13 November, 2014

નાઈજિરિયા અને સેનેગલનું 'ઓપરેશન ઈબોલા'


વર્ષ ૧૯૯૫માં હોલિવૂડના દિગ્દર્શક વોલ્ફાન્ગ પીટરસનની 'આઉટબ્રેક' નામની મેડિકલ ડિઝાસ્ટર થ્રીલર ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ અમેરિકાના 'ન્યૂયોર્કર' મેગેઝિનના પત્રકાર અને લેખક રિચર્ડ પ્રિસ્ટનના વર્ષ ૧૯૯૪માં આવેલા 'ધ હોટ ઝોન' નામના ઈબોલા વાયરસ પર લખાયેલા પુસ્તક પરથી પ્રેરિત હતી. જોકે, આ ફિલ્મમાં ઈબોલાને 'મોટાબા' નામ અપાયું હતું. આઉટબ્રેકમાં મોટાબા વાયરસ આફ્રિકાના રિપબ્લિકન ઓફ કોંગોમાંથી અમેરિકાના કેલિફોર્નિયાના એક નાના શહેર સુધી કેવી રીતે પહોંચે છે અને ઈબોલા સામેની લડાઈ શરૂ થાય છે એવી વાત છે. ‘આઉટબ્રેક’ બોક્સઓફિસ પર હીટ ગઈ એ દરમિયાન કોંગોમાં ઈબોલા ત્રાટક્યો હતો એટલે અમેરિકામાં પણ ચણભણ થઈ કે, જો અમેરિકામાં ખરેખર આવો કોઈ વાયરસ ત્રાટકે તો શું થાય? શું અમેરિકા પોતાને ઈબોલાથી મુક્ત કરી શકે? ‘આઉટબ્રેક’ રિલીઝ થયાના દસ વર્ષ પછી થયું એવું કે, ઈબોલા અમેરિકા પહોંચ્યો તો ખરો પણ મોટો ઉત્પાત મચાવી ના શક્યો. બીજી તરફ, પશ્ચિમ આફ્રિકાના નાઈજિરિયા અને સેનેગલમાં ઈબોલા ઉત્પાત મચાવવાની તૈયારીમાં હતો ત્યારે આ બંને દેશોએ સમયસૂચકતા વાપરીને ઈબોલાને સફળતાપૂર્વક મ્હાત આપી છે.વિશ્વ આરોગ્ય સંસ્થાએ (WHO)એ માર્ચ ૨૦૧૪માં દક્ષિણ આફ્રિકાના ગિની નામના નાનકડા દેશમાં ઈબોલા વાયરસથી રોગચાળો ફેલાઈ રહ્યો હોવાનું જાહેર કર્યું હતું. બાદમાં લાઈબેરિયા, નાઈજિરિયા, સેનેગલ, સિયેરા લિયોન અને છેક અમેરિકા સુધી ઈબોલા પહોંચ્યો ત્યારે 'હુ'એ ઓગસ્ટ ૨૦૧૪માં ઈબોલાથી ફેલાઈ રહેલા ચેપને 'ઈન્ટરનેશનલ પબ્લિક હેલ્થ ઈમર્જન્સી જાહેર કરી હતી. રસપ્રદ વાત એ છે કે, અમેરિકા સહિતના દેશો ભૌગોલિક રીતે આફ્રિકાથી ઘણાં દૂર હોવા છતાં ઈબોલાથી ભયભીત છે, જ્યારે 'હુ'એ ઈબોલાગ્રસ્ત દેશોના પાડોશીઓ સેનેગલ અને નાઈજિરિયાને ઓક્ટોબર મહિનામાં 'ઈબોલા ફ્રી' જાહેર કર્યા છે. અત્યંત ઝડપથી ફેલાતા ઈબોલા વાયરસ વિશે વિજ્ઞાાન પણ ખાસ કંઈ જાણતું નહીં હોવાથી નાઈજિરિયા અને સેનેગલે ઈબોલા સામેની લડાઈમાં મેળવેલી જીત મહત્ત્વની  છે. ભારતમાં પણ ઈબોલાના પ્રવેશની શક્યતા નકારી શકાય એમ નથી ત્યારે આ બંને દેશો ઈબોલામુક્ત કેવી રીતે થયા એ જાણવું રસપ્રદ રહેશે. જોકે, આ લડાઈનું મહત્ત્વ સમજવા ઈબોલા વાયરસ વિશે થોડી જાણકારી...

