આમશોટ્ટો દૂધેય ફેલી
તાહાતેય કોડોલી ડોલી
તાહાતેય કોડોલી ડોલી
શોંદેશ માખિયા દિયા તાહેય
હાપૂશ-હુપુશ શોબ્દો
હાપૂશ-હુપુશ શોબ્દો
ચરીદિક નિસ્તોબ્ધો
પીપરા કન્ડિયા જાયે પાતે...
પીપરા કન્ડિયા જાયે પાતે...
ના,
અહીં ગુજરાતી ફોન્ટમાં ગરબડ નથી થઈ ગઈ. તમે બરાબર જ વાંચી રહ્યા છો.
રવીન્દ્રનાથ ટાગોરે બંગાળીમાં લખેલા આ કાવ્યમાં
તેમના ભોજનપ્રેમની પ્રતીતી થાય છે. કવિવર કહેવા માગે છે કે, સુંવાળા
સુંવાળા આમ પાપડ (કેરીનો રસ તડકે સૂકવીને બનાવેલા પાપડ) દૂધમાં નાંખો, થોડા પોચા પોચા કેળા પણ એમાં ઝબોળો અને પછી થોડું સોંદેશ (બંગાળી મીઠાઈ) પણ
લઈ લો. એ પછીની નીરવ શાંતિમાં જઠરાગ્નિ ઠરી રહ્યો હોય એવો હાપૂશ-હુપુશ (એક પ્રકારનો
અવાજ) અવાજ સંભળાશે. અરે, કીડીઓ પણ ખાલી વાસણો જોઈને તેમના માળામાં
પાછી ફરશે અને આંસુડા સારશે.
'નિમંત્રણ'
નામના અન્ય એક કાવ્યમાં પણ ટાગોરનો કેરી પ્રેમ છતો થાય છે. એ કાવ્યમાં
ગુરુદેવ કહે છે કે, બીજું કશું ના હોય તો વાંસની ટોપલીમાં ગુલાબી
ઝાંયવાળી થોડી કેરીઓ રેશમના રૂપેરી રૂમાલમાં લપેટીને લાવજો... આ કાવ્યોમાં ટાગોરના
ભોજનપ્રેમની માત્ર નાનકડી ઝલક મળે છે. આજે બહુ ઓછા લોકો જાણે છે કે,
ટાગોરે જીવનના ઉત્તરાર્ધના આશરે ચાળીસ વર્ષ સુધી જુદી જુદી વાનગીઓ બનાવવાના
પ્રયોગો કર્યા હતા. રસપ્રદ વાત એ છે કે, બાળવયે જ લખવાનું શરૂ
કરનારા ટાગોરે પહેલું કાવ્ય ભોજન વિશે જ લખ્યું
હતું. સાહિત્ય અને સંગીતની જેમ તેઓ સ્વાદ-સુગંધના પણ જાણતલ અને માણતલ હતા. આજકાલ તો
લોકો પોતાનાથી અલગ પ્રકારનો ખોરાક ખાનારા પ્રત્યે પણ સહિષ્ણુ નથી રહી શકતા,
ત્યારે ટાગોર જેવા મહામેઘાવી વિશ્વમાનવના ‘સેક્યુલર’ ભોજન પ્રેમને ખાસ યાદ કરવો જોઈએ.
રવીન્દ્રનાથ ટાગોર |
ટાગોર ૧૯૦૧માં ૪૦ વર્ષની
વયે (આયુષ્ય કુલ ૮૦ વર્ષ) તેમના પિતાની માલિકીની શાંતિનિકેતન એસ્ટેટમાં રહેવા જતા રહ્યા હતા. આ એસ્ટેટને તેમણે આશ્રમમાં પરિવર્તિત કરી દીધી હતી. આ આશ્રમ સ્થાપતા પહેલાં ટાગોરે અગાધ વાંચન અને પ્રવાસ કરીને અન્ય ધર્મો, સમાજ, ગીતસંગીત, કળા-સંસ્કૃતિ અને ભોજનની આદતોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેઓ ખરા અર્થમાં વિશ્વ માનવ બની ચૂક્યા હતા. કદાચ એટલે જ ટાગોરને હોમ સિકનેસ જેવું કશું ન હતું.
તેઓ નાનપણથી એક ઘરમાં લાંબો સમય સુધી રહ્યા ન હતા, કદાચ રહી શકતા
જ ન હતા. શાંતિનિકેતનમાં પણ ટાગોરે અનેક ઘર અને કોટડીઓ બનાવી હતી. એ તમામ કોટડીમાં તેઓ વારાફરથી
રહેવા જતા. આશ્ચર્યની વાત એ છે કે, ભોજનની બાબતમાં પણ ટાગોરે સતત આવા પ્રયોગો કર્યા હતા.
એક સમયે ટાગોરે શાંતિનિકેતનમાં
ફક્ત ઉકાળેલા ભાત અને માટીના વાસણમાં બાફેલા શાકભાજી ખાવાનું શરૂ કર્યું હતું,
જેથી બીજા લોકોએ પણ પરાણે એ પ્રયોગ કરવો પડતો. મહારાષ્ટ્રના સેવાગ્રામ
આશ્રમથી શાંતિનિકેતનમાં મહેમાન બનેલા કેટલાક
સભ્યોએ ટાગોરને કહ્યું કે, લસણ પાચન માટે ખૂબ જ સારું છે. તો
ગુરુદેવે સવાર-સાંજના ભોજન સાથે લસણની પેસ્ટ નાંખીને બનાવેલા ભજિયા ખાવાનું શરૂ કરી
દીધું હતું. જીવનના એક તબક્કે ટાગોરને લાગ્યું કે, સૌથી ઉત્તમ
આહાર તો બાફેલા શાકભાજી જ છે. વળી, બંગાળીઓ ૧૫ જાતની જુદી જુદી
વાનગી બનાવવા ઘણો બધો સમય બગાડે છે. એ રીતે પણ બાફેલું ખાઈ લેવું ઉત્તમ છે. આવો વિચાર
કરીને ટાગોર મહિનાઓ સુધી બાફેલા બટાકા, દૂધી, કોળું અને કારેલા પર લીંબુ નીચોવીને ખાઈ લેતા હતા.
ટાગોર વારંવાર રહેવાનું સ્થળ બદલતા તેનાથી પરિવારના બીજા સભ્યોને ખાસ તકલીફ નહોતી, પરંતુ તેમના જાતભાતની વાનગીઓ બનાવવાના પ્રયોગોથી શાંતિનિકેતનના બીજા સભ્યો રીતસર ચિંતિત રહેતા. થોડી રમૂજી બાબત એ પણ છે કે, ગુરુદેવ ખૂબ જ ઓછું ભોજન લેતા અને ચિત્રવિચિત્ર વાનગીઓ બનાવવાના પ્રયોગો કરાવીને બીજાને ખવડાવતા. આ ઉપરાંત તેઓ રસોઈ બનાવવાથી માંડીને વિવિધ વાનગીઓની ડાઇનિંગ ટેબલ પરની સજાવટનું એક કલાકાર જેવી બારીક દૃષ્ટિથી ધ્યાન રાખતા. તેઓ બધી જ વાનગીઓ આરસપહાણના સુંદર થાળી-વાટકામાં તૈયાર કરાવતા અને પછી જ ચીવટપૂર્વક પીરસવાનું શરૂ થતું. ગુરુદેવ ભોજન લેવામાં ઓછો રસ લેતા, પરંતુ રસોઈ બનવાથી માંડીને પીરસાય ત્યાં સુધીની બધી જ બાબતોની જાત-તપાસ કરતા.
ટાગોરે શાંતિનિકેતનમાં બનાવેલું (ક્લોકવાઈઝ) મૂળ ઘર ઉત્તરાયણ, પીળા રંગની દ્વિજ વિરામ કુટિર, ચીકણી માટીમાંથી બનાવેલી કુટિર શ્યામલી, સફેદ રંગનું ઘર ઉદયન અને વૃક્ષોની છાયામાં ઊભેલું પુનાસ્યા |
ટાગોર વારંવાર રહેવાનું સ્થળ બદલતા તેનાથી પરિવારના બીજા સભ્યોને ખાસ તકલીફ નહોતી, પરંતુ તેમના જાતભાતની વાનગીઓ બનાવવાના પ્રયોગોથી શાંતિનિકેતનના બીજા સભ્યો રીતસર ચિંતિત રહેતા. થોડી રમૂજી બાબત એ પણ છે કે, ગુરુદેવ ખૂબ જ ઓછું ભોજન લેતા અને ચિત્રવિચિત્ર વાનગીઓ બનાવવાના પ્રયોગો કરાવીને બીજાને ખવડાવતા. આ ઉપરાંત તેઓ રસોઈ બનાવવાથી માંડીને વિવિધ વાનગીઓની ડાઇનિંગ ટેબલ પરની સજાવટનું એક કલાકાર જેવી બારીક દૃષ્ટિથી ધ્યાન રાખતા. તેઓ બધી જ વાનગીઓ આરસપહાણના સુંદર થાળી-વાટકામાં તૈયાર કરાવતા અને પછી જ ચીવટપૂર્વક પીરસવાનું શરૂ થતું. ગુરુદેવ ભોજન લેવામાં ઓછો રસ લેતા, પરંતુ રસોઈ બનવાથી માંડીને પીરસાય ત્યાં સુધીની બધી જ બાબતોની જાત-તપાસ કરતા.
એકવાર ટાગોર એવું જાણી લાવ્યા કે, લીમડાના પાંદડાનો ગાળ્યા વિનાનો જ્યૂસ અને એરંડાના તેલમાં તળેલા પરાઠા શરીર, મગજ અને આત્મા માટે ઉત્તમ છે. થોડા દિવસ તેમણે આ પ્રયોગ પણ કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, ટાગોર પરિવારની સ્ત્રીઓ પણ ગુરુદેવમાં ઊંડો વિશ્વાસ રાખી તેમના વાનગી પ્રયોગોમાં સાથ આપતી. ટાગોરના પત્ની મૃણાલિની દેવીના હસ્તે જેકફ્રૂટ યોગર્ટ કરી, દહીં માલપુઆ, સુરણની જલેબી, ફૂલગોબી સોંદેશ, પરવર-જિંઘાનું રાયતું તેમજ મસ્ટર્ડ (સરસવ) પેસ્ટમાં રાંધેલા માંસ જેવી એક એકથી ચડિયાતી વાનગીઓ જન્મી હતી. બંગાળમાં દાયકાઓથી દરિયાઈ ખોરાક, સુરણ અને ખાંડથી ભરપૂર મીઠાઈઓ ભરપૂર ખવાય છે, જે તેની ભૂગોળ અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને આભારી છે. શાંતિનિકેતનમાં મૃણાલિની દેવીનું અલાયદું રસોડું પણ હતું. ત્યાં તેઓ જાતભાતના વાનગી પ્રયોગો કરતા અને ટાગોરના તરંગી વિચારોનો પણ અમલ કરતા. એ સમયે સ્ત્રીઓમાં સ્વાદિષ્ટ રસોઈ બનાવવાની આવડત હોય તો એ ખૂબ મોટો ગુણ ગણાતો.
ટાગોરે ૧૮૮૬માં તેમના
જેવા જ ભેજાબાજોની 'ખામ ખેયેલી સભા' એટલે કે 'તરંગી લોકોની ક્લબ' શરૂ
કરી હતી. આ ક્લબના સભ્યોમાં વિજ્ઞાાની જગદીશચંદ્ર બોઝ, દેશબંધુ
ચિત્તરંજન દાસ, સાહિત્યકાર શરદચંદ્ર ચટોપાધ્યાય, શાસ્ત્રીય ગાયક રાધિકાનાથ ગોસ્વામી અને બંગાળી કવિ-સંગીતકાર દ્વિજેન્દ્રલાલ
રે જેવી હસ્તીઓનો સમાવેશ થતો. આ ક્લબની બેઠકમાં ખાણીપીણી સૌથી મહત્ત્વનો હિસ્સો રહેતો.
આ દરમિયાન ભોજનની જવાબદારી મૃણાલિની દેવી સંભાળી લેતા અને બધી જ વાનગીઓ આગવી તહેજીબથી
પીરસાતી. શાંતિનિકેતનના રસોડામાં અમુક શાકભાજીની છાલ અને બિયામાંથી પણ
સ્વાદિષ્ટ વાનગી બનાવવાના પ્રયોગો થયા હોવાનું નોંધાયું છે.
શાંતિનિકેતનમાં આવ્યા પછી ટાગોરે અમેરિકા, યુકે, ઇટાલી, સ્પેન, તૂર્કી, આર્જેન્ટિના તેમજ બાલી, જાવા, મલેશિયા અને સિંગાપોરનો પ્રવાસ કર્યો હતો. ટાગોર ખરા પ્રવાસી હતા તેથી જ્યાં જાય ત્યાંથી રાજકીય, સાહિત્યિક અને ગીત-સંગીતની જેમ ભોજનની પણ ઊંડી જાણકારી લઈને આવતા. જે કોઈ દેશોમાં ટાગોરના માનમાં ભોજન સમારંભો યોજાય ત્યારે તેઓ એક મેન્યૂ કાર્ડ અચૂક સાથે રાખી લેતા. આજેય વિશ્વભારતીની આર્કાઇવ્સમાં એ મેન્યૂ કાર્ડ સચવાયેલા છે. ગુરુદેવે આપેલી માહિતીના આધારે શાંતિનિકેતનમાં પશ્ચિમી વાનગીઓ બનતી અને ફ્યૂઝન વાનગીઓના પણ પ્રયોગો થતાં. ટાગોરે પશ્ચિમી દેશોના કલાત્મક વાસણોનો પણ સંગ્રહ કર્યો હતો, જેમાં તેઓ બંગાળી વાનગીઓનો લુત્ફ ઉઠાવતા.
ટાગોરને વાંસનું શાક પણ ખૂબ જ ભાવતું. વર્ષ ૧૯૧૩માં નોબલ પુરસ્કાર મળ્યા પછી ટાગોરની ખ્યાતિ વિશ્વભરમાં પ્રસરી. એ પછી ઉત્તર-પૂર્વ ભારત અને પૂર્વ બંગાળ (આજનું બાંગ્લાદેશ)ના લોકો ટાગોરને શાંતિનિકેતન મળવા આવે ત્યારે વાંસ (રાંધીને ખાઈ શકાય એવું) લઈને આવતા. આજેય આ પ્રદેશોમાં વાંસનું શાક મોટા પાયે ખવાય છે. બંગાળની પ્રખ્યાત 'ચોરચોરી' પણ ટાગોરની પસંદીદા વાનગી હતી. બટાકા, કોળું, શક્કરિયા અને રીંગણ જેવા શાકભાજીને સરસવના તેલમાં સાંતળીને બનાવાતી આ વાનગીમાં ક્યારેક માછલીનો પણ ઉપયોગ થાય છે. સવાર-સાંજનું ભોજન લેવામાં ટાગોર ટિપિકલ બંગાળી હતા, પરંતુ માંસ-માછલી અને સૂપની બાબતમાં તેઓ પશ્ચિમી હતા. જર્મનીની બોર કેમિકલ કંપનીએ ૧૮૯૮માં સેનેટોજિન નામનું બ્રેઇન ટોનિક બજારમાં મૂક્યું હતું. ગુરુદેવ રોજ રાત્રે એ પીને સૂઈ જતા. બ્રિટીશકાળમાં ટાગોર બોર્નવિટાની પ્રિન્ટ જાહેરખબરમાં દેખાયા હતા.

આ બંને પુસ્તકમાં ટાગોર પરિવારના રસોડાની અંતરંગ માહિતી મળે છે |
આશ્ચર્યની વાત એ છે કે,
જીવનની અંતિમ ક્ષણ સુધી લેખન કરનારા ટાગોરે અમુક કવિતાઓને બાદ કરતા ભોજન
વિશે ખાસ કંઈ લખ્યું નથી. જોકે, ટાગોર પરિવારની સ્ત્રીઓ જાતભાતની
વાનગીઓ અને પ્રયોગોની ડાયરીમાં નોંધ (બંગાળી ભાષામાં) કરતી. એ આદતના કારણે જ આપણને
બંગાળી ભોજનના ઇતિહાસને લગતા ઉત્તમ પુસ્તકો મળી શક્યા છે. આવું જ એક પુસ્તક એટલે 'વિમેન ઓફ ધ ટાગોર હાઉસહોલ્ડ'. આ પુસ્તક ચિત્રા દેબે બંગાળીમાં
જ લખ્યું હતું, જેનો સ્મિતા ચૌધરી અને સોના રોયે અંગ્રેજી અનુવાદ
કર્યો છે. પેગ્વિન ઈન્ડિયાએ ૨૦૧૦માં પ્રકાશિત કરેલા આ પુસ્તકમાં ટાગોર પરિવારની સ્ત્રીઓ
સાથે સંકળાયેલો રોચક ઇતિહાસ આલેખાયો છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૫માં કેમ્બ્રિજ યુનિવર્સિટી
પ્રેસે 'કલિનરી કલ્ચર ઓફ કોલોનિયલ ઇન્ડિયા' નામે પ્રકાશિત કરેલા પુસ્તકમાં પણ ટાગોર પરિવારના રસોડાની માહિતી મળે છે. ટાગોર
પરિવારના રસોડામાં શું બનતું, ટાગોર પરિવારની સ્ત્રીઓએ કઈ કઈ
વાનગીઓની શોધ કરી તેમજ સાંસ્કૃતિક આદાનપ્રદાનમાં ટાગોર પરિવારના અમૂલ્ય પ્રદાન વિશે
જાણકારી મેળવવા માગતા લોકો માટે આ બંને પુસ્તકો તૃપ્તિનો લાંબો ઓડકાર આપે એવા છે.
આશરે ત્રણ સદીનો ઇતિહાસ
ધરાવતા ટાગોર પરિવારે રાજકીય, સામાજિક,
સાહિત્ય, ગીત-સંગીતની જેમ ભારતની આહાર સંસ્કૃતિના
વિકાસમાં પણ જબરદસ્ત પ્રદાન આપ્યું છે એ વાંચતી વખતે અચંબિત થયા વિના રહી શકાતું નથી!
No comments:
Post a Comment