વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા
યાત્રાએ હતા ત્યારે તમિલનાડુના સત્તાનશીન મુખ્યમંત્રી જે. જયલલિતાને ભ્રષ્ટાચારના
આરોપસર જેલમાં જવું પડયું. એવી જ રીતે, ચીનના પ્રમુખ શી જિનપિંગ ૧૭થી ૧૯મી સપ્ટેમ્બર ભારત સરકારની
મહેમાનનવાજી ભોગવી રહ્યા હતા ત્યારે ચીન સરકારે ૧૭-૧૮ સપ્ટેમ્બરે ચીનના લઘુમતી
ઉઈઘુર-Uighur મુસ્લિમ સમાજના આગેવાન અને ઈકોનોમિક્સના પ્રોફેસર ઈલ્હામ તોહતી પર કેસ
ચલાવ્યો અને ફક્ત ચાર જ દિવસ પછી ૨૩મી સપ્ટેમ્બરે તેમને આજીવન કેદની સજા ફટકારી
દીધી. જયલલિતા અને તોહતીના કેસમાં સામ્યતા ફક્ત એટલી જ છે કે,
બંને દેશોના વડા દેશબહાર
હતા ત્યારે તેમની ધરપકડ કરાઈ હતી, જેમાં એક કુખ્યાત રાજકારણી છે તો બીજા પ્રસિદ્ધ સામાજિક
નેતા અને શિક્ષણવિદ્ છે.
ભારતમાં બનેલી ઘટનાને અમ્માના અફીણી ભક્તો સિવાય બધાએ આવકારી છે અને આ કેસમાં
ભારત સરકારની પાછલા બારણે કોઈ ભૂમિકા ન હતી, જ્યારે ચીન સરકારે તોહતીને ફટકારેલી આજીવન કેદની સજા સામે
વિશ્વભરમાંથી વિરોધનો સૂર ઊઠી રહ્યો છે અને તેમને આકરી સજા ફટકારવામાં ચીનની
દમનકારી સરકારની મહત્ત્વની ભૂમિકા છે. ચીનની નીતિરીતિના પશ્ચિમી નિષ્ણાતોનું
કહેવું છે કે, જિનપિંગ ભારતયાત્રાએ હતા ત્યારે પણ તોહતીના કેસને લઈને પોતાના વિશ્વાસુઓ સાથે
સતત સંપર્કમાં હતા. આટલું જાણ્યા પછી એ સવાલ થાય કે, ભારત તો ઠીક અમેરિકા જેવી મહાસત્તાની પણ સાડાબારી નહીં
રાખનારા ચીને એક પ્રોફેસરને આજીવન કેદ કરવાનો નિર્ણય કેમ લેવો પડયો?
આ સવાલનો જવાબ મેળવવા
ચીનના લઘુમતી મુસ્લિમ ઉઈઘુર સમાજ અને પ્રોફેસર ઈલ્હામ તોહતીની પૂર્વભૂમિકા.
૪૪ વર્ષીય ઈલ્હામ તોહતી ચીનના લઘુમતી ઉઈઘુર મુસ્લિમ સમાજના હક્કો માટે છેલ્લાં ઘણાં સમયથી ચીન સરકાર સામે અભિયાન ચલાવી રહ્યા છે. ચીનની પશ્ચિમે આવેલા ઝિનજિયાંગનું સંચાલન ચીન સરકારની નજર હેઠળ થાય છે, પરંતુ તે એક સ્વાયત્ત પ્રદેશ છે. આ પ્રદેશમાં અક્સાઈ ચીનના કેટલાક વિવાદાસ્પદ વિસ્તારનો પણ સમાવેશ થાય છે. દસ લાખ, ૬૦ હજાર સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું ઝિનજિયાંગ વિશ્વનો આઠમા નંબરનો સૌથી મોટો સ્વાયત્ત પ્રદેશ છે, જ્યારે ચીન સરકાર દ્વારા સંચાલિત તે સૌથી મોટો સ્વાયત્ત વિસ્તાર છે. વર્ષ ૨૦૧૦ની વસતી ગણતરી પ્રમાણે અહીં ઉઈઘુર મુસ્લિમોની વસતી ૪૩.૩ ટકા (એક કરોડથી વધુ) અને હાન સમાજના લોકોની વસતી ૪૧ ટકા જેટલી હતી, પરંતુ સમગ્ર ચીનમાં બહુમતી ધરાવતો હાન સમાજ અહીં પણ વર્ચસ્વ જમાવવા કોશિષ કરી રહ્યો છે. ચીન સરકારની નીતિઓનો પણ હાન સમાજને સીધો કે આડકતરો ફાયદો મળે છે.
