આ કોઈ રેપ સોંગ નથી, અને નથી હંમેશાની જેમ કવિતા
હું તમને કંઈક પૂછવા માંગુ છું, જે ફક્ત તમારો થોડો સમય લેશે
આઈ એમ નોટ યોર સુગર, આઈ એમ નોટ યોર પેટ્રોલ
હું પણ જીવતી જાગતી માણસ છું, આત્મામાં અગ્નિ ધરાવતી
આ ખૂબ જ પેચીદું છે, આટલી બધી ચર્ચા કેમ થઈ રહી છે?
અને એ પણ એના માટે કે જે એકદમ સ્પષ્ટ રીતે ખોટું છે
તમે કહો છો બધા જ પુરુષો આવા નથી
પરંતુ તમે મને કહી શકો કે, બધા ગંદા પુરુષ ક્યાં જતા રહે છે?
અહીં બધે જ ફેશન શૉના જજીસ જેવું સંભળાય છે
એના કપડાં થોડા ટૂંકા છે, તેની હિલ્સ ખૂબ મોટી છે
શરીર કેટલું ઢંકાયેલું છે એનાથી જ સ્ત્રીનું ચરિત્ર નક્કી થાય?
હું પણ એક માણસ છું, જીવતી જાગતી, તમારા જ જેવી
મારે પણ સપનાં છે, ઈચ્છાઓ છે
સ્ત્રીઓને નથી જોઈતા તમારા વણમાંગ્યા ચુંબનો
આ એકદમ સીધીસાદી વાત છે,
તમે મને સ્પર્શી ના શકો, તમને એ અધિકાર જ નથી
આપણે હજુયે કેમ ચૂપ છીએ, ચાલો આ લડાઈ લડીએ
મિ. આઝમીને સોરી કહી દો, મિ. પરમેશ્વરને પણ માફ કરી દઈએ
આ બધું જ દુષ્ટ વર્તનના કારણે જ થયું છે,
પશ્ચિમી સંસ્કૃતિના કારણે નહીં
આઈ એમ નોટ યોર સુગર, આઈ એમ નોટ યોર પેટ્રોલ
હું પણ એક માણસ છું, જીવતી જાગતી, આત્મામાં અગ્નિ ધરાવતી...
***
બેંગલુરુમાં ૩૧મી ડિસેમ્બરની મધરાત્રે અનેક યુવતીઓ છેડતીની ચર્ચા શરૂ થયા પછી મેંગલોરની સાત્શ્યા અન્ના થેયિરન નામની ૨૨ વર્ષની યુવતીએ મૂળ અંગ્રેજીમાં લખેલી કવિતાનો આ ભાવાનુવાદ છે. કવિઓનો કદાચ આ કવિતા 'પરફેક્ટ' ના લાગે, પરંતુ તેમાં મૂળ મુદ્દો હૃદય વીંધી નાંખે એમ સરળ રીતે રજૂ થઈ શક્યો છે. એટલે જ ફેસબુક પર વીડિયો ક્લિપ મૂકીને રજૂ કરાયેલી આ કવિતા વાયરલ થઈ ગઈ હતી. કમનસીબે કહેવું પડે છે કે, બેંગલુરુ જેવી ઘટનાઓમાં નવું કશું નથી. હજુ આવતા વર્ષેય આવું ક્યાંક થશે! અબુ આઝમી, આઝમ ખાન કે જી. પરમેશ્વર જેવા નેતાઓ અને પોલીસની માનસિકતામાં પણ કોઈ જ ફર્ક નહીં પડે! આવા નેતાઓને લોકોનું સમર્થન પણ મળતું રહેશે.
સાત્શ્યા અન્ના થેરિયન |
ઈવન, એક ઓનલાઈન અંગ્રેજી પોર્ટલમાં પણ જી. પરમેશ્વરના વીડિયો મૂકીને એવું સાબિત કરવાનો પ્રયાસ કરાયો હતો કે, તેઓ કશું વાંધાજનક બોલ્યા જ નથી. તેઓ ફક્ત એટલું જ કહેતા હતા કે, ... લોકો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરે છે, પશ્ચિમી કપડાં પહેરે છે, દારૂ પીવે છે અને પછી મોડી રાત્રે છેડતીઓ શરૂ થાય છે. ગયા વર્ષે પણ આવું થયું હતું. એટલે અમે ૧૫ હજાર જેટલા પોલીસ જવાન તૈનાત કર્યા હતા...
