09 July, 2015

૬૬૯ બાળકોના 'પિતા'ને હૃદયાંજલિ


આ દુનિયામાં રોજેરોજ કેટલાક સારા કર્મો થાય છે અને કેટલાક ખરાબ. જોકે, નાનામાં નાના સારા કર્મની અસર ખરાબ કર્મ કરતા અનેકગણી વધારે શક્તિશાળી હોય છે. એક નાનકડું સારું કર્મ ક્યારે 'મહાનતા'માં ખપી જશે એ કહી શકાતું નથી. આ વાતનું સૌથી ઉત્તમ ઉદાહરણ કોઈ હોય તો તે છે, સર નિકોલસ વિન્ટન. નિકોલસના જીવનમાં પણ એક એવી ક્ષણ આવી હતી જ્યારે તેમણે નૈતિક હિંમત દાખવીને અઘરો અથવા તો સામેથી મુશ્કેલીઓને આમંત્રણ નહીં આપીને સુરક્ષિત રસ્તો અપનાવવાનો હતો. જોકે, તેમણે અઘરો રસ્તો પસંદ કરીને મધ્ય યુરોપના ઝેકોસ્લોવેકિયા દેશમાં ફસાયેલા ૬૬૯ યહૂદી બાળકોને નાઝી કેમ્પમાં કમોતે મરતા બચાવ્યા હતા. નિકોલસે બાળકોને બચાવવા શું કર્યું હતું એ ઈતિહાસ કલ્પના કરતા પણ વધારે રોચક છે. આ બાળકો આજે ૭૦થી ૮૦ વર્ષની ઉંમરના થઈ ગયા છે, જે આજે પણ 'વિન્ટન્સ ચિલ્ડ્રન્સ' તરીકે ઓળખાય છે. આ યહૂદી બાળકોની બે-ત્રણ પેઢી પણ લગ્ન કરીને ઠરીઠામ થઈ ગઈ છે અને તેમના વંશજોની સંખ્યા છ હજારને પાર થઈ ગઈ છે. નાઝી યુગમાં જબરદસ્ત શૂરવીરતા દાખવનારા સર નિકોલસ વિન્ટનનું પહેલી જુલાઈ, ૨૦૧૫ના રોજ ૧૦૬ વર્ષની વયે અવસાન થયું છે.

નૈતિકતાની કસોટી કરતો નિર્ણય

વર્ષ ૧૯૩૮માં દ્વિતિય વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા ત્યારે નિકોલસ વિન્ટન લંડન સ્ટોક એક્સચેન્જમાં ક્લાર્ક હતા. એ વખતે ઝેકોસ્લોવેકિયામાં શિક્ષક તરીકે નોકરી કરતા નિકોલસના ખાસ મિત્ર માર્ટિન બ્લેકે તેમને સ્કિઈંગ વેકેશન પર આવવાનું આમંત્રણ આપ્યું હતું. નિકોલસે ખુશ થઈને આ આમંત્રણ સ્વીકારી લીધું હતું પણ આ દરમિયાન માર્ટિને નિકોલસને ફોન કરીને કહ્યું કે, ''હવે હું સ્કિઈંગ કરવા નહીં પણ પ્રાગ (એ વખતે ઝેકોસ્લોવેકિયાની અને અત્યારે ઝેક રિપબ્લિકની રાજધાની) જઈ રહ્યો છું અને તારે પણ મારી સાથે આવવું જોઈએ.'' માર્ટિન પ્રાગ જઈને યહૂદીઓને બચાવવાના કામમાં જોડાવવા માગતા હતા કારણ કે, હિટલરના નાઝી લશ્કરે યહૂદીઓની સામૂહિક કત્લેઆમ કરવા તેમને શોધી શોધીને બંદી બનાવવાનું શરૂ કરી દીધું હતું. હવે નિકોલસે નિર્ણય કરવાનો હતો કે, સ્કિઇંગ કરવાના વિચારો પડતા મૂકીને માર્ટિન સાથે યહૂદીઓની મદદે જવું કે પછી લંડન સ્ટોક એક્સચેન્જમાં બેસીને શેરબજારના ઈન્ડેક્સની ચિંતા કરવી? જોકે, નિકોલસ માર્ટિન સાથે પ્રાગ જવાનો નિર્ણય કરે છે અને એ વખતે તેમની ઉંમર હોય છે, ૨૯ વર્ષ.


નાઈટહૂડના ખિતાબ સાથે નિકોલસ વિન્ટન 

નિકોલસ ઝેકોસ્લોકેવિયા પહોંચીને ત્યાંની સ્થિતિ જોતા દંગ રહી ગયા હતા. જે યહૂદીઓ નાઝી લશ્કરના હાથમાં નહોતા આવ્યા તેઓ કોઈ પણ ભોગે ઝેકોસ્લોવેકિયા છોડીને સુરક્ષિત સ્થળે જવા માગતા હતા. જર્મનીના ક્રિસ્ટલ નાઈટ શહેરમાં નવ અને દસ જાન્યુઆરી, ૧૯૩૮ના રોજ હિટલરના લશ્કરે યહૂદીઓની સામૂહિક કત્લેઆમ શરૂ કરી દીધી હતી. આ ઘટનાએ ભયાનક ખૌફનો માહોલ સર્જ્યો હતો. મોતનો ભયાનક ડર, લાચારી અને અવ્યવસ્થાની સ્થિતિમાં હજારો યહૂદી પરિવારો ઘરવિહોણાં થઈને વિખરાઈ ગયા હતા. નાઝી લશ્કરે હજારો યહૂદીઓને ઝડપી લીધા હતા અને તેથી અનેક બાળકો અનાથ થઈ ગયા હતા.

બાળકો બચાવવા શરૂ કર્યું 'મેનેજમેન્ટ'

હિટલરનું લશ્કર યહૂદીઓની કત્લેઆમ કરી રહ્યું હતું ત્યારે બ્રિટન સિવાયના યુરોપના મોટા ભાગના દેશોએ યહૂદીઓ માટેની ઈમિગ્રેશન પ્રક્રિયા કડક બનાવી દીધી હતી. આ દરમિયાન બ્રિટન સહિતના યહૂદી અને બિન-યહૂદી જૂથોએ યહૂદી બાળકોને બચાવવા 'મૂવમેન્ટ ફોર ધ કેર ઓફ ચિલ્ડ્રન ફ્રોમ જર્મની' નામનું સંગઠન સ્થાપ્યું હતું. આ સંગઠનની ઉગ્ર રજૂઆતોને પગલે બ્રિટને યહૂદી શરણાર્થીઓની ઈમિગ્રેશન પ્રક્રિયા અત્યંત ઝડપી કરવાની ખાતરી આપી હતી. આ જૂથના પ્રયાસોથી જ બ્રિટનમાં કિન્ડરસ્પોર્ટ્સ પ્રોગ્રામ શરૂ થયો હતો. દ્વિતિય વિશ્વયુદ્ધના નવેક મહિના પહેલાં જર્મની, ઓસ્ટ્રિયા, ઝેકોસ્લોવેકિયા, પોલેન્ડ અને દાનઝિમાં ફસાયેલા યહૂદી બાળકોને સલામત રીતે બ્રિટન પહોંચાડવા શરૂ કરાયેલી યોજના કિન્ડસ્પોર્ટ્સ તરીકે ઓળખાય છે. આ યોજના હેઠળ યહૂદી બાળકો બ્રિટનમાં યજમાન પરિવારોને સોંપાતા હતા. જે બાળકોને હંગામી ધોરણે પણ કોઈ પરિવાર ના મળે તેમને હોટેલો, સ્કૂલો, હોસ્ટેલો અને ખેતરોમાં શરણાર્થી કેમ્પ ઊભા કરીને રખાતા હતા. આ યોજના હેઠળ ૧૭ વર્ષથી મોટા બાળકને બ્રિટન લાવવામાં આવે ત્યારે ૫૦ પાઉન્ડનો બોન્ડ કરવો ફરજિયાત હતો, જેનો હેતુ યહૂદી બાળકો ખતરો ટળ્યા પછી 'વતન'માં પાછા જતા રહે એ હતો.



ઝેકોસ્લોવેકિયામાંથી બચાવેલી એક બાળકી સાથે નિકોલસ વિન્ટન

યહૂદીઓને બચાવવાનું કામ શરૂ કર્યું ત્યારે નિકોલસે અનુભવ્યું કે, જેમને પકડીને બંદી બનાવવા સૌથી સહેલા છે એવા હજારો બાળકોનું તો કોઈ રણીધણી જ નથી. આ કારણોસર તેણે બાળકો માટે કંઈક કરવાનું વિચાર્યું. ઝેકોસ્લોવેકિયામાં જે બાળકો પર જીવનું સૌથી વધારે જોખમ હતું એવા પાંચેક હજાર બાળકોની તેણે એકલા હાથે માહિતી એકત્રિત કરી. નિકોલસના કામકાજની નાઝી અધિકારીઓને ગંધ આવી ત્યારે તેણે ખિસ્સાખર્ચીમાંથી લાંચ આપીને પતાવટ કરી. આ કામમાં અંશતઃ સફળતા મળ્યા પછી વધુ ચુસ્ત કામ કરવા નિકોલસે એકલા હાથે શરણાર્થી સંસ્થા ચાલુ કરી, જેમાં તેણે સતત નવ મહિના રાત-દિવસ કામ કર્યું. આ માટે નિકોલસે પ્રાગ અને લંડન વચ્ચે પણ રઝળપાટ કરવી પડી.

