17 December, 2018

ફેસબૂકની દુનિયામાં ડીલિટ ડેટાનો પણ ધીકતો ધંધો


ફેસબૂક, ગૂગલ, ટ્વિટર કે એમેઝોન જેવી શૉપિંગ સાઈટ્સ યુઝર્સના ડેટા ચોરી લે છે એ તો જૂની વાત થઈ ગઈ. હવે બીજી એક મુશ્કેલી શરૂ થઈ છે. ઈન્ટરનેટ જગતની ફેસબૂક જેવી તમામ લોકપ્રિય કંપનીઓ યુઝર્સે ડીલિટ કરી દીધેલા ડેટાનો પણ ધીકતો ધંધો કરે છે. આ પ્રકારના ધંધાના પ્રકાર જ ફક્ત જુદા જુદા હોય છે. કમ્પ્યુટરમાં તમે તમારો ડીલિટ કરેલો ડેટા રિસાઇકલ બિનમાં જાય, અને, તમે ત્યાંથી પણ તેને ડીલિટ કરી દો તેનો અર્થ એ થાય કે એ ડેટા હવે હંમેશા માટે નેસ્તનાબૂદ થઈ ગયો. જોકે, આ વાત કમ્પ્યુટર સિસ્ટમ સુધી જ લાગુ પડે છે. જો તમે ફેસબૂક કે ગૂગલ કે ટ્વિટર જેવા કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ પર સક્રિય હોવ તો આ નિયમ લાગુ પડતા નથી.

દુનિયામાં અનેક આઈટી એન્જિનિયર્સ કે હેકરો સાબિત કરી ચૂક્યા છે કે, તમે સોશિયલ મીડિયામાં ફિડ કરેલો ડેટા ડીલિટ કરી દીધો હોય તો પણ એ જ ડેટા 'ગૂગલિંગ' કરતા બીજી વાર પણ દેખાઈ શકે છે. એરિક સ્મિટ્સ ગૂગલના ચેરમેન હતા ત્યારે એકવાર જાહેરમાં એવું બોલ્યા હતા કે, 'ઈન્ટરનેટની દુનિયામાં ડીલિટના બટનનો અભાવ એ ચિંતાનો વિષય છે.' સ્મિટ્સનું નિવેદન જ સાબિત કરે છે કે, યુઝર્સ ડેટા ડીલિટ કરીને ભ્રમમાં રહે છે. થોડું ઘણું ટેકનિકલ જ્ઞાન ધરાવતો કોઈ પણ યુઝર 'પ્રયોગો' કરીને ફેસબૂક જેવી સાઈટ પરથી ડીલિટ કરેલો ડેટા પાછો લાવી શકે છે. 





આપણે સોશિયલ મીડિયામાં કોઈ પણ વેબસાઈટ પર એકાઉન્ટ બનાવીએ ત્યારે મોટા ભાગે 'પ્રાઈવેસી પોલિસી' વાંચતા નથી. ફેસબૂકની વાંચજો. ફેસબૂકે તેમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, 'અમે ડીલિટ કરેલું કન્ટેન્ટ ચોક્કસ સમય સુધી બેકઅપ કોપી તરીકે સચવાયેલું હોઈ શકે છે...' આ વાક્યમાં ફેસબૂકે 'ચોક્કસ સમય' માટે 'રિઝનેબલ પીરિયડ' શબ્દનો ઉપયોગ કર્યો છે. આ રિઝનેબલ પીરિયડ એટલે કેટલો સમય? આ વાતનો ફોડ પાડવાનું ફેસબૂકને જરૂરી નથી લાગતું. કેટલી ગંભીર વાત છે! સોશિયલ મીડિયાની સૌથી જાયન્ટ કંપની યુઝર્સનો ડેટા ડીલિટ નથી કરતી અને કહેતી પણ નથી કે, એ ડેટા તેમની પાસે ક્યાં સુધી રહેશે! એ ડેટાનું તેઓ શું કરે છે એ પણ આપણને ક્યારેય જાણવા મળતું નથી. જોકે, ફેસબૂક આપણી પર દયા કરતી હોય એમ લખે છે કે, 'જોકે, તમારો ડીલિટ કરેલો ડેટા બીજા માટે ઉપલબ્ધ નથી...'

