06 December, 2016

સોનમ વાંગચુક: 'થ્રી ઈડિયટ્સ'નો અસલી ઈડિયટ


તમને 'થ્રી ઈડિયટ્સ' ફિલ્મમાં છેલ્લે આવતો ફૂનસૂક વાંગડુ યાદ હશે! ફિલ્મના અંતિમ દૃશ્યોમાં આમિર ખાનને લદાખમાં અનોખી સ્કૂલ ચલાવતા ભેજાબાજ એન્જિનિયર ફૂનસૂક વાંગડુ તરીકે દર્શાવવામાં આવ્યા છે. ફૂનસૂક વાંગડુ અને એમની સ્કૂલનું દૃશ્ય એ ફિલ્મી કલ્પના નહીં, પણ સત્ય ઘટના છે. જોકે, ફિલ્મમાં ક્યાંય આ વાતનો ઉલ્લેખ નથી આવતો. અત્યારે પણ ફૂનસૂક વાંગડુ લદાખમાં એવી જ સ્કૂલ ચલાવે છે. વાંગડુ મૂળ લદાખના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત શિક્ષક અને ઈનોવેટર છે. ૧૬મી નવેમ્બરે વાંગડુએ પોતે જ ટ્વિટ કરીને સમાચાર આપ્યા ત્યારે ભારતમાં મોટા ભાગના લોકોને જાણ થઈ કે, તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત રોલેક્સ એવોર્ડનું સન્માન મળ્યું છે.

બાય ધ વે, ફૂનસૂક વાંગડુનું અસલી નામ સોનમ વાંગચુક છે. લદાખમાં પાણીની અછત ધરાવતા ગામોમાં 'આઈસ સ્તૂપ'નો આઈડિયા આપવા બદલ તેમને રોલેક્સ એવોર્ડ મળ્યો છે. રોલેક્સ એવોર્ડ એકસાથે અનેક લોકોનું જીવન બદલી નાંખવા સક્ષમ હોય એવા ઈનોવેટિવ પ્રોજેક્ટ પર કામ કરનારાને અપાય છે. આ એવોર્ડ સાથે એક લાખ સ્વિસ ફ્રાંક (આશરે રૂ. ૬૭.૬૮ લાખ)નું રોકડ ઈનામ પણ મળે છે. આ વર્ષે રોલેક્સ એવોર્ડ માટે ૧૪૪ દેશમાંથી ૨,૩૩૨ અરજી આવી હતી, પરંતુ દર વર્ષે ફક્ત પાંચ જ બ્રેવહાર્ટ્સને આ સન્માન અપાય છે.   

પણ આઈસ સ્તૂપ શું છે? એનાથી અનેક લોકોનું જીવન કેવી રીતે બદલાય? જરા, વિગતે વાત કરીએ.

આઈસ સ્તૂપ, એક ક્રાંતિકારી વિચાર 

૮૬,૯૦૪ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા લદાખમાં ૮,૮૫૮થી ૧૩ હજાર ફૂટ ઊંચાઈએ અનેક ગામ આવેલા છે. અહીંના મોટા ભાગના વિસ્તાર બર્ફીલા રણ છે, જેથી ખેતીવાડી માટે તો ઠીક ઘરેલુ જરૂરિયાત માટે પણ ખૂબ ઓછું પાણી મળે છે.

સોનમ વાંગચુકની ટ્વિટ 


લદાખમાં શિયાળામાં તાપમાન માઈનસ ૩૦ ડિગ્રીએ પહોંચે અને આખા વર્ષનો વરસાદ માંડ ચાર ઈંચ પડે છે. એપ્રિલ-મે મહિનામાં ઠંડી ઘટતા જ ખેડૂતો ખેતી શરૂ કરે ત્યારે તેમને પાણીની ભારે અછત પડે છે. બર્ફીલા રણમાંથી પાણી ઓગાળીને લાવી શકાય. પણ કેવી રીતે? આ પ્રકારના 'તુક્કા' આપવા સહેલા છે,  પણ અમલ અઘરો. સિંચાઈ માટે એ અકસીર ઉપાય નથી એ વાત સાબિત થઈ ગઈ છે.

