06 June, 2016

...અને કેરી સામે કેળું હારી ગયું!


તમને કઈ કેરી સૌથી વધારે ભાવે? બીજા કોઈ ફળ વિશે આપણે આવું પૂછી શકતા નથી કારણ કે, સફરજન એ સફરજન છે, કેળું એ કેળું છે, જાંબુ એ જાંબુ છે અને તડબૂચ એ તડબૂચ છે. આ બધા ફળોમાં કેરી જેટલું જબરદસ્ત વૈવિધ્ય નથી. દુનિયાભરમાં કેરીની ,૨૦૦ જેટલી જાત નોંધાઈ છે, જેમાં સોના-ચાંદી જેવા ભાવ ધરાવતી કેરીથી માંડીને આમઆદમી ખાઈ શકે એવી કેરીનો સમાવેશ થઈ જાય છે. એટલે જ કેરી સ્ટેટસ સિમ્બોલ છે. આજેય ૪0 ડિગ્રી ગરમીમાં બે ગુજરાતી મળે ત્યારે સેન્સેક્સની સાથે કેસરના ટોપલા લઈ લીધા કે લેવાના છે?’ એવો સવાલ પૂછી લે છે!

વિજ્ઞાન કહે છે કે, કેરી એનાકેર્ડિયાસ એટલે કે કાજુ પરિવાર સાથે સંકળાયેલી મેન્ગિફેરા જાતિનું ફળ છે. જનીનિક મેપિંગ પ્રમાણે મેન્ગિફેરામાં કુલ ૬૯ જાતિનો સમાવેશ થાય છે, જે સાદી ભાષામાં જંગલી એટલે કે દેશી જાતિની કેરી તરીકે ઓળખાય છે. આ ૬૯ પૈકી ૨૭ જાતિના ફળ સીધેસીધા ખાઈ શકાય છે, જ્યારે બાકીની મોટા ભાગની જાતિના ફળ ખાટ્ટાં હોવાથી તે અથાણાં કે બીજા ઉત્પાદનોમાં વપરાય છે. કેરી એ ગરમ પ્રદેશનું ફળ છે. કેરીનો જન્મ કરોડો વર્ષ પહેલાં દક્ષિણ એશિયામાં થયો હતો અને ત્યાંથી તે આખી દુનિયામાં પહોંચી. એશિયાના વિવિધ પ્રદેશની આ દેશી કેરીઓમાં થયેલા જનીનિક ફેરફાર પછી જ આપણને આજની એક એકથી ચડિયાતી મધુર કેરીની જાતો મળી છે. દુનિયામાં કેરીની જાતોના સૌથી વધારે જનીનિક ફેરફારો ભારતીય ઉપખંડમાં નોંધાયા છે. એટલે જ ભારતમાં કેરીની એકાદ હજાર જાત મળે છે, જ્યારે પાકિસ્તાનમાં ૪૦૦ પ્રકારની કેરી થાય છે. એશિયાના ત્રણ દેશ ભારત, પાકિસ્તાન અને ફિલિપાઈન્સનું રાષ્ટ્રીય ફળ કેરી છે, જ્યારે બાંગલાદેશનું રાષ્ટ્રીય વૃક્ષ આંબો છે.વિશ્વના કુલ કેરી ઉત્પાદનમાં ભારતનો હિસ્સો ૪૦ ટકાથી પણ વધારે છે. ભારતમાં દર વર્ષે સરેરાશ દોઢ કરોડ ટનથી પણ વધારે કેરીનું ઉત્પાન થાય છે. એ પછી ચીનનો નંબર આવે છે પણ ચીનમાં માંડ ૪૪.૫ લાખ ટન કેરી પાકે છે, જ્યારે ૩૧.૪ લાખ ટન સાથે થાઈલેન્ડ ત્રીજા નંબરે છે. વિશ્વમાં સૌથી વધારે નિકાસ ટોમી એટકિન્સ નામની અમેરિકન કેરીની થાય છે કારણ કે, તે ખૂબ લાંબો સમય સુધી બગડતી નથી. બાકી ગુજરાતની કેસર કે પાકિસ્તાનની કેરીઓ સામે તે સ્વાદ અને ગુણવત્તામાં અત્યંત નબળી છે. કેરીનું જંગી ઉત્પાદન કરતા પહેલાં પાંચ દેશમાં પાકિસ્તાનનો સમાવેશ નથી થતો, પરંતુ પાકિસ્તાનમાં ભારતની જેમ ઉત્તમ પ્રકારની કેરી થાય છે.

