આપણે ત્યાં મોટા ધાર્મિક તહેવારોની શરૂઆત થાય એટલે ધક્કામુક્કી,
નાસભાગ અને દોડધામના
કારણે થતા મોતના અહેવાલોની પણ મોસમ શરૂ થઈ જાય છે. ૧૪મી જુલાઈ,
૨૦૧૫ના રોજ મહારાષ્ટ્રના
નાશિકમાં કુંભ મેળાની શરૂઆત થઈ છે, જે આશરે એક વર્ષ પછી ૧૧મી ઓગસ્ટ,
૨૦૧૬ના રોજ પૂરો થશે.
કુંભ દરમિયાન વર્ષની સાત મહત્ત્વની તિથિએ એક જ સ્થળે કરોડો લોકો ભેગા થશે. એવી જ
રીતે, આંધ્રપ્રદેશના
રાજામુન્દ્રીમાં પણ ગોદાવરી નદીના કિનારે પુષ્કરની શરૂઆત થઈ છે. પુષ્કર પણ
સૈદ્ધાંતિક રીતે એક વર્ષ પછી પૂરો થશે કારણ કે, પૃથ્વી ૧૨ મહિના સુધી ચોક્કસ રાશિમાં હોય ત્યાં સુધી તેનો
અંત થયો ગણાતો નથી. આ ૧૨ મહિનામાં પુષ્કરની પણ કેટલીક મહત્ત્વની તિથિઓ આવશે અને એક
જ સ્થળે લાખો લોકો ભેગા થશે. આ બંને મોટા તહેવારોની શરૂઆત થઈ ત્યાં સુધીમાં જ
નાસભાગમાં ૩૨ લોકો કમોતે મરી ચૂક્યા છે અને આશરે ૬૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
બોમ્બ વિસ્ફોટમાં ૩૨ લોકો મૃત્યુ પામ્યા હોય અને ૬૦ લોકો ઈજાગ્રસ્ત થયા હોય એ 'સમાચારનું વજન' ધક્કામુક્કીમાં કમોતે મરેલા કરતા અનેકગણું વધારે હોય છે. કદાચ આ કારણથી જ
આપણને આ પ્રકારના સમાચારો કોઠે પડી ગયા છે. કુંભ અને પુષ્કરની તો હજુ શરૂઆત છે. આ
બંને તહેવારોની સળંગ એક વર્ષ ઉજવણી થતી
હોવાથી તેમાં મૃતકોની સંખ્યા વધારે હોય એ સ્વાભાવિક છે. આ સિવાય પુરીની રથયાત્રા
હોય, મહારાષ્ટ્રના
ગણેશોત્સવો હોય કે પછી નાના મોટા ધાર્મિક મેળાવડા- આવા ધાર્મિક પ્રસંગોએ નાસભાગમાં
અનેક લોકો કચડાઈને મરી જતા હોય છે. ગયા વર્ષે જ મુંબઈમાં દાઉદી વોરા સમાજના એક
ધાર્મિક મેળાવડામાં ૧૮ લોકો કચડાઈને મૃત્યુ પામ્યા હતા. સદ્નસીબે એ વખતે મોટી
દુર્ઘટના થતી રહી ગઈ હતી. નિયમિત રીતે થતી જાનહાનિના સમાચારો સાંભળીને પ્રશ્ન થાય છે
કે, આખરે
આવી દુર્ઘટનાઓ થાય છે કેમ? આવી દરેક ઘટના વખતે પોલીસનું કહેવું હોય છે કે,
ખૂબ સાંકડી જગ્યામાં બહુ
બધા લોકો ભેગા થઈ ગયા હતા. જો દર વર્ષે આવું થતું હોય તો કરોડોની સંપત્તિ ધરાવતી
ધાર્મિક સંસ્થાઓ ચુસ્ત મેનેજમેન્ટ કરવામાં ઢીલ કેમ મૂકે છે?
નેશનલ ક્રાઈમ રેકોર્ડ
બ્યુરોના આંકડા પ્રમાણે, વર્ષ ૨૦૦૦થી ૨૦૧૩ વચ્ચે દેશના વિવિધ સ્થળોએ યોજાયેલા
ધાર્મિક પ્રસંગોમાં બે હજાર લોકો મૃત્યુ પામ્યા હતા. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ડિઝાસ્ટર
રિસ્ક રિડક્શનની વેબસાઈટની નોંધ પ્રમાણે, વિશ્વભરમાં ધાર્મિક મેળાવડામાં થતી દુર્ઘટનાઓમાંથી ૭૯ ટકા
ફક્ત ભારતમાં થાય છે.
તાજેતરનો ઈતિહાસ જોઈએ તો ઓક્ટોબર ૨૦૧૩માં મધ્યપ્રદેશના દાતિયા જિલ્લામાં રતનગઢ
માતાના મંદિરમાં નવરાત્રિ વખતે ૧૧૦ લોકો કચડાઈને કમોતે મર્યા હતા કારણ કે,
કોઈએ પુલ તૂટવાની અફવા
ફેલાવી હોવાથી લોકો બચવા માટે ધક્કામુક્કી કરીને સુરક્ષિત સ્થળે જવા માગતા હતા.
વિકસિત દેશોમાં સ્પોર્ટ્સ સ્ટેડિયમ, મ્યુઝિક કોન્સર્ટ કે પછી નાઈટ ક્લબમાં નાસભાગ થતી હોય છે.
આવા સ્થળે આવનારા લોકો નશામાં ચૂર પણ હોય છે. આ કારણોસર ત્યાં મારામારી અને નાસભાગ
પછી આવી દુર્ઘટના થાય છે, પરંતુ ભારતમાં ધાર્મિક સ્થળો આવનારા લોકો 'સાત્વિક' હોવા છતાં આવું થાય છે. ધાર્મિક મેળાવડાના ઈતિહાસની સૌથી
મોટી જાનહાનિ વર્ષ ૧૯૫૪માં કુંભ મેળામાં થઈ હતી, જેમાં ૫૦૦ લોકો કચડાઈને મૃત્યુ પામ્યા હતા. આટલા વર્ષો
પહેલાં કુંભ જેવા પ્રસંગોનું સંચાલન કરવાની ભારત સરકાર પાસે પૂરતી ક્ષમતા ન હતી,
પરંતુ આજે એવું નથી.
ભારત સરકાર દ્વારા કુંભનું આયોજન એ ખૂબ મોટી સફળતા છે કારણ કે,
અહીં પવિત્ર સ્નાન કરવા
દર ચાર વર્ષે આશરે દસ કરોડ લોકો એક જ જગ્યાએ ભેગા થાય છે. આખા વિશ્વમાં કોઈ સ્થળે
આટલો મોટો ધાર્મિક મેળાવડો થતો નથી. કુંભમાં થતી નાની-મોટી જાનહાનિ સામે આંખ આડા
કાન ના કરી શકાય પણ કુંભનું જડબેસલાક આયોજન બહુ મોટી સિદ્ધિ છે એ પણ હકીકત છે. કુંભમાં
કોઈ કારણોસર નાસભાગ ના થાય, ધક્કામુક્કી અને પછી મૂઠભેડ ના થઈ જાય એ માટે હાઈ ટેક
કંટ્રોલ રૂમ ઊભો કરાય છે. કંટ્રોલ રૂમમાં બેઠેલો પોલીસ સ્ટાફ સીસીટીવી પર સાંકડી
જગ્યાએ એકત્રિત થતા લોકો પર બાજનજર રાખે છે. ક્યાંય પણ દુર્ઘટના થવાની થોડી પણ
શંકા થાય કે તુરંત જ વોકીટોકી પર સ્થળ પર હાજર જવાનોને સાબદાં કરાય છે. આમ છતાં
કુંભ સહિતના અનેક ધાર્મિક પ્રસંગોએ અનેક લોકો કમોતે મરતા રહે છે!
ધાર્મિક મેળાવડામાં અરાજકતા સર્જાવાનું એક કારણ ભારતીયોનું જાહેર વર્તન પણ છે.
બીજા લોકોને તકલીફ ના પડે એ માટે જાહેરમાં કેમ વર્તવું એની સમજ આપણામાં બહુ ઓછી
છે. કોઈ પણ શહેરમાં ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ પર વર્તતા વાહનચાલકોનું દૃશ્ય
જોઈને આપણે સમજી શકીએ છીએ કે, આખરે ધાર્મિક મેળાવડામાં અરાજકતા કેમ સર્જાતી હશે! ચાર
રસ્તા પર બધાથી પહેલાં જવા માગતા વાહનચાલકો અથવા સૌથી પહેલાં દર્શન કે સ્નાન કરવા
માગતા શ્રદ્ધાળુઓનું 'ટોળું' એકસરખા જોખમી છે. આ પ્રકારના ટોળામાં મોટા ભાગના લોકો શિક્ષિત હોય છે પણ 'સાક્ષર' નથી હોતા. શિક્ષણનો ફેલાવો થવો અને સાક્ષરતામાં વધારો થવો એ
બંનેમાં આસમાન જમીનનો ફર્ક છે. ભારતમાં ૧૦૦ ટકા શિક્ષણ ધરાવતા સમાજોના ધાર્મિક
મેળાવડામાં પણ ભક્તો એકબીજાને ધક્કા મારવામાં બે આંખની શરમ નથી અનુભવતા. વળી,
ભારતીયો જ્યાં પણ ભેગા
થાય છે ત્યાં એકબીજાથી થોડુંઘણું અંતર જાળવવાનો વિવેક પણ નથી દાખવતા. આવી
સ્થિતિમાં ભયનો માહોલ સર્જાય ત્યારે ભય વાસ્તવિક છે કે અફવા છે એની પરવા કર્યા
વિના દરેક વ્યક્તિ સ્વાર્થી થઈને બચવા માટે અરાજકતા સર્જે છે.
મનોવિજ્ઞાન કહે છે કે, બહુ ઓછી જગ્યામાં ભેગા થતા લોકોમાં થોડી ઘણી અરાજકતા પણ
ગંભીર હોય છે. ટોળામાં અફવા ફેલાય, કોઈ બેભાન થઈ જાય કે પછી લોકો એકબીજા સાથે ગેરવર્તન કરીને ઊંચા અવાજે વાત કરે તો પણ
લોકો ભયભીત થઈને ધક્કામુક્કી અને નાસભાગ કરે છે, જે મોટી જાનહાનિ સર્જવા પૂરતું છે. ટોળામાં થતું ગેરવર્તન
બીજા લોકો પર ઝડપથી અસર કરે છે. આવી દુર્ઘટના વખતે અમુક જ મિનિટોમાં અસંખ્ય લોકો
મોતને ભેટે છે એનું બીજું મહત્ત્વનું કારણ ભૌગોલિક છે. ભારતમાં મોટા ભાગના ધાર્મિક
મેળાવડા નદી કિનારે અથવા તો પર્વતીય પ્રદેશોમાં થતા હોય છે. આવા સ્થળોએ સંકડાશ બહુ
હોય છે અને રસ્તા પણ બરાબર નથી હોતા. ૧૪મી જુલાઈએ રાજામુન્દ્રીમાં ૩૦ લોકો મૃત્યુ
પામ્યા કારણ કે, કેટલાક લોકો નદીમાં તણાઈ રહેલા જૂતાં પાછા લાવવાનો કોશિષ કરી રહ્યા હતા. એ
વખતે સ્નાન કરવા તેની પાછળ ધસમસતું ટોળું આવ્યું. આ દરમિયાન જે લોકો આગળ હતા તેમણે
તણાઈ જવાના ડરે અરાજકતા સર્જી અને ઘટના સ્થળે જ અનેક લોકો મૃત્યુ પામ્યા.
જોકે, આ દરમિયાન વધુ મોટી દુર્ઘટના ટળી એ આપણું નસીબ. જે ધાર્મિક ઉત્સવોમાં
બહુ લોકો ભેગા થવાના હોય ત્યાં ચુસ્ત ક્રાઉડ મેનેજમેન્ટની જવાબદારી રાજ્ય સરકારો
અને આયોજકોની છે. રાજામુન્દ્રીમાં સંભવિત દુર્ઘટના ટાળવા પુષ્કર શરૂ થયો એ પહેલાં
મોક ડ્રીલ કરાઈ હતી પણ દુર્ઘટના રોકવા એ પૂરતું નથી. વિકસિત દેશોમાં જે સ્થળે બહુ
મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના હોય ત્યાં સેફ્ટી સિસ્મટ ઊભી કરાય છે. આ માટે
આયોજકોએ સ્થાનિક તંત્રને રજેરજની માહિતી આપીને ફરજિયાત લાયસન્સ લેવું પડે છે અને
સ્થળની ક્ષમતા, વ્યવસ્થા જોઈને જ લાયસન્સ અપાય છે. આપણે ત્યાં નિયમિત રીતે મોટા ધાર્મિક
મેળાવડા થતાં હોવા છતાં સેફ્ટી મેનેજમેન્ટ, લાયસન્સિંગ કે રજિસ્ટ્રેશન સિસ્ટમ હોતી નથી અને જે કોઈ
સેફ્ટી સિસ્ટમ હોય છે તે અપૂરતી હોય છે.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ધાર્મિક મેળાવડામાં જાનહાનિનું જોખમ
ઘટાડવા ગયા વર્ષે એક માર્ગદર્શિકા જારી કરી હતી, પરંતુ એક પણ રાજ્ય સરકારે તેનો અમલ કર્યો નથી. જેમ કે,
પ્રતિ સ્ક્વેર મીટર
જગ્યામાં દસથી વધારે લોકો ભેગા ના થઈ જવા જોઈએ. આ મહાન દેશમાં આવી નાની-નાની
વાતોને ગંભીરતાથી નથી લેવાતી અને લોકોને ભગવાન ભરોસે છોડી દેવાય છે. અમેરિકામાં
નાસભાગથી સર્જાતી દુર્ઘટનાનું જોખમ ઘટાડવા કોઈ પણ સ્થળે પ્રતિ સ્ક્વેર મીટરમાં
દસથી વધારે લોકો ભેગા ના થાય એનું પૂરતું ધ્યાન રખાય છે. ભારતમાં તો દાયકાઓથી
ધાર્મિક મેળાવડાનું આયોજન થતું હોવા છતાં આપણે કયા પ્રસંગે કેટલા શ્રદ્ધાળુઓ આવે
છે એના ચોક્કસ આંકડા શોધ્યા નથી. દરેક સ્થળે દુર્ઘટના થવાનું કારણ જુદું જુદું હોય
છે એનો પણ આપણે વૈજ્ઞાનિક અભ્યાસ કર્યો નથી. વિદેશોમાં તો આવી દુર્ઘટના નિવારવા 'ક્રાઉડ મેનેજમેન્ટ'ના વિવિધ પાસાંનો ઊંડો અભ્યાસ થાય છે અને તેના નિષ્ણાતો પણ
હોય છે.
નોંધઃ પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે.
વિશાલભાઈ,
ReplyDeleteઆપે એક અગત્યનો મુદ્દો ઉપાડ્યો છે, માટે અભિનંદન,
પુષ્કર અને કુંભ મેળા અંગે આપના વિચારો ખુબ પ્રસ્તુત છે, અને એ જ રીતે ટ્રાફિક અંગે પણ જે કહ્યું તે યોગ્ય છે,
આ બધાનું સહુથી મોટું કારણ છે વસ્તીવધારો, વધારે પડતી જનસંખ્યા, કદાચ દુનિયાના વેપાર માટે જરુઉરી હોય પણ એના નિયંત્રણમાં કાયમ ખામી જ રહેવાની, બહુ લાંબી વાત નહિ કરું, પણ અમદાવાદમાં જે પ્રમાણે ટ્રાફિક છે એમાં કાયદેસર વાહન ચલાવવું એક પ્રશ્ન છે, કોઈ ટ્રાફિક રૂલ્સ પાળતા નથી, અને સંખ્યાને આધારે ઘણી વાર એવું લાગે છે કે રુલ પાળનાર જરાએ આગળ વધી શકે એમ નથી,
કહે છે કે જનસંખ્યા વધુ હોય એ સમાજનો મૃત્યુદર પણ વધુ હોય, અને કદાચ આવા જ અકળ કારણોસર એ દર વધતો હશે,
કુદરતી સ્ત્રોતો નો સદુપયોગ અને સાચવણી માટે આવા ધાર્મિક સ્નાન બંધ કરવા જરૂરી છે, એની આજુબાજુ સ્વચ્છતા માટે પણ ત્યાં ગંદકી ન થવી જોઈએ એ પણ એટલું જ જરૂરી છે એનાથી વિરુદ્ધ આપણા દેશમાં કરોડો લોકો, જો બધા જ સ્નાનનો સરવાળો કરો તો અડધો દેશ, એમાં એક સ્નાન કરે છે, અને સ્નાન્પુર્વેની પ્રવૃત્તિ પણ ત્યાં જ થતી હશે, મૃતદેહ પણ વહેતા પાણીમાં વહાવે છે, કે અસ્થી વહાવે છે, એ પણ નદીને પ્રદુષિત તો કરે જ છે, જો આમાં સરકાર કે કોઈ પણ કારભાર જો સંભાળે છે તે પ્રદુષિત કરવામાં મદદગારી કરે છે એમ કહેવું ખોટું નથી, અને ખુબ ભીડ થાય, વારંવાર લોકો આકસ્મિક મૃત્યુ પામે તો જ મૃત્યુની બીકે આ વસ્તુ બંધ થશે, નહિ તો આજ આ મેળા છે, કાલ ઉઠીને ઘણા મંદિરો, જેવાકે તિરુપતિ, સાઈબાબા-શિરડી, સિદ્ધિવિનાયક- મુંબઈ, જ્યાં દર અઠવાડીએ કે દરરોજ ભીડ થાય છે એની પણ આવી જ દશા થશે, અને કોઈ નાગરિક કાયદો પાળતો નથી અને પાળશે નહિ,
Dear Vishal,
ReplyDeleteYou really raised a great issue which need to pay immediate attention by everyone for a ground-root solution forever.
આપણા નેતાઓ અને સરકારી તંત્ર ક્રાઉડ મેનિપ્યુલેશનમાં માને છે અને સારી રીતે કરી પણ જાણે છે. ટોળાનું મેનેજમેન્ટ માત્ર મતો માટે થાય છે. ધક્કાથી બીજો ભલે મરો પણ મારો મોક્ષ થાય એવી ઘેલછા દુર્ઘટનાઓ સર્જે છે. આમાં ત્રિસ્તરીય - (૧) લોકો-સમાજ, (૨) સિસ્ટમ (સરકારી તથા ધાર્મિક) અને (૩) હોદ્દેદારો (અધિકારી-નેતા-ધાર્મિક વડા)નો વાંક છે. સાલું યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં થતા ફનફેરમાં ય ફાયર સેફ્ટીની દરકાર લેવાતી નથી. રાઇડ તૂટતાં લોકો મરે છે, તો લાખો લોકોને તો આ ક્યાંથી મેનેજ કરવાના? દુર્ઘટના બદલ જવાબદારી અને આકરી પેનલ્ટી ફિક્સ કરો તો આ બધા દોડતા થાય. આવું થાય ત્યારે બાકી તો અલખ ધણી બેઠો છે... હરિ હરિ...
ReplyDelete