ટૂંકમાં, ફેસબૂક આડકતરી રીતે એમ કહે છે કે, તમારો ડેટા બીજા નહીં જોઈ શકે પણ અમે તેનો 'ઉપયોગ' કરી શકીએ છીએ. ફેસબૂકની પ્રાઈવેસી પોલિસી કેટલી વિવાદાસ્પદ છે તેનું બીજું એક ઉદાહરણ જોઈએ. ફેસબૂક લખે છે કે, 'યુઝર્સ ફેસબૂક પરથી તેમનો ડેટા ડીલિટ કરે ત્યારે કેટલીક માહિતી અમારા સર્વર પરથી કાયમ માટે ડીલિટ થઈ જાય છે, પરંતુ કેટલીક માહિતી ત્યારે જ ડીલિટ થાય છે જ્યારે તમે તમારું ફેસબૂક એકાઉન્ટ ડીલિટ કરો...

બોલો! કેટલીક માહિતી ડીલિટ નથી થતી તેનો અર્થ શું? કેટલીક એટલે કેટલી? ફેસબૂક કઈ માહિતી ડીલિટ નથી કરતું? આ કોઈ સવાલનો જવાબ આપણો પણ ફેસબૂકને જરૂરી નથી લાગતો. આ વાત પરથી એવી શંકા થાય છે કે, ફેસબૂક યુઝર્સની નહીંવત માહિતી જ ડીલિટ થવા દે છે, જ્યારે મોટા ભાગની માહિતીનો તે કાયમ માટે સંગ્રહ કરી લે છે! ફેસબૂક અહીં નથી અટકતી. એ બિન્દાસ કહે છે કે, કેટલીક માહિતી ત્યારે જ ડીલિટ થાય છે, જ્યારે તમે તમારું એકાઉન્ટ કાયમ માટે ડીલિટ કરો. આ વાત સમજો. ફેસબૂક એકાઉન્ટ કાયમ માટે ડીલિટ કર્યા પછી પણ 'કેટલીક' માહિતી જ ડીલિટ થાય છે. વળી, ફેસબૂક એકાઉન્ટ તાત્કાલિક ડીલિટ થઈ શકતું નથી. તમે ફેસબૂક એકાઉન્ટ ડીલિટ કરો ત્યારે તે થોડા દિવસનો સમય લે છે. આ દરમિયાન યુઝર ફરી લોગ-ઇન કરે તો એકાઉન્ટ ડીલિટ થતું નથી.

પશ્ચિમી દેશોમાં ડેમોક્રેસી, પ્રાઈવેસી અને ફ્રિડમ ઓફ એક્સપ્રેશન જેવા મુદ્દે સોશિયલ મીડિયાને કેન્દ્રમાં રાખીને વિચારવાની ક્યારનીય શરૂઆત થઈ ગઈ છે. ફેસબૂકનો ઉદય થયા પછી પશ્ચિમી મીડિયા સતત એ સવાલ ઉઠાવી રહ્યું છે કે, ફેસબૂક એકાઉન્ટ ડીલિટ કરવાની પ્રક્રિયા આટલી ધીમી કેમ? જોકે, ફેસબૂક પર તેની કોઈ અસર નથી. ફેસબૂક અને બ્રિટનની કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીનું ડેટા ચોરી કૌભાંડ બહાર આવ્યા પછી માર્ક ઝકરબર્ગ પર તવાઈ આવશે એવું લાગ્યું હતું, પરંતુ એવું કશું થયું નથી. ફેસબૂક જેવા પ્લેટફોર્મ પર થર્ડ પાર્ટી ઘૂસણખોરી કરીને યુઝર્સનો ડેટા ચોરે ત્યારે આ મુદ્દો વધારે જટિલ થઈ જાય છે. જેમ કે, ફેસબૂક અને બ્રિટીશ કંપની કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીનું કૌભાંડ. આ કંપનીએ અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રચાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ફેસબૂક પર આવી અનેક થર્ડ પાર્ટી ડેટાની લાલચમાં વિચરતી હોય છે. 

