26 August, 2015

બ્રિટીશ રાજના 'વફાદારો' અને ભારતના 'જમાઈઓ'


બ્રિટીશરોએ ભારત પર રાજ ના કર્યું હોત તો? સામાન્ય રીતે બ્રિટીશ રાજમાં ભારતને થયેલા આર્થિક નુકસાનની વિકરાળતા દર્શાવવા આ સવાલ પૂછવામાં આવે છે. જોકે, બ્રિટીશરો ભારતમાં આવ્યા ના હોત તો અખંડ હિંદુસ્તાનને કેટલાક ખાસ લાભ મળ્યા છે એ પણ ના મળ્યા હોત- એવી થિયરીમાં માનનારા લોકો પણ ક્યારેક આવો સવાલ કરતા હોય છે. હિંદુસ્તાન તો અંદરોદર તલવારો ખેંચીને દાયકાઓ ખર્ચી કાઢનારા રજવાડામાં વહેંચાયેલો દેશ હતો, જેને ખરેખર 'નેશન' એટલે કે દેશ અથવા 'સ્ટેટ' એટલે કે શાસનપ્રણાલી ના કહી શકાય. વર્ષ ૧૮૫૭ના બળવા પછી બ્રિટીશરોએ પોતાના સ્વાર્થ ખાતર ભારતનું આધુનિકીકરણ કરવાનું શરૂ કર્યું. બ્રિટીશરોનો હેતુ ભારતમાં બને એટલી સરળતાથી રાજ કરવાનો હતો. આ પ્રક્રિયાના ભાગરૂપે જ ભારતને કાયદો- વ્યવસ્થા તંત્ર, વહીવટી માળખું અને મજબૂત રેલવે નેટવર્ક મળ્યું. ભારતનું વહીવટી તંત્ર મજબૂત કરવા બ્રિટીશરોએ ઈન્ડિયન સિવિલ સર્વિસની શરૂઆત કરી હતી. જોકે, આપણે આ વહીવટી માળખામાં સમય-સ્થિતિ-સંજોગો પારખીને ફેરફાર ના કર્યો અને એટલે જ 'સરકારી નોકરો'  ગણાતા ઉચ્ચ સરકારી અધિકારીઓ ધીમે ધીમે સરકારી જમાઈ કે ધોળા હાથી બની ગયા.

આઈએએસની પૂર્વજ આઈસીએસની શરૂઆત

ભારત પર રાજ કરી રહેલા બ્રિટીશ રાજે વર્ષ ૧૮૫૮માં વહીવટી સરળતા ખાતર ઈન્ડિયન સિવિલ સર્વિસીસ (આઈસીએસ)ની શરૂઆત કરી હતી, જે ઈમ્પેરિયલ સિવિલ સર્વિસીસ નામે પણ ઓળખાતી હતી.  આ શૈક્ષણિક સંસ્થા પર સ્વાભાવિક રીતે જ બ્રિટનનો કાબૂ હતો, જેનો હેતુ ભારતનું રાજકાજ સરળતાથી કરી શકાય એ માટે અત્યંત કાબેલ અમલદારો (બ્યુરોક્રેટ્સ) તૈયાર કરવાનો હતો. જોકે, રંગભેદથી ખદબદતું બ્રિટીશ રાજ ક્યારેય નહોતું ઈચ્છતું કે, આવા મહત્ત્વના હોદ્દા પર ભારતીયો બિરાજમાન થાય. આઈસીએસ પાસ કરનારા પહેલાં એક હજાર વિદ્યાર્થી બ્રિટીશ હતા. છેક વર્ષ ૧૯૪૮ સુધી આઈસીએસ થનારા ભારતીયો માંડ ૩૨૨ હતા, જ્યારે બ્રિટીશરોની સંખ્યા ૬૮૮ હતી. વર્ષ ૧૯૩૦ સુધી બ્રિટીશરોએ આઈસીએસમાં એકહથ્થું શાસન કર્યું હતું. બ્રિટીશરોએ વર્ષ ૧૮૮૦ સુધી ફક્ત રંગભેદના જોરે ભારતીયો આઈસીએસ થાય જ નહીં એનું પૂરતું ઘ્યાન રાખ્યું હતું.

ઈન્ડિયન નેશનલ એસોસિયેશનના સ્થાપક સુરેન્દ્રનાથ બેનરજી

જોકે, વર્ષ ૧૮૭૬માં સ્વાતંત્ર્ય સેનાની સુરેન્દ્રનાથ બેનરજીએ ઈન્ડિયન નેશનલ એસોસિયેશનની સ્થાપના કરીને આઈસીએસમાં ભારતીયો સામે થતા અન્યાય સામે ધીમું પણ મક્કમ આંદોલન શરૂ કરી દીધું હતું. આ આંદોલન માટે યુવાન સુરેન્દ્રનાથ સાથે થયેલો અન્યાય નિમિત્ત બન્યો હતો. દસમી નવેમ્બર, ૧૮૪૮ના રોજ બંગાળી બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા સુરેન્દ્રનાથ બેનરજીએ ફક્ત ૨૧ વર્ષની વયે આઈસીએસ પાસ કરી હોવા છતાં બ્રિટીશરોએ ઉંમર મુદ્દે સવાલો ઊભા કરીને તેમને નોકરી નહોતી આપી. તેથી સુરેન્દ્રનાથે વર્ષ ૧૮૭૧માં બીજી વાર પરીક્ષા પાસ કરી અને બ્રિટીશ સરકારે હાલના બાંગલાદેશમાં આવેલા જલાલાબાદના આસિસ્ટન્ટ મેજિસ્ટ્રેટ તરીકે તેમની નિમણૂક કરવી પડી. આ નિમણૂકના થોડા જ સમયમાં રંગભેદથી ખદબદતા બ્રિટીશ રાજે તેમની નોકરી છીનવી લીધી. ત્યાર પછી સુરેન્દ્રનાથ મજબૂત દલીલો સાથે ઈંગ્લેન્ડની કોર્ટમાં ગયા પણ તેમને સફળતા ન મળી. છેવટે વર્ષ ૧૮૭૬માં સુરેન્દ્રનાથે ઈન્ડિયન નેશનલ એસોસિયેશનની સ્થાપના કરીને આઈસીએસમાં ભારતીયો સાથે અન્યાય સામે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું. સમયાંતરે અન્ય લોકોએ પણ આ બદી સામે લડત  શરૂ કરી અને આઈસીએસમાં ભારતીયોની સંખ્યા વધતી ગઈ. 

ઈન્ડિયન બ્રિટીશર પેદા કરવાનું કારખાનું?

આઈસીએસ પાસ કરીને ઉચ્ચ સરકારી અધિકારી બનેલા ભારતીય સરકારી બાબુઓમાં વિચિત્ર પ્રકારની 'અંગ્રેજિયત' આવી જતી હતી. એ અંગ્રેજિયત પાછળનું કારણ બ્રિટીશ શિક્ષણ વ્યવસ્થા, અંગ્રેજી ભાષાનું શિક્ષણ અને બ્રિટીશરો દ્વારા આઈસીએસને અપાતી તાલીમ પણ હોઈ શકે! આ અંગ્રેજોતેમના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ પ્રત્યે મજબૂત હક્ક જમાવતા અને પોતાને બીજા કરતા ઊંચા ગણતા. આ પ્રકારની ગુરુતાગ્રંથિ આજના આઈએફએસ, આઈએએસ અને આઈપીએસમાં પણ આવી ગઈ છે, જે પોતાને પ્રજાના સેવકો નહીં પણ રાજાઓ સમજે છે. જોકે, બ્રિટીશ કાળના ભારતીય સરકારી બાબુઓ ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓને નહીં પણ અંગ્રેજોને વફાદાર હતા એ વાત યાદ રાખીને કેટલાક મુદ્દા નોંધવા જેવા છે.

બ્રિટિશ રાજના પહેલા ભારતીય
આઈસીએસ સત્યેન્દ્રનાથ ટાગોર

બ્રિટન વિરોધી આઝાદી કાળમાં પણ અંગ્રેજો ભારતીય યુવાનોમાં આઈસીએસનું આકર્ષણ ઊભું કરી શક્યા હતા. રસપ્રદ વાત એ છે કે, બ્રિટીશરો સામે સ્વાતંત્ર્યોત્તર આંદોલન ચાલુ હતું ત્યારે પણ ઉચ્ચ શિક્ષિત પરિવારોમાં 'બ્રિટીશ રાજના સનદી અધિકારી' બનવાનું આકર્ષણ હતું અને આઈસીએસ પાસ કરવી બહુ મોટી સિદ્ધિ ગણાતી. સુભાષચંદ્ર બોઝ પણ આઈસીએસમાં ચોથા ક્રમાંકે પાસ થયા હતા. જોકે, વર્ષ ૧૯૨૧માં તેમણે બળવાખોર સ્વભાવને પગલે બ્રિટીશ રાજની સેવાનહીં કરવાનો નિર્ણય લઈને રાજીનામું આપી દીઘું હતું. આ સરકારી બાબુઓ નિષ્ઠાપૂર્વક કામ કરતા અને 'રાજ'ને વફાદાર રહેતા. એ લોકો માટે સરકારી કામકાજ ગંભીર બાબત હતી. આ સરકારી બાબુઓ રાજ સામે બળવાખોરી ના થાય એમાં પણ આડકતરી રીતે મદદરૂપ થતા. જેમ કે, રવિન્દ્રનાથ ટાગોરના મોટા ભાઈ સત્યેન્દ્રનાથ ટાગોર બ્રિટીશ રાજની આઈસીએસમાં જોડાનારા પહેલા આઈસીએસ હતા. સત્યેન્દ્રનાથ જાણીતા લેખક, ભાષાશાસ્ત્રી અને સંગીતકાર હતા પણ ભારતીય સ્ત્રીઓની દયનીય હાલત જોઈને તેમના માટે કંઈક કરવા આઈસીએસમાં જોડાયા હતા. એનો અર્થ એ છે કે, એ વખતે પણ દેશસેવા કરવા આઈસીએસનો વિકલ્પ ધ્યાનમાં લેવાતો હશે! ટૂંકમાં દેશનું મજબૂત વહીવટી માળખું આપવાની સાથે સાથે ભારતીયો બ્રિટીશરોને સ્વીકારી લે અને પ્રજામાં બળવાખોરી ના થાય એમાં પણ આઈસીએસનો ફાળો અમૂલ્ય હતો.

સરદાર પટેલે પણ આઈસીએસની નોંધ લેતા સંસદમાં કહ્યું હતું કે, આઝાદી પછી દેશને એક રાખવામાં અમલદારોની ભૂમિકા મહત્ત્વની છે. જો તેઓ ના હોત તો દેશ પડી ભાંગ્યો હોત...

... અને સરકારી નોકરો 'ધોળા હાથી' બની ગયા

વર્ષ ૧૯૪૭માં ભારત-પાકિસ્તાનના ભાગલા થતા આઈસીએસનું પણ વિભાજન થયું અને ભારતના મળેલો ભાગ ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ એટલે કે આઈએએસ તરીકે ઓળખાયો, જ્યારે પાકિસ્તાનને મળેલો ભાગ સિવિલ સર્વિસીસ ઓફ પાકિસ્તાન તરીકે ઓળખાયો. ભાગલા વખતે કુલ ૯૮૦ આઈસીએસ  હતા, જેમાં ૪૬૮ યુરોપિયન, ૩૫૨ હિંદુ, ૧૦૧ મુસ્લિમ, ૨૫ ભારતીય ખ્રિસ્તી, ૧૩ પારસી, દસ શીખ, પાંચ એંગ્લો ઈન્ડિયન અને બે શિડયુલ કાસ્ટના હતા. આઝાદી કાળથી દેશને સુવ્યવસ્થિત વહીવટી માળખું પ્રદાન કરવામાં આ 'સરકારી નોકરો'નું પ્રદાન મહત્ત્વનું હતું. જોકે, ભાગલા પછી મોટા ભાગના યુરોપિયનો ભારત છોડીને સ્વદેશ જતા રહ્યા, જ્યારે હિંદુ-મુસ્લિમો ભારત પાકિસ્તાનમાં વહેંચાઈ ગયા. આ સ્થિતિમાં દેશનો વહીવટ કરવામાં અનેક પડકારો સામે આવ્યા અને સ્વતંત્રતા આંદોલનના નેતાઓને પણ ભારતીય અમલદારોનું મહત્ત્વ સમજાઈ ગયું.

ભારત સરકાર બ્રિટીશ રાજની જેમ સમય, સ્થિતિ અને સંજોગો પારખીને આઈએએસનું મજબૂત માળખું વિકસાવવામાં ઢીલી (નિષ્ફળ નહીં) પડી. આઝાદીના ૬૯ વર્ષ પછીયે આપણે સિવિલ સર્વિસીસમાં સુધારા કરી શક્યા નથી. બ્રિટીશ રાજના આઈસીએસ કમસેકમ 'રાજ'ને વફાદાર હતા પણ અત્યારના આઈએએસ સરકાર અને પ્રજા માટે 'ધોળા હાથી' છે. બ્રિટીશ રાજમાં બધા આઈસીએસ દૂધે ધોયેલા હતા એવું ના હોઈ શકે પણ આઝાદી પછી નૈતિકતા અને જાહેર મૂલ્યો ઘટતા ગયા એ કડવી હકીકત છે. બ્રિટિશ રાજમાં 'પ્રામાણિક' અમલદારોના જીવને જોખમ નહોતું કારણ કે, એ વખતના રાજકારણીઓ અને અમલદારો માફિયાઓના 'બિઝનેસ પાર્ટનર' નહોતા. આજે કોઈ પણ પ્રામાણિક સનદી અધિકારીને સહેલાઈથી મીડિયા એટેન્શન મળી જાય છે કારણ કે, આવા અધિકારીઓને દીવો લઈને શોધવા જવું પડે છે.

ભ્રષ્ટાચારના મૂળમાં ઊંડે ઉતરતા જણાય છે કે, છેલ્લાં દોઢ દાયકામાં થયેલા મસમોટા કૌભાંડોમાં રાજકારણીઓ અને સરકારી જમાઈઓની મિલિભગતે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આઈએએસ પાસ કરનારા તો દેશના સૌથી સારું શિક્ષણ મેળવેલા કાબેલ વિદ્યાર્થીઓ હોય છે અને છતાં તેઓ ભ્રષ્ટ બની જાય છે. એનું કારણ આપણી ખાડે ગયેલી શિક્ષણ પદ્ધતિ અને નૈતિક મૂલ્યોમાં સમયાંતરે થયેલો ઘટાડો છે. વર્ષ ૨૦૧૧ના સત્તાવાર અહેવાલો પ્રમાણે, ૨૦૦૭ પછીના ત્રણ જ વર્ષમાં સીબીઆઈએ સરકારી બાબુઓ સામે ૪૫૦ ચાર્જશીટ કરી છે અને ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે ૯૪૩થી પણ વધુ કેસ નોંધાયા છે.

જોકે, ભ્રષ્ટાચારને જ શિષ્ટાચાર માનતો આપણો સમાજ જ્યાં સુધી નહીં સુધરે ત્યાં સુધી 'અંગ્રેજો' જુદા જુદા રૂપમાં આપણા પર રાજ કરતા રહેશે. વ્યાપમ કૌભાંડમાં ડફોળ પુત્ર-પુત્રી માટે ડમી વિદ્યાર્થીઓ બેસાડવાના ચાર-પાંચ લાખ રૂપિયા વિદ્યાર્થીઓના માતા-પિતાએ જ ખર્ચતા હતા ને?

એટલે જ કોઈએ ‘જેવો રાજા એવી પ્રજા’ના બદલે ‘જેવી પ્રજા તેવો રાજા’ એમ કહ્યું હશે!

1 comment:

  1. interesting article.. there was an interesting debate in the Constituent Assembly and many leaders wanted to dismantle the ICS.. but it was at insistence of Sardar PAtel that ICS got the new avtaar of IAS Sardar called the civio services the steel frame for india.. the problem is, the lack of accountability.. the ICS was accountable to the Raj, but the IAS are not accountable, anybody questioning them is insulting them is their attitude..

    but yes. the main point u raised...reforms are very urgently needed

    ReplyDelete