10 October, 2018

...અને 'સાયમન ગો બેક'ના નારાથી દેશ ગાજી ઉઠ્યો


ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવતું 'ક્વિટ ઈન્ડિયા' ઉર્ફ 'ભારત છોડો' આંદોલન  કેવી રીતે શરૂ થયું એ વિશે આપણે ગયા અઠવાડિયે વાત કરી. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિની બેઠકના બીજા દિવસે, આઠમી ઓગસ્ટ ૧૯૪૨ના રોજ, ગાંધીજીએ આપેલા ભાષણ પછી 'ક્વિટ ઈન્ડિયા'નો નારો દેશના ખૂણે ખૂણે પહોંચી ગયો. ગાંધીજીને 'ક્વિટ ઈન્ડિયા' સૂત્ર યુસુફ મહેર અલી મર્ચન્ટ નામના એક યુવકે આપ્યું હતું. આ માહિતી આઝાદીના આંદોલનમાં ગાંધીજી સાથે સક્રિય ઉદ્યોગપતિ શાંતિકુમાર મોરારજીએ નોંધી હતી, જે 'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'ના પૂર્વ તંત્રી એન. ગોપાલસ્વામીના પુસ્તક 'બોમ્બે એન્ડ ગાંધી'માં વાંચવા મળે છે. 

આ વિશે વિગતે વાત થઈ ગઈ, આજે યુસુફ મહેર અલી વિશે વાત.

***

ત્રીજી ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ દેશના બીજા શહેરોની જેમ બોમ્બેની હવામાં પણ બ્રિટીશ રાજ સામેનો રોષ ભભૂકી રહ્યો હતો. એ દિવસે બ્રિટનથી દરિયાઈ મુસાફરી કરીને ભારત આવવા નીકળેલા સાયમન કમિશનના સભ્યો બોમ્બે બંદરે ઉતરવાના હતા. બ્રિટીશ રાજે સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કર્યો હતો. પ્રતિનિધિમંડળનો વિરોધ કરવા બંદરની આસપાસ ફરકવું પણ મુશ્કેલ હતું. આ દરમિયાન માંડ પચીસેક વર્ષના એક યુવકે તેના સાથીદારો સાથે બોટમાં મધદરિયે જઈને સાયમન કમિશનના સભ્યોનો વિરોધ કરવાનું નક્કી કર્યું. જોકે, આ યોજના લિક થઈ ગઈ અને આવું કોઈ પણ 'નાટક' રોકવા પોલીસ અધિકારીઓ સક્રિય થઈ ગયા. પેલો યુવક પણ ગાંજ્યો જાય એમ ન હતો. તેણે બીજી યોજના બનાવી. તે પોતાના સાથીદારો સાથે કુલીનો વેશ ધારણ કરીને, વહાણ લાંગર્યું હતું ત્યાં સુધી ઘૂસી ગયો. ત્યાં જઈને તેમણે કાળા વાવટા ફરકાવ્યા અને સાયમન કમિશનના સભ્યોની વિરુદ્ધમાં ગગનભેદી નારા લગાવ્યા, 'સાયમન ગો બેક'. આ દરમિયાન પોલીસે તેમના પર ત્રણ વાર લાઠીચાર્જ કર્યો, પરંતુ તેઓ આક્રમક વિરોધ પ્રદર્શન કરીને જ જંપ્યા.


સાયમન કમિશનની વિરુદ્ધમાં દેખાવો 

એ યુવક એટલે યુસુફ મહેર અલી મર્ચન્ટ. સાયમન કમિશનનો વિરોધ કરીને તેમણે બહુ નાની ઉંમરમાં જ પોતાનું કૌતુક બતાવી દીધું હતું. 'ક્વિટ ઈન્ડિયા'ની જેમ આ નારો પણ યુસુફ મહેર અલીના દિમાગની ઉપજ હતો. સર જ્હોન ઑલ્સબ્રૂક સાયમન નામના અંગ્રેજ અધિકારીની આગેવાનીમાં સાત સભ્યનું એક પ્રતિનિધિમંડળ ભારત આવ્યું હતું. એટલે એ પ્રતિનિધિમંડળને નામ મળ્યું, સાયમન કમિશન. આ કમિશનનો હેતુ ભારતમાં બંધારણીય અને રાજકીય સુધારા કરવાનો હતો, પરંતુ તેમાં એકેય ભારતીયની નિમણૂક કરાઈ ન હતી. એ જ વર્ષે, ૧૯૨૮માં, યુસુફ મહેર અલીએ સ્વતંત્રતા આંદોલનમાં સક્રિય થવા બોમ્બે યુથ લિગની સ્થાપના કરી હતી. આ સંસ્થાના કાર્યકર તરીકે જ તેમણે બોમ્બેના અનેક યુવાનોને સાયમન કમિશનનો વિરોધ કરવા એકજૂટ કર્યા હતા.

સાયમન કમિશનના સભ્યોનો બોમ્બે બંદરે વિરોધ થયો એ સમાચાર આખા દેશમાં જંગલની આગની જેમ ફેલાઈ ગયા, અને, ગાંધીજી સહિત સમગ્ર દેશના હોઠ પર 'સાયમન ગો બેક'નો નારો પહોંચી ગયો. આ ઘટના પછી 'સાયમન ગો બેક'ના નારા સાથે દેશમાં અનેક સ્થળે સાયમન કમિશનનો વિરોધ થયો અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ યુસુફ મહેર અલી નામના જુવાનિયા વિશે પૂછપરછ કરતા થઈ ગયા. ૩૦મી ઓક્ટોબર, ૧૯૨૮ના રોજ સાયમન કમિશનના સભ્યો લાહોર ગયા. ત્યાં કોંગ્રેસના દિગ્ગજ નેતા લાલા લજપત રાયે શાંતિથી વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન લોકો તેમને શાંતિથી સાંભળી રહ્યા હોવા છતાં પોલીસે બેફામ લાઠીચાર્જ કર્યો. એટલું જ નહીં, પોલીસ અધિકારી જેમ્સ સ્કોટના ઈશારે લાલા લજપત રાય પર પણ રીતસરનો 'હુમલો' કર્યો. જોકે, તેમણે ઈજાગ્રસ્ત થઈને પણ ભાષણ ચાલુ રાખીને કહ્યું કે, 'હું જાહેર કરું છું કે, આજે મારા પર થયેલો આ પ્રહાર ભારતમાં બ્રિટીશ રાજના કોફિન પર છેલ્લો ખીલ્લો હશે...'


લાલા લજપત રાય 

એ ઈજા પછી લાલા લજપત રાય ક્યારેય સંપૂર્ણ સાજા ન થયા. ૧૭મી નવેમ્બર, ૧૯૨૮ના રોજ તેઓ હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા. તબીબોના કહેવા પ્રમાણે, તેમના મૃત્યુ માટે લાઠીચાર્જ  પણ જવાબદાર હતો. આ ઘટના પછી જ ભગત સિંહ, રાજગુરુ, સુખદેવ અને ચંદ્રશેખર આઝાદે લાલા લજપત રાયના મૃત્યુનો બદલો લેવા પોલીસ અધિકારી સ્કોટને મારવાનું આયોજન કર્યું હતું. જોકે, તેમણે  ઓળખમાં ભૂલ કરીને સ્કોટના બદલે જ્હોન સોન્ડર્સની હત્યા કરી દીધી. આમ, સાયમન કમિશન વિરુદ્ધ લોકજુવાળ ઊભો કરવામાં યુસુફ મહેર અલીનું પ્રદાન ખૂબ જ મહત્ત્વનું ગણી શકાય.

***

યુસુફ મહેર અલીની વધતી જતી લોકપ્રિયતા અને આક્રમક અભિપ્રાયોને જોઈને બ્રિટીશ રાજ સચેત થઈ ગયું હતું. એ જમાનામાં અનેક રાષ્ટ્રવાદી નેતાઓ વકીલાત કરતા હતા અને બ્રિટીશ રાજ પણ પોતાના વિરોધી નેતાઓને કાયદાની પ્રેક્ટિસ કરતા રોકતું ન હતું. જોકે, બ્રિટીશ રાજે યુસુફ મહેર અલીને પ્રેક્ટિસ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો કારણ કે, તેમને એ યુવકના વિચારો 'જોખમી' લાગતા હતા. સાયમન કમિશન ભારત આવ્યું ત્યારે યુસુફ મહેર અલી બોમ્બેની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી ઈતિહાસ અને અર્થશાસ્ત્રમાં બેચલર ડિગ્રી લઈને સરકારી કોલેજમાં કાયદાનો અભ્યાસ કરી રહ્યા હતા.

સાયમન કમિશન વિરુદ્ધના આંદોલન પછી, ૧૨મી માર્ચ ૧૯૩૦ના રોજ, ગાંધીજીએ દાંડી કૂચ શરૂ કરી. મીઠા જેવી સામાન્ય ચીજની મદદથી આઝાદીના આંદોલન માટે કેવો અસામાન્ય માહોલ સર્જી શકાય છે એ વાતથી ગાંધીજી સારી રીતે વાકેફ હતા. આ દરમિયાન પોલીસે દેશભરમાંથી કોંગ્રેસના ટોચના નેતાઓ સહિત કુલ ૬૦ હજાર લોકોને જેલમાં ધકેલી દીધા. નેતાઓએ લોકોને સવિનય કાનૂન ભંગ અને અસહકારની મદદથી બ્રિટીશ રાજ સામે આંદોલન ચાલુ રાખવાની અપીલ કરી, પરંતુ બ્રિટીશ રાજે એ આંદોલનને  કચડી નાંખવામાં કોઈ કસર ના છોડી. અંગ્રેજો સાથે વાટાઘાટો કરવામાં સામેલ લોકપ્રિય નેતાઓથી માંડીને સામાન્ય પ્રજાની આશાઓ ડૂબી રહી હતી. ત્યારે કોંગ્રેસને ફક્ત એક જ ચીજની જરૂર હતી, સામાન્ય માણસમાં ભારતની આઝાદી માટે આશાઓ ટકાવી રાખવાની. એ કામ પણ યુસુફ મહેર અલીએ બખૂબી કર્યું. કોંગ્રેસના ટોચના નેતાઓનો જનસંપર્ક તૂટી ગયો ત્યારે તેમણે હજારો લોકોને ભેગા કરીને બ્રિટીશ રાજ સામેના વિરોધ પ્રદર્શનો સતત ચાલુ રાખવામાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. યુસુફ મહેર અલીની હિંમતથી નેતાગીરી કરવાની ક્ષમતા અને સફળ આયોજનો કરવાનું કૌશલ્ય આ જ ગાળામાં ખીલ્યું હતું.


દાંડી કૂચ અને બીજા કેટલાક દુર્લભ ફૂટેજ 



વર્ષ ૧૯૩૨માં યુસુફ મહેર અલીને બે વર્ષ નાસિક જેલમાં ધકેલી દેવાયા. ત્યાં તેમનો સંપર્ક વિદ્વાન સમાજવાદી નેતાઓ સાથે થયો અને તેઓ પણ સમાજવાદથી આકર્ષાયા. નાસિક જેલમાંથી ૧૯૩૪માં બહાર આવીને તેમણે જયપ્રકાશ નારાયણ, અશોક મહેતા, અચ્યુત પટવર્ધન, મીનુ મસાણી અને નરેન્દ્ર દેવ જેવા નેતાઓ સાથે કામ શરૂ કર્યું. આ નેતાઓએ કોંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટીની સ્થાપના કરી હતી.  સમાજવાદીઓનો હેતુ કોમી એકતા અને સમાજના તમામ વર્ગના આર્થિક કલ્યાણનો હતો. યુસુફ મહેર અલી યુવાનીથી જ વૈશ્વિક ઈતિહાસ, રાજકીય વ્યવસ્થા અને કાયદાના અભ્યાસુ હતા. ન્યૂયોર્કમાં ૧૯૩૮માં આયોજિત વર્લ્ડ યૂથ કોંગ્રેસમાં ભારત વતી યુસુફ મહેર અલીના પ્રતિનિધિમંડળે ભાગ લીધો. એ પહેલાં તેઓ એકવાર મેક્સિકોમાં વર્લ્ડ કલ્ચરલ કોન્ફરન્સમાં પણ ભાગ લઈ ચૂક્યા હતા. 

આ પ્રવાસોમાં તેમણે અનુભવ્યું કે, પશ્ચિમી દેશોની સરખામણીમાં ભારતમાં રાજકીય, સામાજિક અને આર્થિક માહિતી આપતા સાહિત્યનો દુકાળ છે. આ જગ્યા પૂરવા તેમણે 'લીડર્સ ઓફ ઈન્ડિયા' શ્રેણી હેઠળ અનેક અંગ્રેજી પુસ્તકો લખ્યા. એ પુસ્તકોમાં તેમણે સાંપ્રત પ્રવાહોને પણ વણી લીધા. આ પુસ્તકોના ગુજરાતી, હિંદી અને ઉર્દૂ અનુવાદો પણ પ્રકાશિત થયા. જેલમાં પણ તેમનું વાંચન-લેખનનું કામ ચાલુ રહેતું. યુસુફ મહેર અલીએ 'ધ મોડર્ન વર્લ્ડઃ એ પોલિટિકલ સ્ટડી સિલેબસ', 'ધ પ્રાઈઝ ઓફ લિબર્ટી' અને 'અન્ડરગ્રાઉન્ડ મૂવમેન્ટ' જેવા કુલ પાંચ પુસ્તક લખ્યા. ૧૯૪૨માં તેઓ લાહોર જેલમાં હતા, ત્યારે બોમ્બેના મેયર માટે કોંગ્રેસે તેમનું નામ નોમિનેટ કર્યું. સરદાર પટેલે તેમને મેયર બનાવવા અંગત રસ લીધો હતો. 

***

જેલમાંથી બહાર આવતા જ યુસુફ મહેર અલી ૩૯ વર્ષની ઉંમરે બોમ્બેના સૌથી યુવાન મેયર બન્યા. તેમનો જન્મ ૨૩મી સપ્ટેમ્બર, ૧૯૦૩ના રોજ મૂળ કચ્છના ઉદ્યોગપતિ પરિવારમાં થયો હતો, પરંતુ દેશદાઝથી પ્રેરિત થઈને તેમણે સુખસુવિધાવાળી જિંદગીને લાત મારીને આઝાદીના આંદોલનમાં ઝંપલાવી દીધું હતું. મેયર બન્યા પછી મુંબઈના લોકોને સારામાં સારી મ્યુનિસિપાલિટી સર્વિસ આપીને તેઓ ટૂંક સમયમાં જ અતિ લોકપ્રિય યુવા નેતા તરીકે ઉભર્યા. મેયર તરીકે તેમણે એર રેડ પ્રિકોશન્સ (એઆરપી) યોજના હેઠળ બ્રિટીશ રાજને મ્યુનિસિપાલિટીનું ભંડોળ આપવાનું બંધ કરી દીધું હતું. સંભવિત હવાઈ હુમલા વખતે નાગરિકોના બચાવ કાર્ય પાછળ થતાં ખર્ચને પહોંચી વળવા બ્રિટીશ રાજે એ યોજના શરૂ કરી હતી. બ્રિટીશ રાજની હાસ્યાસ્પદ દલીલ હતી કે, જરૂર પડ્યે એ પૈસા અમે ડૉક્ટરો, એમ્બ્યુલન્સ, ડ્રાઈવરો તેમજ પોલીસ-ફાયર બ્રિગેડ સાથે મળીને કામ કરનારી રેસ્ક્યૂ પાર્ટી પાછળ ખર્ચીશું. યુસુફ મહેર અલી મેયર બન્યા ત્યાં સુધી બ્રિટીશ રાજ આ યોજના હેઠળ બોમ્બે મ્યુનિસિપાલિટીમાંથી રૂ. ૨૪ લાખ ઘર ભેગા કરી દેતું હતું.


યુસુફ મહેર અલી (હાથમાં પુસ્તક સાથે)ના તેમના ઘરમાં અને પાછળ જયપ્રકાશ નારાયણ
તસવીર સૌજન્યઃ લાઈફ મેગેઝિન આર્કાઈવ્સ

આ દરમિયાન 'ક્વિટ ઈન્ડિયા' આંદોલન શરૂ થયું અને કોંગ્રેસના મોટા ભાગના નેતાઓને ફરી એકવાર જેલમાં ધકેલી દેવાયા. એ વખતે યુસુફ મહેર અલીએ ભૂગર્ભ પ્રવૃત્તિઓ શરૂ કરી. અરુણા અસફ અલી, રામ મનોહર લોહિયા અને અચ્યુત પટવર્ધન જેવા નેતાઓને ભેગા કર્યા અને લોકોમાં સ્વતંત્રતા આંદોલનનો જુસ્સો જીવંત રાખવા રચનાત્મક પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખી. 'ક્વિટ ઈન્ડિયા' સૂત્રને ઘરે ઘરે પહોંચાડવા હજારો પતાકા છપાવ્યા અને પત્રિકાઓનું વિતરણ કરીને લોકશિક્ષણનું કામ કર્યું.

છેવટે તેઓ છેલ્લી અને ચોથી વાર જેલમાં ધકેલાયા અને હૃદયરોગના હુમલાનો ભોગ બન્યા. બ્રિટીશ રાજે તેમને સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં ખસેડીને તાત્કાલિક સારવાર આપવાની તૈયારી કરી, પરંતુ તેમણે જેલમાં બંધ બીજા બે સ્વાતંત્ર્ય સેનાનીને પણ પોતાના જેવી જ સારવાર આપવાની માંગ કરી અને સારવાર ના લીધી. ૧૯૪૩માં જેલ મુક્તિ પછી યુસુફ મહેર અલીની તબિયત સતત લથડતી ગઈ. એ વખતે ગાંધીજી અત્યંત વ્યસ્તતા વચ્ચે સતત તેમની તબિયતની પૂછપરછ કરતા અને તેમના લેખો-ભાષણોની પણ ગંભીરતાથી છણાવટ કરતા. 'ગાંધીજીનો અક્ષરદેહ'માં સમાવિષ્ટ અનેક પત્રોમાં આ વાતની સાબિતી મળે છે.

યુસુફ મહેર અલીનું શરીર ખતમ થઈ રહ્યું હતું, પરંતુ જીવન પ્રત્યેનો ઉત્સાહ કાબિલેદાદ હતો. ભારતની આઝાદી પછી હોસ્પિટલોના બિછાને હોવા છતાં તેઓ બોમ્બેના કાલા ઘોડામાં સાંસ્કૃતિક અને સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન કરતા. બીજી જુલાઈ, ૧૯૫૦ના રોજ ૪૭ વર્ષની વયે તેમનું અવસાન થયું ત્યારે ક્યારેય નહીં થંભતું બોમ્બે શહેર રીતસરનું થંભી ગયું હતું. એ દિવસે સ્કૂલ-કોલેજો, મિલો, ફેક્ટરીઓ, ટ્રેન, બસ, ટ્રામ, દુકાનો અને બોમ્બે સ્ટોક એક્સચેન્જનું ટ્રેડિંગ પણ બંધ રહ્યું હતું. 

યુસુફ મહેર અલી નાના આયુમાં મોટું જીવન જીવી ગયા હતા.

નોંધઃ આ લેખનો પહેલો ભાગ અહીં.

1 comment:

  1. તમે બહુ સરસ સંશોધન કરી આવી વાતો પ્રકાશમાં લાવો છો. ૧૯૪૩ મારા જન્મનું વર્ષ. અમારા કુટુમ્બમાં એટલે બધા મને ચળવળિયો કહેતા !

    ReplyDelete