આજકાલ આખા દેશમાં ચૂંટણીનો માહોલ જામેલો છે. બધા જ રાજકીય પક્ષો આમ આદમી, ગરીબો અને ભ્રષ્ટાચારની વાતો કરીને મત ઉઘરાવવાની મથામણ કરી રહ્યા છે. જો આઝાદીના સાઠ દાયકા પછી પણ રાજકીય પક્ષોએ ગરીબી, પીવાનું પાણી, રસ્તા, રહેવાલાયક ઘર, આરોગ્ય અને પ્રાથમિક શાળા મુદ્દે મત માગવા પડતા હોય તો આપણે કદાચ ખોટી દિશામાં જઈ રહ્યા છીએ. આ તમામ મુશ્કેલીઓનો ઉકેલ આપણને કદાચ વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઈનોવેશનમાંથી મળી શકે એમ છે. વળી, જ્યારે દેશની વસતી કૂદકે ને ભૂસકે વધી રહી હોય ત્યારે આપણે ટેક્નોલોજીની મદદથી ‘સ્માર્ટ સિટી’ ઊભા કરવાની દિશામાં જ વિચારવું પડે. આ વિચાર પણ મૂળભૂત રીતે પશ્ચિમનો છે અને ભારત જેવા વિકાસશીલ દેશો માટે તે પશ્ચિમી દેશો કરતા પણ વધારે જરૂરી છે.
આજનું વિશ્વ આર્થિક અસમાનતા, પર્યાવરણીય અસમતુલા અને ગ્લોબલ વૉર્મિંગ જેવી મુશ્કેલીઓનો
પણ સામનો કરી રહ્યું છે. આ બધી જ મુશ્કેલીઓ ઉકેલવા પશ્ચિમી દેશોના
ફ્યુચરોલોજિસ્ટસે વ્યાપક રીતે વિચારવાનું ક્યારનું ચાલુ કરી દીધું છે અને એ
વિચારમાં પણ સ્માર્ટ સિટીનો વિચાર કેન્દ્ર સ્થાને છે. આ ઉપરાંત એવી પણ ધારણા છે કે,
નજીકના ભવિષ્યમાં
સ્માર્ટ સિટીનો બિઝનેસ અબજો ડૉલરમાં પહોંચી જશે. ભારતમાં પણ સ્માર્ટ સિટીના
બજારમાં બહુ મોટી સંભાવના છે. આ પ્રકારના સિટીમાં મ્યુનિસિપાલિટી સહિતની વ્યવસ્થા
ઊભી કરવા માટે એક બ્લુપ્રિન્ટ તૈયાર કરવી પડે. આ દરેક શહેર સામાજિક,
આર્થિક અને ભૌગોલિક રીતે
એકબીજાથી જુદું હોય છે. ભારત જેવા દેશમાં તો વૈવિધ્યનો પાર નથી એટલે સ્માર્ટ
પોલિસી ઘડવા સ્માર્ટ એટિટ્યુડ રાખવો જરૂરી હશે.
તો ચાલો જોઈએ, ભવિષ્યના સ્માર્ટ સિટી કેવા હશે અને આવા શહેરોની નીતિ ઘડવા માટે કઈ બાબતો પર
ધ્યાન આપવું પડશે. અહીં આપણે મૂળ પાંચ મુદ્દાની છણાવટ કરીશું જે ફ્યુચરોલોજિસ્ટોએ
વિશ્વના અનેક મોટા શહેરોને ધ્યાનમાં રાખીને વિચારેલા છે. જોકે,
દરેક દેશની જરૂરિયાત
પ્રમાણે તેમાં થોડા ઘણાં ફેરફારો કરીને સ્માર્ટ સિટીના વિચારનો અમલ કરી શકાય છે.
અર્થતંત્રને લગતું ચોક્કસ વિઝન અને તેમાં ટેક્નોલોજીની ભૂમિકા
કોઈ પણ સ્માર્ટ સિટીનું અર્થતંત્ર શેના પર નિર્ભર છે તે જાણવું અત્યંત જરૂરી
છે. આટલું જાણ્યા પછી એ નક્કી કરવું જરૂરી છે કે, તે શહેરના લોકો કોણ છે અને તે લોકો ક્યાં પહોંચવા માગે છે.
આ રીતે વિચારવાની શરૂઆત કર્યા પછી જ તે સિટીના બિઝનેસ અને અર્થતંત્રનો વધુ વિચાર
કરી શકાય. કોઈ પણ સ્માર્ટ સિટી બિઝનેસ પ્લાન કે અર્થતંત્રને લગતા વિઝન સિવાય આગળ
વધી નહીં શકે. આવું શહેર ઊભું કરતા પહેલાં તેના મજબૂત અને નબળા પાસાં પણ સામે
રાખવા જરૂરી છે. સ્માર્ટ સિટીમાં મજબૂત પાસાને વધુ મજબૂત કરવા અને તેને ટકાવી
રાખવા તેમજ નબળા પાસાને મજબૂત બનાવવા માટેની ચોક્કસ યોજના હશે. ભારતમાં પણ
જાતભાતના વિઝન ડોક્યુમેન્ટ મૂકવાના પ્રયાસ થયા છે, પણ તે ફ્યુચરોલોજીની દૃષ્ટિએ અધકચરા છે. વિઝન
ડોક્યુમેન્ટમાં અર્બન પ્લાનિંગ જેવા મુદ્દાને ખાસ મહત્ત્વ આપવામાં આવે છે. જેમ કે,
રસ્તા કે ટ્રાફિકની
મુશ્કેલીઓ હલ કરવા ફ્લાયઓવર બાંધ્યા કરવા એ ઉપાય નથી પણ ટ્રાફિકના પ્રશ્નો હલ કરવા
માઈક્રો લેવલે વિચારવું જરૂરી છે. એવું કહેવાય છે કે,
ફ્લાયઓવર બાંધવાથી કોઈ
દેશની ટ્રાફિકની મુશ્કેલીઓ હલ થઈ નથી. અમેરિકાના ન્યૂયોર્ક અને સાન ફ્રાન્સિસ્કો
જેવા શહેરોમાં તો ફ્લાયઓવર તોડી પાડવાની નોબત પણ આવી છે.
સર્વસમાવેશક વિકાસ માટે પણ ટેક્નોલોજીનો ઉપયોગ
એકવાર સ્માર્ટ સિટીના અર્થતંત્રને લગતું વિઝન તૈયાર થઈ જાય પછી તંદુરસ્ત
અર્થતંત્ર વિકસાવવાનો વિચાર કેન્દ્ર સ્થાને હશે. અહીં ‘તંદુરસ્ત અર્થતંત્ર’ શબ્દને વ્યાપક અર્થમાં લેવાનો છે. કોઈ પણ સ્માર્ટ સિટીમાં
ટેક્નોલોજીની મદદથી ઉત્પાદનની ગુણવત્તા સુધારવાને પ્રોત્સાહન આપવામાં આવશે. આ
સિવાય પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપની મદદથી લોકોનું જીવનધોરણ મહત્તમ ઊચું આવે અને
સરકારી યોજનાઓનો પણ મહત્તમ લાભ મળે એ માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે. ટૂંકમાં
સર્વસમાવેશક (ઈન્ક્લુસિવ) વિકાસ માટે ટેક્નોલોજીનો ઈનોવેટિવ ઉપયોગ કરાશે. આ
શહેરમાં તમામ નાગરિકો માટે નોકરી કે વેપારની સમાન તકો હશે. આ શહેરમાં ગમે તેટલી
વસતી ગીચતા હશે તો પણ પર્યાવરણને લગતી મુશ્કેલી ઓછામાં ઓછી હશે. જેમ કે,
જાહેર વાહન વ્યવહારને
લગતી યોગ્ય સુવિધા હશે તો વ્યક્તિગત વાહનોનો ઉપયોગ ઓછો થશે અને પ્રદૂષણ ઓછું થશે.
મુંબઈના પ્રદૂષણને કાબૂમાં રાખવામાં લોકલ ટ્રેન પણ મહત્ત્વની સાબિત થઈ છે. પરંતુ આ
શહેરોમાં કચરાના નિકાલની વ્યવસ્થા કે પૂરના પાણીને પહોંચી વળવા માટે પણ અગાઉથી જ
વિચાર કરાયો હશે. હા, આ તમામ સુવિધા માટે દરેકના ઘરમાં ઈન્ટરનેટ કનેક્શન હોવું
જરૂરી હશે અને ભારતમાં પણ ઈન્ટરનેટનો નિયમિત ઉપયોગ કરતા લોકોની સંખ્યા ઝડપથી વધી
રહી છે. કારણ કે, ઈન્ટરનેટ જેવા માધ્યમથી જ વાહન વ્યવહાર, ટ્રાફિક તેમજ કુદરતી આફતો જેવી ઘટના સામે સ્માર્ટ પગલાં લઈ
શકાશે.
સ્માર્ટ સિટીમાં મ્યુનિસિપલ ટેક્નોલોજી એક્ઝિક્યુટિવ હશે
આ વાત અત્યારે ભલે સપનાં જેવી લાગતી હોય પણ નજીકના ભવિષ્યમાં પશ્ચિમી દેશોમાં
સ્માર્ટ સિટી વિકસવાનું ચાલુ થઈ ગયું હશે, પણ આશા રાખીએ કે ભારત સ્માર્ટ સિટી ઊભા કરવામાં પાછળ નહીં
રહે. વેલ, જો સ્માર્ટ સિટીના અર્થતંત્રનું વિઝન તૈયાર કરીને આગળ વધવું હોય તો સરકારે પણ
તેના માળખામાં ઘણાં ફેરફારો કરવા પડશે. ભારત સહિતના કોઈ પણ દેશમાં આ માળખું
મ્યુનિસિપાલિટી હેઠળ રાખી શકાય પણ એ માટે નવી વ્યવસ્થા અને નવા હોદ્દા પણ ઊભા કરવા
જરૂરી હશે. હા, આ બધું કરવા માટે બહુ જંગી ખર્ચ થશે એવું માનવાની પણ જરૂર નથી. સ્માર્ટ
સિટીમાં ‘ક્લાર્ક કલ્ચર’ નહીં હોય પણ ચીફ ટેક્નોલોજી, ચીફ ઈનોવેશન કે ચીફ ઈન્ફોર્મેશન ઓફિસર હશે અને
સસ્ટેઈનેબિલિટી ઓફિસર પણ હશે. આજકાલ આપણે ત્યાં પણ સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ એટલે કે
ટકાઉ વિકાસની વાતો તો બહુ થઈ પણ લાંબા ગાળા સુધી ટકી શકે એવો વિકાસ કરવા માટે
કર્યું શું? અત્યારે જે વિકાસ થયો છે તે પ્રદૂષણ જેવા કારણોસર થોડા સમય પછી મુશ્કેલી બની
જાય છે. ફેક્ટરીઓમાં કામ કરતા કર્મચારીઓને પ્રદૂષણના કારણે જાતભાતની બીમારીનો ભોગ
બનતા અટકાવવા અને તેમનું શોષણ અટકે એ માટે પણ ટેક્નોલોજીનો ઉપયોગ થતો હશે.
ટેક્નોલોજિસ્ટોને આશા છે કે, વિકાસશીલ દેશોમાં તો ભ્રષ્ટાચાર જેવા સળગતા પ્રશ્નો પણ
ટેક્નોલોજીથી કાબૂમાં લઈ શકાય છે કારણ કે, ટેક્નોલોજીની મદદથી સરકારી વહીવટમાં પારદર્શકતા પણ લાવી
શકાય છે.
યોજનાઓનું કદ કેટલું રાખવું અને જોખમનું પ્રમાણ
સ્માર્ટ સિટીમાં કયા ક્ષેત્રમાં કેટલું રોકાણ જરૂરી છે એનું વૈજ્ઞાનિક
વિશ્લેષણ પણ ટેક્નોલોજીની મદદથી જ થતું હશે. આ ઉપરાંત દરેક જરૂરિયાત મુજબ દરેક
ક્ષેત્રમાં કરાતા રોકાણમાં પણ વધારો-ઘટાડો કરવામાં આવશે અને એ માટે તે ક્ષેત્રમાં
કાર્યરત નીચામાં નીચા માણસનું જીવન ધોરણ કેવું છે તે તપાસીને જ નિર્ણયો લેવામાં
આવશે. આ પ્રકારના શહેરમાં કોઈ પણ યોજનાનું કદ ખૂબ મોટું હશે અને એમાં નાનામાં નાની
વાતનો ઊંડાણપૂર્વક વિચાર કરાયો હશે. વળી, આ દરેક યોજનાના બજેટમાં વધારો-ઘટાડો કરવા જોખમો પણ ખેડવા
પડશે. દરેક શહેરની યોજનાને તેના રાજકીય અને સાંસ્કૃતિક માળખાને ધ્યાનમાં રાખીને
તૈયાર કરાયું હશે જેથી લઘુઉદ્યોગોના વિકાસ માટે શું કરવું એ વિચાર પણ કરાયો જ હશે.
જેમ કે, કચ્છના શહેરોના લઘુઉદ્યોગો અને તેની સાથે સંકળાયેલા લોકોનો વિકાસ કરવા માટે
ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે. કચ્છી બાંધણી બનાવતી મહિલાઓને તેમની કળાનું મહત્તમ વળતર
મળે એ માટે વચેટિયા દૂર કરવા પણ ટેક્નોલોજી પર આધાર રખાશે. હા,
આ બધું જ કરવા માટે
પબ્લિક અને પ્રાઈવેટ પાર્ટનરશિપનો પારદર્શક અમલ સૌથી મહત્ત્વનો હશે.
સ્માર્ટ સિટીનું મજબૂત નેટવર્ક અને કોમ્યુનિકેશનના સાધનો
આજે ઈન્ટરનેટ, વીજળી અને રસ્તાનું નેટવર્ક પહેલાં કરતા ઘણું સુધરી ગયું છે પણ ભારત જેવા અનેક
મેટ્રો શહેરોમાં બહુ મોટા પાયે સુધારાની જરૂર છે. એવી જ રીતે,
કોમ્યુનિકેશનના સાધનોનો
વ્યાપ પણ વધ્યો છે પણ તેનો ઉપયોગ આખા સમાજના વિકાસ માટે કરવા કંઈક ઈનોવેટિવ
વિચારવું જરૂરી છે. આ પ્રકારના શહેરના તમામ નેતાઓ, અધિકારીઓ અને કર્મચારીઓ એકબીજા સાથે એક નેટવર્ક હેઠળ મજબૂત
રીતે જોડાયેલા હશે અને તેઓ જે કંઈ કામ કરે છે તેની માહિતી એકબીજા સાથે ઓટોમેટિક ‘શેર’ થતી હશે. ભારત જેવા દેશમાં પાસપોર્ટ કઢાવવા કે ડ્રાઈવિંગ
લાયસન્સ કઢાવતી વખતે સરકારી ક્લાર્કો સામાન્ય માણસને એક ટેબલ પરથી બીજા ટેબલ પર
મોકલીને ધોળા દિવસે તારા દેખાડી દે છે. જો આવી સિસ્ટમ હોય તો તમે પાસપોર્ટ કે
ડ્રાઈવિંગ લાયસન્સ તો ઠીક, શહેરમાં કઈ યોજનામાં કેટલા પૈસા ખર્ચાયા અને તેમાં કયા
અધિકારીની કેવી ભૂમિકા છે અને એ યોજનાથી શું ફાયદો થવાનો છે વગેરે માહિતી સામાન્ય
માણસ પણ ઓનલાઈન મેળવી શકશે. વીજળીના બિલ ભરવા માટે લાંબી લાઈનોને થોડી ટૂંકી કરવા
માટે પણ ઈન્ટરનેટ ટેક્નોલોજી અનિવાર્ય છે. આવા શહેરમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકતા
તમામ લોકોને વીજળીના બિલ ભરવા સહિતના કામમાં ઈન્ટરનેટ કોમ્યુનિકેશનનું પ્રોત્સાહન
આપવામાં આવતું હશે.
ખેર, ભારત જેવા દેશમાં આવું કંઈ પણ થતા હજુ અનેક દાયકા નીકળી જશે એવું માનવાની જરૂર
નથી. કારણ કે, વિશ્વનો ઈતિહાસ સાક્ષી છે કે, કમ્પ્યુટર અને ઈન્ટરનેટ ટેક્નોલોજીનો વ્યાપ વધ્યો એ પછી
ભારત જેવા દેશમાં પણ ખૂબ ઝડપથી પરિવર્તન આવ્યું છે. ઈન્ટરનેટ કે સ્માર્ટફોનની
ક્રાંતિ પણ છેલ્લાં થોડા વર્ષોમાં જ થઈ છે અને એટલી ઝડપથી થઈ છે કે,
આપણને બહુ મોટી ક્રાંતિ
થયાની અનુભૂતિ પણ નથી થઈ. એટલે સ્માર્ટ સિટીનો ખ્યાલ આજે ભલે દીવાસ્વપ્ન જેવો
લાગતો હોય પણ નજીકના ભવિષ્યમાં ભારત જેવા વિકાસશીલ દેશોમાં પણ સ્માર્ટ સિટી ઊભા
થવાની શરૂઆત થઈ ગઈ હશે!
નોંધઃ પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે.
No comments:
Post a Comment