ઈબોલા, એક બેકાબૂ વાયરસ

વર્ષ ૧૯૭૬માં ઝેર (હાલનું કોંગો) અને સુદાનમાં એક ચેપી વાયરસ ઓળખાયો અને સંશોધકોએ કોંગોની ઈબોલા નદી પરથી તેને ઈબોલા નામ આપ્યું. ઈબોલાની સૌથી ખતરનાક વાત એ છે કે, થોડાં થોડાં વર્ષે માથું ઉચકતો આ વાયરસ વચ્ચેના સમયમાં ક્યાં રહે છે એ વિશે વિજ્ઞાનીઓ હજુ પણ બેખબર છે. વૈજ્ઞાાનિક ભાષામાં કહીએ તો, આ વાયરસનો રિઝર્વર હોસ્ટ એટલે કે એ કયા સજીવમાં રહે છે એ વિજ્ઞાાનીઓ જાણતા નથી. ઈબોલાની રસી બનાવવા આ વાત જાણવી જરૂરી છે. નિષ્ણાતોનું અનુમાન છે કે, ઈબોલા ફ્ટ બેટ તરીકે ઓળખાતા આફ્રિકન ચામાચિડિયા જેવા કોઈ પ્રાણીમાં જીવતા હોઈ શકે છે. ઈબોલાનો રિઝર્વર હોસ્ટ શોધવા વિજ્ઞાનીઓએ ઈબોલા વાયરસને ફ્રૂટ બેટમાં દાખલ કરી જોયા હતા, પરંતુ આ વાયરસની તેમના પર કોઈ જ અસર થઈ ન હતી. જોકે, હજુ સુધી ફ્રૂટ બેટ સહિતના એક પણ પ્રાણીમાંથી પહેલેથી સક્રિય ઈબોલા વાયરસ મળ્યો નથી. આ પહેલાં આફ્રિકામાં વર્ષ ૧૯૭૬, ૧૯૯૫, ૨૦૦૪, ૨૦૦૭ અને ૨૦૧૨માં પણ ઈબોલાથી રોગચાળો ફેલાયો હતો.

આ વાયરસ માણસમાં કેવી રીતે આવે છે એ વિશે વિજ્ઞાનીઓનું અનુમાન છે કે, આફ્રિકન ચામાચિડિયા, હરણ કે ચિમ્પાન્ઝી જેવા પ્રાણીના અત્યંત નિકટના સંસર્ગમાં આવવાથી કે તેનું માંસ ખાવાથી ઈબોલા માણસમાં પ્રવેશે છે. આ ઉપરાંત ચેપી લોહી, પરસેવો કે મળ-મૂત્રના સંસર્ગથી પણ તે ફેલાય છે. ઈબોલાગ્રસ્ત ચેપી વાતાવરણમાંથી પણ તે માણસમાં પ્રવેશી શકે છે. ઈબોલાથી મૃત્યુ પામેલી વ્યક્તિની અંતિમવિધિ વખતે લાશના સીધા સંપર્કથી પણ તેનો ચેપ લાગી શકે છે. ઈબોલાનો ચેપ લાગ્યા પછી અચાનક તાવ અને શારીરિક નબળાઈ, ઝાડા-ઉલટી, બ્લડ પ્રેશરમાં અનિયમિતતા અને શરીરમાં બાહ્ય અને આંતરિક રક્તસ્રાવ થાય છે. આ વાયરસથી મૃત્યુ પામેલા શરીરમાં ઈબોલા વાયરસ ભયાવહ માત્રામાં વધી જાય છે. ઈબોલાગ્રસ્ત દર્દીની સારવાર કરતા ડોક્ટર કે નર્સ જરાસરખી ચૂક કરે તો તેઓ પણ ઈબોલાનો ભોગ બની શકે છે. ઈબોલાનો ચેપ લાગ્યા પછી ૯૦ ટકા લોકો મોતને ભેટે છે.