પાકિસ્તાનની અનવર રતૌલ વિશ્વ પ્રસિદ્ધ કેરી છે. આ કેરીનો જન્મ પણ ભારતના ઉત્તરપ્રદેશમાં બાગપત જિલ્લાના ખેકરા તાલુકાના રતૌલ ગામમાં થયો હોવાનું કહેવાય છે. આ ગામના એક ખેડૂતે રતૌલ નામની કેરીની જાત વિકસાવી હતી. ભારત પાકિસ્તાનના ભાગલા થયાના થોડા વર્ષો પહેલાં એ ખેડૂત પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં જઈને વસ્યો ત્યારે પોતાની સાથે નાના રોપા અને કેરી પણ લેતો ગયો હતો. ત્યાં જઈને તેણે આંબો વાવ્યો અને તેના પિતા અનવરના નામ પરથી એ કેરીને નામ આપ્યું, અનવર રતૌલ. પાકિસ્તાનના નેતાઓ ભારતના વડાપ્રધાનો, રાષ્ટ્રપતિ અને નેતાઓને કેસરના નહીં પણ અનવર રતૌલના ટોપલા મોકલાવે છે.

એકવાર ભારતની રતૌલ કેરીના ચાહકોએ કેરીને પણ રાજકીય રંગ આપ્યો હતો. વર્ષ ૧૯૮૧માં ઝિયા ઉલ હકે ભારતના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને રાષ્ટ્રપતિ સંજીવ રેડ્ડીને અનવર રતૌલના ટોપલા મોકલ્યા હતા. આ અહેવાલો મીડિયામાં છપાયા પછી રતૌલ ગામના રાષ્ટ્રવાદીખેડૂતોએ ગુસ્સે થઇને ઇન્દિરા ગાંધીને રતૌલના ટોપલા મોકલ્યા હતા. એ લોકોનું કહેવું હતું કે, આ જ અસલી રતૌલ કેરી છે, ‘અનવર રતૌલનહીં. ટૂંકમાં કેરી એ પ્રાદેશિક અભિમાન સાથે જોડાયેલું ફળ છે. આ તો બે દેશની વાત થઈ પણ મહારાષ્ટ્રમાં રહેનારી વ્યક્તિ રત્નાગીરી અને હાફૂસના વખાણ કરશે, જ્યારે ગુજરાતી કેસરને સૌથી ચડિયાતી કહેશે!

ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં કેરીને વિશિષ્ટ સ્થાન અપાયું છે અને એટલે જ ભારતની વિવિધ લોક સંસ્કૃતિઓમાં પણ તેનો પ્રભાવ જોવા મળે છે. હજારો વર્ષોથી હિંદુ સંસ્કૃતિમાં શૃંગાર રસનું વર્ણન કરવા કેરીનો પ્રતીકાત્મક ઉપયોગ કરાયો છે. સંસ્કૃત અને હિંદી સાહિત્યમાં પ્રેમ, ઈર્ષા અને દુશ્મનાવટને પ્રતીકાત્મક રીતે બતાવવા પણ કેરી અને આંબાનો ઉપયોગ કરાયો છે. વૈદિક સંસ્કૃતિમાં જેમને પ્રેમ, ફળદ્રુપતા, શૃંગાર અને આકર્ષણના દેવતા તરીકે મહિમા કરાયો છે એ કામદેવના વર્ણનોમાં પણ આંબાના મોરનો ઉલ્લેખ છે. કામદેવનું શસ્ત્ર ધનુષ છે. કામદેવના પાંચેય તીર અશોકના ફૂલો, સફેદ કમળ, ભૂરા કમળ, મલ્લિકા (જેસ્મીન) અને આંબાના મોર- એમ જુદા જુદા ફૂલોથી સજાવાયા છે. આ પાંચેય તીરનું લક્ષ્ય હંમેશા વિપરિત લિંગ હોય છે એટલે કે તે સ્ત્રી પર છોડવામાં આવે છે.

ગણેશના હાથમાં પણ પાકેલી કેરી દર્શાવાઈ છે, જે પ્રતીકાત્મક રીતે કંઈ પ્રાપ્ત કર્યું હોવાનું દર્શાવે છે. સરસ્વતીની પૂજા કરવા આંબાના મોરનો ઉપયોગ કરાયો છે. આયુર્વેદિક દવાઓમાં પણ આંબાના પાન, કેરીની છાલ અને ગોટલી સુધીની તમામ ચીજોનો ઉપયોગ થાય છે. કેરીની એક પણ ચીજ નકામી નહીં જતી હોવાથી જ પેલી હિન્દી કહેવત રચાઈ છે, ‘આમ કે આમ, ગુટલિયો કે ભી દામ’.

ઈ.સ. પૂર્વે સાતમી સદીમાં યાજ્ઞાવલ્કયે શતપથ બ્રાહ્મણમાં કેરીની ચર્ચા કરી છે. કેરી સાથેના આ પ્રાચીન સંબંધના કારણે જ ભારતની તમામ ભાષાના લોકગીતો અને આખ્યાનોમાં પણ તેનો મહિમા કરાયો છે. જૈનોની દેવી અંબિકા આંબાના વૃક્ષ નીચે બેસે છે, જ્યારે બૌદ્ધ સાહિત્યમાં ભગવાન બુદ્ધને એક આમ્રકુંજ ભેટ આપવાની વાત છે, જેથી તેઓ તેની શીતળ છાયામાં આરામ કરી શકે! ચોથી સદીમાં મહાકવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમ્નાટકમાં આંબાના મોરને વસંતના આગમન અને આકર્ષણ સાથે પ્રતીકાત્મક રીતે દર્શાવ્યું છે. વિશ્વ પ્રસિદ્ધ યોદ્ધા એલેક્ઝાન્ડરે પણ ભારત આવીને કેરીનો સ્વાદ ચાખ્યો હતો. એવી જ રીતે, પ્રસિદ્ધ ચીની પ્રવાસી હ્યુસાંગે પણ ભારતમાં જ કેરી ચાખી હતી. મોગલ સાહિત્યમાં પણ કેરીનો ઉલ્લેખ મળે છે. અકબરે બિહારના દરભંગામાં એક લાખ આંબા રોપાવ્યા હતા, જે આજે લાખી બાગ તરીકે ઓળખાય છે.

ગુજરાતી સહિતની દેશભરની ભાષાના આધુનિક સાહિત્યમાં પણ કેરીનો આકર્ષણના પ્રતીક તરીકે ઉપયોગ કરાયો છે. ભગવદ્ગોમંડળમાં જણાવ્યા પ્રમાણે, ભરજુવાન દેખાવડી સ્ત્રીને કાચી કેરીની ઉપમા આપવામાં આવે છે. આ સિવાય પણ બીજો એક શબ્દપ્રયોગ ધ્યાન ખેંચે છે. કેરી હિંડોળે ચડી છે, એટલે કે ઘેલછા આવી છે. વસંત ઋતુમાં ઘેલછા વધે છે અને એના પરથી કેરી હિંડોળે ચડે છે એમ કહેવાય છે અને તેના પરથી મગજના ભમેલા, ઘેલા કે ભ્રમિત માણસ વિશે પણ આ રૂઢિપ્રયોગ વપરાય છે...

સંસ્કૃતમાં કરાયેલા કેરીના વર્ણનોનો પ્રભાવ આવી રીતે ગુજરાતી સહિતની દેશની અનેક ભાષામાં ઝીલાયો છે. આ સાહિત્યની અસર બ્રિટીશકાળના અને અત્યારના સાહિત્ય પર પણ જોઈ શકાય છે. બ્રિટીશરાજના ભારતમાં આકાર લેતી ઈ.એમ. ફોસ્ટરની એ પેસજ ટુ ઈન્ડિયાનવલકથાને ટાઈમ સામાયિકની ઑલ ટાઈમ ગ્રેટ ૧૦૦ નોવેલની યાદીમાં સ્થાન મળ્યું છે. વર્ષ ૧૯૨૪માં લખાયેલી આ નવલકથાનું પાત્ર ડૉ. અઝીઝ ડૉ. ફિલ્ડિંગને કહે છે કે, ‘‘હું તમારા માટે કેરી જેવા સ્તન ધરાવતી સ્ત્રીની ગોઠવણ કરી શકું છું...’’ એ પછી અરુંધતી રોયથી બુકર પ્રાઈઝ વિજેતા ગોડ ઓફ સ્મોલ થિંગ્સથી લઈને અનિતા દેસાઈની ધ આર્ટિસ્ટ ઓફ ડિસઅપિયરન્સજેવી મૂળ ભારતીયોની અંગ્રેજીભાષી નવલકથાઓમાં પણ કેરીના પ્રતીકાત્મક ઉલ્લેખ મળે છે.

બિહેવિયરલ અને કલ્ચરલ સાયન્ટિસ્ટ કહે છે કે, કેરીને શારીરિક આકર્ષણ સાથે જોડવામાં આવી એનું કારણ તેનો આકાર છે. કેરીની અંદર ગોટલો હોવાથી તે હજારો વર્ષોથી ચૂસીને ખવાતી આવી છે. કેરી આવી રીતે ખવાતી હોવાથી તે શૃંગાર સાથે જોડાઈ ગઈ છે. ખ્રિસ્તી ધર્મનું સફરજન પણ કેરીનું સ્થાન નથી લઈ શક્યું એનું રહસ્ય આ છે. વળી, હજારો વર્ષો પહેલાંના સાહિત્યમાં પુરુષ અને સ્ત્રીના ગુપ્તાંગોને કેરીની મદદથી દર્શાવાયા છે. આ કારણસર આજેય કેરી પ્રતીકાત્મક રીતે સેક્સ અને ફર્ટિલિટી સાથે જોડાયેલું ફળ મનાય છે.

ભારતમાં કેરી જેવું જ જંગી ઉત્પાદન કેળાનું પણ થાય છે, પરંતુ સાહિત્યમાં કેળાનો ઉપયોગ મર્યાદિત છે. સ્ત્રી અને પુરુષ એ બંનેના તમામ અંગો દર્શાવવા કેળાનો ઉપયોગ થઈ શકતો નથી, પરંતુ સંસ્કૃત સાહિત્યમાં  સ્ત્રીપુરુષના લગભગ બધા જ અંગઉપાંગ દર્શાવવા કેરીનો બખૂબી ઉપયોગ કરાયો છે. એટલે જ કેળું કેરીથી ચડિયાતું ફળ હોવા છતાં કેરી સામે હારી ગયું છે!

1 comment: