20 July, 2013

અમર બોઝનો ‘અવાજ’ હવે નહીં સંભળાય


મને સંગીત ગમે છે અને જ્યારે હું એમઆઈટીમાં નવમા વર્ષમાં હતો ત્યારે મેં એક નવી હાઈ-ફાઈ મ્યુઝિક સિસ્ટમ ખરીદવાનું નક્કી કર્યું. મારે જે કંઈ જોઈતું હતું તે બધું જ સ્પેસિફિકેશનમાં હતું. પછી મેં એક હાઈ-ફાઈ સિસ્ટમ ખરીદી અને ખરીદ્યા પછી ચાલુ કર્યું અને પાંચ મિનિટ પછી બંધ કર્યું ત્યાં સુધીમાં તો તેનો અવાજ તરડાઈ ગયો હતો.” જોકે, આ સ્પીકર ખરીદનાર વ્યક્તિ માસાચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરી રહેલો એક અસામાન્ય વિદ્યાર્થી હતો. આ ઘટનાની તેના મન પર એટલી ઘેરી અસર થઈ તેણે એકોસ્ટિક કે સાઉન્ડ ટેક્નોલોજીની દિશામાં સતત સંશોધનો કરીને વિશ્વને અત્યાધુનિક સ્ટીરિયો લાઉડસ્પીકરોની ભેટ ધરી. આજે આ વિદ્યાર્થી અત્યાધુનિક એકોસ્ટિક, સાઉન્ડ કે સ્પીકર ટેક્નોલોજીનો પિતામહ ગણાય છે. આ વિદ્યાર્થી એટલે મૂળ ભારતના પરંતુ વર્ષોથી અમેરિકા રહેતા સંશોધક, ઈન્વેન્ટર અને બિઝનેસમેન સ્વ. અમર બોઝ. હા, અમર બોઝનું 12મી જુલાઈ, 2013ના રોજ 83 વર્ષની વયે અમેરિકામાં મૃત્યુ થયું છે પરંતુ ભારત કરતા અમેરિકામાં વધુ જાણીતી આ હસ્તી વિશે ભારતીયો બહુ ઓછું જાણે છે.

અમર બોઝ ભારતીય પિતા અને અમેરિકન માતાનું ફરજંદ હતા અને તેમનો જન્મ બીજી નવેમ્બર, 1929ના રોજ અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના ફિલાડેલ્ફિયા શહેરમાં થયો હતો. અમરના પિતા નોની ગોપાલ બોઝ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા અને બ્રિટિશ જાસૂસોથી બચવા માટે વર્ષ 1920માં કોલકાતાથી અમેરિકા ભાગી ગયા હતા. અહીં તેમણે શેર્લોટ નામની અમેરિકન યુવતી સાથે લગ્ન કરીને ઘરસંસાર શરૂ કર્યો હતો. નોની નાનકડી રેડિયો શૉપના માલિક અને શેર્લોટ સ્કૂલ શિક્ષિકા હતા. રેડિયો શૉપ પિતાના પુત્ર અમરને નાનપણથી જ ટેક્નોલોજીમાં રસ પડ્યો હતો. વળી, સાતથી ચૌદ વર્ષ સુધી તેમણે વાયોલિન વગાડવાની વિધિસરની તાલીમ લીધી હતી. આ તાલીમથી ‘અવાજ’ની દુનિયામાં તેમનો રસ વધુ મજબૂત થયો હતો. અમરે ફક્ત 13 વર્ષની ઉંમરે જ રેડિયો રીપેરિંગનો બિઝનેસ શરૂ કર્યો હતો. નાનપણથી જ ઉદ્યોગસાહસિકતાના ગુણ ધરાવતો અમર કિશોરાવસ્થામાં ઈલેક્ટ્રિકલ રમકડાં બનાવીને પણ માતા-પિતાને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. આ બધું જ નાનકડા અમર માટે બિલકુલ સહજ હતું. કારણ કે, ઈલેક્ટ્રોનિક્સ તેના માટે એક વિષય નહીં પણ રમત હતી.

