રુડયાર્ડ કિપલિંગની 'ધ જંગલ બુક'માં મોગલીનો ઉછેર વરુઓના એક ઝૂંડમાં થાય
છે. મોગલીનો
ઉછેર રક્ષા
નામની એક માદા વરુ કરે છે,
જે મોગલીને શેર ખાનથી કેવી રીતે બચવું અને જંગલી કૂતરાઓને કેવી રીતે
ગેરમાર્ગે દોરવા એ શીખવે છે. આ શેર ખાન એટલે રોયલ બેંગાલ ટાઈગર અને મોગલીનો ઉછેર
કરતા વરુ એટલે ઈન્ડિયન ગ્રે વુલ્ફ. (કિપલિંગે મોગલીની વાર્તાઓમાં રોયલ બેંગાલ
ટાઈગરને 'શેર' પરથી શેર ખાન નામ આપ્યું
છે, પરંતુ હિંદીમાં શેરનો અર્થ સિંહ અને બાઘનો અર્થ વાઘ
થાય). મોગલીની વાર્તાઓમાં વરુઓને વાઘનો ભય છે, પરંતુ અસલી જિંદગીમાં પણ
વાઘ-સિંહના કારણે જ વરુઓના માથે ખતરો તોળાઈ રહ્યો છે. 'ધ જંગલ બુક'માં કહેવાયું છે એવી રીતે નહીં પણ જરા જુદી રીતે.
ભારતમાં 'સેવ વાઈલ્ડ લાઈફ'ની વાત આવે એટલે મુદ્દો વાઘ-સિંહ
સુધી આવીને અટકી જાય છે, જેના કારણે ઈકો સિસ્ટમમાં અત્યંત
મહત્ત્વની ભૂમિકા ભજવતા બીજા અનેક સસ્તન પ્રાણીઓ પર 'સરકારી
ધોરણે' પણ ધ્યાન અપાતું નથી. ઈન્ડિયન ગ્રે વુલ્ફ સાથે પણ આવું
જ થયું છે, જે ભારતમાં વરુ જેવા સીધાસાદા નામે ઓળખાય છે. આ
વરુ જ ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડતા હરણ, સસલાં, ઉંદરો, મોટા પક્ષીઓ, પહાડી
બકરા-ઘેંટા વગેરેનો શિકાર કરીને તેમની વસતી કાબૂમાં રાખે છે. ભારતીય સંસ્કૃતિમાં એટલે જ
વરુનો શિકાર કરવો અપશુનિયાળ મનાતો. ખેડૂતો એવું માનતા કે,
વરુનો શિકાર કરવાથી પાક સારો નથી ઉતરતો.
મોગલી અને રક્ષાનું ફિલ્મી દૃશ્ય |
આજકાલ ખેડૂતોની જેમ વરુની સ્થિતિ પણ બદતર છે. ૨૦૦૪માં
કરાયેલા અંદાજ પ્રમાણે, દેશભરમાં વરુઓની વસતી
માંડ બે-ત્રણ હજાર રહી ગઈ છે. આપણી પાસે તેનો પણ ચોક્કસ આંકડો નથી. એક સમયે
ઈન્ડિયન ગ્રે વુલ્ફ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર
પ્રદેશ, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને
આંધ્રપ્રદેશ સુધી ફેલાયેલા હતા. આ જ પ્રજાતિ નેપાળ અને ભુતાનમાં પણ જોવા મળતી હતી
પણ અત્યારે આ પ્રદેશોમાં તે હયાત છે કે નહીં એ વિશે કોઈ માહિતી નથી. ભારત સરકારે ૧૯૭૨માં ઈન્ડિયન
ગ્રે વુલ્ફને ઝડપથી લુપ્ત થઈ રહેલી પ્રજાતિમાં મૂકીને સંરક્ષણ આપ્યું હતું. છેલ્લાં
કેટલાક વર્ષોમાં જંગલો વધુને વધુ પાંખા થઈ રહ્યા છે, જેના કારણે વરુનો ખોરાક ગણાતા
નાના અને મધ્યમ કદના તૃણાહારી પ્રાણીઓની સંખ્યા પણ ઘટી રહી છે. આ સ્થિતિમાં વરુ
કેવી રીતે બચે?
ભારતમાં પશ્ચિમ ઘાટથી
છેક સામે છેડે પૂર્વ ઘાટ સુધી પથરાયેલો વિસ્તાર 'ડેક્કન
પ્લેટો' તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં વરુને બચાવવા સારું કામ થઈ રહ્યું છે. સરકારી નહીં, પણ સ્વૈચ્છિક ધોરણે.
આ વિશે વિગતે વાત કરીએ. તમે હમ્પીનું નામ સાંભળ્યું
હશે. કર્ણાટકમાં આવેલા આ ઐતિહાસિક સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરાઈ છે. ૧૪મી
સદીમાં સોળે કળાએ ખીલેલા વિજયનગર સામ્રાજ્યની રાજધાની હમ્પી હતી. આધુનિક કર્ણાટકના
બેલ્લારી અને કોપ્પલ જિલ્લાના અમુક વિસ્તારમાં હમ્પીના ઐતિહાસિક સ્થાપત્યો
પથરાયેલા છે. દેશી-વિદેશી
પ્રવાસીઓમાં આ સ્થળ ખૂબ લોકપ્રિય છે. રોપ અને હાર્નેસ વિના નાનકડા ખડકો પર ક્લાઇમ્બિંગ કરવાની 'બુલ્ડરિંગ' નામની એડવેન્ચર સ્પોર્ટ્સના કારણે પણ
હમ્પી જાણીતું છે. જોકે, એક વાત બહુ ઓછી જાણીતી છે. અહીંની
વાઈલ્ડ લાઈફ.
વેળાવદરમાં આવેલા બ્લેકબક નેશનલ પાર્કમાં ઈન્ડિયન ગ્રે વુલ્ફ |
હમ્પી નજીક આવેલા
રેલવે સ્ટેશનથી માંડ ત્રીસેક કિલોમીટર દૂર કોપ્પલની વચ્ચે ચારેય તરફ પર્વતમાળા પથરાયેલી છે. આ વિસ્તારમાં સ્લોથ બેર અને
દીપડા સારી એવી સંખ્યામાં વસે છે. હમ્પીની બાજુમાં જ દારોજી બેર સેન્ચુરી છે અને
ત્યાં પણ સ્લોથ બેર જોવા
મળે છે. આ ઉપરાંત અહીંના છુટાછવાયા વેરાન વિસ્તારોમાં
જળ બિલાડી, ચટાપટાવાળા ઝરખ, કાળિયાર, શાહુડી, શિયાળ,
એશિયન પામ સિવેટ (એક પ્રકારની નાની બિલાડી) અને ઈન્ડિયન ગ્રે વુલ્ફ
જોવા મળે છે. પોષણકડીમાં ખૂબ જ મહત્ત્વના મનાતા આ તમામ દુર્લભ સસ્તન પ્રાણીઓની
વસતી અત્યારે ઝડપથી
ઘટી રહી છે. હજુ
એકાદ દાયકા પહેલાં અહીં ધ
ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ નામના પક્ષી પણ ઠેર ઠેર જોવા મળતા. ગુજરાતીમાં આ પક્ષીને આપણે ઘોરાડ
તરીકે ઓળખીએ છીએ. પીળા
રંગનું ગળું ધરાવતી બુલબુલ અને તેતર પણ અહીં જોવા મળતા. જોકે, ખડકાળ વિસ્તારોમાં
ઝાડીઝાંખરા ઘટવાના કારણે આ પક્ષીઓ પણ હવે લુપ્ત થઈ રહ્યા છે.
