11 October, 2013

મોદી વિ. કેજરીવાલઃ મોબાઈલ કંપનીઓના ‘હીરો હીરાલાલ’


આપણા દેશમાં ચૂંટણીઓ હોય ત્યારે રાજકીય પક્ષો દ્વારા યોજાતી જાહેર સભાઓ, રેલીઓ અને ગલીએ ગલીએ યોજવામાં આવતી નાની-મોટી સભાઓનું આયોજન થાય ત્યારે આસપાસના દુકાનકારોને તડાકો પડી જતો હતો. આવા નાના-મોટા દુકાનદારો અને ચ્હાની કિટલીવાળા માટે કયા રાજકીય પક્ષનો ઉમેદવાર પ્રચાર કરવા આવ્યો છે કે પછી ચૂંટણીમાં કોણ જીતશે, કોણ હારશે એના કરતા વધુ મહત્ત્વ પોતાની ઘરાકીનું રહેતું. જોકે, આજકાલ ચૂંટણી પ્રચાર પણ હાઈટેક થઈ ગયો છે અનેરોકડીની ચિંતા કરનારા પણ હાઈટેક થઈ ગયા છે. આ વર્ષે કદાચ પહેલી જ વાર એવું થયું છે કે, વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ગેમ ડેવપલપરોએ જાણીતા રાજકારણીઓની મોબાઈલ ગેમ્સ ડિઝાઈન કરીને બજારમાં મૂકી છે.

અત્યાર સુધી ચૂંટણી વખતે ખેસ, દુપટ્ટા, ટોપીઓ, પોસ્ટરો, લાઉડ સ્પીકર ભાડે આપનારા અને કિટલીવાળા નાનો-મોટો ધંધો કરી લેતા હતા પણ હવે તેમાં ગેમ ડેવલપરો પણ જોડાઈ ગયા છે. કારણ કે તેઓ પણ જાણે છે કે, ભારતમાં ચૂંટણી પણ એક તગડો બિઝનેસ છે. ભારતમાં સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. ભારત સરકારના સત્તાવાર આંકડા મુજબ, હાલ દેશમાં 55 કરોડ 48 લાખ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. કારણ કે, એપલ, સેમસંગ, નોકિયાની સાથે માઈક્રોમેક્સ, કાર્બન, ઈન્ટેક્સ, આઈ બોલ અને ઝોલો જેવી કંપનીઓમાં ખૂબ જ સસ્તા સ્માર્ટફોન વિકલ્પ ઉપલબ્ધ છે. હવે મૂળ મુદ્દો એ છે કે, ભારતીયો દ્વારા વૉટ્સએપ સહિતના મેસેજિંગ એપની મદદથી સૌથી વધુ ફોરવર્ડ થતા જોક રાજકારણને લગતા હોય છે. આ વાત જ સાબિત કરે છે કે, સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકતા કે કરતા ભારતીયો માટે આજે પણ રાજકારણ એક રસપ્રદ વિષય છે.આ વાતને ધ્યાનમાં રાખીને જ સોફ્ટવેર કંપનીઓએ રાજકારણીઓનેહીરોતરીકે દર્શાવતી મોબાઈલ ગેમ્સ ડિઝાઈન કરવાની શરૂઆત કરી દીધી છે. સ્માર્ટફોન ગેમ્સની દુનિયામાંટેમ્પલ રનજેવી અત્યંત લોકપ્રિય ગેમથી લગભગ કોઈ અજાણ્યું નહીં હોય. આ ગેમ જેવું જ ભળતું નામ ધરાવતીમોદી રનનામની ગેમ જુલાઈ, 2013માં રિલીઝ થઈ હતી. આ ગેમ રિલીઝ થઈ ત્યારે કદાચ કંપનીને પણ ખ્યાલ ન હતો કે, ‘મોદી રનઆટલી ઝડપથીરનકરશે. આ એક્શન ગેમમાં કુર્તા-પાયજામામાં સજ્જ નરેન્દ્ર મોદીને દરેક વિઘ્નો પાર કરીને દિલ્હી સુધી દોડાવવાના છે. ટૂંકમાંહીરો હીરાલાલને ભારતના 18 રાજ્યોમાંથી મત ઉઘરાવવામાં મદદ કરીને દિલ્હી સલ્તનત સોંપવાની છે. એટલે કે, જે યુઝર્સ 18 લેવલ પાર કરીને મોદીને દિલ્હી સુધી પહોંચાડી દે તેવિનથઈ જાય છે. ગૂગલ પ્લે સ્ટોરમાં આ ગેમના ડિસ્ક્રિપ્શનમાં લખ્યું છે કે, “જો તમે મોદીના ચાહક છો અથવા તો તમે ભાજપને ટેકો આપો છો તો તમને આ એપ ગમશે. આ ગેમ મોદી કે ભાજપ દ્વારા માન્યતા પ્રાપ્ત નથી. આ ગેમનો હેતુ ફક્ત ભારતીય ચૂંટણીની પેરોડી કરીને મનોરંજન મેળવવાનો છે.”

