27 January, 2014

બાંગ્લાદેશમાં બેગમોના યુદ્ધમાં સામાન્ય નાગરિકોનો મરો


હાલ બાંગ્લાદેશમાં શેખ હસીના સામે ગલીએ ગલીએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, રાજધાની ઢાકા સહિતના મોટા શહેરોમાં અમુદતની હડતાળો પડી રહી છે અને ‘રાજકીય નરસંહાર’ થઈ રહ્યો છે, પરંતુ આ સ્થિતિમાં અવામી લિગના વડા બેગમ શેખ હસીનાએ 12મી જાન્યુઆરીએ સતત ત્રીજી વાર વડાપ્રધાનપદ માટેના શપથ લઈ લીધા છે. શેખ હસીનાના કટ્ટર પ્રતિસ્પર્ધી બેગમ ખાલિદા ઝિયાનો આરોપ છે કે, જાન્યુઆરીમાં યોજાયેલી ચૂંટણીઓમાં બેગમ હસીનાના મંત્રીમંડળને આખા દેશમાંથી પાંચ ટકા મતો પણ મળ્યા નથી, તો પછી આ ચૂંટણીને ચૂંટણી કેવી રીતે કહી શકાય?” ખાલિદા ઝિયા હસીના સરકારને જ ગેરકાયદે ગણાવી રહ્યા છે. જોકે, ચૂંટણી કમિશન 40 ટકા મતદાન થયાનો દાવો કરી રહ્યું છે.

આ સંજોગોમાં બાંગ્લાદેશના સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે, શેખ હસીના સરકાર સામેનો વિરોધ સામાન્ય નથી પણ ખાલિદા ઝિયાની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી સહિતના કુલ 18 પક્ષોના કાર્યકર્તાઓ હિંસક વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. ચૂંટણી કમિશનના અહેવાલ મુજબ, પાંચમી જાન્યુઆરીએ યોજાયેલી ચૂંટણીઓમાં અવામી લિગે 232 બેઠકો જીતી છે, જેમાંની 127 બેઠકો પર તેઓ બિનહરીફ ચૂંટાયા છે. કહેવાની જરૂર નથી કે, બિનહરીફ ચૂંટાયેલા તમામ સભ્યો અવામી લિગ અને તેના કુલ 18 સાથી પક્ષોના છે. શેખ હસીનાએ સરકાર રચવા માટે સાથી પક્ષોની મદદથી ગઠબંધનનો આશરો લેવો પડ્યો છે. પરંતુ ખાલિદા ઝિયાની આગેવાનીમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હોવાથી પશ્ચિમી દેશોની રાબેતા મુજબની દખલગીરી શરૂ થઈ ગઈ છે.

જમાત-એ-ઈસ્લામી અને અવામી લિગના કાર્યકરો વચ્ચે મૂઠભેડ

પશ્ચિમી દેશોના વિરોધ વચ્ચે પણ બેગમ શેખ હસીનાનું વલણ અક્કડ છે. આ ચૂંટણીની કાયદેસરતા સામે પ્રશ્નાર્થ ઉઠાવી રહેલા ખાલિદા ઝિયા તો ઠીક અમેરિકા સહિતના દેશોને બેગમ શેખ હસીનાએ રોકડું પરખાવી દેતા કહ્યું હતું કે, ‘શટ અપ એન્ડ નેગોશિયેટ’. જો ચૂંટણી કમિશનના આંકડા મુજબ, ચૂંટણીમાં 40 ટકા મતદાન થયું હોય તો પણ તે બાંગ્લાદેશની અત્યાર સુધીની કુલ દસ ચૂંટણીમાં થયેલું સૌથી ઓછું મતદાન છે. દેશની ડામાડોળ રાજકીય પરિસ્થિતિનો દોષ તેઓ બેગમ ખાલિદા ઝિયાના હિંસક વિરોધ પ્રદર્શનોને આપી રહ્યા છે. આ મુદ્દે અમેરિકાએ બીજી વાર ચૂંટણી કરવાનું સૂચન કર્યું છે, પણ શેખ હસીના ગમે તેવા વિકટ સંજોગોમાં પણ આ સૂચન ના સ્વીકારે એ વાતમાં કોઈ શંકા નથી. યુનાઈટેડ નેશન્સના સેક્રેટરી જનરલ બાન કી મૂને અવામી લિગ અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીની ટીકા કરતા કહ્યું છે કે, બંને પક્ષોએ વાટાઘાટો કરીને આગળ વધવું જોઈએ. આ ઉપરાંત બ્રિટન અને કેનેડાએ આ ચૂંટણીને ગેરકાયદે ગણાવી છે.

