આપણે હરિયાળી ક્રાંતિ કે સફેદ
ક્રાંતિની બડાઈઓ મારતા થાકતા નથી પણ ભારત સહિતના દેશોમાં આજે પણ લાખો લોકો કુપોષણથી
પીડાય છે અને ભૂખથી મરે છે. છેલ્લી અડધી સદીમાં વિશ્વભરમાં અનાજ, દૂધ, શાકભાજી અને
ફળોનું ઉત્પાદન વધ્યું છે અને બીજી તરફ અન્નનો બગાડ તેમજ ભૂખ કે કુપોષણથી મૃત્યુ
પામનારા લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે. જૈન ધર્મમાં કદાચ એટલે જ અન્નના એક
દાણાના વ્યયને પણ પાપ ગણવામાં આવ્યું છે. યુનાઈટેડ નેશન્સે ચોંકાવનારો રિપોર્ટ
જાહેર કરતાં કહ્યું છે કે, “દુનિયાભરના ખેતરોમાં પકવવામાં આવતા ત્રીજા ભાગનું એટલે
કે 1.3 અબજ ટન અન્ન કચરાપેટી ભેગું થાય છે. એટલું જ નહીં, અન્નના બગાડના કારણે ગ્લોબલ
વૉર્મિંગ માટે કારણભૂત ગ્રીનહાઉસ ગેસ પણ વધે છે...” આપણે જેટલા વધુ અન્નનો બગાડ
કરીએ એટલા પ્રમાણમાં પાણી અને ખનીજતેલ જેવી કુદરતી સંપત્તિનો પણ વ્યય થાય છે. કારણ
કે, અન્નના ઉત્પાદનથી માંડીને તેને યોગ્ય સ્થળે પહોંચાડવા સુધીની પ્રક્રિયામાં આ
બે સ્રોતનો મહત્તમ ઉપયોગ થાય છે.
યુનાઈટેડ નેશન્સના ફૂડ
એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશને ‘ફૂડ વેસ્ટેજ ફૂટપ્રિન્ટઃ ઈમ્પેક્ટ ઓન નેચરલ
રિસોર્સીસ’ નામે જારી કરેલા એક અહેવાલ મુજબ, પૃથ્વી પર દર વર્ષે થતો 1.3 અબજ ટન અન્નનો
બગાડ, વાતાવરણમાં 3.3 અબજ ટન કાર્બન ડાયોક્સાઈડ ભળવા બરાબર છે. આટલું અન્ન ઉત્પન્ન
કરવા માટે આશરે 1.4 અબજ હેક્ટર જમીનની જરૂર પડે છે. આટલી જમીન વિશ્વભરની ખેતીલાયક
જમીનના 30 ટકા જેટલી ગણી શકાય. આઘાતજનક વાત તો એ છે કે, આ સંશોધન કાર્યમાં માછલી
સહિતના દરિયાઈ ખોરાકના બગાડનો સમાવેશ કરાયો નથી. એટલું જ નહીં, અન્નના બગાડના
કારણે વિશ્વભરમાં 750 અબજ ડૉલરનું નુકસાન થાય છે. જોકે, યુનાઈટેડ નેશન્સ દ્વારા
કરાયેલા આ સંશોધનનો હેતુ અન્નના બગાડના કારણે થતું આર્થિક નુકસાન શોધવાનો નહીં પણ તેના
કારણે વાતાવરણને થતું નુકસાન જાણવાનો હતો. આ પહેલાં ક્યારેય આ દિશામાં આટલું ઊંડુ
સંશોધન કરાયું નથી. વળી, આ સંશોધન કાર્ય યુનાઈટેડ નેશન્સની દેખરેખ હેઠળ પાર પડાયું
હોવાથી તેનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે.
એમ. એસ. સ્વામિનાથન
રિસર્ચ ફાઉન્ડેશનના કહેવા પ્રમાણે, ભારતમાં દર વર્ષે રૂ. 58 હજાર કરોડના અન્નનો
બગાડ થાય છે. અન્નનો બગાડ થવાના કારણે કુદરતી સ્રોતોનો તો વ્યય થાય છે પણ આ સાથે
પૃથ્વી પર માણસજાતને ટકી રહેવા માટે જે જૈવવૈવિધ્ય છે તેને પણ ગંભીર નુકસાન પહોંચે
છે. અન્ન વિતરણની અયોગ્ય વ્યવસ્થા અને બગાડના કારણે દુનિયામાં રોજ 87 કરોડ લોકો
ભૂખ્યા સૂએ છે. અમેરિકા અને ચીનની ઔદ્યોગિક પ્રવૃત્તિ પછી પૃથ્વીના વાતાવરણને સૌથી
વધુ નુકસાન અન્નના બગાડના કારણે થાય છે. આ અહેવાલ મુજબ, એશિયા, લેટિન અમેરિકા અને
યુરોપમાં ફળફળાદિનો બહુ મોટા પાયે બગાડ થાય છે, જેનો અર્થ એવો પણ કરી શકાય કે આ
વિસ્તારોમાં પાણીનો વધુ બગાડ થાય છે. એવી જ રીતે, એશિયા અને યુરોપના ઔદ્યોગિક
વિસ્તારોમાં શાકભાજીનો બગાડ મોટા પાયે થાય છે. એશિયામાં અનાજના વ્યયના કારણે પાણી
અને જમીનનો પૂરતો ઉપયોગ નહીં કરી શકવાની મુશ્કેલી છે. જેમ કે, એશિયામાં ચોખાનો પાક
વધુ લેવાતો હોવાથી અહીં ચોખાનો વધુ બગાડ થાય છે. જેના કારણે મિથેન જેવા ગ્રીનહાઉસ
ગેસ પેદા થાય છે અને ચોખાના ખેતરોમાં ઉપયોગમાં લીધેલું પાણી પણ છેવટે વ્યર્થ જાય
છે.
પૃથ્વી પર ઉપયોગમાં નહીં
લેવાયેલું અન્ન ફેંકી દેવાય ત્યારે તે સડે છે અને આ પ્રક્રિયા દરમિયાન પણ મિથેન
જેવા ગેસનું ઉત્સર્જન થાય છે. જોકે, વિશ્વભરના દેશોમાં અન્નના બગાડનું પ્રમાણ ઘટે
તો પણ પૃથ્વીના વાતાવરણને મોટી મદદ મળી શકે છે. વિકસિત દેશોમાં તો નાના ફૂડ પેકેટ,
કચરામાં ફેંકાતા અન્નમાંથી ખાતરનું ઉત્પાદન અને રેસ્ટોરન્ટમાં વધેલા ખોરાકને ગરીબ
લોકોને વહેંચવા જેવા ઉપાયો ખૂબ ગંભીરતાપૂર્વક અજમાવાઈ રહ્યા છે. આપણા દેશમાં પણ
આવા પ્રયાસ થઈ રહ્યા છે પણ અન્નના જંગી બગાડની સામે તેનું મહત્ત્વ સરોવરના ટીપાં
જેટલું જ છે. વળી, આ પ્રયાસો સુવ્યવસ્થિત રીતે નહીં પણ છૂટાછવાયા થઈ રહ્યા છે.
વિકસિત દેશોમાં તો સંગ્રહ અને વિતરણની ઉત્તમ વ્યવસ્થા હોય છે. જ્યારે ભારત જેવા
વિકાસશીલ દેશોમાં તો સંગ્રહ કરેલું અન્ન પણ ધોવાઈ જાય છે, જેના કારણે પૃથ્વી પર
ભાર પડે છે. કારણ કે, અન્નનો એક દાણો કચરા પેટીમાં જાય છે એ સાથે પાણી, હવા અને
સમયનો પણ બગાડ થાય છે. એટલે કે, ઉત્તમ અન્ન વિતરણ વ્યવસ્થાની મદદથી આપણે પૃથ્વી
અને માનવજાત બંનેને મદદ કરી શકીએ છીએ.
રિસાઇકલિંગ જ
સૌથી ઉત્તમ ઉપાય
આપણે અત્યાર સુધી પ્લાસ્ટિક,
કાચ, લોખંડ કે એલ્યુમિનિયમ જેવી ધાતુઓ અને કાગળના રિસાઇકલિંગ વિશે ઘણું બધું
સાંભળ્યું છે, પરંતુ દર વર્ષે કચરાપેટીમાં ફેંકી દેવાતા અન્નનું આપણે મન કંઈ ખાસ
મહત્ત્વ નથી. જોકે, છેલ્લાં કેટલાક સમયથી વિશ્વના અનેક દેશો અન્નના બગાડને રોકવા
માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. તો ભારત જેવા દેશોમાં હજુ સુધી તેની
શરૂઆત પણ નથી થઈ. હા, ભારતમાં વૈભવી લગ્ન સમારંભોમાં થતા અન્નના બગાડને રોકવાની
તજવીજ હાથ ધરાઈ હતી, પણ એ મુજબનો કાયદો હજુ સુધી લાવી શકાયો નથી. ભારત જ નહીં,
વિશ્વના કોઈ પણ દેશમાં ઘરે ઘરે થતો અન્નનો બગાડ રોકવાના ફક્ત બે જ ઉત્તમ ઉપાય છે.
એક, વ્યક્તિગત સમજદારી અને બીજું, રિસાઇકલ થઈ શકે એવા કચરાને જુદી કચરાપેટીમાં
એકત્રિત કરવો અને આ પ્રકારના કચરાને દરેક ઘરેથી લઈને રિસાઇકલિંગ સેન્ટર સુધી
પહોંચાડવો.
અમેરિકા, કેનેડા અને
યુરોપના અનેક દેશોમાં ‘ગ્રીન કચરા’ને જુદો રાખીને તેનું રિસાઇકલિંગ કરવામાં આવે
છે. આ પ્રકારના કચરામાંથી ઉત્તમ ખાતર બનાવી શકાય છે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં
છેલ્લાં કેટલાક વર્ષોથી અમુક વિસ્તારોમાં આ પ્રકારના રિસાઇકલિંગ સેન્ટર શરૂ કરાયા
છે, જેમાં રોજના 300 ટન ઓર્ગેનિક કચરાનું રિસાઇકલિંગ કરીને તેમાંથી ખાતર બનાવાય
છે. આ પ્રકારના રિસાઇકલિંગ સેન્ટરો હોટેલ, રેસ્ટોરન્ટ અને જાહેર કાર્યક્રમો પછી
થયેલું અન્ન એકત્રિત કરી લે છે. અત્યાધુનિક સેન્ટરોમાં વાર્ષિક 40 હજાર ટન અન્નને
રિસાઇકલ કરી શકાય છે. આમ અમેરિકાએ અત્યારથી જ અન્નના બગાડને અત્યંત ગંભીરતાથી લઈને
આ દિશામાં કામ શરૂ કરી દીધું છે. કારણ કે, ફક્ત બગીચાઓ વિકસાવવા અને રસ્તાની
વચ્ચેના ડિવાઈડર પર છોડ વાવી દેવાથી ખરા અર્થમાં ‘ગ્રીન સિટી’ નથી વિકસતા. અમેરિકા
પણ 30 કરોડ ટન પૈકીનો ફક્ત ત્રણ ટકા ઓર્ગેનિક કચરો જ રિસાઇકલ કરી શકે છે.
નવાઈની વાત તો એ છે કે,
ઓર્ગેનિક કચરાનું રિસાઇકલિંગ પ્લાસ્ટિક કે કાચના રિસાઇકલિંગ કરતાં થોડું અલગ હોય
છે અને અઘરું હોય છે. કારણ કે, આ પ્રકારનો કચરો ખૂબ ઝડપથી જમીનમાં ભળી જાય છે અને
એટલે જ તેને મ્યુનિસિપાલિટીની લેન્ડફિલ સાઈટ (કચરો ઠાલવવાની જગ્યા) પર દાટવાથી
મુશ્કેલી થઈ શકે છે. વળી, એકસાથે હજારો ટન ઓર્ગેનિક કચરો રિસાઇકલ કરતી વખતે હજારો
ટન મિથેન ગેસનું પણ ઉત્સર્જન થાય છે, જે કાર્બન ડાયોક્સાઈડ કરતા 23 ગણો વધારે
નુકસાનકારક છે. એક અંદાજ પ્રમાણે ઓર્ગેનિક કચરાના કારણે દર વર્ષે વિશ્વભરમાં 70
મિલિયન મેટ્રિક ટન મિથેન વાતાવરણમાં ભળે છે. રિસાઇકલિંગ પ્લાન્ટમાં વધુને વધુ ઓર્ગેનિક
કચરાનું રિસાઇકલિંગ કરીને તેમાંથી ખાતર બનાવીને મિથેન વાયુ પર કાબૂ રાખી શકાય છે.
એક અંદાજ પ્રમાણે અમેરિકાના દરેક ઘરમાં 30 ટકા કચરો ખાદ્યપદાર્થોને લગતો હોય છે. આ પદાર્થોમાં શાકભાજીની છાલ, ડીંટાથી માંડીને ઘરમાં વધેલા અન્નનો સમાવેશ થાય છે. જોકે, આ કચરો પ્લાસ્ટિક અને કાચની જેમ ખૂબ ઝડપથી જમીનમાં ભળી જાય છે. છેલ્લાં થોડા વર્ષોમાં અમેરિકા, કેનેડા અને યુરોપના અનેક વિકસિત દેશોમાં આ પ્રકારનો કચરો અલગ ભેગો કરાય છે અને આ માટે હજુ વધુ મજબૂત વ્યવસ્થા તંત્ર ઊભું કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. કારણ કે, ગ્રીન કચરાને વધુને વધુ પ્રમાણમાં રિસાઇકલ કરી શકાય તો જ પૃથ્વીના વાતાવરણને લાંબા ગાળાના લાભ મળી શકે.
You are an awesome writer Vishal Shah....I totally agree with you...here.
ReplyDeleteThx :-)
Deletegood eye opening article mate
ReplyDeleteThx a lot my dear...
ReplyDelete