ થિંગ્સ’ તરીકે પણ ઓળખાય છે. આ ખ્યાલ પાછળનો મૂળભૂત હેતુ એ છે કે, ભવિષ્યમાં માણસ તો ઈન્ટરનેટની મદદથી મશીન પાસેથી કામ લેશે જ, પરંતુ મશીનો પણ બીજા મશીનો પાસેથી કામ લઈ શકશે. આજકાલ બજારમાં એવા અનેક એપ ઉપલબ્ધ છે, જેને ટેબલેટ કે સ્માર્ટફોન જેવા ગેજેટમાં ડાઉનલોડ કરીને મશીન પાસે ધાર્યું કામ કરાવી શકાય છે. જેમ કે, અત્યારે ઈન્ટરનેટની મદદથી મહાકાય મશીનોને એક ક્લિકની મદદથી ચલાવવા શક્ય છે. પરંતુ ભવિષ્યમાં તો આખા ઘરના તમામ એપ્લાયન્સીસ એકબીજા સાથે સંકળાયેલા હશે અને માલિકની જાણ બહાર જ પોતાનું કામ પોતાની જાતે નિપટાવી લેશે. ઉદાહરણ તરીકે, ઘરમાં રહેતી વ્યક્તિ બહાર જશે  ત્યારે તેનાથી કંઈ કામ કરવાનું રહી ગયું હશે તો ઘરના બારણાં, લાઈટ્સ, ટેલિવિઝન કે અન્ય સાધનો આપોઆપ બંધ થઈ જશે. 

ટેક્નોલોજિસ્ટોનું કહેવું છે કે, હજુ તો આ દિશામાં અનેક શિખરો સર કરવાના બાકી છે. કદાચ એટલે જ, વિશ્વભરના વિજ્ઞાનીઓ ‘ઈન્ટરનેટ ઓફ થિંગ્સ’ને કૃષિ, ઔદ્યોગિક અને માહિતીની ક્રાંતિ પછીની ચોથી ક્રાંતિ ગણાવી રહ્યા છે. આ તો થઈ ‘ઈન્ટરનેટ ઓફ થિંગ્સ’ની વાત. પરંતુ ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીના માંધાતાઓ ‘ઈન્ટરનેટ ઓફ થિંગ્સ’ને ‘ઈન્ટરનેટ ઓફ કાર’ની દુનિયામાં પરિવર્તિત કરવાના સપનાં જોઈ રહ્યા છે. ગૂગલે ડ્રાઈવરલેસ કારનો પ્રોજેક્ટ તો ક્યારનોય ચાલુ કરી દીધો છે. પરંતુ વિકસિત દેશોના ઓટોમેકર્સ ‘ઈન્ટરનેટ ઓફ કાર’ની આખી દુનિયા ઊભી કરવાની મહત્ત્વકાંક્ષા રાખી રહ્યા છે.

ઈન્ટરનેટ ઓફ કાર 

‘ઈન્ટરનેટ ઓફ થિંગ્સ’ની પેટા શાખા તરીકે ‘ઈન્ટરનેટ ઓફ કાર’નો જન્મ થઈ ચૂક્યો છે. જેમ કે, વ્યક્તિ ઘરની બહાર નીકળશે એટલે તેની કાર આપોઆપ પાર્કિંગની બહાર આવી ગઈ હશે. અથવા પોતે ઘરની બહાર નીકળવાનો છે એની થોડી મિનિટો પહેલાં એરકંડિશન્ડ ચાલુ કરીને કારમાં કુલિંગ કરી દીધું હશે! આ બધું જ ટેક્નોલોજીએ શક્ય બનાવી દીધું છે. આવી ટેક્નોલોજીને વ્યવહારુ બનાવીને બજારમાં આવતા હજુ 50-100 વર્ષ લાગી જશે એવું માનવાની બિલકુલ જરૂર નથી. કારણ કે, ઈન્ટરનેટ આવ્યા પછી જે ઝડપથી ટેક્નોલોજીનો વ્યાપ વિસ્તરી રહ્યો છે એ જોતા ટેક્નોલોજિસ્ટોના વિચારોને ખયાલી પુલાવ ગણી ન શકાય. અત્યારે પણ સ્માર્ટફોન પર ફક્ત એક એપ ડાઉનલોડ કરીને કારના દરવાજા ખોલી કાઢવા, એસી ચાલુ કરવું કે પછી ડેકી ખોલવા જેવા કામ શક્ય છે જ. જોકે, તે કદાચ થોડું બિનઉપયોગી કે ખામીવાળું હોઈ શકે છે, પરંતુ નજીકના ભવિષ્યમાં કદાચ તેની સુધારેલી આવૃત્તિ લોક-ઉપયોગી સાબિત થઈ શકે છે. 


‘ઈન્ટરનેટ ઓફ કાર’ની મદદથી ભવિષ્યમાં કાર માલિકોનું બહુ મોટુ જૂથ પરસ્પર રાઈડ-શેરિંગ કરી શકશે. એટલે કે, કાર માલિકો પોતાને જરૂર પડે ત્યારે કારની માલિકી બદલી શકશે. જેમ કે, કોઈને ઉનાળામાં કન્વર્ટિબલ કાર જોઈતી હોય હશે અથવા કોઈને લાંબી મુસાફરી માટે થોડો સમય સ્પોર્ટ્સ યુટિલિટી વ્હિકલ (એસયુવી)ની જરૂર હશે તો તે ફક્ત ઈન્ટરનેટની મદદથી આવી સુવિધા મેળવી શકશે. એવી જ રીતે, કાર માલિકનો ‘ડ્રાઈવિંગ સ્કોર’ પણ કમ્પ્યુટરમાં ઓટોમેટિક જમા થતો રહેશે. જો ડ્રાઈવર કોઈ નિયમ તોડશે તો ઓટોમેટિક તેની એન્ટ્રી થઈ જશે. ટેક્નોલોજિસ્ટોના મતે, ભવિષ્યની કારમાં આવી સિસ્ટમ થઈ જશે! આજે પણ વિશ્વના અનેક વિકસિત દેશોમાં તેમજ ખાડી દેશોમાં પણ ટ્રાફિક નિયમ તોડનારા કાર માલિકોના ખાતામાંથી દંડની રકમ આપોઆપ કપાઈ જાય છે. 

‘ઈન્ટરનેટ ઓફ કાર’ ટેક્નોલોજીનો સૌથી અસરકારક ઉપયોગ ટ્રાફિકની સમસ્યા હળવી કરવા તેમજ માર્ગ અકસ્માતો અને તેનાથી થતા મૃત્યુને ઓછા કરવા માટે થઈ શકશે એવી વિજ્ઞાનીઓને આશા છે. નવાઈની વાત તો એ છે કે, ભવિષ્યમાં તમારી કાર તમારું શૉપિંગ પણ કરી આવશે અને તમને રેલવે સ્ટેશને મૂકવા પણ આવશે. ગૂગલ પણ કહી ચૂક્યું છે કે, ભવિષ્યમાં તમારી કાર આપમેળે પાર્ક થઈ જશે અને તમે ઓફિસના પગથિયા ઉતરતા હશો ત્યારે સ્માર્ટફોનના ફક્ત એક કમાન્ડથી જ તમારી કાર પાર્કિંગમાં તૈયાર રાખી શકશો! જોકે, આવી ટેક્નોલોજીને વિકસાવવા કરતા પણ અઘરું કામ તેને વ્યવહારુ (Feasible) કેવી રીતે બનાવવી તે છે. 

‘કનેક્ટેડ ડ્રાઈવર્સ’નો યુગ કેવો હશે?

‘ઈન્ટરનેટ ઓફ કાર’ના યુગમાં ટેલિકોમ્યુનિકેશન કંપનીઓ અને ઓટોમેકર્સે જાતભાતના કરારો કરવા પડશે. વીમા કંપનીઓએ પણ જાતભાતની વીમા પોલિસી ડિઝાઈન કરવી પડશે અને આવી ટેક્નોલોજી માટે જરૂરી માર્ગો વિકસાવવા પડશે. હાલ વિકસિત વિદેશોમાં પણ આવા પ્રોજેક્ટનો અમલ અમુક હાઈ-વે કે અમુક વિસ્તારોમાં જ કરવો શક્ય છે. શું ભારત જેવા દેશમાં આવા પ્રોજેક્ટનો અમલ શક્ય છે? આ સવાલનો જવાબ એટલા માટે અઘરો છે કે, એક સમયે અશક્ય લાગતી અનેક વાતો ટેક્નોલોજીએ શક્ય કરી બતાવી છે. આટલા થોડા વર્ષોમાં ઈન્ટરનેટે વિકાસશીલ દેશોમાં જે રીતે પોતાનો વ્યાપ વધાર્યો છે એ પરથી લાગે છે કે, નજીકના વર્ષોમાં ભારતમાં પણ અમુક શહેરોમાં આવી ટેક્નોલોજી આવી જાય તો નવાઈ નહીં! વિકસિત દેશોની સરકારો તો આ ટેક્નોલોજીની મદદથી દરેક કાર અને વિસ્તાર પ્રમાણે પ્રદૂષણ પર નજર રાખવાની મહત્ત્વકાંક્ષા સેવી રહી છે. 

થિલો કોસ્લોવસ્કી 

ટેક્નોલોજિસ્ટોનું કહેવું છે કે, “લોકો નજીકના ભવિષ્યમાં જ ‘કનેક્ટેડ ડ્રાઈવર્સ’ ટેક્નોલોજીનો લાભ લઈ શકશે. આ તો એકદમ સીધુસાદું સેન્સર-નેટવર્ક જ છે. હવેનો યુગ જ ‘સ્માર્ટ મોબિલિટી’નો છે.” ટેક્નોલોજીની દુનિયામાં ‘કનેક્ટેડ ડ્રાઈવર્સ’ કંઈ નવો શબ્દ નથી. ‘વાયર્ડ’ જેવા પ્રતિષ્ઠિત ટેક્નોલોજી મેગેઝીનના સ્ટ્રેટેજિક એડવાઈઝર અને એનાલિસ્ટ થિલો કોસ્લોવસ્કીએ આ શબ્દનો પહેલીવાર ઉપયોગ કર્યો હતો. તેઓ જણાવે છે કે, “ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં આવી રહેલા પરિવર્તનોને દર્શાવવા માટે હું વર્ષ 1998થી ‘કનેક્ટેડ ડ્રાઈવર્સ’ શબ્દનો ઉપયોગ કરું છું. છેલ્લાં દાયકામાં તો આ શબ્દ ખૂબ પ્રચલિત થઈ ગયો છે. વર્ષ 2016 સુધીમાં અમેરિકા અને પશ્ચિમ યુરોપમાં ટેક્નોલોજી પસંદ કરતા લોકો એવું ઈચ્છતા હશે કે, તેમનું વાહન ઈન્ટરનેટ સાથે જોડાયેલું હોય. વર્ષ 2014 સુધીમાં તો પ્રીમિયમ કારના ખરીદારો સુધી આ ટેક્નોલોજી પહોંચી ગઈ હશે. હવે ફક્ત એક જ વર્ષ બાકી છે...”

વિજ્ઞાનીઓને આશા છે કે, જેમ જેમ કનેક્ટેડ વ્હિકલ્સ વધતા જશે તેમ તેમ તે બધા જ સ્વયંશાસિત (ઓટોનોમસ) બનતા જશે. જોકે, કનેક્ટેડ વ્હિકલ્સના ખ્યાલને ઝડપથી સફળતા અપાવવા વિવિધ દેશોની સરકારોએ ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, કાયદા-કાનૂન અને માર્કેટ ઈસ્યૂને લગતા નવા વિચારો અપનાવવા માટે તત્પર રહેવું પડશે. ટેક્નોલોજી વિશ્લેષકો ભવિષ્યના આ યુગને ‘ઓટોમોટિવ યુગ’ જેવા શબ્દથી નવાજી રહ્યા છે. આ યુગનો વ્યાપ ખૂબ જ ઝડપથી વિસ્તરશે એ વાતમાં કોઈ શંકા નથી. કારણ કે, તેનો આધાર હાલની ‘ડિજિટલ લાઈફસ્ટાઈલ’ પર આધારિત છે અને આજની પેઢીએ આ જીવનશૈલી ખૂબ ઉત્કટતાથી અપનાવી લીધી છે. 

ઈનોવેટિવ ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રી

ઓટોમોબાઈલ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરો એકસૂરે કહે છે કે, આપણું વાહન વેબ કનેક્ટેડ હોય તે ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રીનો સૌથી ઈનોવેટિવ તબક્કો છે. હવે, સ્માર્ટ મોબિલિટીનો યુગ શરૂ થશે અને ઘણું બધું બદલાઈ જશે. જેમાં પર્સનલ કમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ અને સ્માર્ટફોન જેવા ગેજેટ ઈંધણ પૂરવાનું કામ કરશે અને સમગ્ર વિશ્વમાં આ ટેક્નોલોજી જંગલની આગની જેમ ફેલાઈ જશે. ખેર, વિજ્ઞાનીઓ તો આવી આશા રાખીને બેઠા છે, પરંતુ આવી ટેક્નોલોજીથી ફાયદો શું થશે? આ અંગે ટેક્નોલોજિસ્ટો માને છે કે, ‘કનેક્ટેડ વ્હિકલ્સ’ લોકો, સંસ્થાઓ અને ‘થિંગ્સ’ વચ્ચે ડિજિટલ ઈન્ફર્મેશન એક્સેસ કરી શકશે, કન્ઝ્યુમ કરી શકશે, ક્રિએટ કરી શકશે, ડિરેક્ટ કરી શકશે અને શેર કરી શકશે. આ થિંગ્સ શું છે? જવાબ છે, અન્ય વાહનો. હા, ‘ઈન્ટરનેટ ઓફ થિંગ્સ’ ખૂબ જ ઝડપથી ‘ઈન્ટરનેટ ઓફ કાર’માં પરિવર્તિત થઈ 
જશે!


‘ઈન્ટરનેટ ઓફ કાર’ની દુનિયામાં યુઝર્સ પોતાના વાહન સહિતની કોઈ પણ માહિતી પોતે જ્યાં હશે ત્યાં એક્સેસ કરી શકશે. પરિણામે આ ટેક્નોલોજી મોબિલિટી સોલ્યુશન આપવામાં પણ મદદરૂપ થશે. એવી જ રીતે, સેન્સર, ડિસ્પ્લે, ઓન-બોર્ડ અને ઓફ બોર્ડ કમ્પ્યુટિંગ, ઈન વ્હિકલ ઓપરેટિંગ સિસ્ટમ, વાયરલેસ અને ઈન-વ્હિકલ ડેટા કોમ્યુનિકેશન, મશીન લર્નિંગ, એનાલિટિક્સ, સ્પિચ રેકગનિશન અને કન્ટેન્ટ મેનેજમેન્ટ જેવા અનેક ક્ષેત્રોનો વ્યાપ વધશે. આ ક્ષેત્રોમાં ઝંપલાવનારી કંપનીઓ જંગી નફો રળશે અને રોજગારીની નવી તકોનો ઉદય થશે. આ ઉપરાંત ટ્રાફિક, પ્રદૂષણ વગેરે જેવી મહામુશ્કેલીઓને પણ આ ટેક્નોલોજીની મદદથી નાથી શકાશે. 

આ ઉપરાંત કનેક્ટેડ વ્હિકલ્સના યુગમાં તેને લગતી સેવા આપતા આઈટી, રિટેઈલ, ફાઈનાન્સિયલ સર્વિસ, મીડિયા, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોનો પણ વ્યાપ વધશે. પરંપરાગત ઓટોમોટિવ બિઝનેસ મોડેલ નકામું થઈ જશે અને વાહનો વેચતી કંપનીઓએ ફક્ત વેચાણ અને મેઈન્ટેનન્સ પર જ ધ્યાન આપવાનું નહીં રહે, પરંતુ ઈન્ટરનેટ સાથે જોડાયેલી દરેક સર્વિસ પર ધ્યાન આપવું પડશે. જો તમને એવું લાગતું હોય કે, આ તો બિઝનેસ થિંકર્સ અને ટેક્નોલોજિસ્ટોએ કરેલા તુક્કા છે, ખરેખર ગ્રાહકોને આવું કશું જોઈતું જ નથી, તો તમારી ખોટા પડવાની સંભાવના વધુ છે. કારણ કે, આજથી થોડા સમય પહેલાં બજારમાં આવેલા ઈન્ટરનેટ, કમ્પ્યુટર અને સ્માર્ટફોન વિશે પણ અનેક લોકો આવું જ માનતા હતા, પરંતુ આજે તે કરોડો લોકોના જીવનનો હિસ્સો બની ગયા છે. થિલો કોસ્લોવસ્કી કહે છે કે, વર્ષ 2016 સુધીમાં વિશ્વના ત્રણ મોટી ઓટો જાયન્ટ કંપનીઓ ઓટોનોમસ વ્હિકલ ટેક્નોલોજી અંગેનો એક્શન પ્લાન જાહેર કરી દેશે. 

નોંધઃ તસવીરો ગૂગલ પરથી લીધી છે. 

No comments:

Post a Comment