01 October, 2018

'હું એક સાચો વાણિયો છું અને મારો ધંધો સ્વરાજ મેળવવાનો છે...'


ઓગસ્ટ ૧૯૪૨ની વાત છે. ગાંધીજી તેમના સાથીદારો સાથે પૂર્ણ સ્વરાજમાટે સૌથી ઉત્તમ નારા વિશે ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે કોઈએ 'ગેટ આઉટ' સૂત્ર સૂચવ્યું, પરંતુ ગાંધીજીએ એ નકાર્યું કારણ કે, તેમાં ઉદ્ધતાઈ હતી. રાજગોપાલાચારીએ 'રિટ્રીટ' અથવા 'વિથડ્રો'નું સૂચન કર્યું. એ પણ ના સ્વીકારાયું. ત્યાર પછી યુસુફ મહેર અલીએ નમ્રતાપૂર્વક રજૂઆત કરી, 'ક્વિટ ઈન્ડિયા' અને ગાંધીજીએ જવાબમાં કહ્યું: આમીન.

ભારતની આઝાદીના આંદોલન વખતે ઘરે ઘરે પહોંચી ગયેલો 'ક્વિટ ઈન્ડિયા'નો નારો ગાંધીજીએ નહીં પણ યુસુફ મહેર અલી મર્ચન્ટ નામના એક યુવકે આપ્યો હતો. એ વખતે તેમની ઉંમર હતી, માંડ ૩૯ વર્ષ. ૨૩મી એપ્રિલે યુસુફ મહેર અલીની ૧૧૫મી જન્મ જયંતિ ઊજવાઈ, જ્યારે સ્વતંત્રતા સંગ્રામમાં અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવતા 'ક્વિટ ઈન્ડિયા' ઉર્ફ 'ભારત છોડો' ચળવળને ઓગસ્ટમાં ૭૬ વર્ષ પૂરા થયા.

યુસુફ મહેર અલી વિશે વાત કરતા પહેલાં 'ક્વિટ ઈન્ડિયા' આંદોલનનું બેકગ્રાઉન્ડ. 

***

વીસમી સદીની શરૂઆતમાં જ ભારતમાં બ્રિટીશ રાજ સામે આક્રમક જુવાળ ફાટી નીકળ્યો હતો. ખાસ કરીને ૧૯૨૦-૨૨નું અસહકારનું આંદોલન અને ૧૯૩૦-૩૨માં ઠેર ઠેર સવિનય કાનૂન ભંગ પછી અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવા ભારત અધીરું બન્યું હતું. આ દરમિયાન સાતમી ઓગસ્ટ, ૧૯૪૨ના રોજ બોમ્બેના ગોવાલિયા ટેન્ક મેદાનમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિની ત્રણ દિવસીય બેઠક યોજાઈ. આ બેઠકના પહેલા દિવસે 'ક્વિટ ઈન્ડિયા'નો ઠરાવ પસાર કરાયો અને બીજા દિવસે દેશભરમાં આંદોલન શરૂ થઈ ગયું. અંગ્રેજોને દેશ છોડીને જતા રહેવાનું કહીને ‘પૂર્ણ સ્વરાજ’ની માગ કરતો કોંગ્રેસના નેતાઓનો એ સૌથી મજબૂત લલકાર હતો.

બોમ્બે (હવે મુંબઈ)ના ગોવાલિયા ટેન્ક મેદાનમાં આયોજિત અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિની
બેઠકમાં  ગાંધીજી અને નહેરુ. આ મેદાન હવે ઓગસ્ટ ક્રાંતિ મેદાન તરીકે પણ ઓળખાય છે. 

આંદોલન માટે કોંગ્રેસે દેશભરના લોકોને સવિનય કાનૂન ભંગ અને અંગ્રેજો વિરુદ્ધ શાંત પ્રદર્શનો કરીને વિરોધ કરવાની અપીલ કરી હતી. જોકે, આંદોલન સંપૂર્ણપણે અહિંસક ના રહ્યું. અનેક સ્થળે હિંસક દેખાવો થયા અને અંગ્રેજોએ પણ આશરે એકાદ લાખ લોકોની ધરપકડ કરીને તેને અસરકારક રીતે કચડી નાંખ્યું. આ ઉપરાંત ભારતને તાત્કાલિક આઝાદ કરવાની માંગ પણ ફગાવી દેવાઈ. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિની બેઠકના પહેલા બે દિવસ ગાંધીજીએ અત્યંત લાંબા ભાષણ આપ્યા હતા, જે ભારતની આઝાદીના ઈતિહાસમાં અત્યંત મહત્ત્વના ગણી શકાય.

એ ભાષણમાં તેમણે કોમવાદ, ગૌરક્ષા, પાકિસ્તાન, અંગ્રેજોનો નહીં પણ અંગ્રેજ શાસનનો વિરોધ અને લોકશાહી જેવા અનેક મુદ્દાની વિગતે વાત કરી. ગાંધીજી કંઈ ઉત્તમ વક્તા ન હતા, પરંતુ તેમના શબ્દો ઊંડા વિશ્વાસ અને લાગણીથી બોલાયેલા હોવાથી સામાન્ય માણસથી લઈને બૌદ્ધિકો પર તેની પ્રચંડ અસર થતી. આ ખૂબ જ લાંબા અને સંપૂર્ણ ભાષણો 'ગાંધીજીના અક્ષરદેહ'માં વાંચવા મળે છે. પહેલા દિવસે આપેલા ભાષણમાં ગાંધીજીએ 'સાચી લોકશાહી'ની વાત છેડી હતી, જે આજેય પ્રસ્તુત છે. વાંચો, એ ભાષણનો અંશ.

‘ક્વિટ ઈન્ડિયા’ ચળવળ વખતે બ્રિટીશ રાજ વિરુદ્ધ મહિલા રેલી

''...જ્યારે મેં 'ભારત છોડો'નો નારો લગાવ્યો ત્યારે કેટલાક લોકો, જેઓ નિરાશ થઈ ગયા હતા, તેમને લાગ્યું કે મેં તેમની આગળ કંઈ નવી ચીજ ધરી છે. તમારે સાચું સ્વરાજ્ય જોઈતું હશે તો પહેલાં એકતા સાધવી પડશે. એવી એકતા જ સાચી લોકશાહી સ્થાપશે- એવી લોકશાહી જે પહેલાં કદી જોઈ ન હોય અને જે સાધવા પહેલાં કદી પ્રયત્ન થયા ન હોય. ફ્રાંસની ક્રાન્તિ વિશે મેં ઘણું વાંચ્યું છે. કાર્લાઈલની કૃતિઓ મેં જેલમાં વાંચી છે. ફ્રાન્સના લોકો માટે મને ઘણું માન છે. રશિયાની ક્રાન્તિ વિશે પંડિત જવાહરલાલે મને બધું જ કહ્યું છે. પણ હું માનું છું કે, એમની લડત લોકો માટે હતી તેમ છતાં મારી કલ્પેલી સાચી લોકશાહી માટે એ લડત નહોતી. મારી લોકશાહીનો અર્થ એ થાય છે કે દરેક વ્યક્તિ પોતે જ પોતાનો માલિક હોય. મેં ઇતિહાસ ઘણો વાંચ્યો છે. પણ અહિંસા દ્વારા એવા મોટા પાયા પર સાચી લોકશાહી સ્થાપવાનો પ્રયોગ થયો મેં સાંભળ્યો નથી. એક વખત તમે આ વાત સમજી લો પછી તમે હિંદુ-મુસ્લિમ વચ્ચેનો ભેદભાવ ભૂલી જશો.

તમારી આગળ રજૂ કરવામાં આવેલો ઠરાવ બતાવે છે કે આપણે કૂવામાંના દેડકા રહેવા માંગતા નથી. આપણું ધ્યેય તો વિશ્વનું સમવાયતંત્ર સ્થાપવાનું છે, કે જેમાં ભારત નેતૃત્વ કરતું હશે. એ અહિંસા દ્વારા જ શક્ય બને. નિશસ્ત્રીકરણ ત્યારે જ શક્ય બને જ્યારે તમે અહિંસાનું અજોડ શસ્ત્ર અપનાવો. એવા લોકો છે જે મને શેખચલ્લી કહેશે. પણ હું તમને કહું છું કે, હું એક સાચો વાણિયો છું અને મારો ધંધો સ્વરાજ મેળવવાનો છે. એક વહેવારુ વાણિયા તરીકે તમારી આગળ બોલતાં હું તમને કહું છું કે જો તમે (અહિંસક આચરણથી) પૂરેપૂરી કિંમત ચૂકવવા માંગતા હો તો જ આ ઠરાવ પસાર કરજો, નહીં તો પસાર ન કરશો...''

આ ભાષણ પછી કોંગ્રેસના ફક્ત ૧૩ નેતાએ 'ભારત છોડો' આંદોલન અહિંસક રીતે કરવાના પ્રસ્તાવની વિરુદ્ધ મત આપ્યો હતો. કોંગ્રેસ સમિતિની બેઠકના બીજા દિવસે ગાંધીજીએ ફરી એક ભાષણ આપ્યું અને ઠરાવ વિરુદ્ધ મત આપનારા ૧૩ નેતાને અભિનંદન આપતા કહ્યું કે, ‘‘...છેલ્લાં વીસ વર્ષથી આપણે એ શીખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આપણે છેક જ લઘુમતીમાં હોઈએ અને લોકો આપણી હાંસી ઉડાવતા હોય ત્યારેય હિંમત ન હારવી...’’  ત્યાર પછી ગાંધીજીએ બીજા અનેક મુદ્દે લાંબી વાતો કરી અને 'ક્વિટ ઈન્ડિયા'ના નારામાં 'કરેંગે યા મરેંગે'નો જુસ્સો ભરીને પ્રજાના માનસમાં આઝાદીના આંદોલન માટે ચેતના જગાવવાનું અત્યંત મહત્ત્વનું કામ કર્યું.

‘ક્વિટ ઈન્ડિયા’ ચળવળના દુર્લભ ફૂટેજ



વાંચો તેમના જ શબ્દો: ''...હું તમને એક ટૂંકો મંત્ર આપું છું. એને તમારે હૈયે કોતરી રાખજો અને તમારે શ્વાસે શ્વાસે એનો જાપ ચાલવા દેજો. એ મંત્ર છે 'કરેંગે યા મરેંગે'. હિંદને કાં તો આઝાદ કરીશ નહીં તો મરી ફીટશું. કાયમી ગુલામી જોવા જીવતા નહીં રહીએ. કોઈ પણ સાચો કોંગ્રેસી- પછી તે સ્ત્રી હોય કે પુરુષ- લડતમાં પડ્યા પછી દેશને આઝાદી વિનાનો અને ગુલામીમાં રહેલો જોવા જીવતો ન રહેવાનો દૃઢ નિર્ધાર કરે. એને તમારી પ્રતિજ્ઞા માનજો...''

આ ભાષણ પછી કોંગ્રેસના લગભગ તમામ નેતાઓની અંગ્રેજોએ ધરપકડ કરી લીધી અને બીજા અનેક નેતાઓ પર પોલીસની ચાંપતી નજર હતી. કોંગ્રેસ સમિતિની બેઠકનો ત્રીજો દિવસ હજુ બાકી હતો, જે સમાજવાદી નેતા અરુણા અસફ અલીની અધ્યક્ષતામાં જેમ-તેમ કરીને પૂરો કરાયો, પરંતુ અનેક ઉદ્યોગપતિઓ, સમાજવાદીઓ અને નાના-મોટા કાર્યકરોએ 'ક્વિટ ઈન્ડિયા' આંદોલન ઉત્સાહપૂર્વક ચાલુ રાખ્યું.

***

આખા દેશને ગજવનારો 'ક્વિટ ઈન્ડિયા'નો નારો ગાંધીજીને યુસુફ મહેર અલીએ આપ્યો હતો એ વાતની નોંધ શાંતિકુમાર મોરારજીએ કરી હતી. આ મુદ્દે લેખની શરૂઆતમાં મૂકેલો કિસ્સો કે. ગોપાલસ્વામીના પુસ્તક 'ગાંધી એન્ડ બોમ્બે'માં (પાના નં. ૩૫૫) વાંચવા મળે છે.

કે. ગોપાલસ્વામી લિખિત પુસ્તક ‘ગાંધી અેન્ડ બોમ્બે’ 

શાંતિકુમાર મોરારજી એટલે શિપિંગ અને ટેક્સટાઈલ ક્ષેત્રે કાઠું કાઢનારા મૂળ પોરબંદરના ઉદ્યોગપતિ નરોત્તમ મોરારજીના પુત્ર. નરોત્તમ મોરારજીને તેમના પિતા શેઠ મોરારજી ગોકુળદાસ તરફથી વારસામાં ટેક્સ્ટાઈલ ઉદ્યોગ મળ્યો હતો. નરોત્તમ મોરારજીએ ટેક્સ્ટાઈલ ઉદ્યોગ આગળ ધપાવ્યો અને બીજા બે ગુજરાતી ઉદ્યોગપતિ વાલચંદ હીરાચંદ અને કિલાચંદ દેવચંદ સાથે સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપનીની સ્થાપના કરીને શિપિંગ ઉદ્યોગમાં પણ ઝંપલાવ્યું. આ વ્યસ્તતા વચ્ચે નરોત્તમ મોરારજી ગાંધીજીના નજીકના સાથીદાર તરીકે આઝાદીના આંદોલનમાં પણ સક્રિય હતા. ત્યાર પછી તેમના પુત્ર શાંતિકુમાર મોરારજી પણ ગાંધીજી અને અન્ય કોંગ્રેસી નેતાઓના સંપર્કમાં આવ્યા. પિતાની જેમ શાંતિકુમાર મોરારજી પણ ઉદ્યોગગૃહો અને આઝાદીની ચળવળની બેવડી જવાબદારી બખૂબી સંભાળતા.

આ આંદોલનમાં શાંતિકુમાર મોરારજીના પત્ની સુમતિ મોરારજી પણ ખાસ્સા સક્રિય રહ્ય હતા. તેમના નામે પણ એક અનોખી સિદ્ધિ છે. સામાન્ય રીતે શિપિંગ ઉદ્યોગમાં પુરુષોનો ઈજારો છે, પરંતુ એ જમાનામાં તેઓ ઈન્ડિયન નેશનલ સ્ટિમશિપ ઓનર્સ એસોસિયેશનના વડા તરીકે ચૂંટાયા હતા. તેમના પહેલાં વિશ્વની કોઈ મહિલાએ આવી સિદ્ધિ નોંધાવી ન હતી. ભારત સરકારે ૧૯૭૧માં તેમનું પદ્મ વિભૂષણ આપીને સન્માન કર્યું હતું. કસ્તુરબાના અવસાન પછી ગાંધીજીની તબિયત પણ લથડી રહી હતી. એ ગાળામાં તેઓ મોરારજી પરિવારના જૂહુ સ્થિત બંગલૉમાં રહેતા હતા. દેશના ભાગલા થયા પછી પાકિસ્તાનમાં અનેક દલિતો રઝળી પડ્યા હતા, જેમને પાછા લાવવા માટે શાંતિકુમાર અને બીજા એક ઉદ્યોગપતિ શૂરજી વલ્લભદાસે લાખોનો ખર્ચ કરીને પોતાના વહાણો કરાચી બંદરે મોકલ્યા હતા.


૧૩મી એપ્રિલ, ૧૯૪૫ના રોજ કસ્તુરબા મેમોરિયલમાં ગાંધીજી, શાંતિકુમાર મોરારજી (જમણે)
અને પ્યારેલાલ (પાછળ વચ્ચે), જ્યારે બાજુની તસવીરમાં સુમતિ મોરારજી. 

૧૯૬૯માં ગાંધીજીની ૧૦૦મી જન્મજયંતિ નિમિત્તે ભારત સરકારે એક ટપાલ ટિકિટ બહાર પાડવી હતી. એ માટે પણ સરકારે શાંતિકુમાર મોરારજીની સલાહ લીધી હતી. આ પ્રસંગ નિમિત્તે ગાંધી સ્મારક નિધિ અને ભારતીય વિદ્યા ભવને ગાંધીજીને લગતા કેટલાક પુસ્તકો પ્રકાશિત કરાવ્યા હતા. ‘ગાંધી એન્ડ બોમ્બે’ પણ એ પૈકીનું જ એક પુસ્તક છે. એ વખતે ભવન્સના પ્રમુખપદે કનૈયાલાલ મુનશી હતા. તેમણે જ 'ગાંધીજીના મુંબઈ સાથેના સંબંધ'ની વાત કરતું પુસ્તક તૈયાર કરવાનું કામ કે. ગોપાલસ્વામીને સોંપ્યું હતું. એ દિવસોમાં કે. ગોપાલસ્વામી 'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'ના તંત્રીપદેથી નિવૃત્ત થઈને ભવન્સ રાજેન્દ્ર પ્રસાદ કોલેજ ઓફ માસ કોમ્યુનિકેશ એન્ડ મીડિયા-બોમ્બેના માનદ્ સંચાલક તરીકે ફરજ બજાવતા હતા.

***

આઠમી ઓગસ્ટ, ૧૯૪૨ના રોજ ગાંધીજીના ભાષણ પછી કોંગ્રેસની ટોચની નેતાગીરી જેલમાં ધકેલી દેવાઈ ત્યારે યુસુફ મહેર અલી મર્ચન્ટે સમાજવાદી નેતાઓને એકજૂટ કરીને 'ક્વિટ ઈન્ડિયા' આંદોલન ચાલુ રાખ્યું હતું.

તેમના વિશે વિગતે વાત આવતા અઠવાડિયે.

નોંધઃ આ લેખનો બીજો ભાગ અહીં.

1 comment: