22 October, 2014

બાળમજૂરી માટે નોબલઃ પુરસ્કાર કે વેકઅપ કૉલ?


'ભારતને શાંતિનું નોબલ' અને 'બાળમજૂરી સામે વણથંભ્યા કામ'ના ઉજવણાં વચ્ચે કૈલાશ સત્યાર્થીએ પોતાને ઘેરી વળેલા ટેલિવિઝન કેમેરા સામે બાળમજૂરી અને બાળવેપાર (ચાઈલ્ડ ટ્રાફિકિંગ)ના દુષ્ચક્રમાં ફસાયેલા બાળકોને યાદ કરતા કહ્યું હતું કે, ''જ્યારે તમે મારી તસવીરો ક્લિક કરવા ભેગા થયા છો, મારી બાઈટ લઈ રહ્યા છો, ત્યારે પણ હું એ બાળકોને જ યાદ કરવા માગુ છું જે હજુ પોતાના પરિવારો માટે કામ કરી રહ્યા છે, કોઈ ખાણમાં પથ્થરો તોડી રહ્યા છે અથવા ભઠ્ઠીમાંથી ગરમ ઈંટો લાવી રહ્યા છે. કારણ કે, તેઓ હજુયે ઈનવિઝિબલ અને અનનોટિસ્ડ રહેશે...'' શું નોબલ પુરસ્કારની ઉજવણીના ઘોંઘાટમાં સત્યાર્થીને એવો ડર લાગ્યો હશે કે, હવે તેમની 'નોબલ પ્રાઈઝ વિનર'ની ઝળહળતી છબિ પાછળ બાળમજૂરીનો વિકરાળ પ્રશ્ન અંધારામાં રહી જશે!

ભારતને શાંતિનું નોબલ જાહેર થયા પછી સત્યાર્થી સહિતના લાખો લોકોના મનમાં આશા જાગી છે કે, હવે ભારતમાં બાળકોના હક્કોનો મુદ્દો પ્રકાશમાં આવશે. સરકારને અને લોકોને તેનું મહત્ત્વ સમજાશે. સત્યાર્થી પણ માને છે કે, આ દિશામાં હજુ ઘણું કામ કરવાનું બાકી છે અને નોબલ પુરસ્કારથી વિશ્વભરમાં અને દેશમાં બાળમજૂરી અને બાળશોષણ સામે લડી રહેલા કર્મશીલોને પ્રોત્સાહન મળશે. વર્ષ ૨૦૦૧ની વસતી ગણતરી પ્રમાણે દેશમાં પાંચથી ૧૪ વર્ષની વયના ૧.૨૦ કરોડ બાળમજૂરો છે, જેમાંથી ૧.૨૦ લાખ બાળકો આરોગ્યની દૃષ્ટિએ અત્યંત જોખમી કામ કરી રહ્યા છે. જોકે, યુનિસેફના અંદાજ પ્રમાણે ભારતમાં છથી ૧૪ વર્ષની ઉંમરના ૨.૮૦ કરોડ બાળમજૂરો છે. ઊંચા જન્મદરના કારણે વિશ્વમાં ૧૪ વર્ષથી નીચેના મજૂરોનું સૌથી વધારે પ્રમાણ ભારતમાં છે, જ્યારે વસતીની ટકાવારીની દૃષ્ટિએ સૌથી વધુ બાળમજૂરો આફ્રિકન દેશોમાં છે.

કૈલાશ સત્યાર્થી બાળકો સાથે...

ગરીબ દેશોમાં ગરીબાઈનો પ્રશ્ન જાતભાતના રૂપ ધારણ કરીને સામે આવતો હોય છે, જેમાંનું એક રૂપ બાળમજૂરી પણ છે. દેશમાં ગલીએ ગલીએ કામ કરતા 'છોટુ', 'ટેણી' અને 'મુન્ની' રોજેરોજ આપણી આંખ સામે ભટકાય છે. જોકે, ચ્હાની કિટલીએ લોકોની ગાળો ખાતા, ધોબીની દુકાને કામ કરતા, ઘરે-ઘરે વાસણ-કપડાં ધોતા, કપડાં સીવતા, ખેતમજૂરી કરતા અને ટ્રેનમાં બદનામ મુન્નીના ગીતો સંભળાવતા બાળકોની સ્થિતિ તો ઘણી સારી કહી શકાય. આ બાળકોને તેમના માતાપિતા પેટ ખાતર કામ કરાવતા હોય છે, આવા કેટલાક બાળકોને તો સ્કૂલ અને માતાપિતાનો પ્રેમ પણ નસીબ થતો હોય છે. આ બાળકો સાથે ક્રૂરતાભર્યું વર્તન થવાની શક્યતા ઓછી હોય છે, પરંતુ જે બાળકોને ગોંધી રાખીને (બોન્ડેડ લેબર) મજૂરી કરાવાતી હોય તેમની હાલત બદતર હોય છે. આ બાળકોનું શારીરિક શોષણ પણ થતું હોય છે.

બાળવેપારમાં સંડોવાયેલા ગુનેગારો ભીખ માગવાના 'ધંધા' માટે બાળકોને અંધ કે લૂલા-લંગડા કરી દેતા પણ  ખચકાતા નથી. 'સસ્તા' મજૂરો માટે દેશમાં બાળકોનો રીતસરનો વેપાર થાય છે. બાળચોરી કરતી ગેંગો નાના-મોટા કારખાનાઓમાં બાળકોને વેચી દે છે. કારખાનાના માલિકને ફક્ત જ એક જ વાતથી નિસબત હોય છે, સસ્તી મજૂરી. સસ્તી મજૂરીથી ઉત્પાદન દર નીચો રહે છે અને નફો વધારે મળે છે. આ બાળકો માટે અત્યાચારનો અર્થ ભારેખમ સ્કૂલબેગથી ઘણો વિશેષ છે.  સત્યાર્થીની સ્વૈચ્છિક સંસ્થા 'બચપન બચાઓ આંદોલન'ના અભ્યાસ મુજબ, સસ્તી મજૂરીની લાલચે ઉત્પાદકો પુખ્તવયના લોકોને કામ આપવાના બદલે તેમના સંતાનોને કામ આપવાની લાલચ આપે છે અને ગરીબ લોકો પૈસાની લાલચમાં બાળકોને મજૂરી માટે સોંપી દે છે. બાળકો યુનિયન બનાવી શકતા નહીં હોવાથી તેમનું શોષણ કરવું સરળ હોય છે. મોટા લોકોની સરખામણીમાં બાળકો ચૂપચાપ કામ કરે છે અને કામચોરી કરતા ડરે છે. આ વાત સંવેદનહીન શેઠિયા સારી રીતે જાણતા હોય છે. આ ચુંગાલમાં ફસાયેલા બાળકો કુમળી વયે જ માનસિક રીતે પડી ભાંગે છે.

પાકિસ્તાનમાં લશ્કર એ તૈયબા જેવા આતંકવાદી સંગઠનો તો અનાથ અને માનસિક રીતે પડી ભાંગેલા બાળકોને પસંદ કરીને તેમને 'દિશા' આપે છે. આ બાળકોને ધર્મના નામે ગુમરાહ કરીને ખૂંખાર આતંકવાદી બનાવાય છે. બાળકોનો ગુનાખોરીમાં ઉપયોગ થાય ત્યારે સમાજને સંવેદનહીન ગુનેગારો અને આતંકવાદીઓ મળવાની સંભાવના અનેકગણી વધી જાય છે. પાકિસ્તાન સહિત વિશ્વના ૧૪૪ દેશોમાં બાળમજૂરી અને બાળવેપારના દુષણ સામે લડી રહેલા સત્યાર્થીનું કામ વિશ્વશાંતિમાં આ રીતે મદદરૂ થઈ રહ્યું છે. સત્યાર્થીએ બાળમજૂરી સામે લડવાનું ચાલુ કર્યું ત્યારે તેમણે પણ કંઈક આવા સવાલોનો સામનો કર્યો હતો. ગરીબ બાળકોને કામ કરવા નહીં દઈએ તો તેઓ ખાશે શું? તમે એમ ઈચ્છો છો કે, તેઓ કામ ના કરે અને ભીખ માગે? તેમને કમાણી કરવા દઈને આપણે તેમને મદદ ના કરવી જોેઈએ? આવી સાંભળવામાં સારી અને જવાબદારીમાંથી છટકવામાં મદદરૂપ થાય એવી દલીલો કરનારાને બાળમજૂરીના દુષ્ચક્રની ભયાનકતાનો અંદાજ નથી હોતો. 

મધ્યપ્રદેશના વિદિશા જિલ્લામાં ૧૧મી જાન્યુઆરી, ૧૯૫૪ના રોજ જન્મેલા કૈલાશ સત્યાર્થીએ ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં પદવી લઈને ભોપાલમાં લેક્ચરર તરીકેની કારકિર્દી શરૂ કરી હતી. પરંતુ વર્ષ ૧૯૮૦માં તેમણે લેક્ચરર તરીકે રાજીનામું આપીને 'બચપન બચાઓ આંદોલન' નામે સ્વૈચ્છિક સંસ્થા શરૂ કરીને બાળમજૂરીના દુષણ સામે લડવાનું શરૂ કર્યું. આમ, ત્રણ દાયકાથી પણ વધારે સમયથી કામ કરી રહેલી આ સંસ્થાએ અત્યાર સુધી ૮૦ હજારથી પણ વધુ બાળકોને બાળમજૂરીના ખપ્પરમાંથી છોડાવ્યા છે. દેશમાં ગલીએ ગલીએ બાળપણ ખોવાયું હોય ત્યાં આ કામ પાશેરીમાં પૂણી સમાન છે એ વાત સત્યાર્થીએ પણ કબૂલી છે. દેશના લગભગ તમામ મોટા શહેરોમાં જ્યાં નાના-મોટા ઉદ્યોગો વિકસ્યા હોય ત્યાં બાળમજૂરી સામાન્ય છે. કારખાના પર છાપા મારીને બાળકોને છોડાવી લાવવાથી કે દંડાવાળીથી આ દુષણ રોકવું અશક્ય છે. જેમ કે, તમિલનાડુના શિવાકાશીમાં ફટાકડા બનાવવાના ઉદ્યોગમાં બાળમજૂરી સામે જાગૃતિ ફેલાવવાના પ્રયાસ પછીયે અહીં બાળમજૂરી સંપૂર્ણપણે નાબૂદ થઈ નથી.

આ પ્રકારના ઉદ્યોગોમાં હિત ધરાવતા લોકો પાસે રાજકારણીઓને ચૂપ રાખવા ચૂંટણીમાં ભંડોળ આપવાની ટેકનિક હાથવગી છે. ઉત્તરપ્રદેશના મિરઝાપુરમાં કાર્પેટ બનાવવાના ઉદ્યોગમાં પણ બાળમજૂરીનું પ્રમાણ વધારે છે. લોકસભાની ચૂંટણીમાં વર્ષ ૧૯૯૬ અને ૧૯૯૯માં મિરઝાપુર મતવિસ્તારમાંથી ચૂંટાયેલા ફૂલનદેવીએ જાહેરમાં કહ્યું હતું કે, ''દેશમાં બાળમજૂરી જેવો કોઈ પ્રશ્ન છે જ નહી. બાળમજૂરીને લગતા તમામ કાયદાને હવે નાબૂદ કરી દેવા જોઈએ.'' મિરઝાપુરમાં બાળમજૂરીના દુષણ વિશે વાત કરતા ડાકુરાણીએ કરેલું આ નિવેદન આપણા ભ્રષ્ટ તંત્ર તેમજ ચૂંટણી જીતવા તોતિંગ ભંડોળ મેળવવાનું દુષણ પણ કેટલું વધ્યું છે એ વિશે ઘણું બધું કહી જાય છે. આ સ્થિતિમાં બાળકોને છોડાવ્યા પછીયે તેઓ આ દુષ્ચક્રમાં પાછા નહીં ધકેલાય એની કોઈ ગેરંટી નથી. બાળમજૂરી સામે લડવા લોકજાગૃતિ, બાળકોના શિક્ષણ, પુનઃર્વસન અને તેમના માતાપિતાને રોજગારી જેવા અનેક મોરચે લડવું પડે છે. આ દિશામાં સત્યાર્થીની સંસ્થા માતબર કામ કરી રહી છે.

સત્યાર્થી જેવા અનેક કર્મશીલો લોકજાગૃતિથી માંડીને વિશ્વ વેપાર સંસ્થામાં બાળમજૂરીને લગતા ધારાધોરણો ઘડાય એ માટે પ્રયત્નશીલ છે, જેથી બાળમજૂરીનું દુષણ મૂળમાંથી ઉખેડી શકાય. જોકે, બાળમજૂરીને લઈને વિશ્વ વેપાર સંસ્થામાં વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચે હંમેશા સામસામેના અભિપ્રાય રહ્યા છે. વિકસિત દેશોનું માનવું છે કે, ગરીબ અને વિકાસશીલ દેશો વચ્ચે સસ્તી મજૂરીની લાલચ આપીને બહુરાષ્ટ્રીય કંપનીઓને આકર્ષવાની હોડ જામી હોય ત્યારે બાળમજૂરીનું દુષણ રોકવું અશક્ય છે. આ માટે અમેરિકા અને ફ્રાંસ જેવા દેશોએ વિશ્વ વેપાર સંસ્થામાં બાળમજૂરી માટે ચોક્કસ માપદંડો નક્કી કરવાની ચર્ચા કરી હતી, પરંતુ ભારત અને મલેશિયાની આગેવાનીમાં આ સૂચન ફગાવી દેવાયું હતું. ભારત સહિતના વિકાસશીલ દેશોનું કહેવું હતું કે, બાળમજૂરી દરેક દેશની અંગત બાબત છે, જે તેની સંસ્કૃતિ, પરંપરા અને અર્થતંત્રને લગતી પ્રાથમિકતા પર નિર્ભર કરે છે.

ખરેખર, વિકાસશીલ દેશોને ભય છે કે, વિકસિત દેશો વિશ્વ વેપાર સંસ્થામાં બાળમજૂરીના ધારાધોરણોનો ઉપયોગ એક હથિયાર તરીકે કરશે. આ નિયમોની મદદથી તેઓ વિકાસશીલ દેશોમાં ઓછા ખર્ચે ઉત્પાદિત કરાતી ચીજવસ્તુઓના ઉદ્યોગો જરૂર પડયે બંધ કરાવશે. વિકાસશીલ દેશોના આવા વલણ બાદ અમેરિકાએ બાળમજૂરોથી તૈયાર થયેલી ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ નિર્ણયને પગલે વિકાસશીલ દેશોમાં સસ્તી મજૂરીની લાલચે ઉત્પાદન કરતી અમેરિકન કંપનીઓએ ઉહાપોહ કર્યો હતો. આમ છતાં, અમેરિકન સરકારે ટ્રેડ યુનિયનો અને સ્વૈચ્છિક સંસ્થાઓના દબાણને વશ થઈને આ નિર્ણય લીધો હતો. વિકસિત દેશોમાં બાળમજૂરી સામે મજબૂત અવાજ ઉઠતો હોવાથી સરકારે નમવું પડે છે એ આ જરા આશ્વાસન લઈ શકાય એવી બાબત છે, પરંતુ બંને તરફ બાળમજૂરીનો પ્રશ્ન ગૌણ છે અને મુખ્ય ચિંતા ફક્ત 'વિકાસ'ની છે.

આ વિકાસના ચક્કરમાં બાળપણ રુંધાતું બંધ થશે તો જ ભારતને મળેલું નોબલ સાર્થક થયું ગણાશે, નહીં તો કૈલાશ સત્યાર્થી પણ બાળમજૂરી સામેની લડતનું પ્રતીક બનીને રહી જાય એ દિવસો આવતા વાર નહીં લાગે!

No comments:

Post a Comment