મોદી રનગેમ અમેરિકાનીદેક્સાટીનામની ગેમ ડેવલપર કંપનીએ ડિઝાઈન કરી છે. કહેવાની જરૂર નથી કે, કંપનીએ આ ગેમ કેમ બનાવી છે. અમેરિકન સરકાર નરેન્દ્ર મોદીને વિઝા આપે કે ના આપે એનાથી દેક્સાટીને કંઈ લેવા-દેવા નથી. આ ગેમની રિલીઝ વખતે દેક્સાટીએ કહ્યું હતું કે, “...અમને લાગે છે કે, આજે ભારતના મધ્યમ વર્ગમાં મોદી સૌથી લોકપ્રિય ભારતીય સેલિબ્રિટી છે...” દેક્સાટીના મતે આ તો હજુ શરૂઆત છે. કારણ કે, ‘મોદી રનતો કંપનીએ રાજકારણ આધારિત ગેમ ચાલી શકે કે નહીં તેનો કયાસ કાઢવા ખાતર જ લૉન્ચ કરી છે. અત્યાર સુધીમોદી રનએક લાખથી પણ વધુ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે. ‘મોદી રનની લોકપ્રિયતા જોઈને દેક્સાટીએ ઓક્ટોબરના અંત સુધીમાં ભારતીય ચૂંટણીઓ પર આધારિત વધુ બે ગેમ લૉન્ચ કરવાની જાહેરાત કરી દીધી છે. 


ગૂગલ પ્લે સ્ટોરમાં મોદી રન સામે ફક્ત એક જહીરો હીરાલાલટક્કર લઈ રહ્યા છે. આ ગેમ પણટેમ્પલ રનના ભળતા જ નામે એટલે કેઆમ આદમી રનરનામે ડિઝાઈન કરાઈ છે. અરવિંદ કેજરીવાલના ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનથી પ્રભાવિતગ્રીડી-ગેમ મીડિયાનામની કંપનીએ બીજી ઓક્ટોબરે જ આ ગેમ રિલીઝ કરી છે. આ ગેમમાં એક્ટિવિસ્ટમાંથી રાજકારણમાં આવેલા અને હાથમાં સાવરણી પકડીને દોડી રહેલાહીરોને તમામ વિઘ્નો પાર કરાવવાના છે. આમ આદમી પક્ષનું પ્રતીક સાવરણી છે. ગ્રીડી-ગેમ મીડિયાનો દાવો છે કે, આ ગેમ ડિઝાઈન કરવા કંપનીએ અરવિંદ કેજરીવાલનો ચૂંટણી પ્રચાર ખૂબ જ નજીકથી સમજવા માટે સુવ્યવસ્થિત તંત્ર ગોઠવ્યું હતું. નવાઈની વાત તો એ છે કે, અરવિંદ કેજરીવાલ અન્ના હજારે સાથે હતા તે સમયથી કંપની તેમનેફોલોકરી રહી છે.

આ ગેમની થીમ ખૂબ જ રસપ્રદ છે. ‘આમ આદમી રનગેમમાં પરિસ્થિતિને સ્વીકારી લેવાની છે અથવા તો તેને બદલવા માટે જવાબદારી ઉપાડવાની છે. આ એક એવી ગેમ છે જેમાં એક કોમન મેન પાસે સુપરપાવર છે પણ તેનો ઉપયોગ કરવા માટે લોકોનો સહકાર હોવો જરૂરી છે. ‘આમ આદમી રનમાં મતના રૂપમાં સામાન્ય માણસનો સહકાર મળે છે, એટલે કે મત ઉઘરાવીને શહેરની તમામ મુશ્કેલીઓ દૂર કરવાની છે. આ એક એવું શહેર છે જેને રોજેરોજ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ મુશ્કેલીઓમાં રસ્તાઓ પર પાણી ફરી વળવા, વીજતંત્ર ખોરવાઈ જવું, ફ્લાયઓવર તૂટી પડવો અને ભ્રષ્ટાચારી નેતાઓ વગેરેનો સમાવેશ કરાયો છે. જોકે, આ તમામ મુશ્કેલીઓથી યુઝર્સે દૂર ભાગવાનું છે અથવા તો તેમનો સામનો કરીને સામાન્ય માણસનો સહકાર મેળવવા પ્રયાસ કરવાનો છે. જો તમે આમ કરશો તો જ તમે છેવટે શહેરને તમામ મુશ્કેલીઓમાંથી મુક્ત કરી શકશો.

ગૂગલ પ્લે સ્ટોર પર આ ગેમના ડિસ્ક્રિપ્શનમાં લખ્યું છે કે, “આ ગેમ રમીને તમે આમ આદમી પાર્ટીની રચના માટે વેઠવી પડેલી મુશ્કેલીઓ વિશે જાણી શકો છો.” ‘આમ આદમી રનમાં દરેક વિઘ્નો પાર પાડીને આમ આદમી પક્ષની રચના કરવાની છે અને છેલ્લેસ્વરાજનું લેવલ અનલોક કરવાનું છે. જો આ લેવલ અનલોક ના થઈ શકે તો યુઝર્સ ફેસબુક ફ્રેન્ડ્સને પણ તે અનલોક કરવા આમંત્રણ આપી શકે છે. ‘મોદી રનને નરેન્દ્ર મોદી કે ભાજપનું સમર્થન નથી, પરંતુઆમ આદમી રનને આમ આદમી પાર્ટીની મંજૂરી બાદ ડિઝાઈન કરાઈ છે. એટલે જ આ ગેમ રમીને આમ આદમી પાર્ટીને ડોનેશન પણ આપી શકાય છે અને ડોનેશન માટે પણ ફેસબુક ફ્રેન્ડ્સને આમંત્રિત કરી શકાય છે. એ વાતમાં કોઈ શંકા નથી કે, ગ્રીડી-ગેમ મીડિયાએ પૂરતું સંશોધન કરીનેઆમ આદમી રનડિઝાઈન કરી છે. આ ગેમ રિલીઝ થઈ એના પહેલાં જ દિવસે ગૂગલ પ્લે સ્ટોરથીઆમ આદમી રનપાંચ હજારથી પણ વધુ લોકોએ ડાઉનલોડ કરી હતી. જોકે, ‘મોદી રનછેક જુલાઈમાં રિલીઝ થઈ હતી તેથી ડાઉનલોડિંગમાં તે સ્વાભાવિક રીતે જઆમ આદમી રનથી ઘણી આગળ છે.

ભારતમાં મોબાઈલ માર્કેટ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે અને દેશભરમાં મોબાઈલ ગેમ્સ, એપ્સનો બિઝનેસ વર્ષ 2016 સુધીમાં રૂ. 27 અબજે પહોંચી જવાની ધારણા છે. આ પ્રકારની ગેમ્સ કે એપ્સ ડિઝાઈન કરતા ડેવલપરોની આવકનો એકમાત્ર સ્રોત જાહેરખબરો હોય છે. જોકે, ગેમ હીટ જાય તો આ જાહેરખબરોની આવક લાખો-કરોડોમાં પહોંચી શકે છે. મુંબઈ અને બેંગલુરુની અનેક કંપનીઓ હવે વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીઓ પહેલાં રાજકારણીઓ આધારિત ગેમ્સ ડિઝાઈન કરવાનું વિચારી રહી છે. આ કંપનીઓ જાણે છે કે, ભારતીય રાજકારણથી મોટું કોઈ સર્કનથી અને કદાચ ગેમ્સની મદદથીઆમ આદમીથોડી વાર પોતાનો રોષ ભૂલીને આનંદ માણી લે છે અને ગેમ ડેવલપરોએ તેમાંથી પણ કમાણી કરવાનું શરૂ કરી દીધું છે

અન્ના આંદોલન વખતે ‘એંગ્રી અન્ના’ ગેમ લૉન્ચ કરાઈ હતી

અન્ના હજારે આંદોલન વખતે આખા દેશમાં ભ્રષ્ટાચાર સામેનો જુવાળ પરાકાષ્ઠાએ હતો ત્યારે અમેરિકન અને ભારતીય કંપનીએ મળીને વર્ષ 2011માં ‘એંગ્રી અન્ના’ નામની ગેમ લૉન્ચ કરી હતી. જોકે, આ ગેમ ફક્ત મોબાઈલ આધારિત નહીં પણ વેબ આધારિત ગેમ હતી. નોઈડા સ્થિત ‘ગીકમેન્ટર’ નામની કંપનીએ ડિઝાઈન કરેલી આ ગેમ ‘ગેમસલાડ’ નામની અમેરિકન હોસ્ટેડ કંપનીની વેબસાઈટ પર આજે પણ રમી શકાય છે. ગેમ માર્કેટમાં અત્યંત લોકપ્રિયતા ધરાવતી ‘એન્ગ્રી બર્ડ્સ’ નામની ગેમ પરથી જ ‘એંગ્રી અન્ના’ ડિઝાઈન કરાઈ હતી. ગેમસલાડની વેબસાઈટના આંકડા દર્શાવે છે કે, અત્યાર સુધી પાંચ લાખથી પણ વધારે લોકો ‘એંગ્રી અન્ના’ ડાઉનલોડ કરી ચૂક્યા છે. ‘એંગ્રી અન્ના’ ગેમમાં હીરો તરીકે અન્નાની સાથે બાબા રામદેવ અને કિરણ બેદી હતા, જ્યારે વિલન તરીકે ડૉ. મનમોહન સિંહ, કપિલ સિબ્બલ, પી. ચિદમ્બરમ અને સુરેશ કલમાડીના મહોરા મૂકવામાં આવ્યા હતા. રાજકારણ અને રાજકારણીઓ પર ટીકા કરવા માટે ગેમ્સ બનાવવાની શરૂઆત અમેરિકન કંપનીઓએ કરી હતી. 

No comments:

Post a Comment