ઈલ્હામ તોહતી |
૪૪ વર્ષીય ઈલ્હામ તોહતી ચીનના લઘુમતી ઉઈઘુર મુસ્લિમ સમાજના હક્કો માટે છેલ્લાં ઘણાં સમયથી ચીન સરકાર સામે અભિયાન ચલાવી રહ્યા છે. ચીનની પશ્ચિમે આવેલા ઝિનજિયાંગનું સંચાલન ચીન સરકારની નજર હેઠળ થાય છે, પરંતુ તે એક સ્વાયત્ત પ્રદેશ છે. આ પ્રદેશમાં અક્સાઈ ચીનના કેટલાક વિવાદાસ્પદ વિસ્તારનો પણ સમાવેશ થાય છે. દસ લાખ, ૬૦ હજાર સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું ઝિનજિયાંગ વિશ્વનો આઠમા નંબરનો સૌથી મોટો સ્વાયત્ત પ્રદેશ છે, જ્યારે ચીન સરકાર દ્વારા સંચાલિત તે સૌથી મોટો સ્વાયત્ત વિસ્તાર છે. વર્ષ ૨૦૧૦ની વસતી ગણતરી પ્રમાણે અહીં ઉઈઘુર મુસ્લિમોની વસતી ૪૩.૩ ટકા (એક કરોડથી વધુ) અને હાન સમાજના લોકોની વસતી ૪૧ ટકા જેટલી હતી, પરંતુ સમગ્ર ચીનમાં બહુમતી ધરાવતો હાન સમાજ અહીં પણ વર્ચસ્વ જમાવવા કોશિષ કરી રહ્યો છે. ચીન સરકારની નીતિઓનો પણ હાન સમાજને સીધો કે આડકતરો ફાયદો મળે છે.
બેજિંગની મિન્ઝુ યુનિવસટીમાં અર્થશાસ્ત્ર ભણાવતા તોહતી ઉઈઘુર લોકોને થતા
અન્યાય સામે અવાજ ઉઠાવવા અને તેમને ટપારવા માટે 'ઉઈઘુર ઓનલાઈન' નામની વેબસાઈટ ચલાવતા હતા. ચીનની લોખંડી દીવાલો પાછળ શું
થાય છે એ વિશે દુનિયાને બહુ ઓછી અને બહુ મોડી ખબર મળે છે,
પણ તોહતીની સજા સામે
વિશ્વભરમાંથી વિરોધ ઉઠ્યા પછી ચીન સરકારે તોહતી સામે બે-ચાર નહીં પણ ૨૧૦ પુરાવા રજૂ
કર્યા છે. આ પુરાવામાં એક વીડિયો ક્લિપનો પણ સમાવેશ થાય છે,
જેમાં તેઓ કહી રહ્યા છે
કે, ''ચીનની
પશ્ચિમે ઝિનજિયાંગ પ્રાંત ઉઈઘુર મુસ્લિમ સમાજ સાથે સંબંધ ધરાવે છે,
નહીં કે બહુમતી હાન લોકો
સાથે...'' બીજા એક લેખિત પુરાવા પ્રમાણે તેઓ પોતાના વિદ્યાર્થીઓને કહી રહ્યા હતા કે,
''હું ચાઈનીઝ નથી,
કારણ કે હું ઉઈઘુર
છું...'' આ ઉપરાંત તેમના પર ઉઈઘુર વિદ્યાર્થીઓને ભડકાવીને અલગતાવાદી ચળવળ ચલાવવાનો અને
હિંસાને ઉત્તેજન આપવાનો પણ આરોપ છે. આવા આરોપો મૂકીને ચીન સરકારે તોહતી સાથે સાત
વિદ્યાર્થીઓની પણ ધરપકડ કરી છે.
ઝિનજિયાંગ પ્રાંત |
હકીકત એ છે કે, તોહતીએ ઝિનજિયાંગ પ્રાંતની સ્વતંત્રતાની ક્યારેય તરફેણ કરી
નથી. તેમણે ઉઈઘુરો દ્વારા થતી હિંસાનો પણ સોઈ ઝાટકીને વિરોધ કર્યો છે. તેઓ
દ્વેષભાવયુક્ત નિવેદનબાજીમાં ઉતર્યા વિના ચીન સરકારની નીતિનો ફક્ત તર્કબદ્ધ વિરોધ
કરે છે અને એટલે જ પશ્ચિમી દેશોમાંથી તોહતીને જેલ નહીં પણ શાંતિનું નોબલ પુરસ્કાર
આપવાનો અવાજ ઉઠયો છે. અલ્પ વિકસિત ઝિનજિયાંગ પ્રાંતમાં તકોના અભાવ અને સરકારની
ભેદભાવયુક્ત નીતિના કારણે અહીંની યુવાન મહિલાઓમાં રોજગારી માટે પૂર્વ ચીનમાં
સ્થાયી થવાનું ચલણ વધી રહ્યું છે. બીજી તરફ, ચીનના અન્ય પ્રાંતોમાંથી ઝિનજિયાંગમાં સ્થાયી થવા આવતા
લોકોને ચીન સરકાર પ્રોત્સાહન આપી રહી છે. તોહતી આ પ્રકારની નીતિઓનો વિરોધ કરતા
હોવાથી સરકારને તેઓ આંખના કણાની જેમ ખૂંચે છે.
તોહતીએ ઉઈઘુર અને હાન સમાજના લોકો વચ્ચે લવાદની ભૂમિકા ભજવીને હંમેશાં સૌમ્યતાપૂર્વક
અને ઉદાર મતવાદી અવાજ ઉઠાવ્યો છે, પરંતુ ચીન સરકારે તોહતીના લખાણો કે નિવેદનોના
પૂર્વાપરના સંબંધ ચકાસ્યા વિના અથવા જાણીજોઈને છુપાવીને ખૂબ ઝડપથી અદાલતી
કાર્યવાહી પૂરી કરી દીધી છે. ચીન જેવી આપખુદ સરકાર પણ આજીવન કેદની સજા બહુ ઓછા
ગુનેગારોને આપે છે. આ સંજોગોમાં ચીનની અદાલતે બે જ દિવસ ટ્રાયલ ચલાવીને માનવ
અધિકાર માટે લડતા તોહતીને જેલમાં ધકેલી દીધા છે. આ આશ્ચર્યજનક ઘટનાના કારણો ઊંડા
છે.
તોહતીએ ઉઈઘુર સમાજને વાચા આપવા વર્ષ 2006માં ઉઈઘુર ઓનલાઈન નામની વેબસાઈટ શરૂ
કરી ત્યારથી તેમની મુશ્કેલીઓના બીજ રોપાયા હતા. ચીન સરકારની ભેદભાવયુક્ત નીતિઓના
કારણે છેલ્લાં બે દાયકામાં ઉઈઘુર સમાજમાં અન્યાયની ભાવના ઘર કરી ગઈ છે.
ઝિનજિયાંગમાં હાન લોકોનું સ્થળાંતર વધી રહ્યું હોવાથી ઉઈઘુર સમાજમાં પોતાની
સંસ્કૃતિ-વારસો ખતમ થઈ જવાનો ભય પેઠો છે.વર્ષ ૨૦૦૯માં ઝિનજિયાંગ પ્રાંતમાં થયેલા
કોમી તોફાનોમાં આશરે ૧૫૦ લોકોના મૃત્યુ થયા હતા, જેમાં મોટા ભાગના લોકો હાન સમાજના હતા. ત્યાર પછી છેલ્લાં
કેટલાક વર્ષોમાં છૂટાછવાયા છમકલાં પછી ઓક્ટોબર ૨૦૧૩માં ચીનના જાણીતા તિયાનમેન
સ્ક્વેર પર કાર બોમ્બ વિસ્ફોટની ઘટના બની હતી, જેમાં ઉઈઘુર ઉગ્રવાદીઓનો હાથ હોવાની વાત બહાર આવી હતી.
ચીનના ઉગ્રવાદી મુસ્લિમ ઉઈઘુર જૂથો ઝિનજિયાંગના ભાગલા કરીને પૂર્વ તુર્કિસ્તાનની
માગણી કરી રહ્યા છે. ચીનની વિસ્તારવાદી નીતિ જોતા તે આ માગને સહન કરે એ શક્ય જ
નથી. તાજેતરમાં ચીનના કુનમિંગ રેલવે સ્ટેશન અને ઉરુક્મી પ્રાંતના બજારમાં નાના
મોટા આતંકવાદી હુમલાની ઘટનાઓ બાદ ચીન સરકારે તેની અન્યાયી નીતિઓનો વધુ કડક અમલ શરૂ
કર્યો છે. ચીન સરકારે આ તમામ ઘટનાઓને સરકાર સામેના યુદ્ધ તરીકે જોઈને 'ધાર્યું ધણીનું જ થશે' એવી દાદાગીરી સાથે ઉઈઘુર સમાજમાંથી ઉઠેલા અલગાવવાદી સૂરને
ઉગતો જ ડામી દેવા ઈલ્હામ તોહતી સહિત તમામને એક જ લાકડીએ હાંકવાની અન્યાયી નીતિ
અમલમાં મૂકી છે. આ સ્થિતિને કાબૂમાં લેવા અને અલગાવવાદીઓ પર ધાક જમાવવા ચીને
કમનસીબે તોહતી પરનો ગાળિયો વધુ મજબૂત કરવાનો ખોટો નિર્ણય લીધો છે.
તાજેતરમાં જ ઈરાક અને સીરિયામાં આતંક મચાવનારા ઈસ્લામિક સ્ટેટ-આઈએસ જૂથે જાહે
કર્યું હતું કે, ચીન પણ મુસ્લિમોના સૌથી મોટા દુશ્મનો પૈકીનું એક છે. એશિયાઈ
દેશોના અનેક સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે, તોહતી સામે ચીનના વલણથી ઝિનજિયાંગ
પ્રાંતમાં આતંકવાદ વકરશે. ઈલ્હામ તોહતીને આજીવન કેદની સજા જાહેર થયા પછી ચીનના
જાણીતા લેખક વાંગ લિક્સિઓંગ અને કેટલાક પશ્ચિમી પત્રકારોએ તેમની સરખામણી નેલ્સન
મંડેલા સાથે કરી છે, જેમણે વર્ષ ૧૯૯૪માં દક્ષિણ આફ્રિકાના પ્રમુખ બનતા પહેલાં ૯૫
વર્ષના આયુષ્યમાં ૨૭ વર્ષ જેલમાં વિતાવવા પડયા હતા. જોકે ચીનની સરકારી સમાચાર
એજન્સી ઝિન્હુઆએ તોહતીની મંડેલા સાથેની સરખામણીના અહેવાલો ફગાવી દેતા લખ્યું છે કે,
મંડેલા સમાધાનના માર્ગે
આગળ વધ્યા હતા, જ્યારે ઈલ્હામ તોહતી નફરત અને હિંસાનો ઉપદેશ આપે છે.
આશા રાખીએ કે, ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના યુગમાં ચીન સરકાર બધાને લાંબો સમય
મૂર્ખ નહીં બનાવી શકે અને તોહતીએ પણ ન્યાય માટે મંડેલાની જેમ બહુ લાંબો સમય રાહ
જોવી ના પડે!
નોંધઃ અત્યાર સુધી આ બ્લોગમાં મૂકેલા બધા જ લેખો સુરતથી પ્રકાશિત થતાં અખબાર ‘ગુજરાત ગાર્ડિયન’માં પ્રકાશિત થયા છે. હવેથી અહીં ‘ગુજરાત સમાચાર’ની શતદલ પૂર્તિમાં મારી કોલમ ફ્રેન્ક્લી સ્પીકિંગમાં પ્રકાશિત થયેલા લેખો તેમજ અન્ય વિગતો મૂકીશ.
નોંધઃ અત્યાર સુધી આ બ્લોગમાં મૂકેલા બધા જ લેખો સુરતથી પ્રકાશિત થતાં અખબાર ‘ગુજરાત ગાર્ડિયન’માં પ્રકાશિત થયા છે. હવેથી અહીં ‘ગુજરાત સમાચાર’ની શતદલ પૂર્તિમાં મારી કોલમ ફ્રેન્ક્લી સ્પીકિંગમાં પ્રકાશિત થયેલા લેખો તેમજ અન્ય વિગતો મૂકીશ.
No comments:
Post a Comment