02 January, 2017

રાઉડી રશિયા, અવળચંડુ અમેરિકા


રશિયાએ હેકિંગ કરીને ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી જીતાડવામાં મદદ કરી હતી એ પ્રકારના સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ)ના અહેવાલનો વિવાદ વધુને વધુ રહસ્યમય બની રહ્યો છે. શું રશિયાના મસ્ક્યુલર પ્રમુખ વ્લાદિમિર પુતિને રશિયન ઈન્ટેલિજન્સ સિસ્ટમ એટલી મજબૂત કરી દીધી છે કે, તેઓ અમેરિકા જેવા અભેદ્ય દેશમાં હેકિંગ કરીને પ્રમુખપદની ચૂંટણીના પરિણામો પર અસર પાડી શકે? અમેરિકન જાસૂસી સંસ્થા સીઆઈએએ દાવો કર્યો છે કે, અમેરિકન પ્રમુખપદની ચૂંટણી રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ જીતે એ માટે પુતિને અંગત રસ લીધો હતો. રશિયન હેકિંગના અમારી પાસે મજબૂત પુરાવા છે. રશિયાએ હિલેરી ક્લિન્ટનના ઈ-મેઇલ હેક કરીને વિકિલિક્સને સોંપી દીધા હતા, જે જાહેર થઈ જવાથી ડેમોક્રેટ ઉમેદવાર હિલેરી ક્લિન્ટન વિરુદ્ધ જોરદાર હવા ઊભી થઈ હતી.  

જોકે, સીઆઈએ જેને મજબૂત પુરાવા કહી રહ્યું છે એ હજુયે વિવાદાસ્પદ છે. આમ છતાં, સીઆઈએએ  યુએસ કોંગ્રેસને અહેવાલ સુપરત કર્યા પછી અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ જગત જમાદારની અદામાં કહ્યું છે કે, “વી નીડ ટુ ટેક એક્શન, એન્ડ વી વિલ.સીઆઈએના જે અહેવાલના આધારે ઓબામા રશિયા સામે પગલાં લેવાની વાત કરે છે, એવા અહેવાલો સીઆઈએ દર છ મહિને યુએસ કોંગ્રેસમાં રજૂ કરે છે. ઓબામાના નિવેદન પછી વિકિલિક્સ ફેમ જુલિયન અસાંજેએ પણ ઓબામાને ચોપડાવી છે કે, જો રશિયાએ અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં હેકિંગ કર્યું હોય તો પુરાવા આપો અને એ પુરાવા વિકિલિક્સ પર અપલોડ કરો, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય!

નવેમ્બર ર00૮માં રશિયન ઈન્ટેલિજન્સ એજન્સીની મુલાકાત વખતે પિસ્તોલ ટેસ્ટ કરતા પુતિન  

ખરેખર વાત એમ છે કે, અમેરિકાના પગ તળે રેલો આવ્યો એટલે તેઓ રશિયન હેકિંગને લઈને આટલી કાગારોળ મચાવી રહ્યા છે. રશિયાએ હેકિંગ કરીને ટ્રમ્પને જીતાડવામાં મદદ કરી હતી કે નહીં, અને કરી હતી તો તેની ચૂંટણીના પરિણામો પર શું અસર થઈ એ અમેરિકા માટે મહત્ત્વનો મુદ્દો છે, દુનિયા માટે નહીં. આ એજ અમેરિકા છે, જેમણે સીઆઈએની મદદથી દુનિયાના અનેક દેશોની ચૂંટણીના પરિણામો બદલવાનો પ્રયાસ કર્યો છે. ચૂંટણીઓ તો ઠીક, નાના-મોટા દેશને ડરાવવા, ધમકાવવા અને આક્રમણો કરવા પણ અમેરિકાએ સીઆઈએના અમેરિકન કોંગ્રેસે જ તૈયાર કરાવેલાઅહેવાલોનો બેફામ ઉપયોગ કર્યો છે. એટલે જ રશિયાએ હેકિંગ કરીને ટ્રમ્પને જીતાડવાના ભરપૂર પ્રયાસ કર્યા હતા એવા સીઆઈએના અહેવાલ પછી ટ્રમ્પે જબરદસ્ત વનલાઈનર ફટકારતા કહ્યું હતું કે, આ એજ સીઆઈએ છે, જેણે ઈરાકમાં સદ્દામ હુસૈન પાસે સામૂહિક સંહારના બાયોલોજિકલ શસ્ત્રો હોવાનો અહેવાલ આપ્યો હતો...

અત્યારે દુનિયાભરમાં ચંચુપાત કરવાની પરંપરાનું પોસ્ટર બોય અમેરિકા છે. અમેરિકાએ છુપાઈને નહીં, પણ પોતાની વિદેશ નીતિના ભાગરૂપે જ બીજા દેશની ચૂંટણીઓ પર પ્રભાવ પાડવાનો પ્રયાસ કરે છે. દ્વિતિય વિશ્વ યુદ્ધ પછી અમેરિકાએ સાત દેશની સરકાર ઉથલાવવા માટે સીઆઈએનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. ઈરાન અમેરિકાનું પરંપરાગત દુશ્મન ગણાય છે. આ જ કારણસર વર્ષ ૧૯૫૩માં અમેરિકાએ બ્રિટન સાથે મળીને ઈરાનના લોકશાહી રીતે ચૂંટાયેલા વડાપ્રધાન મોહમ્મદ મોસદેહની સરકાર ઉથલાવી દીધી હતી. મોસદેહનો વાંક ફક્ત એટલો જ હતો કે, તેઓ બ્રિટીશ એંગ્લો-ઈરાનિયન ઓઈલનામની કંપનીનું રાષ્ટ્રીયકરણ  કર્યું હતું. બ્રિટન સ્વભાવિક રીતે કંપની પર સ્થાનિક સરકારનો કાબૂ નહોતુ ઈચ્છતું. એટલે બ્રિટને અમેરિકન પ્રમુખ  ડ્વાઈટ આઈઝનહોવરની મદદથી ઈરાનમાં બળવો કરાવ્યો હતો. આજે એ કંપની બ્રિટીશ પેટ્રોલિયમ (બીપી) તરીકે દુનિયાભરમાં જાણીતી છે.

હિલેરી ક્લિન્ટનના ઈ-મેઇલ હેક કરીને જાહેર કરી દેવાથી ટ્રમ્પને જીતવામાં મદદ મળી? આ સવાલનો જવાબ કદાચ ક્યારેય ના મળી શકે, પરંતુ ઈરાનમાં બળવો કરાવીને સીઆઈએએ કેવી રીતે મોસદેહને ઉથલાવી દીધા હતા એના પુરાવા મોજુદ છે. સીઆઈએ પાસે આજે પણ એ અહેવાલ સચવાયેલો છે, જેનું શીર્ષક છે : કેમ્પેઇન ટુ ઈન્સ્ટૉલ એ પ્રો-વેસ્ટર્ન ગવર્મેન્ટ ઈન ઈરાન.આ અહેવાલમાં એવી પણ સ્પષ્ટતા કરાઈ છે કે, અમારા અભિયાનો હેતુ બિલકુલ કાયદેસરનો હતો તેમજ મોસદેહને સત્તા પરથી ઉથલાવીને પશ્ચિમ તરફી ઉમેદવારને સત્તા સોંપવાની પદ્ધતિ બિલકુલ યોગ્ય જ હતી...

બ્રિટન માનતું હતું કે, બ્રિટીશ એંગ્લો-ઈરાનિયન ઓઈલકંપનીનું રાષ્ટ્રીયકરણ થવાથી આપણને વ્યૂહાત્મક અને આર્થિક દૃષ્ટિએ નુકસાન થશે, પરંતુ અમેરિકાને આ મુદ્દે ન્હાવા નીચોવાનો ય સંબંધ ન હતો. આમ છતાં, આઈઝનહોવરે બ્રિટન સાથેની દોસ્તી નિભાવવા સીઆઈએને કામે લગાડીને ઈરાનની સત્તા ઉથલાવી દીધી. એ પછી અમેરિકા-બ્રિટને પશ્ચિમી દેશોના પીઠ્ઠુ ફઝુલ્લા ઝાહેદીને વડાપ્રધાન બનાવી દીધા. આ દરમિયાન ઈરાનના રાજા તરીકે અમેરિકા અને બ્રિટનની કઠપૂતળી એવા મોહમ્મદ રેઝા પાહલવીનું શાસન હતું. અમેરિકા ભારત સહિત અનેક દેશોમાં માનવાધિકાર ભંગની ચિંતા કરે છે, પરંતુ પાહલવીનો માનવાધિકાર રેકોર્ડ કેટલો લોહિયાળ છે, એ વાત અમેરિકા અને બ્રિટન સિફતપૂર્વક ભૂલી ગયા હતા. પાહલવીની દમનકારી નીતિઓના કારણે જ ઈરાનની પ્રજાએ બળવો કરીને ૧૧મી ફેબ્રુઆરી, ૧૯૭૯ના રોજ ઈરાનના શાહમોહમ્મદ રેઝા પાહલવીનું શાસન ફગાવી દીધું હતું.

આ સિવાય પણ અનેક દેશો છે, જેના સાર્વભૌમત્વ સાથે અમેરિકા ખુલ્લેઆમ ચેડાં કરી ચૂક્યું છે. ૧૯૫૪માં ગ્વાટેમાલામાં, ૧૯૬૦માં કોંગોમાં, ૧૯૬૧માં ડોમિનિકન રિપબ્લિકમાં, ૧૯૬૩માં દક્ષિણ વિયેતનામમાં, ૧૯૬૪માં બ્રાઝિલમાં અને ૧૯૭૩માં ચિલીમાં સત્તાઓ ઉથલાવી ચૂક્યું છે. આ બધું તો ઈન્ટેલિજન્સની મદદથી કરાયું છે, પરંતુ વિયેતનામ, ઈરાક અને અફઘાનિસ્તાન જેવા દેશોમાં તો અમેરિકાએ સીધી લશ્કરની મદદથી જ ચંચુપાત કરી છે. પોતાની કઠપૂતળી નહીં બનનારા અનેક દેશના નેતાઓની હત્યા કરાવવામાં પણ અમેરિકાએ સીઆઈએનો બેફામ ઉપયોગ કર્યો છે. હાલમાં જ અવસાન પામનારા ક્યુબાના નેતા ફિડેલ કાસ્ટ્રોની હત્યા કરાવવા સીઆઈએએ ૬૩૮ વખત પ્રયાસ કર્યા હતા. આ પ્રકારના કાવતરા પાર પાડતી વખતે સીઆઈએ ગુનેગારો, માફિયા અને વધારે શેતાન નેતાઓનો સાથ લેતા ખચકાતું નથી.

ભારતમાં ડેવિડ કોલમેન હેડલીના તમામ ઓપરેશનોની અમેરિકાની દેખરેખ હેઠળ જ થયા હતા. એટલું જ નહીં, અમેરિકાએ જ ઓસામા બિન લાદેનને શોધવાની લાલચમાં હેડલીને ભારત આવવા દીધો હતો. ભારત વિરોધી ખૂંખાર આતંકવાદી સંગઠને લશ્કર એ તૈયબાનો વિશ્વાસ જીતવા હેડલીએ તેમને મુંબઈની તાજ હોટેલ પર હુમલામાં પણ મદદ કરી હતી. સીઆઈએના કેટલાક અધિકારીઓ આ વાત સારી રીતે જાણતા હતા, પરંતુ લાદેનને પકડવાની કે ઠાર મારવાની લાલચમાં તેમણે હેડલીને મોટોથવા દીધો હતો. ટૂંકમાં, અમેરિકાએ લાદેનની લાલચમાં મુંબઈનો ભોગ લીધો હતો. આ ગપગોળા કે અનુમાનો નથી, પરંતુ એડ્રિયન લેવી અને કેથરિન સ્કોટ ક્લાર્ક નામના લેખક દંપત્તિએ ‘ધ સિજ: ૬૮ અવર્સ ઈનસાઈડ ધ તાજહોટેલ’ નામના પુસ્તકમાં મજબૂત પુરાવા આપીને કરેલો ઘટસ્ફોટ છે.