હમ્પીથી એક કલાકના
અંતરે વેરાન જંગલમાં રાજવી પરિવારની માલિકીની એક લૉજ છે, જે ઈન્દ્રજીત ઘોરપડેનું નિવાસ સ્થાન છે. તેઓ
છ સદીનો ઈતિહાસ ધરાવતા ગજેન્દ્રગઢ રાજવી પરિવારના વંશજ છે. મરાઠી ભાષામાં મોનિટર
લિઝાર્ડ (એક પ્રકારની ઘો) 'ઘોરપડે'
તરીકે ઓળખાય છે, જેના પરથી રાજવી પરિવારને આ
અટક મળી હતી. ઈન્દ્રજીત ઘોરપડે કોપ્પલની વાઈલ્ડ લાઈફના માનદ્ સંરક્ષક છે. તેઓ
ડેક્કન કન્ઝર્વેશન ફાઉન્ડેશન હેઠળ ઈન્ડિયન ગ્રે વુલ્ફ સહિતના સસ્તન પ્રાણીઓને
બચાવવા પ્રયત્નશીલ છે. ઈન્દ્રજીત ઘોરપડે અહીં ફોટોગ્રાફી કે સફારી કરવા આવતા વાઈલ્ડ
લાઈફના રસિયાઓને અંતરિયાળ વિસ્તારમાં ઊંડે સુધી લઈ જઈને સમજાવે ત્યારે અહેસાસ થાય છે કે, વિકાસની દોડમાં જમીન,
પાણી અને હવાના પ્રદૂષણના કારણે અત્યંત સમૃદ્ધ જંગલ વિસ્તારોનો કેવી રીતે સફાયો થઈ રહ્યો છે!
હમ્પીનું વિખ્યાત વિરુપક્ષા મંદિર |
જેમ કે,
થોડા સમય પહેલાં અહીં જંગલી ફૂલો સારા એવા પ્રમાણમાં થતા, જેના કારણે અહીં જાતભાતના પતંગિયા જોવા મળતા, પરંતુ
હવે ફૂલોનું વૈવિધ્ય પણ ઘટી રહ્યું છે. હમ્પીની આસપાસના જંગલોમાં ઝાડીઝાંખરા
ધરાવતા ખડકાળ જંગલો વધારે છે. આ પ્રકારના પ્રદેશોમાં કુરુબા નામની જાતિના
પશુપાલકો ખૂબ મોટી સંખ્યામાં ઘેંટા-બકરા ચરાવતા જોવા મળે,
જે ઈન્ડિયન ગ્રે વુલ્ફનો સૌથી મહત્ત્વનો ખોરાક છે. કદાચ એટલે જ અહીં
ઈન્ડિયન ગ્રે વુલ્ફે રહેવાનું પસંદ કર્યું હશે! ગીરના માલધારીઓ સિંહ સાથે જેવો
સંબંધ રાખે છે, એવો જ સંબંધ અહીંના પશુપાલકોને વરુ સાથે છે. પરંતુ ઘાસિયા મેદાનો ધરાવતા
વેરાન વિસ્તારોને કર્ણાટકની સરકાર 'બહુ
મહત્ત્વનો નહીં એવો વિસ્તાર' ગણીને દુર્લક્ષ સેવે છે. આ કારણસર ત્યાં વસતા સજીવો સરકારી યોજનાઓથી વંચિત રહી જાય
છે. પક્ષીઓ, સરિસૃપો
અને જીવડાંની હજારો પ્રજાતિઓ પણ વાઈલ્ડ લાઈફ છે, એ વાત તો જાણે
સરકાર ભૂલી જ ગઈ છે.
આપણે વરુની વાત કરીએ.
વરુ કોઈ સામાન્ય પ્રાણી નથી. પૃથ્વી પર વિચરતા સૌથી જૂના સસ્તન પ્રાણીઓમાં વરુનો
સમાવેશ થાય છે. હમણાં સુધી એવું મનાતું કે, ભારતમાં
જોવા મળતા ઈન્ડિયન ગ્રે વુલ્ફ યુરેશિયા (યુરોપ-એશિયાને જોડતા પ્રદેશો) અને ઉત્તર અમેરિકામાં
દેખાતા ગ્રે વુલ્ફની જ પેટા પ્રજાતિ છે. જોકે, વિજ્ઞાનીઓની એ માન્યતા પણ ખોટી પડી. તાજેતરના
ડીએનએ સંશોધનો અને વિવિધ અશ્મિઓની શોધ પછી એવું જાણવા મળ્યું કે,
પાછલા ૪૦ હજાર વર્ષમાં ભારતીય વરુનું બીજી કોઈ જાતિ સાથે ક્રોસ
બ્રિડિંગ થયું નથી. એ પછી ગ્રે વુલ્ફની આગળ 'ઈન્ડિયન'
લગાડીને તેની જુદી જાતિ તરીકે નોંધ લેવાઈ. રસપ્રદ વાત એ છે કે, અરેબિયન
ઉપખંડ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં દેખાતા વરુ ગ્રે
વુલ્ફની જ પેટા પ્રજાતિ મનાય છે, પરંતુ ભારતીય વરુ નહીં. એ
પ્રદેશોમાં જોવા મળતા વરુ 'ઈરાનિયન વુલ્ફ' તરીકે ઓળખાય છે, જ્યારે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં જોવા મળતા વરુ 'હિમાલયન
વુલ્ફ' તરીકે ઓળખાય છે. હિમાલયન વુલ્ફ મોટા ભાગે તિબેટિયન
ઉપખંડમાં ફેલાયેલા છે. વરુ આઈસ એજમાં પણ ટકી ગયા હતા કારણ કે, અત્યંત કપરી
સ્થિતિમાં જીવન ટકાવવાની પદ્ધતિઓ શોધી કાઢવામાં તેઓ માહેર છે.
હમ્પીના ખડકો પર બુલ્ડરિંગ |
આ સુંદર જીવ એક સમયે ખેડૂતમિત્ર મનાતા પણ છેલ્લી
બે-ત્રણ સદીમાં તેની ક્રૂરતાપૂર્વક
કત્લેઆમ કરાઈ છે. બ્રિટીશ રાજમાં અંગ્રેજ અધિકારીઓ શિકાર કરવા નીકળે ત્યારે વરુને
નહોતા મારતા, પરંતુ બાદમાં જંગલો ઘટતા વરુ
માનવ વસતી તરફ આવવા લાગ્યા.
વરુના ઢોરો અને બાળકો પર હુમલા વધી ગયા. એક
અંદાજ પ્રમાણે, ૧૮૭૧થી ૧૯૧૬ વચ્ચે
રાજા-મહારાજાઓ, અંગ્રેજો અને સ્થાનિકોએ ફક્ત બક્ષિસ માટે એક
લાખ વરુનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો હતો. ભારત સરકારના આંકડા પ્રમાણે, ૧૮૭૮માં વરુએ ઉત્તર પ્રદેશમાં ૬૨૪ માણસોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. મધ્ય
ભારતમાં ઈસ. ૧૯૦૦માં ૨૮૫ લોકો વરુના હુમલામાં મરી ગયા. ૧૮૭૬માં બિહારમાં ઢોરો અને
માણસો પર વરુના ૭૨૧ હુમલા નોંધાયા. આ હુમલાને પગલે સ્થાનિકોએ ૨,૮૨૫ વરુની હત્યા કરી નાંખી. એ પછીના વર્ષે વરુના ૬૨૪ હુમલા નોંધાયા,
જેની પ્રતિક્રિયા રૂપે
૨,૬૦૦ વરુની હત્યા કરાઈ।
ઈસ. ૧૯૦૦ પછી સતત
વીસેક વર્ષ સુધી ઉત્તર ભારતના વિવિધ વિસ્તારોમાં વરુ સંખ્યાબંધ બાળકોને ઉઠાવી ગયા
અથવા હુમલા કર્યા. આ જ પ્રકારની વાતોમાંથી વરુના ટોળામાં મોટા થયેલા બાળકની
સાચી-ખોટી વાતો ફેલાઈ અને રુડયાર્ડ કિપલિંગે મોગલી નામના મહાન કાલ્પનિક પાત્રનું
સર્જન કર્યું.
રાજા-મહારાજાઓના
સમયમાં ઈન્ડિયન ગ્રે વુલ્ફ ડેક્કન પ્લેટનો આત્મા ગણાતા. આશા રાખીએ કે,
ભારતીય ઉપખંડના સૌથી જૂની ભૌગોલિક રચના ગણાતા આ વિસ્તારનો આત્મા અમર
રહે!
હમ્મેશની જેમ - સરસ સંશોધન લેખ
ReplyDelete