25 June, 2018

ઉ. કોરિયા : કિડનેપિંગ, ફિલ્મ ઓર ધોખા


અત્યાર સુધી દુનિયાના અનેક દેશોના વડાઓએ સિંગાપોરની મુલાકાત લીધી હશે, પરંતુ ઈતિહાસમાં આજ સુધી ક્યારેય કોઈ નેતાને આવકારવા સિંગાપોરની ગલીઓમાં આટલા લોકો જમા નથી થયા. આપણા મહાન નેતાને આદર આપવા લોકો રસ્તા પર ઊભરાઈ રહ્યા છે. આપણા પૂજનીય નેતા તેમની અસામાન્ય રાજકીય કુનેહથી જટિલ વૈશ્વિક રાજકારણને યોગ્ય દિશામાં લઇ જઇ રહ્યા છે...

પ્રશંસાથી ફાટ-ફાટ થઇ રહેલા શબ્દો ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન માટે કહેવાયા છે. ઉત્તર કોરિયાએ પોતાના 'મહાન' નેતા અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની 'ઐતિહાસિક' મુલાકાત વિશે ૪૨ મિનિટની ડોક્યુમેન્ટ્રી બનાવી છે. કોરિયન સેન્ટ્રલ ટેલિવિઝને બનાવેલી આ શોર્ટ ફિલ્મમાં કિમ જોંગ ઉનના એટલા બધા વખાણ કરાયા છે કે, 'ખુશામત' શબ્દ પણ ઓછો પડે. મૂળ કોરિયન વોઇસ ઓવરમાં બનાવેલી આ ફિલ્મ યૂ ટ્યૂબ પર અંગ્રેજીમાં પણ જોવા મળે છે. તેમાં કિમ જોંગ ઉનને 'વેરી ટેલેન્ટેડ' કહેનારા ટ્રમ્પને પણ 'કુશળ' નેતા તરીકે રજૂ કરાયા છે. ચીવટપૂર્વક એડિટ કરાયેલી આ ફિલ્મમાં કિમ જોંગ ઉન બોલતા હોય ત્યારે ટ્રમ્પ ધ્યાનથી સાંભળતા હોય અને ક્યારેક હકારમાં માથું હલાવતા હોય એવા ‘રમૂજી’ દૃશ્યો પણ જોવા મળે છે.



એક સમયે કિમ જોંગને 'રોકેટ મેન' કહીને ઉત્તર કોરિયાને ખેદાનમેદાન કરી નાંખવાની ધમકી આપનારા ટ્રમ્પ માટે હવે તેઓ 'રોક સ્ટાર' કહે છે. એવી જ રીતે, ટ્રમ્પને 'માનસિક રીતે વિકૃત અમેરિકન ડોસો' કહેનારા કિમ જોંગ માટે ટ્રમ્પ હવે 'રિસ્પેક્ટેબલ ફ્રેન્ડ' છે.

***

કિમ જોંગ ઉનને ફિલ્મોનું વળગણ વારસામાં મળ્યું છે. તેમના પિતા કિમ જોંગ ઇલે ઉત્તર કોરિયાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવા એવું પરાક્રમ કર્યું હતું, જે આજેય ઉત્તર કોરિયાના સરમુખત્યારશાહી ઈતિહાસનું સૌથી બદનામ પ્રકરણ છે. વિગતે વાત કરીએ. 

સિત્તેરના દાયકામાં ઉત્તર કોરિયાના સર્વસત્તાધીશ નેતા કિમ ઇલ સંગ હતા. ૧૯૪૮માં ઉત્તર કોરિયાનું સર્જન થયું ત્યારથી તેઓ ઉત્તર કોરિયામાં 'રાજ' કરી રહ્યા હતા. કિમ ઇલ સંગ ચાર દાયકાથી પણ વધુ સમય સુધી સર્વોચ્ચ પદે રહીને શાસન કરનારા વિશ્વના એકમાત્ર બિન-રાજવી (નોન-રોયલ) નેતા છે. કિમ ઇલ સંગે બે લગ્ન કર્યા હતા, જે થકી તેમને છ સંતાન હતા. આ સંતાનોમાં સૌથી મોટા અને અત્યંત મહત્ત્વાકાંક્ષી પુત્ર કિમ જોંગ ઇલની ઉત્તર કોરિયામાં ફેં ફાટતી હતી. કિમ જોંગ ઇલે ૧૯માં ફક્ત ૨૫ વર્ષની ઉંમરે જ પિતાની મંજૂરીથી ઉત્તર કોરિયાનું સૌથી મહત્ત્વનું ગણાતું પ્રોપેગેન્ડા એન્ડ એજિટેશન ડિપાર્ટમેન્ટ (બોલો, ત્યાં આવું પણ સત્તાવાર ખાતું છે) સંભાળી લીધું હતું. આ વિભાગ હેઠળ ઉત્તર કોરિયાની સરકાર ફિલ્મો, નાટકો અને પુસ્તક પ્રકાશન કરીને લોકોમાં દેશપ્રેમ અને રાષ્ટ્રવાદનું તત્ત્વ જળવાઈ રહે તેનું બરાબર ધ્યાન રાખતી.

૧૯૪૮માં ઉત્તર કોરિયાની રચના થઇ ત્યારથી ૧૯૯૪ સુધી મૃત્યુપર્યંત
શાસન કરનારા કિમ ઇલ  સંગ (ડાબે) અને તેમના પુત્ર કિમ જોંગ ઇલ

આ વિભાગનું કામ હાથમાં લેતા જ કિમ જોંગ ઇલના શેતાની દિમાગમાં એક વિચાર ઝબક્યો. કિમ જોંગ ઇલ ઉત્તર કોરિયાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવવા ઈચ્છતો હતો. એ માટે તેને સિનેમાની આર્ટ અને બિઝનેસનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા ફિલ્મ સર્જકોની જરૂર હતી. પાડોશી દેશ દક્ષિણ કોરિયા દુનિયા સાથે જોડાયેલું હોવાથી ત્યાં ખૂબ સારી ફિલ્મો બનતી અને દુનિયાભરમાં વખણાતી પણ ખરી. સિનેમાનું બહોળું જ્ઞાન ધરાવતા કિમ જોંગ ઇલને આ વાત ખૂબ જ ખૂંચતી. તેની પાસે હોલિવૂડ અને હોંગકોંગની વીસેક હજાર ફિલ્મોનું કલેક્શન હતું. શોન કોનેરી અને એલિઝાબેથ ટેલર તેના પ્રિય કલાકારો હતા. ૧૯૭૩માં તેણે 'આર્ટ ઓફ સિનેમા' નામનું પુસ્તક પણ લખ્યું હતું. કિમ જોંગ ઇલના પુત્ર કિમ જોંગ ઉન આજેય આ પુસ્તકમાં રજૂ કરાયેલી 'પ્રચારની થિયરી'નો કલા અને સિનેમા ક્ષેત્રે ચુસ્ત અમલ કરે છે.

એ વર્ષોમાં દક્ષિણ કોરિયામાં શીન સાંગ-ઓક સૌથી પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર હતા. અગાઉ તેમણે ચોઇ ઇયુન-હી ઉર્ફ મેડમ ચોઇ નામની દક્ષિણ કોરિયાની અભિનેત્રી સાથે લગ્ન કર્યા હતા. કોરિયન ઉપખંડ, હોંગકોંગ અને ચીન જેવા દેશોમાં પણ તે સૌથી ગ્લેમરસ દંપતિ ગણાતું. આ દંપતિએ શીન સ્ટુડિયો હેઠળ બનાવેલી અનેક ફિલ્મો દક્ષિણ કોરિયામાં અને દુનિયાભરના ફિલ્મ ફેસ્ટિવલોમાં વખણાઈ હતી. જોકે, ૧૯૭૬માં શીન સાંગ-ઓકના અન્ય એક અભિનેત્રી સાથેના સંબંધથી બે બાળક હોવાની વાત બહાર આવતા ચોઇએ તેમની સાથે છૂટાછેડા લઇ લીધા હતા.

કિમ જોંગ ઇલે મનોમન નક્કી કર્યું કે, આ બંનેનું અપહરણ કરીને ઉત્તર કોરિયા લઇ આવીએ તો આપણે પણ ઉત્તમ ફિલ્મો બનાવી શકીએ. કિમ જોંગ ઇલના આદેશ પ્રમાણે ઉત્તર કોરિયાના જાસૂસોએ ૨૨મી જાન્યુઆરી, ૧૯૭૮ના રોજ હોંગકોંગના રિપલ્સ બે એરિયામાંથી ચોઇનું અપહરણ કરી લીધું. ચોઇ અચાનક ગાયબ થઇ જતાં હોબાળો મચી ગયો, પરંતુ કોઈ જાણતું ન હતું કે તેઓ ક્યાં છે. કિમ જોંગ ઇલે ચોઇને ઉત્તર કોરિયાના દરિયા કિનારાના નામ્પો શહેરમાં લાવવાનો હુકમ કર્યો હતો. નામ્પોમાં ચોઇને એક ભવ્ય વિલામાં બંદી બનાવી લેવાયા, પરંતુ તેમને એક અભિનેત્રીને છાજે એવી તમામ સુખસુવિધા અપાઈ.

