19 June, 2017

પરિવર્તનનો નિયમ ભાષાને પણ લાગુ પડે છે


રિવર્તન સંસારનો નિયમ છે. આ બહુ જાણીતું ક્વૉટ આખી દુનિયાને એકસરખી રીતે લાગુ પડે છે. આપણે ભાષાની વાત કરીએ. દર બે અઠવાડિયે પૃથ્વી પર એક ભાષાનું મૃત્યુ થાય છે. એક ભાષા મરે ત્યારે તેની સાથે આખી એક સંસ્કૃતિ અને જ્ઞાન પણ નાશ પામે છે. પ્રો. ગણેશ દેવીની આગેવાનીમાં કરાયેલા પીપલ્સ લિંગ્વિસ્ટિક્સ સર્વે ઓફ ઈન્ડિયાના આંકડા પ્રમાણે, વૈવિધ્યથી ફાટફાટ થતાં ભારત દેશમાં જ ૭૮૦થી વધારે ભાષાનો જન્મ થયો છે, જેમાંથી છેલ્લા ૫૦ વર્ષમાં ૨૨૦ ભાષા લુપ્ત થઈ ગઈ છે. એટલે કે હજુયે ભારતમાં ૫૬૦ ભાષા જીવંત છે, પરંતુ યુનેસ્કોએ તેમાંની ૧૯૭ને 'લુપ્ત થઈ રહેલી ભાષા'ના ખાનામાં મૂકી છે. રસપ્રદ વાત એ છે કે, આ ૧૯૭ લુપ્ત થઈ રહેલી ભાષા ભારતમાં જ નહીં, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચીન અને નેપાળમાં પણ બોલાય છે. જોકે, ભાષાઓ ઝડપથી લુપ્ત થઈ રહી હોય તો પણ આપણે ચિંતા કરવાની નહીં, નક્કર કામ કરવાની જરૂર છે.

જો આપણે ખરેખર ભાષાના વારસાનું જતન કરવા માગતા હોઇએ તો જૂનીપુરાણી અને લુપ્ત થઈ રહેલી ભાષાઓનું ટેક્નોલોજીની મદદથી સંવર્ધન કરવું જોઈએ. ભારતમાં ફક્ત ભાષાને વરેલું આંતરરાષ્ટ્રીય કક્ષાનું ભવ્યાતિભવ્ય મ્યુઝિયમ કેમ ઊભું ના કરી શકાય? ભારતની અનેક ભાષાઓ પાસે લોકસાહિત્ય, ગીતસંગીત, વાર્તાઓ, ચિત્રકામ, તહેવારો, ધાર્મિક ક્રિયાકાંડો તેમજ નૃત્ય, નાટક જેવી ભજવણી કરી શકાય એવી કળાનો ખજાનો છે. આ પ્રકારના મ્યુઝિયમોમાં આ બધી જ કળાકારીગરી ઓડિયો વિઝ્યુઅલ સ્વરૂપે સાચવી શકાય. એ ભાષા બોલતા લોકોની વીડિયોગ્રાફી કરીને સાચા ઉચ્ચારોની પણ જાળવણી કરી શકાય. આ બધી જ માહિતી વિદેશીઓ અને ભારતીયોને પોતપોતાની ભાષામાં મળી શકે એવી વ્યવસ્થા કરી શકાય. ભાષા ખુદ એક ઈતિહાસ છે, સંસ્કૃતિ છે અને જ્ઞાન છે. એટલે જ કહેવાય છે કે, ભાષાનું મૃત્યુ થાય છે ત્યારે તેની સાથે ઘણું બધું મૃત્યુ પામે છે. લુપ્ત થઈ રહેલી ભાષાઓની ચિંતા ઈતિહાસના સંદર્ભમાં થવી જોઈએ, પરંતુ ઈતિહાસને લઈને આપણે ઘોર બેદરકાર છીએ.