આ મુદ્દે ભારત હંમેશાંની જેમ વધુ પડતી સાવચેતી રાખીને આગળ વધી રહ્યું છે. ભારતે ચાલાકીપૂર્વક કહ્યું છે કે, આ ચૂંટણી એ ‘બંધારણીય જરૂરિયાત’ હતી અને તે ‘બાંગ્લાદેશની આંતરિક બાબત’ છે. પરંતુ આ હિંસક વિરોધ પ્રદર્શનોની આડમાં જમાત-એ-ઈસ્લામી જેવા કટ્ટરપંથી જૂથો લઘુમતી હિંદુઓ પર અત્યાચાર કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં હિંદુઓની વસતી ધરાવતા સાથખીરા, દિનાજપુર અને જેસોર જિલ્લાઓના અનેક ગામોમાંથી હજારો હિંદુઓને હિજરત કરવી પડી છે. અત્યારે પણ હજારો હિંદુ વિસ્થાપિતોને કામચલાઉ આશ્રયસ્થાનોમાં આશરો લઈ રહ્યા છે. બાંગ્લાદેશની એક કરોડ, એંશી લાખની વસતીમાં દસ ટકા વસતી હિંદુઓની છે. આમ છતાં, ભારત સરકારે હિંદુઓની સુરક્ષા માટે કોઈ જ પ્રયત્નો નહીં કરીને પોતાની કાયરતાનું પ્રદર્શન કર્યું છે.

શેખ હસીના

ખાલિદા ઝિયા 

અમેરિકા સહિતના પશ્ચિમી દેશો તો તેમના સ્વાર્થ ખાતર બાંગ્લાદેશના રાજકારણમાં દખલગીરી કરી રહ્યા છે. અહીં પણ અમેરિકાને પોતાની કહ્યાગરી સરકાર જોઈએ છે. અમેરિકા સહિતના દેશોમાંથી બાંગ્લાદેશને વાર્ષિક ધોરણે ત્રણ બિલિયન ડૉલરની નિયમિત આર્થિક મદદ મળી રહી છે. બાંગ્લાદેશ સરકાર આ રકમ ગરીબી નાબૂદી અને અન્ય વિકાસકાર્યો પાછળ ખર્ચે છે. એક મત પ્રમાણે બાંગ્લાદેશમાં મજબૂત લોકશાહી ટકાવી રાખવાનો ઢોંગ કરીને અમેરિકા બેગમ ખાલિદા ઝિયા અને તેમના સાથી પક્ષોના હિંસાચારમાં આડકકતરી મદદ કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય મીડિયાની મદદથી કોઈ દેશ વિરુદ્ધ આક્રમક કુપ્રચાર કરીને દબાણ ઊભું કરવું અથવા અન્ય દેશોને સાથે રાખીને કોઈ દેશને અપાતી આર્થિક મદદ બંધ કરીને બ્લેકમેઇલિંગ કરવાના કાવાદાવા અમેરિકા માટે નવી વાત નથી. બીજી તરફ, બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી અને અન્ય સાથી પક્ષો સત્તા મેળવવાના સ્વાર્થમાં રાજકીય અરાજકતા સર્જી રહ્યા છે.

નવેમ્બરમાં ચૂંટણીઓ જાહેર થઈ ત્યારથી બાંગ્લાદેશમાં આ સ્થિતિ છે અને હજુ લાંબો સમય આ સ્થિતિ રહી તો દેશનું અર્થતંત્ર ડામાડોળ થઈ શકે છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી અને તેના સાથી પક્ષોના કાર્યકર્તાઓ  દેશના હાઈ-વે, રેલવે ટ્રાન્સપોર્ટ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાની ફરજ પાડી રહ્યા છે. બાંગ્લાદેશની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી સાઠ લાખ લોકોને રોજગારી આપે છે. દેશની મોટા ભાગની આવક ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાંથી મેળવવામાં આવે છે, પરંતુ આ ક્ષેત્રની પ્રવૃત્તિ પણ મંદ પડી ગઈ છે. દેશની અનેક મોટી ફેક્ટરીઓમાં હડતાળોના કારણે કાચો માલ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે, જ્યારે દેશનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હોવાથી તૈયાર માલની ડિલિવરીમાં પણ મુશ્કેલી પડી રહી છે.

દેશમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનોના કારણે ફુગાવાનો આંકડો 7.35 ટકાએ પહોંચી ગયો છે, જે ગયા ડિસેમ્બરમાં ફક્ત 0.2 ટકા હતો. બાંગ્લાદેશના ઉદ્યોગગૃહો રાજકીય સંજોગો સુધરે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો આ સ્થિતિમાં ઝડપથી સુધારો નહીં થાય તો ઉદ્યોગગૃહો ‘કોસ્ટ કટિંગ’ કરીને ફેક્ટરીઓ બંધ કરવાન ચીમકી આપી રહ્યા છે. બેગમ શેખ હસીના આ ત્રાસવાદી અભિયાન અને આતંકવાદ માટે ખાલિદા ઝિયાના સાથી પક્ષ જમાત-એ-ઈસ્લામીને જવાબદાર ઠેરવી રહ્યા છે. વર્ષ 1971માં બાંગ્લાદેશની મુક્તિ માટે થયેલા કરાયેલી ચળવળમાં જમાત-એ-ઈસ્લામીએ ક્રૂરતાપૂર્વક નરસંહાર કર્યો હતો. આ આંતરિક યુદ્ધમાં આશરે દસ લાખ લોકોના મોત થયા હતા. આ ચળવળમાં હિંસાચારની આગેવાની લેનારા જમાત-એ-ઈસ્લામીના આગેવાનો સામે શેખ હસીના સરકારે વર્ષ 2010માં અદાલતી કાર્યવાહી શરૂ કરી હતી. હજુ 13મી ડિસેમ્બરે જ જમાતના વરિષ્ઠ આગેવાન અબ્દુલ કાદર મોલાને ‘વૉર ક્રાઈમ કોર્ટ’ના હુકમ પ્રમાણે ફાંસીએ લટકાવી દેવાયા હતા. બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલતે ઓગસ્ટમાં જમાત-એ-ઈસ્લામીને ગેરકાયદે જાહેર કર્યું હતું અને આ સંગઠનના સભ્યોને ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ ફરમાવ્યો હતો. 

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, વૉર ક્રાઈમ કોર્ટની સંપૂર્ણ કાર્યવાહી પૂરી નહીં થાય ત્યાં સુધી શેખ હસીના સરકાર નવેસરથી ચૂંટણીઓ જાહેર કરે એવી કોઈ શક્યતા નથી. બાંગ્લાદેશની બંને બેગમો માટે ચૂંટણીઓનો બહિષ્કાર કરવો એ નવી વાત નથી. આ પહેલાં પણ વર્ષ 1988માં ખાલિદા ઝિયાએ જનરલ હુસૈન મહોમ્મદ ઈર્શાદની આપખુદ સરકાર દ્વારા યોજાયેલી ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. તો વર્ષ 1996માં શેખ હસીનાએ ચૂંટણીઓનો બહિષ્કાર કર્યો હતો અને એ વખતે બાંગ્લાદેશના વડાપ્રધાનપદે ખાલિદા ઝિયા હતા. જ્યારે નવેમ્બર 2013માં બાંગ્લાદેશ સરકારે વર્ષ 2014ની ચૂંટણીઓ જાહેર કરી ત્યારે ખાલિદા ઝિયાએ ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ રાખવા તટસ્થ કામચલાઉ સરકારનું સૂચન કર્યું હતું. જોકે, આ સૂચન શેખ હસીનાએ ફગાવી દીધું હતું.

જોકે, હવે શેખ હસીના સરકારે વાટાઘાટો કરવા થોડું નરમ વલણ અપનાવ્યું છે, અને ખાલિદા ઝિયાએ પણ સ્વીકાર્યું છે કે, “આ મડાગાંઠ ઉકેલવા વાતચીત સિવાય કોઈ વિકલ્પ નથી.” પરંતુ બેગમ ઝિયાએ બિનસત્તાવાર ‘હાઉસ એરેસ્ટ’માંથી મુક્તિ મળે એ પછી જ વાતચીત માટે આગળ વધવાની શરત મૂકી છે. હવે, દુનિયાની નજર શેખ હસીના પર છે. પરંતુ એક વાત નક્કી છે કે, આ રાજકીય યુદ્ધમાં સૌથી વધુ ભોગ બાંગ્લાદેશના નિર્દોષ નાગરિકોનો જ લેવાઈ રહ્યો છે.

નોંધઃ તસવીરો ગૂગલ પરથી લીધી છે. 

No comments:

Post a Comment