ચાલો માન્યું. ગૃહ મંત્રીએ ગયા વર્ષની છેડતીની ઘટનાઓ ધ્યાનમાં રાખીને આ વર્ષે પોલીસ ખડકી હતી એ સારું થયું. કદાચ એટલે જ બેંગલુરુની એ બિહામણી રાત્રે હૃદય વીંધતી કોઈ માનવસર્જિત ચીખ ના સંભળાઈ. જી. પરમેશ્વરે પશ્ચિમી સંસ્કૃતિની ટીકા કરી એ વાત પછી, એ પહેલાં એમની વાતમાં બીજું પણ કંઈક પડઘાય છે, તેની વાત કરીએ. જેમ કે, ગયા વર્ષે પણ આવી જ છેડતીઓ થઈ હતી. આવું કેમ? આપણે ઉજવણી કરતી વખતે, દારૂ પીને ભાન કેમ ભૂલી જઈએ છીએ? ભેગા થતાં જ 'ટોળું' કેમ બની જઈએ છીએ? લોકોને પરેશાની થાય એવું ન્યૂસન્સ કેમ કરીએ છીએ? કોલેજના યૂથ ફેસ્ટિવલોમાં પણ આવો જ માહોલ હોય છે! મલ્ટીપ્લેક્સમાં પણ આવા વિકૃતો આવે છે, જે 'હાઈ વે' જેવી સંવેદનશીલ ફિલ્મ જોતા હોય કે પછી 'પિંક'. તેમને કોઈ જ ફર્ક નથી પડતો. એ લોકો સતત સેક્સિસ્ટ કમેન્ટ કરીને બધાને ખલેલ પહોંચાડયા કરે છે અને આખા થિયેટરમાં કોઈ મર્દ એમને ચૂપ રહેવાનું કહેતો નથી.
આ એવા જ લોકો હોય છે, જેમને એકલી કે ગભરુ છોકરીને જોઈને મર્દાનગી બતાવવામાં કિક વાગે છે. સોશિયલ મીડિયામાં પણ રોગિષ્ઠ મનોદશા ધરાવતા મર્દો વિચરતા હોય છે, જેમાં એકદમ વિકૃત માનસિકતા ધરાવતા પુરુષોથી માંડીને જે તે ક્ષેત્રના સિનિયર હોય એવી રીતે ચરકતા, હંમેશા જોક કરતા, હસતા રહેતા, ક્યારેક સરસ દાઢી ધરાવતા અને વિદ્વતાનો અંચળો ઓઢીને ફરતા મર્દો પણ હોય છે. આ પ્રકારના મર્દો ફ્રેન્ડ્સને પર્સનલ મેસેજીસ કરીને સતત સંપર્કમાં રહેવા આતુર હોય છે, પણ ફક્ત વિમેન ફ્રેન્ડ્સ સાથે જ. જોકે, આ પ્રકારના મર્દો વચ્ચે સરળતાથી ભેદ પાડવો અઘરો હોય છે, પરંતુ મહિલાઓને અનુભવે આ વાત સમજાઈ જતી હોય છે! બેંગલુરુની ઘટનાથી વ્યથિત થઈને વિરોધવંટોળ શરૂ થયો, તો ટ્વિટર પર 'નોટ ઓલ મેન' હેશટેગ ટ્રેન્ડિંગ થયું. એટલે કે, બધા જ પુરુષો 'એવા' નથી હોતા! આ ટ્રેન્ડ થતાં જ અનેક સ્ત્રીઓના ભવાં તંગ થઈ ગયા. ફરી કોઈએ ટ્વિટ કરી કે, અમે બધા જ પુરુષોનો દોષ કાઢીએ છીએ કારણ કે, દરેક બળાત્કારી પુરુષ જ હોય છે. ફરી પાછો જવાબ આવ્યો કે, બધા જ પુરુષો બળાત્કારી નથી હોતા એ વાત તમે ભૂલી ગયા છો. વગેરે.
આપણી તકલીફ જ આ છે. આપણે આડી-અવળી એટલી બધી ચર્ચા કરીએ છીએ કે, મૂળ મુદ્દો જ ભૂલાઈ જાય છે. ભારતીય સમાજમાં 'એનાલિટિકલ ડિસ્કશન' થઈ શકતું નથી. આ વાતનું પ્રતિબિંબ ન્યૂઝ ચેનલોમાં ટીઆરપી ઉઘરાવતા શૉમાં પણ ઝીલાય છે. યુવતીઓની છેડતી થઈ એ એ ખોટું થયું એ વાતને વળગી રહેવાના બદલે જી. પરમેશ્વર અને અબુ આઝમી જેવા નેતાઓએ પશ્ચિમી સંસ્કૃતિની ટીકા કરી અને પછી શરૂ થયેલી મીડિયા ટ્રાયલમાં ગંભીર મુદ્દા જ ભૂલાઈ ગયા. જોકે, પરમેશ્વર કરતા અબુ આઝમીનું નિવેદન વધારે વાંધાજનક હતું. આઝમીએ કહ્યું હતું કે, ''પેટ્રોલ હોય ત્યાં આગ તો લાગવાની જ. ખાંડ નાંખો તો કીડીઓ તો જમા થવાની જ.'' બે વર્ષ પહેલાં તો આઝમીએ બળાત્કાર અને લગ્નેતર સંબંધ માટે યુવતીઓને સજા કરવાની માગ કરી હતી.