જે ભાષાઓમાંથી રોજીરોટી અને આધુનિક જ્ઞાન ના મળતું હોય એ ભાષા લોકો શીખે અને બોલે એવી અપેક્ષા  રાખવી અયોગ્ય છે, પરંતુ જે ભાષાનું સ્થાન લોકજીભે ના હોય તેને કમસેકમ મ્યુઝિયમમાં સ્થાન આપવું જોઈએ! જો એ ભાષા મ્યુઝિયમમાં પણ નહીં હોય તો આવનારી પેઢીઓ એ ઐતિહાસિક તથ્યોથી પણ અજાણ રહી જશે. યુનેસ્કોએ બનાવેલી ૧૯૭ ભાષાની યાદીમાં ફક્ત બે જ ભાષા એવી છે, જેને ભારતમાં સત્તાવાર દરજ્જો મળ્યો છે. પહેલી છે બોડો અને બીજી મૈથેઈ. બોડો ભાષા ઉત્તર પૂર્વીય ભારત, તિબેટ, નેપાળ અને બાંગ્લાદેશમાં બોલાય છે, જ્યારે મૈથેઈ મણિપુર, આસામ, ત્રુપિરા સહિત બાંગ્લાદેશ અને બર્મામાં પણ બોલાય છે. આ ૧૯૭ ભાષામાંથી અનેક ભાષાઓ તો એવી છે, જેની કોઈ લિપિ જ નથી. એટલે કે, એ ભાષાઓ ફક્ત બોલી શકાય છે, લખી નથી શકાતી.

ભારત સરકારે ૧૯૬૪માં ભારતીય ભાષાઓનું સંશોધન અને દસ્તાવેજીકરણ કરવા મૈસૂરમાં સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયન લેન્ગ્વેજીસની સ્થાપના કરી હતી. આ સંસ્થાની મદદથી ૨૦૧૪માં સરકારે લુપ્ત થઈ રહેલી ભાષાઓનું સંવર્ધન કરવા અભિયાન શરૂ કર્યું, જે 'પ્રોટેક્શન એન્ડ પ્રિઝર્વેશન ઓફ એન્ડેન્જર્ડ લેન્ગ્વેજીસ ઓફ ઈન્ડિયા' નામે જાણીતું છે. આ અભિયાન હેઠળ સરકારે દસ હજારથી ઓછા લોકો બોલતા હોય એવી ભાષાઓનું દસ્તાવેજીકરણ શરૂ કર્યું હતું, પરંતુ આ અભિયાન 'એક સારો સરકારી પ્રયાસ' બનીને રહી ગયું છે. દેશની કુલ ભાષાઓમાં લુપ્ત થઈ રહેલી ભાષાઓ ૯૬ ટકા છે. આ પ્રકારની ભાષાઓ મોટા ભાગે ખૂબ જ નાના સમાજ દ્વારા બોલાતી હોય છે. એટલે એ ભાષા જાણતી અને બોલતી છેલ્લી વ્યક્તિનું મૃત્યુ થાય એ સાથે જ એ ભાષાનું પણ મૃત્યુ થાય છે, પરંતુ જે ભાષા વધુ લોકો બોલે છે, જે ભાષામાં પ્રચુર જ્ઞાન છે અને જે ભાષા પરિવર્તન યુગમાંથી હેમખેમ પસાર થતી રહે છે, તે ભાષા જીવી જાય છે. જોકે, ઓછા લોકો દ્વારા બોલાતી ભાષાનું મૃત્યુ થાય તો પણ દુઃખી થવાની જરૂર નથી, રૂર છે એ વારસાનું જતન કરવાની. ભાષા પણ અમર નથી, તેનું પણ મૃત્યુ થાય છે. આ વાત જરા ઊંડાણપૂર્વક સમજીએ.

જેમ કે, ૧૯મી સદીના અંત સુધી બ્રિટન જેવા અનેક દેશોમાં વિક્ટોરિયન અંગ્રેજીનો યુગ હતો. આજે એ અંગ્રેજી સમજનારા કેટલા? અંગ્રેજી સાહિત્યના અઠંગ જાણકારો સિવાય એ જૂનીપુરાણી અંગ્રેજી કોઈ સમજતું નથી. શેક્સપિયરનું સાહિત્ય વિક્ટોરિયન અંગ્રેજીમાં છે. શેક્સપિયરના અંગ્રેજીમાં લેટિન અને ગ્રીક શબ્દોની ભરમાર હતી, પરંતુ શેક્સપિયર હજુયે જીવે છે કારણ કે, બંદે મે થા દમ. આજેય શેક્સપિયરનું સાહિત્ય દુનિયાભરની ભાષામાં જુદા જુદા સ્વરૂપે લોકો સમક્ષ રજૂ થતું રહે છે. પછી એ નાટક હોય કે ફિલ્મો, અખબાર કે સામાયિકમાં છપાતો લેખ હોય કે પછી પાઠ્યપુસ્તકમાં સમાવાયેલું પ્રકરણ. દુનિયાભરની યુનિવર્સિટીઓમાં અંગ્રેજી સાહિત્યના કોર્સમાં શેક્સપિયર ભણાવાય છે. ટૂંકમાં વિક્ટોરિયન અંગ્રેજી અને શેક્સપિયરનું સાહિત્ય બંને જીવંત છે, પણ તેના સ્વરૂપો બદલાઈ ગયા છે. ગુજરાતી, મરાઠી કે બંગાળીને પણ આ જ નિયમ લાગુ પડે છે. દલપતરામ, ન્હાનાલાલ કે ગોવર્ધનરામની ગુજરાતી અને આજની ગુજરાતીમાં ઘણો ફર્ક છે, પણ ગુજરાતી તો જીવે જ છે કારણ કે, લાખો લોકો દ્વારા બોલાતી ગુજરાતીએ પણ પરિવર્તનનો એક યુગ પચાવી જાણ્યો છે.



ભારતની ૨૨ સત્તાવાર ભાષામાંથી અનેક શબ્દો અને રૂઢિપ્રયોગો લુપ્ત થઈ રહ્યા છે. આજ મુશ્કેલી અંગ્રેજી, ફ્રેન્ચ અને મેન્ડેરિનની પણ છે જ. દરેક ભાષાના દરેક શબ્દો હંમેશા જીવંત રહે એ શક્ય જ નથી. આપણે વારસો સમજીને એનું જતન જરૂર કરી શકીએ પણ જૂનાપુરાણા શબ્દોનો ઉપયોગ કરવાનો દુરાગ્રહ ના રાખી શકીએ. ફ્રાંસ સરકારે લુપ્ત થઈ રહેલા શબ્દોને શોધવા એક સમિતિ બનાવી છે. અંગ્રેજી અને ફ્રેંચ જેવી ભાષાઓમાં જૂના શબ્દોને મુખ્યધારાના માધ્યમોમાં સ્થાન મળે છે એટલે બીજી ભાષાઓની સરખામણીમાં એવા શબ્દો થોડું વધારે ટકે છે. જૂના શબ્દો જીવંત રાખવાનો આ એક ક્રિએટિવ આઈડિયા છે, પણ આધુનિક ભાષામાં બધા જ શબ્દો સમાવી લેવા અશક્ય છે. ઉદાહરણ તરીકે, બે-ચાર સદી પહેલાં ભારતમાં ખેતીવાડીને લગતા જાતભાતના શબ્દો હતા, જે આજે નથી વપરાતા અને એના અર્થો પણ શહેરી લોકોને ના સમજાય. કારણ કે, શહેરી લોકો ખેતી નથી કરતા અને ગામડામાં પણ ખેતી આધુનિક થઈ ગઈ છે. બે-ચાર સદી પહેલાં ટ્રેક્ટર કે દવા (પેસ્ટિસાઇડ્સ) જેવા શબ્દોની બોલબાલા ન હતી, પણ આજે છે. કોઈ પણ સમાજ-સંસ્કૃતિની રહેણીકરણી અને જીવન પદ્ધતિ બદલાય તેમ તેમ ભાષા પણ બદલાય છે.

આ જ કારણસર લાખો-કરોડો લોકો દ્વારા બોલાતી ભાષા પણ બદલાઈ જાય છે. એટલે જ બહુ ઓછા લોકો દ્વારા બોલાતી ભાષા લુપ્ત થઈ જાય એમાં નવાઈ ના લાગવી જોઈએ. બીજું એક ઉદાહરણ જોઈએ. આજથી પચાસ વર્ષ પહેલાં કોઈ પણ ભાષામાં મોબાઈલ, સ્માર્ટફોન, કમ્પ્યુટર કે ટેબલેટ જેવા શબ્દો રૂઢ ન હતા, પરંતુ અત્યારે વિશ્વની બધી જ સત્તાવાર ભાષામાં આ શબ્દો છે. કેટલીક ભાષામાં આ શબ્દોના અનુવાદ કરવાના નિરર્થક પ્રયાસ પણ થયા છે પણ એ લોકવાણીમાં ટકી નથી શક્યા. કમ્પ્યુટરને 'ગણકયંત્ર' કહેવાથી ભાષાની સેવા નહીં, કુસેવા થાય છે. ભાષાશુદ્ધિનો જડ આગ્રહ નક્કામો છે. ભાષા એટલે જ વિવિધ સંસ્કૃતિઓમાંથી પેદા થયેલા શબ્દોનો શંભુમેળો. જે ભાષા બીજી ભાષાના શબ્દો અપનાવે, એટલી એ ભાષા વધારે સમૃદ્ધ. ગુજરાતીએ પણ ફારસી, અરબી અને અંગ્રેજી ભાષાના અનેક શબ્દો ખુલ્લા દિલે અપનાવી લીધા છે અને એટલે જ ગુજરાતી પરિવર્તનો સામે ઝીંક ઝીલી શકી છે. એકાદ વર્ષ પહેલાં આ જ કોલમમાં ગુજરાતી ભાષામાં ફારસી, અરબી શબ્દો કેવી રીતે આવ્યા એ વિશે લખ્યું હતું. સાર્થ જોડણીકોષ અને ભગવદ્ગોમંડળમાં પણ ગુજરાતીમાં રૂઢ થઈ ગયેલા અંગ્રેજી શબ્દો વાંચવા મળે જ છે. જોકે, એનો અર્થ એ પણ નથી કે, ગુજરાતી લખતી વખતે અંગ્રેજી કે હિન્દી કે ઉર્દૂ શબ્દોનો બેફામ ઉપયોગ કરવો. ગુજરાતીમાં લખતી વખતે 'પણ' ના બદલે 'બટ' શબ્દ વાપરવાથી ભાષા સમૃદ્ધ ના થાય. કોઈ પણ ભાષામાં લખતી વખતે બીજી ભાષાના શબ્દોનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો એ પણ એક કળા છે. દરેક ભાષામાં બીજી ભાષાના શબ્દો સાંસ્કૃતિક આદાનપ્રદાનથી સામેલ થતા જ હોય છે, એ માટે આપણે વિકૃત પ્રયાસ નથી કરવાના.