અમેરિકાએ રશિયાને ઠેકાણે પાડવા લાદેનનો ‘ઉછેર’ કર્યો અને લાદેનને મારવા હેડલીને મોટો થવા દીધો. ત્યાર બાદ લાદેન નામની ઘટનાનો કેવી રીતે અંત આવ્યો એ આપણે સારી રીતે જાણીએ છીએ. રસપ્રદ વાત એ છે કે, એક સમયે અમેરિકાએ ઈરાકમાં સદ્દામ હુસૈનને યોગ્ય રીતે વિકસવાદીધો હતો કારણ કે, સદ્દામના હરીફ એવા અબ્દેલ કરીમ કાસી નામનો ઈરાકી નેતા અમેરિકા અને બીજા પશ્ચિમી દેશો માટે વધારે મોટો ખતરો હતા. એવું નથી કે, આ અમેરિકા અને ઈસ્લામિક દેશો સામેની લડાઈ છે. આ લડાઈ અમેરિકા-યુરોપ વિરુદ્ધ આફ્રિકા-એશિયાની પણ નથી. આ સ્વાર્થની લડાઈ છે. અનેક ઈસ્લામિક દેશો તેમજ આફ્રિકન-એશિયન દેશો પણ અમેરિકા સાથેના આવા અનેક પાપમાં પૂરતી ભાગીદારી ધરાવે છે.

વર્ષ ૨૦૧૪માં રશિયાએ યુક્રેનના ઓટોનોમસ રિપબ્લિક ઓફ ક્રિમીઆ નામના વિસ્તાર પર કબજો કરી લીધો હતો, પરંતુ યુક્રેનના લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રમુખ વિક્ટર યાનુકોવિચ અત્યારે રશિયાની સાથે છે. રશિયાનું કહેવું છે કેયુક્રેનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા યાનુકોવિચે જ અમને વિનંતી કરી હતી... બોલો, ટૂંકમાં યાનુકોવિચ રશિયાની કઠપૂતળી છે, પરંતુ અમેરિકાની ‘સ્ટોરી હવે શરૂ થાય છે. યાનુકોવિચની સત્તા ઉથલાવવા અમેરિકા હિટલરના સમર્થક એવા નાઝીઓને મદદ કરી રહ્યું હતું. જો નાઝી વિચારધારા ધરાવતો પક્ષ ફરી ઊભો થાય તો તેના શું પરિણામો આવે એવું કશું જ વિચાર્યા વિના અમેરિકાએ આ કારસ્તાન કરી રહ્યું હતું. ફક્ત સ્વાર્થ ખાતર. આજેય દુનિયાના ૩૫ દેશ એવા છે, જેના કટ્ટરવાદી વિચારકો, ડ્રગ માફિયા અને આતંકવાદી સંગઠનોને અમેરિકા ભરપૂર મદદ કરે છે. (એની વિગતે ચર્ચા ફરી ક્યારેક).

રશિયનો હેકિંગ કરી ગયા એનાથી પણ વધારે અમેરિકાને એ વાત ખૂંચી રહી છે કે, રશિયા ફરી એકવાર સુપરપાવર જેવું વર્તન કરી રહ્યું છે. રશિયા સીરિયાથી લઈને યુક્રેન સુધી રાઉડીની જેમ વર્તી રહ્યું છે, પણ અવળચંડા અમેરિકાને એ મંજૂર નથી. અમેરિકાને ડર છે કે, સુપરપાવરની દોડમાંથી ફેંકાઈ ગયેલા રશિયાને સોવિયેત યુનિયન યુગનું ગૌરવ પાછું અપાવવામાં પુતિન સફળ થઈ જશે તો?

2 comments:

  1. There is nothing new about powerful country, organization, religion or person abusing the system for its own advantage without worrying about 'side effects'. History is filled with such incidents and it will go on till there is a fight for power.

    ReplyDelete

  2. સાહેબ આપે બહુ સરસ અને સાચો લેખ લખ્યો છે. આપનુ; પિલિટીકલ અવલોકન સચોટ છે. પણ એ બધાનો કસંઈ એથ નથી. અઅપના લેખનો છેલ્લ્પ પેરેગ્રાફ વાંચો તેમાં જ સવાલ અને જ્વાબ બન્ને છે.
    લખતા રહો.

    ReplyDelete