કેમ્બ્રિજ એનાલિટિકા ફેસબૂક પર ઓનલાઈન સર્વે અને એપ સર્વિસ આપીને શું કરતી હતી એ વાત ફેસબૂક જાણતી જ ના હોય એવું હોઈ શકે? માર્ક ઝકરબર્ગ સામે તવાઈ આવી એટલે તેમણે ફેસબૂક પરથી કેમ્બ્રિજ એનાલિટિકાનું એકાઉન્ટ ડીલિટ કરવાનો આદેશ આપી દીધો અને એક સત્તાવાર નિવેદન ફટકારી દીધું કે, ફેસબૂકની ડિજિટલ ફોરેન્સિક ટીમ કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીની એક્ટિવિટીનું ઓડિટ કરશે. બસ, રાત ગઈ, બાત ગઈ. એ પછી આ કેસમાં શું થયું એ વિશે શંકાસ્પદ રીતે કશું બહાર આવ્યું જ નહીં. 

આપણું ઓનલાઈન બિહેવિટર ગૂગલ કે ફેસબૂક પૂરતું મર્યાદિત નથી. આ બે પ્લેટફોર્મ સિવાય પણ આપણી ઓનલાઈન હાજરી હોય છે. આપણા મોબાઈલ નંબરો, બેંકોના ડેબિટ-ક્રેડિટ કાર્ડ, આધાર અને લાયસન્સ જેવા અનેક પુરાવાની મદદથી થર્ડ પાર્ટી ડેવલપર્સ કે એડવર્ટાઈઝર્સ સતત આપણો ડેટા ભેગો કરે છે. આ ડેટાનો તેઓ પોતે ઉપયોગ કરે છે અથવા વેચે છે. યાહૂ અને ટમ્બલર જેવી કંપનીઓ યુઝર્સનો ડેટા ડીલિટ કરવાની ખાતરી આપીને પોતાનું માર્કેટિંગ કરે છે, અને, આવી ખાતરી આપ્યા પછી પણ  તેઓ કહે છે કે, તમે ડીલિટ કરેલી માહિતીનો બીજા દ્વારા ઉપયોગ થતો હોઈ શકે છે. 

કોઈ પણ આઈટી કંપની થર્ડ પાર્ટી તમારા ડેટાનો ઉપયોગ નહીં કરે એવી ગેરંટી આપી શકતી નથી. પશ્ચિમી દેશો પણ આ દુષણને કાબૂમાં રાખી શકતા નથી કારણ કે, આ ૨૧મી સદીમાં અસ્તિત્વમાં આવેલા નવા પ્રકારના અનૈતિક કામ છે અને તેને રોકવાના કાયદા જ નથી. આ કંપનીઓ સાબિત કરી દે છે કે, ડેટા એનાલિસિસ કરવું એ અમારો હક છે અને કાયદો એ સાબિત નથી કરી શકતો કે, ડેટા એનાલિસિસ એ કાયદા વિરોધી છે. તમને જાણીને નવાઈ લાગશે. ઈન્ટરનેટની દુનિયામાંથી તમારો ડેટા ડીલિટ કરવાની સર્વિસ આપતી કંપનીઓ પણ છે. આ કંપનીઓનું કહેવું છે કે, અમારા ગ્રાહકો અમને ડેટા ડીલિટ કરવાના પૈસા નથી ચૂકવતા, પરંતુ ડેટા હંમેશા માટે ડીલિટ થઈ ગયો છે એવી ખાતરી આપવાના પૈસા ચૂકવે છે. 

