26 January, 2015

રોક ક્લાઈમ્બિંગ કરીને ઈતિહાસ સર્જનારા બે સાહસવીરો


ક્રિકેટમાં લોર્ડ્સ, ટેનિસમાં વિમ્બલડન અને પર્વતારોહણમાં માઉન્ટ એવરેસ્ટ જેવું જ મહત્ત્વ રોક ક્લાઈમ્બિંગની દુનિયામાં કેલિફોર્નિયાના યોસેમાઈટ નેશનલ પાર્કના અલ કેપિટન રોકનું છે. ૯૧૪ મીટર ઊંચા ગ્રેનાઈટના બનેલા આ ધારદાર ખડક પર ચઢાણ કરવું એ દરેક પ્રોફેશનલ ક્લાઈમ્બરનું સપનું હોય છે. અલ કેપિટનની દીવાલ પર શારીરિક સંતુલન ટકાવી રાખવા સતત પ્રેક્ટિસ કરીને તૈયાર કરેલા મજબૂત આંગળા, લાંબા સમય સુધી દર્દ સહન કરી શકે એવા મસલ્સ, યોગ ગુરુ જેવી ફ્લેક્સિબિલિટી અને ઝીરો બોડી ફેટ હોવી જરૂરી છે. એવી જ રીતે, દિવસે ચામડી બાળી દેતી ગરમી અને રાત્રે હાડ થીજાવી દે એવી ઠંડીમાં ખડકની દીવાલો પર હાર નહીં માનીને ટકી રહેવા માનસિક સંતુલન ટકાવી રાખવું પણ એટલું જ જરૂરી છે. અલ કેપિટન પર ક્લાઈમ્બિંગ ટૂલ્સ વિના ચઢાણ કરવું એટલે મોતને તેડું આપવા બરાબર છે, પરંતુ ટોમી કોલ્ડવેલ અને કેવિન જોર્ગેસન નામના બે અમેરિકન સાહસિકોએ સતત ૧૯ દિવસ સુધી ફ્રી ક્લાઈમ્બિંગ કરીને અલ કેપિટનની ટોચ પર પહોંચવાની સિદ્ધિ નોંધાવી છે. નેશનલ જિયોગ્રાફિક જેવી પ્રતિષ્ઠિત ચેનલના નિષ્ણાતોએ ટોમી અને કેવિનની સફળતાને ૨૧મી સદીની રમતજગતની ભવ્યાતિભવ્ય સિદ્ધિ તરીકે બિરદાવી છે.

૩૬ વર્ષીય ટોમી અને ૩૦ વર્ષીય કેવિને રોક ક્લાઈમ્બિંગ માટે દુનિયાના સૌથી અઘરા ખડક પર ૨૭મી ડિસેમ્બર, ૨૦૧૪એ ચઢાણ શરૂ કર્યું હતું અને ૧૪મી જાન્યુઆરી, ૨૦૧૫એ સતત ૧૯ દિવસની શારીરિક અને માનસિક રીતે તોડી નાંખતી સફર પછી તેઓ ટોચ પહોંચ્યા હતા. દુનિયાની સૌથી ઊંચી બુર્જ ખલીફા બિલ્ડિંગ (૮૨૮ મીટર) કરતા પણ ઊંચી અલ કેપિટનની ડૉન વૉલ પર ફ્રી ક્લાઈમ્બિંગ કરીને પહોંચવું અત્યંત જોખમી છે. રોક ક્લાઈમ્બિંગના મુખ્ય ત્રણ પ્રકાર છેઃ એઈડ ક્લાઈમ્બિંગ, ફ્રી ક્લાઈમ્બિંગ અને ફ્રી સોલો. એઈડ ક્લાઈમ્બિંગમાં નાયલોનના દોરડાની નિસરણી તેમજ ખડકોમાં બોલ્ટ વગેરે ફિટ કરીને હાર્ડવેર સપોર્ટ લેવાય છે, જે પ્રમાણમાં સરળ છે. ફ્રી ક્લાઈમ્બિંગમાં ક્લાઈમ્બરની પકડ છટકે તો બચવા માટે સેફ્ટી રોપ હોય છે, પરંતુ ક્લાઈમ્બરો હાર્ડવેર (બોલ્ટ અને અન્ય ટૂલ્સ) સપોર્ટ વિના એકબીજાની મદદથી ચઢાણ કરે છે. ટોમી અને કેવિન આ સ્ટાઈલથી ઉપર સુધી પહોંચ્યા હતા. ફ્રી સોલો સ્ટાઈલમાં દોરડાની મદદ વિના ચઢાણ કરાય છે. આવી રીતે ચઢાણ કરતી વખતે પકડ ઢીલી થાય તો જીવલેણ સાબિત થાય છે. ગમે તેવો ખેરખાં રોક ક્લાઈમ્બર અલ કેપિટનના એક પણ રુટ પર ફ્રી સોલો ચઢાણ કરતો નથી.

ટોમી અને કેવિને આ રુટ પરથી ડૉન વૉલનું ચઢાણ કર્યું હતું

એક અઘરી પિચને પાર પાડવાનો પ્રયાસ કરી રહેલો કેવિન
 
ડૉન વૉલની ભવ્યતા દર્શાવતો એરિયલ વ્યૂ 

ફ્રી સોલો તો ઠીક, ડૉન વૉલ પર અત્યાર સુધી કોઈએ ફ્રી ક્લાઈમ્બિંગ પણ કર્યું નથી. દિવસ અને રાતના તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર થતો હોય ત્યારે દિવસો સુધી ફ્રી ક્લાઈમ્બિંગ કરીને ટોચ પર પહોંચવું આ સિદ્ધિ પહેલાં અશક્ય મનાતું હતું. ઉત્તરાયણમાં એક-બે દિવસ ધાબામાં ગાળ્યા પછી મ્હોં અને હાથ-પગની ચામડી તેમજ માંજાના કારણે આંગળીઓના કેવા હાલહવાલ થાય છે એ આપણે ઘણી વાર અનુભવ્યું છે, તો પછી સતત ૧૯ દિવસ સુધી ખડકોની ધાર પર આંગળી અને પગના ટેરવાની તાકાતથી ત્રણ હજાર ફૂટનું ચઢાણ કરવું કેટલું કઠિન હોય એ સમજી શકાય એમ છે. થોડી ઘણી પ્રેક્ટિસ પછી ઝડપથી જાડી થઈ જતી ચામડી રોક ક્લાઈમ્બિંગમાં આશીર્વાદ સમાન છે કારણ કે, આવી ચામડીની મદદથી ક્લાઈમ્બર ખડકની ધાર પર આંગળી રાખીને સમગ્ર શરીરનું સંતુલન રાખી શકે છે અને દર્દ પણ ઓછું થાય છે. જોકે, ગમે તેવી ચામડી દિવસની સખત ગરમી અને રાતની ભયાનક ઠંડીમાં જવાબ દઈ દે છે. આ માટે તે બંને રોક ક્લાઈમ્બરો રાત્રે બે-ત્રણ વાર ઉઠીને આંગળીઓ પર લોશન લગાવી લેતા હતા.

સામાન્ય રીતે રોક ક્લાઈમ્બરો યોસેમાઈટ નેશનલ પાર્કમાં ઊનાળા સિવાય કોઈ મોટા સાહસ કરતા નથી. અહીં રોક ક્લાઈમ્બિંગ માટે મેથી ઓક્ટોબર શ્રેષ્ઠ સમય મનાય છે. જોકે, ટોમી અને કેવિને છ વર્ષ પહેલાં નવેમ્બરમાં અલ કેપિટનની ખડકાળ દીવાલ ખૂંદવાની શરૂઆત કરી હતી, પરંતુ તેમણે અનુભવ્યું કે નવેમ્બરમાં પણ દસ-પંદર દિવસ સુધી ચઢાણ કરવા માટે ખડકો ઘણાં ગરમ કહેવાય. છેવટે તેમણે દિવસની ગરમીથી બચવા જાન્યુઆરીની રાત્રિઓમાં હેડ લેમ્પની મદદથી ડૉન  વૉલ પર ચઢાણ કરવાનું નક્કી કર્યું. ક્લાઈમ્બિંગ માટે ઠંડુ વાતાવરણ વધારે અનુકુળ છે કારણ કે, ઠંડા વાતાવરણમાં હથેળીમાં પરસેવો નહીંવત થતો હોવાથી પકડ મજબૂત રહે છે. ટોમી અને કેવિન ચઢાણ કરતા પહેલાં હાથનો પરસેવો અને ખડકોની ઝીણી ધૂળ સાફ કરવા હથેળીમાં આલ્કોહોલ ઘસતા. આલ્કોહોલના કારણે ખડકની સપાટી પર બાઝી ગયેલા ભેજનું બાષ્પીભવન થઈ જતું અને ટેરવાની પકડ વધુ મજબૂત બનતી. હાથ આલ્કોહોલથી સાફ કર્યા પછી જ તેઓ ક્લાઈમ્બિંગ ચોક (શુદ્ધ મેગ્નેશિયમ કાર્બોનેટ) હાથમાં ઘસતા. ખડકની પાતળી ધાર પર પકડ મજબૂત રાખવા ક્લાઈમ્બિંગ ચોક જરૂરી હોય છે, પરંતુ તેનાથી આંગળીઓની ચામડી સૂકાઈ ના જાય એનું પણ એટલું જ ધ્યાન રાખવું પડે છે. ચામડી સૂકાઈને ફાટી જાય તો ચઢાણ થઈ શકતું નથી અને પકડ ઢીલી થઈને અકસ્માત થવાની શક્યતા વધી જાય છે.

ટોમી (આગળ) અને કેવિન આવી રીતે આરામ કરી લેતા હતા

મજબૂત ટેપિંગ માટે આંગળી પર જ સુપર ગ્લૂનો ઉપયોગ કરતો કેવિન

ગ્રેનાઈટના ધારદાર ખડકોથી ફાટેલી ચામડી ઝડપથી સાજી થાય એ માટે ટોમી અને કેવિન ગ્રેપ-સિડ ઓઈલ, મીણ અને વિટામિન ઈ નો ઉપયોગ કરતા. ફાટેલા ટેરવાને વધુ ઈજાથી બચાવવા તેમજ આંગળીઓની ફ્લેક્સિબિલિટી જળવાઈ રહે એ માટે તેઓ એથ્લેટિક ટેપ (અસલી ચામડી જેવી જ અનુભૂતિ કરાવે એવી પાતળી પણ મજબૂત ટેપ)નો ઉપયોગ કરતા હતા, પરંતુ સતત ઘસારાથી આ ટેપ પણ ઉખડી જતી અને તેમની પકડ ઢીલી થઈ જતી. વળી, ટોમી અને કેવિને દિવસો સુધી ચઢાણ કરવાનું હોવાથી કસીને ટેપિંગ કરી શકતા ન હતા કારણ કે, આમ કરવાથી આંગળીઓમાં લોહીનો પ્રવાહ બંધ થઈ જવાનો ભય હતો. આ કારણોસર ટેપ ચોંટાડવા તેઓ આંગળીઓ પર જ સુપર ગ્લૂનો ઉપયોગ કરતા હતા. રોક ક્લાઈમ્બિંગમાં ટેપ ચોંટાડવાનું પણ શાસ્ત્ર હોય છે અને બંને ક્લાઈમ્બરે સ્થિતિને અનુરૂપ જુદી જુદી ટેપિંગ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. ટેપિંગ યોગ્ય રીતે ના થયું હોય તો સંતુલન રાખવામાં મુશ્કેલી પડે છે અને ખડકો પર હાથ, પગ, ખભા અને કમર લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં રહે ત્યારે જે સ્નાયુઓને શ્રમ પડે ત્યાં લેક્ટિક એસિડ જમા થાય છે. આ એસિડ અસહ્ય દર્દ સર્જે છે. ટોમી અને કેવિને સખત થાક પછી સૂઈ જવા પોર્ટાલેજિસ (દીવાલ પર લટકાવીને તેમાં સૂઈ શકાય એવો તંબૂ)નો ઉપયોગ કરતા હતા. રોક ક્લાઈમ્બિંગને લગતી આવી કોઈ પણ નાનકડી બાબતમાં ગાફેલ રહેવાથી જીવલેણ અકસ્માત અથવા સમગ્ર મિશન નિષ્ફળ જવાની શક્યતા હતી.

આટલા દિવસો સુધી શારીરિક અને માનસિક સંતુલન ટકાવી રાખવા ટોમી અને કેવિન પાસે ખોરાક અને પાણીનો સંગ્રહ કરવા ભારેખમ બેગ પણ હતી, જે જથ્થો તેમને તળેટીમાંથી પોતાની ટીમ તરફથી મળતો હતો. આ પ્રકારની મુશ્કેલીઓ વચ્ચે ટોમી અને કેવિને ડૉન વૉલની ભૂગોળ સામે પણ બાથ ભીડવાની હતી. ઊભી તિરાડો ધરાવતા ખડકોમાં ક્લાઈમ્બિંગ કરવું પ્રમાણમાં સરળ હોય છે કારણ કે, તેમાં હાથ અને પગ જમાવીને આગળ વધી શકાય છે, પરંતુ ડૉન વૉલ સીધીસટ્ટ છે. તિરાડો ધરાવતા ખડકોને જમીન પરથી બાઈનોક્યુલરથી અભ્યાસ કરીને રુટ નક્કી કરી શકાય છે પણ  ડૉન વૉલના એકદમ સીધા ખડકો પર આવું શક્ય નથી. સીધા ખડકો પર અધવચ્ચે પહોંચ્યા પછી આગળ જવાનો રસ્તો શોધવો ભારે પડી શકે છે. આ સ્થિતિમાં ચઢાણ વખતે ખડકોને સમજીને આગળ વધવાની અને કેવિનને ગાઈડ કરવાની જવાબદારી ટોમીએ બખૂબી નિભાવી છે. કદાચ એટલે જ આ સિદ્ધિનો પહેલો શ્રેય ટોમીને અપાય છે. ટોમી અને કેવિને ફ્રી ક્લાઈમ્બિંગ વખતે જેનો ઉપયોગ કરાય છે એ સેફ્ટી રોપનો ઉપયોગ કર્યો હતો, પરંતુ બેમાંથી એકેય ક્લાઈમ્બરે ૧૯ દિવસમાં એકપણ વાર પકડ છોડીને લટકી જવા તેનો ઉપયોગ કર્યો ન હતો. નેશનલ જિયોગ્રાફિકે તો ટોમી કોલ્ડવેલને અત્યારથી જ વર્ષ ૨૦૧૫નો 'એડવેન્ચરર ઓફ ધ યર' ખિતાબ આપી દીધો છે.

રોક ક્લાઈમ્બિંગ અને ડૉન વૉલ વિશે આટલું જાણ્યા પછી તમને ખ્યાલ આવી ગયો હશે કે, આ બંને સાહસિકોની સફળતાને ૨૧મી સદીની રમત જગતની ભવ્યાતિભવ્ય સિદ્ધિ કેમ ગણવામાં આવે છે!

એક આંગળી કપાઈ ગયા પછીયે સિદ્ધિના શિખરો સર કર્યા

અમેરિકાના કોલોરાડોનો રહેવાસી ટોમી કોલ્ડવેલ ફક્ત ત્રણ વર્ષની વયે રોક ક્લાઈમ્બિંગ શરૂ કરીને, ૧૬ વર્ષની વયે દિગ્ગજ ક્લાઈમ્બરોને હરાવીને નેશનલ રોક ક્લાઈમ્બિંગ ચેમ્પિયન બન્યો હતો. વર્ષ ૧૯૯૯માં અહીંના જ એક રુટ પર ટોમીએ ફ્રી ક્લાઈમ્બિંગ કર્યું હતું, પરંતુ આ રુટ ડૉન વૉલ જેટલો અઘરો ન હતો.  ડૉન વૉલ પર ફ્રી ક્લાઈમ્બિંગ કરવાની લાલચમાં ટોમીએ અહીંના ૧૩માંથી ૧૧ રુટ પર ફ્રી ક્લાઈમ્બિંગ કર્યું છે. એકવાર તો તેણે ફક્ત પ્રેક્ટિસ ખાતર ૨૪ કલાકમાં બે રુટ પર સફળતાપૂર્વક ફ્રી ક્લાઈમ્બિંગ કર્યું હતું. આ દરમિયાન વર્ષ ૨૦૦૧માં ટોમીએ એક અકસ્માતમાં ડાબા હાથની પહેલી આંગળી ગુમાવી દીધી હતી. એક ક્લાઈમ્બર માટે પહેલી આંગળી શું હોય છે એ ટોમી સારી રીતે જાણતો હતો. તબીબો આંગળી ચોંટાડી શકવા સક્ષમ હતા, પરંતુ એ પછી તે ક્લાઈમ્બિંગ ના કરી શકે એવું તબીબોનું કહેવું હતું. બસ વાત ખતમ. ટોમી આંગળી ચોંટાડવાની ના પાડે છે અને પાંચ જ મહિના પછી અલ કેપિટનની ત્રણ હજાર ફૂટ ઊંચી સેલેથ વૉલ પર ૨૪ કલાકથી ઓછા સમયમાં ફ્રી ક્લાઈમ્બિંગ કરે છે. ટોમીએ ફક્ત પ્રેક્ટિસ માટે કરેલા આવા અનેક અખતરા વિશ્વ વિક્રમ તરીકે નોંધાઈ ગયા છે. વર્ષ ૨૦૦૭માં ટોમી અને બેથ રોડન (એ પણ લિજેન્ડ મહિલા રોક ક્લાઈમ્બર છે)ના છુટાછેડા થાય છે. બેથથી છુટા પડીને અત્યંત વ્યથિત ટોમીને લાગતું હતું કે, હવે તે ડૉન વૉલનું ચઢાણ નહીં કરી શકે.

ટોમી કોલ્ડવેલ અને કેવિન જોર્ગેસન
રેબેકા અને ટોમી તેમના પુત્ર સાથે

આ દરમિયાન વર્ષ ૨૦૦૮માં 'ધ પ્રોગ્રેસન' નામની ક્લાઈમ્બિંગ ડોક્યુમેન્ટ્રી બનાવવા તે નેશનલ જિયોગ્રાફિકના એક પ્રોજેક્ટ સાથે સંકળાય છે, જેને કલ્ટ ક્લાસિક સ્પોર્ટ્સ ફિલ્મનો દરજ્જો મળ્યો છે. આ ડોક્યુમેન્ટ્રી યોસેમાઈટ નેશનલ પાર્કથી થોડે દૂર સાન્તા રોઝામાં જન્મેલો અને ઉછરેલો કેવિન જોર્ગેસન જોવે છે અને ટોમીને ઈ-મેઈલ કરીને પોતાની સાથે ડૉન વૉલનું સાહસ કરવા વિનંતી કરે છે. વર્ષ ૨૦૦૯ સુધી તો કેવિને અલ કેપિટનના એક પણ ખડક પર સામાન્ય ચઢાણ સુદ્ધાં કર્યું ન હતું. જોકે, કેવિને ફક્ત ૧૧ વર્ષે જિમ્નેશિયમમાં રોક ક્લાઈમ્બિંગ શરૂ કર્યું હતું અને તે પણ ૧૬ વર્ષે ઈનડોર ક્લાઈમ્બિંગ ચેમ્પિયન બન્યો હતો. ૧૬મા જન્મ દિવસે કેવિને ડૉન વૉલની મુલાકાત લીધી હતી અને ત્યાર પછી તે દર જન્મ દિવસે ત્યાં જાય છે. બીજી તરફ, ટોમીના જીવનમાં રેબેકા પિશ નામની યુવતી આવી. એ યુવતી રોક ક્લાઈમ્બિંગ વિશે કશું જાણતી નહોતી, પરંતુ ટોમીને ડૉન વૉલ પ્રોજેક્ટ માટે પ્રોત્સાહિત કરવા તેણે પણ રોક ક્લાઈમ્બિંગ શરૂ કર્યું. રેબેકા ટોમીનું મન બીજે વાળીને તેને દુઃખ-આઘાતની લાગણીમાંથી બહાર લાવવા ઈચ્છતી હતી. તેણે જ ટોમીને કેવિન સાથે ડૉન વૉલ પ્રોજેક્ટ પૂરો કરવા પ્રોત્સાહિત કર્યો હતો. એ વખતે ટોમીએ પણ અનુભવ્યું કે, કેવિન જેવા તરવરિયા યુવાનને તૈયાર કરવાની આ જ તક છે. છેવટે ટોમી અને કેવિને ૨૭મી ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ ડૉન વૉલનું ચઢાણ શરૂ કર્યું અને એ પછી જે કંઈ થયું તે ઈતિહાસ છે.

ટોમીએ આતંકવાદીઓનો પણ સામનો કર્યો હતો

રોક ક્લાઈમ્બિંગની દુનિયામાં લિવિંગ લિજેન્ડનું બિરુદ મેળવી ચૂકેલા ટોમી કોલ્ડવેનના જીવનમાં એક રસપ્રદ ઘટના બની હતી. વર્ષ ૨૦૦૨માં ટોમી કોલ્ડવેલ, જ્હોન ડિકી, જેસન સ્મિથ અને બેથ રોડન (એ વખતે ગર્લફ્રેન્ડ) કિર્ગિસ્તાનના પહાડોમાં રોક ક્લાઈમ્બિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન અક્સુ વેલીમાં ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઉઝબેકિસ્તાનના આતંકવાદીઓએ તેમને બંદી બનાવી લીધા. આ દરમિયાન આતંકવાદીઓ અને કિર્ગિસ્તાનના લશ્કર વચ્ચે જોરદાર અથડામણ થઈ. આ અફડાતફડીમાં ચારેય ક્લાઈમ્બર સાથે ફક્ત એક જ આતંકવાદી રહ્યો. છેવટે છ દિવસની રઝળપાટથી ત્રાસેલા ટોમીએ ટોમી એક દિવસ લાગ જોઈને એ આતંકીને ખડકની ધાર પરથી ખાઈમાં ફેંકી દીધો, અને, ત્રણેય સાથીદારોને ૨૯ કિલોમીટરનું અંતર કાપીને સુરક્ષિત સ્થળે લઈ ગયો. જોકે, જંગલની બહાર નીકળ્યા પછી એક માણસની હત્યા કર્યાની લાગણીથી ટોમી અત્યંત દુઃખી થઇ ગયો, પરંતુ તેને એક દિવસ સમાચાર મળ્યા કે, જે આતંકવાદીને તેણે ધક્કો માર્યો હતો તે હજુ જીવિત છે. આ સમાચાર સાંભળીને સૌથી વધારે ખુશ ટોમી થયો હતો. 

No comments:

Post a Comment