10 January, 2013

ભારતની ઠંડી ‘કાતિલ’ કેમ છે?


ભારતના સમાચાર માધ્યમોમાં ઠંડી માટે ‘કાતિલ’, હિંદીમાં ‘કહર’ અને અંગ્રેજીમાં ‘શિવર’ જેવા શબ્દો કેમ વાપરવામાં આવે છે? કદાચ દર વર્ષે શિયાળા દરમિયાન દેશમાં ન જાણે કેટલાય લોકોના ઠુંઠવાઈ જવાથી કરુણ મોત થતા હોવાથી આવા ‘કઠોર’ શબ્દોનો ઉપયોગ કરાતો હશે! આ લખાય છે ત્યારે ફક્ત ઉત્તર ભારતમાં જ ઠંડીમાં ઠુંઠવાઈ જવાથી 100થી પણ વધુ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. પરંતુ આવા સમાચારો આપણને એટલા કોઠે પડી ગયા છે કે, ઠંડી સહન નહીં થવાથી મૃત્યુ પામનારા બેઘર અને ગરીબ લોકો માટે આપણને કદાચ થોડી સેકન્ડો માટે પણ દુઃખ થતું નથી. હા, કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ, સામાજિક-ધાર્મિક સંસ્થાઓ પોતાના વિસ્તારમાં રસ્તાઓ પર રહેતા લોકો અને તેમના બાળકો માટે ગરમ કપડાં, ધાબળા વગેરેનું વિતરણ કરે છે. પરંતુ શું આટલા મોટા દેશમાં આવા છુટાછવાયા પ્રયાસોથી કામ થઈ જશે? ના. કારણ કે, એક નાનકડું ઘર, ગરમ કપડાં કે ઠંડીથી બચવા માટે શું કરવું જોઈએ એની પૂરતી જાણકારી નહીં હોવાના કારણે મૃત્યુ પામતા લોકોથી સંખ્યા સતત વધી રહી છે.

આ વર્ષે દેશના વિવિધ શહેરોમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડી છે. આટલી ભયાનક ઠંડીના કારણે મૃત્યુદર તો વધી જ રહ્યો છે, પરંતુ ખેતીને પણ જંગી નુકસાન થયાના અહેવાલો છે. જોકે, છેલ્લાં બે દાયકાથી હવામાનમાં અસામાન્ય ફેરફારો અને ઠંડી કે ગરમીના કારણે મૃત્યુદર વધ્યો હોવા છતાં આવી કુદરતી પરિસ્થિતિનો સામનો કરવા માટે સરકારે કંઈ વિચાર્યું હોય એવું લાગતું નથી. ફક્ત ઋતુ ચક્રમાં બદલાવ આવવાના કારણે જ જ્યાં અનેક નિર્દોષ માનવજિંદગી બુઝાઈ જતી હોય તે અત્યંત દુઃખદ સ્થિતિ છે. વળી, ઋતુના ફેરફારોના કારણે ખેતીને પણ જંગી નુકસાન થાય છે. જો ભારતને ખેતીપ્રધાન દેશ માનતા હોઈએ તો સૌથી પહેલાં આપણે ખેડૂતોના પાકને બચાવી શકાય એ માટે બિયારણથી લઈને ટેક્નોલોજીકલ સંશોધનો કરવા માટે બજેટ ફાળવવું જોઈએ. આજે પણ ભારતમાં 70 ટકા લોકો ખેતી પર નભતા હોવાથી કેન્દ્ર સરકારે આ દિશામાં ગંભીરતાથી વિચારવું જોઈએ.

