19 October, 2014

આલોક શેટ્ટીઃ કળા ખાતર કળા નહીં, સમાજ માટે કળા-કારીગરી


જમ્મુ કાશ્મીર અને આસામમાં આવેલા પૂરમાં અનેક લોકો બેઘર થઈ ગયાના અહેવાલો આવી રહ્યા છે ત્યારે ‘ટાઈમ’ મેગેઝિને બેંગલુરુના આલોક શેટ્ટી નામના 28 વર્ષીય યુવકને ‘ફ્લડપ્રૂફ’ ઘર ડિઝાઈન કરવા બદલ ‘યંગ લીડર્સ ઓફ ટુમોરો’ની યાદીમાં સ્થાન આપ્યું હોવાનો યોગાનુયોગ સર્જાયો છે. અમેરિકાની કોલમ્બિયા યુનિવર્સિટીના માસ્ટર ઈન આર્કિટેક્ટ આલોક શેટ્ટીએ એવા લોકો માટે ઘર ડિઝાઈન કર્યું છે જેમનું ઘર એક જ વરસાદમાં વહી જાય છે. ભારત જેવા વસતીથી ફાટફાટ દેશમાં લાખો લોકો બેઘર છે અને કરોડો લોકો ઝૂંપડપટ્ટીઓમાં વસે છે. ભારે વરસાદ અને પૂર જેવી કુદરતી આફતો વખતે ગરીબોના ઘર તૂટી જાય છે અને ઝૂંપડપટ્ટી વિસ્તારો મચ્છરોના બ્રિડિંગ સેન્ટર બને છે. પરિણામે બેઘર થયેલા લોકો મેલેરિયા અને ટાઈફોઈડ જેવી બિમારીઓનો ભોગ બને છે અને અહીં આરોગ્યને લગતી સુવિધાઓનો પણ અભાવ હોય છે. આલોક શેટ્ટીએ આવી અનેક જટિલ મુશ્કેલીઓનો એકદમ સરળ ઉપાય શોધ્યો છે.

વર્ષ 2014ની ‘નેક્સ્ટ જનરેશન લીડર્સ’ની યાદીમાં સ્થાન મેળવનારા આલોક શેટ્ટી વિશે ‘ટાઈમ’એ નોંધ્યું છે કે, “એક આર્કિટેક્ટ તરીકે આલોક શેટ્ટીએ જટિલ મુશ્કેલીઓના સરળ ઉપાય આપ્યા હોવાથી તેઓ ભારત માટે આશાનું કિરણ છે.” બેંગલુરુમાં હાઈટેક ટેક્નોલોજી પાર્ક નજીક એલઆરડીઈ ઝૂંપડપટ્ટી વિસ્તાર આવેલો છે. અહીં આશરે બે હજાર લોકો તાડપત્રી કે પ્લાસ્ટિક શીટ્સમાંથી બનાવેલા ઘરમાં રહે છે. થોડા ભારે વરસાદમાં પણ આ ઘર ટકી શકતા નથી. બેંગલુરુની ‘પરિણામ ફાઉન્ડેશન’ નામની સ્વૈચ્છિક સંસ્થા સાથે કામ કરતી વખતે શેટ્ટીએ ગરીબોને ધ્યાનમાં રાખીને બાંધકામ વખતે ફેંકી દેવાયેલો વેસ્ટેડ સરસામાન, વાંસ અને લાકડામાંથી પૂરમાં ટકી શકે એવા સ્માર્ટ ઘર બનાવ્યા છે.


આલોક શેટ્ટી 

ચાર વ્યક્તિ માટે ડિઝાઈન કરાયેલું આ ઘર ચાર કલાકમાં બની શકે છે અને એટલા જ સમયમાં છૂટું પણ પાડી શકાય છે. કામની શોધમાં વારંવાર સ્થળ બદલતા લાખો ગરીબો માટે આ વિશિષ્ટતા ઘણી ઉપયોગી છે. વળી, આ ઘર જમીનથી એક ફૂટ ઉપર બાંધી શકાતું હોવાથી વરસાદી પાણીથી પણ થોડી રાહત મળે છે. ટાઈમ મેગેઝિને નોંધ્યું છે કે, “શેટ્ટીએ ડિઝાઈન કરેલું ઘર ફ્ક્ત 300 ડોલર (આશરે રૂ. 18 હજાર)માં તૈયાર કરી શકાય.” આ ઘર લાખો ગરીબોને ઉપયોગી થઈ શકે છે, પરંતુ જે દેશના શહેરોમાં રોજના રૂ. 47 અને ગામડાંમાં રોજના રૂ. 32ની કમાણી પર નભતા લોકો ગરીબી રેખાની નીચે ગણાતા હોય તો ગરીબી રેખાની ઉપરના ગરીબોની સ્થિતિ પણ બહુ સારી ના હોય એ સમજી શકાય એમ છે. જોકે, પરિણામ ફાઉન્ડેશનનું માનવું છે કે, આ ઘર જેમને ના પોસાય તેઓ સરકારી સબસિડીની મદદથી ટકાઉ ઘરના માલિક બની શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાયાત્રા દરમિયાન કહ્યું હતું કે, વહીવટી પરિવર્તન, લોકસશક્તિકરણ, સામાજિક પડકારોના સસ્તા અને ટકાઉ ઉકેલ તેમજ પહેલાં ક્યારેય પહોંચ નહોતી એ ઝડપે લોકો સુધી પહોંચવા માટે હું દૃઢપણે ટેક્નોલોજી અને ઈનોવેશનમાં વિશ્વાસ ધરાઉં છું... જો હવે સરકાર ભાષણબાજીથી થોડી આગળ વધીને ઈનોવેટરો અને ઈનોવેટિવ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહિત કરવા કોઈ ખાસ યોજના બનાવે તો ગરીબી રેખાની નીચે જીવતા લોકો સુધી વિકાસના ફળ ઝડપથી પહોંચે એવી આશા જરૂર રાખી શકાય. જેમ કે, હાલ આલોક શેટ્ટી અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો સુધી આરોગ્ય અને શિક્ષણ પહોંચે એ દિશામાં એક ઈનોવેટિવ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.

શેટ્ટી ન્યૂયોર્કની કોલમ્બિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા ત્યારે આ પ્રોજેક્ટના બીજ રોપાયા હતા. અહીં અભ્યાસ કરતી વખતે શેટ્ટીએ વિશ્વવિખ્યાત ટેડ (ટેક્નોલોજી, એન્ટરટેઈનમેન્ટ ડિઝાઈન) ટૉકમાં ભાગ લઈને મોબાઈલ ઓડિટોરિયમ ડિઝાઈન કરવાની ચેલેન્જ સ્વીકારી હતી. આ ચેલેન્જના ભાગરૂપે શેટ્ટીએ બે મિત્રો સાથે ફક્ત ચાર જ કલાકમાં 40 ફૂટ ઊંચા શિપિંગ કન્ટેઇનટરમાંથી 250 બેઠકો ધરાવતું મિની ઓડિટોરિયમ ડિઝાઈન કર્યું હતું. આ પ્રોજેક્ટને પૂરો કરીને તેઓ ભારત પર આવી ગયા, પરંતુ મિની ઓડિટોરિયમની ડિઝાઈન પરથી તેમને મોબાઈલ દવાખાનાં અને વિદ્યાર્થીઓ માટે ક્લાસરૂમ ડિઝાઈન કરવાનો વિચાર આવ્યો. શેટ્ટીએ આ પ્રકારના મોબાઈલ દવાખાના અને ક્લાસરૂમને દેશમાં સૌથી મજબૂત નેટવર્ક ધરાવતી રેલવેલાઈન સાથે જોડવાનો વિચાર પણ રજૂ કર્યો છે. ગ્રામ્ય ભારતમાં કિલોમીટરો સુધી આરોગ્ય અને શિક્ષણને લગતું માળખું અલ્પવિકસિત છે. આ સુવિધા આપવા અહીં મકાનો બાંધવાનું અશક્ય નથી પણ તે સમય માગી લેનારું અને ખર્ચાળ કામ હોવાથી શેટ્ટીએ ઈનોવેટિવ આઈડિયા આપ્યો છે.

જો મોબાઈલ દવાખાના અને મોબાઈલ ક્લાસરૂમને રેલવેલાઈન સાથે જોડી દેવાય તો દેશની વિકાસને લગતી મુશ્કેલીઓને હાલ પૂરતી હળવી કરી શકાય. અત્યારે દેશભરનું આરોગ્યને લગતું અત્યાધુનિક માળખું ફક્ત વીસ શહેરોમાં કેન્દ્રિત છે પણ એક લાખ કિલોમીટરથી પણ લાંબો રેલવે ટ્રેક ધરાવતી ભારતીય રેલવે દેશના અનેક અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચે છે. આ સંજોગોમાં આ આઈડિયા ક્રાંતિકારી સાબિત થઈ શકે એમ છે. શેટ્ટીએ આર્કિટેકચરલ કમિશનની આર્થિક મદદથી આ પ્રોજેક્ટનું મોડેલ તૈયાર કર્યું છે. આ પ્રોજેક્ટનો અમલ થશે તો દેશના ખૂણેખૂણામાં આરોગ્ય અને શિક્ષણની સુવિધા પહોંચાડવામાં ભારતીય રેલવેના પ્રદાનની પણ અનોખી શરૂઆત થશે!

આલોક શેટ્ટી કોઈ પણ પ્રોજેક્ટમાં કળા કરતા મુશ્કેલીના ઉકેલને વધારે મહત્ત્વ આપે છે. આ ઉપરાંત તેઓ પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય એ માટે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરતા હોવાથી તેમના ઈનોવેટિવ આઈડિયાનું મહત્ત્વ ઓર વધી જાય છે. આલોક શેટ્ટીએ કન્સ્ટ્રક્શન સાઈટ પરના ભંગારમાંથી વજનમાં હલકી ઈંટો બનાવી છે. શેટ્ટીનો વિચાર છે કે, ભૂકંપ ઝોનમાં મકાનો બાંધવા આવી ઈંટોનો ઉપયોગ કરાય તો ભૂકંપ વખતે નુકસાન ઓછું થાય. એવી જ રીતે, આજકાલ ડિઝાઈનિંગના નામે 24 કલાક એ.સી. ચલાવવા પડે એવી બિલ્ડિંગો ઊભી કરાઈ રહી છે, ત્યારે શેટ્ટી બિલ્ડિંગ કુદરતી રીતે જ ઠંડુ રહે અને ઊર્જાનો વ્યય ના થાય એવી ડિઝાઈનની તરફેણ કરે છે. કારણ કે, તેમનો ઝોક ‘કળા ખાતર કળા’ કરતા ‘સમાજ માટે કળા’ તરફ વધારે છે.

બેંગલુરુમાં અભ્યાસ કરતી વખતે ફક્ત 19 વર્ષની વયે આલોક શેટ્ટીને એક સ્પર્ધામાં વિજયી થયા પછી જયપુરની મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ રિ-ડિઝાઈન કરવાની તક મળી હતી. હવે તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ અને બાળકો માટે વાંસના દવાખાનાનું મોડેલ બનાવ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા વતી રવાન્ડાના એઈડ્સ કેમ્પના આદિવાસીઓ સાથે કામ કરતી વખતે તેમને આ વિચાર આવ્યો હતો. આ આદિવાસીઓ શરૂઆતમાં રોજના ત્રણ ફૂટ વધે એવા વાંસને ગોળાકારમાં રોપીને તેને ઉપરથી આવરી લઈને ઝૂંપડી બનાવે છે. જોકે, આર્થિક મુશ્કેલીના કારણ શેટ્ટી આ પ્રોજેક્ટમાં આગળ વધી શક્યા નથી પણ તેમને આશા છે કે, એક દિવસ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય અને શિક્ષણની સુવિધા પહોંચાડવા આ પ્રોજક્ટનો અમલ થશે.

કોઈ પણ કામથી છેવાડાના માણસને લાભ તેમજ કુદરતને ઓછામાં ઓછા નુકસાનની આલોક શેટ્ટીની ભાવના લોરેન્સ ડબલ્યુ લોરી બેકર નામના બ્રિટિશ આર્કિટેક્ટની યાદ અપાવે છે. બેકરના વિચારો અને તેમની બિલ્ડિંગ ડિઝાઈનિંગ પર ગાંધીજીના વિચારોનો ઊંડો પ્રભાવ પડ્યો હતો. બાદમાં બેકર પત્ની સાથે કેરળ સ્થાયી થઈ ગયા હતા. અહીં આવીને બેકરે ઓછામાં ઓછી કિંમતમાં ગરીબોના ઘર, હોસ્પિટલો અને સરકારી મકાનો બનાવી શકાય એ દિશામાં કામ શરૂ કર્યું હતું. બેકરે ‘ધ ગાંધી ઓફ આર્કિટેકચર’ નામના પુસ્તકમાં ગાંધીજી સાથેના સંસ્મરણો નોંધતા કહ્યું છે કે, “હું ભારતમાં ગાંધીજીને મળ્યો ત્યારે અમે ગ્રામ્ય ભારતમાં મકાનોની બાંધણીની ચર્ચા કરી હતી. તેઓ કહેતા કે, અહીંના ઘરો માટે જે કાચો માલ જોઈએ તે આઠ કિલોમીટરની ત્રિજ્યામાં મળી જવો જોઈએ.”

બેકરે નિખાલસતાથી કબૂલ્યું છે કે, ...શરૂમાં ગાંધીની વાત હું પૂરેપૂરી સમજી શક્યો નહતો, પરંતુ 40 વર્ષની કારકિર્દી પછી હું સમજ્યો કે, ગ્રામ્ય ભારતની ઝીણામાં ઝીણી વાતથી ગાંધી કેટલા વાકેફ હતા અને તેમનું વિઝન કેટલું સ્પષ્ટ હતું...

1 comment:

  1. I wish to see the pics of actual craftsmanship if you can.

    ReplyDelete