કિમ જોંગ ઇલ વૃદ્ધાવસ્થામાં પોતાના પુત્ર અને ઉત્તર કોરિયાના
વર્તમાન શાસક કિમ જોંગ ઉન સાથે

ચોઇ તો કોરિયાની લોકસંસ્કૃતિ, ઇતિહાસ અને ભૂગોળથી સારી રીતે વાકેફ હતા જ, પરંતુ કિમ જોંગ ઇલની આગેવાનીમાં તેમને સમગ્ર ઉત્તર કોરિયાનો પ્રવાસ કરાવાયો. રાજધાની પ્યોંગયાંગના સ્મારકો, મ્યુઝિયમો અને અન્ય મહત્ત્વના સ્થળો બતાવાયા. કિમ જોંગ ઇલે પોતાના પિતા અને ઉત્તર કોરિયાના તત્કાલીન સર્વસત્તાધીશ કિમ ઇલ સંગની સિદ્ધિઓનું જ્ઞાન આપવા ચોઇ માટે એક ખાસ શિક્ષકની નિમણૂક કરી. કિમ જોંગ ઇલ ચોઇને અવારનવાર ફૂલો, બ્રાન્ડેડ કોસ્મેટિક્સ અને જાપાનીઝ લોન્જરી મોકલતો અને હાઇફાઇ પાર્ટી યોજે ત્યારે 'આઇ કેન્ડી' તરીકે તેને સાથે રાખતો. એટલું જ નહીં, ચોઇ ઉત્તર કોરિયા માટે સારામાં સારી ફિલ્મો બનાવશે એવી આશામાં ફિલ્મ, મ્યુઝિક શૉ અને ઓપેરા જોવા પણ લઇ જતો.

શીન સાંગ-ઓકે પણ ચોઇને શોધવાના પ્રયાસ કર્યા, પરંતુ તેમનો પતો ન મળ્યો. થોડા સમય પછી શીન સાંગ-ઓકના શીન સ્ટુડિયોનું લાયસન્સ પણ રદ થઇ ગયું. આ સ્થિતિમાં તેમણે દુનિયાના ઘણાં દેશોમાં ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો, જેથી તેઓ રેસિડન્ટ વિઝા લઇને સ્થાયી થઇ શકે. એ પછી શીને પણ બીજા લગ્ન કરી લીધા. આ રીતે છ મહિના વીતી ગયા. આ દરમિયાન શીન પણ કોઈ કામ માટે હોંગકોંગ ગયા અને કિમ જોંગ ઇલે તેમનું પણ અપહરણ કરાવી લીધું. શીનને ચોઇની જેમ ભવ્ય વિલામાં રહેવાની વ્યવસ્થા કરીને ફિલ્મો બનાવવાનો હુકમ કરાયો. જોકે, નજરકેદમાં રહીને ફિલ્મ બનાવવાની તેમણે ચોખ્ખી ના પાડી અને બે વાર ભાગવાનો પણ પ્રયાસ કર્યો. આ કારણસર કિમ જોંગ ઇલે તેમને બે વર્ષથી વધુ સમય જેલમાં ધકેલી દીધા હતા.

કિમ જોંગ ઇલ (ડાબે)ની સાથે ચોઇ ઇયુન-હી અને શીન સાંગ-ઓક

કિમ જોંગ ઇલે જેલમાં જ શીન સાંગ-ઓકને 'ઉત્તર કોરિયાના મૂલ્યો'ની તાલીમ આપવાની વ્યવસ્થા કરી. શીનને ધીરજપૂર્વક સમજાવવામાં આવ્યું કે, તેમનું અપહરણ કરીને ઉત્તર કોરિયા કેમ લાવવામાં આવ્યા છે? છેવટે ૧૯૮૩માં કિમ જોંગ ઇલે એક ભવ્ય ડિનર પાર્ટીનું આયોજન કર્યું. એ પાર્ટીમાં તેણે શીનની સાથે ચોઇને પણ લઇ આવવાનો હુકમ કર્યો. એ વખતે શીનને ખબર પડી કે, કિમ જોંગ ઇલે ચોઇને પણ અહીં બંદી બનાવી લીધી હતી. એ પાર્ટીમાં કિમ જોંગ ઇલે બંનેને ઉત્તર કોરિયા માટે ફિલ્મો બનાવાવનું તેમજ ફરી એકવાર પરણી જવાનું સૂચન કર્યું. આ સૂચનનો શીન અને ચોઇએ સ્વીકાર કર્યો. છેવટે ૧૯૮૩માં શીન સાંગ ઓક અને મેડમ ચોઇએ ઉત્તર કોરિયા માટે ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું.