જોકે, આપણે ફક્ત નેતાઓ પર જ દોષનો ટોપલો કેમ ઢોળવો જોઈએ? બોલો! 'પિંક' ફિલ્મ જોઈને પણ અનેક લોકોએ સવાલ કર્યો હતો કે, કોઈ છોકરી અજાણ્યા લોકો સાથે પાર્ટી કરે, દારૂ પીએ, દારૂ પીરસે અને નોન વેજ જોક કરે- આવું જોખમ ખેડવાની શું જરૂર છે? મુદ્દો એ છે કે, યુવતીઓએ ફિલ્મો જોઈને જે સમજવું હશે એ સમજી લેશે પણ મર્દોએ પણ તેમાંથી કંઈક શીખવું જોઈએ ને? સેક્સ વર્કર હોય કે પત્ની- 'નો મિન્સ નો' જ હોય એ વાત સમજતા ખબર નહીં, આપણને કેટલી સદીઓ લાગશે! આ પ્રકારના મુદ્દે આપણે હંમેશા બે છેડાના અભિપ્રાયો (ટુ એક્સટ્રિમ્સ) વચ્ચે અટવાઈ જઈએ છીએ. અત્યારે સવાલ ફક્ત એ છે કે, સ્ત્રી પીડિત હોય તો પણ સ્ત્રીને જ કેમ કઠેડામાં ઊભી કરી દેવાય છે? આપણા નેતાઓની માનસિકતા કેમ આવી છે અને પોલીસ પણ સ્ત્રીને ગુનેગાર તરીકે જ કેમ જુએ છે? મોડર્ન, ફન લવિંગ, ઓપન માઈન્ડેડ અને કોન્ફિડન્ટ યુવતીઓને જોઈને બીજી ‘પછાત’ સ્ત્રીઓના પેટમાં કેમ દુઃખે છે? આવી સ્ત્રી એક સરેરાશ ભારતીય સાસુથી પણ સહન નથી થતી. આ સ્ત્રીઓને મહિલા પોલીસની પણ સહાનુભૂતિ કેમ નથી મળતી? ફરી યાદ કરો 'પિંક'.
કાન સરવા
કરીએ તો આપણી આસપાસ પણ નેતાઓ અને પોલીસની ભાષા બોલતા લોકો સંભળાય જ છે. એટલે ફક્ત
તેમનો વાંક કાઢવાનો કોઈ અર્થ નથી. ભારતમાં પશ્ચિમી સંસ્કૃતિને ગાળો કોણ નથી દેતું? એટલે જ તો આવા બબુચક નેતાઓ ચૂંટાઈ આવે છે. લોકોનો જ તેમને સહકાર છે. આપણે
વડીલો, સાધુ-સંતો અને આસપાસના લોકોના મોંઢે અનેકવાર પશ્ચિમી
સંસ્કૃતિની ટીકા સાંભળી ચૂક્યા છીએ. પશ્ચિમી સંસ્કૃતિને ગાળો દઈને ઘેનમાં રહેવું એ
આપણો સૌથી ફેવરિટ ટાઈમ પાસ છે. એવું કરવાથી ગિરેબાનમાં ઝાંખવામાંથી મુક્તિ મળી જાય
છે કારણ કે, કદાચ આપણે આપણી ઓકાતનો સામનો કરવા નથી માગતા!
જો ફક્ત પશ્ચિમી કપડાં પહેરવાથી જ છેડતી-બળાત્કારો થતાં હોય તો કુમળી વયના બાળકો (છોકરા-છોકરી બંને) પર બળાત્કાર કેમ થાય છે? બસોમાં, ઓફિસોમાં, સ્કૂલોમાં, કોલેજોમાં અને ભીડભાડ ધરાવતા તમામ સ્થળોએ
કઈ સ્ત્રી ટૂંકા કપડાંમાં હોય છે? એટલે જ આપણે જ્યારે એમ કહીએ છીએ કે, સ્ત્રીઓની સુરક્ષાની જવાબદારી ફક્ત તેમની છે ત્યારે જ પુરુષોની મર્દાનગીનું
સૂરસૂરિયું થઈ જાય છે.
શું ભારતીય પુરુષ સેક્સ્યુઅલી ફ્રસ્ટ્રેટેડ છે? આ સવાલના ઊંડાણમાં ઉતરવાનો આ જ યોગ્ય સમય છે. સવાલોના જવાબ શોધવાના બદલે પલાયનવૃત્તિ અપનાવી લીધી હોવાથી જ કદાચ આપણે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને બૌદ્ધિક સ્તરે પશ્ચિમી દેશો જેટલી ઝડપથી આગળ નથી વધી શક્યા. પશ્ચિમી સંસ્કૃતિનું કહેવાતું 'આક્રમણ' ન હતું ત્યારે પણ છેડતીઓ અને બળાત્કારો થતાં જ હતા. વર્ષ ૧૯૩૯માં એક પંજાબી છોકરીએ ગાંધીજીને પત્ર લખીને રોજેરોજ થતી છેડતી અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. ગાંધીજીએ પહેલી જાન્યુઆરી, ૧૯૩૯ના રોજ 'હરિજનબંધુ' માં એ પત્રના અંશો પ્રગટ કર્યા હતા. વાંચો.
- ...અને તેમને આમ એકલા જતાં જતાં જુએ છે એટલે દુષ્ટ માણસો તેમની પાછળ પડે છે. તેઓ બાજુએ થઈને ચાલતાં ભૂંડી અશ્લીલ ભાષા ઉચ્ચારે છે અને જો આસપાસ ડરવા જેવું ન જુએ તો એથી પણ વધુ છૂટ લેવાની હિંમત કરતાં અચકાતા નથી. આવે પ્રસંગે અહિંસા કઈ રીતનું કામ આપી શકે એ જાણવા ઈંતેજાર છું...
- ... તમને દુઃખ અને આશ્ચર્ય થશે કે દીવાળી વગેરે તહેવારો દરમ્યાન છાપાંવાળા એવી જાહેર ચેતવણીઓ છાપે છે કે, સ્ત્રીઓએ રોશનાઈ વગેરે જોવા સારુ પણ ઘર છોડી ન નીકળવું. આ એક જ વાત પરથી આપ જોશો કે, આ તરફ અમારી કેવી દયામણી હાલત છે! આવી ચેતવણીઓ છાપનારાઓને કે તેના વાંચનારાઓને કોઈને જ એ વાતનું ભાન નથી કે આવી ચેતવણીઓ છાપવી પડે એમાં તેમની કેવડી મોટી શરમ સમાયેલી છે...
એ છોકરીએ ગાંધીજીને લખેલા પત્રોના આ અંશો વાંચીને આપણે અનુમાન કરી જ શકીએ છીએ કે, આટલા વર્ષો પહેલાયે છેડતી કરનારા હતા જ. બળાત્કારો પણ થતાં જ હશે! દીવાળીની ભીડમાં રોશની જોવા યુવતીઓએ બહાર નહીં નીકળવું એવી ચેતવણીઓ ગાંધીયુગમાં છાપવી પડતી હતી અને સાલું હજુયે ભારતીય પુરુષ ત્યાંનો ત્યાં જ છે. એ છોકરીને ગાંધીજીએ શું જવાબ આપ્યો એ વાત મહત્ત્વની જ નથી. મહત્ત્વનું એ છે કે, આપણે એક પ્રજા તરીકે ક્યાં હતા અને ક્યાં પહોંચ્યા? નબળી માનસિકતા ધરાવતા માણસો ભેગા થઈને નબળો સમાજ જ રચે છે. આપણે એક પ્રજા તરીકે વિકસિત થવા માગીએ છીએ કે પછી હજુયે અનેક પેઢીઓને આવી જ પછાત માનસિકતા આપવા માગીએ છીએ?
લેખની શરૂમાં મૂકેલી કવિતામાં સાત્શ્યા સાચું જ કહે છે. સ્પષ્ટ રીતે ખોટું છે એની આટલી ચર્ચા કેમ? વિમેન્સ આર નોટ મેન્સ સુગર, વિમેન્સ આર નોટ મેન્સ પેટ્રોલ.
Another great article , unfortunately same frustrated behaviour by indian men is seen overseas as well.
ReplyDeleteYeah Mihir. I heard so many incidents of Indian men's behavior in foreign countries. Sale waha bhi desh ki ijjat ki vaat laga dete hai. Even our own tourist guides (In Rajsthan, Himachal) are advise foreign girls to be careful from indian men who are try to frank with them.
DeleteNice article Vishal...I hope it will reach to the maximum volume...we all need to think and change...eye opening article...
ReplyDelete