હા, ઠંડી ઘટતા હિમનદીઓ એટલે કે ગ્લેશિયર પીગળવાનું શરૂ થઈ જાય છે, પરંતુ ક્લાઇમેટ ચેન્જના કારણે ગ્લેશિયર પીગળવાનો સમય બદલાઈ ગયો છે, વહેણ બદલાઈ ગયા છે અને પાણીનો પ્રવાહ પણ ઓછો થઈ ગયો છે. આ સ્થિતિમાં પણ ખેડૂતો ગ્લેશિયરના પાણીનો જ ખેતીકામમાં ઉપયોગ કરે છે, પરંતુ મોટા ભાગનું શુદ્ધ પાણી પહાડી ઢોળાવોના કારણે ખૂબ ઝડપથી સિંધુ ખીણમાં વહી જાય છે. કારણ કે, મહાકાય ગ્લેશિયર રહેણાક વિસ્તારો નજીક નહીં, અત્યંત દુર્ગમ પહાડી વિસ્તારોમાં ઊંચાઈ પર આવેલા હોય છે.

સોનમ વાંગચુકનો આઈડિયા અહીંથી શરૂ થાય છે. કુદરત કંઈ માણસને જોઈએ ત્યાં ગ્લેશિયર ના બનાવે પણ આપણે તો બનાવી શકીએ ને?

ભેજાબાજ એન્જિનિયરની 'યુરેકા મોમેન્ટ'

મે મહિનાના ઉનાળાના દિવસોમાં સોનમ વાંગચુક લદાખની વાદીઓમાં ટહેલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે એક પુલ નીચે બરફ જામેલો જોયો અને તેમને 'યુરેકા મોમેન્ટ' (મળી ગયું, મળી ગયું)નો અનુભવ થયો. વાંગચુકને આઈડિયા આવ્યો કે, પુલના પડછાયામાં સૂર્યપ્રકાશ નહીં પડવાથી બરફ પીગળ્યો નથી. જો આપણે શિયાળામાં પસંદગીના સ્થળોએ કૃત્રિમ ગ્લેશિયરો બનાવી દઈએ તો? તો એ ગ્લેશિયર પણ ઉનાળા સુધી પીગળે નહીં અને એનું પાણી પાઈપલાઈનથી સીધું ખેતરોમાં પહોંચાડી શકાય. પિરામિડ જેવા આકાર ધરાવતા બર્ફીલા પહાડોની સપાટી મજબૂત બરફથી જામેલી હોય પણ અંદર શુદ્ધ પાણી હોય એ વાત વાંગચુક જાણતા હતા.

સોનમ વાંગચુક

જોકે, આ વાત સાંભળવામાં જેટલી સરળ લાગે છે એટલી જ અઘરી છે. કોઈ જગ્યાએ બરફનો ઢગલો કરો એટલે કૃત્રિમ ગ્લેશિયર ના બની જાય! એ માટે પાણીનો સતત પ્રવાહ જોઈએ. પાણી તો છે નહીં! તો શું કરી શકાય? વાંગચુકે વિચાર્યું કે, ગ્લેશિયરનું વેડફાઈ જતું લાખો લિટર પાણી જ પાઈપલાઈનની મદદથી પસંદગીના સ્થળે લાવીને કૃત્રિમ ગ્લેશિયર બનાવી શકાય!

આ વિચારને સાકાર કરવા વાંગચુકે જાન્યુઆરી ૨૦૧૪માં તેમની સ્કૂલ નજીક એક ખુલ્લી જગ્યા પસંદ કરી કૃત્રિમ ગ્લેશિયરનો પ્રયોગ શરૂ કર્યો. એ માટે તેમણે લેહ ખીણ વિસ્તારનો દરિયાઈ સપાટીથી સૌથી નીચો (ઊંચાઈ પર ઠંડી વધુ હોય એટલે) અને સૂર્યપ્રકાશથી ભરપૂર વિસ્તાર પસંદ કર્યો હતો. આવો વિસ્તાર પસંદ કરવાનું કારણ એટલું જ કે, જો અહીં કૃત્રિમ ગ્લેશિયર ટકી જાય તો લદાખના કોઈ પણ વિસ્તારમાં તે ટકી શકે અને પાણીની જરૂરિયાત પૂરી કરી શકાય. એટલું જ નહીં, અરુણાચલ પ્રદેશથી લઈને છેક અફઘાનિસ્તાન સુધીના પહાડી વિસ્તારોમાં હાડમારીભર્યું જીવન જીવતા લોકોને ખેતી સહિતની જરૂરિયાતો માટે ઓછામાં ઓછા ખર્ચે પાણી આપી શકાય!

...અને ઉનાળાની ગરમીમાં જાદુ થઈ ગયો

એ સ્થળે વાંગચુક સ્કૂલ કેમ્પસમાંથી પાણીની એક પાઈપલાઈન ખેંચી લાવ્યા અને પચાસેક ફૂટની ઊંચાઈએથી  જમીન પર પાણીનો ધીમો પ્રવાહ આપવાનું શરૂ કર્યું. એકાદ મહિના પછી ત્યાં ૨૨-૨૩ ફૂટ ઊંચું ગ્લેશિયર બની ગયું. આટલી ઊંચાઈ અને ૬૦ ફૂટ જેટલો ઘેરાવો ધરાવતા કૃત્રિમ ગ્લેશિયરમાં એક કરોડ લિટર જેટલું પાણી સંઘરાયેલું હોય! વાંગચુકે વિચાર્યું કે, જો મે મહિનામાં પણ આ 'મેડ ઈન લદાખ' ગ્લેશિયર પીગળે નહીં તો જાદુ થઈ જાય! અને ખરેખર એવું જ થયું!

વાંગચુકની સ્કૂલ નજીક તૈયાર થયેલું કૃત્રિમ ગ્લેશિયર

ગ્લેશિયર બનવા અને નહીં પીગળવા પાછળ અનેક પરિબળો જવાબદાર હોય છે. આપણે જેમ ઊંચાઈએ જઈએ તેમ સૂર્યના કિરણોની શક્તિ ઘટે અને હવા પણ પાતળી થાય. ખૂબ ઊંચાઈએ આવેલા કુદરતી ગ્લેશિયરને પણ આ નિયમ લાગુ પડે, એટલે તે કૃત્રિમ ગ્લેશિયર જેટલા ઝડપથી પીગળે નહીં. લદાખ દરિયાઈ સપાટીથી ૯,૮૦૦ ફૂટ ઊંચાઈ પર છે. મે મહિનામાં લદાખમાં દિવસનું તાપમાન ૧૬ ડિગ્રી અને રાત્રિનું ત્રણ ડિગ્રી હોય છે. આ ઉપરાંત હિમાલયના બર્ફીલા અને શુદ્ધ પવનો પણ ત્યાં સતત વહેતા હોય છે.

ટૂંકમાં, અમદાવાદનું તાપમાન ૧૬ ડિગ્રી જેટલું નીચું જાય તો પણ કૃત્રિમ ગ્લેશિયર ના બને. અમદાવાદ તો ઠીક, માઉન્ટ આબુ જેવા સ્થળે પણ ગમે એટલી ઠંડીમાં ગ્લેશિયર ના બને! જોકે, વાંગચુકે સર્જેલું કૃત્રિમ ગ્લેશિયર પહેલી મેએ પણ દસ ફૂટ ઊંચું હતું અને પાણી આપવા સક્ષમ હતું. એટલું જ નહીં, આ ગ્લેશિયર છેક ૧૮મી મેએ આખું પીગળ્યું અને ત્યાં સુધી પાણી આપતું રહ્યું. એ ખરેખર જાદુ હતો.

કૃત્રિમ ગ્લેશિયરનો પ્રયોગ સફળ થતા જ વાંગચુકે ઓક્ટોબર ૨૦૧૪માં ક્રાઉડ ફન્ડિંગની મદદથી આ યોજના  પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. ક્રાઉડ ફન્ડિંગ એટલે ઈન્ટરનેટની મદદથી વિશ્વને તમારી યોજના જણાવો અને દાન ઉઘરાવો. કૃત્રિમ ગ્લેશિયરને વાંગચુકે બૌદ્ધ સ્તૂપ પરથી આઈસ સ્તૂપ નામ આપ્યું છે. જોકે, અસલી ગ્લેશિયર કરતા તેનું કદ ઘણું નાનું હોય છે. આ આઈડિયાના આધારે વાંગચુક લદાખના સૂકાભઠ વિસ્તારોને ફરી ગાઢ લીલોતરીથી આચ્છાદિત કરવાનું પણ સપનું જોઈ રહ્યા છે.

થોડી જાણકારી, સોનમ વાંગચુક વિશે

સોનમ વાંગચુકનો જન્મ (પહેલી સપ્ટેમ્બર, ૧૯૬૬) માંડ પાંચ ઘર ધરાવતા ઉલેય ટોકપો નામના અંતરિયાળ ગામમાં થયો હતો. આ ગામમાં સ્કૂલ તો ક્યાંથી હોય! એટલે વાંગચુક સાડા આઠ વર્ષ સુધી ઘરમાં માતા સાથે જ ભણ્યા. એ પછી વાંગચુક પરિવારે તેમને નજીકના નુબ્રા ગામની સ્કૂલમાં મૂક્યા, પરંતુ વાંગચુકને છ મહિનામાં બે સ્કૂલ બદલવી પડી અને છેવટે લેહની સ્કૂલમાં ભરતી થયા. જોકે, શિક્ષકોએ વાંગચુકની પ્રતિભા પારખીને તેમને સીધેસીધા ત્રીજા ધોરણમાં બેસવાની મંજૂરી આપી.


આઈસ સ્તૂપમાંથી છૂટી રહેલી પાણીની જાદુઈ ધારા 

જમ્મુ કાશ્મીરથી અરુણાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં શિક્ષણની આવી મુશ્કેલીઓ છે. વિચાર કરો, સોનમ વાંગચુકના પિતા તો રાજ્ય સરકારમાં મંત્રી હતા, છતાં સોનમ વાંગચુકની આ સ્થિતિ હતી. જોકે, વાંગચુક અનેકવાર જાહેરમાં ગૌરવથી કહી ચૂક્યા છે કે, હું મોટી કહી શકાય એવી ઉંમર સુધી માતા પાસે વાંચતા-લખતા શીખ્યો અને એ પણ માતૃભાષામાં. એટલે જ હું સ્વતંત્ર રીતે કુદરત સાથે ઓતપ્રોત થઈને શક્ય હતું એટલું સારું શિક્ષણ લઈ શક્યો...

આ દરમિયાન નવ વર્ષની ઉંમરે વાંગચુકને પિતા સાથે શ્રીનગર જવું પડ્યું. એટલે વાંગચુકનો અભ્યાસ શ્રીનગરની સ્કૂલમાં ચાલુ થયો અને તેમના માટે એ નવી મુશ્કેલી હતી. કારણ કે, શ્રીનગરમાં ઉર્દૂ અને કાશ્મીરી ભાષામાં જ શિક્ષણ અપાતું એટલે વાંગચુક કશું જ સમજી નહોતા શકતા. આ સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ વાંગચુકને 'ઈડિયટ' સમજતા. વાંગચુકે કહ્યું હતું કે, એ મારા જીવનના સૌથી અંધકારમય દિવસો હતા... 