આ વર્ષના અંત સુધીમાં ભારતમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારાની સંખ્યા ૪૫ કરોડની આસપાસ પહોંચી જશે. એનો અર્થ એ પણ છે કે, આગામી વર્ષોમાં ભારતની દરેક ભાષામાં ઈન્ટરનેટ યુગના ટેકનિકલ શબ્દો સામાન્ય થઈ ગયા હશે! બીજી તરફ, આજેય ભારતમાં માંડ ૩૦ ટકા લોકો સારી રીતે અંગ્રેજી સમજી શકે છે. આ ૩૦ ટકામાંથી પોણા ભાગના લોકો એવા છે, જેમને ફેસબુકથી લઈને ટ્વિટર બધું જ માતૃભાષામાં જોઈએ છે. માતૃભાષા માટે લોકોની ચાહત બાય ડિફોલ્ટ હોય છે કારણ કે, એ બાળકના ઉછેર સાથે સંકળાયેલી બાબત છે. એટલે જ ઈન્ટરનેટની દુનિયામાં માતૃભાષા એક બિઝનેસ છે. દરેકને પોતાની ભાષામાં માહિતી જોઈએ છે. ગુજરાતી સહિતની અનેક ભારતીય ભાષાઓમાં પ્રાથમિક શિક્ષણની વાત આવે ત્યારે લોકો આવો આગ્રહ કેમ નહીં રાખતા હોય?- એ સંશોધનનો વિષય છે. માતૃભાષામાં ટેકનિકલ જ્ઞા મળશે એટલે દરેક ભાષામાં નવા શબ્દો આવશે! તેને ભાષા દુષિત થઈ એમ ન કહી શકાય.

આપણને ભાષા દુષિત થઈ જશે એની આટલી બધી ચિંતા કેમ છે એ પણ સમજવા જેવું છે. ૨૧મી સદીના ભારતમાં પણ આંતરજ્ઞાતીય કે આંતરધર્મીય લગ્નોનો બાધ છે અને આંતરદેશીય લગ્નો તો બહુ દૂરની વાત છે. આજેય દેશના અનેક રાજ્યોમાં ઓનર કિલિંગ થાય છે. હકીકતમાં જુદા જુદા ધર્મ-જાતિ-સમાજ-સંસ્કૃતિના લોકો એકબીજાને વધુ સારી રીતે સમજી શકે એ માટે આંતરજ્ઞાતીય, આંતરધર્મીય અને આંતરદેશીય લગ્નોને પ્રોત્સાહન આપવું એ સૌથી ઉત્તમ ઉપાય છે. વિઝનરી સરકારોએ તો આવા લોકોને 'સરકારી લાભ' આપવા જોઈએ, પરંતુ નાત-જાતના રાજકારણ પર ઊભી થયેલી લોકશાહી પાસેથી આવી અપેક્ષા રાખવી વધારે પડતી છે. આપણે જે તે પ્રજાનું લોહી શુદ્ધ રહેવું જોઈએ એવો અવૈજ્ઞાનિક વિચાર ધરાવતા લોકો છીએ. આ જ નિયમ આપણે ભાષામાં પણ ઠોકી બેસાડવા માગીએ છીએ. આપણે ભાષાને પણ આપણા જેવું ખાબોચિયું બનાવી દેવા માગીએ છીએ.

ભાષા તો વહેતી નદી છે, જે વહેશે તો જીવશે, નહીં તો મોત નક્કી છે.

3 comments: