ફેસબૂક અને વૉટ્સએપ
જેવા સોશિયલ મીડિયા માધ્યમોના જમાના પહેલાં 'ન્યૂઝ'નો અર્થ ફક્ત 'સમાચાર' થતો હતો,
પરંતુ હવે બીજા પણ એક ન્યૂઝ લોકપ્રિયતા મેળવી રહ્યા છે અને એ છે, ફેક ન્યૂઝ. આ પ્રકારના ન્યૂઝનો ફેલાવો કરવાનું સૌથી ઉત્તમ હથિયાર એટલે સોશિયલ મીડિયા. ભારતમાં ફેસબૂક અને વૉટ્સએપ સૌથી વધારે લોકપ્રિય છે. ટ્વિટર પર શબ્દોની મર્યાદા છે, પરંતુ ફેસબૂક-વૉટ્સએપ
પર લાંબા લખાણો લખીને એકસાથે લાખો લોકોને પહોંચાડી શકાય છે. ટ્વિટર એલિટ ક્લાસનું પ્લેટફોર્મ
છે, પરંતુ ફેસબૂક-વૉટ્સએપની પહોંચ મધ્યમ વર્ગ અને ગરીબો સુધી પણ છે. ફેસબૂક કે બીજા
કોઈ પણ સોશિયલ મીડિયામાં વહેતા સમાચારોની જનમાનસ પર કેટલી અસર થાય છે અને મતપેટી પર
તેની કેવી અસર પડે છે- એ ચોક્સાઇપૂર્વક ના જાણી શકાય, પરંતુ આ માધ્યમો થકી ફેલાવાતી
ખોટી માહિતીના કારણે મતપેટી પર અસર પડે છે એ વાતમાં કોઈ શંકા નથી. આઈઆરઆઈએસ નામનું
રિસર્ચ ફાઉન્ડેશન તેમજ ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના સંયુક્ત અભ્યાસમાં
પણ આ વાત સાબિત કરી ચૂક્યા છે.
સોશિયલ મીડિયા
યુવા પેઢી સિવાયના પણ લાખો લોકોના જીવનનું અભિન્ન અંગ છે. આપણી લોકસભાની ચૂંટણીઓ
હોય કે અમેરિકા, ફ્રાંસ અને જર્મનીની ચૂંટણીઓ- આ બધામાં ફેસબૂકે અત્યંત મહત્ત્વની
ભૂમિકા ભજવી હોવાથી ફેક ન્યૂઝ સામે પણ સવાલ ઊઠવા સ્વાભાવિક છે. અમેરિકન પ્રમુખપદની
ચૂંટણી વખતે જ આ વિવાદની શરૂઆત થઈ ગઈ હતી. અમેરિકામાં
વર્ષ ૨૦૧૬ના અંતમાં પ્રમુખપદની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલતો હતો ત્યારે ફેસબૂકની
હીટ્સ ૧૭ ટકા વધી હતી. ફેસબૂકને આ ઓનલાઈન ટ્રાફિક ફેક કે
મરચું-મીઠું ભભરાવીને તૈયાર કરેલી અંશતઃ ફેક માહિતીના કારણે મળ્યો હતો,
જેના
કારણે ફેસબૂકની આવક બે જ મહિનામાં ૪૭ ટકા વધી હતી. ટૂંકમાં, ફેસબૂકને ફેક માહિતીમાંથી
પણ કરોડો ડોલરનો નફો થયો હતો.
આ વિવાદમાં ફેસબૂક એવો મુદ્દો ઉઠાવી શકે છે કે, અમારું તો કામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આપવાનું છે. જો
કોઈ આ પ્લેટફોર્મ પર ખોટા સમાચારો ફેલાવે તો ફેસબૂક શું કરે? પરંતુ અમેરિકા અને યુરોપિયન
દેશોમાં ફેસબૂક પર આવતી માહિતીની વિશ્વસનિયતા સામે સવાલ ઉઠ્યા પછી ખુદ માર્ક
ઝકરબર્ગે ફેસબૂકના બચાવમાં મેદાનમાં ઉતરવું પડ્યું હતું કારણ કે, આ મુદ્દો સીધો ફેસબૂકની આવક સાથે સંકળાયેલો છે. ગયા મહિને બરાક
ઓબામાએ પણ ઝકરબર્ગને ફેક ન્યૂઝ મુદ્દે ચેતવણી આપી હતી. એ પછી ઝકરબર્ગે ફેક ન્યૂઝને
ગંભીરતાથી લેવાનું આશ્વાસન પણ આપ્યું, પરંતુ અનેક વખત ડાહ્યાડમરા નિવેદનો કર્યા પછી ફેસબૂક ફેક ન્યૂઝને કાબૂમાં રાખવાની વાત સિફતપૂર્વક ભૂલાવી દે છે.