છેવટે ૧૯૭૭માં ૧૧ વર્ષની વયે સોનમ વાંગચુક જાતે જ દિલ્હી આવીને વિશેષ કેન્દ્રિય વિદ્યાલયના પ્રિન્સિપાલને મળ્યા. ભારતના સરહદી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે સરકાર કોઈ જ ફી લીધા વિના આવી રેસિડેન્શિયલ સ્કૂલો ચલાવે છે. આ સ્કૂલના શિક્ષકોએ વાંગચુકને સતત અને સખત પ્રોત્સાહન આપીને ભણાવ્યા. વાંગચુકે પણ અભ્યાસ, એક્સ્ટ્રા-કરિક્યુલમ એક્ટિવિટીઝમાં મન પરોવી દીધું અને ૧૯૮૩માં નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ટેક્નોલોજી-શ્રીનગરમાં મિકેનિકલ એન્જિનિયર બનવા સરળતાથી પ્રવેશ પણ મેળવ્યો.

પહાડી જિંદાદિલીથી આગળ વધ્યા

જોકે, સોનમ વાંગચુકની મુશ્કેલીઓનો અંત ન હતો. તેમના પિતા ઈચ્છતા હતા કે, સોનમ મિકેનિકલ નહીં સિવિલ એન્જિનયર બને. આ જીદના કારણે તેમણે વાંગચુકને ફી ભરવાના પૈસા ના આપ્યા. જોકે, જિંદાદિલ વાંગચુકે દસમા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવા વેકેશન બેચ શરૂ કરીને પૈસા કમાવવાનું શરૂ કર્યું અને એન્જિનિયરિંગ અભ્યાસનો ખર્ચ જાતે જ ઉઠાવ્યો. દસમા ધોરણના ટ્યૂશન કરતી વખતે વાંગચુકે અનુભવ્યું કે, અનેક હોશિયાર વિદ્યાર્થીઓ ભાષાની મુશ્કેલીઓ કે સામાજિક પ્રશ્નોના કારણે અમુક વિષયોમાં નાપાસ થઈ જાય છે અને જીવનભર એના ભાર તળે જીવે છે. એટલે વાંગચુકે શૈક્ષણિક સુધારા કરવાની ગાંઠ વાળી લીધી.

ફે ગામમાં સેમકોલ સ્કૂલનું મુખ્ય બિલ્ડિંગ

વાંગચુક ૧૯૮૭માં મિકેનિકલ એન્જિનિયરિંગ પૂરું કરીને લદાખ પાછા ફર્યા અને બીજા જ વર્ષે ૧૯૮૮માં સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મુવમેન્ટ ઓફ લદાખ (સેકમોલ) નામની ક્રાંતિકારી સંસ્થા સ્થાપી. આ સંસ્થાનો હેતુ 'એલિયન એજ્યુકેશન સિસ્ટમ'નો ભોગ બનેલા લદાખી વિદ્યાર્થીઓમાં ફરી એકવાર આત્મવિશ્વાસનો સંચાર કરવાનો છે. આ આખી ઈન્સ્ટિટયુટના તમામ ઉપકરણો વીજળીથી નહીં, સૂર્ય ઊર્જાથી ચાલે છે, જેની પાછળ વાંગચુક અને બીજા વિદ્યાર્થીઓની મહેનત છે.

વર્ષ ૧૯૯૪માં કેન્દ્ર સરકાર, સિવિલ સોસાયટી અને ગ્રામ્ય આગેવાનોએ સરકારી સ્કૂલોમાં શિક્ષણનું સ્તર સુધારવા 'ઓપરેશન ન્યૂ હોપ' શરૂ કર્યું હતું. આ યોજનામાં પણ વાંગચુક ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યા છે. એક સમયે લદાખમાં ધોરણ ૧૦માં માંડ પાંચ ટકા વિદ્યાર્થી પાસ થતા હતા, પરંતુ આ આંદોલન પછી સફળતાની ટકાવારી ૭૫ ટકાએ પહોંચી ગઈ છે! 

***

મહાન વિચારક ચાણક્યે કહ્યું હતું કે, ''શિક્ષક કભી સાધારણ નહીં હોતા. પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમેં પલતે હૈ...'' આ વાત ચાણક્યએ સોનમ વાંગચુકને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરનારા અને ખુદ સોનમ વાંગચુક જેવા 'અસાધારણ' શિક્ષકો માટે કરી હશે!

1 comment:

  1. Very nice, innovative & interesting article.
    Good job done.
    👍

    ReplyDelete