અમર બોઝ

અમરનું બચપણ ફિલાડેલ્ફિયામાં વીત્યું હતું અને તેણે નાનપણથી જ ભારે સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે, ત્રીસી-ચાળીસીના દાયકામાં અમેરિકામાં રંગભેદ ચરમસીમાએ હતો. આ દરમિયાન બોઝ પરિવારે ડગલે ને પગલે રંગભેદ, અન્યાય અને પૂર્વગ્રહોનો સામનો કરવો પડ્યો હતો. બોઝ પરિવારને અમેરિકામાં કોઈ ઘર ભાડે આપવા પણ તૈયાર ન હતું. તેથી અમરના પિતાએ પત્ની શેર્લોટને ઘર શોધવા મોકલવા પડતા હતા. જોકે તેઓ તેમના પતિ અને પુત્ર કરતા સવાયા ભારતીય સાબિત થયા હતા. શેર્લોટ શાકાહારી હતા, હિંદુ તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસુ હતા. એક અમેરિકન સ્ત્રી સાથે લગ્ન કર્યા પછી નોની બોઝ અને તેમના પુત્ર અમર પર રૂ‌ઢિવાદીઓ કદાચ વધુ ગુસ્સે ભરાયા હતા.

બોઝ પરિવાર રેસ્ટોરન્ટમાં જતો ત્યારે તેઓ કોઈ વેઈટર આવવાની રાહ જોઈને બેસી રહેતા, પણ કોઈ તેમનો ઓર્ડર લેવા ન આવતું અને કોઈ ગોરી વ્યક્તિ તેમને ભોજન પીરસવા તૈયાર ન થતી. પછી નોની બોઝ મેનેજરને ફરિયાદ કરતા અને ક્યારેક રેસ્ટોરન્ટમાં નાનકડું પ્રવચન પણ આપી દેતા. પરંતુ ગોરા લોકોને ‘કાળી’ વ્યક્તિને સર્વિસ આપવાનું ક્યારેય મંજૂર ન હતું. આ અંગે અમર બોઝે એકવાર કહ્યું હતું કે, “આ સંજોગોમાં મારા પિતાએ ક્યારેય એવું કહેવાનો પ્રયાસ નહોતો કર્યો કે, હું આફ્રિકન-અમેરિકન નહીં પણ એક ભારતીય છું. જોકે બીજા ઘણાં લોકો એવું કરતા. પરંતુ જ્યાં સુધી ટેલેન્ટને ઓળખવાની વાત છે તો અમેરિકા જેવો કોઈ દેશ નથી...” અમેરિકામાં આટલું સહન કર્યા પછી અમર બોઝે કરેલું આ નિવેદન ભારતીયો માટે આશ્ચર્યજનક નહીં પણ આઘાતજનક કહેવાય.

અમર બોઝે વર્ષ 1950માં માસાચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી એમઆઈટીમાં પ્રવેશ મેળવીને ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની પદવી લીધી હતી. બાદમાં તેમણે આ પ્રતિષ્ઠિત સંસ્થામાંથી જ પીએચ.ડી. કર્યું હતું. આ દરમિયાન જ તેમણે પેલા સ્પીકર ખરીદ્યા હતા અને એકોસ્ટિક એન્જિનિયરિંગમાં ઊંડું સંશોધન કરવાનો નિર્ણય લીધો હતો. તેઓ એવા સ્પીકર ડિઝાઈન કરવા માગતા હતા જે ઘરમાં પણ કોન્સર્ટ હૉલ જેવી અનુભૂતિ કરાવે. જોકે, બોઝને વધુ સંશોધનો કરવા માટે આર્થિક મદદની જરૂર હતી, પરંતુ સંશોધનોને હંમેશા મદદરૂપ થતી માસાચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગના પ્રોફેસર અને અમર બોઝના પીએચ.ડી.ના ગાઈડ યૂક વિંગ લી તેમની મદદે આવ્યા. અમર બોઝે તેમની મદદથી વર્ષ 1964માં બોઝ કોર્પોરેશન (Bose Corporation)ની રચના કરી. આ દરમિયાન તેમણે એકોસ્ટિક ટેક્નોલોજીમાં ઊંડા સંશોધનો કરીને લાઉડસ્પીકર ડિઝાઈનને લગતી બે પેટન્ટ મેળવી. આ પેટન્ટ આજે પણ બોઝ કોર્પોરેશનના નામે છે. 

જોકે, આ કંપનીને અમર બોઝે જીવ્યા ત્યાં સુધી વિશિષ્ટ રીતે ચલાવી હતી. તેમની કંપની નફાખોરીની કટ્ટર વિરોધી હતી અને લાંબા ગાળાના સંશોધનોમાં જ રોકાણ કરતી હતી. અમર બોઝના આ વલણને કારણે મૂડીવાદી અમેરિકાના કોર્પોરેટ જગતને આશ્ચર્ય થવું સ્વાભાવિક હતું. આ મુદ્દે તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “અમારી કંપનીની સો ટકા આવકનું કંપનીમાં જ પુનઃરોકાણ કરવામાં આવે છે અને તેમાંથી મોટા ભાગની રકમ સંશોધન પાછળ ખર્ચવામાં આવે છે.” નવાઈની વાત તો એ છે કે, લાંબા ગાળાના સંશોધનો કરવા માટે તેમણે બોઝ કોર્પોરેશનને હંમેશા પ્રાઈવેટ કંપની રાખવાનો ક્રાંતિકારી નિર્ણય લીધો હતો. આ અંગે તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “એમબીએ દ્વારા ચલાવાતી કંપનીઓ મારી અનેકવાર હકાલપટ્ટી કરી ચૂકી છે. પરંતુ હું પૈસા બનાવવા માટે બિઝનેસમાં નથી આવ્યો. હું બિઝનેસમાં એટલા માટે આવ્યો છું કે જેથી હું કંઈક નવું અને પહેલાં ક્યારેય ન થયું હોય એવુ કંઈક કરી શકું.” જોકે, બોઝ કોર્પોરેશન તેમના નવેક હજાર કર્મચારીઓને હેન્ડસમ સેલેરી આપવામાં પણ કોઈ કચાશ છોડતી ન હતી.

બોઝ કોર્પોરેશન ચાલુ થયાના ચાર જ વર્ષમાં એટલે કે વર્ષ 1964માં તેમણે 901(R) Direct/Reflecting(R) સ્પીકર સિસ્ટમ રજૂ કરી. આ વિશ્વના પહેલાં સ્ટીરિયો લાઉડસ્પીકર હતા જે ખૂણેખૂણામાં અવાજ પહોંચાડતા હતા. ખેર, આ તો બહુ ટેકનિકલ બાબત થઈ પરંતુ આ સિદ્ધિ કેટલી મોટી હતી તેનો એ વાત પરથી અંદાજ આવે છે કે, સતત 25 વર્ષ સુધી અમેરિકા સહિત કોઈ પણ દેશના એન્જિનિયરો આવા સ્પીકર બનાવી શક્યા ન હતા અને આ સ્પિકરે ઑડિયો માર્કેટમાં સતત 25 વર્ષ રાજ કર્યું હતું. આ ટેક્નોલોજીના આધારે જ બોઝની કંપનીએ કાર સ્ટીરિયો માર્કેટ પર વર્ચસ્વ જમાવ્યું હતું. આજની અત્યાધુનિક ‘નોઈસ કેન્સલેશન’ ઑડિયો ટેક્નોલોજીના પ્રણેતા પણ અમર બોઝ જ છે. વર્ષ 1982માં મર્સીડિઝ અને પોર્શ સહિતની અનેક ઓટોમોબાઈલ કંપનીઓએ પોતાની કારમાં બોઝની સ્પીકર સિસ્ટમ અપનાવી લીધી હતી.

આજે પણ અમર બોઝ કે તેમની કંપનીના નામે 24થી પણ વધુ પેટન્ટ બોલે છે. બોઝે કરેલા લાઉડસ્પિકરનો ઉપયોગ ઓલિમ્પિક સ્ટેડિયમ, વેટિકન સિટીના વિશ્વ વિખ્યાત ચર્ચ સિસ્ટાઈન ચેપલ, મક્કાની જાણીતી અલ હરમ મસ્જિદ, નાસાના સ્પેસ શટલ અને જાપાનના નેશનલ થિયેટરમાં થાય છે. અમર બોઝે બોઝ કોર્પોરેશનનો વહીવટ કરવાની સાથે છેક વર્ષ 1956થી વર્ષ 2000 સુધી એમઆઈટીમાં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર તરીકે પણ સેવા આપી હતી. અમર બોઝની આગેવાનીમાં બોઝ કોર્પોરેશનનો સારો વિકાસ થયો હતો. વર્ષ 2006માં નફાખોરીનો સજ્જડ વિરોધ કરતી કંપનીના માલિક અમર બોઝ 1.2 બિલિયન ડૉલરની સંપત્તિ સાથે ફોર્બ્સ બિલિયોનેરની યાદીમાં 271મા સ્થાને હતા. જોકે, પોતાની શિક્ષણ સંસ્થા માટે કંઈ પણ કરી છુટવા માટે હંમેશા તત્પર અમર બોઝે બોઝ કોર્પોરેશનનો બહુ મોટો હિસ્સો એમઆઈટીને દાનમાં આપી દીધો છે. અમર બોઝ પોતાની પાછળ જિજ્ઞાસાવૃત્તિ અને સંશોધનનો વિશાળ વારસો છોડતા ગયા છે.

એમઆઈટીના સૌથી લોકપ્રિય પ્રોફેસર

અમર બોઝે પેન્સિલવેનિયાની એબિંગ્ટન હાઈસ્કૂલમાં શાળાકીય શિક્ષણ પૂરું કરીને વર્ષ 1950માં એમઆઈટીમાં બેચલર ઓફ સાયન્સ (ઈલેક્ટ્રિકલ)ની પદવી લીધી હતી. સંશોધનોમાં ઊંડો રસ ધરાવતા હોવાના કારણે બોઝે એમઆઈટીમાં જ પીએચ.ડી. કરવાનો નિર્ણય લીધો હતો અને આ દરમિયાન જ તેમણે એકોસ્ટિક એન્જિનિયરિંગમાં મહત્ત્વના સંશોધનો કરવાનું શરૂ કરી દીધું હતું. ઘરની આર્થિક સ્થિતિ સારી નહીં હોવા છતાં તેઓ શૈક્ષણિક સ્તરે એક પછી એક સિદ્ધિ મેળવી રહ્યા હતા. વર્ષ 1956માં એમઆઈટીએ તેમને ટીચિંગ જોબ ઑફર કરી. પરંતુ એમઆઈટીના અન્ય એક પ્રોફેસર નોર્બર્ટ વિનરે તેમને ફૂલબ્રાઈટ સ્કોલરશિપ મેળવીને એક વર્ષ ભારતમાં ગાળવાની સલાહ આપી. નોર્બર્ટ વિનરની ગણના 20મી સદીના મહાન ગણિતજ્ઞોમાં થાય છે. અમર બોઝે તેમની સલાહ મુજબ એક વર્ષ કોલકાતાની ઈન્ડિયન સ્ટેટેસ્ટિકલ ઈન્સ્ટિટ્યુટમાં ગાળ્યું. જોકે, થોડા સમય પછી તેઓ પાછા એમઆઈટી આવ્યા અને જીવિત રહ્યા ત્યાં સુધી અહીંના વિદ્યાર્થીઓના સૌથી લોકપ્રિય પ્રોફેસર અને બોઝ કોર્પોરેશનના સંશોધક તરીકે કાર્યરત રહ્યા. એમઆઈટીના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ માટે તેઓ એંશી વર્ષના ઉત્સાહી યુવાન હતા. તેઓ દર વર્ષે તેમના વેકેશન હોમ હવાઈમાં કેટલાક અઠવાડિયા ગાળતા હતા અને કદાચ ત્યાંથી વધુ સ્ફૂર્તિલા થઈને એમઆઈટી પરત ફરતા હતા. તેઓ વિદ્યાર્થીઓને એકોસ્ટિક જ નહીં પણ તત્ત્વજ્ઞાન, અંગત વર્તન, જીવનમાં શું જરૂરી છે, વિચારો કેવી રીતે કરવા તેમજ અણધારી મુશ્કેલીઓનો સામનો કરીને કેવી રીતે આગળ વધવું એવા ‘વિચિત્ર’ વિષયો વિશે પણ વાતો કરતા રહેતા હતા. હવે એમઆઈટીમાં અમર બોઝનો અવાજ ક્યારેય નહીં સંભળાય પણ એકોસ્ટિક ટેક્નોલોજીમાં તેમણે કરેલા સંશોધનોને કારણે આવનારી અનેક પેઢીઓ ઉત્તમ ‘અવાજ’ સાંભળતી રહેશે.

2 comments: