તમે અનેકવાર 'તારક મહેતાના ઉલટા ચશ્મા'ના આત્મારામ તુકારામ ભીડેની અદામાં સાંભળ્યું હશે કે,
'અમારા જમાનામાં તો લોકો
જિમમાં નહીં, અખાડામાં જતા હતા અને દેશી કસરત કરતા હતા.''
આવું બોલનારા મોટા ભાગના
લોકોનો ગર્ભિત ઈશારો એવો હોય છે કે, જિમ કરતા અખાડા સારા. અખાડામાં
બનાવેલી બોડી સારી અને અખાડિયન વધુ શક્તિશાળી હોય વગેરે.
આ પ્રકારના લોકો બીજી પણ
એક બચકાના દલીલ કરતા હોય છે કે, આઝાદીકાળ વખતે અખાડા પ્રવૃત્તિએ યુવાનોને શારીરિક અને
માનસિક રીતે મજબૂત બનાવવાનું કામ કર્યું હતું.
હા કર્યું હતું,
તો શું?
હવે અખાડા છે જ નહીં.
તો યંગસ્ટર્સ કસરત કરવા
જાય ક્યાં? અખાડા શારીરિક અને માનસિક ઘડતર માટેના ઉત્તમ સ્થળ હતા તો ભૂલાઈ કેમ ગયા?
એક જ વાક્યમાં જવાબ આપવો
હોય તો કહી શકાય કે, આપણી સંકુચિત માનસિકતા, વૈજ્ઞાનિક અભિગમનો અભાવ અને આઉટ ઓફ બોક્સ વિચારવાની અસમર્થતાના કારણે અખાડા સમય સાથે કદમ મિલાવી ના શક્યા અને ભૂલાઈ ગયા.
આજે અખાડાની વાત કરવાનું કારણ છે, ક્રોસફિટ. ક્રોસફિટ એક ફિટનેસ રેજિમન એટલે કે પ્રિસ્ક્રાઈબ્ડ
એક્સરસાઈઝ અને ડાયેટ છે, પરંતુ ક્રોસફિટ એક્સરસાઇઝ ફોલો કરતા લોકો ચર્ચમાં જતા હોય
એવી ઊંડી શ્રદ્ધા, એકાગ્રતા અને શાંત ચિત્તે ક્રોસફિટ જિમમાં જાય છે.
એટલે જ એવું કહેવાય છે
કે, ક્રોસફિટ
એ અમેરિકાનો બીજો ધર્મ છે અને તેમનો 'પોપ' ગ્રેગ ગ્લાસમેન છે. પોપ જેવું કલ્ટ સ્ટેટસ મેળવનારા ગ્રેગ ગ્લાસમેન કોઈ સાધુ નથી.
તેઓ પહેલાં જિમ્નાસ્ટ
હતા અને હવે અમેરિકા, યુરોપની ફિટનેસ ઈન્ડસ્ટ્રીની હસ્તી ગણાય છે.
તેમના દિમાગમાં ૧૯૯૬થી
ફિઝિકલ એક્સરસાઈઝની સાયન્ટિફિક તાલીમ આપે એવું જિમ શરૂ કરવાના વિચારો ઘુમતા હતા. છેવટે
૨૦૦૦ની સાલમાં તેણે પત્ની (પૂર્વ) લોરેન જેનાઇ સાથે મળીને 'ક્રોસફિટ' નામની એક કંપનીની સ્થાપના કરી અને એ જ નામનો ટ્રેડમાર્ક
રજિસ્ટર કરાવ્યો. ગ્લાસમેને કેલિફોર્નિયાના સાન્તા ક્રૂઝમાં પહેલું જિમ શરૂ
કર્યું અને થોડા સમયમાં જ વૉશિંગ્ટનના સિએટલમાં પહેલું ક્રોસફિટ એફિલિયેટ જિમ પણ
ખૂલી ગયું. એ પછી ૨૦૦૫ સુધી અમેરિકામાં માંડ ૧૩ ક્રોસફિટ જિમ ખૂલ્યા.
ગ્રેસ ગ્લાસમેન |
અને અત્યારે? અત્યારે દુનિયાના ૧૨૦ દેશમાં ૧૩ હજારથી વધુ ક્રોસફિટ જિમ છે.
અમેરિકામાં પહેલું
સ્ટારબક્સ કાફે ૧૯૭૧માં ખૂલ્યું હતું અને હાલ તેની સંખ્યા ૧૨,૫૦૦ છે. આ આંકડા પરથી સમજી શકાય છે કે,
ક્રોસફિટનો વિકાસ કેટલો
ઝડપથી થઈ રહ્યો છે! ભારતમાં પણ મુંબઈ, દિલ્હી, નોઇડા, ગુરગાંવ, ચંદીગઢ, બેંગલુરુ અને પૂણે સહિતના શહેરોમાં કુલ ૧૫ ક્રોસફિટ જિમ છે. ક્રોસફિટ
જિમમાં ટીપિકલ જિમ જેવી કસરત નથી કરાવાતી, પરંતુ સ્ટેમિના વધે એવી હાઇ ઇન્ટેન્સિટી ઇન્ટવરલ ટ્રેઇનિંગ
અપાય છે. ક્રોસફિટમાં રનિંગ, એરોબિક્સ, પુશ અપ્સ, પુલ અપ્સ, ચિન અપ્સ, રોપ ક્લાઇમ્બિંગ, સ્કીપિંગ (દોરડા કૂદવા), જમ્પિંગ અને સ્ક્વૉટ જેવી સેલ્ફ બોડી વેઇટ (કેલિસ્થેનિક્સ) એક્સરસાઈઝ મુખ્ય છે.
રસપ્રદ વાત એ છે કે, આ બધી એક્સરસાઈઝ બિલકુલ અખાડામાં કરાવાતી કસરતો જેવી જ છે. અખાડામાં પણ ખાડો ખોદવો અને પૂરવો, દોડવું, દંડ મારવા (પુશ અપ્સ),
પુલ અપ્સ, દોરડા કૂદવા, સ્ક્વૉટ (ઉઠકબેઠક) અને ફ્રોગ જમ્પ (જાંઘ અને પેટના સ્નાયુઓ માટે)
જેવી કસરત મુખ્ય છે.
ક્રોસફિટ જિમમાં મોડર્ન
જિમ જેવા ઇક્વિપમેન્ટ પણ નથી હોતા. તેઓ કસરત કરવા ફક્ત ડમ્બેલ્સ, બાર બેલ (વેઇટ લિફ્ટિંગ માટેનું સાધન),
કેટલ બેલ્સ (નાનકડા પર્સ જેવા આકારનું સાધન),
વજનદાર ટાયર,
સ્ટોન બૉલ (પથ્થરના ગોળા) અને યોગા બોલ પર આધાર રાખે છે.
એવી જ રીતે,
અખાડામાં પણ મગદળ,
લાકડાના બ્લોક,
મહાકાય ટાયર અને દોરડાની
મદદથી જ જુદી જુદી કસરત કરાય છે. પ્રાચીન અખાડામાં ટાયરો ન હતા, પરંતુ આજકાલ અખાડામાં
ટાયરની જેમ બીજા પણ કેટલાક મોડર્ન ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરાય છે.
ક્રોસફિટર્સ બાર બેલની વજનદાર પ્લેટને દોરડાથી બાંધીને કમરે ભરાવે છે અને
જિમમાં રાઉન્ડ મારે છે. આ કસરત તેઓ પગના સ્નાયુઓની તાકાત વધારવા,
કાફ મસલ્સ મજૂબત કરવા કરે
છે. અખાડામાં આ જ કસરત જુદા સાધનોથી કરાય છે.
અખાડિયનો લાકડાના વજનદાર
બ્લોકને દોરડાથી બાંધે છે, દોરડું કમરમાં કે છાતી પર રાખે છે અને માટીથી ભરેલા
અખાડામાં ચક્કરો મારે છે. આજકાલ પંજાબ-હરિયાણાના કેટલાક અખાડામાં આ કસરત માટે ટાયરોનો
પણ ઉપયોગ થાય છે. ક્રોસફિટ જિમમાં આવી અનેક કસરત વારાફરથી કરાવાય છે. આ બધી જ
કસરત પૂરી થાય ત્યારે ‘સર્કિટ’ પૂરી થઈ એમ કહેવાય. મોર્ડન ફિટનેસ રેજિમનની ભાષામાં
તેને 'હાઇ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેઇનિંગ'
કહેવાય. અખાડામાં પણ સ્ટેમિના વધારવા બિલકુલ આવી જ રીતે ઉપરાછાપરી
બધી કસરત કરાવાય છે.
આ પ્રકારની હાઇ સ્ટેમિના તાલીમમાં બર્પીઝ નામની કસરત અચૂક કરાવાય છે.
બર્પીઝ એટલે દંડ મારીને
તરત જ ઊભા થઈને કૂદકો મારવાનો અને કૂદકો માર્યા પછી નીચે જઈને ફરી દંડ મારવાનો.
આવી જ કસરત અખાડામાં પણ
કરાય છે, જેને ઊભા દંડ કહેવાય છે. અખાડિયન
દંડ મારીને ઊભો થઈ જાય છે અને ફરી પાછો નીચે જઈને દંડ મારે છે.
બર્પીઝમાં કૂદકો
મારવામાં આવે છે, જ્યારે ઊભા દંડમાં કૂદકો નથી મારવામાં આવતો.
આ કસરતમાં જબરદસ્ત કેલરી
ખર્ચાય છે. પેટના મસલ્સ મજબૂત કરવા, સ્ટેમિના વધારવા અને ઈવન સિક્સ પેક બનાવવામાં પણ આ કસરત અસરકારક
છે. બર્પીઝ દેખાવમાં જેટલી સરળ છે એટલી જ અઘરી છે.
અખાડા અને ક્રોસફિટમાં બીજી
પણ કેટલીક સામ્યતાઓ છે. અખાડિયન માટે અખાડો મંદિરથી કમ નથી. અખાડિયનો અખાડામાં જ
હનુમાનજીની ભક્તિ કરે છે અને અખાડો શરૂ કરતા પહેલાં દીવા-અગરબત્તી પણ કરે છે. એવી
જ રીતે, ક્રોસફિટર્સ માટે તેમનું જિમ ચર્ચ છે.
ક્રોસફિટમાં પણ અખાડા જેવી ગુરુશિષ્ય પરંપરા અસ્તિત્વમાં આવી રહી છે. અમેરિકા
અને યુરોપના ક્રોસફિટ જિમમાં તાલીમ આપતા કોચને ‘ગુરુજી’ જેવો માન-મરતબો મળે છે. આ બધા કોચને ગ્રેસ ગ્લાસમેનની સાયન્ટિફિક એક્સરસાઇઝ અને ડાયેટનો ફેલાવો કરીને લોકોને હેલ્થી લાઇફસ્ટાઇલ આપવાની ફિલોસોફીમાં વિશ્વાસ છે. ગ્લાસમેનનો જન્મ ૨૨મી જુલાઈ,
૧૯૫૮ના રોજ થયો હતો.
તેઓ અત્યારે ૬૧ વર્ષની
આસપાસની ઉંમરના વૃદ્ધ છે, તેમની પાસે હોલિવૂડ સ્ટાર જેવું કરિશ્માઇ વ્યક્તિત્વ નથી
અને સિક્સ પેક બોડી પણ નથી અને છતાં ક્રોસફિટ ફોલો કરતા કોલેજિયનો તેમના ઓટોગ્રાફ
લે છે. વળી,
ગ્લાસમેન કોલેજ ડ્રોપ
આઉટ છે, નાસ્તિક છે અને બિલિયોનેર બિઝનેસમેન પણ નથી, પરંતુ ક્રોસફિટની
સફળતા પછી તેઓ હાવર્ડ બિઝનેસ સ્કૂલ અને હાવર્ડ રિલિજિયન સ્કૂલમાં ભાષણો આપી ચૂક્યા
છે. આ રમૂજ ગણાય કે વિધિની વક્રતા?
હાવર્ડ બિઝનેસ સ્કૂલે વિદ્યાર્થીઓને કંઈક શીખવવા માટે ગ્લાસમેનને ભાષણ કરવાનું
આમંત્રણ આપ્યું હતું. બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓને ક્રોસફિટનું બિઝનેસ મોડેલ ઘણું
રસપ્રદ લાગે છે કારણ કે, કોઈ પણ વ્યક્તિ ક્રોસફિટનું સર્ટિફિકેટ લઈને ક્રોસફિટ
એફિલિયેડ જિમ શરૂ કરી શકે છે. એ માટે એફિલિયેટેડ જિમના માલિકે ક્રોસફિટ કંપનીને
વર્ષે ફક્ત ત્રણ હજાર ડૉલર ચૂકવવાના હોય છે. ક્રોસફિટના બિઝનેસ મોડેલ પરથી એવું
લાગે છે કે, ગ્રેસ ગ્લાસમેનને અત્યારે ફક્ત ક્રોસફિટનો વધુને વધુ ફેલાવો કરવામાં જ
રસ છે. કદાચ ક્રોસફિટના ઝળહળતી સફળતા પાછળ આ સીધુ સાદું બિઝનેસ મોડેલ પણ ઘણું મહત્ત્વનું
છે. ગ્લાસમેન જે કંઈ કમાય છે તેનો મોટા ભાગનો હિસ્સો ક્રોસફિટનો ફેલાવો કરવામાં
ખર્ચી કાઢે છે. આ બધું સમજવા માટે જ તેમને હાવર્ડ બિઝનેસ સ્કૂલમાં આમંત્રણ અપાયું
હતું. એવી જ રીતે, ક્રોસફિટને એક ધર્મની જેમ ફોલો કરાતું હોવાથી ગ્લાસમેનને ધર્મનો
અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સમક્ષ ભાષણ આપવા બોલાવાયા હતા.
અમેરિકામાં એવું કહેવાય છે કે, ક્રોસફિટ 'બાઇકર ગેંગ દ્વારા ચલાવાતો સંપ્રદાય' છે કારણ કે, ક્રોસફિટ જિમની દુનિયા જ કંઈક ખાસ હોય છે. ત્યાં આવતા બધા જ લોકો પાસે જીવનમાં કંઈક લક્ષ્ય હોય છે, જે તેઓ મેડિટેશન જેટલી ગંભીરતાથી કસરત કરીને સિદ્ધ કરે છે. આ લક્ષ્ય પાર પાડવા કોચ (ગુરુ) અને બીજા લોકોની (અનુયાયીઓ) પણ મદદ મળે છે. વળી, ક્રોસફિટમાં જુદી જુદી સ્પોર્ટ્સના એથ્લેટની જેમ ગર્ભવતીઓ, ફિઝિકલી ચેલેન્જડ અને બાળકો માટે પણ સ્પેશિયલાઇઝ એક્સરસાઈઝ હોય છે. કોઈ ટીપિકલ જિમમાં ભાખોડિયા ભરતા બાળકો જોવા નહીં મળે, પરંતુ ક્રોસફિટમાં એ સામાન્ય બાબત છે. ત્યાં બધા જ લોકો બીજાને પણ પોતાના જેવું કરવાની પ્રેરણા આપે છે. એટલે ક્રોસફિટ જિમમાં એક પરિવાર જેવો માહોલ સર્જાય છે. ત્યાં બધા જ સરખા છે. કોઈ જ ભેદભાવ નથી. ક્રોસફિટ જિમમાં દરેક ચેમ્પિયન એથ્લેટ્સ નવાસવા યુવાનોને કે જુનિયર્સને પોતાના જેવા બનવામાં પૂરેપૂરી મદદ કરે છે. ધર્મ કે સંપ્રદાય એટલે એકસરખી શ્રદ્ધામાં વિશ્વાસ કરતા લોકોનું જૂથ કે નેટવર્ક. એટલે એવું પણ કહેવાય છે કે, ધર્મ-સંપ્રદાયો ક્યારેય મૃત્યુ નથી પામતા, ફક્ત પરિવર્તન પામે છે. ક્રોસફિટ આધુનિક ધર્મનું જ એક સ્વરૂપ છે. ટ્રેકિંગ, કેમ્પિંગ, સાયકલિંગ કે રીડિંગ, પોએટ્રી, થિયેટર જેવી એક્ટિવિટી કરતા હાર્ડકોર
ક્રોસફિટના વિકાસ અને સફળતા પાછળ સોશિયલ મીડિયાએ પણ અત્યંત મહત્ત્વની ભૂમિકા
ભજવી છે. દુનિયાભરમાં ખૂલેલા ક્રોસફિટ જિમ ફ્રેન્ચાઇઝી નથી,
પરંતુ સર્ટિફાઇડ
ટ્રેઇનરોનું કન્ફેડરેશન (સંઘ) છે. તેઓ યુ ટ્યૂબ, ટ્વિટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર ક્રોસફિટના ઓથેન્ટિક સોર્સ
પરથી સતત ક્રોસફિટર્સ સાથે સંપર્કમાં રહે છે, નવું શીખે છે અને બીજાને શીખવાડે છે.
કોઈ પણ વ્યક્તિ
ક્રોસફિટની ઓનલાઈન ટ્રેઇનિંગ લઈને સર્ટિફાઇડ ક્રોસફિટ ટ્રેઇનર બની શકે છે. દુનિયામાં
હાર્ડકોર ક્રોસફિટરની સંખ્યા માંડ ૪૦ લાખ છે, પરંતુ દુનિયાભરના ફિટનેસ ફ્રેક યુવાનો સોશિયલ મીડિયામાં સતત
ક્રોસફિટના વીડિયો અને ઈમેજીસ અપલોડ કરતા હોવાથી પણ ક્રોસફિટને લાભ મળી રહ્યો છે.
જેમ કે,
અમદાવાદ,
સુરત કે રાજકોટમાં
ક્રોસફિટ જિમ નથી, પરંતુ ક્રોસફિટની વિવિધ કસરતોનું અનુકરણ કરનારા યુવાનો છે. આવા લોકો જિમમાં કે
મ્યુનિસિપલ ગાર્ડનમાં ક્રોસફિટ જેવી કસરતો કરીને સંતોષ માને છે.
ટૂંકમાં, ક્રોસફિટ જેવા જ વિકાસની સંભાવના અખાડામાં પણ છે.
અખાડિયન માટે અખાડો
ધર્મસ્થળ છે. અખાડિયન ખૂબ જ શ્રદ્ધાથી અખાડામાં આવે છે, સાફસફાઈ કરે છે, કુશ્તી
માટે માટી પાથરીને રિંગ તૈયાર કરે છે, ગુરુ પાસે તાલીમ લે છે, જુનિયર્સને તૈયાર કરે છે અને મંદિરની જેમ દીવો-અગરબત્તી પણ કરે છે. એટલે જ આપણે અખાડાને સંપૂર્ણ સાયન્ટિફિક એપ્રોચ સાથે સજીવન
કરવાની જરૂર છે. આ સાયન્ટિફિક એપ્રોચના અભાવના કારણે જ અખાડિયનની બોડીમાં
ક્રોસફિટર જેવું ફિનિશિંગ કે સ્ટેમિના નથી હોતો. પંજાબ અને હરિયાણામાં એવા અનેક અખાડા છે જ, જ્યાં મેડિકલ સાયન્સ અને ટેક્નોલોજીનો સ્વીકાર કરીને ઓલિમ્પિક કક્ષાના રેસલર તૈયાર કરાઈ રહ્યા છે. ક્રોસફિટ જિમની જેમ અખાડામાં
પણ પુરુષ-સ્ત્રી વચ્ચે કોઈ ભેદભાવ ના હોવા જોઈએ. દાયકાઓ સુધી અખાડામાં પુરુષોનું આધિપત્ય
રહ્યું. અખાડો એટલે પુરુષો જ જઈ શકે એ જૂનવાણી અને સંકુચિત માન્યતા છે.
થેંક્સ ટુ 'દંગલ' અને ‘સુલતાન’ ટીમ. જૂનું એટલું સારું એવું માનનારા લોકો ચોક્કસ કુંડાળામાંથી
બહાર આવીને કશું વિચારતા નથી, પરિવર્તનો સ્વીકારતા નથી અને આવા લોકોના કારણે જ સમૃદ્ધ
પરંપરાઓ પણ નેસ્તનાબૂદ થઈ જાય છે. અખાડા તેનું જ એક ઉદાહરણ છે.
આઝાદી પછી અનેક ક્ષેત્રોમાં આધુનિકતાનો વાયરો ફૂંકાયો.
એ વાવાઝોડામાં આપણે અનેક
બાબતોમાં પરંપરા સાથે આધુનિકતાનો સમન્વય કરીને આપણી સંસ્કૃતિ જીવંત રાખવામાં
નિષ્ફળ રહ્યા. અખાડા સાથે પણ એવું જ થયું, પણ હવે આપણે ક્રોસફિટમાંથી બોધપાઠ લઈને દેશભરમાં અખાડા સજીવન કરી નવી શરૂઆત કરવી જોઈએ.
No comments:
Post a Comment