18 July, 2016

એમ. ક્રિશ્નન : એક ક્લાસિક કોલમિસ્ટ


અખબારો કે સામાયિકોમાં લખતા કોઈ કોલમિસ્ટ માટે સૌથી મોટી સિદ્ધિ કઈ હોઈ શકે? જો કોલમ વર્ષોવર્ષ ચાલતી રહે, એનું પુસ્તક થાય અને એ પણ વર્ષો સુધી વંચાતુ રહે તો એ લેખકની સિદ્ધિ ગણાય. પણ તમે એવું સાંભળ્યું છે કે, કોઈ કોલમિસ્ટે લખેલા સંખ્યાબંધ લેખો ક્લાસિકની કેટેગરીમાં આવી ગયા હોયહા, એ શક્ય છે પણ એવું બહુ ઓછું બનતું હોય છે.

ઓકે, બીજો સવાલ. જો એ લેખકે રાજકારણ, સાહિત્ય, સામાજિક પ્રવાહો, શિક્ષણ અને વિજ્ઞાન-ટેક્નોલોજી જેવા એકેય વિષય પર નહીં પણ પક્ષીઓ વિશે લખ્યું હોય તો?

હા, એવું પણ શક્ય છે, જો એ લેખકનું નામ માધવિયા ક્રિશ્નન હોય!

ટૂંકમાં એમ. ક્રિશ્નન નામે જાણીતા આ સિદ્ધહસ્ત લેખકે ધ સ્ટેટ્સમેનમાં ૪૬ વર્ષ સુધી પ્રકૃતિ, પશુ-પક્ષીઓ અને જીવજંતુઓ પર કંટ્રી નોટબુકનામની પખવાડિક કોલમ લખી હતી. વર્ષ ૨૦૧૨માં એલેપ બુક કંપનીએ આ લેખમાળા ઓફ બર્ડ્સ એન્ડ બર્ડસોન્ગનામના પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરી હતી. ક્રિશ્નનની આશરે પાંચ દાયકાની કોલમ યાત્રાનું સંપાદન કરવાનું ભગીરથ કામ શાંતિ ચંડોલા અને આશિષ ચંડોલા નામના વાઈલ્ડ લાઈફ ફિલ્મમેકર અને ફોટોગ્રાફરોએ કર્યું છે.


પુસ્તકનું કવર અને બાજુમાં એમ. ક્રિશ્નન

આ પુસ્તકનું નામ વાંચીને ખ્યાલ આવી જાય છે કે, તેમાં પક્ષીઓની અને પક્ષીવિજ્ઞાનની વાત કરાઈ છે! જોકે, આ લખાણો એટલી રસાળ શૈલીમાં છે કે, જેમને પક્ષીઓની દુનિયામાં રસ ના હોય એ લોકો પણ એકવાર આ પુસ્તક હાથમાં લીધા પછી પૂરું કર્યા વિના રહી શકતા નથી. આ પ્રકારનો વિષય હોવા છતાં પુસ્તકના પાને પાને લેખકની સેન્સ ઓફ હ્યુમરઅને સેટાયર શૉટવિખરાયેલા પડ્યાં છે. દાખલા તરીકે, મોરનું વર્ણન કરતી વખતે તેઓ લખે છે કે, ‘‘...રોજ સવારે અને સાંજે તેઓ કઠોર ગગનભેદી અવાજથી વાતાવરણ ગજવી મૂકે છે. એ મને રાજકારણીઓની યાદ અપાવે છે. શું એટલે જ મોરને ભારતનું રાષ્ટ્રીય પક્ષી જાહેર કરાયું છે?...’’

બીજું એક ઉદાહરણ વાંચો. ક્રો ફેઝન્ટ નામના પક્ષીની માહિતી આપતા ક્રિશ્નન કહે છે કે, ‘‘ક્રો-ફેઝન્ટ બિલકુલ મજા ના આવે એવું નામ ધરાવતું પક્ષી છે કારણ કે એ નથી ક્રો (કાગડો) કે નથી ફેઝન્ટ (તેતર), પણ એક સ્વાવલંબી કોયલ છે. આ કોયલ તેની વંશપરંપરાને ગંભીરતાથી લે છે અને પોતાના ઈંડા બીજાને વળગાડી દેવાના બદલે જાતે જ માળો બાંધે છે...’’

આ લેખોમાં ક્રિશ્નન જંગલી પક્ષીઓ જ નહીં, આપણી આસપાસ રોજેરોજ દેખાતા પક્ષીઓની પણ અવનવી વાતો કરે છે. ક્રિશ્નન જે પક્ષીની વાત શરૂ કરે તેની આદતો, વિચિત્રતાઓ, માળો બનાવવાની શૈલી, સંવનન અને માતા-પિતા તરીકે તેમનું જીવન કેવું હોય છે એ બધું જ રસાળ શૈલીમાં પીરસતા જાય છે.

જેમ કે, પક્ષીઓ વિશે થોડી ઘણી જાણકારી ધરાવનારને ખ્યાલ હોય કે, ગરમ પ્રદેશમાં રહેતા મોટા ભાગના પક્ષીઓ ભરબપોરે આરામ ફરમાવતા હોય છે. પણ તમને એ ખબર છે કે, ફ્લેમિંગો જેવા મોટા વૉટરબર્ડ્સ બપોરે આરામના મૂડમાં હોય ત્યારે એક પગ પાણીની બહાર રાખતા હોય છે? ખબર છે કેમ? જવાબ: શરીરની ગરમી બચાવવા. જોકે, પેરાકિટ (લાંબી પૂંછડીવાળો નાનકડો પોપટ) બે પગ પર સૂતો હોય તો સમજવું કે, તેની તબિયત નથી સારી.

શું તમને ખ્યાલ છે, કોમન કિંગફિશર ઇંગ્લેન્ડનું સૌથી રંગીન પક્ષી તરીકેનું સન્માન ભોગવે છે? જોકે, આ પક્ષી ભારતના કિંગફિશર સાથે હરીફાઈ કરી શકે એમ નથી. આપણું નાનકડું ડ્વાર્ફ કિંગફિશર ગમે તેવા રંગીન કિંગફિશર સાથે હરીફાઈ કરી શકે એમ છે. આ પહેલાં ડ્વાર્ફ કિંગફિશર ભારતમાં થ્રી ટો કિંગફિશરએટલે કે ત્રણ અંગૂઠાવાળા કિંગફિશરતરીકે ઓળખાતું હતું. આ કિંગફિશરનું નામ બ્રિટિશ બર્ડવૉચર્સે બદલી નાંખ્યું હતું.

પર્પલ સનબર્ડ નામનું નાનકડું સુંદર પંખી મોટા ભાગના લોકોએ જોયું હશે! સનબર્ડ પણ હમિંગબર્ડની જેમ ફૂલોનો રસ ચૂસીને પેટ ભરે છે પણ હમિંગબર્ડની જેમ પાંખો ફફડાવીને હવામાં ઊભું રહી શકતું નથી. જે સનબર્ડના કુમાશદાર પીળા ગળાથી લઈને પેટ સુધી પર્પલ લીટી હોય એ મેલ હોય અને એવી લીટી ના હોય તો સમજવું કે એ ફિમેલ છે.

તમે ગીધ પણ જોયા હશે! ગીધની ઉડવાની ક્ષમતા ગજબની હોય છે પણ તેઓ સમુદ્રની ઉપર ભાગ્યે જ મંડરાય છે. એટલે જ તો શ્રીલંકામાં ગીધ જોવા નથી મળતા. પણ ગીધ કેમ સમુદ્રની ઉપર નથી ઉડતા? કદાચ હાડપિંજરો અને પશુઓના મૃતદેહ ખાઈને પેટ ભરવાની ગીધોની કુદરતી આદતના કારણે એવું હોઈ શકે!

કોમન પેટ્રિજ નામનું કબૂતર જેવું પક્ષી બધે જ જોવા મળતું હોવાથી તેના નામ આગળ કોમનશબ્દ છે, પરંતુ ક્રિશ્નને તેને ફાઈનેસ્ટ પૂઅર મેન્સ ડૉગનામ આપ્યું છે. ક્રિશ્નનને વાંચ્યા પછી કબૂતરને પણ ધ્યાનથી નીરખ્યા કરવાની ચાનક ચઢે છે. કબૂતરને સંદેશો મોકલાવાની તાલીમ કેવી રીતે અપાય અને રેસિંગ હોમર (રેસિંગમાં ઉપયોગમાં લેવાતા કબૂતર) શું ખવડાવવું જોઈએ એવી જાતભાતની વાતો ક્રિશ્નન સ્હેજ પણ ભાર વિના સમજાવી દે છે.

આવી રીતે ક્રિશ્નન ફકરે ફકરે કુતુહલ સંતોષાય એવી રીતે માહિતી આપે છે. આ પુસ્તકનું સૌથી મજબૂત પાસું એ છે કે, તેના બધા જ પાસાં મજબૂત છે. જેમ કે, એમ. ક્રિશ્નનનું અસ્ખલિત અને રસાળ અંગ્રેજી, નક્કર માહિતીની સુંદર ગૂંથણી અને વાચકના માનસપટ પર પક્ષીઓની દુનિયા છવાઈ જાય એવી રીતે ખુદ એમ. ક્રિશ્નને દોરેલા પેન્સિલ સ્કેચ. જોકે, ક્રિશ્નનનું અંગ્રેજી વાંચતી વખતે ડિક્શનરી હાથવગી રાખવી પડે છે કારણ કે, તેઓ નવા નવા શબ્દોનો વારંવાર ઉપયોગ કરે છે અને ક્યારેક નવા શબ્દો પણ સર્જે છે. જોકે, આ લખાણો વાંચતી વખતે વાચકને કંટાળો નથી આવતો, ઊલટાની ઇંતેજારી વધતી જાય છે અને અંગ્રેજી ભાષાનું પણ સતત જ્ઞાન મળે છે.

જેમ કે, ‘સીન થ્રૂ ધ કેરેજ વિન્ડોનામના પ્રકરણમાં ક્રિશ્નનને એક સુંદર શબ્દ સર્જ્યો છે. તેઓ લખે છે કે, ‘‘તમે ટ્રેનની બારીની બહાર સુંદર પક્ષીઓનું નિરીક્ષણ કરીને કંટાળાજનક પ્રવાસને આનંદદાયક મુસાફરીમાં બદલી શકો છે. રેલવેના પાટા જ્યાં જાય છે ત્યાં અનંત સુધી ટેલિગ્રાફ વાયરો પણ વિસ્તરેલા હોય છે. આ વાયરો ખાસ પક્ષીઓ માટે જ ડિઝાઈન કરાયા હોય એવું લાગે છે...’’ આ પ્રકારના બર્ડવૉચિંગને ક્રિશ્નને ટેલિફોનાનામ આપ્યું છે કારણ કે, અંગ્રેજીમાં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ માટે ફ્લોરા એન્ડ ફોનાશબ્દ છે. એટલે ક્રિશ્નને ટેલિફોનના વાયરો અને ફોના પરથી નવો જ શબ્દ સર્જ્યો, ટેલિફોના.

ક્રિશ્નનના લખાણો સામાન્ય પક્ષીઓને જોવાની નવી દૃષ્ટિ આપે છે એ રીતે તેમજ બીજી ઐતિહાસિક રીતે પણ અત્યંત મહત્ત્વનું છે. ક્રિશ્નને અનેક પક્ષીઓને કોમનની કેટેગરીમાં મૂક્યા છે, જે આજે દુર્લભ છે અથવા સહેલાઈથી જોવા નથી મળતા! આટલા દાયકામાં કોમન બર્ડ’ તો ઠીક ઘરની આસપાસ દેખાતા ચકલી અને કાગડા જેવા પક્ષીઓની સંખ્યા પણ જબરદસ્ત ઘટી ગઈ છે. આ સિવાય પણ ક્રિશ્નનના લખાણોમાં આવતી અનેક હકીકતો પ્રકૃતિવિદો માટે પ્રમાણિત દસ્તાવેજો સમાન છે. 

વર્ષ ૧૯૬૭માં ક્રિશ્નને યુનિવર્સિટી સ્તરના અનેક વિદ્યાર્થીઓને લાલ રંગના ફૂલો આપતા બે વૃક્ષ અને ફક્ત ભારતમાં જ જોવા મળે એવા પ્રાણીનું નામ પૂછ્યું હતું. કોઈ વિદ્યાર્થી આ સવાલનો જવાબ આપી ન શકતા ક્રિશ્નને વ્યથિત થઈને લખ્યું હતું કે, ‘‘...આપણા યુવાનો સાથે શૈક્ષણિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ ધરમૂળથી કંઈક ખોટું થઈ રહ્યું છે. તેઓ મારા એક સીધાસાદા સવાલનો જવાબ નથી આપી શકતા. કે પછી હું વધારે પડતો ઉત્સાહી છું અને એટલે સમજી નથી શકતો કે, મારો સવાલ જ અયોગ્ય છે?...’’

આ પ્રકારના વિચારો ધરાવતા ક્રિશ્નનને લેખન અને વાચનના સંસ્કાર ગળથૂથીમાં જ મળ્યા હતા. ક્રિશ્નનો જન્મ ૩૦મી જૂન, ૧૯૧૨ના રોજ તમિલનાડુના તિરુનેલવેલીમાં થયો હતો. તેમના પિતા એ. માધવિયા મદ્રાસ સરકારમાં ઉચ્ચ અધિકારી અને સુધારાવાદી વલણ ધરાવતા લેખક હતા. તેમણે તમિલ ભાષાની પહેલી વાસ્તવવાદી નવલકથા પદ્માવતી ચરિત્રમ્લખી હતી, જે ઈસ. ૧૮૯૮માં પ્રકાશિત થઈ હતી. વર્ષ ૧૯૧૬માં તેમણે થિલ્લાઇ ગોવિંદનનામે અંગ્રેજી નવલકથા પણ લખી હતી. નિવૃત્તિકાળમાં એ. માધવિયાએ પંચમિત્રમ્નામના સામાયિકનું પણ પ્રકાશન કર્યું હતું. વર્ષ ૧૯૨૫માં તેમનું અવસાન થયું ત્યારે એમ. ક્રિશ્નનની ઉંમર માંડ ૧૩ વર્ષ હતી.

પિતાના મૃત્યુ પછી ક્રિશ્નનનું બાળપણ મદ્રાસના માયલાપોરમાં વીત્યું. અહીં જ તેમણે હિંદુ હાઈસ્કૂલ અને પ્રેસિડેન્સી કોલેજમાંથી શિક્ષણ લીધું. નાનપણથી જ ક્રિશ્નન ગોફણ અને ચપ્પુ લઈને આસપાસના જંગલોમાં તેમજ નીલગીરી-કોડાઈકેનાલની ટેકરીઓ પર પશુપક્ષીઓને જોવા રઝળપાટ કરતા. અભ્યાસ પૂરો કર્યા પછી તેમણે રાજકીય સચિવ, શિક્ષક અને ન્યાયાધીશ જેવા હોદ્દે પણ ફરજ બજાવી. વર્ષ ૧૯૪૨ પછી ક્રિશ્નને ધ ઈલસ્ટ્રેટેટ વિકલી ઓફ ઈન્ડિયામાં વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર્સ ડાયરીનામે એક લેખમાળા લખી. એ પછી તેમને ધ હિંદુમાં પણ લખવાની તક મળી. આ દરમિયાન ક્રિશ્નને અનેક નાના-મોટા તમિલ સામાયિકોમાં ચિત્રો અને કાર્ટૂન પર પણ હાથ અજમાવ્યો. એ પછી વર્ષ ૧૯૫૦માં તેમને ધ સ્ટેટ્સમેનમાં પખવાડિક કોલમ લખવાની ઑફર થઈ, જે ૧૮મી ફેબ્રુઆરી, ૧૯૯૬ના રોજ તેમના મૃત્યુ સુધી પ્રકાશિત થઈ. વર્ષ ૧૯૦માં ભારત સરકારે તેમને પદ્મશ્રી આપીને સન્માનિત કર્યા હતા. 

છેલ્લે એમ. ક્રિશ્નનના જ એક ક્વૉટેબલ ક્વૉટ સાથે વાત પૂરી કરીએ. ક્રિશ્નને ભારતીય શિક્ષણ પદ્ધતિ પર બળાપો કાઢતા કહ્યું હતું કે, ‘‘... એક સરેરાશ શિક્ષિત વ્યક્તિ દેશના છોડફૂલ અને પશુપક્ષી વિશે બહુ જ ઓછી કે બિલકુલ જાણકારી નથી ધરાવતી. ઢોરઢાંખરમાં તેમને રસ નથી પડતો અને તેમને એમ લાગે છે કે, દુનિયા એટલે ફક્ત માણસો. તેઓ ક્યારેય પર્વતો અને કૂતરા સાથે દોસ્તી કરી શકતા નથી. જો તેની સાથે વાત કરવા કોઈ ના હોય, વાંચવા પુસ્તક ના હોય અને ચાલુ-બંધ કરવા કોઈ ગેજેટ ના હોય તો તે ગયો જ સમજો. આ બધા માટે સ્કૂલનું શિક્ષણ જ જવાબદાર છે...’’

No comments:

Post a Comment