બંને દેશોમાં ઈબોલા-પ્રવેશ

ઈબોલા જેવા અત્યંત ઝડપથી ફેલાતા વાયરસને રોકવા માટે ઈબોલાગ્રસ્ત તેમજ સંભવિત ઈબોલાગ્રસ્ત દર્દીઓને ઓળખીને તેમને અન્ય લોકોથી દૂર લઈ જઈ તાત્કાલિક સારવાર શરૂ કરવી પડે. ૧૭ કરોડથી પણ વધુ વસતી ધરાવતા નાઈજિરિયામાં અનેક વિસ્તારો ગીચ વસતી ધરાવે છે, જ્યારે માંડ ૧,૯૬,૭૧૨ સ્ક્વેર કિ.મી. જેટલું ક્ષેત્રફળ ધરાવતા સેનેગલમાં પણ ૧.૩૫ કરોડથી વધુ વસતી છે. આવા ગીચ વસતી ધરાવતા વિસ્તારોમાં સંભવિત ઈબોલાગ્રસ્ત દર્દીઓ શોધવા કેટલા કઠિન હોય એ સમજી શકાય એમ છે. નાઈજિરિયામાં સૌથી પહેલાં ૨૦મી જુલાઈએ પેટ્રિક સોયર નામના લાઈબેરિયન-અમેરિકન ફાયનાન્સિયલ કન્સલ્ટન્ટ ઈબોલાનો ભોગ બન્યા હતા. પેટ્રિક લાઈબેરિયાથી ફ્લાઈટમાં નાઈજિરિયાના ગીચ શહેર લાગોસમાં એરપોર્ટ પર ઉતર્યા હતા. એરપોર્ટ પરની તપાસમાં પેટ્રિક ઈબોલાનો ભોગ બન્યા હોવાનું માલુમ પડતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ પાંચ દિવસ પછી તેમનું મૃત્યુ થયું હતું. પેટ્રિક મૃત્યુ પામ્યા એ પહેલાં તેમનાથી ૧૯ લોકોને ચેપ લાગી ચૂક્યો હતો, જેમાંના આઠ દર્દીઓ થોડા થોડા દિવસના અંતરે મોતને ભેટ્યા હતા.

એવી જ રીતે, ગિનીથી જમીન માર્ગે આવેલા એક વિદ્યાર્થી થકી ઈબોલા સેનેગલમાં ઘૂસ્યો હતો. આ યુવક સેનેગલની રાજધાની ડકારમાં પ્રવેશ્યો ત્યારે તેને ઈબોલાગ્રસ્ત જાહેર કરીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો. તે ગિનીથી ડકાર આવ્યો ત્યાં સુધીમાં ૭૪ લોકોના સંસર્ગમાં આવ્યો હતો. આ વાતને ગંભીરતાથી લઈને સેનેગલ સરકારે તમામ ૭૪ લોકોની ઓળખ કરીને તેમને ૨૧ દિવસ માટે અન્ય લોકોથી દૂર કરી દીધા હતા. આ લોકોનું દિવસમાં બે વાર મેડિકલ ચેકઅપ કરાતું હતું. કારણ કે, માનવશરીરમાં પ્રવેશ્યા પછી ઈબોલા વાયરસના લક્ષણો વધુમાં વધુ ૨૧ દિવસમાં દેખાવાની શરૂઆત થાય છે. એટલે નાઈજિરિયા અને સેનેગલમાં એક પણ વ્યક્તિ ઈબોલાગ્રસ્ત નહોતી ત્યારથી ૪૨ દિવસ (તકેદારી ખાતર) રાહ જોઈને 'હુ'એ બંને દેશોને 'ઈબોલા ફ્રી' જાહેર કર્યા છે.