આ દંપત્તિની મદદથી ઉત્તર કોરિયાએ કોરિયન ભાષામાં સાતેક ફિલ્મ બનાવી. આ બધી જ ફિલ્મના ડિરેક્ટર શીન છે, જ્યારે પ્રોડયુસર કિમ જોંગ ઇલ. તેમણે ૧૯૮૫માં 'સૉલ્ટ' નામની ફિલ્મ બનાવી. એ ફિલ્મ માટે મેડમ ચોઇને મોસ્કો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો. આ દંપત્તિએ ઉત્તર કોરિયા માટે છેલ્લે 'પુલ્ગાસારી' નામની ફિલ્મ બનાવી, જે ૧૯૫૪માં આવેલી જાપાનની 'ગોડઝિલા' ફિલ્મની નબળી નકલ હતી. શીન અને મેડમ ચોઇ ઉત્તમ કળાત્મક ફિલ્મો બનાવી શકતા હતા, પરંતુ ફિલ્મ બનાવતી વખતે તેમણે ઉત્તર કોરિયાના શાસકોનો પ્રચાર થાય તેનું પૂરતું ધ્યાન રાખવું પડતું.

મેરેલિન મનરોએ ૧૯૫૩માં કોરિયાની મુલાકાત લીધી ત્યારે ચોઇ ઇયુન હી સાથે

આ રીતે ઉત્તર કોરિયામાં આઠેક વર્ષ વીતાવ્યા પછી, ૧૯૮૬માં, શીન અને ચોઇને વિયેના ફિલ્મ ફેસ્ટિવલમાં જવાની તક મળી. ત્યાં પહોંચતા જ તેમણે ઓસ્ટ્રિયાસ્થિત અમેરિકન દૂતાવાસનો સંપર્ક કરીને રાજકીય શરણ લઇ લીધું. આ અપહરણનો તેમને એટલો આઘાત લાગ્યો હતો કે, અમેરિકાના વર્જિનિયા સ્ટેટમાં તેઓ બે વર્ષ રહ્યા, પરંતુ પોતાના વતન દક્ષિણ કોરિયામાં કોઇનો સંપર્ક સુદ્ધા ના કર્યો. અમેરિકામાં સીઆઈએ અને એફબીઆઈએ તેમને સંપૂર્ણ રક્ષણ આપ્યું હતું. એટલે કિમ જોંગ ઇલે અમેરિકા પર શીન સાંગ-ઓક અને મેડમ ચોઇનું અપહરણ કરવાનો આરોપ મૂક્યો. આ દંપત્તિ દ્વારા જારી કરાયેલા નિવેદનને પણ ઉત્તર કોરિયાએ 'અમેરિકા દ્વારા જબરદસ્તીથી બોલાવડાવેલા શબ્દો' કહીને ફગાવી દીધા. બાદમાં શીન અને ચોઇ લોસ એન્જલસ જતા રહ્યા. ત્યાં શીન સાંગ-ઓકે પોતાનું નામ બદલીને 'સિમોન શીન' કરી નાખ્યું અને 'નિન્જા' આધારિત ત્રણેક ફિલ્મો બનાવી.

નેવુંના દાયકામાં શીન અને ચોઇ દક્ષિણ કોરિયા પરત જવાનું વિચારતા હતા, પરંતુ તેમને ડર હતો કે, ઉત્તર કોરિયાએ અપહરણ કર્યું હતું એ વાત કોઇ માનશે નહીં તો? આમ છતાં, ૧૯૯૪માં શીન હિંમતપૂર્વક દક્ષિણ કોરિયા પહોંચ્યા. ત્યાં તેમણે ફરી એકવાર ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું. એજ વર્ષે તેમને કાન ફિલ્મ ફેસ્ટિવલના જ્યૂરી તરીકે આમંત્રણ મળ્યું. ૧૧મી એપ્રિલ, ૨૦૦૬ના રોજ હિપેટાઇટિસના કારણે ૭૯ વર્ષની ઉંમરે શીનનું મૃત્યુ થયું. એ વખતે તેઓ ચંગીઝ ખાન પર મ્યુઝિકલ શૉ તૈયાર કરી રહ્યા હતા. ૧૨મી એપ્રિલ, ૨૦૦૬ના રોજ 'ગોલ્ડ ક્રાઉન કલ્ચરલ મેડલ' (મરણોત્તર)થી તેમનું સન્માન કરાયું, જે કળા ક્ષેત્રે અપાતો દક્ષિણ કોરિયાનો સર્વોચ્ચ પુરસ્કાર છે. શીનના મૃત્યુ પછી ચોઇ પણ એકલા પડી ગયા હતા. ૧૯૯૯માં તેઓ પણ કાયમ માટે દક્ષિણ કોરિયા જતા રહ્યા, જ્યાં ૧૬મી એપ્રિલ, ૨૦૧૮ના રોજ ડાયાલિસિસ વખતે ૯૧ વર્ષની વયે તેમનું મૃત્યુ થયું.

મેડમ ચોઇએ એકવાર કહ્યું હતું કે, ફિલ્મો બનાવવા મારું અપહરણ કરવા બદલ કિમ જોંગ ઇલને હું કદી માફ નહીં કરું...

1 comment: