04 July, 2016

ભાગ ઈન્ડિયા ભાગ


દોડવુંઅને જોગિંગએ બે વચ્ચે શું ફર્ક છે? ઘણો ફર્ક છે. ધાણીઅને પોપકોર્નવચ્ચે હોય છે એટલો બધો ફર્ક છે. જોક અપાર્ટ. અંગ્રેજીમાં રનિંગ, જોગિંગ, ડિસ્ટન્સ રનિંગ, મેરેથોન, એથ્લેટિક્સ અને સ્પ્રિન્ટ એ દરેક શબ્દ જુદી જુદી શારીરિક પ્રવૃત્તિ સૂચવે છે, જ્યારે ગુજરાતીમાં દોડવુંશબ્દ છે. કોઈ ઝડપથી દોડે કે ધીમે દોડે, લાંબા અંતર દોડ લગાવે કે ટૂંકા અંતરની - આ બધી જ પ્રવૃત્તિ માટે ગુજરાતીમાં ‘દોડ’ શબ્દ છે. ખરેખર, કલાકના છ કિલોમીટરથી વધારે ઝડપથી દોડનારાને રનરકહેવાય અને એનાથી ઓછી ઝડપે દોડનારો જોગરછે. લાંબા અંતરની દોડ મેરેથોનછે અને ટૂંકું અંતર ઝડપથી કાપીએ તો એ સ્પ્રિન્ટછે. એથલેટ શબ્દનો અર્થ ઘણો વ્યાપક છે. સ્ટ્રેન્થ, સ્ટેમિના અને સ્પિડની એકસાથે જરૂર પડે એવી અનેક સ્પોર્ટ્સ એથ્લેટિક્સના ખાનામાં મૂકી શકાય અને એ ગેમના ખેલાડીને એથ્લેટકહેવાય. અંગ્રેજીમાં દરેક ફિઝિકલ એક્ટિવિટી માટે જુદા જુદા શબ્દો છે કારણ કે, લગભગ બધા જ ક્ષેત્રોની જેમ ફિઝિકલ એક્ટિવિટીનું કલ્ચર પણ પશ્ચિમી દેશોમાં જ વિકસ્યું છે. હવે આ પવન એશિયા તરફ ફૂંકાઈ રહ્યો છે અને ભારત પણ તેમાંથી બાકાત નથી.

છેલ્લાં એકાદ દાયકાથી પશ્ચિમી દેશોની જેમ ૨૧મી સદીના ઈન્ડિયામાં પણ રનિંગ કલ્ચર વિકસી રહ્યું છે. વર્ષ ૨૦૧૬નું ઈન્ડિયન મેરેથોન કેલેન્ડર જોઈને આંખો ચાર થઈ જાય છે! મનાલી, લેહ, ફરીદાબાદ, પતિયાલા, દિલ્હી, મુંબઈ, પણજી, પૂણેથી લઈને અમદાવાદ, વડોદરા, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ, તુતિકોરિન, ઋષિકેશ અને કોલકાતા સુધી ફૂલ મેરેથોન (૪૨.૧૯૫), હાફ મેરેથોન (૨૧.૦૯), દસ અને પાંચ કિલોમીટર સુધીની રેસની તારીખો આવી ગઈ છે. ભારતીય કેલેન્ડરમાં વિશ્વની સૌથી અઘરી રેસ પૈકીની એક ગણાતી અલ્ટ્રા મેરેથોન પણ જોવા મળે છે. ભારતમાં હિમાલયની પર્વતમાળાઓમાં તેમજ મહારાષ્ટ્ર, તમિલનાડુના પહાડી વિસ્તારોમાં આવી મેરેથોન યોજાય છે, જેમાં ચઢાણવાળા, ખરબચડા અને ઝાડીઝાંખરા ધરાવતા વિસ્તારોમાંથી ઠંડી, ગરમી કે વરસાદમાં ૪૨ કિલોમીટરથી વધારે લાંબુ અંતર કાપવાનું હોઈ શકે છે! વડોદરામાં પણ આવી જ એક મેરેથોન યોજાવાની છે, વડોદરા અલ્ટ્રા. ચાંપાનેરમાં યોજાતી આ રેસમાં ૨૫ અને ૫૫ કિલોમીટર રેસમાં ભાગ લઈ શકાય છે.

અનુ વૈદ્યનાથન, કૌસ્તુભ રાડકર, મિલિન્દ સોમન

ભારતમાં શારીરિક અને માનસિક શક્તિની કસોટી કરે એવી હૈદરાબાદ ટ્રાયથ્લોન કે ચેન્નાઈ ફૂલ આયર્ન ટ્રાયથ્લોન પણ યોજાય છે. ટ્રાયથ્લોન ફૂલ, હાફ, ઓલિમ્પિક કે સ્પ્રિન્ટ એમ વિવિધ કેટેગરીમાં હોય છે. જેમ કે, હૈદરાબાદની ઓલિમ્પિક ટ્રાયથ્લોનમાં ૪૦ કિલોમીટર સાયકલિંગ, દસ કિલોમીટર રનિંગ અને એક કિલોમીટર સ્વિમિંગ રેસ હોય છે! એવી જ રીતે, ફૂલ આયર્નમેન ચેમ્પિયનશિપમાં ૩.૮ કિલોમીટર સ્વિમિંગ કર્યા પછી તરત જ ૧૮૦ કિલોમીટર સાયકલિંગ અને એ પછી ૪૨.૨ કિલોમીટર રનિંગ કરવાનું હોય છે. હજુ તો ભારતમાં ફિઝિકલ કલ્ચર મુવમેન્ટની શરૂઆત થઈ છે, પણ આયર્નમેન અને અલ્ટ્રામેન જેવી મેરેથોન રેસ પૂરી કરનારા ભારતીયોમાં એક યુવતીનું નામ વાંચવા મળે છે. અલ્ટ્રામેન કેનેડા રેસ પૂરી કરનારી પહેલી એશિયન વ્યક્તિ ભારતની છે પણ એ મેનનહીં વુમનછે. વર્ષ ૨૦૦૯માં બેંગલુરુમાં રહેતી અનુ વૈદ્યનાથને ફક્ત ૨૫ વર્ષની ઉંમરે અલ્ટ્રામેન કેનેડા મેરેથોન પૂરી કરી હતી. આ ત્રિદિવસીય રેસમાં દરિયામાં દસ કિલોમીટર સ્વિમિંગ પછી ચઢાણવાળા વિસ્તારોમાં ૪૨૦ કિલોમીટર સાયકલિંગ અને ૮૪.૪ કિલોમીટર રનિંગ કરવાનું હોય છે. વિશ્વભરમાં આ રેસ પૂરી કરનારા માંડ ૪૫૦ લોકો છે.

જોકે, અલ્ટ્રામેન એ આયર્નમેન કરતા સરળ રેસ ગણાય છે કારણ કે, અલ્ટ્રામેન જુદા જુદા સ્ટેજમાં એકથી વધારે દિવસમાં પૂરી કરવાની હોય છે, જ્યારે આયર્નમેન એક જ દિવસમાં પૂરી કરવાની હોવાથી એથલેટની જબરદસ્ત શારીરિક-માનસિક કસોટી થાય છે. આ રેસમાં પણ ભારતીયોનો રેકોર્ડ જોઈને સાનંદાશ્ચર્ય થાય છે. પૂણેના ડૉ. કૌસ્તુભ રાડકરે દુનિયાના છ ખંડમાં ૧૨ વાર આયર્ન મેન રેસ પૂરી કરી છે. ગયા વર્ષે સ્વિત્ઝર્લેન્ડમાં યોજાયેલી આયર્ન મેન ચેમ્પિયનશિપમાં ૩૨ વર્ષીય ડૉ. રાડકરે ૩.૮૬ કિલોમીટર સ્વિમિંગ, ૧૮૦ કિલોમીટર સાયકલિંગ અને ૪૨.૨ કિલોમીટર રનિંગ રેસ ફક્ત ૧૨ કલાક અને ૩૨ સેકન્ડમાં પૂરી કરી હતી. આ એક લોખંડી સિદ્ધિ છે કારણ કે, આયર્નમેન રેસ પૂરી કરવા ૧૭ કલાકનો સમય અપાય છે. ઝ્યુરિકમાં યોજાયેલી આ રેસ મિલિન્દ સોમન સહિત કુલ પાંચ ભારતીયોએ પૂરી કરી હતી, પરંતુ સેલિબ્રિટી સ્ટેટસના કારણે અંગ્રેજી અખબારો અને ટ્વિટર પર મિલિન્દ સોમન છવાઈ ગયો હતો. આ રેસ તેણે ૧૫ કલાક અને ૧૯ મિનિટમાં પૂરી હતી અને એ પણ ૫૦ વર્ષની ઉંમરે. મહત્ત્વની વાત એ છે કે, મિલિન્દ સોમને ૩૮ વર્ષની વયે મેરેથોન દોડવાનું શરૂ કર્યું હતું. સ્વાભાવિક રીતે જ આ બહુ મોટી સિદ્ધિ છે પણ મહારાષ્ટ્રના ૫૧ વર્ષીય ડૉ. આનંદ પાટિલે પણ ૧૫ કલાક અને ૫૩ મિનિટમાં આયર્નમેન મેરેથોન પૂરી કરી હતી. પૃથ્વીરાજ પાટિલ અને ઈન્ફોસિસ રનિંગ ક્લબના હિરેન પટેલે પણ ૧૭ કલાકની અંદર આયર્નમેન રેસ પૂરી કરી હતી.

અલ્ટ્રામેન કે આયર્નમેન રેસ પૂરી કરવી એ બહુ મોટી સિદ્ધિ છે પણ તેમાં ભારતીય એથલેટ ચેમ્પિયન બને એ હજુ દૂરની વાત છે. આ તો એક્સટ્રિમ રનિંગની વાત થઈ પણ આજે હજારો ભારતીયો હાફ મેરેથોન કે પાંચ-દસ કિલોમીટર રનિંગની ગંભીરતાથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ લોકો માટે અનુ વૈદ્યનાથન, ડૉ. કૌસ્તુભ રાડકર કે મિલિન્દ સોમન પ્રેરણામૂર્તિ છે. અનુ ફૂલ ટાઈમ પ્રોફેશનલ એથલેટ નથી પણ ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ કન્સલ્ટન્ટ છે. તેમણે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કર્યા પછી ન્યૂઝીલેન્ડની યુનિવર્સિટી ઓફ કેન્ટરબરીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી લીધી છે. ડૉક્ટરેટની ડિગ્રી પણ તેણે ફક્ત ૨૬ મહિનાના રેકોર્ડ બ્રેક ટાઈમમાં લઈ લીધી હતી. અનુ આઈઆઈટી-રોપર અને આઈઆઈએમ-અમદાવાદમાં ફેકલ્ટી મેમ્બર પણ છે. ડૉ. કૌસ્તુભ રાડકરે હેલ્થકેર મેનેજમેન્ટ ઓફ સ્પોર્ટ્સ મેડિસિનમાં એમબીએ કર્યું છે. હવે તેઓ બીજા છ ભારતીયોને આયર્નમેન ચેમ્પિયનશિપ માટે કોચિંગ આપી રહ્યા છે. આ દોડતું ભારત જોઈને લાગી રહ્યું છે કે, એક્સટ્રિમ રનિંગમાં ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે.

બીજી તરફ, ભારતમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, વિપ્રો અને એરટેલ સહિત અનેક નાની-મોટી કંપનીઓ રનિંગ કલ્ચરને જબરદસ્ત પ્રોત્સાહન આપી રહી છે. એક્સટ્રિમ રનિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે, આઠ કલાકની નોકરી કે બીજા વ્યવસાયની સાથે પ્રેક્ટિસ, ડાયટ અને ડેડિકેશનથી તેને જીવનશૈલીનો હિસ્સો બનાવી શકાય છે. આજકાલ કોર્પોરેટ્સ પણ સામાજિક હેતુ માટે રનિંગ ઇવેન્ટ યોજવાનું પસંદ કરે છે કારણ કે, તેનાથી બહુ ઓછા ખર્ચે લાખો લોકોનો સીધો સંપર્ક કરીને બ્રાન્ડિંગ થઈ શકે છે. બે-પાંચ કે દસ હજાર લોકોની મેરેથોન ઈવેન્ટ કરવા પાણી, ટી-શર્ટ, ગ્લુકોઝ, ટાઈમિંગ ચિપ અને મેડલ્સ સિવાય કોઈ મોટો ખર્ચ થતો નથી. વળી, આ બધું કામ વૉલન્ટિયર્સ સંભાળી લે છે અને મેરેથોન ઈવેન્ટને સહેલાઈથી મીડિયા કવરેજ પણ મળે છે. મેરેથોન યોજતી કંપનીઓને બીજા કોર્પોરેટ સ્પોન્સર્સ પણ મળી જાય છે કારણ કે, તેઓ પણ ઓછા ખર્ચે મજબૂત બ્રાન્ડિંગ કરવા માગતા હોય છે. ભારતના ફિઝિકલ કલ્ચર રિવોલ્યુશનમાં મેરેથોન એક અસાધારણ ઘટના (ફિનોમેનન) સાબિત થઈ રહી છે એ પાછળ ઓછા ખર્ચે વધુ નફાનું મેરેથોન ઈકોનોમિક્સ જવાબદાર છે.

આજે દેશમાં ૪૦૦થી વધારે રનિંગ કે મેરેથોન ક્લબ છે, જેમાં મોટા ભાગના એથલેટનો હેતુ ફિટનેસનો અથવા નાની-મોટી મેરેથોન પૂરી કરવાનો છે. આ સ્થિતિ પરથી અનુમાન થઈ શકે છે કે, ભારતની સ્પોર્ટ્સ કલ્ચર મુવમેન્ટમાં મેરેથોન કલ્ચર કેટલું મહત્ત્વનું સાબિત થવાનું છે! વિશ્વના સૌથી યુવાન અને ફિટનેસમાં સૌથી કંગાળ રેકોર્ડ ધરાવતા ભારત માટે આ ખૂબ સારી નિશાની છે. રનિંગને પ્રોત્સાહન આપીને એકસાથે ઘણાં લાભ મેળવી શકાય છે. જેમ કે, વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના દુષણ પર કાબૂ મેળવવા પણ રનિંગ જેવી સ્પોર્ટ ગેમ ચેન્જર બની શકે છે. આ તો મેરેથોન કે એક્સટ્રિમ રનિંગની વાત થઈ પણ બે છેડા ભેગા કરવા હંમેશા ભાગતો આમ આદમી પણ શારીરિક-માનસિક ચુસ્તી માટે નિયમિત રનિંગ કરીને કલ્પના બહારના લાભ મેળવી શકે છે. ઓછા ખર્ચે વધારે ફાયદો આપતી વિશ્વની સૌથી સરળ સ્પોર્ટ અને એક્સરસાઈઝ રનિંગ છે. ફિટ રહેવાનો સૌથી કુદરતી રસ્તો પણ રનિંગ છે.

વિશ્વની એકેય એવી ફિઝિકલ સ્પોર્ટ નથી, જેમાં કસરત તરીકે રનિંગને મહત્ત્વ અપાતું ના હોય! ક્રિકેટ હોય કે ફૂટબોલ, સ્વિમિંગ હોય કે સાયકલિંગ, ટ્રેકિંગ હોય કે ટેનિસ- આવી કોઈ પણ સ્પોર્ટમાં રનિંગ મસ્ટ છે. રનિંગ કોઈ પણ ઋતુમાં કરી શકાય છે અને એ માટે શૂઝ સિવાય કોઈ મોંઘા ઈક્વિપમેન્ટની જરૂર નથી પડતી. રનિંગ કરતી વખતે સ્પિરિચ્યુઅલ મ્યુઝિક પણ સાંભળી શકાય છે, જે આ સ્પોર્ટનું સૌથી મોટું બોનસ છે. બીજી કોઈ સ્પોર્ટમાં એક્સરસાઈઝની સાથે મનગમતું મ્યુઝિક સાંભળવું  શક્ય નથી. (એરોબિક્સમાં પણ ખાસ મ્યુઝિક જ સાંભળવું પડે છે) આ રીતે કરાતી રનિંગ પ્રેક્ટિસથી એકાગ્રતા પણ વધે છે. રનિંગ મોનોટોનસ થઈ જાય તો તેમાં વૈવિધ્ય પણ લાવી શકાય છે. જેમ કે, મ્યુઝિક  કે રૂટ બદલી નાંખો!

રનિંગથી ઘણાં બધા શારીરિક-માનસિક રોગોને દૂર રાખી શકાય છે. પશ્ચિમી દેશોમાં પણ ઔદ્યોગિક ક્રાંતિની સાથે આવેલા દુષણોથી બચવા જ રનિંગ કલ્ચરની શરૂઆત થઈ હતી. ઔદ્યોગિક ક્રાંતિ પછી બેઠાડું જીવન જીવતા અને ઓડ ટાઈમ જોબ કરતા લોકોની સંખ્યા અનેકગણી વધી ગઈ. આ જીવનશૈલીના કારણે ડાયાબિટીસ, હૃદયરોગ, હાડકા નબળા પડવા, ઢીંચણની મુશ્કેલીઓ, કમરદર્દની સાથે માનસિક રોગોથી પીડાતા લોકોની સંખ્યા પણ સતત વધવા લાગી. આ દુષણો સામે લડવાની શરૂઆતમાંથી જ ત્યાં રનિંગ કલ્ચર વિકસ્યું હતું. આજે અમેરિકા-યુરોપમાં વિકસેલા એક્સટ્રિમ સ્પોર્ટ્સ અને ફિટનેસની બોલબાલા પાછળ રનિંગ કલ્ચર આભારી છે. આજેય અમેરિકામાં એક કરોડથી વધારે લોકો ફિટનેસ માટે નિયમિત રીતે રનિંગ કરે છે, જ્યારે યુ.કે.માં આ આંકડો વીસ લાખનો છે.

જોકે, ભારતના આવા સત્તાવાર આંકડા મળતા નથી પણ આજના યુવાનો ભવિષ્યના ફિટ ઈન્ડિયાની પિચ તૈયાર કરી રહ્યો છે એ વાતમાં કોઈ શંકા નથી!

No comments:

Post a Comment