18 June, 2018

ફોરેન સ્ટુડન્ટ્સ: ટુ ચાઈના, વિથ લવ


ભારત અને ચીન હંમેશા એકબીજાને કટ્ટર હરીફ તરીકે જુએ છે. દુનિયા પણ આર્થિક વિકાસ, લશ્કરી તાકાતથી લઈને અખબારી સ્વાતંત્ર્ય સુધીના અનેક મુદ્દે બંને દેશની સરખામણી કરે છે. આ બંને દેશ પણ તમામ ક્ષેત્રે એકબીજાની હરીફાઈમાં મશગૂલ હોય છે. હવે ભારત અને ચીન વચ્ચે હાયર એજ્યુકેશનમાં વિદેશી વિદ્યાર્થીઓ આકર્ષવાની નવી હરીફાઈ પણ ઉમેરાઇ છે. ચીને ૨૦૧૨માં જાહેરાત કરી હતી કે, ૨૦૨૦ સુધીમાં અમે પાંચ લાખ વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષીશું. એ પછી ચીને જડબેસલાક આયોજન કરીને આ કામ પાર પાડી બતાવ્યું. ચીન પણ અમેરિકા અને બ્રિટનની જેમ હાયર એજ્યુકેશનનું ઈન્ટરનેશનલ હબ બનવા તત્પર છે. ચીનની સફળતા જોઈને ભારતે પણ સફાળા જાગીને આ દિશામાં કામ શરૂ કર્યું  છે, પરંતુ અત્યારે ચીન જોજનો આગળ નીકળી ગયું છે.

ભારતીય વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં વિદેશમાં અભ્યાસ કરવા જાય છે, પરંતુ સ્વાભાવિક રીતે જ એટલા પ્રમાણમાં વિદેશી વિદ્યાર્થીઓ ભારત આવતા નથી. આપણી યુનિવર્સિટીઓમાં વૈશ્વિક સ્તરના શિક્ષણનો અભાવ છે. થોડા સમય પહેલાં કેન્દ્ર સરકારે આપણી યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવા 'સ્ટડીઈનઈન્ડિયા.ઓઆરજી' નામની વેબસાઇટ શરૂ કરી હતી. સરકારના આંકડા પ્રમાણે, ૨૦૧૬માં ભારતની વિવિધ યુનિવર્સિટીઓમાં ૪૭,૭૫૫ વિદેશી વિદ્યાર્થીએ એડમિશન લીધું હતું, અને, હવે સરકાર પાંચ જ વર્ષમાં આ આંકડો લાખોમાં પહોંચાડી દેવા માંગે છે. સરકારી આંકડા અને બીજા આંતરરાષ્ટ્રીય ડેટા તપાસતા ખબર ખ્યાલ આવે છે કે, વિદેશી વિદ્યાર્થીઓને ભારતની યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે આકર્ષવામાં આપણે બહુ પાછળ છીએ.



એવી જ રીતે ચીનના આંકડા પર નજર કરતા જણાય છે કે, ચીને પોતાની યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવા ખૂબ મજબૂત યોજના બનાવી હશે. ૨૦૧૬માં ચીનમાં ૪.૪ લાખ વિદેશી વિદ્યાર્થી ભણવા આવ્યા હતા. વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવામાં ચીનનો અમેરિકા અને બ્રિટન પછી ત્રીજો નંબર છે. અમેરિકા અને બ્રિટન કરતા આંકડાની દૃષ્ટિએ ચીન થોડું પાછળ હશે પણ છેલ્લાં ઘણાં સમયથી ચીન આ દિશામાં કામ કરી રહ્યું છે. એક ઉદાહરણ જોઈએ. બે દાયકા પહેલાં ચીનમાં અંગ્રેજી ભાષાના જાણકારો નહીંવત હતા. ચીનની ભાગ્યે જ કોઈ યુનિવર્સિટીમાં અંગ્રેજી ભાષામાં શિક્ષણ અપાતું. એ સ્થિતિમાં ચીને અંગ્રેજીમાં શિક્ષણ આપવાનું શરૂ કરીને વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવાની યોજના બનાવી, અને, આજે તે ભારતથી અનેકગણું આગળ છે. અત્યારે ચીનની અનેક યુનિવર્સિટીઓમાં દુનિયાભરમાંથી નોકરી કરવા આવેલા શિક્ષકો અંગ્રેજી ભાષામાં જુદા જુદા વિષયોનું શિક્ષણ આપે છે.

હાયર એજ્યુકેશનમાં વધુને વધુ વિદ્યાર્થીઓ આકર્ષવા ભારત પાસે ચીન કરતા અનેકગણી વધારે તક હતી, પરંતુ તે આપણે વેડફી નાંખી. જેમ કે, ભારતમાં તો શરૂઆતથી અંગ્રેજી ભાષામાં જ ઉચ્ચ શિક્ષણ અપાય છે. અંગ્રેજી ભાષાના ઉચ્ચારોને લઈને પણ આપણે 'વધુ પડતા ડાહ્યા' છીએ, જ્યારે એક સરેરાશ ચીની નાગરિકની અંગ્રેજી બોલીમાં ચાઈનીઝ ઉચ્ચારોનો અતિ પ્રભાવ હોય છે. (માતૃભાષા કે માતૃબોલીનો લહેકો બીજી ભાષા બોલતી વખતે ના આવે એવા કિસ્સા અપવાદરૂપ હોય છે.) આમ છતાં, ભારતે અંગ્રેજી ભાષાનો ફાયદો ઉઠાવીને વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવાની યોજના ના બનાવી અને ચીન આ ક્ષેત્રમાં પણ વિઝનરી પુરવાર થયું. કદાચ ચીનની અભૂતપૂર્વ સફળતા જોઈને જ ભારત સરકારે પણ 'સ્ટડી ઈન ઈન્ડિયા' યોજના શરૂ કરી છે, પરંતુ ભારત ગમે તેવી ઝડપે કામ કરે તો પણ નજીકના ભવિષ્યમાં ચીનની સમકક્ષ પહોંચી શકે એવી શક્યતા અત્યારે દેખાતી નથી. દુનિયાની ટોપ ૫૦૦માં ચીનની યુનિવર્સિટીઓએ કાઠું કાઢ્યું છે. વિદેશી વિદ્યાર્થીઓ ત્યાં એડમિશન લેવા દર વર્ષે ધસારો કરે છે. દુનિયાની ટોપ ૩૦ યુનિવર્સિટીમાં ચીનની બે છે. પહેલી પેકિંગ અને બીજી સિંઘુઆ યુનિવર્સિટી.

ચીન સરકારે ચાઈનીઝ સંસ્કૃતિ, ભાષા, ઇતિહાસ અને સાહિત્યિક વારસા જેવા વિષયોનો અભ્યાસ કરવા માંગતા વિદેશી વિદ્યાર્થીઓ માટે જાતભાતની સ્કોલરશિપ શરૂ કરી છે. ૨૦૧૬માં ૪૦ ટકા વિદેશી વિદ્યાર્થીઓને ભણવા માટે ચીન સરકારે આર્થિક મદદ કરી હતી. આ સિવાય વિદેશી વિદ્યાર્થીઓને તકલીફ ના પડે એ માટે ચીન યુનિવર્સિટી કેમ્પસમાં જ 'સ્ટુડન્ટ્સ ફ્રેન્ડ્લી' સુવિધા ઊભી કરે છે. જેમ કે, લોન્ગ ટર્મ સ્ટે માટે યુનિવર્સિટીના કેમ્પસ નજીક જ સારી અને સસ્તી રહેવાની વ્યવસ્થા. આ પ્રકારની સુવિધાથી વિદેશી વિદ્યાર્થીઓ પાસેથી કોઈ તગડી ભાડાવસૂલી કરી શકતું નથી. ચીનમાં અત્યારે ભણી રહેલા ૪.૪ લાખમાંથી ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ એક વર્ષથી લાંબા ગાળાના કોર્સ માટે આવ્યા છે, જેમાં ભારતના પણ ૧૭ હજારથી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ તમામ વિદ્યાર્થીઓ ચીનની યુનિવર્સિટીઓની ફી અને કોસ્ટ ઓફ લિવિંગથી ખુશ છે.




ચીનમાં અત્યારે મોટા ભાગના વિદેશી વિદ્યાર્થીઓ સાયન્સ, એન્જિનિયરિંગ અને એગ્રિકલ્ચર જેવા વિષયોમાં અભ્યાસ કરે છે, જ્યારે ૨૦૧૨ સુધી ત્યાં મોટા ભાગના લોકો ફક્ત મેન્ડેરિન શીખવા આવતા. એક સમયે આ પ્રકારના વિષયોમાં ફક્ત પશ્ચિમી દેશોની યુનિવર્સિટીઓનો જ ડંકો વાગતો. ૨૦૦૬માં ચીનમાં ૫૫ હજાર વિદેશી વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશનની ડિગ્રી લેવા આવ્યા હતા. આ આંકડો ૨૦૧૬માં, દસ જ વર્ષમાં, .૧૦ લાખે પહોંચી ગયો છે. આ આંકડા સાબિત કરે છે કે, ચીને એક દાયકામાં સ્ટેમ (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ) એજ્યુકેશનમાં ક્રાંતિકારી કામ કર્યું છે. ચીનની સંસ્કૃતિ પશ્ચિમી દેશોથી ખાસ્સી અલગ છે એટલે ચીનને અત્યારે દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, મલેશિયા કે સિંગાપોર જેવા દેશોના વિદેશી વિદ્યાર્થીઓ વધુ મળે છે, પરંતુ છેલ્લાં પાંચેક વર્ષથી રશિયા, ભારત અને પશ્ચિમી દેશોના વિદ્યાર્થીઓ પણ ચીનમાં એડમિશન લઈ રહ્યા છે. ચીનના કુલ વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીયોની સંખ્યા આઠ ટકા છે. આંકડાની રીતે કહીએ તો ફક્ત ૧૮ હજાર.

આ આંકડાને બીજી રીતે જોઈએ. ૨૦૧૭માં યુકેમાં ૧૬ હજાર ભારતીય વિદ્યાર્થીએ એડમિશન લીધું હતું. એનો અર્થ એ થયો કે, ભારતીય વિદ્યાર્થીઓને આકર્ષવામાં ચીન યુકે કરતા પણ આગળ છે. થોડા વર્ષો પહેલાં ભારતીય વિદ્યાર્થીઓ સામાન્ય રીતે મેડિકલના અભ્યાસ માટે ચીન સુધી લાંબા થતાં પણ હવે એન્જિનિયરિંગમાં પણ એડમિશન વધ્યા છે. આ ઉપરાંત ચીનની યુનિવર્સિટીઓમાં વૈશ્વિક પ્રવાહોને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમોમાં પણ ઝડપથી ફેરફાર કરાઈ રહ્યો છે. આ ઉપરાંત ઝડપથી નવા અભ્યાસક્રમો પણ દાખલ કરાઈ રહ્યા છે. હાયર એજ્યુકેશનમાં આ રીતે આગળ વધવું હોય તો વર્ષો પહેલાં પ્લાનિંગ કરવું પડે. ચીને નેવુંના દાયકાથી જ વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન ઈન્સ્ટિટયુટ્સ ઊભી કરવા મહેનત શરૂ કરી દીધી હતી. આ દરમિયાન ચીને વિદેશી યુનિવર્સિટીમાં કામ કરતા વિજ્ઞાનીઓ અને સંશોધકોને પાછા ચીનમાં ખેંચી લાવવા (રિવર્સ બ્રેઇન ડ્રેઇન) પણ જડબેસલાક આયોજન કર્યું હતું. દાખલા તરીકે, વિજ્ઞાનીઓ માટે અત્યાધુનિક લેબોરેટરીઓ તેમજ મેરિટ પ્રમાણે ઊંચા પગાર અને બીજા લાભો. આમ, ચીન સુપરપાવર બનવા કુદરતી સ્રોતોની સાથે પોતાના માનવ સ્રોતોનો પણ ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યું છે.

ભારતના આર્થિક વિકાસની ધીમી શરૂઆત ૧૯૮૦થી થઈ, પરંતુ શિક્ષણના ક્ષેત્રે હજુ આપણે લાંબી મજલ કાપવાની બાકી છે. હાયર એજ્યુકેશનનો ખરો વિકાસ થાય તો જાહેર શિક્ષણ ક્ષેત્રે પ્રવર્તતી ઘણી બધી મુશ્કેલીઓનું નિવારણ આવે છે. જેમ કે, હાયર એજ્યુકેશનમાંથી કમાણી કરીને પ્રાથમિક શિક્ષણમાં વધુ રોકાણ કરી શકાય છે! સ્થાનિક વિદ્યાર્થીઓ વધુને વધુ વિદેશી વિદ્યાર્થીઓ સાથે ભળવાથી સાંસ્કૃતિક આદાનપ્રદાન થાય છે. વિદ્યાર્થીકાળથી જ માઇન્ડ સેટ બ્રોડ થાય છે. જાતિ-ધર્મની વાડાબંધીથી પીડાતા સમાજ માટે આ ખૂબ જ જરૂરી છે. આ વાત એક ઉદાહરણથી સમજીએ. ચીનમાં ૨૦૦૩માં ૧,૭૯૩ આફ્રિકન વિદ્યાર્થી અભ્યાસ કરવા આવ્યા હતા, જે ૨૦૧૬માં વધીને ૬૧,૫૯૪ થઇ ગયા કારણ કે, તેઓ ચીનમાં પોતાને સુરક્ષિત મહેસૂસ કરે છે. તેની સામે આ જ ગાળામાં ભારતમાં આફ્રિકન વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટતી ગઇ છે કારણ કે, ભારતમાં તેઓ ફક્ત ચામડીના રંગ, વાળની સ્ટાઈલ કે ચહેરા-મ્હોરાના કારણે વંશીય ભેદભાવનો ભોગ બને છે, અને ભારતીયો તેમની ક્રૂર મજાક પણ કરે છે. એટલે જ દેશના યુવાનોને ૨૧મી સદીનો વિશ્વમાનવ બનાવવા વધુને વધુ સામાજિક-સાંસ્કૃતિક આદાનપ્રદાન થાય એ જરૂરી છે.



આ પ્રકારના આદાનપ્રદાનથી જ બ્રિટીશયુગમાં ભારતીય સમાજની અનેક સામાજિક બદીઓ સામે આંદોલન શરૂ થયું હતું. એ જ યુગે ૨૧મી સદી તરફ નજર રાખીને વિચારી શકે એવા અનેક સામાજિક અને રાજકીય નેતાઓને જન્મ આપ્યો હતો, પરંતુ આજે આપણા સૌથી હોનહાર વિદ્યાર્થીઓ આઈઆઈટી કે આઈઆઈએમમાં ભણીને વિદેશમાં સ્થાયી થવાનું પસંદ કરે છે. ભારતના સર્વશ્રેષ્ઠ સોફ્ટવેર એન્જિનિયરો નોકરી કરવા સિલિકોન વેલી જતા રહે છે. સિલિકોન વેલીમાં આઈઆઈટીના વિદ્યાર્થીને માનની નજરે જોવાય છે પણ ભાગ્યે જ કોઈ વિદેશી વિદ્યાર્થી આઈઆઈટીમાં એડમિશન લેવા આવે છે. જો વિદેશી વિદ્યાર્થીઓએ એશિયાની જ કોઈ યુનિવર્સિટી પસંદ કરવાની આવે તો તે પહેલા ચીન કે રશિયા જવાનું પસંદ કરે છે. આવું કેમ? આ કોઈ મુદ્દો આપણને કે આપણી સરકારોને પજવતો નથી.  

આઝાદીના દાયકાઓ પછી પણ આપણે હાઈલી એજ્યુકેટેડ વિદ્યાર્થીને દેશમાં યોગ્ય વાતાવરણ આપી શક્યા નથી, તો પછી વિદેશના વિદ્યાર્થીઓ શું કામ અહીં ભણવા આવે? એક સમયે દુનિયાભરના વિદ્વાનોને આકર્ષતી આપણી વિશ્વ વિદ્યાલયોની ભારતીય પરંપરા વર્ષો પહેલાં લુપ્ત થઇ ગઇ. હવે એ જૂનું ગાણું ગાવાનું બંધ કરીને હાયર એજ્યુકેશન ક્ષેત્રે ‘આઉટ ઓફ બોક્સ’ વિચારીને આગળ વધવાનો સમય થઇ ગયો છે.

નોંધઃ પ્રતીકાત્મક તસવીરો ગૂગલ પરથી લીધી છે. 

2 comments:

  1. વિચારપ્રેરક મુદ્દો...સરસ લેખ...આભાર...

    ReplyDelete