યુદ્ધના ધોરણે લડાઈની શરૂઆત

ઈબોલાની અત્યંત ઝડપથી ફેલાવાની શક્તિ જોતા બંને દેશો માટે તેના સામેની લડાઈ કોઈ યુદ્ધથી કમ ન હતી. પશ્ચિમ આફ્રિકામાં ઈબોલા સક્રિય થયા પછી નાઈજિરિયામાં ૧૯ અને સેનેગલમાં ફક્ત એક ઈબોલાગ્રસ્ત દર્દી નોંધાયો હતો. આ દર્દીઓ આખા દેશમાં રોગચાળો ફેલાવી શકતા હતા, પરંતુ એ પહેલાં જ બંને દેશોની સરકારોએ યુદ્ધના ધોરણે કેટલાક નિર્ણયો કર્યા. કારણ કે, બેમાંથી એક પણ દેશનું તંત્ર કેટલા ઈબોલાગ્રસ્ત દર્દીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે એ જાણતું ન હતું. ઈબોલાનો ચેપ લાગ્યા પછી દર્દીમાં તાત્કાલિક લક્ષણો દેખાય એવું દરેક વખતે થતું નથી. આ પ્રકારના છેતરામણા વાયરસનો ભોગ બનેલાને શોધવા જ મુશ્કેલ હોય ત્યાં તેમની સારવારનો તો પ્રશ્ન જ ઊભો નથી થતો. આ દરમિયાન બંને દેશોએ પોતાના નાગરિકોને ઈબોલાનો ભોગ બનેલા લાઈબેરિયા, સિયેરા લિયોન અને ગિનીમાં જવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

સેનેગલ તો ગિની જેવા ઈબોલા ઝોન સાથે ૨૦૦ કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે. પરંતુ ઓગસ્ટમાં ઈબોલાગ્રસ્ત વિદ્યાર્થીની ઓળખ થયા પછી સરહદની સાથે હવાઈ અને દરિયાઈ માર્ગ પણ બંધ કરી દેવાયા હતા. જોકે, યુનાઈટેડ નેશન્સની ભલામણ પછી સેનેગલે ઈબોલા ઝોનમાં કામ કરવા આવતા સ્વૈચ્છિક સંસ્થાઓના સ્ટાફ માટે હવાઈ માર્ગ શરુ કર્યો હતો. નાઈજિરિયા કોઈ ઈબોલા ઝોન દેશ સાથે સરહદ ધરાવતો નથી, પરંતુ પેટ્રિક સોયરના મૃત્યુ પછી નાઈજિરિયાએ લાઈબેરિયા અને સિયેરા લિયોન સાથેના હવાઈમાર્ગ પર અંકુશ મૂકી દીધો. મહત્ત્વની વાત એ છે કે, નાઈજિરિયાએ આ દેશોમાં જવા પર પ્રતિબંધ નહોતો મૂક્યો, પરંતુ ઈબોલા ઝોનમાંથી આવતા તમામ મુસાફરનું એરપોર્ટ પર મેડિકલ ચેકઅપ કરાતું હતું.

ઈબોલા પ્રવેશ પછી બંને દેશોએ સંકલન માટે ઈન્સિડન્ટ-મેનેજમેન્ટ સિસ્ટમ ઊભી કરી હતી. આ સિસ્ટમ અંતર્ગત રાષ્ટ્રીય સ્તરથી છેક રાજ્ય અને ગ્રામ્ય સ્તરના અધિકારીઓ એકબીજા સાથે તેમજ આંતરરાષ્ટ્રીય સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સતત સંપર્કમાં રહેતા હતા. સેનેગલમાં પેલા ઈબોલાગ્રસ્ત વિદ્યાર્થીએ (નામ ગુપ્ત રખાયું છે) પ્રવેશ કર્યો ત્યારે તેણે પોતે ઈબોલાનો સંભવિત દર્દી હોવાથી ગિનીમાં આરોગ્યતંત્રની દેખરેખ હેઠળ હતો એ વાત છુપાવી હતી. જોકે, તે ગિનીથી સેનેગલમાં પ્રવેશ્યો એ પહેલાં ઈન્સિડન્ટ-મેનેજમેન્ટ સિસ્ટમ થકી એક સંભવિત ઈબોલાગ્રસ્ત દર્દી દેશમાં પ્રવેશ્યો છે એ વાત સેનેગલે ગિનીના રેકોર્ડમાંથી જાણી લીધી હતી. આ દરમિયાન સેનેગલમાં તેનું મેડિકલ ચેકઅપ કરાતા તેને ઈબોલાનો ચેપ  લાગી ચૂક્યો હોવાનું માલુમ પડયું હતું. આ વિદ્યાર્થી તમામ પ્રકારના મેડિકલ ચેકઅપમાં ખરો ઉતર્યો એ પછી ૧૮મી સપ્ટેમ્બરે તેને ગિની પરત જવાની મંજૂરી અપાઈ હતી.

ઈબોલાગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવનારા લોકોને પણ બંને દેશોમાં ઝડપથી ઓળખીને સતત ૨૧ દિવસ સુધી ખાસ ઊભી કરેલી મેડિકલ સિસ્ટમની દેખરેખ હેઠળ રખાતા હતા. કોઈ પણ વ્યક્તિમાં ચેપના લક્ષણો દેખાય તો તેને જુદો પાડીને તાત્કાલિક સારવાર શરૂ કરાતી હતી. આ માટે બંને દેશોના તંત્રએ ત્રણેક મહિના સુધી હજારો ઘરોમાં જઈને ઈબોલાના સંભવિત દર્દીઓને ઓળખ કરવાનું અત્યંત કપરું કામ સફળતાપૂર્વક પાર પાડયું હતું. આ ઉપરાંત ઈબોલાની સાચી સમજ આપવા તેમજ અફવાઓ ના ફેલાય એ માટે બંને દેશોએ ટેલિવિઝન, રેડિયો અને સોશિયલ મીડિયા પર પણ આક્રમક અભિયાન કર્યું હતું. આફ્રિકન દેશોમાં રેડ ક્રોસ, ડોક્ટર્સ વિથાઉટ બોર્ડર સહિતની અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના તાલીમબદ્ધ નિષ્ણાતો ઈબોલાને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે બંને દેશોએ તેમને પૂરેપૂરો સહકાર આપ્યો હતો. બંને દેશોએ સતત ત્રણ મહિના ચલાવેલું 'ઓપરેશન ઈબોલા' જોઈને વિશ્વ દંગ રહી ગયું છે અને 'હુ'એ તેમને ઈબોલામુક્ત જાહેર કરવા પડયા છે.

આફ્રિકાના ઈબોલાગ્રસ્ત દેશોમાંથી સૌથી વધારે હવાઈ મુસાફરો કયા દેશોમાં જાય છે એની યાદીમાં ચીનનો ક્રમ ૧૦મો છે, જ્યારે ભારતનું સ્થાન ૧૩મા નંબરે છે. ઈબોલા ઝોન ગણાતા દેશોમાં ભારતીયોની વસતી આશરે ૫૦ હજાર છે અને એટલે ભારતમાં ઈબોલા પ્રવેશની શક્યતા નકારી શકાતી નથી. આ સંજોગોમાં વસતી વધારા અને જાહેર આરોગ્ય માટે કુખ્યાત ભારત જેવા દેશે નાઈજિરિયા અને સેનેગલની ઈબોલા સામેની લડાઈ યાદ રાખવા જેવી છે.

2 comments:

 1. વેરી ગુડ આર્ટિકલ..ડિફરન્ટ સબ્જેટ...
  ખૂણે ખાંચરેથી સારો સબ્જેક્ટ શોધીને ભરપૂર માહિતી છતાં સરળ અને રસાળ રજૂઆતની શૈલી વાચકને છેક સુધી જકડી રાખે છે...
  સામાન્ય રીતે અલ્પવિકસિત ગણાતા આ દેશોમાંથી ભારત જેવા ‘મહાન વિકાસશીલ’ દેશએ પણ મેડિકલ ઇમરજન્સી બાબતે શીખવા જેવું ખરું...

  ReplyDelete
  Replies
  1. સંદીપ.. લેખ વાંચીને નિયમિત કમેન્ટ્સ કરીને પાનો ચઢાવવા બદલ દિલસે થેંક્સ...

   Delete