ગુજરાતમાં પણ છેલ્લાં કેટલાક વર્ષોથી કોઈને કોઈ વિસ્તારમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડે છે અને આવી ઠંડીમાં અનેક લોકોના મૃત્યુ થાય છે. ગુજરાતમાં ઠંડીની સાથે ઠંડીથી મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. દેશમાં ઠંડીના કારણે સૌથી વધુ મૃત્યુ ઉત્તર ભારતમાં થાય છે. સાતમી જાન્યુઆરીએ સમાચાર હતા કે, ઉત્તર ભારતમાં ફક્ત 24 કલાકમાં જ ઠંડીના કારણે 76 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. ફક્ત કુદરતી ઋતુચક્રમાં બદલાવ આવવાથી જ આટલી બધા લોકોના એકસાથે મૃત્યુ થાય તો પણ કેન્દ્ર કે રાજ્ય સરકારોના પેટનું પાણી કેમ હલતું નથીઆ મોત પણ અકુદરતી જ છે, પરંતુ આવા નિર્દોષ લોકોના મૃત્યુને લઈને લોકો અને સરકાર બંનેની લાગણીઓ બુઠી થઈ ગઈ છે. રસ્તા પર ઠંડીના કારણે મૃત્યુ પામતા બાળકોના આત્માને શાંતિ આપવા માટે પણ કેન્ડલ-લાઈટ માર્ચ નીકળવી ન જોઈએઆતંકવાદથી મૃત્યુ પામેલો, પૂર્વોત્તરમાં નક્સલવાદીઓએ મારી નાંખેલા અને ઠંડી કે ગરમીથી મૃત્યુ પામનારા લોકોની ‘ન્યૂઝ વેલ્યુ’ જુદી જુદી હોય છે એ આપણી કમનસીબી છે.  

નવી દિલ્હીમાં કાતિલ ઠંડીમાં ફૂટપાથ પર રહેતો પરિવાર                 સૌજન્યઃએએફપી

ખેર, ઠંડીના કારણે ફક્ત રસ્તા પર રહેતા ગરીબોના જ મૃત્યુ થાય છે એવું નથી. અનેક વૃદ્ધો, કુપોષણથી પીડાતા લોકો કે પછી વહેલી સવારે શાળાએ જતા બાળકો પણ ઠંડીના કારણે મૃત્યુ પામ્યાના દાખલા મોજુદ છે. એટલું જ નહીં, ઠંડીના કારણે સરહદની રક્ષા કરતા જવાનોના પણ મોત નિપજે છે. હાડ થીજાવતી ઠંડીમાં ખડેપગે સુરક્ષા કરતા જવાનો ગમે તેવી ઠંડીનો સામનો કરી શકે એ માટે ખાસ કપડાં, શૂઝ અને યોગ્ય મેડિકલ સુવિધા પણ નથી મળતી. સુપરપાવર બનવાના સપનાં જોઈ રહેલાં દેશના અનેક જવાનો ઠુઠવાઈને મોતને ભેટે એ ખરેખર શરમજનક સ્થિતિ છે. પરંતુ ઉદાસીન સરકાર ફક્ત શાળાઓ બંધ કરાવીને કે ઠંડીના કારણે રેલવેના સમયપત્રમાં ફેરફાર થયાની જાહેરાત કરીને સંતોષ માની લે છે. ખરેખર તો, કેન્દ્ર સરકારે ભૂતકાળમાં કરેલા કેટલાક સફળ આરોગ્ય અભિયાનની જેમ ઠંડીથી બચવા માટે શું કરવું જોઈએ એ માટે પણ લોકોને શિક્ષિત કરવા અભિયાન કરવું જોઈએ. કારણ કે, પર્યાવરણ વિજ્ઞાનીઓના મતે ભવિષ્યમાં હિમાલયની આસપાસના તમામ દેશોના કેટલાક પ્રદેશોમાં ઠંડીનું પ્રમાણ ઘણું વધી જશે.

આ ઉપરાંત આપણે વારંવાર એવા સમાચારો પણ સાંભળીએ છીએ કે, પૃથ્વીના તાપમાનમાં થઈ રહેલા વિચિત્ર ફેરફારોને વિજ્ઞાનીઓ પણ સમજી શકતા નથી. આ મુદ્દે હજુ પણ સંશોધનો ચાલુ છે અને ગ્લોબલ વૉર્મિંગ કે ક્લાઈમેટ ચેન્જને લઈને વિજ્ઞાનીઓ વચ્ચે હજુ પણ મતભેદો છે. પરંતુ તાજેતરમાં જ કેટલાક પર્યાવરણ વિજ્ઞાનીઓએ ચોક્કસ આંકડા આપીને સાબિત કર્યું છે કે, પૃથ્વી પરના અમુક પ્રદેશો હિમયુગ તરફ જઈ રહ્યા છે. જેમ કે, તાજેતરમાં જ અમેરિકાના અલાસ્કા ક્લાઈમેટ રિસર્ચના વિજ્ઞાનીઓએ એક સંશોધન કરીને જાહેર કર્યું છે કે, અલાસ્કામાં છેલ્લાં ઘણાં વર્ષોથી તાપમાનમાં એકધારો ઘટાડો થઈ રહ્યો છે અને આ પ્રદેશ હિમ યુગ તરફ જઈ રહ્યો છે. હાલ, અલાસ્કામાં માઈનસ 16થી પણ નીચું તાપમાન છે. ભારતના કેટલાક પ્રદેશો પણ આવી સ્થિતિમાં સપડાઈ રહ્યા છે. પરિણામે આપણે ઠંડીના કારણે થતી જાનહાનિ રોકવા માટે અત્યારથી જ મજબૂત યોજનાઓ તૈયાર કરવી જોઈએ.

અમેરિકા જેવા વિકસિત દેશોમાં તો હવામાનની આગાહી માટે અત્યાધુનિક સિસ્ટમ હોવા છતાં વાવાઝોડા વખતે સરકારને કરોડો ડૉલરનું નુકસાન ભોગવવું પડે છે. હા, આવી સ્થિતિમાં ઓછામાં ઓછી જાનહાનિ થાય એ માટે તેઓ પૂરતી તકેદારી રાખે છે. આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે, ભારતમાં આવી ઋતુઓના ફેરફાર સાથે ભયાનક ઠંડી, હિમ વર્ષા કે બર્ફીલા વાવાઝોડાનો સામનો કરવાનો આવે તો કેવી હાલત થાયહજુ હમણાં જ દેશભરના માધ્યમોમાં સમાચાર હતા કે, વર્ષ 1980 પછી ઈન્ડિયન મીટિરિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ ફક્ત નવ વાર સાચી આગાહી કરી શક્યું છે. કારણ કે, તેમના સાધનો એટલા જરીપુરાણાં છે કે તેનાથી આગાહીઓ કરવી અશક્ય છે. આ સમાચારમાં અમેરિકાના સેન્ડી વાવાઝોડાનો પણ ઉલ્લેખ કરીને કહેવાયું હતું કે, અમેરિકા પોતાના અત્યાધુનિક સાધનોની મદદથી જ સેન્ડીની સચોટ આગાહી કરીને જાનહાનિ રોકી શક્યું હતું.

વિજ્ઞાનીઓ જણાવે છે કે, ભવિષ્યમાં યુરોપ અને એશિયામાં હિમ વર્ષા અને બર્ફીલા તોફાનોના કારણે અનેક દેશોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ વૈજ્ઞાનિક અહેવાલોને સાચા પાડતી હોય એમ આ વર્ષે ચીન અને ભારત સહિત એશિયાના અનેક દેશોમાં પહેલાં ક્યારેય ન અનુભવાઈ હોય એવી ઠંડી પડી છે. ચીનમાં પણ ઠંડીએ 28 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. વળી, ઠંડીના કારણે કેટલાક સમુદ્રી વિસ્તારોમાં મહાકાય હિમ શીલાઓનું સર્જન થયું છે, જે વહાણો માટે જોખમી હોવાથી બંગાળની ખાડી, હિંદ મહાસાગર અને અરબી સમુદ્રમાં અનેક વહાણો ફસાઈ ગયા છે. આમ હવામાન વિભાગને અત્યાધુનિક સાધનો ફાળવવામાં આવે તો વેપાર-ઉદ્યોગને પણ તેનો લાભ મળી શકે છે.

ચીનની જેમ ભારતના પણ અનેક વિસ્તારોમાં ઠંડીએ રેકોર્ડ તોડ્યો છે અને છેલ્લાં ઘણાં વર્ષોથી ઠંડીનો પારો સતત નીચે ગગડી રહ્યો છે. જેમ કે, આ વર્ષે દિલ્હીમાં પહેલાં ક્યારેય ન પડી હોય એટલી 1.9 ડિગ્રી ઠંડી પડી છે. એવી જ રીતે, ઠંડીએ મુંબઈમાં પણ છેલ્લાં દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. દેશમાં કદાચ સૌથી વધુ બેઘર અને રસ્તા પર રહેતા લોકો તો મુંબઈમાં જ છે. એક દલીલ એવી પણ છે કે, ભારત જેવા વિશાળ દેશમાં ઠંડીથી મૃત્યુ પામતા લોકોને બચાવવા ખૂબ જ અઘરા છે. પરંતુ ચૂંટણી વખતે ગલીએ-ગલીએ ફાફડા-ચટણીની લ્હાણી કરાવી શકતા રાજકારણીઓ ફૂટપાથ પર રહેતા ગરીબો કે રખડતા બાળકોને બે જોડી ગરમ કપડાં ન આપી શકે એ વાતમાં કોઈ માલ નથી.

રસ્તા પર ગરમી કે ઠંડીથી મૃત્યુ પામતા બાળકની વાત રાજસ્થાનની એક લોકવાર્તામાં સુંદર રીતે રજૂ કરાઈ છે. આ વાર્તામાં દિવાળી વખતે રમકડાં વેચવા નીકળેલી એક નાનકડી બાળકીની વાત છે. મોડી સાંજ સુધી બાળકી એક પણ રમકડું વેચી નહીં શકી હોવાથી તે ગભરાઈ ગઈ છે. તેને ડર છે કે, તે ઘરે જશે એટલે દારૂડિયો પિતા તેને ફટકારશે. પિતાના ગુસ્સાથી બચવા તે ઘરે નહીં જવાનું નક્કી કરે છે. બીજી તરફ, અંધારુ અને ઠંડી વધી રહી છે. છેવટે તે ચાલતી ચાલતી પાઈપલાઈનનું કામ ચાલતું હોય છે તેવા એક સ્થળે આવે છે, અને ઠંડીથી બચવા માટે સિમેન્ટની મોટી પાઈપમાં સૂઈ જાય છે. આ દરમિયાન તે સપનામાં પોતાના સ્વર્ગસ્થ દાદીમા સાથે પણ વાત કરે છે, જે તેને પોતાના સુંદર ઘરમાં આમંત્રણ આપે છે. છેવટે વહેલી સવારે પોલીસને બાળકીની લાશ મળે છે, જેનું ઠંડીના કારણે મૃત્યુ થયું હોય છે.

કમનસીબે ભારતમાં ઠંડી ભગાડવા માટે જાતભાતની ગેરમાન્યતાઓ પણ પ્રવર્તે છે. આવી ગેરમાન્યતાઓના કારણે પણ શિયાળામાં અનેક લોકો પોતાના જાન ગુમાવે છે. જેમ કે, બ્લડ પ્રેશરથી પીડાતા દર્દીઓ ઠંડી ભગાડવા માટે વ્હિસ્કી કે રમના એક-બે પેગ ગટગટાવી જાય છે. પરંતુ ડૉક્ટરોનું કહેવું છે કે, બ્લડ પ્રેશર કે હૃદયરોગથી પીડાતા લોકો એવું માનતા હોય છે કે, દારૂ પીવાથી તેમને રાહત થઈ જશે. ખરેખર એવું નથી હોતું. કારણ કે, આમ કરવાથી લોહીમાં શર્કરા વધી જાય છે, જેનાથી મૃત્યુ પણ થઈ શકે છે. આ સ્થિતિમાં લોકોને ઠંડીથી બચવા માટેનું શિક્ષણ આપવું અત્યંત જરૂરી બની ગયું છે. વળી, ઠંડીમાં શારીરિક હલનચલન ઘટી જતું હોવાથી બ્લડ પ્રેશર વધી શકે છે અને તેથી હૃદયરોગનું જોખમ પણ વધી જાય છે. એટલે જાતભાતના અખતરા કરવાના બદલે ડોક્ટરની સલાહ લઈને જ આગળ વધવું હિતાવહ છે. 

No comments:

Post a Comment