એકવાર ફેસબૂકે
એવી પણ દલીલ કરી હતી કે, ચૂંટણીની વાત કરીએ તો આ પ્લેટફોર્મ
ઉપર ફેક કન્ટેન્ટનો હિસ્સો ખૂબ ઓછો છે અને તેના કારણે મતદારો પ્રભાવિત ના થઈ શકે. મતદાર
તો વ્યક્ગિત ગમા-અણગમા અને અનુભવના આધારે જ કોને મત આપવો એ નક્કી કરતો હોય છે. જોકે, ફેસબૂકની આ દલીલ ફક્ત અંશતઃ સાચી છે. ભલે કન્ટેન્ટ ઓછું હોય પણ ચૂંટણી
વખતે ફેક ન્યૂઝનો એકધારો મારો ચાલતો હોય ત્યારે મતદારો પ્રભાવિત થઈ શકે છે. સાક્ષરતાનો
ઊંચો દર ધરાવતા અમેરિકા અને બીજા યુરોપિયન દેશોને પણ ફેસબૂકના ફેક ન્યૂઝની ચિંતા હોય
તો ભારત જેવા દેશ માટે આ ફિકર કરવી જ પડે. એક સમયે ચૂંટણી પ્રચારનો અર્થ જાહેર સભાઓ,
રેલીઓ, ગલીએ-ગલીએ નાનકડી સભાઓને સંબોધન કરવું અને કાર્યકરો સાથે ખુલ્લી ટ્રક કે કારમાં
બેસીને પોતાને મત આપવાની અપીલ કરવી એવો થતો હતો. હવે એવું નથી. લોકસભાની તો ઠીક, કોર્પોરેશનોની ચૂંટણી પણ ગલીઓની દીવાલો
પરથી ફેસબૂક વૉલ પર આવી ગઈ છે. ભારત જેવા વિકાસશીલ દેશોમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા
વધ્યા પછી રાજકીય પક્ષો પણ ચૂંટણી પ્રચાર માટે પણ સોશિયલ
મીડિયા કે સાયબર આર્મી રાખે છે, રાખવું પડે છે.
ફ્રાંસની ચૂંટણી
વખતે અમેરિકા-ભારત જેવા દેશોના અનુભવ પરથી ફ્રેંચ સરકારે પણ ફેસબૂકના ફેક ન્યૂઝને ઓળખવા
દસ સૂચન કર્યા હતા. ફ્રેંચ સરકારે તટસ્થ મતદાન થાય એ માટે સોશિયલ મીડિયામાં આવતી માહિતીને
ક્રોસ ચેક કરવાની પ્રજાને પણ અપીલ કરી હતી. કદાચ આ પ્રકારના પગલાંથી ફ્રાંસની ચૂંટણીમાં
જમણેરી (કે જૂનવાણી?) વિચારો ધરાવતા નેતાઓ બહુ ફાવ્યા ન હતા. એવી જ રીતે, જર્મનીમાં
પણ રૂઢિચુસ્ત વિચારો ધરાવતા પક્ષોએ ૮૦ ટકા ચૂંટણી પ્રચાર
કરવા ફેસબૂક પર જ કર્યો હતો, જ્યારે વીસ ટકામાં બીજા બધા જ માધ્યમો હતા.
આ વિવાદો પછી ફેસબૂકે બ્રિટનની ફૂલ ફેક્ટ અને બીજી એક આંતરરાષ્ટ્રીય સંસ્થા ફર્સ્ટ
ડ્રાફ્ટ સાથે મળીને સાચી માહિતીને ઓળખી કાઢવા માટે પ્રયાસ શરૂ કર્યા છે. અત્યાર
સુધી ફેસબૂક ફિચર્ડ (સ્પોન્સર્ડ) આર્ટિકલ્સમાં આપેલી માહિતીની ખરાઈ કરતું ન હતું, પરંતુ
હવે કરે છે. આ પ્રકારના આર્ટિકલ્સ પણ ત્રણેક તબક્કામાંથી પસાર
થયા પછી જ ફેસબૂક પર પ્રકાશિત કરાય છે. જોકે, આ પ્રકારની ચકાસણી ફક્ત અંગ્રેજી ભાષામાં
લખાયેલી માહિતીની જ થાય છે.
ફેસબૂકે એવો પણ
નિયમ બનાવ્યો છે કે, જે ફેસબૂક એકાઉન્ટ સતત ખોટી માહિતી ફેલાવતું હશે તેમાં જાહેરાતો
મૂકવાની મંજૂરી નહીં અપાય. ફેસબૂક માનતું હતું કે, જાહેરાતો નહીં મળે એટલે ખોટી માહિતી પણ અપલોડ થતી ઓછી થઈ જશે, પરંતુ રાજકીય પક્ષોને
અથવા જેમને ખોટી માહિતી કોઈ પણ ભોગે ફેલાવવી છે તેમને તો કમાણીની જરૂર જ નથી. તેઓ માટે ચૂંટણીમાં મહત્તમ બેઠકો જીતવી એ જ સૌથી
મોટી કમાણી છે. રાજકીય પક્ષો તો એક પેજ બંધ કરાય તો બીજું શરૂ કરશે અને ફેસબૂક
કોઈને પેજ બનાવતું રોકી શકે એમ નથી. એકવાર તો ઝકરબર્ગે જાહેરમાં જ કબૂલ્યું હતું કે,
'ફેક ન્યૂઝને કાબુમાં લેવાનો અમારી પાસે કોઈ ઉપાય નથી.'
હવે સવાલ એ છે કે, ફેક ન્યૂઝ માટે ફેસબૂકને જ કેમ નિશાન બનાવાય છે? આ સવાલનો સીધોસાદો
જવાબ એ છે કે, ફેસબૂક પર જ સૌથી વધારે ફેક ન્યૂઝ આવે છે. ફેસબૂક યુઝર એકસાથે પાંચ હજાર
ફેસબૂક યુઝર સાથે ફ્રેન્ડશિપ કરી શકે છે એ તેનું સૌથી સબળું પાસું છે અને એટલે ફેક
ન્યૂઝની બાબતમાં સૌથી ખતરનાક પાસું પણ એ જ છે. વળી, આ પાંચ હજાર લોકો તમામ ફેસબૂક પોસ્ટ
રિ-શેર કરી શકે છે. એટલું જ નહીં, મોબાઈલ એપના કારણે યુઝર્સ ફેસબૂકની માહિતીને કોપી-પેસ્ટ
કરીને વૉટ્સએપમાં પણ સહેલાઈથી વહેતી કરે છે. ફેક ન્યૂઝ રોકવા કામ કરતા નિષ્ણાતોનો દાવો
છે કે, ફેસબૂક ફેક ન્યૂઝ પર કાબૂ રાખી શકે છે, પરંતુ એમ કરવામાં ફેસબૂકના 'ધંધા' પર
અસર પડી શકે એમ છે. ફેસબૂક જાણી જોઈને ફેક ન્યૂઝને સંપૂર્ણપણે બંધ કરવા નથી ઈચ્છતું.
જો ફેસબૂક દ્વારા બહુ આકરા પગલાં ભરવામાં આવે તો કદાચ કરોડો યુઝર્સ ગુમાવવા પડે, યુઝર્સ
ઘટે તો ટ્રાફિક ઘટે અને ટ્રાફિક ઘટે તો એડવર્ટાઝિંગની આવક પણ ઘટે. એટલે જ તો આટલા સમયથી
વિવાદ થતાં હોવા છતાં ઝકરબર્ગના પેટનું પાણીય નથી હલતું. અમુક
અહેવાલો પછી તો એવી પણ છાપ ઉપસી છે કે, ઝકરબર્ગ હોમ કન્ટ્રી અમેરિકાને પણ ગાંઠતા
નથી.
જેમ કે, અમેરિકન પ્રમુખની ચૂંટણીમાં હિલેરી ક્લિન્ટનને મ્હાત
આપવા ટ્રમ્પની ટીમે ફેસબૂકનો આક્રમક ઉપયોગ કર્યો હતો. અમેરિકન મીડિયાએ તો ડોનાલ્ડ ટ્રમ્પના
વિજય પછી કેટલાક અહેવાલો ટાંકીને એવો પણ દાવો કર્યો હતો કે, ટ્રમ્પની તરફેણમાં અમેરિકન
મતદારોને રીઝવવા અને હિલેરી ક્લિન્ટનને વધુમાં વધુ બદનામ કરવા રશિયન પ્રમુખ પુતિને પણ સક્રિય ભાગ ભજવ્યો હતો. આ પ્રકારના સમાચારો ફેલાવવા
ટ્રમ્પ અને પુતિને ફેસબૂકનો પણ મોટા પાયે ઉપયોગ
કર્યો હતો. અમેરિકન લોકશાહી માટે એ આઘાતજનક સમાચાર
હતા. આટલું ઓછું હોય તેમ એવું પણ બહાર આવ્યું કે, અમેરિકન પ્રમુખપદની ચૂંટણી વખતે એક
રશિયન કંપનીએ અસંખ્ય જાહેરાતો આપી હતી અને એ બધી જ ફેક ફેસબૂક એકાઉન્ટ સાથે જોડાયેલી
હતી. આ જાહેરાતોએ અમેરિકન મતદારોનું માનસ પ્રભાવિત કર્યું હતું. આ આક્ષેપો પછી ફેસબૂકે અમેરિકન ચૂંટણી વખતે રશિયન કંપનીએ આપેલી ઓનલાઈન જાહેરખબરોની
વિગતોનો સંપૂર્ણ અહેવાલ અમેરિકન કોંગ્રેસને સોંપવો પડ્યો
હતો, પરંતુ એ દિશામાં રહસ્યમય રીતે ઢીલી તપાસ થઈ રહી છે. રશિયા સાથે મળીને કરાયેલા આ કથિત કૌભાંડની તપાસ કરવાની અમેરિકામાં હજુયે માંગ થઈ
રહી છે.
વેલ, ચૂંટણીઓમાં ફેસબૂક પર ફેલાવાતા ફેક ન્યૂઝ મુદ્દે ઝકરબર્ગ અનેક નિવેદનો કરી ચૂક્યા છે અને જાહેરમાં
માફી પણ માગી ચૂક્યા છે. રાજકીય જાહેરખબરોમાં વધુ પારદર્શકતા લાવવા ઝકરબર્ગે નવી ફેસબૂક પોલિસી પણ જાહેર કરી છે, પરંતુ ફેક
ન્યૂઝ રોકવા માટે ફેસબૂકે કદાચ બહુ મોટી આવક ગુમાવવી પડે એમ છે. એ માટે ઝકરબર્ગ કોઈ
કાળે તૈયાર ના થાય. તો ફેક ન્યૂઝની
અસર ઓછી કરવાનો ઉપાય શું?
ફેસબૂક જ ને. બીજું શું?
નોંધઃ આ રેફરન્સ ધરાવતા બીજા લેખો વાંચવા નીચેના લેબલ્સ પર ક્લિક કરો...
વિશાલ ભાઈ
ReplyDeleteતમે તો પત્રકાર છો. આ કથા તમને સારી રીતે ખબર હશે-
'કૂતરો માણસને કરડ્યો.' એ સમાચાર નથી બનતા, પણ માણસ કૂતરાને કરડ્યો - એમ છાપો અને તમારું છાપું ચપોચપ વેચાઈ જશે !
છાપાં હોય ફેબુ હોય કે વોએ હોય--- માણસના મનની આ લાક્ષણિકતાનો સૌ ઉપયોગ કરે જ.