આ પ્રકારના સર્વિસ પ્રોવાઈડર ફેસબૂક જેવી કંપનીઓની પ્રાઈવેસી પોલિસીને અદાલતોમાં પડકારીને ડેટા ડીલિટ કરાવી આપે છે. ભારત જેવા દેશોમાં લોકો પ્રાઈવેસીને લઈને ગંભીર નથી, પરંતુ અમેરિકા અને યુરોપિયન દેશોમાં એવું નથી. આ દેશોના નાગરિકો તો 'રાઈટ ટુ બી ફોરગોટન'ને લઈને પણ અતિ સંવેદનશીલ છે. રાઈટ ટુ બી ફોરગોટન એટલે ભૂલવાનો અધિકાર. હા, ગૂગલ અને ફેસબૂક જેવી વેબસાઈટો તમને તમારો ખરાબ ભૂતકાળ યાદ કરાવ્યા કરે તો તમે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકો છો. 

મારિયો કોસ્ટેજા ગોન્ઝાલેસ નામના એક સ્પેનિશે ૨૦૦૯માં ગૂગલ પર કેસ કર્યા પછી રાઈટ ટુ બી ફોરગોટનની બોલબાલા વધી ગઈ હતી. એકવાર મારિયો ગૂગલિંગ કરી રહ્યો હતો ત્યારે તેને જાણવા મળ્યું કે, સોળ વર્ષ પહેલાં તે આર્થિક તંગી અનુભવતો હતો ત્યારે તેણે તેનું ઘર વેચી દીધું હતું. એ પછી તો મારિયોએ સારી એવી કમાણી કરી પણ ગૂગલમાંથી હજુ એ માહિતી ભૂંસાઈ ન હતી. એટલે તેણે સ્પેનના રાઈટ ટુ બી ફોરગોટન કાયદા હેઠળ ગૂગલ પર કેસ કર્યો. યુરોપિયન ડેટા પ્રોટેક્શનની કલમ ૧૭ પણ તમામ વ્યક્તિને રાઈટ ટુ બી ફોરગોટન આપે છે. આ કેસનો ચુકાદો આપતી વખતે યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસે કહ્યું હતું કે, લોકોનો ડેટા કંટ્રોલ કરતી ગૂગલ જેવી કંપનીઓ કોઈ વ્યક્તિની વિનંતી પછી ડેટા ડીલિટ નહીં કરે તો તેમને આકરો દંડ ફટકારવામાં આવશે.

પ્રાઈવેસી મુદ્દે અત્યંત સંવેદનશીલ અમેરિકા અને યુરોપિયન દેશોએ આ ચુકાદાને વધાવી લીધો હતો. જોકે, ફ્રી સ્પિચ અને ફ્રી ઈન્ફોર્મેશનના કટ્ટર સમર્થકોએ યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસના ચુકાદાની આકરા શબ્દોમાં ટીકા કરતા કહ્યું હતું કે, જે માહિતી અખબારોમાં આવી ગઈ તેને ગૂગલ પરથી દૂર કરવાનો શું અર્થ? આ દલીલને ફગાવી દેતા યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસે કહ્યું હતું કે, આ પ્રકારની માહિતી અખબારોમાં ભલે આવી, એ માહિતી સહેલાઈથી મળતી નથી, પરંતુ ગૂગલ જેવા સર્ચ એન્જિન કોઈની જૂની અપ્રસ્તુત માહિતીને શોધવાનું કામ વધારે સરળ બનાવે છે. એટલે યુઝરની વિનંતી પછી તે દૂર કરવી જ જોઈએ. 

પશ્ચિમી દેશો આઈટી કંપનીઓને સાણસામાં લેવા એકબીજાના કાયદાનો અભ્યાસ કરીને નવા કાયદા ઘડવાની તૈયારી કરી રહ્યા છે. ભારતમાં પણ ફેસબૂકના ૫૦ કરોડથી વધારે યુઝર્સ છે. અહીં પણ ફેસબૂક જેવા માધ્યમોની મદદથી લોકશાહી સાથે ખિલવાડ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વિદેશી કંપનીઓ ભારતીયોના ડેટા વેચી રહી છે, ચોરી રહી છે અને તેનો દુરુપયોગ કરી રહી છે, પરંતુ આપણને કેમ ચિંતા નથી?

2 comments:

  1. આ વળી પાછું બીજું નવું લાવ્યા - આ કોમેન્ટ ડિલિટ ના કરતા હોં !!

    ReplyDelete