10 May, 2017

ઈન્ડિયા અને ઈન્ટરનેટઃ પિક્ચર અભી બાકી હૈ...


સાન્તા  : મારું ઇન્ટરનેટ કનેક્શન અચાનક સ્લો થઇ ગયું છે, પણ મને સોલ્યુશન મળી ગયું.
બન્તા  : મારું નેટ પણ વારંવાર સ્લો થઈ જાય છે. મને પણ કહે શું છે સોલ્યુશન?
સંતા  : રજનીકાંતનું વૉલપેપર ઇન્સ્ટૉલ કરી લે. 4G સ્પિડ શરૂ થઈ જશે.

***

ઈન્ટરનેટની સ્લો સ્પિડથી કંટાળેલા લોકો સ્પિડ આવે ત્યારે સોશિયલ મીડિયામાં આવા જોક કરે કે પછી મેમે બનાવીને ટેલિકોમ કંપનીઓને ટ્રોલ કરીને થોડી હસીમજાક કરી લે એ સારી વાત છે. જોકે, ડિજિટલ ઇન્ડિયા કેમ્પેઇનનું સપનું જોનારી સરકારે આ વાતને આટલી હળવાશથી ના લેવી જોઈએ. ડિજિટલ ઇન્ડિયા માટે પાયાની જરૂરિયાત જ સ્પિડી, સેફ અને સિક્યોર ઇન્ટરનેટ છે. એ પછી કમ્પ્યુટર લિટરસીનો મુદ્દો આવે છે. સૌથી પહેલાં ઇન્ટરનેટ સ્પિડ ઉપલબ્ધ હશે તો જ નેટિઝનને સિમ્પલ અને સિક્યોર સર્વિસ આપી શકાશે.

આ દિશામાં સરકારે શું વિચાર્યું છે એ વાતનો જવાબ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનના તાજા સર્વેક્ષણમાંથી મળે છે. આ આંકડા પ્રમાણે ગ્રામીણ ભારતમાં ફક્ત ૧૬.૧ ટકા ઘરોમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ પાસે ઇન્ટરનેટ કનેક્શન છે. રસપ્રદ વાત એ છે કે, શહેરોમાં આ આંકડો ૫૦ ટકા એટલે કે અડધોય નથી. ભારતના શહેરી વિસ્તારોમાં ફક્ત ૪૮.૭ ટકા ઘરોમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ પાસે ઇન્ટરનેટ કનેક્શન છે. ગ્રામીણ અને શહેરી ભારતમાં ઇન્ટરનેટ ધરાવતા પરિવારોની સંયુક્ત સરેરાશ ૨૬.૭ ટકા છે. ગ્રામીણ અને શહેરી ભારતમાં ઇન્ટરનેટ ધરાવતા લોકો તેનો ઉપયોગ શું કરે છે અને અર્થતંત્રને તેનો શું લાભ મળે છે એ પણ એટલી જ મહત્ત્વની વાત છે. આપણે ગુજરાતની વાત કરીએ. ગુજરાતમાં સાક્ષરતા દર ૭૯.૯ ટકા છે, જેમાંથી ૨૭.૬ ટકા લોકો પાસે કમ્પ્યુટર એક્સેસ છે, જ્યારે ઇન્ટરનેટ એક્સેસ ફક્ત ૧૦.૩ ટકા લોકો પાસે છે. કમ્પ્યુટર નહીં ધરાવતી વ્યક્તિ સ્માર્ટફોનમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતી હોઇ શકે છે.



ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લોકોમાં વધારો થાય અને  ઇન્ટરનેટ સ્પિડ વધે તો ફાયદો જરૂર થાય પણ અર્થતંત્રમાં તેનો ફાયદો મેળવવો એ જરા જુદી વાત છે. કારણ કે, ઇન્ટરનેટનો લાભ ગામડે ગામડે પહોંચાડવા માટે ઇન્ટરનેટનો ઇનોવેટિવ ઉપયોગ કરવો પણ એટલો જ જરૂરી છે. જેમ કે, ઇન્ટરનેટની મદદથી ખેડૂતોને તેમના ઉત્પાદનોના ટેકાના ભાવની માહિતી મળે, હવામાનની આગોતરી જાણ થાય તેમજ સરકારી યોજનાઓના લાભ તેમના સુધી પહોંચે તો અર્થતંત્રને, સમાજને અને છેવટે દેશને ઇન્ટરનેટ નેટવર્કિંગનો લાભ મળ્યો કહેવાય! ટૂંકમાં પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત.

કહેવાની જરૂર નથી કે, ડિજિટલ ઈન્ડિયા જેવા અતિ મહત્ત્વકાંક્ષી મિશનથી આપણે ઘણાં દૂર છીએ. ભારતની જેની સાથે અચૂક સરખામણી થાય છે, એવા ચીનથી પણ આપણે ઇન્ટનેટ કનેક્વિટી અને સ્પિડના મામલામાં ઘણાં પાછળ છીએ. ઇન્ટરનેટ યુનિવર્સલ કનેક્ટિવિટીની સરેરાશની દૃષ્ટિએ પણ ભારત પછાત છે. છેલ્લાં બે દાયકામાં થયેલી સ્માર્ટફોન ક્રાંતિથી અંજાઇ ગયેલા લોકો એવું માનવા લાગ્યા છે કે, આપણી પાસે ડિજિટલ ઇન્ડિયાનો પાયો તો તૈયાર છે. હવે આગળનું વિચારવાનું છે... આ એક ગેરમાન્યતા છે. આ પ્રકારની વાતો કરનારા લોકો કદાચ દરેક હાથમાં સ્માર્ટફોન જોઈને આવા અભિપ્રાયો બાંધી લેતા હશે! ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રે ભારતની સફળતાની દંતકથાઓ સાંભળીને પણ આવી ગેરમાન્યતા વધારે જોરશોરથી ફેલાઈ છે અને હજુયે ફેલાઈ રહી છે.

આઈટી ક્ષેત્રે ભારત અમેરિકા સહિતના દેશોને ઉત્તમ સર્વિસ આપે છે તેમજ ભારતીય એન્જિનિયરો અમેરિકન કંપનીઓમાં નોકરી કરે છે અને વર્ષેદહાડે કરોડોનું હુંડિયામણ ભારત મોકલે છે એ વાત ખરી, પરંતુ એનું પણ સચોટ વિશ્લેષણ કરવું જરૂરી છે. વૈશ્વિક આઈટી ઈન્ડસ્ટ્રીમાં ભારતના નામના ગમે તેવા સિક્કા પડતા હોય તો પણ કેટલીક મહત્ત્વની બાબતોને અવગણી ના શકાય! આપણે છેલ્લાં ત્રણેક દાયકામાં ઢગલાબંધ એન્જિનિયરો પેદા કર્યા છે પણ તેમાંના મોટા ભાગના લોકો વિદેશી કંપનીઓમાં નાની-મોટી જોબ કરે છે. હા ભાઇ, ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ મૂળ ભારતના છે, પણ કરોડો ભારતીય યુવાનોમાંથી ટોચની કંપનીમાં, ટોચના એક્ઝિક્યુટિવ પદે કામ કરનારા આંગળીના વેઢે ગણાય એટલા જ છે. એ લોકોએ પણ દુનિયામાં ડંકો વગાડી દે એવી કોઇ આઈટી કંપનીની સ્થાપના નથી કરી. તેઓ વિદેશીઓએ સ્થાપેલી માઇક્રોસોફ્ટ, આઈબીએમ, ગૂગલ, એપલ, ફેસબુક, ટ્વિટર, સ્નેપચેટ કે ઈન્સ્ટાગ્રામ જેવી વર્લ્ડ ક્લાસ કંપનીઓમાં નોકરી કરે છે.

આવા અનેક એન્જિનિયરો દેશની કોઇ પ્રીમિયમ ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી)માં ભણીગણીને વિદેશોમાં સ્થાયી થતા હોય છે. એવું પણ નથી કે, આવા વિદ્યાર્થીઓ વિદેશ જતા રહે કે વિદેશી કંપની માટે કામ કરે એટલે દેશને ૧૦૦ ટકા નુકસાન જ છે! ખરેખર તો એ લોકોના વિઝનનો પૂરેપૂરો ફાયદો દેશને મળે એ દિશામાં સરકાર કામ કરે તો પણ ઘણું છે. એટલે જ અત્યંત જટિલ સમસ્યાઓ ધરાવતા ભારત જેવા દેશને પશ્ચિમી દેશોની જેમ દરેક ક્ષેત્રમાં કામ કરતી મજબૂત થિંક ટેન્કની જરૂર છે, જે ચોક્કસ સર્વેક્ષણો, આંકડાકીય અહેવાલો અને નિષ્ણાતોના અભિપ્રાયોના આધારે મીડિયાને ઠોસ માહિતી પીરસતી રહે.

ડિજિટલ ઇન્ડિયા વિશે બઢાવી ચઢાવીને વાતો થવાનું બીજું એક કારણ ઇન્ટરનેટ યુઝર્સના આંકડા છે. જેમ કે, વર્ષ ૨૦૧૪માં ભારત ૧૯ કરોડ રજિસ્ટર્ડ ઇન્ટરનેટ યુઝર્સ સાથે વિશ્વમાં ત્રીજા નંબરે હતું. પહેલા નંબરે ચીન છે. ત્યાં ૬૨ કરોડ રજિસ્ટર્ડ ઇન્ટરનેટ યુઝર્સ છે. આમ આપણે બીજા નંબરે હોવા છતાં ચીન કરતાં અનેકગણા પાછળ છીએ. અમેરિકામાં ૨૭.૫ કરોડ રજિસ્ટર્ડ ઇન્ટરનેટ યુઝર્સ છે, પરંતુ અમેરિકા ભારત-ચીન કરતા અનેકગણું આગળ છે. આ પ્રકારના આંકડાના આધારે ડિજિટલ ઇન્ડિયાની સફળતા અંગે અભિપ્રાયો બાંધી લેવા નકામા છે. અમેરિકા અને ભારતનો ઇન્ટરનેટ યુઝર પણ સ્માર્ટફોનનો જુદી જુદી રીતે ઉપયોગ કરે છે. ભારતમાં ઇન્ટરનેટ (વાંચો ફેસબુક અને ટ્વિટર) પર નોન-પ્રોડક્ટિવ એક્ટિવિટી વધારે થાય છે. આ આંકડા તો કમ્પ્યુટર પર ઇન્ટરનેટનો ઉપયોગ કરનારાના છે.

હવે સ્માર્ટફોન ઇન્ટરનેટ યુઝર્સની વાત કરીએ. ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના આંકડા પ્રમાણે દેશમાં ૩૦ કરોડથી પણ વધારે સ્માર્ટફોન ઇન્ટરનેટ યુઝર્સ છે. આ પ્રકારના આંકડા જોઇને ટેલિકોમ કંપનીઓની દાઢ સળકે એ સ્વાભાવિક છે. આ કંપનીઓ પાસે આશાવાદી બનવાનું બીજું પણ એક કારણ છે. ભારતમાં સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ શરૂ થયું ત્યારે વર્ષે એક કરોડ યુઝર્સ રજિસ્ટર્ડ થાય એવો લક્ષ્યાંક રખાયો હતો, પરંતુ એક દાયકા પછી આ આંકડો દસ કરોડે પહોંચી ગયો હતો. એ પછીના ત્રણ જ વર્ષમાં, ૨૦૧૦થી ૨૦૧૩ વચ્ચે, આ આંકડામાં ૧૦૦ ટકાનો વધારો થયો અને સ્માર્ટફોન ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા વીસ કરોડે પહોંચી ગઈ. ડિસેમ્બર ૨૦૧૪ના છેલ્લાં આંકડા પ્રમાણે સ્માર્ટફોન ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા ૩૦ કરોડ થઈ, પરંતુ આઘાતજનક વાત એ છે કે, ભારતમાં તો ૫૦ એમ.બી. ડેટા પેક કરાવીનો પોર્ન ફિલ્મોની મજા માણનારાનો પણ સ્માર્ટફોન ઇન્ટરનેટ યુઝર્સમાં સમાવેશ કરી લેવાય છે.

આ આંકડા રજૂ કરતી વખતે ભારતની વસતીની વાત પણ ભૂલી જવામાં આવે છે. વસતીની ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો ભારતમાં ૧૯.૭ ટકા લોકો પાસે જ ઇન્ટરનેટ છે, જ્યારે અમેરિકામાં ૮૬.૯ ટકા, ચીનમાં ૪૭.૪ ટકા અને જાપાનમાં ૮૬.૨ ટકા લોકો પાસે ઇન્ટરનેટની ૨૪ કલાકની સુવિધા છે. ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન પણ ચોક્કસ આંકડા જારી કરવા માટે જાણીતી સંસ્થા છે. આ સંસ્થાની વેબસાઇટ પર માહિતી મળે છે કે, ભારતમાં ફક્ત ૧૮ ટકા લોકો પાસે ઇન્ટરનેટની પૂરતી સુવિધા છે. કેટલાક એવું પણ કહે છે કે, ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોની બિન-સત્તાવાર સંખ્યા ઘણી વધારે હોઇ શકે છે! હા, જિયોના રાજમાં એ શક્ય છે.

ભારતમાં નોકરીના સ્થળે વાઇફાઇથી અને સાયબર કાફેમાં જઇને ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકો પણ મોટી સંખ્યામાં છે. એ યુઝર્સનો ચોક્કસ આંકડો મેળવવો મુશ્કેલ છે. ભારતમાં આર્થિક ખાઇ તો વધુને વધુ પહોળી થઇ જ રહી છે. હવે ડિજિટલ ખાઇ પણ વધુને વધુ પહોળી થઈ રહી છે. એટલે જ સરકારે નાના શહેરો, નગરો અને ગામોમાં કોમન સર્વિસ સેન્ટર્સ ઊભા કર્યા છે, જ્યાં જઇને લોકો બ્રોડબેન્ડ સાથે સંકળાયેલા કમ્પ્યુટર કિઓસ્કમાં યુનિવર્સિટી, સ્કૂલો, પરીક્ષાના પરિણામો, કૃષિ અને હવામાનને લગતી માહિતી મેળવી શકે છે. ભારતમાં ઇન્ટરનેટની મદદથી ડિજિટલ ક્રાંતિ સરકાર અને સમાજ માટે ખૂબ જ મોટો પડકાર છે. ભારતમાં સાક્ષરતાના દર કરતા કમ્પ્યુટર-ઇન્ટરનેટ એક્સેસનો દર હજુયે ઘણો નીચો છે. દેશના લગભગ દરેક રાજ્યોમાં  શિક્ષિતોની સંખ્યાની સામે ઇન્ટરનેટ એક્સેસની સ્થિતિ કંગાળ છે. આ સિવાય ભણેલા-ગણેલાને ઇન્ટરનેટનો ઉપયોગ કરતા શીખવવું એ પણ એક પડકાર છે.

જો સરકાર દેશના દરેકે દરેક ગામમાં કોમન સર્વિસ સેન્ટર્સ ઊભા કરીને લોકોને ઇન્ટરનેટ એક્સેસ આપવા માગતી હોય તો એ પડકારજનક તો ઠીક, ખૂબ મોંઘું સાબિત થશે. જો ડિજિટલ ઇન્ડિયા મિશન ખર્ચાળ સાબિત થવાનું હોય તો અર્થતંત્રને તેનાથી કેટલો લાભ મળશે એ દિશામાં વિચારવાનો સમય થઈ ગયો છે!

No comments:

Post a Comment