બાળકોને પ્રાગથી લંડન મોકલવા ટ્રેનો કરાઈ

નિકોલસ પ્રાગની એક હોટેલમાં રોકાઈને આ બધું કામ કરતા હતા. હોટેલના રૂમમાં રહીને નાઝીઓના નરસંહાર કાર્યક્રમની વિરુદ્ધમાં કામ કરવું જોખમી હતું. આ કારણોસર તેણે પ્રાગમાં સ્વખર્ચે એક ઓફિસ શરૂ કરી. નિકોલસે પ્રાગ અને લંડન વચ્ચે ધક્કા ખાઈને મહિનાઓ પછી કિન્ડરસ્પોર્ટ્સ પ્રોગ્રામ માટે ૯૦૦ બાળકોના દસ્તાવેજો તૈયાર કર્યા. હવે નિકોલસ માટે સૌથી મોટી મુશ્કેલી લંડનનું સરકારી તંત્ર હતું કારણ કે, ૯૦૦ બાળકોને પ્રાગથી લંડન લઈ જવા નવ મહિનામાં ઓછામાં ઓછી આઠ ટ્રેનોની જરૂર હતી. બ્રિટનમાં દરેક બાળક માટે યજમાન પરિવાર અને શરણાર્થી કેમ્પની મંજૂરી લેવામાં સરકારી ટેબલો પર બહુ વાર લાગતી હતી. વળી, નિકોલસ પાસે અનેક બાળકોના પૂરતા દસ્તાવેજો પણ ન હતા. આ કામ પતાવવા તેઓ લંડન ગયા, જ્યાં યજમાન પરિવારો શોધવામાં નિકોલસને તેની માતાનો પણ ભરપૂર સાથ આપ્યો હતો.


કિન્ડરસ્પોર્ટ્સ પ્રોગ્રામની ઉજવણી  નિમિત્તે દોડાવાયેલી ખાસ ‘વિન્ટન્સ ટ્રેન’

લંડનમાં યહૂદી બાળકોને રાખવા તૈયાર થનારા પરિવારોમાં યહૂદી જ નહીં બિન-યહૂદી પણ હતા. આ મામલે નિકોલસને બ્રિટનના યહૂદી રાજકારણીઓ સાથે તકરાર થઈ રહી હતી. લંડન પહોંચનારા તમામ બાળકોના ૫૦ પાઉન્ડની જામીનગીરી પણ નિકોલસ ભરતો હતો. અનેક બાળકોને પ્રાગથી લંડન જવાનું ભાડું ચૂકવવા તેણે ફાળો ઉઘરાવવો પડતો હતો કારણ કે, કેટલાક બાળકો અનાથ હતા તો કેટલાક યહૂદી માતા-પિતા પાસે કાણી પાઈ પણ ન હતી. આ બધી જ મુશ્કેલીઓને પાર કરીને નિકોલસે પ્રાગથી વાયા હોલેન્ડ થઈને લંડન જતી એક ટ્રેનમાં કેટલાક બાળકોને મોકલવાની ગોઠવણ કરી. જોકે, હોલેન્ડ સરકાર 'વિવાદ'માં પડવા માંગતી ન હોવાથી પોતાની ટેરિટરીમાંથી યહૂદીઓને લઈ જતી ટ્રેનને મંજૂરી ના આપી. છેવટે ડચ અધિકારીઓએ લંડન જતી ટ્રેનને વાયા જર્મની મોકલી. જોકે, સદ્નનસીબે બાળકો બચી ગયા. બાદમાં નિકોલસે ડચ અધિકારીઓને સફળતાપૂર્વક સમજાવી લીધા કે, ભવિષ્યમાં બાળકોના જીવ ખાતર તેઓ આવું નહીં કરે.

આવી મુશ્કેલીઓ વચ્ચે  ચોથી માર્ચ, ૧૯૩૯ના રોજ બાળકોને લઈને પહેલી ટ્રેન રવાના થઈ. એના એક જ દિવસ પછી નાઝી લશ્કરે આખું ઝેકોસ્લોવેકિયા ધમરોળી નાંખ્યું. આ સ્થિતિમાં પણ નિકોલસે ઠંડે કલેજે આયોજન કલેજે આયોજન કરીને ઓગસ્ટ સુધીમાં બીજી સાત ટ્રેનમાં અનેક યહૂદી બાળકોને પ્રાગથી લંડન મોકલી દીધા હતા. હવે, ૨૫૦ બાળકો સાથેની નવમી ટ્રેન ત્રીજી સપ્ટેમ્બર, ૧૯૩૯ના રોજ લંડન જવાની હતી. આ પહેલાં એકેય ટ્રેનમાં આટલા બધા બાળકો ન હતા. જોકે, પ્રાગ રેલવે સ્ટેશનેથી આ ટ્રેન ઉપડી જ નહીં કારણ કે, કિન્ડરસ્પોર્ટ્‌સ પ્રોગ્રામને ખેદાનમેદાન કરવા નાઝી લશ્કર પહેલી સપ્ટેમ્બરે જ તમામ સરહદો બંધ કરાવી દીધી હતી. આ ૨૫૦ બાળકોનું શું થયું એ વાત આજ સુધી જાણી શકાઈ નથી. જોકે, એ પહેલાં નિકોલસે ૬૬૯ બાળકને લંડન પહોંચાડી દીધા હતા.

૫૦ વર્ષ સુધી રહસ્ય અકબંધ રાખ્યું

નિકોલસ વિન્ટને ૫૦ વર્ષ સુધી પોતાની શૂરવીરતાની વાત છુપાવી રાખી હતી. આ દરમિયાન એંશીના દાયકામાં હોલોકોસ્ટ (સામૂહિક નરસંહાર) રિસર્ચર ડૉ. એલિઝાબેથ મેક્સવેલ વિન્ટન દંપતિના સંપર્કમાં આવ્યા. મેક્સવેલે સંશોધન માટે નિકોલસની પત્ની ગ્રેટે જેલ્સટ્રપ પાસેથી કેટલાક જૂના દસ્તાવેજો મેળવ્યા હતા, જેમાં નિકોલસે બચાવેલા બાળકોના નામ-સરનામાં પણ હતા. આ ઘટના પછી નિકોલસની ૬૬૯ યહૂદી બાળકોને બચાવવાની વાત બહાર આવી અને આગની જેમ ફેલાઈ ગઈ. આ વાત નિકોલસે ૫૦ વર્ષ સુધી છુપાવી રાખી હતી. આ મુદ્દે તેમણે કહ્યું હતું કે, ''એવી ઘણી વાતો હોય છે જે તમે પરિવારજનોને પણ કરી શકતા નથી. એ બધું યુદ્ધ વખતે થયું હતું અને મને યુદ્ધ સહિત આવી કોઈ વાત મહત્ત્વની નથી લાગી રહી...''

વર્ષ 2009માં નિકોલસ વિન્ટનના માનમાં પ્રાગ રેલવે સ્ટેશને મૂકાયેલું વિન્ટનનું પૂતળું

વર્ષ ૨૦૦૩માં બ્રિટિશ ક્વિને નિકોલસ વિન્ટનને નાઈટહૂડના ખિતાબથી સન્માનિત કર્યા હતા. વર્ષ ૨૦૧૪માં ઝેક ખગોળશાસ્ત્રીઓએ શોધેલા એક ગ્રહને નિકોલસ વિન્ટનનું નામ અપાયું છે. તેમના માનમાં પહેલી સપ્ટેમ્બર, ૨૦૦૯ના રોજ કિન્ડરસ્પોર્ટ્સની ૭૦મી જન્મજયંતિએ પ્રાગથી લંડન ખાસ 'વિન્ટન્સ ટ્રેન' દોડાવાઈ હતી. આ ટ્રેનમાં એ 'મોટા બાળકો' બેઠા હતા, જેમને નિકોલસે બચાવ્યા હતા. આ ટ્રેન લંડન પહોંચી ત્યારે ૧૦૦ વર્ષના સર નિકોલસ વિન્ટને તેમનું સ્વાગત કર્યું હતું. આ બાળકોએ એ દિવસે પણ આંખોમાં હર્ષાશ્રુ સાથે પોતાને 'વિન્ટન્સ ચિલ્ડ્રન્સ' તરીકે ઓળખાવીને નિકોલસને સૌથી મોટું સન્માન આપ્યું હતું.

No comments:

Post a Comment