25 September, 2014

ગાંધીજી દ. આફ્રિકાથી સ્વદેશ પરત ફર્યા એ પહેલાંનો રસપ્રદ દસ્તાવેજ


બેરિસ્ટર એમ. કે. ગાંધીએ જીવનનાં 21 વર્ષો દક્ષિણ આફ્રિકામાં વિતાવ્યાં હતાં એ હકીકત ગાંધીજીને ઓળખનારા મોટા ભાગના લોકોની તત્કાળ સ્મૃતિમાં નથી હોતી ત્યારે રામચંદ્ર ગુહાનું  Gandhi Before India પુસ્તક, બાળપણમાં હરિશ્ચંદ્રનું નાટક જોઈને હરિશ્ચંદ્ર જેવા સત્યવાદી બધાં કાં ન થાય?’ એમ વિચારનારા મોહનથી લઈને દક્ષિણ આફ્રિકામાં સફળપણે સત્યાગ્રહ કરીને ઊભરી આવનારા મહાત્માના જીવનને રસપ્રદ રીતે રજૂ કરે છે. સામાન્ય માણસ જેવા જ સારાનરસા ગુણો ધરાવતા મોહનદાસનો બૌદ્ધિક અને આત્મિક વિકાસ કેવી રીતે થયો તે સરળપણે અને સૂક્ષ્મ નજરે મૂકી આપનારા રામચંદ્ર ગુહાના આ પુસ્તકનો સંક્ષિપ્ત પરિચય અહીં રજૂ કરુ છું.

દેશને આઝાદીની ચળવળને સફળતાપૂર્વક દોરી જનારા ગાંધીજી પોતડી પહેરીને ફરતા હતા એ પહેલાં લંડનમાં વકીલાતનો અભ્યાસ કરવા ગયા ત્યારે ત્યાં યુવાન એમ. કે. ગાંધી નામે કાળા રંગનો ટેઇલ કોટ અને પેન્ટ તેમ જ માથે હેટ પહેરીને ફરતા હતા. આ ડ્રેસમાં આપણે અનેક વાર તેમની તસવીરો જોઈ ચૂક્યા છીએ, પરંતુ આપણે કદાચ એ નહોતા જાણતા કે, લંડનમાં બેરિસ્ટર તરીકે અભ્યાસ કરતા યુવાન મોહનદાસ લોન્ડ્રીના પૈસા બચાવવા માટે અન્ડરવેર નહોતા પહેરતા! જાણીતા ઇતિહાસવિદ અને લેખક રામચંદ્ર ગુહાના હાલમાં પ્રકાશિત થયેલા પુસ્તક ગાંધી: બિફોર ઇન્ડિયામાં આવી અનેક અજાણી વાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ 673 પાનાંમાં પથરાયેલા આ જીવનચરિત્રાત્મક પુસ્તકના પ્રથમ ભાગમાં આવી અનેક રસપ્રદ વાતોની ભરમાર છે. વિશ્વમાં અત્યાર સુધી ઘણા મહાન નેતાઓ થઈ ગયા પણ ગાંધીજી એક એવા નેતાછે જેમણે જીવનચરિત્રાત્મક લખાણો માટે અનેક લેખકોને આકર્ષ્યા છે. જોકે, આ પુસ્તક ગાંધીજી પર લખાયેલાં અન્ય પુસ્તકો કરતાં અનેક રીતે અલગ પડે છે. અત્યાર સુધી અનેક સંશોધનકારો, ઇતિહાસવિદો અને લેખકોએ ગાંધીજીવનનો બિલોરી કાચ લઈને અભ્યાસ કર્યો છે. આમ છતાં, ગાંધીજીના શરૂઆતના જીવન વિશે બહુ ઓછા લોકોએ સંશોધન કર્યું છે. જેમ કે, ગાંધીજીએ ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં વિતાવેલા સમયની ઘણી માહિતી ઉપલબ્ધ છે, પણ એ દિશામાં હજુ પણ ઘણી બધી માહિતી ઇતિહાસમાં ધરબાયેલી પડી છે. ગાંધીજીએ ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં વિતાવેલા સમયગાળાનું લખાણ ઓછું હોવા છતાં તેમણે લગભગ બે દાયકા ત્યાં વિતાવ્યાં હતાં એ હકીકત આપણે યાદ રાખવી જોઈએ. જોકે, મોટા ભાગના લેખકો સહેલાઈથી તેને ભૂલી જાય છે, પણ રામચંદ્ર ગુહાનું પુસ્તક આમાં સુખદ અપવાદ પુરવાર થયું છે.

ગાંધી: બિફોર ઇન્ડિયામાં બાળ મોહનથી લઈને મહાત્મા બન્યા એ પહેલાંના ગાંધીજીના જીવનને રસપ્રદ રીતે વર્ણવવામાં આવ્યું છે. ગાંધીએ ગુજરાતમાં વિતાવેલા સમયની વાત ચોક્કસપણે વણી લેવાઈ છે, જે નાનકડા મોહનમાંથી મહાત્માસુધીની સફરને સમજવા માટે જરૂરી છે. આ પુસ્તકમાં ગુહા વાચકોને બાળપણના ચંચળ પ્રકૃતિના મોહન, નાની ઉંમરના પતિ મોહન તેમ જ સ્કૂલમાં અભ્યાસ કરવા જતા મોહન અભ્યાસમાં કેવા હોય છે તેનો બખૂબી પરિચય કરાવે છે. મોહન એક અંગત મિત્ર સાથે વેશ્યાલયમાં જવાનું સાહસ કરે છે અને ત્યાં જઈને હેબતાઈ જાય છે! એ સ્થિતિનું લેખકે રસપ્રદ શૈલીમાં નિરૂપણ કર્યું છે. ત્યાર પછી લેખક વાચકોને મોહનદાસ બેરિસ્ટરનો અભ્યાસ કરવા માટે લંડન જાય છે એ સમયગાળામાં પ્રવેશ કરાવે છે. આ સમયગાળો ગાંધીજીને સમજવા માટે ખૂબ જ મહત્ત્વનો છે. કારણ કે, લંડનમાં એકલા રહીને ભણી રહેલા મોહનદાસને અહીં અહિંસાનો વિશેષ ખ્યાલ મળે છે. અહીં મોહનદાસ હેનરી સોલ્ટ નામની વ્યક્તિના પરિચયમાં આવે છે, જે વેજિટેરિયન સોસાયટી ચલાવતી હોય છે. હેનરી સોલ્ટ પ્રાણી હત્યા અને મેડિકલ સંશોધનો માટે પ્રાણીઓ પર થઈ રહેલા અત્યાચારોના કટ્ટર વિરોધી હોય છે.

આમ તો ગાંધીજી ધાર્મિક  સંસ્કારોના કારણે બાળપણમાં બનેલા અપવાદરૂપ કિસ્સા સિવાય શાકાહારી હોય છે. પણ હેનરી સોલ્ટને મળ્યા પછી તેમના વિચારો વધુ દૃઢ થાય છે. ગાંધીજીનો પહેલો લેખ ધ વેજિટેરિયન’ (લંડન) જર્નલમાં છપાય છે અને અહીંથી જ પત્રકાર--લેખક તરીકે મોહનદાસની સફર શરૂ થાય છે. એક સંસ્થામાં રહીને કામ કેવી રીતે કરાય તેનો અનુભવ પણ તેમને અહીંથી જ મળે છે. આ સંસ્થામાં જુદા જુદા ધર્મના લોકોને જોડવા માટે તેઓ વિવિધ પ્રકારના વિચારો ધરાવતા લોકોને મળતા થાય છે અને તેથી જુદા જુદા ક્ષેત્રની વ્યક્તિઓ સાથે મિત્રતા કેળવતા પણ તેઓ અહીં જ શીખે છે. કોઈ પણ માહિતી કે વિચારના પ્રચાર માટે શબ્દોની શી કિંમત છે એ સમજણ પણ વેજિટેરિયન સોસાયટીમાં જ કેળવાય છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકા જાય છે, ત્યારે ખાણીપીણી કે ઉપવાસને લગતા જે કોઈ પ્રયોગો કરે છે તે સમજવા તેમણે લંડનમાં વિતાવેલો સમય ખૂબ જ મહત્ત્વનો પુરવાર થાય છે.

ગાંધીજીનું ભારતમાં આગમન થયું એ પહેલાં તેઓ દક્ષિણ આફ્રિકામાં વસતા ભારતીયોના હક્કો માટે સત્યાગ્રહ આદરી ચૂક્યા હતા. દક્ષિણ આફ્રિકામાં ઇન્ડિયન ઓપીનિયનના તંત્રી તરીકે ગાંધીજી વિવિધ સમાજના ભારતીય લોકોને એક છત નીચે લાવીને અન્યાયનો પ્રતિકાર કરી રહ્યા હતા. આ કારણથી ગાંધીજીને ભારતમાં પણ પ્રતિસાદ મળવા લાગ્યો હતો. લેખકે આ હકીકતને રસપ્રદ રીતે આલેખી છે. ઇતિહાસવિદ્ રામચંદ્ર ગુહાએ નિખાલસપણે લખ્યું છે કે દક્ષિણ આફ્રિકામાં ગાંધીએ કરેલા સત્યાગ્રહોને ભારતના સ્થાનિક અખબારોમાં બહુ મોટા પાયે સ્થાન અપાયું એ વાત મારા માટે પણ નવી છે. બ્રિટિશરોએ વર્ષ 1905માં આ તમામ માહિતીને રિપોર્ટ ઓન નેટિવ ન્યૂઝપેપર્સનામે અનુવાદિત કરવાનું શરૂ કર્યું હતું. નવાઈની વાત તો એ છે કે, બ્રિટિશરોએ ભારતમાં કન્નડ, મરાઠી, તેલુગુ અને ઉર્દૂ અખબારોમાં છપાયેલા ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહોના વૈવિધ્યપૂર્ણ સમાચારોને અંગ્રેજીમાં અનુવાદિત કરાવ્યા હતા. જેમ કે, તેલુગુ અખબારોમાં ગાંધીજીને એક પૌરાણિક વ્યક્તિત્વ ધરાવતા હિંદુ વ્યક્તિ તરીકે ચીતરવામાં આવતા હતા. ગાંધીજીનું ભારતમાં ભવ્ય સ્વાગત કેમ કરવામાં આવ્યું હતું તે વાત સમજવા માટે પણ ગુહાનું સંશોધન ખાસ્સું મદદરૂપ થાય છે. આ ઉપરાંત ગાંધીના ભારત આગમનને સરોજિની નાયડુ અને મોહમ્મદ અલી ઝીણા જેવા તત્કાલીન મોટા નેતાઓએ કેમ વધાવ્યું હતું તે વાતનો જવાબ પણ ગુહાના પુસ્તકમાં વધુ સ્પષ્ટ રીતે મળે છે.

રામચંદ્ર ગુહા

અત્યાર સુધીના ગાંધીજી વિશેનાં મહત્તમ ચરિત્રાત્મક લખાણો, તેમનાં સંસ્મરણો, પત્રો, લેખો અને પ્રવચનો પરથી જ લખાયાં છે. વળી, આ બધું જ લખાણ કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધીના 100 ગ્રંથોમાં સમાવાયેલું જ છે. જ્યારે ગુહાએ ગાંધીજી પર સંશોધન કરવા માટે ગાંધીજીનાં પોતાનાં લખાણો સહિત વિશ્વભરનાં પુસ્તકાલયોમાં સચવાયેલી આર્કાઇવ્ઝનો પણ ઉપયોગ કર્યો છે.  ગાંધી: બિફોર ઇન્ડિયા વાંચ્યા પછી વાચકો અત્યંત સરળતાથી સમજી શકે કે, યુવાન મોહનદાસનો તાત્ત્વિક પિંડ કેવી રીતે બંધાયો હતો.

આ પુસ્તકમાં જૈન વિદ્વાન રાયચંદભાઈ (શ્રીમદ્ રાજચંદ્ર), લિયો ટોલ્સ્ટોયના વિચારો, માતા પૂતળીબાઈનીડી શ્રદ્ધા, ગીતાનો અભ્યાસ અને ખ્રિસ્તી વિદ્વાનોનો યુવાન મોહનદાસ પર કેવી રીતે પ્રભાવ પડ્યો તેની પણ સરળ છણાવટ કરાઈ છે. એક રીતે જોવા જઈએ તો ગુહાએ મોહનદાસને તેમના ઓળખીતા લોકોની દૃષ્ટિએ સમજવાનો પ્રયાસ કર્યો છે. આ પુસ્તકનું સંશોધન કરવા માટે ગુહાએ ભારત, અમેરિકા, દક્ષિણ આફ્રિકા, યુ. કે. અને ઇઝરાયલ જેવા દેશોની પણ મુલાકાત લીધી છે. કદાચ એટલે જ ગાંધીજીના મોટા ભાગનાં જીવનચરિત્રાત્મક લખાણોમાં સોન્જા શ્લેશિન, પારસી રુસ્તમજી, હો એલી અને હાજી હબીબ જેવાં નામો ભૂલાઈ ગયાં છે તેની પણ સારી એવી જાણકારી આ પુસ્તકમાંથી મળી રહે છે. આ ઉપરાંત અનેક વાર જેલવાસ ભોગવનારા તમિલ કાર્યકર થામ્બી નાયડુની વાત પણ જાણવા મળે છે. થામ્બી નાયડુના પરિવારે વર્ષો સુધી રંગભેદ નીતિ વિરુદ્ધ આંદોલન ચલાવ્યું હોવાના કારણે તેઓ આજે પણ દક્ષિણ આફ્રિકાના લોકોમાં જાણીતા છે.

આ પુસ્તકમાં ગાંધીજીના યહૂદી અને ખ્રિસ્તી સહાયકોની પણ માહિતી મળે છે, જેમણે દક્ષિણ આફ્રિકામાં રંગભેદ કે ધામિર્ક અત્યાચારો સહન કરવા પડ્યા હતા. આ દરમિયાન ગાંધીજીએ ટોલ્સ્ટોય ફાર્મ બનાવીને, ત્યાં જ રહી, પ્રયોગો શરૂ કરી દીધા હતા. અહીં જ ગાંધીના કસ્તૂરબાઈ સાથેના અણબનાવોની પણ શરૂઆત થઈ હોય છે. ગાંધીજી પોતાના પ્રથમ પુત્ર હરિલાલની દરેક ઇચ્છાને કેવી રીતે રોકે છે તે પણ અત્યંત રસાળ શૈલીમાં રજૂ કરાયું છે. આ સ્થિતિમાં ગાંધીજીને પ્રાણજીવન મહેતા સાથે અંગત મૈત્રી હોય છે અને તેમણે જ ગાંધીજીને સૌથી પહેલી વાર મહાત્માસંબોધન કર્યું હતું. નવાઈની વાત તો એ છે કે, લેખકે પ્રાણજીવન મહેતાની સાથે તેમની પુત્રી જેકી મહેતાના ગાંધીજીના બીજા નંબરના પુત્ર મણિલાલ સાથેના સુંવાળા સંબંધોની વાત પણ વણી લીધી છે. જોકે અહીં એક વાત ખાસ નોંધવી જોઈએ કે, ‘ન્યૂ યોર્કટાઇમ્સના એક્ઝિક્યુટિવ એડિટર રહી ચૂકેલા જોસેફ લેલિવેલ્ડે ગ્રેટ સાઉલ: મહાત્મા ગાંધી એન્ડ હિઝ સ્ટ્રગલ વિથ ઇન્ડિયામાં ગાંધીજી અને તેમના અંગત મિત્ર હર્મન કેલેનબેકના સજાતીય સંબંધોની વાત છેડી છે, જ્યારે ગુહા આ ચર્ચાથી જોજનો દૂર છે. ગાંધીજી માટે દક્ષિણ આફ્રિકા કેવી રીતે સત્યાગ્રહની પ્રયોગશાળા સાબિત થયું ત્યાંથી લઈને તેમનું કહેવાતું આપખુદશાહી વલણ, વિરોધીઓની નજરે પવિત્રતાનો ડોળ કરતી થોડી રહસ્યવાદી વ્યક્તિ અને ગાંધીજી વિશે પૂરતું ન જાણનારાની સમજણ મુજબ ઉપવાસના બહાને ઇમોશનલ બ્લેકમેઇલિંગ કરતા ગાંધીને ગુહાએ આ પુસ્તકમાં તટસ્થ રીતે રજૂ કર્યા છે.

ગાંધીજીના મૃત્યુને સાડા છ દાયકા વીતી ગયા છતાં તેમની છબી ભારતીયો જ નહીં પણ વિશ્વના કરોડો નાગરિકોના મનમાં અંકિત થઈ છે. શા માટે? આજે પણ વિશ્વના ખૂણેખૂણામાં બાપુઆંદોલનકારીઓની પ્રેરણા છે, સત્યનું પ્રતીક છે. અન્ના હજારેના આંદોલન કે મુન્નાભાઈ એમબીબીએસજેવી ફિલ્મો થકી ભારતીયોમાં ગાંધીની યાદ હંમેશાં તાજી રહે છે. ગુહાનું પુસ્તક અનેક પ્રશ્નનો થતા હોય તેવા સામાન્ય વાચકો માટે તેમ જ જેઓ પોતાના ઇતિહાસના જ્ઞાનમાં વધારો કરવા માગે છે તેવા લોકો માટે પણ છે. સામાન્ય માણસ જેવા જ સારાનરસા ગુણ ધરાવતા મોહનદાસનો સર્વાંગી વિકાસ કેવી રીતે થયો એ સમજવા  ગાંધી: બિફોર ઇન્ડિયા ઉત્તમ પુસ્તક છે.

નોંધઃ આ પુસ્તક પરિચય સુરતથી પ્રકાશિત થતાં અખબાર ‘ગુજરાત ગાર્ડિયન’ની કલ્ચર પૂર્તિ (કલ્ચર ગાર્ડિયન) અને બાદમાં થોડા ફેરફારો સાથે નવજીવન ટ્રસ્ટના સામયિક ‘नवजीवनનો અક્ષરદેહ’માં પ્રકાશિત થયો હતો.

No comments:

Post a Comment